‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘મુખપૃષ્ઠ અને...’
બદલાયેલા નવા મુખપૃષ્ઠ વિશે તથા એ અંક ૨૦૧૧, જાન્યુ.-માર્ચની બીજી વિગતો વિશે
૧૦.૧ : નરોત્તમ પલાણ
પ્રિય રમણભાઈ, વીશ વર્ષની સંસ્કારી છોકરી જેવો ૨૦૧૧નો પહેલો અંક ભારે ગમી ગયો છે! આર્ટ પેપર અને આધુનિક ટેક્નિક, કલાનો એક નવો ઉન્મેષ લઈને ગતિમાન બની છે. શ્રી અરવિંદ આશ્રમનું ‘એઈમ’ અને ઘર આંગણે ‘ઉદ્દેશ’ પછી ‘પ્રત્યક્ષ’ ફોટોગ્રાફી અને એના સંયોજનથી નયનરમ્ય બની આવ્યું છે. ‘પ્રત્યક્ષ’નો ટાઇટલ વિન્યાસ આમ પ્રથમથી જ સુરુચિપૂર્ણ છે, પણ છેલ્લાં પાંચ-સાત વર્ષથી ટાઇટલ ઉપર સમીક્ષકોનાં નામ મૂકવાની પ્રથા, આ અંકથી ફરી તે ગમ્યું છે. ‘મિતાક્ષર’ (ભોગીલાલ ગાંધી) વિશેનું પ્રત્યક્ષીય વાંચીને, ખાસ તો છેલ્લા ટાઇટલનું અવતરણ વાંચીને મેં પુનઃ ‘મિતાક્ષર’ ફેરવ્યું અને મારા રસના વિષય ‘ભક્તિપ્રણાલીની અવિરત ધારા’ ધ્યાનથી વાંચ્યું. ભોગીલાલ ગાંધી ૧૯૭૦માં જે ચિંતવે છે તે આજે ૩૦ વર્ષ પછી પણ ધ્યાનાર્હ છે. ‘માનવીની ભવાઈ’ની કથા-ફિલ્મચર્ચા રસિક રહી. મને યાદ છે કે કથાના અંતિમ દૃશ્ય ‘અરે પાણીય નથી નકર -’ એમ બોલીને રાજુ પોતાના સ્તન કાળુના મુખમાં આપે તે વિશે ‘ગ્રંથ’ (સં. યશવંત દોશી)માં પત્રચર્ચા ચાલેલી. મેં એવો તર્ક કરેલો કે પાણીની અવેજીમાં સ્તન ચાલી શકે તેમ નથી, કારણ કે કુંવારીને દૂધ ન હોય! ફિલ્મમાં પણ રાજુ કાળુને માથે સાડલો ઓઢાડીને ઉર ઉપર લે તે દૃશ્ય છે. અહીં સ્થૂળ નહિ, ગંગર નોંધે છે તેમ ‘ઐન્દ્રિય’(સૂક્ષ્મ) તરસ છિપાય છે. આ લેખના અંતે તમારી સંપાદકીય નોંધ અને નીતિ યોગ્ય છે. ‘પ્રા.’ ‘ડૉ.’ કે એવી કોઈ સંજ્ઞા જરૂરી નથી જ. પરંતુ એ જ રીતે ‘વી. બી.’ ગણાત્રામાં ‘વી. બી.’ પણ અયોગ્ય અને અશુદ્ધ છે. ‘આર. સી.’ના બદલે ‘૨. છો.’ યોગ્ય-શુદ્ધ રહે. માતૃભાષાના ચાહકે પોતાનું નામ ગુજરાતી આદ્યાક્ષરોમાં જ લખવું ઘટે. ખેર, ‘પ્રત્યક્ષ’ના આ પ્રથમ અંકના ટાઇટલ માટે સંપાદક તરીકે અને સંયોજક તરીકે બેવડાં અભિનંદન.
પોરબંદર
– નરોત્તમ પલાણ
૨૭ એપ્રિલ ૨૦૧૧
૧૦.૨ : અરુણા જાડેજા
મુ. સોનીસાહેબ, નમસ્તે. બે અભિનંદન આપવા સારુ આ કાગળ. એક તો ‘પ્રત્યક્ષ’ના મુખપૃષ્ઠને નવા રૂપમાં જોઈ ઘણો આનંદ થયો. કદમ્બ કોને ના વહાલું? મને કેવું લાગ્યું, કહું? કોઈએ કદમ્બના વૃક્ષને ઢાકાઈ મલમલ ઓઢાડી દીધી હોય તેવું. બીજુંય એક સાંભર્યું. ‘મુગલે આઝમ’માં પારદર્શક આવરણ ઓઢીને ઊભેલી મધુબાલા, શિલ્પકાર સંતરાશે(સ) તરાસેલી. ગમ્યું. ખૂબ જ. અને બીજું તે, આપે અમારું એક કામ કર્યું. સાહિત્ય અકાદેમી (દિલ્હી)વાળા એમનાં પ્રકાશનોમાં મુખપૃષ્ઠ પર મોટેભાગે અનુવાદકનું નામ નથી આપતા. હા, અનુવાદ સાથે સંપાદન હોય તો પાછા આપે! ૨૦૦૯માં આશા બગેની ‘ભૂમિ’નો મારો અનુવાદ બહાર પડ્યો એટલે આશાતાઈએ મને પૂછ્યું, “કેમ આમ? તારું નામ નથી! મને ગુજરાતમાં કોણ ઓળખે?” મેં કહ્યું, “અકાદેમી પહેલેથી નથી આપતી.” એ જ અરસામાં ગામમાં કંઈ પુસ્તકમેળો ભરાયેલો. અમારાં કુટુંબની બે-ત્રણ બહેનો ત્યાં જઈ ચઢી. ખાસ વાંચવાવાળી નહીં પણ મને બહુ માને. તેથી એમને થયું કે આવ્યાં છીએ તો તાઈનાં પુસ્તકો લઈએ. અને ૨૦૦૯માં મારા ત્રણ અનુવાદો બહાર – પડેલા. ‘અકાદેમી’ સિવાયના બીજા બે, જેના મુખપૃષ્ઠ પર મારું નામ હતું તે એમને મળી ગયા. પેલો અકાદેમીવાળો એમને દેખાયો નહીં કે મળ્યો નહીં. ત્યારે મેં આપને કહેલું કે આપ અકાદેમીની સલાહકાર સમિતિમાં છો તો આ વાત મૂકોને. પછીથી આપે મને કહેલું કે મેં વાત તો ભારપૂર્વક રજૂ કરી છે, એમને સમજાઈ પણ છે. જોઈએ... ...હમણાં ૨૦૧૧ની શરૂઆતમાં એક ગુજરાતી અનુવાદ જોયો, મુખપૃષ્ઠ પર અનુવાદકનું નામ જોઈ હું બહુ રાજી થઈ. મેં તરત જ દિલ્હી અને મુંબઈ બેઉ જગ્યાએ અભિનંદન આપતી અને આભાર માનતી ઈ.મેઇલ કરી દીધી હતી. ચાલો, તમે હલાવ્યું તો આગળ વધ્યું ખરું! આ મોટા લોકો અનુવાદકને ના પૂછે તો અમુક નાનાને તો ગાંઠે જ શાના? બીજા મુદ્દે મારી વાત પણ રજૂ કરી દઉં. હમણાં ‘પરબ’ માટે ‘છેલ્લા દાયકાના અનુવાદનું સરવૈયું’ લેખ માટે વિગતો કાઢતાં એક બાબત સ્પષ્ટપણે તરી આવી કે કેટકેટલા અનુવાદોમાં મુખપૃષ્ઠ પર અનુવાદકનું નામ જ નથી. એટલે અમ અનુવાદકો ત્રાહિત જેવા! મરાઠીમાં આ માટે એક સરસ શબ્દ છે ‘उपरा’ એટલે બહારનો, Outsider. જોકે અનુવાદકોની જમાત તો તુકારામે કહી છે એવી : “द्याल ठाव तरी राहेन संगति, संताचे पंगति पायांपाशी ।” અર્થાત્ – “તમે આશરો દેશો તો તમારા સંગે રહીશ, સંતો સંગે તમ ચરણોમાં પડ્યો રહીશ.” અનુવાદક ક્યાં આગલી હરોળ માગે છે? પણ પાછલીમાં તો એને રાખો! મુખપૃષ્ઠ પર મોટા ફાફડા જેવા ફોન્ટમાં નહીં તો કંઈ નહીં પણ ગાંઠિયા જેવા ફોન્ટમાં તો એમને રાખો. પણ પછી સાવ ‘દૂધપૌંઆ’માં ખપાવીને કીડી જેવા ના આપો, કે ખેરાતમાં આપતા હોય તેમ મુખપૃષ્ઠના એકાદા રંગમાં ખવાઈ જાય એમ પણ ન આપો. ‘હવે તો બસ ને!” એમ પણ ના આપો... આ બાબતે ‘ઇમેજે’ ૨૦૦૫માં, હું સાવ નવી, કોઈ મારું નામ જાણે નહીં (આજેય ઘણા નથી જાણતા) તોય ‘ઈડલી, ઓર્કિડ’ના મુખપૃષ્ઠ પર માફકસર ફોન્ટમાં દેખાય એમ મુખપૃષ્ઠ પર નામ છાપેલું, એ કેમ ભુલાય? એ જ અરસામાં એક પ્રકાશકે એકેકા લેખકના ત્રણ ત્રણ ભાષામાં અનુવાદો કરાવેલા. એમાં મારોય એક હતો. હું તો પહેલવારકી; પડખામાં જોઉં તો નહીં, ઘોડિયામાંય નહીં! પછી શોધતાં શોધતાં વેઇટિંગ રૂમ (સ્ટોર રૂમ નથી કહેતી)ની ભીડમાં - કોપીરાઈટ, કિંમત, પ્રકાશક, મુદ્રક સંગે કીડી જેવા ફોન્ટમાં નામ જડી આવ્યું. પ્રકાશકને પૂછ્યું તો કહે, “અમે (કંઈ એવા) અનુવાદકોનાં નામબામ છાપતા નથી.” થયું: હશે. ત્યારબાદ ઠેઠ હમણાં આ સરવૈયામાં એ પ્રકાશકવાળા મારા એક સહપ્રવાસી મળી ગયા, ફોન પર. થયું, લાવ એમને પૂછી જોઉં. એ મારા કરતાં મુરબ્બી, પગદંડોય જમાવેલા. એમણે કહ્યું કે મેં તો પ્રકાશકને કહી દીધું કે, તો અનુવાદ છાપવાનો રહેવા દો. અમે શેઠિયા નથી તો વેઠિયાય નથી. હું તો આભી જ. પછી મને થયું કે પણ અમે પોઠિયા તો ખરા જ, મહાદેવજીવાળાય ખરા. અવરજનોએ મારાં જેવાંને ગાતાં સાંભળ્યાં હોય : ‘ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને...’ એટલે એમણે માની લીધું હશે કે આપણે તો અંતરનું અભિમાન મેલી દીધું છે, સમજ્યા હવે. જોકે તોય અમને પૂછનારા છે, પાંચમાં લેનારા છે અને પોંખનારાય છે એમનો ગણ કેમ ભુલાય? હવે પછીના ‘પ્રત્યક્ષ’ના મુખપૃષ્ઠ ઉપર કયું ફૂલ જોવા મળશે એની આતુરતા સાથે,
અમદાવાદ
૨૮-૪-૨૦૧૧
– અરુણા જાડેજાની વંદન
૧૦.૩ : ઈશ્વરભાઈ પટેલ
પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ નિયમિત મળે છે. જાન્યુ.-માર્ચનું આપનું પ્રત્યક્ષીય માણ્યું. પહેલા પેરેગ્રાફમાં ‘બધાંનાં ડૂંડાંમાં દાણા કેટલા છે એ તો વસંત પછી ખબર પડશે – પડશે તો!’ એ બહુ ઔચિત્યભર્યું માર્મિક વિધાન છે. ‘મિતાક્ષર’ વિશે લખતાં આપે મિતાક્ષર [શબ્દ]ની અર્થસ્પષ્ટતા કર્યા પછી લેખોમાં સમાવિષ્ટ વિષયવસ્તુનું અવલોકન કરતાં ભોગીભાઈની સૂક્ષ્મતાઓ વિગતે બતાવી છે તે ગમ્યું – તમે એમની સાહિત્યિક ચેતનાની રગને બરાબર પિછાણી છે એમ લાગ્યું. આવા સર્વાંગ સુંદર લેખ બદલ અભિનંદન. ધન્યવાદ. સામયિકનું મેટર આટલું સરસ સરસ હોય પછી કવરપેજની સજાવટમાં દોડ કરવાની જરૂર મને તો લાગતી નથી. આપને ગમ્યું તે. કવરપેજ માટે ‘સંસ્કૃતિ’ની રવાલ (ચાલ) પૂરતી સંતર્પક હતી.
ઊંઝા
૨૯-૪-૨૦૧૧
ભવદીય
ઈશ્વરભાઈ પટેલ
* હેમંત દવેના એક e-mailમાં અને શરીફા વીજળીવાળાના ફોનમાં પણ, ‘પ્રત્યક્ષ’ની જૂની મુખપૃષ્ઠ સજાવટ જ એમને વધુ ગમતી હોવાના નિર્દેશો હતા. – સંપાદક
૧૦.૪ : રમણીક સોમેશ્વર
પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’-૭૭ મળ્યું. મુખપૃષ્ઠને રંગીન બનાવી તમે ‘પ્રત્યક્ષ’ની એક નવી ઓળખ ઊભી કરી. મુખપૃષ્ઠની અગાઉની પરંપરા એક ઓળખરૂપ હતી જ, પરંતુ ચિત્રકળા છબીકળાનું સાયુજ્ય સાંપડતાં એને નવો આયામ મળ્યો – એવું મને લાગે છે. છાયા-પ્રકાશનું કલાત્મક સંયોજન, આરંભે અને અંતે બદલાતી રંગછટાઓમાં ઝિલાતી કદંબ-વૃક્ષની લીલા સૌંદર્યાનુભૂતિ કરાવે છે. તમારું ‘પ્રત્યક્ષીય’ હંમેશાં અભ્યાસપૂર્વક કંઈક નવી વાત લાવે. ભોગીલાલ ગાંધીના ‘મિતાક્ષર’નો મિતાક્ષરી પરિચય અને અંતે [ચોથા પૂંઠે] મુકાયેલું એમનું અવતરણ એ વિસરાઈ ગયેલા ગ્રંથને ખોળી કાઢવા પ્રેરે. સ્થાયી સ્થંભોમાં ‘સંસ્થાવિશેષ’ની વાત કરતાં ડંકેશ ઓઝાએ સંસ્થાઓ પછી હવે નગરોની સાહિત્યપ્રવૃત્તિની વાત આદરી છે એ પણ ગમ્યું. એ રીતે ગુજરાતનાં નગરોનો એક નવો પરિચય સાંપડશે. ‘વરેણ્ય’ હંમેશાં આકર્ષક. મારા જેવાને એમાંથી નવી નવી દિશાઓનો આલોક સાંપડે. વાચનવિશેષ’માં ‘મૂળસોતાં ઉખડેલાં’ની વાત હૃદયસ્પર્શી. અંતરને વલોવી નાખનારી, ઝકઝોરનારી. વાચકોને અવશ્ય મૂળ પુસ્તક તરફ લઈ જાય એ રીતે વિગતે વાત મુકાઈ છે. ‘રૂપાંતર’ દ્વારા કથા અને ફિલ્મોના ઊંડાણમાં પ્રવેશવાનું ગમે છે. અમૃત ગંગરનાં કથા અને શિલ્પ બંને વિશેનાં નિરીક્ષણો ઊંડાણભર્યાં, સચોટ, સ્પષ્ટ. જુઓ, ‘માનવીની ભવાઈ’ નવલની વાત કરતાં જ એમણે ‘કાળપ્રધાન’ નવલકથા વિશે વિગતે વાત માંડી. ‘દર્શક’ના મંતવ્ય સાથે ક્યાંક અસહમત થયા તો એ વિશેના પોતાના મંતવ્ય સાથે એની વાત પણ સ્પષ્ટપણે કરી. “વાર્તાકાર પન્નાલાલ પટેલના શબ્દોનો સ્વભાવ મૂળગત રીતે ઐન્દ્રિય છે (વિષયી નહીં) અને તે ગમે તેવી કરુણ પરિસ્થિતિમાં આશ્ચર્યકારક રીતે પ્રગટી શકે છે.” – આ અને આવાં નિરીક્ષણો દ્વારા નવલકથાકાર પન્નાલાલનો વિશેષ અને સામે પક્ષે ફિલ્મને લોકપ્રિય બનાવવા જતાં કલાપક્ષે રહી ગયેલ અપાર ક્ષતિઓને એમણે સ-રસ રીતે ચીંધી બતાવી. મને તો અમૃત ગંગરની સંદર્ભનોંધો પણ આકર્ષક લાગે છે. એમાં કેટકેટલી નવી વાતો અને એના વ્યાપના પરિચયમાં આપણે મુકાઈએ છીએ! ફિલ્મ અને પુસ્તકની વાત કરતાં એક નોંધમાં તેઓ લખે છે, “...છતાં મને એવું લાગે છે કે પુસ્તક-વાચનની ક્રિયામાં મનન(કન્ટેમ્પલેટ) કરવાનો અવકાશ વધારે છે, કારણ કે તેમાં ચક્ષુ સિવાયની આપણી અન્ય ઇન્દ્રિયો સ્વતંત્ર રહે છે. શબ્દની તાત્ત્વિક અમૂર્તતા કદાચ આપણા કલ્પનાવકાશને બહોળો કરતી રહે છે.” ‘રૂપાંતર’ એ ‘પ્રત્યક્ષ’નો વિશિષ્ટ સ્થંભ છે. ‘પ્રત્યક્ષ’નો અંક વાંચતાં વાંચતાં આમ સહજભાવે એનો આનંદ તમારી સાથે વહેંચવાનું મન થયું. શેષ કુશળ
વડોદરા, ૭-૫-૨૦૧૧
– રમણીક સોમેશ્વર
૧૦.૫ : કાન્તિ પટેલ
પ્રિય રમણભાઈ, જોતજોતામાં ‘પ્રત્યક્ષ’ વીસમા વર્ષમાં પ્રવેશ્યું તે જોઈ-જાણી હરખ થયો. વીસીમાં પ્રવેશવાના માનમાં જ હશે કદાચ, જાન્યુઆરી-માર્ચ ૨૦૧૧ના અંકમાં મુખપૃષ્ઠ, સુશોભનમાં નયનરમ્ય ફેરફારો જોઈને એટલો જ આનંદ થયો. સુસજ્જ અધ્યાપક, અભ્યાસી વિવેચક-સંશોધક તથા બહુશ્રુત, સનિષ્ઠ સંપાદક જેવાં અનેક વિશેષણોમાં હવે એક છોગું ઉમેરાયું, તસવીરકાર રમણ સોનીનું! મુદ્રણકળામાં પાવરધા એવા માણસને તસવીરકાર બન્યા વિના ચાલે જ નહીં. તમે લીધેલી આ અનુપમ તસવીરમાં કુદરતની રંગીની સાથે તેની નજાકતનો પણ સ્પર્શ અનુભવાય છે. રંગોના પ્રાબલ્યને સૌમ્ય બનાવીને તમે તેને આહ્લાદક રૂપ આપ્યું છે. વધુમાં તસવીરને મુખપૃષ્ઠ પર સુંદર અને સહજ રીતે સંગોપી દીધી છે. હવેથી ‘પ્રત્યક્ષ’ આવું ખુશમિજાજી અને રંગીન હશે એવું ઇચ્છું છું. ‘સાદગી’નું પણ સૌંદર્ય હોય છે પણ તેનો મોહ એટલો સારો નહીં. જાન્યુઆરી અંકની અન્ય સામગ્રી પણ એટલી જ સારી છે પણ તમે ‘પ્રત્યક્ષીય’માં ભોગીભાઈના ‘મિતાક્ષર’ની સમૃદ્ધિને પ્રકાશમાં લાવ્યા તે જોઈ-જાણી સંતોષ પામ્યો. મારા અભિનંદન સ્વીકારશો.
૧૦-૫-૨૦૧૧
(વિલેપાર્લે, મુંબઈ)
– કાન્તિ પટેલ