શ્રેષ્ઠ અનિરુદ્ધ/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "<center><big><big>શ્રેષ્ઠ અનિરુદ્ધ</big></big> (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના સર્જનાત્મક કામ — કવિતા-વાર્તા-ચરિત્રનિબંધ —માંથી ચયન) <big>સંપાદકો</big> યોગેશ જોષી ઊર્મિલા ઠાકર એકત્ર ફાઉન્ડેશન </center> {{dhr}}{{page break|lab...")
 
(+1)
 
Line 21: Line 21:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


<center><big><big>‘એમ તો હું મચક આપું એવો નથી’ – યોગેશ જોષી</big></big></center>
{{Poem2Open}}
૧૧-૧૧-૧૯૩૭ના રોજ ઉત્તર ગુજરાતના પાટણ ગામે અનિરુદ્ધભાઈનો જન્મ. મૂળ વતન વીરમગામ તાલુકામાં આવેલું દેત્રોજ. મધ્યમ વર્ગના નીચલા થરનું ઘર. પિતા લાલજી બ્રહ્મભટ્ટ પ્રાથમિક શાળાના શિક્ષક. એમણે સંસ્કૃત સુભાષિતો અને સ્તવનોના અનુવાદ કરેલા. માતા લક્ષ્મીબહેન પ્રેમાળ, અત્યંત ચીવટવાળાં, જૂનવાણી અને કડક સ્વભાવનાં. શાળાનું શિક્ષણ વડોદરામાં પણ દિવાળી-ઉનાળાનાં વેકેશન ગાળતાં ઉત્તર ગુજરાતનાં ગામડાઓમાં. ગ્રામજીવનનો એ અનુભવ ‘નામરૂપ’નાં ચરિત્રનિબંધોમાં પ્રગટ થાય છે. તેજસ્વી વિદ્યાર્થી. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી. એ. તથા એમ.એ., પ્રથમ વર્ગમાં પ્રથમ ને સુવર્ણચંદ્રક મેળવ્યો. સુરેશ જોષીના વિદ્યાર્થી. સુરેશ જોષીએ લખ્યું છે –
‘પ્રથમવાર મેં એમને (અનિરુદ્ધને) મારા વર્ગમાં એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે જોયા. સંસ્કૃત અલંકારશાસ્ત્ર શીખવતાં હું કશુંક ચૂકી જાઉં તો તેઓ તરત યાદ દેવડાવે. પછી એવા શિષ્યો બહુ મળ્યા નથી.’
૧૯૫૯માં ડભોઈ કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા, ૧૯૬૨માં બીલીમોરા કૉલેજમાં આઠેક વર્ષ; નવસારી તથા સૂરતમાં તેઓ મુલાકાતી અનુસ્નાતક પ્રાધ્યાપક તરીકે જતા. ખૂબ સારા વક્તા; શ્રોતાઓ પર ભૂરકી નાખતો અવાજ, પૂરી આત્મશ્રદ્ધા અને Clarity, હૃદયમાં માણસને ચાહવાની ભૂખ, અનેક શિખરો સર કરવાની મહત્ત્વાકાંક્ષા. ઉમાશંકર જોશીએ યોગ્ય નોંધ્યું છે –
‘અનિરુદ્ધના અવાજમાં મધુરતા અને સાથે જ બળકટતા જોવા મળતાં. વાગ્ધારામાં શબ્દાડંબર નહીં પણ વિચારદ્રવનો અનુભવ થતો. એક વિશાળ સંસ્કારિતાનો સંસ્પર્શ સાંભળનારને થતો.’
નાની ઉંમરે એમણે સંપાદક-વિવેચક તરીકે ગજું કાઢ્યું. ૧૯૬૯માં એરિસ્ટોટલના કાવ્યશાસ્ત્રનો અનુવાદ. સર્જકો વિશેની એમની સ્વાધ્યાયશ્રેણીનું સંપાદન – ‘ઝવેરચંદ મેઘાણી’ (૧૯૬૯), ‘મણિશંકર ભટ્ટ ‘કાન્ત’ (૧૯૭૧) અને ‘રમણભાઈ નીલકંઠ’ (૧૯૭૩); સર્જન વિશેની સ્વાધ્યાય શ્રેણીનું સંપાદન – ‘કાન્તા (૧૯૭૩), ‘સુદામાચરિત્ર’ (૧૯૭૫), ‘પ્રેમાનંદ કૃત કુંવરબાઈનું મામેરું’, ‘શર્વિલક’ વગેરે અભ્યાસીઓ માટે અત્યંત ઉપયોગી છે. એમનો પ્રથમ વિવેચનસંગ્રહ ‘અન્વીક્ષા’ (૧૯૭૦). એમનાં અન્ય મહત્ત્વનાં પુસ્તકો ‘ભારતીય સાહિત્યશાસ્ત્રમાં ગુણ અને રીતિની વિચારણા (૧૯૭૪), ‘પૂર્વાપર’ (૧૯૭૬), ‘ચૅખોવ’ (૧૯૭૮), ‘સંનિકર્ષ’ (૧૯૮૨), ચરિત્રનિબંધોનો સંગ્રહ ‘નામરૂપ’ (૧૯૮૧), વાર્તાસંગ્રહ ‘અજાણ્યું સ્ટેશન’ (૧૯૮૨), કાવ્યસંગ્રહ ‘કિમપિ’ (૧૯૮૩), તથા ‘ઋષિવાણી’ (૧૯૮૨).
૪-૭-૧૯૬૮ના રોજ એમણે નલિની તુરખિયા સાથે આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કરેલાં. ૧૯૭૦માં તેઓ બીલીમોરા છોડી ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં જોડાયા. ૧૯૭૫માં, ચન્દ્રકાન્ત ટોપીવાળાએ દાહોદમાં રિલ્કેની શતાબ્દી નિમિત્તે યોજેલા પરિસંવાદમાં તેઓ વ્યક્તવ્ય આપવા ગયેલા. ત્યાં ખૂબ તાવ. લ્યૂકેમિયા (બ્લડ કૅન્સર)નાં લક્ષણો વરતાયાં. મિત્ર ડૉક્ટર દામોદર બલરે મુંબઈના નિષ્ણાત પાસે એમને મોકલ્યા. નિદાન થયું – લ્યુકેમિયા…
મરણ સામે તેઓ સતત ઝઝૂમતા રહ્યા, વિરલ સ્વસ્થતા સાથે તેઓ જીવનના છેલ્લા સમય સુધી કામ કરતા રહ્યા. અને ૩૧-૭-૧૯૮૧ના રોજ મરણ પામ્યા.
<center>*</center>
લ્યૂકેમિયા (બ્લડ કૅન્સર) થયા પછી, તબિયત અતિશય ગંભીર હોય ત્યારે ત્યારે, અનિરુદ્ધભાઈ કહેતા, ‘એમ તો હું મચક આપું એવો નથી.’ આયુષ્યના છેલ્લા શ્વાસ સુધી મોત સાથે દ્વન્દ્વ ખેલતાં પોતે જરીકે હાંફ્યા-કાંપ્યા નહોતા ને મોતને છ-છ વર્ષ લગી સતત હંફાવેલું.
૧૯૭૫માં મેં અનિરુદ્ધભાઈને પહેલી વાર જોયેલા. આછો, શ્યામ વર્ણ. લગભગ પાંચ ફૂટ નવ પોઈન્ટ ઊંચાઈ, પણ પોલિયોની ખોડના કારણે ઊંચાઈ થોડી ઓછી ભાસે. પોલિયોને કારણે ખોડ રહી ગયેલી પણ લઘુતાગ્રંથિ જરીકે નહિ. લાગણીના ભેજથી ચમકતી મેધાવી આંખો. જાણે ચુંબકીય બળ ધરાવતો હોય એવો, આત્મશ્રદ્ધાથી રણકતો તાંબા જેવો અવાજ ને વહેતી નદી જેવી વાણી. અનેક સ્વપ્નો તથા જીવનરસથી ભરેલું હૃદય. છેક બંને લમણા સુધી પહોંચતી, કમાનાકાર, પૂર્ણ ભમ્મરો. કશું વાંચતા હોય ત્યારે અવારનવાર હોઠ પર મધુર સ્મિત છલકાતું જાય ને ક્યારેક ક્યારેક આંખો ચમકી ઊઠે ને ભમ્મરો જરી ઊંચકાય. માણસને જ નહિ, કુદરતનેય તેઓ ખૂબ ચાહતા. પ્રકૃતિનું તો ગજબનું આકર્ષણ. દરિયો જોઈને તો ગાંડા થઈ ઊઠતા. દરિયાના ખોળે, માછીમારોના પ્રેમની નવલકથા રચવાનું એમના મનમાં હતું. માછીમાર પાસેથી હલેસાં લઈ ક્યારેક નાવ પણ ચલાવી છે. તો કોઈ કોઈવાર ઘોડાગાડીવાળા પાસેથી લગામ લઈને ઘોડાગાડીએ હંકારી છે. પોતે બાલારમ ગયેલા. એની વાત કરતાં કહેલું, ‘કેવું ચોખ્ખું પાણી! સ્ફટીક જેવું! હું તો કાંઠે જ ઊભો રહી ગયો. આટલાં સ્વચ્છ, નિર્મળ પાણીમાં કઈ રીતે બોળી શકાય પગ?!’
મંકોડાના ડંખ જેવો જિદ્દી સ્વભાવ. પણ સ્વસ્થ રહીને, મોત સામે ઝઝૂમવામાં ને મોતને હંફાવવામાંય એમનો જિદ્દી સ્વભાવ કામ લાગ્યો. મોત નક્કી છે અને મોઢામોઢ ઊભું છે એ જોયા-જાણ્યા પછી કોઈ પણ વ્યક્તિ ભાંગી પડે કાં તો વધુ પડતો આસ્તિક – દેવદેવલાંમાં, અંધશ્રદ્ધામાં માનતો – ભાગેડુ વૃત્તિવાળો થઈ જાય, કાં તો નાસ્તિક અને બેજવાબદાર બની જાય, પણ આટલી બધી અંદરની સ્વસ્થતાથી, જરીકે ડગ્યા વિના, છેલ્લી ક્ષણ સુધી મોત સામે ઝઝૂમતાં ઝઝૂમતાં બધાં જ કર્મોય કરી શકે, સ્વધર્મ બજાવી શકે એવું તે કયું બળ હશે એમનામાં? ભીતરનો રંગ ભગવો ન હોય તો કદાચ આ શક્ય ન બને. હા, લ્યૂકેમિયાની જાણ થયા પછી એનો અધ્યાત્મનો અભ્યાસ (વેદ-ઉપનિષદ ઉપરાંત જગતના બધા જ ધર્મોનો અભ્યાસ) ખૂબ વધી ગયેલો. અધ્યાત્મ પછીના ક્રમે આવે આયુર્વેદનો ને ત્યારબાદ સાહિત્યનો અભ્યાસ. મજુમદારસાહેબ પણ ક્યારેક આયુર્વેદ અંગે એમની સલાહ લેતા. પ્રબળ જિજીવિષા.
બારમાસીનાં ફૂલોમાંથી લ્યૂકેમિયાની દવા બને છે એવું જાણ્યા પછી તેઓ બારમાસીનાં ફૂલો ચાવી જવા. ઇન્ફેક્શન ન થાય માટે લીમડાનાં પાનની પથારીમાં સૂતા. સ્વિટ્ઝર્લેન્ડથીય કોઈ વનસ્પતિ મંગાવતા. લ્યૂકેમિયા વિશેની સંશોધનીય અદ્યતન જાણકારી મેળવતા રહેતા. એલોપથી, આયુર્વેદ, હોમિયોપથી, નેચરોપથીના ઇલાજોના ટેકે, દૈવી આસ્થાના જોરે અને આત્મસંકલ્પ બળે તેઓ મોતને હંફાવી પાછું ઠેલતા.
ન જેવી બાબતેય, કોઈનેય ખરાબ ન લાગી જાય કે ઓછું ન આવે એય તેઓ જાળવતા. સંબંધના કારણે તેઓ સ્પષ્ટ ‘ના’ય કહી શકતા નહિ. એકવાર એમના ઘરે સુરેશ જોષી આવવાના હતા ત્યારે ‘અપ્રાપ્ય’ એવાં બે-ત્રણ પુસ્તકો કાચના કબાટમાંથી કાઢીને બીજે મૂકી દીધેલાં! ‘સુરેશભાઈને ના નહિ પડાય ને પુસ્તકો પાછા માગતાંય સંકોચ થશે.’
અત્યારે વિદ્યાર્થી અને અધ્યાપક વચ્ચે કોઈ જ ‘સેતુ’ નથી રહ્યો. જ્યારે અનિરુદ્ધભાઈ અને વિદ્યાર્થીઓ વચ્ચે હૃદય-મનનો એક સેતુ જોવા મળતો. જાણે રસોડામાં જતી હોય એટલી સહજ રીતે વિદ્યાર્થિનીઓય એમની ચેમ્બરમાં ધસી આવતી ને એમાંથી કોઈ પૂછતું, ‘સર, ચપ્પુ છે?’
‘શું કામ છે?’
‘સફરજન કાપવું છે.’
‘ચપ્પુ તો નથી.’
‘તો શું કરીશું?’
‘વાનરકૃત્ય.’
‘પણ સર, તમે?’
‘હુંય.’
પણ ધારો કે આ જ વિદ્યાર્થિનીઓનું વૃંદ પરીક્ષા પછી કોઈ ફિલ્મ જોવા માટે સરનેય આવવા આગ્રહ કરે તો અનિરુદ્ધભાઈ ન જાય. પોતાની ઇમેજ બાબતે અતિસભાન. એમના વિદ્યાર્થીય ઇમેજ વગરના કોઈ ગ્રુપમાં ભળે એ એમને જરીકે ગમતું નહિ. સફેદ દૂધ જેવાં ખાદીનાં પેન્ટ-શર્ટ પહેરે. ક્યારેક હું લેક્ચરર ક્વાર્ટર્સથી એમને મારી સાઇકલ પાછળ બેસાડીને લઈ જતો. પણ યુનિવર્સિટી ગ્રંથાલય આવે એ પહેલાં તો કહે, ‘બસ, અહીં જ ઉતારી દો. કોઈ જોઈ જશે.’
મોઢામોઢ મૃત્યુ અને છતાંય આભભરીને ટમટમતાં સ્વપ્નો અને ગગનચુંબી મહત્ત્વાકાંક્ષાઓ; મરણ નજીક આવતું જાય છતાંયે એમાં ઓટ નહિ, પણ ભરતી, ભરતીય નહિ, પણ જાણે ઘોડાપુર – ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવો છે. ‘કિમપિ’ પાછું શરૂ કરવું છે. સુ. જો.ને સામે પાટલે બેસીને ટૂંકી વાર્તાઓ લખવી છે. (એમની હયાતીમાં પ્રગટેલા છેલ્લા પુસ્તકમાં, હવે પછી પ્રગટનારાં પુસ્તકોની લાંબી યાદી જોઈ શકાશે; જેમાં નવલકથાઓય છે!) હોલવાવા આવેલી ફડફડતી જ્યોતની જેમ એમની સર્જકતા, સર્જકચેતનાય વધુ પ્રજ્વલિત થઈ ઊઠેલી ને જિજીવિષાય. બાકી કામોની યાદીય હંમેશાં મનમાં ઉભરાયા કરતી હોય. વારંવાર ડૉક્ટર સાથે ચર્ચા હોય જ – ‘કશુંક કામ થઈ શકે એવો સારો સમય હજી કેટલો બાકી છે?’
‘અખંડ આનંદ’માં દરેક અંકમાં ચરિત્રનિબંધ લખતા – એ અગાઉ એ બધા જ ચરિત્રો વિશેની વાતો મારી સાથે કરેલી. ને કહેતા, ‘આ બધા વિશે મારે લખવું છે. ચરિત્રનિબંધ કરવો અઘરો છે.’ રાતના દસ-સાડા દસ સુધી આવી વાતો-ચર્ચાઓ ચાલે. એમાં ક્યારેક અંગત વાતોય હોય. એક વ્યાખ્યાન માટે તેઓ મુંબઈ ગયેલા ત્યારે શ્રોતાઓમાં બેઠેલી એક કન્યા સાથે પરિચય થયો ને પછી પ્રેમ. એ કન્યા એ જ નલિનીબહેન. પ્રેમમાં પડ્યા પછી તેઓ મુંબઈમાં ‘ચિત્રલેખા’ની ઑફિસમાં મળતા – ક્યારેક ખીલી ઊઠે ત્યારે અંગત વાતોય કરે.. પણ પત્ર કે કંઈ પણ લખતી વખતે તેઓ અતિસભાન રહેતા જાણે પોતાનો લખાયેલો દરેક શબ્દ સચવારેવાનો ન હોય! આથી જ એમના પત્રોનું સંપાદન કરતા ભૂપેશ અધ્વર્યુને મેં કહેલું – એમના પત્રોમાંથી કશું અંગત સાંપડશે નહિ.
અનિરુદ્ધભાઈના પ્રોત્સાહનના કારણે એ ગાળામાં ધોધમાર કવિતાઓ લખાતી. મારી ચાલ જોઈને એ પારખી જતા કે નવી કવિતા થઈ છે. ગમે તેવું અગત્યનું કામ પડતું મૂકીનેય તેઓ કવિતા જોતા. હું યુનિવર્સિટી હૉસ્ટેલમાં હેતો પણ ક્યારેક મારી તબિયત ઠીક ન હોય તો તેઓ મને હૉસ્ટેલમાં પાછો જવા ન દે. એમના ઘરે રોકાયેલો, ત્યારે એકવાર રાત્રે સાડા બાર-એકે બારણાંમાંથી અવાજ આવ્યો, ‘યોગેશ, જાગો છો?’
‘હા.’
‘એક કવિતા ચાલી છે.’
પછી એમણે કવિતા સંભળાવી. એ કવિતાને નવરોઝ ચંદ્રક મળેલો ત્યારે તેઓ ખૂબ રાજી થયેલા.
અપુ-ઋચા-મેઘા – બાળકો માટેય એમને અનહદ પ્રેમ, પણ દેખાડો જરીકે નહીં. – ચારેક વર્ષની ઋચા ખૂબ જિદ્દી. કૅડબરી જોઈએ એટલે જોઈએ. ન મળે ત્યાં સુધી એની રેકર્ડ બંધ ન થાય. નલિનીબહેન અકળાય, બા ખિજાય. પણ અનિરુદ્ધભાઈ એની જિદ્દ સંતોષે. ત્યારે અપુ તો સાવ નાનો, ઘોડિયામાં. બાળકો માટે પ્રેમ ખરો પણ વેવલાવેડા જરીકે નહિ. વારંવાર મોત સાવ સામે જ દેખાય છતાંય છેક સુધી, બાળકોને છાતીસરસાં ચાંપ્યાં હોય, ચુંબનોથી નવડાવી દીધાં હોય, ને એમની આંખોમાંથી આંસુઓનો ભેજ ચળકતો હોય એવું દૃશ્ય મેં જોયું નથી. કદાચ આવું દૃશ્ય જોઈને બા કે નીલુબહેન આવનારી અંતિમ વિદાય ઉભરાવાથી ઢીલાં પડી જાય તો? એની ય કાળજી તેઓ રાખતા હશે? મનેય ઘણીવાર કહેતા, ‘લાગણીથી નહિ, બુદ્ધિથી કામ લો, યોગેશ.’
ઘણીવાર અડધી રાતેય તેઓ, તાવથી ધખતા શરીરેય, વાર્તા કે ચરિત્રનિબંધ કે છાપાનો હપ્તો લખતા. બાકી રહેલા સમયમાં જેટલું લખી શકાય તેટલું લખી જવું હતું. છાપાંમાંય, એક પણ હપ્તો ક્યારેય પડે નહિ. સારવારનો ખર્ચ જોતાં સામયિક કે છાપાંનો નાનોસરખો પુરસ્કાર પણ કિંમતી બની રહેતો. ઘણીયેવાર મેં એમને અશક્ત દેહે, ભર ઉનાળેય, ખૂબ વાર સુધી લાલ બસની રાહ જોતા જોયા છે પણ પોતાના માટે રીક્ષા બને ત્યાં સુધી ન જ કરે.
ઘણીવાર નાની નાની બાબતોમાં વાસણ ખખડતાંય ખરાં. નલિનીબહેન અકળાઈને ઘર બહાર નીકળી જાય. અટીરાના લોનમાં થોડીવાર બેસીને, સ્વસ્થ થઈને પાછાં ફરે. તેઓ ઘર બહાર નીકળે કે તરત અનિરુદ્ધભાઈ મને એમને પાછાં બોલાવી લાવવા મોકલે. હુંય અટીરાની લોનમાં ચુપચાપ બેસી રહું. પછી નીલુબહેનની સાથે પાછો ફરું. આમ વાસણ ખાલી રણકે એટલું જ. ઘસરકો જરીકે ન પડે. એ ક્ષણોમાં ને અત્યારેય, મારા મનમાં પ્રશ્ન જાગે છે – લ્યૂકેમિયા થયા પછીનાં છ વર્ષોમાં અનિરુદ્ધભાઈ સાહિત્ય માટે ઘણુંબધું જીવ્યા – પણ પત્ની માટે?! લ્યૂકેમિયા થયા પછીના બાકી બચેલા શ્વાસોમાંથી કેટલા શ્વાસ હતા નલિનીબહેન માટે?!
ઘણીવાર, તબિયત વધારે ખરાબ હોય, કંઈ જોઈતું હોય તો તેઓ બૂમ પાડતા – ‘બા…’ પણ ક્યારેય એવી બૂમ સાંભળી નથી કે – ‘નલિની…’ અથવા તો ‘નીલુ…’ નલિનીબહેનનું જ કંઈ કામ પડે તો બૂમ પાડે – ‘સાંભળ્યું?’ આધુનિકતાના અભ્યાસી એવા અનિરુદ્ધભાઈ ઘરમાં પત્નીને નામ દઈને બોલાવતા નહોતા.
તેઓ વારંવાર પથારીવશ રહેતા, છતાં પરિવારની ઝીણી ઝીણી રોજિદી જરૂરિયાતો, નવા મકાનની અંદરની સગવડો અને આંગણમાં ફૂલ-છોડ રોપવા જેવી બાબતોથી માંડીને કુટુંબની ભાવિ સલામતીને લગતી ગંભીર બાબતોમાં પ્રવૃત્ત રહ્યા. ત્રણ નાનાં બાળકો, યુવાન પત્ની અને વૃદ્ધ માતાની જવાબદારી ધરાવતો એક સાધારણ સ્થિતિનો કૅન્સરગ્રસ્ત માણસ છ-છ વરસ જરીકે ભાંગી પડ્યા વિના, કશી જ વ્યગ્રતા વિના, કશી જ હતાશા વિના, કશી જ લાચારી વિના ક્ષણેક્ષણ સ્વધર્મ બજાવતો રહે એ જ એક મોટો ચમત્કાર નથી?!
મોટા મોટા માણસો પોતાની ખબર કાઢવા આવે એનું તેઓ ગૌરવ અનુભવતા. ખબર કાઢવા આવનારાના ધસારાને કારણે આરામ પણ મળતો નહિ. આથી હું અકળાતો. પણ તેઓ આ બાબતે ખૂબ ઉદાર હતા. નાનાં-મોટાં, બધાંયને ચાહતા. એમની આવી તબિયત છતાં ઘણીવાર તેઓ મારી તબિયતનીય ચિંતા કરતા – તમને અસ્થમા છે ને યોગેશ, આપણે કસ્તુરેજીને બતાવીએ, કર્નલસાહેબને બતાવીએ.
તેમને બાનીય ખૂબ ચિંતા રહેતી. ઘણીવાર કહેતા, ‘બાને હજી આ રોગની ગંભીરતાનો ખ્યાલ નથી.’ તેઓ બાને કંઈ જ કહી શકતા નહિ, પણ અંદરથી ઇચ્છતા કે બાનેય રોગની ગંભીરતાનો ખ્યાલ હોય, આવનારા આઘાત માટે બા પણ તૈયાર રહે.
તેઓ હમેશાં મોતની છાયાને ઊંડે ઊંડે ધરબી રાખે પણ ક્યારેક એમની આંખોમાં મોતની છાયાને મેં હલબલતી જોઈ છે. અત્યંત ગંભીર થઈ જાય. ખાસ્સીવાર સુધી અમે બંને ચુપચાપ બેસી રહીએ. પછી તેઓ મૌન તોડે –
‘બાળકો ક્યારે મોટાં થઈ જશે? અપૂર્વ થોડો મોટો થઈ જાય પછી વાંધો નહીં.’
‘ભગવાન’ શીર્ષકવાળી એમની કવિતામાં કવિ ભગવાનને કહે છે, ‘મેં ક્યાં કશુંય ઇચ્છ્યું’તું તારી પાસે?’ છતાંય ભગવાને બધું… બધું જ આપ્યું છે એની વાત કરીને પછી અંતે કહે છે –
‘ના, મારે કશુંય ન જોઈએ, ભગવાન!
હા, કોઈ શિશુની આંગળી પકડી એને ઓળંગાથી દઉં રસ્તો
ને એ હસીને મને કહી દે ‘આવજો’…’
અસહ્ય પીડા થાય. હાડકેહાડકું છેક અંદરથી દુ:ખે, હાડકાંની અંદરના ભાગમાં, પોલાણમાં જે માવો હોય એ ધગધગે. છતાં નિસાસો કે પીડાનો ઊંહકાર સુધ્ધાં નહીં. રાત્રે જોર કરીને કફ કાઢતાંય વિચારે, ‘બા કે નલિની જાગી જશે તો?’
રોગ આગળ વધતો જતો હતો અને ધીરે ધીરે એમની ઇન્દ્રિયોને હડપવા લાગ્યો હતો. મરણ નજીક ને નજીક આવતું જતું હતું. વાળ આછા ને સાવ સફેદ થઈ ગયેલા. ચામડીનો રંગ બદલાઈ ગયેલો. લોહીમાં શ્વેતકણોની સંખ્યા સખત વધી ગયેલી. હાડકેહાડકાંના પોલાણમાં, જ્યાં શ્વેતકણો ઉત્પન્ન થાય છે ત્યાં ભયંકર પીડા થતી હતી. આંખોનું તેજ સાવ ઝાંખું થઈ ગયેલું. કાનેય બરાબર સંભળાતું નહોતું. હોલવાતી જતી શગની જેમ તેઓ આત્મબળે ઇન્દ્રિયોને સંકોરવા મથતા – આ ઇન્દ્રિયો પાસેથી હજી કેટલું કામ લઈ શકાશે એનુંય ગણિત માંડતા. પ્રમાણમાં અવાજ હજી ક્ષીણ થયો નહોતો. છતાં તેઓ કહેતા, ‘મારો અવાજ હવે પહેલાં જેવો રહ્યો નથી.’
એમની જ એક કાવ્યપંક્તિ છે –
‘મારી રૂપેરી વાણી,
ન છોડી દઈશ તારું લય-નર્તન,
શબ્દ કોઈ નવા લયે નિ:સમયમાં તરે પણ ખરો.’
‘આવશે’ કાવ્યમાં લોહીના કૅન્સરની પીડા આમ પ્રગટે છે –
‘મારી શિરાઓમાં અસંખ્ય શ્વેત અશ્વો
ખરી પછાડતા હણહણતા રણે ચડ્યા છે.’
અને આ જ કાવ્યના અંતે કવિ કેવી તો સ્વસ્થતાથી સમજપૂર્વક કહે છે –
‘એકાદ વહામ ભૂલું પડે તો ધ્રુવના તારાને જાળવી લેજે, હોં!
ના, ન અવાય મારી પાછળ પાછળ.’
તો, ‘તમારી વચ્ચે’ – કાવ્યમાં તેઓ કહે છે –
‘ભગવાન સામે ઊભેલો હું
મારી જાતને સંકોરવા
ઘીના દીવાની પેઠે
મથું છું.’
‘મૃત્યુ’ને કાવ્યમાં કવિ મૃત્યુને કહે છે –
‘ચાલ આપણે ફરવા જઈએ –
ફરીને વિરમવા જઈએ.’
‘હે સૂર્ય’, ‘કદાચ’, ‘માનશે?’, ‘અવાશે’, ‘એક કાવ્ય’ ‘આપણે આવી રીતે છૂટાં નહોતું પડવું જોઈતું’, ‘મૃત્યુને’, ‘ભગવાન’, ‘સૂરજ’, ‘આખી રાત’ જેવી રચનાઓમાં એમની કવિત્વશક્તિનો વિશેષ ઉન્મેષ પમાય છે.
‘અજાણ્યું સ્ટેશન’, ‘ડાર્લિંગ’, ‘લીલી વાડી’, ‘તન્વી શ્યામા’ તથા ‘મોટી બહેન’ જેવી કેટલીક વાર્તાઓ પણ એમની પાસેથી મળી છે.
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની સર્જકતાનો વિશેષ ઉન્મેષ એમના ચરિત્રનિબંધોમાં ઉઘાડ પામે છે. એમણે ચરિત્રનિબંધો આપ્યાં એ સમયે આધુનિકતાની, દુર્બોધતાની, કાવ્યાત્મક ગદ્યની બોલબાલા હતી. એ સમયે એમણે ગ્રામચેતનાને તથા ગ્રામબોલીને ઉજાગર કરતાં, ‘ઘટના’ તથા વાર્તાતત્ત્વને ગાળી-ઓગાળીને, સામાન્ય માણસમાં રહેલા ‘અસામાન્ય’ને પ્રગટાવતા, ‘માણસાઈ’ને પેટાવતાં ઉત્તમ ચરિત્રનિબંધો આપ્યાં. જીવનના સત્યને પ્રગટ કરવાની બારીક અવલોકનશક્તિ, નર્મમર્મ, વ્યંગ-વિનોદ, રહસ્ય, સંસ્કૃતિસંદર્ભ વગેરેના અદ્ભુત રસાયણથી આ નિબંધો અત્યંત રસલક્ષી થયા છે. લેખકે focus ‘ચરિત્ર’ પર કર્યું છે ને ચરિત્રની ભીતરના ચરિત્રનેય વ્યંજનાપૂર્વક ઉપસાવવામાં લેખક મહદ્અંશે સફળ રહ્યા છે.
ચરિત્રનિબંધોને આગવો આકાર આપવામાં ચરિત્ર તથા પરિવેશ ઉપરાંત લેખકનું ગદ્યકર્મ પણ ધ્યાનાર્હ છે. કથનશૈલી ટૂંકાં ટૂંકાં વાક્યોથી રસળતી ચાલે છે. લેખક ઘણુંખરું પાત્રોને જ બોલવા દે છે, તળપદા રણકાવાળી ભાષા, પ્રાદેશિક બોલીના વિશિષ્ટ લય-લહેકા-લહેજા-લઢણ, લોકજીભેથી લીધેલાં વિલક્ષણ વાક્યો ઉપરાંત કહેવતો, લોકગીતો, ગીતોનોય ઉપયોગ કરીને લેખકે, ચરિત્રનિબંધ માટે આવશ્યક એવી વિલક્ષણ આબોહવા રચી છે. આ ચરિત્ર-નિબંધો થકી લેખકે માનવચેતનાને ઢંઢોળી ઢંઢોળીને જગાડવાનું કામ કર્યું છે. જીવનમૂલ્યોની અદ્ભુત માવજત કરી છે, નષ્ટદૃષ્ટ નામરૂપની ચિરનવીન લીલાની પાછળ રહેલા ‘અરૂપ તત્ત્વ’ને લેખકે નામરૂપની ભાતીગળ સૃષ્ટિમાં અશબ્દ ભાવસંકેતો દ્વારા માત્ર સૂચવ્યું જ નથી પણ એ ‘અરૂપ રતન’નો ભાવકનેય અપરોક્ષ અનુભવ કરાવી આપ્યો છે.
‘બાબુ વીજળી’, ‘શ્યામજી હનુમાન’, ‘મૂળીમા’, ‘ચકલો ભગત’, ‘ખોવાયેલો ભગવાન’ જેવાં કેટલાંક ઉત્તમ ચરિત્રનિબંધો એમની પાસેથી સાંપડ્યા છે.
૧૯૮૧ની ૩૧મી જુલાઈએ અવસાન. ૨૬-૨૭ જુલાઈએ તો હું એમની સાથે હતો. મરણ હવે અત્યંત નજીક છે એ તેઓ પામી ગયેલા. ૨૭મી જુલાઈએ મને કહેલું
‘હવે હું નહિ હોઉં, યોગેશ… ભોગીભાઈને કાગળ લખો, અહીં આવી જાય. બધું એમને સોંપીને જઉં…’
‘તમે બોલો છો પણ મને બરાબર સંભળાતું નથી…’
‘શરીર ભાંગી ગયું છે, પણ મારું મગજ ખૂબ ચાલે છે… એક સંતે કહેલું, ઑક્ટોબર સુધી ભારે છે… ના, એવું કશું તો નહિ થાય… એમ તો હું હજી મચક આપું એવો નથી…’
અને છેવટ સુધી એમણે મચક નહોતી આપી. મોત સાથે છેલ્લી ક્ષણ સુધી ટક્કર લીધેલી – ૩૧મી જુલાઈએ પોતે વિદાય લીધી પણ ‘મુંબઈ સમાચાર’નો પહેલી ઑગસ્ટનો હપ્તો સમયસર પહોંચાડેલો.
મરણના સાન્નિધ્યમાંય, સંતનેય દુર્લભ એવી સ્વસ્થતા એમણે કઈ રીતે કેળવી હશે? મરણ વડે રોજેરોજ ખવાતા જતા ને અસહ્ય પીડા સહન કરતા આટલા દુર્બળ શરીર પાસેથી એમણે છેક છેલ્લી ક્ષણ સુધી કઈ રીતે લીધું હશે કામ? મરણ જેવા મરણનેય હંફાવીને, આત્મબળે પાછું ઠેલીઠેલીને, ક્ષણેક્ષણ સ્વધર્મ બજાવનાર યોદ્ધા તરીકે હંમેશાં પ્રેરક બની રહેશે અનિરુદ્ધભાઈનું નામ.
{{Poem2Close}}
{{right|– યોગેશ જોષી}}<br>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
17,756

edits

Navigation menu