‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/પ્રસન્નતા અને શુભેચ્છા : પ્રવીણ જે. પટેલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૧
પ્રવીણ જે. પટેલ

પ્રસન્નતા અને શુભેચ્છા

સ્નેહીશ્રી રમણભાઈ, કુશળ હશો. આપના તરફથી નિયમિત રીતે ‘પ્રત્યક્ષ’ મળતું રહે છે. અને તે વાંચીને સામ્પ્રત ગુજરાતી સાહિત્યના પ્રવાહોથી પરિચિત થતો રહું છું. પ્રત્યક્ષીય તો અચૂક વાંચુ જ છું. તમારા ચિંતનીય અને ક્યારેક ક્યારેક ઊહાપોહ કરતા વિચારોથી પ્રસન્નતા પણ અનુભવું છું. એક ઉત્તમ સુવર્ણકારને શોભે તેવું તમારું ભાષાકીય નકશીકામ તો ક્યારેક ચકિત કરી દે છે. તદુપરાંત અનેક અભ્યાસપૂર્ણ અને મનનીય લેખો તથા પુસ્તક-પરિચયો દ્વારા ગુજરાતી સાહિત્યના સામ્પ્રત પ્રવાહોનો સારો એવો ખ્યાલ મળતો રહે છે. છેલ્લા અંકમાં આપે આપેલ નીરવ પટેલ દ્વારા સંપાદિત ગુજરાતી દલિત કવિતાનો એક તટસ્થ છતાં સહાનુભૂતિભર્યો પરિચય ખરેખર નોંધપાત્ર છે. અને ત્રિદીપ સુહૃદના એક અંગ્રેજી પુસ્તકની હિમ્મતરામ વજેશંકર શાસ્ત્રીના નામે[1] લખાયેલ વિવેચના પણ અભ્યાસપૂર્ણ વિવેચન કેવું હોઈ શકે તેનો એક ઉત્તમ નમૂનો છે. ગુજરાતીમાં સામયિક પ્રકાશિત કરવું એ જ એક મોટું સાહસ છે તે કોણ નથી જાણતું? અને તેની ઉત્તમોત્તમ ગુણવત્તા સતત જાળવી રાખીને નિયમિત રીતે તેને પ્રકાશિત કરવું એ તો એનાથી પણ દુષ્કર સાહસ છે એ આપણા સૌનો અનુભવ છે. આપ આવું સુંદર અને ધ્યેયલક્ષી ગુજરાતી સામયિક છેલ્લાં ૨૦ વર્ષથી સમ્પાદિત કરી રહ્યા છો, અને ગુજરાતી સાહિત્યની તથા ગુજરાતની અમૂલ્ય સેવા કરી રહ્યા છો તે બદલ તમારા એક જૂના મિત્ર અને સાથી[2] તરીકે ગૌરવની લાગણી અનુભવું છું. આવી સુંદર સેવા આવનારાં અનેક વર્ષો સુધી અવિરત કરતા રહો તેવી શુભેચ્છાઓ સાથે પ્રત્યક્ષના શુભેચ્છક સભ્યપદ માટેનો રૂ. ૩૦૦૦નો ચેક મોકલું છું તે સ્વીકારીને આભારી કરશો.

વડોદરા : ૨૧ જુલાઈ ૨૦૧૧

– પ્રવીણ જે. પટેલ

  1. એ લેખકના મૂળ નામ માટે જુઓ આ અંકના લેખકો’ (પૃ. ૪૬)
  2. પ્રો. પટેલ ત્યારે વડોદરા યુનિ.માં સોશ્યોલૉજીના વિદ્વાન પ્રોફેસર, અને આટ્‌ર્સ ફેકલ્ટીના ડીન હતા. એ પછી સ.પ. યુનિવર્સિટીમાં કુલપતિ પણ હતા.

(જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૧, પૃ. ૫૩)