‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘સાહિત્ય અકાદેમી’ વિશે થોડી વાત, થોડી પૂર્તિ : રાજેન્દ્ર મહેતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૩
રાજેન્દ્ર મહેતા

[‘સાહિત્ય અકાદમી’ વિશે થોડી વાત, પૂર્તિ]

પ્રિય રમણભાઈ ‘પ્રત્યક્ષ’, જાન્યુ.-માર્ચ ૨૦૦૭ના અંકમાં ભારતીય સાહિત્ય અકાદેમી વિશે શ્રી ડંકેશ ઓઝાએ લખેલ ‘પરિચય અને પ્રતિભાવ’ વિશે થોડી વાત, પૂર્તિ અને પ્રશ્નોરૂપે. સૌપ્રથમ ઉક્ત લેખમાં દૃશ્યમાન થયેલ વિગતદોષ અંગે : આ સંસ્થાનું નામ ‘સાહિત્ય અકાદેમી’ છે, ‘ભારતીય સાહિત્ય અકાદમી’ નહીં. સંસ્થાના મુખપત્ર, પ્રકાશનો, સામાન્ય વિવરણ પત્રિકા (જે હિન્દી-અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે) ઇત્યાદિમાં સર્વત્ર ‘સાહિત્ય અકાદેમી’ તરીકે જ સંસ્થાનો ઉલ્લેખ થયો / થાય છે. અંગ્રેજીમાં પણ Academy નહીં, AKADEMI જ લખાય છે) બીજા શબ્દોમાં, ‘સાહિત્ય અકાદેમી’ વાંચીએ /સાંભળીએ એટલે આ સંસ્થાનું જ અભિજ્ઞાન મળે. બાકીની રાજ્યોની અકાદમીઓ પોતાના નામ પૂર્વે રાજ્યનું નામ અવશ્ય ઉમેરે. દા.ત. ગુજરાત સાહિત્ય અકાદમી. શ્રી ડંકેશ ઓઝા લખે છે : ‘અકાદમીએ બંધારણ-માન્ય ભાષાઓમાં બંધાવાને બદલે તે ઉપરાંતની અને અંગ્રેજી ભાષાનો સુધ્ધાં પોતાની કામગીરીમાં સમાવેશ કર્યો છે...!’ પરંતુ અંગ્રેજી પણ આપણા બંધારણની માન્યતા-પ્રાપ્ત, બંધારણમાન્ય ભાષા જ છે!! શ્રી ઓઝા લખે છે કે ફેલોશિપ ‘અત્યાર સુધીમાં સિત્તેર જેટલા લેખકોને અપાઈ છે.’ પણ ૧૯૬૮થી અત્યાર સુધી આ ફેલોશિપ ૬૩ લેખકોને અપાઈ છે. કુલ ૭ વિદેશી (ઇંગ્લિશ, ચાઈનીઝ, ઇઝરાયેલી અને રશિયન) વિદ્વાનોને માનદ્‌ ફેલોશિપ અપાઈ છે. (રાજેન્દ્ર શાહને ૧૯૯૯માં અપાયેલી, કાલેલકરને ૧૯૭૧માં, વિ. ર. ત્રિવેદીને ૧૯૭૩માં અને ઉમાશંકર જોશીને ૧૯૮૫માં) ‘ભાષા સન્માન’નો પ્રારંભ ૧૯૬૬થી નહીં પણ ૧૯૯૬થી કરાયો હતો. આજ સુધીમાં ૨૮ લેખકોને ભાષા-સન્માન અપાયું છે. ઉપરાંત શ્રી ઓઝાએ જે ભાષાઓની સૂચિ આપી છે, એમાં ઉચ્ચારણક્ષતિઓ છે. સંઘાલી નહીં પણ ‘સાંથાલી’ છે. ‘લેપરા’ નહીં પણ લેપ્ચા છે. ગુંડારી નહીં પણ મુંદરી, તુલુ નહીં પણ તુળુ છે. (અંગ્રેજીમાં TULU લખાયું હોય તેથી આમ થયું હશે!) ઉપરાંત તેમણે કોકબોરો અને કૂઈ જેવી ભાષાઓનો ઉલ્લેખ જ કર્યો નથી. વળી, ભાષાસન્માન કેવળ ઉક્ત ભાષાઓ માટે નહીં પણ ક્લાસિકલ (સંસ્કૃત) અને મધ્યકાલીન સાહિત્યમાં પ્રદાન માટે પણ અપાય છે. જે મેળવનારાઓમાં ચિમનલાલ શિ. ત્રિવેદીનો પણ સમાવેશ થાય છે. (તેમના સિવાય આજ સુદીમાં અન્ય પાંચ વિદ્વાનોને આ સન્માન અપાયું છે.)

અકાદેમીના પ્રત્યેક ભાષાના પુરસ્કારો સદૈવ વિવાદિત રહ્યા છે. હિન્દીમાં તો કમલેશ્વર જેવા ‘નઈ કહાની’ આંદોલનના પ્રણેતા અને બહુમાધ્યમી લેખકને છેક જીવનના અંત ભાગે ‘કિતને પાકિસ્તાન’ માટે અપાયેલું જ્યારે અલકા સરાવગીને તેમની પ્રથમ જ નવલકથા ‘કલિકથાઃ વાયા બાયપાસ’ માટે (૨૦૦૧) અપાયેલું. નાગાર્જુન હિન્દીના મોટા ગજાના સર્જક હોવા છતાં તેમને તેમના મૈથિલી કાવ્યસંગ્રહ ‘પત્રહીન નગ્ન ગાછ’ માટે ઇનામ આપેલું. હદ તો ત્યારે થયેલી જ્યારે હિન્દીના કવિ, સંસ્કૃતિકર્મી અને અનેક પદ પર રહી ચૂકેલા અશોક વાજપેયીને ૧૯૯૪માં તેમના કાવ્યસંગ્રહ ‘કહીં નહીં વહી’ માટે ઇનામ અપાયેલું ત્યારે તેઓ કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયમાં મુખ્ય સચિવ (ભારતીય સનદી સેવા) હતા અને આ અકાદેમી આ મંત્રાલયના કાર્યક્ષેત્રની જ ઉપક્રમિક સંસ્થા છે! અકાદેમીના ‘મીટ ધ ઓથર’ ઉપરાંત જે નિયમિત (શેડ્યુલ) કાર્યક્રમો છે તેમાં સંવત્સર વ્યાખ્યાનમાળા, ‘કવિ – અનુવાદક’ શ્રેણી, મેન ઍન્ડ બુક્સ, થ્રુ માય વિન્ડો, સંવાદ, મુલાકાત, કવિસંધિ, કથા સંધિ, લોક : ધ મેની વોઇસીસ, અસ્મિતા, આવિષ્કાર અને અંતરાલનો સમાવેશ થાય છે. જે ગુજરાતી સર્જકોને તેમના સર્જનના પ્રમુખ ક્ષેત્ર સિવાયના ક્ષેત્ર માટે ઇનામો મળ્યાં છે તેમાં રા. વિ. પાઠક (‘બૃહત્‌ પિંગલ’ વિવેચન માટે), નાટ્યકાર ચં. ચી. ને નાટકને બદલે ‘નાટ્ય ગઠરિયાં’ (સંસ્મરણ-પ્રવાસ) માટે અને કવિ અનિલ જોશીને નિબંધ સંગ્રહ ‘સ્ટેચ્યુ’ માટે અકાદેમી – પારિતોષિકો મળ્યા છે. શ્રી ઓઝા જણાવે છે કે, હાલના પ્રમુખ પ્રો. ગોપીચંદ નારંગ છે. વાસ્તવમાં અકાદેમીની સમગ્ર સમિતિનો કાર્યકાળ ૧૪મી માર્ચ, ૨૦૦૭ના રોજ સમાપ્ત થઈ ગયો છે. તેથી હાલ અકાદમીમાં કોઈ પ્રમુખ નથી. ઉપરાંત ઉપપ્રમુખ તરીકે પ્રસિદ્ધ બંગાળી કવિ સુનિલ ગંગોપાધ્યાય હતા. શ્રી ઓઝાએ અકાદેમીની ગુજરાતી ભાષાની સલાહકાર સમિતિની માહિતી આપી નથી. વર્ષ ૨૦૦૨-૦૭ના પાંચ વર્ષ માટે નીચેના લેખકો અકાદેમીની ગુજરાતી - ભાષાની સલાહકાર સમિતિમાં હતા. (૧) ભોળાભાઈ પટેલ : અકાદેમીના કારોબારી સભ્ય અને કન્વીનર (ગુજરાતી) (૨) કુમારપાળ દેસાઈ : મનોનીત સભ્ય (૩) અનિલા દલાલ : પ્રતિનિધિ (૪) અશ્વિન દેસાઈ : યુ.નિ. સભ્ય અન્ય સભ્યો (૫) વિનોદ હરિપ્રસાદ જોષી, (૬) વર્ષા અડાલજા (૭) નીતિન વડગામા (૮) ભગવાનદાસ પટેલ (૯) દર્શના ધોળકિયા (૧૦) સુધા નિરંજન પંડ્યા અકાદેમીનાં ગુજરાતી પ્રકાશનો અને અન્ય ભાષામાંથી ગુજરાતીમાં થયેલા અનુવાદો વિશે એક લેખ અલગથી જ આ સાથે મોકલ્યો છે.

સંદર્ભ : (૧) General Information, Pub. Sahitya Akademi (૨૦૦૩–૦૭) – રાજેન્દ્ર મહેતા


* ફૂદડી કરેલી વિગતો મુદ્રણદોષ છે, મૂળમાં તો અનુક્રમે ૧૯૯૬ અને સાંથાલી જ હતું. એ માટે દિલગીર છીએ. ‘અકાદમી’ /‘અકાદેમી’ વિશે બે વાત : મૂળ Academy (એકેડેમી)નું આપણે ‘અકાદેમી’ કર્યું એ પણ ભારતીયકરણ છે. ‘અકાદમી’ એનું ગુજરાતીકરણ લેખી શકાય; ‘ગુજરાત સાહિત્ય અકાદમી’માં આપણે એ સ્વીકાર્યું છે. ‘ભારતીય’ વિશેષણ ‘ગુજરાતી’ની તુલનામાં ઉમેરેલો છે. એથી વિશદતા રહે. અલબત્ત, ‘અકાદેમી’ એ સ્વીકૃત મુદ્રા છે ને એને એમ રાખવી જોઈતી હતી. – સંપાદક

[એપ્રિલ-જૂન, ૨૦૦૭, પૃ. ૪૧-૪૨]