‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘સન્નિધાન અનૌપચારિક અને મુક્તમંચ છે’ : સતીશ વ્યાસ


સતીશ વ્યાસ

‘સન્નિધાન અનૌપચારિક અને મુક્ત મંચ છે’

‘પ્રત્યક્ષ’-૧૯માં પ્રકાશિત થયેલી ભરત મહેતાની પત્રચર્ચામાં ‘સન્નિધાન’ સંદર્ભે જે ટીકા કરવામાં આવી છે તે ખોટી છે. ‘સન્નિધાન’ અનૌપચારિક અને મુક્ત મંચ છે. એની બેઠકોમાં તમામ સભ્યો નિખાલસ, સ્પષ્ટ અને નિર્ભીક ચર્ચાઓ કરી શકે છે. ‘સન્નિધાન’ કોઈ બેત્રણ વ્યક્તિઓની સંસ્થા નથી જ નથી. કશાય પક્ષપાત વિના એ જરૂરિયાત પ્રમાણે કોઈપણ તજ્‌જ્ઞની સેવાનો લાભ લે છે. સૌ સાથે મળીને સર્વાનુમતે નિર્ણયો લે છે. અહીં કોઈને માથે કશુંય લાદવામાં આવતું નથી ત્યારે એના પ્રયોજકશ્રી માટે ‘મુખિયાપણું’ જેવો શબ્દપ્રયોગ ‘સન્નિધાન’ના સૌ કોઈ માટે ગૌરવહનન કરે છે. ખરેખર તો શિબિરોમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સમેત સૌને પ્રશ્નો અને વાદવિવાદ માટે ‘સન્નિધાન’માં પૂરી મોકળાશ છે. હકીકતે તો આપણી ઇજારાગ્રસ્ત પેઢીઓ જેવી સંસ્થાઓ સામેનું એક નોંધપાત્ર નિદર્શન બનવાની નેમ રાખતું, લોકશાહી રીતરસમોનું સાચા અર્થમાં મૂલ્ય કરતું આ સ્વાયત્ત એકમ છે. ભાવનગર શિબિર માટે આયોજકોમાંથી નવા વક્તા મિત્રોને પસંદ કર્યા ત્યારે પ્રત્યેક સાથે એક એક પરામર્શક રાખેલા. પરામર્શક સાથે મળીને વક્તવ્યનો મુસદ્દો થાય, શિબિરમાં એ રજૂ થાય; ત્યાં થયેલી ચર્ચાઓનો લાભ લેવાય ઉપરાંત તંત્રીશ્રીનાં ઉપયોગી સૂચનોને ધ્યાનમાં લઈને વક્તવ્ય લેખરૂપે પુનર્લેખન પામે અને ‘સન્નિધાન’માં છપાય : એવા સર્વાનુમતે નક્કી થયેલા અભિગમ વખતની બેઠકમાં ભરત મહેતા પણ હાજર હતા. ભાવનગર શિબિરમાં એમણે વક્તવ્યો રજૂ કર્યાં એ પછી ‘થ્રી સિસ્ટર્સ’ વિશેના એમના લખાણમાં સુમન શાહે સૂચનો કરેલાં; એ સૂચનો સમેતનું લખાણ હજી આજની તારીખે ય ભરત મહેતા પાસે જ છે. લખાણ સુધારીને, પુનર્લેખન કરીને લેખરૂપે ‘સન્નિધાન’ને મોકલ્યા વિના એ છપાય જ કેવી રીતે? ‘થ્રી સિસ્ટર્સ’ વિશે ભરત મહેતાનો ભિન્નમત હોય તો એ સુમન શાહને અને સૌને આવકાર્ય હતો. માત્ર સૂચન એવું હતું કે – ‘હું એમના મત સાથે સંમત નથી’ – એવું વિધાનમાત્ર કરી દેવાથી ન ચાલે. એ માટે જરૂરી દૃષ્ટાંત કે અનિવાર્ય ચર્ચા દ્વારા એમણે એમના મતને સમર્થિત કરી આપવો. જ્યાં એ લખાણ લેખરૂપ પામીને પરત આવ્યું જ ન હોય ત્યાં બીજું શું કહેવાનું હોય? ‘સન્નિધાન’ની નીતિરીતિ એવી છે કે એમાં અપાયેલ વક્તવ્ય લેખરૂપે તૈયાર કરીને સૌ પ્રથમ ‘સન્નિધાન’માં જ પ્રગટ થાય. ભરત મહેતાએ પૂર્વે ‘જાલકા’ વિશેનો લેખ અન્યત્ર પ્રગટ કરાવીને ઉક્ત રસમનું ઉલ્લંઘન કરેલું. આવું અન્ય કોઈ સભ્યે કર્યું નથી. લેખોને વધારે મુદ્દાસર, અધ્યાપકલક્ષી અને વિદ્યાર્થીલક્ષી બનાવવા માટેનાં સૂચનો માત્ર ભરત મહેતા માટે નહીં પણ પ્રયોજક સમેત સૌ કોઈને માટે થતાં હોય છે. એમની પત્રચર્ચામાંની અન્ય વિગતો ‘સન્નિધાન’ને સ્પર્શતી ના હોવાથી અમે એમાં ઊતરતા નથી.

અમદાવાદ, ૨૪-૧૧-૯૬

– સતીશ વ્યાસ

(સન્નિધાનના આયોજકો વતી)
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૯૬, પૃ. ૪૧]