મેઘાણીની સમગ્ર નવલિકા 2/એક જ ડૂબકી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|એક જ ડૂબકી}}")
 
No edit summary
 
Line 2: Line 2:


{{Heading|એક જ ડૂબકી}}
{{Heading|એક જ ડૂબકી}}
{{Poem2Open}}
<center>[૧]</center>
પચીસ વર્ષની વયે પહેલી જ વાર એ કુમાર પોતાના મોસાળમાં ગયો; અને ત્યાંથી જ્યારે પિતૃરાજ્યમાં પાછો ફર્યો ત્યારે હજારો વીંછીના ડંખ એના હૈયામાં બળતા હતા.
એનું નામ વિદુદર્ભ: રાજા પ્રસેનજિતનો એ યુવરાજ-સેનાપતિ અને શાક્યોનો એ ભાણેજ. એના હાથમાં રથના અશ્વોની લગામ હતી. લગામ ઢીલી પડી ગઈ હતી. રથની ગતિ ધડા વગરની બની હતી. ચોપાસ વિસ્તરેલા શાક્યોના રાજપ્રદેશ પર ઘૂમતી એની આંખોમાં શોણિતના દોરિયા ખેંચાયા હતા. મોસાળની કાળી રસાળી ધરા ઉપર ઝૂલતા સોનેરી મોલ અને નદી-કાંઠે મૃણાલ-શાં કૂણાં ઘાસ ચરતી ઢુંગેઢુંગ ધેનુઓ એનાં નેત્રોમાં મમતા અને ઈર્ષા, પ્રેમ અને ધિક્કાર બંને ભાવોનું ભેળું અંજન ઘૂંટી રહ્યાં હતાં.
‘આટલી બધી સમૃદ્ધિ અને તેનો ઉપભોગ કરનારા પ્રજાજનો સાવ થોડા!’ કુમાર વિદુદર્ભના અંત:કરણના ક્યારામાં રાજલોભના કોંટા ફૂટતા ગયા: ‘આ ભરચક હરિયાળી સીમને સાચવનારા પણ કોઈ ક્યાં દેખાય છે! અમારે ત્યાં અમે કરડો કડપ રાખીએ છતાં ચોરી લૂંટ અને આંતરવૈરનો આરોવારો નથી, ત્યારે આ શાક્યો તો વિનામહેનતે, કલહકંકાસ વગર મહાસુખ માણે છે!’
કોઈ એના મનની વાણી સાંભળી તો જતું નથી ને, એ શંકાએ એણે પાછળ જોયું. પાછળ પોતાના અનુચર સૈનિકો પણ પોતાની પેઠે ચોગમ લુબ્ધ નજર રમાડતા ચાલ્યા આવે છે. એનો વિચાર-તાંતણો, ઊગતા ભાનુના સુવર્ણ-રસે રેલાતી મોસાળ-ધરા ઉપર આગળ ને આગળ પથરાતો ચાલ્યો.
‘શાક્ય જુવાનોની રથ-દોડની રમતમાં મને કેમ ઊતરવા ન દીધો મારા માતામહ મહાનામને? શાક્ય લલનાઓ પોતાની કટિમેખલા દુલાવતી દુલાવતી મને દેખી મર્મોપહાસ કેમ કરતી હતી? મેં જે શાક્ય સુંદરીને વરવા ઇચ્છા કરી તેણે એમ કહાવ્યું કે શાક્યોની કન્યા સસ્તી નથી. આહાહા! એ એક નહિ પણ હજારો શાક્ય-રમણીઓને હું ક્યારે સસ્તી બનાવું!’
પાછળ રેવતોના ડાબલા ગાજ્યા, વનરાજીમાં મોરલા ગહેક્યા અને યુવાન વિદુદર્ભનો વિચાર-દોર તૂટ્યો. એક અશ્વારોહીએ આગળ આવીને નમન સાથે સેનાપતિને એનું રત્નજડિત અસ્ત્ર આપ્યું.
“કાં,” સેનાપતિ વિદુદર્ભે આવી પહોંચેલા અસવારને પ્રશ્ન કર્યો: “અસ્ત્ર આટલું જલદી હાથ આવી ગયું?”
“હા સ્વામી! કોઈ એને અડક્યું પણ નહોતું. મને કહે કે લઈ લો તમારા જ હાથે.”
“અને માતામહ શું કરતા હતા? કુમારે પોતાના નેવું વર્ષના નાના, શાક્ય ગણ-નેતા મહાનામનના ખબર જરા સ્નેહભીની લાગણીથી પૂછ્યા: “મને યાદ કરતા હતા?”
સૈનિક ચૂપ રહ્યો.
“કાંઈ પૂછ્યું નહિ?”
સૈનિક ચૂપ રહ્યો.
“શું કરતા હતા?”
સૈનિક ચૂપ રહ્યો.
‘કેટલા પ્રેમાળ માતામહ!’ યુવરાજના અંતરમાં એક ઊર્મિ-સંગ્રામ મચ્યો; ‘એમનું હેત આડે ન આવતું હોત તો હું આ પાડોશી વસુંધરાને અભિમાની શાક્યોના ભોગવટામાં ઘડીભર પણ ન રહેવા દેત. પણ મોસાળ સામે વૈર જગાવવાનું કયું કારણ બતાવીને હું આ ગણતંત્રની ગુમાની જડ ઊખેડી નાખું! પ્રત્યેક શાક્ય જ્યાં સમાન ગણાય છે. એકેએક શાક્યની મતગણતરી ઉપર જ્યાં શાસન ચલાવાય છે, હરએક શાક્ય જ્યાં પોતાના નાગરિકત્વનો ઘમંડ ધરાવે છે અને અમારા એકહથ્થુ રાજતંત્રને હલકું ગણી અવહેલના કરે છે, તે શાક્ય ગણતંત્રની હસ્તી જ અમારા તેજોવધનું, અમારા અપમાનનું, અમારે કલેજે ખટકતું કારણ છે. પણ શું કરું! માતામહના શ્વેત કેશ આડે આવે છે.’
પ્રસેનજિતનો એ સળગતો યુવરાજ પોતાની રાજધાનીમાં ગયો, માતાને મોસાળની વાતો કહેવા મળ્યો, પણ રાજરાણી વાસભખત્તિયા કોઈ અકળ કારણે વિકલ હતી. પુત્રે જેટલું કહ્યું તેટલું એ મન-મોં દીધા વગર સાંભળી રહી. એક પણ પ્રશ્ન એણે ન પૂછ્યો. એના મનમાં અકળ કોઈ ભીતિ લપાયેલી હતી. છવ્વીસ વર્ષ પૂર્વેની એક સંધ્યાએ તે પરણીને આવી હતી, તે પછી ફરી કદી એણે મહિયરમાં પગ મૂક્યો નહોતો. બાપને ઘેરથી કદી એને તેડું આવ્યું નહોતું. પતિના ઘરમાં મળેલું રાજેશ્વરીનું પદ એણે કદી મોકળે મને માણ્યું નહોતું. શાક્ય ગણતંત્રની એ લાડકી કન્યાના અંતરમાં આશ્વાસન ફક્ત એક જ હતું કે આત્માને અપમાનિત કરીને તેણે શોક્યોના રાજ્યને પ્રસેનજિતના હાથે રોળાઈ જતું બચાવ્યું હતું. જેની કૂખે ભગવાન બુદ્ધ અને મહાવીર જન્મ્યા હતા, એવા મહાન માનવકુળની કન્યા મેળવી માનીને પ્રસેનજિતે પોતાની ગૌરવવૃત્તિ તૃપ્ત કરી હતી. વાસભખત્તિયા ન મળી હોત તો છવ્વીસ વર્ષ પર પ્રસેનજિત શાક્ય ગણતંત્રની રાજલક્ષ્મીનો નાશ કરીને જ પાછો વળ્યો હોત.
પુત્રની વિદાય પછી વાસભખત્તિયાને પોતાના બળાત્કાર-લગ્નની પહેલી રાત યાદ આવી. “કેમ! હું શાક્યોનો જામાતા થયો ને?” પહેલી રાતના એ પતિ-શબ્દો એનાથી વીસરાયા નહોતા: “કે...મ! મેં એ ઘમંડીઓને નીચે પછાડ્યા કે નહિ!”
પોતે ઊંચે ન ચડી શકનાર માનવી પોતાનાથી ઊંચાને નીચે ઘસડીને જે તૃપ્તિ મેળવે છે તે તૃપ્તિ પ્રસેનજિતની પ્રથમ લગ્નરાત્રિનાં સુગંધિત અર્કો, તેલો અને પુષ્પોમાં ગંધાઈ ઊઠી હતી. ને શાક્ય પિતાના સંસ્કાર પી પીને પોષાયેલું એ સોળ વર્ષની કન્યાનું યૌવન તે રાત્રિએ મૂંગુંમૂંગું જ, એકહથ્થુ શાસનના જંગલી ઉપાસક એ એક રાજાના બાહુબળમાં ભીંસાયું હતું.
તે લગ્નનું ફળ પણ તેવું જ બાઝ્યું હતું. કુમાર વિદુદર્ભ પણ પિતૃગોત્રના સંસ્કારે સીંચાયેલ વિષવૃક્ષ-શો વધ્યો. અનાડીપણાનો એ અવતાર બન્યો. ને હમણાં જ એ જે વાતો કરી ગયો તેમાંના એક સૂચનથી જનેતા ચમકી ઊઠી હતી. “માડી,” એ બોલી ગયો: “એવી સમૃદ્ધ વસુંધરા શાક્યોને ઘરે છે છતાં, એનો ઉપભોગ કરવાની જંગાલિયત તો જુઓ! એ રાજલક્ષ્મીનો કોઈ એક ધણી નથી, લાખો ધણી સામટા એને માણે છે. ક્યાં છે ત્યાં ગગનચુંબી રાજપ્રાસાદો! ને ક્યાં છે ત્યાં વિરાટ સૈન્યો! ત્યાં તો સૌ સરખા: બેવકૂફીમાં અને સંપત્તિમાં!”
રાજમાતાએ, આપત્તિ એટલેથી જ પતી ગઈ માની, શ્વાસ હેઠે મેલ્યો. પણ કુમારની સાથે શાક્ય રાજધાનીમાં જઈ આવેલા સૈનિકોમાં થોડે જ દિવસે કશીક ગંભીર વાત ચણભણ ચણભણ ચાલુ થઈ. મોસાળમાં ભુલાયેલું સેનાપતિનું આયુધ પાછું લાવનાર સૈનિકે વિદુદર્ભને રસ્તામાં ન કહેલો જે એક પ્રસંગ તે પ્રસંગ તેણે સાથીઓને કહી દીધો; કે ‘ભુલાઈ ગયેલું આયુધ જ્યારે હું પાછું લેવા ગયો ત્યારે સેનાપતિ વિદુદર્ભ જે ફલક૪ પર બેઠા હતા તે તો મહાનામન દાસી પાસે દૂધે ધોવરાવી રહ્યા હતા. પોતાના સગા ભાણેજનું ફલક દૂધે ધોવરાવી પરિશુદ્ધ કરવાની કેમ જરૂર પડી હશે તેનો અચંબો મારા મનમાં સમાયો નહિ એટલે મેં બહાર નીકળીને એક શાક્યને પૂછી જોયું: કુલીનતાના અભિમાની શાક્યે આંખ ફાંગી કરીને તોછડાઈથી મને કહ્યું કે એ આસન મહાનામનની પોતાની પુત્રીના પુત્રથી પાવન નહોતું થયું, પણ એક શૂદ્રાના છોકરાને સ્પર્શે અભડાયું હતું, માટે દૂધે ધોવાતું હતું. મેં પૂછ્યું કે શૂદ્રાનો છોકરો કેમ? તો કહે કે શું પ્રસેનજિત એમ ખાંડ ખાય છે કે અમે એને શાક્ય-કન્યા પરણાવી હતી? નહિ રે નહિ, તમારી રાજેશ્વરી વાસભખત્તિયા તો, બાપુ, મહાનામનની રાખેલી એક શૂદ્રા દાસીની દીકરી છે! શાક્યો પોતાની કુલીનતાને હારી બેસે એવા નાદાનો નથી, સમજ્યો, ભાઈ સૈનિક! કહેજે જઈને તારા રાજાને!”
સૈનિકોમાં ચર્ચાતી આ વાતે તો સમસ્ત સેનામાં કોલાહલનું સ્વરૂપ લીધું. એક શૂદ્રાનો છોકરો સેનાપતિપદને ભ્રષ્ટ કરી રહ્યો છે! ક્ષત્રિયોથી એ અપમાન ક્ષણવાર પણ શે સહેવાય! રાજા પ્રસેનજિત પાસે વાત પહોંચી. ઉશ્કેરાઈ ગયેલી સેનાનો વિદ્રોહ ફાટી નીકળતો અટકાવવા માટે રાજા પ્રસેનજિતે વાસભખત્તિયાને અને વિદુદર્ભને રાજ્યાલયમાં ખડાં કરીને રાણીને ખરી વાત પૂછી. રાણીએ નીચે ઢળેલ મસ્તકે જવાબ દીધો:
“મને પોતાને જ ખબર નહોતી કે હું શાક્ય માતાની નહિ પણ શૂદ્રાની પુત્રી છું. પિતા મહાનામને મને દીકરીના જ લાડકોડથી ઉછેરી હતી. પિતાના આલયમાં કોઈ કરતાં કોઈએ મને મારી જનેતાની રહસ્યકથા કહી નહોતી. પિતાએ મને શાક્ય કુમારીને શોભતું જ શિક્ષણ અપાવ્યું હતું. પણ રાજા પ્રસેનજિત!” અહીં રાણીનું નમેલું મસ્તક ઉન્નત બન્યું, ને એણે ધનુષ્યની પણછના ટંકાર-સ્વરે સંભળાવ્યું: “મારા એ સાચા તાતે, શાક્યોના સાચા તાતે, શાક્યોના એ શિરછત્ર મહાનામને જે રાત્રિએ પોતાના હૃદય પરથી મને ઉતરડીને તમારે હવાલે કરી, તે દિવસે જ એણે મારી માતા શૂદ્રા દાસી રહેવાની મને ખબર દીધી હતી. હું શૂદ્રા ઠરી. તે દિવસેય મેં તમારા પ્રસાદમાં આવવા કરતાં કોઈ વારગૃહનો એક ગોખ જ વધુ પસંદ કર્યો હોત. પણ શાક્યો તમારી સાગરની પ્રલય-ભરતી-શી સેનાને અવરોધવા જેટલા સશક્ત નથી રહ્યા એમ પિતાએ મને ગોદમાં લઈને એનાં વૃદ્ધ નેત્રોનાં આંસુડે નવરાવતે નવરાવતે કહ્યું હતું. કહ્યું હતું પિતાએ, કે કડક એકપત્નીવ્રતના કાયદાએ શાક્યોની મરદ-સંખ્યાને ક્ષીણ કરી નાખી છે; કહ્યું’તું પિતાએ, કે શુદ્ધ શાક્ય-શોણિતવાળી એક પણ કન્યા કોઈ રાજાને પરણવા તૈયાર નથી, ને તૈયાર હોય તોપણ શાક્ય યુવાનો જ્યાં પોતાના માટે જ શાક્ય કન્યાઓની અછત પ્રવર્તે છે ત્યાં એક પરદેશીને શાક્ય-કન્યારત્ન લઈ જવા નહિ દે, ને મુઠ્ઠીભર છે તેટલાય અભિમાનમાં અંધા બનીને કપાઈ મરશે. કહ્યું’તું પિતાએ, કે શાક્યોનો આપને હાથે — એક રાજાને હાથે — થનારો સંહાર મહાભયંકર હશે; કહ્યું’તું પિતાએ કે શાક્ય કન્યાઓનાં શિયળ રોળાશે ને ગણતંત્રના ઉપાસકોના લોહીમાં રાજાનું લોહી મળશે તો એ મિશ્રણમાંથી અસુરો જન્મશે; કહ્યું’તું પિતાએ કે મનુષ્યોનો નહિ પણ ગણતંત્રના, લોકશાસનવાદના પવિત્ર સંસ્કારનો જ લોપ થશે. એ લોપ અટકાવવા મેં મારી જાત તમને આપી; ને એ તૈયારી મારી ન હોત, તો હજારો શાક્ય માતાઓની કૂખે કેવાં પાપ પ્રકટ્યાં હોત તેનો નમૂનો આ ઊભો સામે.”
એમ કહેતે કહેતે માતાએ હાથ વતી સગા પુત્રને ચીંધાડ્યો. અને ઝેર ગળતી હોય તેવો ઘૂંટડો ગળે ઉતારીને પાછી એ બોલી:
“પરંતુ મેં એમ ન થવા દીધું. અને આજે પણ, ઓ મહારાજ! મારી સ્વપ્નભોમમાં તરવરે છે એ યૌવનકાળની મારી છાતી ઉપર અંકિત થયેલા શાક્ય કુમારો: જેની ઊંચી ગરદનો ઉપર કાળા ચળકતા કેશ રમતા હતા, જેના સંઘેડાઉતાર ઘાટીલા દેહ પર બહુરંગી દુપટ્ટા ઝૂલતા હતા: જેના હાથમાં રમતી વિવિધરંગી લગામોનાં ફૂમકાંને અને રથ-દોડના મહાપર્વ પર જેમની રાશના ઇશારા માત્રથી અદ્ભુત રમતો બતાવતા રેવતોને હું ભૂલી નથી: રૂપ-ભોક્તા અને રંગીલા, વીરશ્રીના અને વૈરાગ્યના સરખા શોખીનો એવા શાક્યોને, ઓ મહારાજ! તમે મારી પહેલી જ રાત્રિના રંગભવનમાં અપમાનિત કર્યા! મારાં સ્વપ્નની તો મૂર્તિઓ એ છે, આ નહિ — આ મારી જ કૂખે પાકેલો પુત્ર મારો આદર્શ નથી. એ તો મારું પાપ છે.”
એમ કહીને એ બેતાલીસ વર્ષની નારી, જ્યારે ફરીવાર માથું ઝુકાવી ઊભી રહી, ત્યારે એના માથાનો સીધો, સુદીર્ધ સેંથો, કોઈ સ્વપ્નભોમમાં જઈ પહોંચવાની હિંગોળરંગી પગદંડી સમો, છેક શિખા સુધી ખેંચાયેલો દેખાયો.
“હં – હં, શાક્યદુહિતા!” પ્રસેનજિતે કટાક્ષ કર્યો: “એ તો હું સમજી ગયો. શાક્યો જૂઠાબોલા ને ઠગારા હોય છે તે તો જાણે કે તમારા કહેવા પરથી ચોખ્ખું ફૂલ થઈ ગયું. પણ શાક્યોના શિરોવંદ્ય અને શાક્ય સંથાગારના અગ્રણી એ આપના પિતાશ્રી મહાનામને અમારાં માણસોના દેખતાં જ, આપની, એટલે કે શુદ્રાની પુત્રીની સાથે એક જ ભાણામાં ભોજન લીધું હતું તે વખતે કુલીનતાને કઈ ખીંતીએ ટીંગાડી હતી? જાતપાતને ભ્રષ્ટ કરીને પોતાના ગણતંત્રની રક્ષા મેળવી એ તો જગજાહેર છે ને, શૂદ્રા! બસ, મારે તો એટલું જ જોતું હતું. શાક્યો માત્ર ધૂર્ત જ નથી, વટલેલા પણ છે.”
જવાબમાં વાસભખત્તિયાનું મોં ધીમે ધીમે ઊંચું થયું, સેંથાની કમાન સીધી ધનુષ્યાકાર બની, ને એણે હસતેહસતે કહ્યું: “શાક્યોનો બચાવ હું કરતી નથી. કુલીનતાને અને ગણતંત્રને આવી જુક્તિથી બચાવનારાઓનું તો આવી જ બન્યું છે, પણ રાજન! મારા પાલક પિતા તે દિવસ વટલ્યા નહોતા, પણ તમારા શાણા પ્રતિનિધિઓને જ તેણે કેવા મૂર્ખ બનાવ્યા હતા તેની વાત આજે તો હવે સાંભળી લો. મારી સાથેના પાત્રમાં પિતાજીનો જમણો હાથ પહેલી જ વાર બોળાયો તે જ ક્ષણે એક મહત્ત્વનો સંદેશ-પત્ર તેમને પહોંચાડવામાં આવ્યો, ડાબા હાથે એ પત્ર વાંચતા રહ્યા, જમણો હાથ એમણે ભોજનપાત્રમાં જ મૂકી રાખ્યો, ને મેં ભોજન પૂરું કરી લીધું. મહાનામને એ પહેલો કોળિયો મોં સુધી ઊંચક્યો પણ નહોતો. અને શાક્ય કન્યાનો પાણિ ગ્રહીને બુદ્ધ-મહાવીર જેવાના કુળના બરોબરિયા બની જવાની વધુ પડતી ઉતાવળમાં તમારા જ માણસો એ કરામત પ્રત્યે અંધા રહી ગયા!”
“તારું રાજેશ્વરીપદ આંચકી લેવામાં આવે છે, શૂદ્રા! અને આ શૂદ્રાપુત્રનું સેનાપતિપદ પણ.”
એ રાજ-આજ્ઞા પ્રમાણે બેઉ મા-દીકરાનાં ગૌરવપદ ઝૂંટવી લેવાયાં.
પછી ગૌરવહીન વિદુદર્ભે રાજસભાને સંબોધીને કહ્યું: “મારાં તમામ ગૌરવચિહ્નો દૂર કરો, પણ મારી ભુજાઓ તો મારી પાસે જ રહેશે. એ ભુજબળ મારી શૂદ્રા માતાના ગોત્રનું છે કે મારા પિતૃગોત્રનું? બોલો, નિર્ણય ઉચ્ચારો, શાસ્તા૫!”
શાસ્તાએ અભિપ્રાય ઉચ્ચાર્યો: “માતૃગોત્ર કરતાં પિતૃગોત્ર જ વધારે પ્રમાણ છે.”
“એટલું જ બસ છે,” એમ કહી વિદુદર્ભે ભુજાઓ ઝંઝેડી: “હું રાજતંત્રનો ઉપાસક, આ મને છેતરીને મશ્કરીનું પાત્ર બનાવનાર શાક્યોના ગણતંત્રનો એવો તો ઉચ્છેદ કરીશ કે એ નામશેષ થશે, એ સંસ્કારનું જ ધરા પરથી જડાપીટ નીકળશે, ને એ શાક્યોની માતાઓ, વધૂઓ અને પુત્રીઓનું જે શુદ્ધ શોણિત આ શૂદ્રાએ સંરક્ષ્યું છે, તેને હું ભ્રષ્ટ કરીશ. મારા બેઠેલા ભોજનાસનને પણ અસ્પૃશ્ય સમજનારને એ મહાનામનનાં ધોળાંમાં હું ધૂળ ભરીશ. ચાહે સેનાપતિપદ પાછું આપો કે ન આપો.”
<center>[૨]</center>
શાસ્તાના નિર્ણય મુજબ વિદુદર્ભ ફરીવાર સેનાપતિપદે વિરાજ્યો. ને પછી પિતાનો શિરચ્છેદ કરી, માતાને પણ ઠાર મારી, અઢળક વાહિની સાથે વિદુદર્ભ શાક્યો પર ચડ્યો.
એની ભયાનક સેના સામે ખુલ્લા રણમેદાનમાં લડવા અશક્ત શાક્યોએ નગરીના દરવાજા ભીડ્યા.
એ ભીડેલાં દ્વારને ભેદવાની વિકટતા વિદુદર્ભને બરાબર માલૂમ હતી. એણે કહાવ્યું: “કોણે કહ્યું કે હું લડવા આવ્યો છું? હું શાક્યોનો ભાણેજ મારા મોસાળ પર એવી કૂડી નજર ન નાખું. હું તો આજે વૈશાખી પૂર્ણિમાના પવિત્ર દિને ભગવાન બુદ્ધના ધામનાં દર્શને આવેલ છું.”
“ત્યારે તો દ્વાર ખોલી નાખો.”
શાક્યોની એ પ્રણાલિકા હતી. ભગવાન બુદ્ધની જીવનલીલાના સ્થાનને દર્શને આવવાનું નિમિત્ત કોઈ પણ શાક્યોના પવિત્ર અતિથિ-ધર્મને જાગ્રત કરવા માટે બસ હતું. પછી શાક્યોને અંતર વિશ્વાસઘાતનો અંદેશો રહેતો નહિ. ભગવાન બુદ્ધનું નિમિત્ત દેનાર દગલબાજી કરી શકે નહિ એવી શાક્યોની માન્યતા હતી.
દરવાજા શાક્યોએ ઉઘાડી નાખ્યા. ને પછી પ્રવેશ કરી ચૂકેલી વિદર્ભની સેનાએ કતલ આરંભી.
“ન જોશો કોઈ શસ્ત્રધારી કે નિ:શસ્ત્રનો ભેદ! ન પીગળજો કોઈ નારીની કે નાનાં ધાવણાં બાળકોની દયાર્દ્ર નજરથી! ન જોજો આજારો, વૃદ્ધો કે અશક્તો! ખેડૂતો ધાન્યને લણે તેમ શાક્યોને વાઢજો!” એવી રાજઆજ્ઞાએ સૈનિકોને પાણી ચડાવ્યું. નગરની અસજ્જ વસ્તીને વાઢતોવાઢતો વિદુદર્ભ આગળ વધ્યો. સ્ત્રીઓની હાથજોડ, સંતાનોની ચિચિયારી, વૃદ્ધોનાં વિનવણાં, ગર્ભિણીઓનાં ફાટતાં લોચન, એમાંના કશાની કારી વિદુદર્ભના હૃદય પર ફાવી નહિ. નગરના માર્ગો પર રુધિરમાં પથ્થરો તરવા લાગ્યા.
પૂરઉમંગે સંહાર ચલાવતો વિદુદર્ભ નગરમાંથી પલાયન કરનારાઓને સંહારતો મોટે દરવાજે ઊભો છે ત્યાં એકાએક સામી બજારેથી એક માણસને ચાલ્યો આવતો એ ભાળે છે. એના હાથમાં ડગુમગુ થતી લાકડી, શબોનાં ગંજેગંજ વચ્ચેથી પોતાનો માર્ગ કરે છે. એની આંખો પર સફેદ પાંપણોના પરદા છે, એનાં ધીંગાં ભવાં શ્વેત વાળને ભારે લબડેલા છે. એના પાંખા રહેલા લાંબા શિરકેશ દૂબળી ગરદન પર ઢળેલા છે.
“હા – હા – હા – હા – ઘરને ધોઈ-લીંપી લીધું કે?” વિદુદર્ભે મહેણું માર્યું. “દેખો માતામહ, આજે હું એ વિશુદ્ધીકરણ પૂરું કરું છું. મારા — દાસીપુત્રના — શ્વાસે ગંધાઈ ગયેલ શાક્યોને હું બાહ્યાંતર સ્નાન કરાવું છું. હા – હા – માતામહ, આનંદો.”
“ભાઈ! તાત! ભાણા!” બુઢ્ઢો મહાનામન બે હાથ જોડતો હતો.
“મને ક્ષમા કર. મારા એકના પાતકનો ભોગ તું શાક્યોને ન બનાવ. ભાણા! તાત! મારી દીકરીના પેટ! શાક્યોને ન સંહાર, મને એકલાને દંડ દે.
“બુઢ્ઢા!” વિદુર્ભનો સ્વર જરાક કંપ્યો: “તું ભાગી છૂટ. તારાં સંતાનોને લઈને નીકળી જા, તને અભયદાન છે. તું મારો માતામહ! તારી મને દયા આવે છે.”
“મને એકને નહિ, ભાણા!” બુઢ્ઢાના હાથ કંપતાકંપતા પૂરા ભેળા પણ થઈ શક્યા નહિ; “શાક્યોને બચાવ. આ બાળકોની, સ્ત્રીઓની, સગર્ભાઓની, સુવાવડીઓની દયા—”
“દયા! હા – હા – હા – હા – વૃદ્ધ!” વિદુદર્ભ વાતો કરતો કરતો આગળ વધતા સંહારને આનંદથી નિહાળી રહ્યો હતો. “અરે વૃદ્ધ! અમને વિદેહના રાજગાદીધરોને તું દયાથી પિગળાવવા આવ્યો છે? અમે સગા પિતાઓને સંહારી એક પછી એક ગાદીએ બેસનારા શું બાપડી શાક્ય સગર્ભાઓની અનુકમ્પા આણશું?”
“ત્યારે ભાઈ! ભાણા! એક માગણી કરું? મારા પાપનું એક નાનકડું પ્રાયશ્ચિત કરવા દઈશ?”
“તું શું માગે છે, બુઢ્ઢા?”
“આ પાણીમાં—” પોતે જે ઝરાને તીરે લાકડી ટેકવીને ઊભો હતો તે તરફ મહાનાનને આંગળી ચીંધી. “આમાં હું એક ડૂબકી મારી લઉં, ને ત્યાં લગી આ સંહાર થંભાવ, ભાણા! ત્યાં સુધીમાં ભાગનારાઓને ભાગી નીકળવા દે. એક નાની-શી પળ! એક ડૂબકી મારી લઉં ત્યાં લગી મારાં પાપનું એક નાનું પ્રાયશ્ચિત કરવા દે.”
“મારી જનેતાના પાલક, ભલે! એટલું પ્રાયશ્ચિત કરી લે ઝટ. ત્યાં અમે પણ અમારો થાકેલો શ્વાસ હેઠો મેલી લઈએ.”
એટલું કહીને રાજા વિદુદર્ભે સંહારમાં એક પળની વિરામ-પતાકા ચડાવી.
ઝરાના એક માથોડા જેટલા ઊંડા ધરામાં બુઢ્ઢાએ ડૂબકી મારી. વિદુદર્ભની થંભેલી સેના જીવ લઈને નાસતાં નગરજનોને નિહાળી મલકી રહી. બાપડાં કેટલાંક નીકળવાનાં છે!
પળો પછી પળો વીતતી હતી. ઝરણાને કાંઠે ઊભેલો વિદુદર્ભ પોતાના પાર્શ્વજનોને કહેતો હતો: “બુઢ્ઢો શાક્ય છે ખરો ને! શ્વાસ-રૂંધન કરવાની જિંદગીભરની ટેવ આજે એને કેવી રીતે કામ લાગી ગઈ! પાંચસો-હજારને બચાવવાનું પુણ્ય હાંસલ કરી જશે ખરો ડોસો!”
પોતાની સામે નગરવ્યાપી સેના ખડી હતી, પ્રત્યેક સૈનિકના હાથમાં ઉગામેલું ખડગ એક પળને માટે તોળાઈ રહ્યું હતું. જાણે કોઈ શિલ્પવિધાન કર્યું હતું!
પાછું વિદુદર્ભે ઝરાના ધરા પર જોયું. કિનારે બુઢ્ઢા મહાનામનની લાકડી અને ઉત્તરીય પડ્યાં હતાં, જળની સપાટી પર હજુ બડબડિયાં બોલતાં હતાં.
“ડોસાએ ગજબ શ્વાસ રૂંધ્યો!” એણે કંઈક કચવાટ બતાવ્યો. “આ તો ઘણા શાક્યો પલાયન કરી ગયા!”
સામે સેનાના કર-દંડોમાં તોળાઈ રહેલાં હજાર ખડગો, મોતની હજાર-હજાર જીભો જેવાં, વિદુદર્ભને મોહાવી રહ્યાં હતાં.
દરવાજે દરવાજેથી શાક્યોનાં મહાપૂર જાણે કે ચાલ્યાં જતાં હતાં.
“કેમ — રે! આ શું?” કહેતા વિદુદર્ભે ધરાનાં નીલાં ભમ્મર પાણી પર નજર કરી, બડબડિયાં બંધ થઈ ગયાં હતાં.
“આ ધૂર્ત શાક્યે શું કર્યું? ક્યાં ગયો પાજી ડોસો?”
“મહારાજ,” પાર્શ્વજને કહ્યું: “અંદરથી સરીને કોઈ ગુપ્ત માર્ગે નીકળી ન ગયો હોય! શાક્યોને તો હૃદયમાં તેમ જ પાણી નીચેનાં પડોમાં ભોંયરાં ખોદતાં આવડે છે ખરાં ને!”
“ઊતરો અંદર — ધરો ડખોળો, પોલાણ ગોતી કાઢો.”
માણસોએ અંદર પડીને ધરો ડખોળ્યો. થોડી વારે તેમણે તળિયેથી કંઈક બહાર કાઢ્યું.
એ એક ઝાડનું મૂળિયું હતું. મૂળિયાને મડાગાંઠ ભીડીને ઠૂંઠવાઈ ગયેલો એક માનવી હતો. એ શબ બુઢ્ઢા મહાનામનનું હતું.
પોતાની આશ્ચર્યમૂઢ નજરને જ્યારે એ શબ પરથી ખેસવીને રાજા વિદુદર્ભે નગરી પર દોડાવી, ત્યારે નગરી નિર્જન થઈ ગઈ હતી.
હજારો ખડગો તોળીને સેના સ્તબ્ધ ઊભી હતી. એક જ ડૂબકી હજી પૂરી નહોતી થઈ.
<center>[અઢારસો વર્ષ પૂર્વેની ઘટના.]</center>
'''૪''' જમવા બેસવાનો પાટલો.
'''૫''' ધર્મોપદેશક ગુરુ.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = સદુબા
|next = લોકાચારના દાનવ સામે
}}
18,450

edits

Navigation menu