કિરીટ દૂધાતની વાર્તાઓ/૧૩. ઘર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩. ઘર|}} {{Poem2Open}} {{Poem2Close}}")
 
No edit summary
 
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
‘એલા એય, આણ્યે તો સવાર સવારમાં મગજની પત્તર ધમી નાખી. બોણીમાં જ નુકશાની.’
મા’રાજે એમની નાનકડી ટેલિફોન ડાયરી ટીપોય પર પછાડી, પછી મોબાઇલને પણ બાળકના ગાલે ટપલી મારતા હોય એમ ધીમેથી પટક્યો, મારા તાજા ધોયેલા વાળમાંથી શેમ્પૂની સુગંધ આવતી હતી. મેં ઊભા થઈને એમને મારું માથું સુંઘાડ્યું.
‘શું થયું મા’રાજ? આટલું બધું?’ મને એમની અકળામણ ન સમજાઈ.
‘અરે....તેં કાલે ઓલા અધિકારીને મોબાઇલ નહોતો કર્યો. ઈ લેખક કે આવુ કાં’ક છેને? જોને એણે વિચાર કરવાની ચોવીસ કલાકની મુદત માગેલી. તો મેં એને પૂછવા મોબાઇલ કર્યો કે શું ફાઈનલ રાખ્યું છે? તો માળો શું બોલ્યો ખબર છે?’
‘બોલોને?’
‘માળો ઈ બોલ્યો કે હું તો વાર્તાકાર છું. મને બધા પ્રકારના અનુભવ જાતે લેવા ન પોસાય. હું તો સેકન્ડરી એક્સપિરિયન્સ-કે એવું કાંક બોલ્યો હા ઈ શબ્દ જ વાપર્યો તો – પર વધારે ભાર આપું. એટલે બહેનનો સહેવાસ માણવાને બદલે એને બસ મળીને, અને એમાંય તમે હાજર રહો તો વેલ એન્ડ ગૂડ – તમારા બંનેના માનસની અંદર ડોકિયું કરીને, કોઈ વાર્તા લખવાનું વધારે પસંદ કરું. અને હા, પાછો કે’ય કે મારા બે વાર્તાસંગ્રહ પણ થયા છે. જો સરનામું આપો તો મોકલી આપીશ. તમારા બંનેના અભિપ્રાય જાણવાનું ચોક્કસ ગમશે.’
‘કૂ...ઉ...ઉ ઉ ઉ’ મને હસવું આવ્યું. ‘લે! આવાનો સોર્સ વળી કોણે આપેલો?’
‘કોણે તે કોણ? આ તમારા અતિ વા’લા નરેશભાઈએ નો’તું કીધું કે એના પોતાના જ સગામાં છે અને રૂપિયા પૈસાની રીતે પણ પોંચતા કરતા છે, એને રેગ્યુલર આવતા કરી દ્યો તો એક એઠી આવક થઈ જાય.’
‘તે એમાં ખાલી નરેશભાઈ એમ કહોને. દરવખતે ‘વહાલા’, ‘વહાલા’ એવું બોલવાની શું જરૂર છે?’
‘કેમ તે તમને વા’લા નથી?’
‘નથી એટલે નથી. તમે પણ એ હરામીને જાણો જ છોને?
આમ તો નરેશભાઈનું નામ આવતા મા’રાજના બેય લમણાની નસો ફૂલવા માંડતી પણ આજ વળી એ મશ્કરીએ ચડ્યા હતા.
‘ભડવો’... નરેશભાઈ મા’રાજને ભડવો કહે છે. એમનાં વાઈફ ક્યાંક બહારગામ ગયેલા એટલે એમને ઘેર, એમની જ પથારીમાં એકવાર અમે બધું પતાવીને ચત્તાં પડ્યાં હતા. હજી હાંફ નીચે નહોતી બેઠી. એમનાં મનમાં હોટેલની રૂમના અઢીસો રૂપિયા બચ્યાનો પણ આનંદ હતો. અને ત્યાં તો વીસ મિનિટમાં બધું ફટાફટ પતાવીને નીકળી જવું પડે. આજે એમના ઘેર કોઈ ડિસ્ટર્બ કરે એમ નહોતું, અને એમણે જિલ્લા પંચાયતમાંથી અરધા દિવસની રજા પણ લીધેલી. આ રીતે ક્યારેક એના ઘેર મળીએ ત્યારે એને બીજો રાઉન્ડ કરવાનો પણ લોભ હોય. મને એમકે એ દરવખતની જેમ એ આંખો કાઢીને કહેશે કે ‘કાં? મરદોની તાકાત શું હોય છે ઈ જોઈ લીધુંને?’ તું બાવીની અને હું પિસ્તાળીનો તોય એકવાર તો તુંને સુવાસ ધમણ કરી નાખીકે નઈં?’ એને બદલે એમણે બોમ્બ ફોડ્યો. ‘શું કરે છે ઈ તારો ભડવો?’ પહેલા તો મને સમજાયું નહીં ‘કોની વાત છે?’ પૂછ્યાની સાથે જ ઝટકો લાગ્યો કે આ તો મા’રાજની વાત કરે છે! મેં દાંત ભીંસીને કહ્યું કે ‘નરેશભાઈ, બોલવામાં જરા મર્યાદા રાખો હોં. મા’રાજ મારા કાયદેસરના મિસ્ટર છે.’ નરેશભાઈ હસ્યા અને ઊભા થઈને બારી ત્રાંસી ખોલીને થૂંક્યા અને હળવેથી બંધ કરીને ફરીથી મારી બાજુમાં ગોઠવાઈ ગયા અને બોલ્યા, ‘સમજ્યા હવે. શેના કાયદેસર અને શેના મિસ્ટર? ઈ શું નથી જાણતો કે તું કઈ રીતે પૈસા કમા છો?’ હવે મારો પિત્તો ગયો. ‘નરેશભાઈ, આ રસ્તે તો ફોર્સ કરીને મને તમે જ લઈ આવ્યા છો. તમને હાથ જોડું?’ આમાં મા’રાજને વચ્ચે ન નાંખતા.’
*
હાલનાં પાડોશી અનસૂયાબેન ત્યારે ઘણી વાર ઇંદિરામાર્કેટમાં શાક લેવામાં મળી જતાં. ત્યારે તો હું અહીંથી છઠ્ઠી શેરીમાં મામા-મામી સાથે રહેતી. પણ છ મહિનાથી મામીએ મામા આગળ ઉપાડો લીધેલો.
‘હવે આ રાંદલના ઘોડાને ક્યાં સુધી ઘરમાં ઘાલી રાખવો છે? ભાઈ-ભાભી મરી ગ્યાં ને મારે ગળે આ હડીમ્બો બાંધતાં ગ્યાં! કાલ્ય આ મારી કાન્તુડી અને દીનુડી પીળાં હાથ કરવા જેવડી થાહે. આવડી આ કોઈની સામે આંખ્ય ઊંચી કરીને જોતી નથી ઈ એનો ગણ એની ક્યાં ના છે પણ આવડી છોકરીયું તો આ જમાનમાં જાત્યે માગ કરી લે સમજ્યા કે નૈ? ગામ તો બોલે, કોઈ બે બાચકાં ઘઉં આપણે ન્યા નાખી ગ્યું હોય એવું હજી સુધી બન્યું છે?’
એવામાં અનસૂયાબેન એકવાર મને પૂછવા માંડ્યા, ‘લે, તે હજી લગન નથી થ્યા તમારા એમ? સગપણેય નથી થ્યું? હા, પણ તમારી જ્ઞાતિમાં કમાતા-ધમાતા છોકરાવેય નથી ઈય હકીકત છેને! મેં મામીની વાત પણ કરી. પછી ત્રણ ચાર દિવસે મળી ગયાં તો કહેવા લાગ્યાં ‘એક છોકરો છે. તમારી જ્ઞાતિનો જ છે. હીરાની ઘંટીએ બેસે છે. પણ...’
‘શું પણ?’
‘તમારાંથી દહ વરહ મોટો છે.’
‘બતાવો તો ખરાં.’
ત્રણ દિવસ પછી રોંઢે અનસૂયાબેનના ઘેર મિટિંગ ગોઠવાઈ. એમને ધારીને જોયા. પગમાં ચંપલ હતાં. છોકરી જોવા જઈએ તો બૂટ માગીને તો માગીને પણ પહેરી જવા જોઈએ એટલી ખબર પણ આને નહીં હોય? શર્ટ અને પેન્ટમાં પણ કોઈ મેચિંગ નહોતું. દાઢી તાજી કરાવીને આવ્યા હતા એટલા પૂરતો એમનો ઉપકાર માનવો પડે.
મેં પૂછ્યું, ‘કેટલાનું કામ થાય છે?’
‘આઠ-દસ હજાર તો ઉતારી જ લઉં.’
‘કાયમી કામ મળી રહે?’
‘એ બધું તો હીરાની ડિમાન્ડ ઉપર રેય. કંઈક આઠ-દસ દિવસનો ખાડોય થાય.’ અનસૂયાબેન ચા-નાસ્તો મૂકીને ગયાં. ‘કેવો લાગ્યો મુરતિયો?’ એવું નેણનો ઉલાળો કરીને ઇશારાથી પૂછતાં ગયાં.
‘મારા રામ, તમે મને આને જોવા બોલાવી?’ એમ મેં મનોમન જવાબ આપ્યો. કયા શબ્દોમાં ના કહેવી એ ગોઠવવાનું સૂઝતું નહોતું, હું ઊભી થઈ ગઈ.
‘ઠીક છે. એક અઠવાડિયામાં હા કે ના જે હશે તે જણાવીશ.’
હું ઉંબરાની બહાર સેંડલ પહેરવા ઝૂકી એવામાં એમણે કહ્યું, ‘એક મિલિટ, આંયાં આવો તો.’ હું એક પગમાં સેંડલ પહેરેલું રાખીને ‘ઠપાક...ઠપાક’ ચાલતી કેડે હાથ રાખી એમના પર ઝળૂંબતી હોઉં એમ જઈને ઊભી રહી.
‘બોલો?’
‘ના, એમ નહીં. નિરાંતે બેસો. એક ચોખવટ કરવી જરૂરી છે, અટાણે જ.’ હું સેંડલ કાઢીને બેઠી.
‘હા, બોલો?’
એણે ઘડીક સામેની દીવાલ તરફ જોયું પછી એક હાથની હથેળી પર બીજા હાથનો અંગૂઠો મસળતા બોલ્યા,
‘મને ફેફરું આવે છે.’
‘ફે...ફરું...? એ શું?’
‘એટલે કે મને વાઈ આવે છે. એટલે કે ગમે ત્યાં હું ફરાંટી ખાઈને પડી જાઉં. દસ-પંદર મિનિટ સાધ્ય જાતી રે’ય છે. મને થ્યું કે મારે... મારે... તમને કઈ દેવું જોઈ. કોઈ કુંવારી છોકરીની જિંદગી એમ બગાડી થોડી નખાય છે?’
‘જનમથી જ છે આ?’
‘ના, ના આ...આ દરદ તો હું પાંચ-સાત વરસનો થ્યો પછી આવ્યું.’
‘કેમ કરતા? કોઈના ઓછાયામાં આવી ગયેલા?’
એમનો ચહેરો થોડો કાળો પડીને પછી પીડાથી ભાગી ગયો. હોઠ થરથરવા માંડ્યા. પછી ગળું સાફ કરવા ખરેરી ખાધી અને બોલ્યા,
‘નારે ના, ઓછાયો શેનો? પણ..મારા બાપા...મારા...બાપા મને બહુ મારતા. વગર કારણે મારતા, તિતાલી મગજના હતા, બા આડી ફરે તોય બચાવી નો હકતી. પછી તો બાપા મારવા લેય અટલે મને વાઈ આવવા મડે. ભાનમાં આવું અને કોઈ સગું કે ભાઈબંધ કે’ય કે તને આટલ્યો માર્યો અટલે ખબર પડે કે હા એટલો માર્યો હશે. મને તો જાણે સમાધિ લાગી ગઈ હોય એમ મારી સાધ્ય જતી રે.’
‘પછી તો દસ-બાર વરસનો થ્યો અટલે બાપાને કારણેય મળી ગ્યું. રોજ સવાર થાયને હુકમ છૂટે કે સાંજ સુધીમાં સોની નોટ, ચાહે તો ચોરી ચપાટી કરીનેય લાવે તો જ ઘરમાં પગ મૂક્યજે. નૈ તો ખાવાનું બંધ. તોય બા રહોડામાં બોલાવીને છાનુમાનું બે ભાખરીને બેવડ વાળીને ખીસામાં ઠાંસી દેય. હું આખો દિ’ ખીસામાં ઈ બે ભાખરી લઈને ફર્યા કરતો, ઘણીય વાર ભાખરી હાર્યે ખાવા, કે પીવા જી ગણો ઈ, પાણીના પાંચ-સાત ઘૂંટડા સિવાય કાંઈ નો હોય. પછી તો બા મરી ગઈ અટલે ઠામુકો ઘરમાંથી કાઢી મૂક્યો. હીરામાં આઠ દસ હજાર પાડી લઉં છું એમ કીધું ઈ તો..ઈ તો... દિવાળીએ ડબલ પાળીમાં વરસમાં એક વાર હાઈએષ્ટ પગાર મળે છે ઇ કીધો. બાકી મારે રેગ્યુલરમાં તો ખેંચી ખેંચીને ગણો તોય છ હજાર માંડ ઊતરે, અટલે...’ એમણે અંગૂઠાથી મસળીને કાઢેલો મેલ હથેળી આડી કરીને નીચે ખેરવી દીધો. ‘...અટલે તમે મે’તલ માંગી છે ઈ મુજબ અઠવાડિયા પછી મને ના પાડશો તો એમાં મને કે બીજા કોઈનેય તમે ખોટો નિર્ણય કર્યો છે એવું નૈ લાગે.’ એમનો ચહેરો હજી ભાંગેલો હતો. હું ઘડીક એમની સામે જોઈને બેસી રહી. પછી ઊભી થઈને કહ્યું
‘ભલે મા’રાજ.’
હું બારણા તરફ જવાને બદલે રસોડામાં ગઈ. અનસૂયાબેન નીચું જોઈને થાળીમાં ચોખા લઈને એમાંથી કાંકરા વીણતાં હતાં. મારવાવાળી વાત એમણે પણ પહેલી જ વાર રસોડામાં ઊભા રહીને સરવા કામે સાંભળી હશે. એમના હોઠ પણ ધ્રૂજતા હતા. હું એમને પાછળથી બાથ ભરી ગઈ અને કાનમાં કહ્યું. ‘અનસૂયાબેન મારી હા છે, મા’રાજને કહેજો કે મારી હા છે.’ પછી ઝડપથી ઘર બહાર નીકળી ગઈ. તડકો સીધો આંખમાં આવતો હતો. મારું આખું શરીર ધ્રૂજતું હતું. મામાનું ઘર કઈ દિશામાં છે એની ખાતરી કરવા માટે એક મિનિટ ઝાંપલીનો ટેકો લઈને ઊભા રહેવું પડ્યું.
શરૂઆતમાં તો ઠીક ચાલ્યું પણ પછી મા’રાજ જે કારખાને જતા એમાં ઉપરથી જ હીરાની ખેંચ પડવા માંડી. બીજા કારખાને પણ બેસી જોયું પણ જાણ્યું કે હવે ચીન અને બાંગલાદેશમાં આ જ કામની મજૂરી સસ્તી પડે છે એટલે અહીં બહુ કામ આવતું નથી. મામીએ તો પરણાવતી વખતે જ કહી દીધેલું કે ‘જોવો, ભાણીબેન છો અટલે ખીહર્યે અને ગોકુળ આઠમ્યે ખીચડો કે સાકરનો હરડો લેવાનો તમારો હક્ક ખરો પણ અંતે તો સૌએ પોતપોતાના પેટના ખાડા જાત્યે જ પુરવાના, અને મારે આ મારી કાંતુડી અને દીનુડીનેય તમારી જેમ હાથ પીળા હાથ કરવાના કે નૈ? અટલે ભાણીબેન, સૌ સૌએ પોતપોતાનાં ઘરને પેરી ઓઢીને દાડા ટૂંકા કરવાના હોય, સમજ્યાં?’ એમ એ દિશા તો દેવાઈ ગઈ હતી. હું વળી પંદરેક દિવસ કોમ્પ્યુટરના પ્રાયવેટ ક્લાસમાં એમ.એસ ઑફિસ શીખલી એટલે વર્ડમાં લખતા અને એક્સલમાં ટેબલ બનાવતાં આવડે. એવું કશું કામ મળે તો પણ ગાડું ગબડે એટલે જિલ્લા પંચાયતમાં હમણા કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રીનું કામ નિકળ્યું છે એમાં કદાચ મેળ પડી જાય એવી માહિતી ઊડતી મળી એમાં શોધતો શોધતો હું અને મા’રાજ રવિવારે નરેશભાઈને ઘેર જઈ ચડ્યાં. કોઈકે કહ્યું કે ‘એ ધારે તો કામ અપાવી શકે.’ નરેશભાઈએ પૂછ્યું, ‘ડેટા એન્ટ્રી કરવાનું ફાવે?’
‘હા, હું શીખી છું.’
‘પહેલું અઠવાડિયું મફત કામ કરવું પડે, ધારી સ્પીડની ખાતરી થાય તો આગળ વિચારીએ.’
બીજા દિવસથી જિલ્લા પંચાયતમાં જવા લાગી. ચોથા દિવસે એમણે કહ્યું કે ‘કાલે જાહેરરજા છે પણ કામ તો સમયમર્યાદામાં પૂરું કરવું પડશે એટલે કાલે મારા ઘેર્યે આવીને કામ કરજો.’
બીજા દિવસે હું ગઈ. ઘરમાં એ એકલા હતા. ‘આંટી નથી?’ મેં પૂછ્યું, ‘ઈ તમતમારે હમણા આવશે. તમે ત્યાં રૂમમાં જઈને કોમ્પ્યુટર પર કામ ચાલુ કરો.’
હું હજી કોમ્પ્યુટર સ્ટાર્ટ કરતી હતી ત્યાં એમણે આવીને હળવેથી રૂમનું બારણું બંધ કર્યું અને વળગી પડીને બોલ્યા, ‘કોમ્પ્યુટરના દીકરી થામા અને હું કઉં છું એમ કરવા માડ્ય તો તને ખાધું ખૂટવા નહીં દવ.’ મેં ઘણા તરફડિયાં માર્યા, નાસી જવાની કોશિશ કરી પણ એમણે મારા કપડાં ફાડી નાખ્યા. ‘લે, જા, હવે નાગી થઈને ભરબજારે ધોડ્ય.’ અરધા કલાક પછી એમણે એમની પત્નીના કપડા પહેરવાં આપ્યાં અને મારા હાથની મુઠ્ઠી વળાવીને હજાર રૂપિયા પકડાવ્યા. મેં ઘેર જઈને મા’રાજને ધ્રૂજતા ધ્રૂજતા વાત કરી. મને એમ કે એ મને મારશે પણ અમારા લગ્ન પછી એમને પહેલીવાર વાઈ આવી અને ચક્કર ખાઈને પડ્યા. પછી અઠવાડિયા સુધી અમે બંને સવાર, બપોર, સાંજ અને રાત એમ એક બીજાની સામું જોઈને ઘરમાં બેઠા રહ્યાં, મા’રાજને ફરીથી વાઈ ન આવે એટલે હું એમને બહાર પણ ન જવા દેતી. ઈવન કે રાજકમલ ચોક સુધી જાય તો પણ એમના ખિસ્સામાં બધી વિગતો લખેલો કાગળ રાખીને જ ઘરની બહાર પગ મૂકવા દઉં. એક દિવસ એ રીતે બહાર ગયેલા અને મારા મોબાઇલ પર નરેશભાઈનો ફોન આવ્યો. ‘કાં... રીસ ઉતરી ગઈ? ઉતરી ગઈ હોય તો ઈ દિવસની જેમ આજ ઘેર્યે હું એકલો છે. આવો ને. હું તમને બીજા બે-ચાર મોટા માણસોના મોબાઇલ નંબર પણ આપીશ, ઈ બધાય હાર્યે મારા રેફરન્સથી વાત કરી લેજે.’ મેં ચાર દીવાલોમાં નજર ફેરવી. ઘરનું ભાડું, શાક પાંદડું, કરિયાણાનાં અને દૂધના બિલો સીકે ચૂકવવાનાં બાકી હતાં. લગનની શરૂઆતમાં બૅંકમાંથી લોન લઈ લઈશું અને એમાં ખૂટે તો કારખાનાના શેઠ પાસેથી ઉછી ઉધારા કરીને ઘરનું ઘર કરીશું એવાં બહુ સપના જોયેલાં અને અત્યારે ઘરભાડું ચુકવવાના સાંસા હતા. મા’રાજનો હીરામાં કે બીજા કોઈ કામોમાં પાટો બાઝતો નહોતો. હું ઊભી થઈ પર્સ લીધું અને ઘરને તાળું મારીને ચાવી અનસૂયાબેનને આપીને કહ્યું, ‘મા’રાજ આવે તો કહેજો હું જિલ્લા પંચાયત જઈને સાંજ સુધીમાં આવું છું.’ પછી મા’રાજને વાઈ આવતી ઓછી થઈ ગઈ પણ સાવ બંધ ન થઈ.
*
‘હવે?’ મા’રાજે પૂછ્યું.
હવે નરેશભાઈનું નામ લીધું છે તો એને જ ફોન કરો. એવું હશે તો હું વાત કરીશ.’
‘ના હો. મને એની હાર્યે ભટકાવવા રે’વા દે.’ મા’રાજને નરેશભાઈથી નફરત હતી અને એનાથી ડરતા પણ ખરા. ક્યારેક અમે બંને ગામમાં નીકળ્યા હોઈએ અને રસ્તામાં અચાનક નરેશભાઈ મળી ગયા હોય તો એ દીવાલની પાછળ સંતાઈ ગયા હોય એમ મારી પાછળ લપાઈ જતા. કદાચ એમને નરેશભાઈની આંખમાં પેલો શબ્દ ચોખ્ખો વંચાતો હશે. મેં મોબાઇલ હાથમાં લીધો.
‘હા, બોલો? નરેશભાઈના અવાજમાં ઉતાવળ હતી.
‘નરેશભાઈ, મારા રૂપિયા લેણા છે એ આપી દોને?’
‘રૂપિયા? કયા રૂપિયા?’
‘કયા તે વળી આપણે ચાર માહિનામાં ત્રણવાર મળ્યાને? પછી સમજી લઈશું એવું નહોતું કહ્યું?’
‘હા. તો, સમજી લઈશું એમ કયું’તું એટલે કે છ મહિનામાં તમને પાંચ નવા કેસ નો અપાવ્યા? એમાં મારો કટ નહીં?
‘કેવી વાત કરો છો નરેશભાઈ?’
‘વાત બિલકુલ મુદ્દાસરની છે. ગઈ સાલ અમે વીસ જણા થાઈલેન્ડ ગ્યા’તાને એમાં અમે બધાય સમૂહમાં ન્યાની બાયું પાંહે જાતા એમાંય પૈસા તો ઓગણીસના જ આપતા. મારે માટે મફત. કેમકે ઈ બધાયને લઈ જાવાવાળો તો હું જ ને? હિસાબ તો હિસાબની રીત્યે ગણવાનો હોય?’
‘નરેશભાઈ, આવા ધંધા કરો છો?’
‘હવે ઇ શબ્દ તો તું મારી પાસે ઉચારતી જ નૈ... હલ્લો છો કે મૂકી દીધો?’
‘છું જ વળી.’ મને તમ્મર આવતા હતા તોય બોલી, ‘ચાલો આ ચર્ચા પછી કરીશું પણ આ મહિનાનાં ઘરભાડાનો પણ જોગ નથી થયો. એવું હોય તો હું હોટેલ ‘પેરેડાઈઝ’ પર આવી જાઉં? એના રોકડા આપજો.’
‘હમણા તો હાફ યરલી લક્ષાંકો કંપલિટ કરવામાં ધડ ઉપર કોઈને માથા નથી. આવતે મહિને જ મળાય એવું લાગે છે.’
મારું ઉતરી ગયેલું મોં જોઈને મા’રાજ બોલ્યા, ‘એની પાંહેથી કાવડિયા કઢાવવાં ઈ રેતી પિલવા જેવું છે. જોયું? આ બેય નમૂના હાર્યે લમણા લેવામાં બપોર થઈ ગઈ.’
*
બપોર દોઢેક વાગે અનસૂયાબેનની બેબી બોલાવવા આવી. હું ગઈ એટલે કહેવાં લાગ્યાં, ‘ન્યાં ઘરમાં શું પુરાઈને બેઠાં ર્યો છો? ઘડીક આવતાં હો તો વાતું થાય. મારા ભાઈને હમણા કામ નથી મળતું કે શું?’ એમનાં અવાજમાં ચિંતા હતી.
મા’રાજને કામ સાવ છૂટી ગયું હતું. પણ એ હકીકત જાહેર કરીએ તો ઘર કોના પર ચાલે છે એ વાતનો જવાબ આપવાનો થાય. એટલે હું મહિનામાં પંદર દિવસ ટિફિન આપીને એમને બહાર મોકલું. એ કામનાથ મહાદેવના મંદિરે કે ઠેબી ડેમ ઉપર આખો દિવસ સામે સીમમાં બકરાં ચારતાં હોય એ જોતા ત્યાં જ બેઠા રહે. બપોરે એકલા ટિફિન ખાય અને સાંજે સાયકલના હેન્ડલ ઉપર ટિફિન ભરાવીને ઘેર આવે. હું કશોક જવાબ તૈયાર કરીને આપવા જતી હતી ત્યાં બે જણ ઝાંપલી ખોલીને અંદર આવ્યા અને આ કોનું રહેણાંક છે એવું પૂછ્યું. સાથે રજિસ્ટર લાવેલા એમાં કશુંક ચેક કરવા લાગ્યા. અનસૂયાબેન ગભરાયા, ‘ભાઈ, તમે જે હોવ ઈ પણ સાંજે આવજ્યો અટાણે તો બેબીના પપ્પા ઘરમાં નથી.’ બેમાંથી એક જણ હસ્યો, ‘બેન બીવમા, અમે નગરપાલિકામાંથી આવીએ છીએ. હમણા પાલિકામાં નવી સ્કીમ આવી છે. ઘરવિહોણાને ઘરનું ઘર આપવાની યોજના છે. આ ઘર તમારી માલિકીનું છે?’
‘અમારું પોતાનું છેને. બે વરહ પેલા દસ્તાવેજથી લીધું છે.’
‘તો, તો જાવા દ્યો. અમે રેકર્ડ અદ્યતન કરી લઈશું, ઠીક તો નીકળીએ.’ હું દયામણું મોં કરીને અનસૂયાબેન સામે જોઈ રહી. એમને ખ્યાલ આવી ગયો. ‘તે ભાઈ, અમારે તો જરૂર નથી પણ આ બેનનું એક ફોરમ ભરાવી દ્યોને.’
પેલા ભાઈએ રજિસ્ટર ખોલીને મા’રાજનું નામ અને ઘરનંબર પૂછ્યાં, મેં માહિતી આપી. એ રજિસ્ટરમાં જોઈને ગૂંચવાયા. ‘લે, આ વોર્ડની યાદીમાં તમારા મરદનું નામ શહેરી ગરીબોની યાદીમાં છે જ નહીં, અને આ મકાન ભાડે છે એય લખ્યું નથી. રેકર્ડ ઉપર તો ખાલી પલોટ જ બતાવે છે. કાંક લોચો લાગે છે.’ એવું બોલીને એ નીકળવા જતા હતા એમાં, ‘લે, આ વળી રઈ ગ્યું.’ એમ બોલતા પાછા આવ્યા અને મારા હાથમાં ‘ઘરનું ઘર’ યોજનાની પાંચ સાત રંગીન પત્રિકા પકડાવતા ગયા. ‘લ્યો રાખો, અમારેય આનો નિકાલ તો કરવાનો જ ને? તે થોડીક તમે રાખો.’ કહીને હસતા હસતા જતા રહ્યા. અનસૂયાબેન રોષથી બોલ્યાં, ‘પીટ્યા રાજકારણી, આવી બકરીના ગળાના આંસળ જેવી સ્કીમું નો બનાવતા હોય તો?’ મને રાજકારણી પરથી યાદ આવ્યું. મેં કહ્યું, ‘અત્યારે તો જાઉં છું, કાલે નિરાંતે આવીશ.’
*
મા’રાજને મેં કીધું પેલા નેતાને ફોન કરી લઉં.
‘હલ્લો?’ સામેથી નેતા હસીને બોલ્યા, ‘તમેય અમારી જેમ પક્ષપલટા કરો છો કે શું?’
‘તમે પણ ક્યાં યાદ કરો છો?’
‘લે, ભૂલી ગ્યાં? ત્રણ મહિના પે’લા રોકડિયા હનુમાને માનતા ઉતારવા જમણવાર રાખેલો તઈં તમને અને તમારા મિસ્ટર ઑલ્યા શું ક્યો છો એને મા’રાજ રાઈટ? એમાં તમને અને મા’રાજને બોલાવેલા જ ને? મારાં કોઈ પબ્લિક ફંકશનમાં તમને બેયને ઇન્વિટેશન નો હોય એવું બને જ નૈ.’
‘હા, પણ એટલા મળવું હોય તો?’ સાંભળતા જ નેતાજીના અવાજમાં અફસોસ તરી આવ્યો, ‘નથી મેળ પડે એમ નહિતર મેં જ તમને યાદ કર્યા જ હોય, મૂળ વાત શું છે કે... એમણે ધીમો અવાજ કરીને કહ્યું ...હમણા તમે કોઈને ડિક્લેર નો કરતાં પણ આ વખતે વિધાનસભાની ટિકિટમાં લાઈફમાં પેલ્લીવાર આપણો ચાંસ લાગે એમ છે. અટલે હાઈકમાંડે કીધું છે કે લોકસંપર્ક વધારી દ્યો, ખાસ કરીને દરિયાઈ પટ્ટીનાં ગામોમાં આપણું ચિત્ર નબળું છે. એટલે દિ’ ઉગેને ઈ દિશામાં દોટ મૂકીએ છીએ. વળી સામેવાળા હાળા કોલ ડિટેલેય કઢાવતા હોય, એટલે મેં બિનજરૂરી સંપર્કો ઓછા કરી નાખ્યા છે, અને એકવાર ચૂંટાઈ ગ્યો તો પછી તમને ત્યાં ગાંધીનગર મારા ક્વાટરે ક્યાં નથી બોલાવાતાં? આજ તો મેં જામકા ગામે મિટિંગ રાખી છે તે ન્યાં પાંચ પેલા પૂગવું પડશે. હજી ચલાલા લગી જ પૂગ્યો છું’
‘પણ મારે તાત્કાલિક પૈસાની જરૂર છે.’
‘કેટલા?’
‘મારે ઘર ચલાવવા ઓછામાં ઓછો બાર-તેર હજારનો મંથલી ખર્ચો છે. બીજા થોડા હાથ પર રહે એમ ગણીને પંદરની સગવડ કરી દો.’
‘એટલા બધા તો નૈ મેળ પડે. હવે તો હાઈકમાંડ ક્યાં પૂરા ખર્ચા આપે છે છતાં કાલે વળી થોડા રિલિઝ કર્યા છે એમાંથી પાંચ મોકલવું છું. મારા માણસને મોટરસાઈકલ લઈને રવાના કરું છું. કલાકમાં આવીને આપી જાહે.’
‘ભલે પાંચ તો પાંચ મોકલો.’
‘અને...?’ કહેતા નેતાજી હસી પડ્યા.
‘શું?’
‘આ પાંચની સામે મારા બે રાઉન્ડ જમા હોને?’
‘તમારો કોલ કોઈક રેકર્ડ કરતું હશે.’
‘એલા ઈ તો વારેવારે મગજમાંથી નીકળી જ જાય છે. હાલો મૂકું તઈં.’
થયું એક છેલ્લો પ્રયત્ન કરી લઉં. ‘મા’રાજ પેલા બિલ્ડરનો નંબર લાવો’તો, એ નંબર પર મેં વોટ્‌સએપમાં મેસેજ મૂક્યા, અરધી કલાક સુધી કોઈ જવાબ ન આવ્યો. એટલે મોબાઇલ કર્યો,
‘હું છે તમારે?’ એમના અવાજમાં અકળામણ હતી.
‘મારા વોટ્‌સએપ જોયા?’
‘એલા ભાઈ, આયાં મારે નોટું બદલાવાની કચકાણ હાલે છે એમાં તમારા ફૂલડાંવાળા મેસેજુ જોવાની કોને નવરાઈ હોય? કામ હોય તો જલ્દી બોલો નહિતર આમાંથી નવરો થાવ અટલે પનરેક દિવસ રઈને ફોન કરું.’
‘મારે પૈસા જોઈએ છીએ.’
‘એેલા ભાઈ, હમજ્યાં ને? અટાણે બજારમાં કોઈના હાથમાં રોડ છે જ નૈ.’
‘તોય આઠ દસ હજાર કરી જ દો. મારે...’
‘શક્ય નથીને. શક્ય જ નથી.’
‘તોય થોડા..’
‘હારું, આજ જ નવીનવી બે હજારની નોટુંનું બંડલ હાથમાં આવ્યું છે. એમાંથી એક પત્તું મોકલાવું છું. દુપટ્ટાની બુકાની બાંધીને મુક્તિધામના દરવાજે ઊભા રેજ્યો. મારો માણસ વ્હાઈટ ફ્રંટી લઈને આવશેને દઈ જાહે.’
‘ભલે.’
‘અને બીજી એક વાત.’
‘હા. ખબર છે. તમારો રાઉન્ડ જમા રહેશે.’
‘એલા ભાઈ, બોલ્યા પે’લા જ તમને ખબર પડી જાય છે એવુંને? નરેશભાઈ ઠેકાણું બતાવે ઈ મોળું નો હોય.’
*
સાંજે રસોડું વહેલું પતાવી દીધું. શરીર સાવ થાકી ગયું હતું પણ ઊંઘ નથી આવવાની એની ખાતરી હતી. છતાં વચ્ચે વચ્ચે ઝોલાં જેવું આવી જતું હતું, બહાર અંધારું વધી ગયું. મેં ઊભા થઈને ટ્યુબલાઈટ ચાલુ કરી અને પંખો ફૂલ કર્યો. થોડીવાર પછી મારાં પડખામાં સળવળાટ થયો. મા’રાજ હતા. મેં એમના શરીર પર મારો મરેલો હાથ મૂક્યો. એ થોડીવાર બોલ્યા,
‘હું શું કહેતો હતો?’
‘હં...’
‘આજ તમે શેમ્પુયે કર્યું છે અને બી કોઈને મળવા જાવાનો સવાલેય નથી. એટલે કે આજે તમે... તમે કોરાં છો તો હું...’ એમનો અવાજ વેરાઈ જતો હતો.
‘વાંધો નહીં મા’રાજ આવી જાવ.’
થોડીવાર પછી મને દુખવા માંડ્યું. મા’રાજ આખાને આખા મારાં શરીરમાં સંતાઈ જવા માંગતા હોય એમ ઝઝૂમતા હતા.’
‘હાશ્ય... મા’રાજ. ધીમે ધીમે.’
‘હા. ધીમે.’
પંખાની તેજ હવામાં પાલિકાના ‘ઘરનું ઘર’નાં ચોપાનિયાં ફફડાટ કરતાં આમથી તેમ ઊડતાં હતાં. મા’રાજનો ધ્યાનભંગ થયો.
‘આ શેનો અવાજ આવે છે?’
‘કશું નહીં મા’રાજ. એ આપણા કામનું નથી. ડિસ્ટર્બ નહીં થવાનું.’
થોડીવાર પછી મારામાં ચેતન આવ્યું. મેં મા’રાજનું માથું સૂંઘ્યું અને એમની આખી પીઠ પર હાથ પસવાર્યો. મા’રાજનું હલનચલન અટકી ગયું.
‘કાંઈ કીધું?’
‘એ જ કે. આ બધું તો ધીમેધીમે સમુંસૂતર્યું થઈ જશે. તમે ચિંતા ન કરતા હોં.’
હું બોલી તો ખરી પણ મને જ મારો અવાજ બોદો લાગ્યો. મારી નજર છત પર ગઈ. ત્યાં મોભારે કરોળિયાએ બાંધેલું જાળું પંખાની હવામાં જોર જોરથી ધ્રૂજતું હતું. જાણે કે હમણાં જ તૂટી જશે. મેં એકીટશે ત્યાં જોયાં કર્યું, જાળું ધીમેધીમે ભીનું થતું ગયું. પછી મોભાર પણ ભીનો થયો. મને થયું કે હવે હું આખો બંધ નહીં કરી દઉં તો એ ભીનાશમાં મારું ઘર પણ વહી જશે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૧. આવવું અને જવું
}}
18,450

edits

Navigation menu