|
|
Line 52: |
Line 52: |
| * [[ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/બે માથાંવાળો વણકર|બે માથાંવાળો વણકર]] | | * [[ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/બે માથાંવાળો વણકર|બે માથાંવાળો વણકર]] |
| * [[ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/હવાઈ કિલ્લા બાંધનાર બ્રાહ્મણ|હવાઈ કિલ્લા બાંધનાર બ્રાહ્મણ]] | | * [[ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/હવાઈ કિલ્લા બાંધનાર બ્રાહ્મણ|હવાઈ કિલ્લા બાંધનાર બ્રાહ્મણ]] |
|
| |
| {{Poem2Open}}
| |
| === ખીલો ખેંચનાર વાંદરો ===
| |
| કોઈ એક નગરની પાસે વૃક્ષોની ઘટા વચ્ચે એક વાણિયો દેવતાનું મંદિર કરાવતો હતો. ત્યાં જે સ્થપતિ વગેરે કારીગરો હતા તે મધ્યાહ્નકાળે આહારને માટે નગરમાં જતા હતા. હવે એક વાર ત્યાં નજીકમાં રહેતું વાંદરાઓનું યૂથ આમતેમ ભમતું તે સ્થળે આવ્યું. ત્યાં કોઈ એક કારીગરે અર્ધો વહેરેલો આંજણીના લાકડાનો થાંભલો પડ્યો હતો, અને તેની વચમાં ખેરનો ખીલો ખોસેલો હતો. તે સમયે વાંદરાઓ ઝાડની ટોચ ઉપર, મંદિરના શિખર ઉપર અને લાકડાંઓના છેડા ઉપર ઇચ્છાનુસાર રમવા લાગ્યા, જેનું મૃત્યુ નજીક આવ્યું હતું એવો તેમાંનો એક વાંદરો તે અર્ધા વહેરેલા થાંભલા ઉપર બેસીને ખીલો પકડીને ખેંચવાનો પ્રયત્ન કરવા લાગ્યો, તે વખતે થાંભલાની ફાટ વચ્ચે જેનાં વૃષણ લટકતાં હતાં એવા તેની, ખીલો પોતાના સ્થાનેથી ખસી જતાં, જે સ્થિતિ થઈ તે વિશે મેં તમને પહેલાં જ કહ્યું છે.
| |
| તેથી હું કહું છું કે — પોતાનું કામ ન હોય એવી બાબતમાં જે માથું મારવા જાય છે તે ખીલો ખેંચનાર વાંદરાની જેમ મરણ પામે છે.
| |
| === શિયાળ અને દુન્દુભિ ===
| |
| ભૂખથી સુકાઈ ગયેલા કોઈ શિયાળે વનમાં આમતેમ ભમતાં બે સૈન્યોની સંગ્રામભૂમિ જોઈ, ત્યાં પડેલા દુન્દુભિ ઉપર વાયુને કારણે હાલતી વેલીઓની શાખાના અગ્રભાગ અથડાતાં ઉત્પન્ન થતો શબ્દ તેણે સાંભળ્યો. એટલે ક્ષોભ પામેલા હૃદયવાળો તે વિચાર કરવા લાગ્યો, ‘અહો! હું નાશ પામ્યો! આ મોટો શબ્દ કરનાર પ્રાણીની નજરે હું પડું ત્યાર પહેલાં અહીંથી ચાલ્યો જાઉં અથવા મારા પિતા અને પિતામહોનું વન આમ એકાએક છોડીને જવું એ યોગ્ય નથી. કહ્યું છે કે
| |
| ‘ભય અથવા હર્ષનો પ્રસંગ આવી પડતાં જે વિચાર કરે છે અને ઉતાવળમાં કૃત્ય કરી નાખતો નથી તેને પસ્તાવાનો સમય આવતો નથી.
| |
| તો હવે હું તપાસ કરું કે આ શેનો શબ્દ છે.’ પછી ધૈર્ય ધારણ કરીને વિચાર કરતો તે જ્યાં મન્દ મન્દ આગળ ચાલતો હતો ત્યાં તેણે દુન્દુભિ જોયું. એમાંથી અવાજ આવે છે એ જાણીને, પાસે જઈને તેણે પોતે જ કૌતુકથી તે વગાડ્યું; અને ફરી વાર હર્ષથી વિચાર કરવા લાગ્યો, ‘મને આ મહદ્ ભોજન ઘણે દિવસે મળ્યું, નક્કી, આ પુષ્કળ માંસ, મેદ અને લોહીથી ભરેલું હશે.’ પછી કઠણ ચામડાથી મઢેલા તે દુન્દુભિને જેમતેમ કરી ચીરી, એક ભાગમાં છિદ્ર કરી હર્ષ પામેલા મનવાળો તે શિયાળ અંદર પ્રવેશ્યો (પણ અંદર લાકડા સિવાય બીજું કંઈ ન જોયું). વળી ચામડું ચીરતાં તેની દાઢ પણ ભાંગી ગઈ. નિરાશ થયેલો તે શિયાળ, જેમાં માત્ર લાકડું જ હતું એવા દુન્દભિને જોઈને આ શ્લોક બોલ્યો મેં પહેલાં જાણ્યું કે આ મેદથી ભરેલું હશે, પણ અંદર પ્રવેશ્યા પછી તેમાં જેટલું ચામડું અને જેટલું લાકડું હતું તે બરાબર જાણવામાં આવ્યું.
| |
| === દંતિલ શ્રેષ્ઠી અને ગોરંભ ===
| |
| આ ધરાતલ ઉપર વર્ધમાન નામનું નગર છે. ત્યાં અનેક પ્રકારના માલનો અધિપતિ અને સકલ નગરનો નાયક દંતિલ નામે (શ્રેષ્ઠી) રહેતો હતો. તેણે નગરનું કાર્ય તથા રાજકાર્ય કરતાં તે નગરના વાસી લોકોને અને રાજાને પ્રસન્ન કર્યા હતા. વધારે શું કહેવું? તેના જેવો બીજો કોઈ જોવામાં કે સાંભળવામાં આવ્યો ન હતો. અથવા સાચું કહ્યું છે કે
| |
| રાજાનું હિત કરનારો લોકોમાં દ્વેષપાત્ર થઈ પડે છે, અને દેશનું હિત કરનારનો રાજાઓ ત્યાગ કરે છે. આમ એકસરખી રીતે (આ બે વચ્ચે) મહાવિરોધ પ્રવર્તમાન હોય તેવી સ્થિતિમાં રાજા અને પ્રજા બન્નેનું કાર્ય કરનાર દુર્લભ હોય છે.
| |
| આ રીતે સમય જતાં એક વાર દંતિલનો વિવાહ થયો. તે સમયે તેણે તે નગરના સર્વે નિવાસીઓને અને રાજાની પાસે રહેનારાં મનુષ્યોને સન્માન સાથે આમંત્રીને વસ્ત્રાદિ આપીને તેમનો સત્કાર કર્યો. પછી તેણે અંત:પુર સહિત રાજાને પોતાને ઘેર બોલાવી તેનો સત્કાર કર્યો. હવે, તે રાજાના ઘરનો કચરો વાળનાર ગોરંભ નામે રાજસેવક પણ તેને ઘેર આવેલો હતો, પણ તેને અનુચિત સ્થાન ઉપર બેઠેલો જાણીને દંતિલે તેનું ગળું પકડીને બહાર કાઢી મૂક્યો. ગોરંભ પણ આ અપમાનને કારણે તે દિવસથી ખૂબ નિ:શ્વાસ નાખીને રાત્રે સૂતો પણ નહોતો. ‘આ વેપારી ઉપર રાજાની કૃપા છે તે મારે કેવી રીતે દૂર કરવી?’ એના જ વિચાર તે કર્યા કરતો હતો. (વળી તે વિચાર કરવા લાગ્યો કે) ‘આ પ્રમાણે વૃથા શરીર સૂકવી નાખવાથી શું? દંતિલનું જરા પણ ભૂંડું હું કરી શકું એમ નથી. અથવા બરાબર કહ્યું છે કે
| |
| જે સામાનું ભૂંડું કરવાને અશક્ત હોય એવો નિર્લજ્જ મનુષ્ય શા માટે કોપ કરતો હશે? (શેકાતી વખતે) ઊંચે ઊડતો ચણો શું ભાંડને ભાંગી નાખવા સમર્થ છે?’
| |
| હવે, એક વાર સવારે રાજા અર્ધનિદ્રામાં હતો ત્યારે તેની શય્યાની પાસે સાફસૂફી કરતાં ગોરંભ બોલ્યો કે, ‘અહો! દંતિલની ભ્રષ્ટતા તો જુઓ કે તે રાજાની પટ્ટરાણીને આલિંગન કરે છે!’ આ સાંભળીને રાજાએ ઉતાવળે ઊભા થઈને કહ્યું, ‘હે ગોરંભ! દંતિલે દેવીને આલિંગન કર્યું એ વાત શું સાચી છે?’ ગોરંભ બોલ્યો, ‘જુગારના ઘણા શોખને લીધે રાતનો ઉજાગરો થવાથી મને બહુ જ નિદ્રા આવતી હતી, તેથી હું શું બોલ્યો તે મને ખબર નથી.’ રાજા ઈર્ષ્યાપૂર્વક સ્વગત બોલ્યો, ‘જેમ આ ગોરંભ મારા ઘરમાં વિના સંકોચ ફરે છે તેમ દંતિલ પણ ફરે છે, તો કદાચ ગોરંભે આલિંગન કરાતી દેવીને જોઈ હોય, અને તેથી તેણે આમ કહ્યું હોય. કહ્યું છે કે
| |
| મનુષ્ય દિવસે જે ઇચ્છે છે, જુએ છે અને કરે છે તે, પરિચયના કારણથી, ઊંઘમાં પણ બોલે છે અથવા કરે છે.
| |
| તેમ જ
| |
| મનુષ્યોના હૃદયમાં જે સારું અથવા નરસું ગૂઢ રીતે રહેલું હોય છે તે ઊંઘમાં બોલવાથી અને મદમત્તપણામાં કરેલા બકવાદ ઉપરથી જાણવામાં આવે છે.
| |
| અથવા સ્ત્રીઓ માટે આવી બાબતમાં સંદેહ શો છે?
| |
| તેઓ એકની સાથે વાર્તાલાપ કરે છે, બીજાની સામે વિલાસપૂર્વક જુએ છે, અને પોતાના હૃદયમાં રહેલા ત્રીજાનો જ વિચાર કરે છે. ખરેખર સ્ત્રીઓને કોણ પ્રિય છે? સ્મિત વડે રાતા હોઠવાળી સ્ત્રીઓ એક સાથે ઘણી વાત કરે છે, વિકસિત કુમુદિની જેવાં નેત્રો વડે બીજા પ્રત્યે લાંબા સમય સુધી નિહાળે છે અને ઉદાર ચારિત્ર્યથી રહિત પણ વિચિત્ર વૈભવવાળા એવા ત્રીજાનું મનમાં ચિન્તન કરે છે; આ રીતે જોતાં, વામલોચના સ્ત્રીઓનો પ્રેમ સાચા અર્થમાં ખરેખર કોના ઉપર છે?
| |
| તેમ જ
| |
| અગ્નિ કાષ્ઠોથી તૃપ્તિ પામતો નથી, સમુદ્ર નદીઓથી તૃપ્તિ પામતો નથી, કાળ સર્વ પ્રાણીઓથી તૃપ્તિ પામતો નથી, અને સ્ત્રીઓ પુરુષોથી તૃપ્તિ પામતી નથી. એકાંત સ્થળ નથી, ઉત્સવનો સમય નથી અને પ્રાર્થના કરનાર પુરુષ નથી, તે કારણથી હે નારદ! સ્ત્રીઓનું સતીત્વ ઉત્પન્ન થાય છે. જે મૂઢ પુરુષ મોહને કારણે ‘આ સ્ત્રી મારે વશ છે’ એમ માને છે તે તેને વશ પડીને તેના રમવાના પંખી (રમકડા) જેવો બની જાય છે. જે પુરુષ સ્ત્રીઓનાં નાનાં કે મોટાં વાક્યો કે કાર્યો કરે છે તે એ વાક્યો અથવા કાર્યો કરવા વડે સર્વત્ર લઘુતા પામે છે. જે પુરુષ સ્ત્રીની પ્રાર્થના કરે છે, તેના સંસર્ગમાં આવે છે તથા તેની કંઈક પણ સેવા કરે છે તે પુરુષને સ્ત્રીઓ ઇચ્છે છે. પ્રાર્થના કરનારા મનુષ્યો નહિ હોવાથી તથા પરિજનોના ભયને કારણે અમર્યાદ એવી સ્ત્રીઓ સર્વદા મર્યાદામાં રહે છે. સ્ત્રીઓને માટે કોઈ અગમ્ય નથી અથવા વયની મર્યાદાનો એમને વિચાર નથી. કદરૂપા અથવા રૂપાળા મનુષ્યને તે માત્ર પુરુષ હોવાના કારણથી જ, તેઓ ભોગવે છે. છેડાના ભાગથી નીચે લટકતી અને નિતંબ ઉપર રાખવામાં આવેલી રક્ત — રાતી સાડીની જેમ રક્ત — આસક્ત પુરુષ સ્ત્રીઓને માટે ભોગવવા લાયક બને છે. અર્થાત્ કામી પુરુષ પણ સ્ત્રીના પાલવે વળગીને તેની પાછળ ઘસડાય છે. રક્ત — રાતા અળતાની જેમ રક્ત — કામાસક્ત પુરુષને પણ સ્ત્રીઓ બળપૂર્વક ચોળી નાખીને પોતાના પગના મૂળમાં પાડે છે (અળતાને પોતાના પગે ચોપડે છે અને પુરુષને પગમાં નમાવે છે).’
| |
| આ પ્રમાણે અનેક પ્રકારનો વિલાપ કર્યા પછી રાજા તે દિવસથી દંતિલ પ્રત્યે કૃપા દર્શાવવામાં બેદરકાર રહેવા લાગ્યો. વધારે શું કહેવું? રાજદ્વારમાં તેનો પ્રવેશ પણ રાજાએ બંધ કરાવ્યો. હવે, રાજાને કૃપારહિત જોઈને દંતિલ વિચાર કરવા લાગ્યો,
| |
| ‘ધન મેળવીને કયો માણસ ગર્વિત થયો નથી? કયા વિષયી મનુષ્યની આપત્તિઓ અસ્ત પામી છે? પૃથ્વીમાં કોનું મન સ્ત્રીઓએ ખંડિત કર્યું નથી? રાજાને ખરેખર કોણ પ્રિય છે? કાળની મર્યાદામાં કોણ આવતો નથી? ક્યો યાચક ગૌરવ પામ્યો છે? અને દુર્જનની જાળમાં ફસાયેલો કયો પુરુષ કુશળતાપૂર્વક બચી ગયેલો છે? કાગડામાં પવિત્રતા, જુગારીમાં સત્ય, સર્પમાં ક્ષમા, સ્ત્રીઓમાં કામની શાન્તિ, નપુંસકમાં ધૈર્ય, મદ્ય પીનારમાં તત્ત્વવિચાર અને રાજા મિત્ર — આટલી વસ્તુઓ કોણે જોઈ અથવા સાંભળી છે?
| |
| વળી આ રાજાનું અથવા તેના બીજા કોઈ સંબંધીનું મેં સ્વપ્નમાં પણ કંઈ અનિષ્ટ કર્યું નથી. તો આ શું થયું?’ એ પ્રમાણે (વિચાર કરતા) દંતિલને રાજદ્વારમાં પ્રવેશતાં અટકાવવામાં આવેલો જોઈને વાસીદું વાળનાર ગોરંભ હસીને દ્વારપાલોને આ પ્રમાણે કહેવા લાગ્યો, ‘હે દ્વારપાલો! રાજાનો કૃપાપાત્ર આ દંતિલ પોતે નિગ્રહ અને અનુગ્રહ કરનારો છે; માટે એને અટકાવશો તો, મારી બાબતમાં બન્યું તેમ, તમને પણ ગળચી પકડીને હાંકી કાઢવામાં આવશે.’ એ સાંભળીને દંતિલ વિચાર કરવા લાગ્યો, ‘ખરેખર, આ બધું ગોરંભનું જ કામ હશે. અથવા યોગ્ય કહ્યું છે કે
| |
| રાજાને સેવનારો મનુષ્ય અકુલીન, મૂર્ખ અને સંમાનહીન હોય તો પણ સર્વત્ર તેનો સત્કાર થાય છે. કાયર અને ભીરુ મનુષ્ય પણ જો રાજાનો સેવક હોય તો લોકો પાસેથી જે ફળ મેળવી શકે છે તેનો એક અંશ પણ (સામાન્ય સ્થિતિમાં રહેલો) ગુણીજન મેળવી શકતો નથી.’
| |
| એ પ્રમાણે અનેક પ્રકારનો વિલાપ કરીને, લજ્જા પામેલા મુખવાળો અને ઉદ્વેગને કારણે પ્રભાવરહિત બનેલો દંતિલ પોતાને ઘેર આવ્યો; અને સાયંકાળે તેણે ગોરંભને પોતાને ઘેર બોલાવીને વસ્ત્રયુગલ આપવા વડે તેનો સત્કાર કરીને કહ્યું, ‘ભદ્ર! તે દિવસે તું તારે માટે અનુચિત એવે સ્થાને, રાજાના આસન ઉપર બેઠો હતો તેથી મેં તિરસ્કાર કરીને તારું અપમાન કર્યું હતું, દ્વેષને કારણે તને કાઢી મૂક્યો નહોતો.’ ગોરંભે પણ સ્વર્ગના રાજ્ય સમાન તે વસ્ત્રયુગલ મળતાં પરમ સંતોષ પામીને તેને કહ્યું, ‘હે શેઠ! તમારા તે કૃત્યની હું ક્ષમા આપું છું, તમે મારો સત્કાર કર્યો છે, તો હવે મારો બુદ્ધિપ્રભાવ તથા (તમારા ઉપર થનાર) રાજાની કૃપા જોજો.’ એ પ્રમાણે કહીને સંતોષ પામીને તે નીકળ્યો. આ વાત સાચી કહી છે કે
| |
| અહો! આ ત્રાજવાંની દાંડી અને ખલ પુરુષની ચેષ્ટા સમાન છે; અલ્પ વસ્તુથી તે ઉન્નતિ પામે છે (ઊંચે જાય છે) અને અલ્પ વસ્તુથી અધોગતિ પામે છે (નીચે જાય છે).
| |
| હવે, ગોરંભ રાજમહેલમાં જઈને, રાજા અર્ધનિદ્રામાં રહેલો હતો તે સમયે વાસીદું વાળતાં બોલ્યો કે, ‘અહો! અમારા રાજાનો અવિવેક તો જુઓ કે તે ઝાડે ફરતાં ચીભડું ખાય છે!’ એ સાંભળીને રાજાએ વિસ્મય પામીને તેને કહ્યું કે, ‘અરે ગોરંભ! અસંબદ્ધ કેમ બોલે છે? તું ઘરનો નોકર હોવાથી જ તને હું મારી નાખતો નથી. શું તેં કદાપિ મને એમ કરતાં જોયો છે?’ ગોરંભ બોલ્યો, ‘દેવ! જુગારના શોખને લીધે રાતનો ઉજાગરો થવાને કારણે વાસીદું વાળતાં વાળતાં મને ખૂબ નિદ્રા આવી હતી. નિદ્રાના ઘેનમાં હું કંઈક લવ્યો હોઈશ, પણ શું તે હું પોતે જ જાણતો નથી. માટે પરવશ એવા મારા ઉપર મહારાજ કૃપા કરો.’ એ સાંભળીને રાજાએ વિચાર્યું કે, ‘આખા જીવનમાં ઝાડે ફરતાં મેં કદી ચીભડું ખાધું નથી. તો જેવી આ અસંભવિત બાબત ગોરંભે મને કહી તેવી રીતે દંતિલની બાબતમાં પણ કહી હશે એ ચોક્કસ છે. માટે તે બિચારાનું મેં અપમાન કર્યું એ યોગ્ય ન થયું. એવા પુરુષોની એ પ્રકારની ચેષ્ટાઓ સંભવતી નથી. તેના પ્રત્યેની અવકૃપાને કારણે બધાં રાજકાર્યો પણ શિથિલતા પામે છે.’ એ પ્રમાણે અનેક પ્રકારે વિચાર કરીને દંતિલને બોલાવી, પોતાના અંગનાં વસ્ત્રાભૂષણો તેને આપી રાજાએ ફરી પોતાના અધિકાર ઉપર તેની નિમણૂક કરી.
| |
| === પરિવ્રાજક અને ધુતારો ===
| |
| કોઈ પ્રદેશના એક મઠમાં દેવશર્મા નામે એક પરિવ્રાજક રહેતો હતો. તેને મળેલાં દાનમાંથી તેની પાસે સારું એવું ધન એકઠું થયું હતું. કોઈનો વિશ્વાસ તે કરતો ન હતો એટલે ધનની થેલી પોતાની બગલમાં જ રાખતો હતો.
| |
| બીજાનું ધન ચોરી જનાર આષાઢભૂતિ નામનો ધુતારો એ થેલી જોઈને કેવી રીતે પોતાની કરવી તે વિચાર્યા કરતો હતો. તે બીજી કોઈ રીતે તે ધન પડાવી શકે એમ ન હતો. એટલે સાધુપણાનો વેશ લઈને તેની પાસે ગયો અને ધર્મચર્ચા કરવા લાગ્યો. તે તો દેવશર્માને નમીને તેની પાસે દીક્ષા યાચવા લાગ્યો. દેવશર્માએ ભોળે ભાવે તેની વાતો માની લીધી અને તેને પોતાનો શિષ્ય બનાવ્યો. પણ તે પોતાની થેલી કોઈ રીતે અલગ કરતો ન હતો. તેને દેવશર્માને મારી નાખવાનો વિચાર પણ આવ્યો. પણ એક દિવસ દેવશર્માના શિષ્યનો કોઈ પુત્ર દેવને પવિત્રું પહેરાવવાનું આમંત્રણ આપવા આવ્યો. એટલે આનંદ પામીને તે આષાઢભૂતિને લઈને નીકળ્યો.
| |
| એ પ્રમાણે આગળ જતાં કોઈ એક નદી આવી. તે જોઈને ધનની થેલીને બગલમાંથી ઉતારીને તથા કંથામાં ગુપ્ત રીતે મૂકીને, સ્નાન તથા દેવાર્ચન કર્યા પછી દેવશર્માએ આષાઢભૂતિને કહ્યું, ‘હે આષાઢભૂતિ! હું શૌચ જઈને આવું ત્યાં સુધી યોગેશ્વરની આ કંથા તું સાવધાન થઈને સાચવજે.’ એમ કહીને તે ગયો. તે દેખાતો બંધ થયો, એટલે આષાઢભૂતિ પણ થેલી લઈને સત્વર ત્યાંથી ચાલ્યો ગયો. પોતાના શિષ્યના ગુણથી રંજિત થયેલા મનવાળો અને જેને સારી રીતે વિશ્વાસ ઉત્પન્ન થયો હતો એવો દેવશર્મા જ્યારે શૌચ માટે બેઠો હતો ત્યારે સુવર્ણ જેવા ઊનવાળાં ઘેટાંઓના યૂથમાંનાં બે ઘેટાંઓને તેણે લડતાં જોયાં. એ બે ઘેટાં દૂર સુધી પાછા પડીને ફરી સામસામા આવીને રોષપૂર્વક પરસ્પરને પોતાના મસ્તકથી પ્રહાર કરતાં હતાં, આથી તેમનાં માથાંમાંથી ઘણું લોહી નીકળતું હતું. એક શિયાળ જીભની લલુતાને કારણે યુદ્ધની રંગભૂમિ ઉપર આવીને એ રુધિરનો આસ્વાદ કરતો હતો. એ જોઈને દેવશર્મા પણ વિચાર કરવા લાગ્યો, ‘અહો! આ શિયાળ ખરેખર મંદબુદ્ધિ છે. કદાચ આ બે ઘેટાંઓના ભેટામાં તે આવી જશે તો નક્કી મરણ પામશે, એમ હું ધારું છું.’ એટલામાં તો એ શિયાળ રુધિરનો સ્વાદ લેવાની લાલચથી તે બન્નેની વચમાં પેઠો, અને તેમનાં માથાંના પ્રહારની વચ્ચે આવી જતાં મરણ પામ્યો. એનો વિચાર કરતો દેવશર્મા પણ પોતાની થેલી લેવા માટે ધીરે ધીરે ચાલવા માંડ્યો, પણ જ્યારે આષાઢભૂતિને જોયો નહિ ત્યારે ઉત્સુકતાપૂર્વક હાથપગ ધોઈને તેણે કંથા તપાસી, તો તેમાં થેલી જોઈ નહિ એટલે ‘હાય! હાય! હું લુંટાયો છું’ એમ બોલતો તે પૃથ્વી ઉપર પડ્યો. થોડી વાર પછી ચેતના પામીને ફરી પાછો ફુત્કાર કરવા લાગ્યો, ‘અરે આષાઢભૂતિ! મને છેતરીને તું ક્યાં ગયો છે? મને ઉત્તર તો આપ!’ એ પ્રમાણે અનેક પ્રકારે વિલાપ કર્યા પછી આષાઢભૂતિનાં પગલાં જોતો તે ધીરે ધીરે આગળ ચાલ્યો. એ પ્રમાણે ચાલતાં સંધ્યાકાળે તે કોઈ એક ગામ આગળ આવી પહોંચ્યો.
| |
| હવે, એ ગામમાંથી કોઈ એક વણકર પોતાની પત્ની સાથે મદ્યપાન કરવા માટે નજીકના નગરમાં જવા નીકળ્યો હતો. દેવશર્મા પણ તેને જોઈને બોલ્યો, ‘હે ભદ્ર! અમે સૂર્યાસ્તકાળે તારી પાસે અતિથિ થઈને આવ્યા છીએ, અને આ ગામમાં બીજા કોઈને ઓળખતા નથી. માટે તું અતિથિધર્મ ગ્રહણ કર, કહ્યું છે કે
| |
| જે અતિથિ સાયંકાળે સૂર્યાસ્ત થવા સાથે આવી પહોંચ્યો હોય તેનો સત્કાર કરવાથી ગૃહસ્થો દેવત્વને પામે છે. તેમ જ ઘાસ, (સૂવા-બેસવાની) જગ્યા, પાણી અને ચોથી સત્ય વાણી — આટલી વસ્તુઓ સત્પરુષોનાં ભવનમાંથી કદી ઉચ્છેદ પામતી નથી. અતિથિનું સ્વાગત કરવાથી અગ્નિ, તેને આસન આપવાથી ઇન્દ્ર, તેના પગ ધોવાથી ગોવિન્દ, તેમ જ તેને અર્ઘ્ય આપવાથી શંકર પ્રસન્ન થાય છે.’
| |
| વણકરે પણ તે સાંભળીને પત્નીને કહ્યું, ‘તું અતિથિને લઈને ઘેર જા. પાદશૌચ, ભોજન વગેરે વડે તેમનો સત્કાર કરીને તું ત્યાં જ રહેજે. હું તારે માટે ઘણું મદ્ય લાવીશ.’ એમ કહીને તે ચાલ્યો. તેની એ પુંશ્ચલી ભાર્યા પરિવ્રાજકને સાથે લઈને, હસતે મુખે,(પોતાના પ્રેમી) દેવદત્તનો વિચાર કરતી ઘર તરફ ચાલી. અથવા ખરું કહ્યું છે કે
| |
| વાદળથી ઘેરાયેલા ચોમાસાના દિવસે, અંધારા પખવાડિયામાં, જેમાં મુશ્કેલીએ ફરી શકાય એવી નગરની ગલીઓમાં, પતિ જ્યારે વિદેશ ગયો હોય ત્યારે વ્યભિચારિણી સ્ત્રીને પરમ સુખ થાય છે.
| |
| તેમ જ
| |
| ચોરીથી થતી સુરતક્રીડામાં લુબ્ધ એવી કામિનીઓ પલંગ ઉપર પાથરેલી ચાદર, અનુકૂલ પતિ અને મનોહર શયનને તૃણની જેમ તુચ્છ માને છે.
| |
| તેમ જ
| |
| (પોતાના પતિ સાથેની) ક્રીડા વ્યભિચારિણી સ્ત્રીની મજ્જા બાળી નાખે છે, પતિનો શૃંગાર તેનાં અસ્થિ બાળી નાખે છે, અને પતિનાં મધુર વચનો તેને કડવાં લાગે છે, એકબીજાને ઇષ્ટ ન હોય એવાં દંપતીને સંતોષ થતો નથી, પરપુરુષમાં આસક્ત થયેલી અબળા તે જ ક્ષણે કુલનો વિનાશ, લોકનિન્દા, બંધન અને મરણનો પણ સ્વીકાર કરે છે.
| |
| હવે, તેણે ઘેર જઈને દેવશર્માને બિછાના વગરનો ભાંગલો ખાટલો આપીને આ પ્રમાણે કહ્યું, ‘ભગવન્! પરગામથી આવેલી મારી સખીને મળીને હું જલદી આવું છું, ત્યાં સુધી આપ મારા ઘરમાં સાવધાનીપૂર્વક રહેજો.’ એક કહીને શણગાર સજીને તે દેવદત્તની પાસે જવા લાગી, એટલામાં સામેથી જ મદથી વિહ્વલ અંગોવાળો, છૂટા વાળવાળો, પગલે પગલે લથડિયાં ખાતો તેનો પતિ હાથમાં મદ્યનું વાસણ પકડીને આવ્યો. તેને જોઈને તે સ્ત્રી જલદીથી પાછી વળી અને પોતાના ઘરમાં પ્રવેશીને શણગારનો ત્યાગ કરીને પહેલાંના જેવી થઈ ગઈ. વણકરે તેને અદ્ભુત શણગાર સજીને બહાર જતી જોઈ; આ પૂર્વે પણ કર્ણપરંપરાથી સ્ત્રી વિશેનો અપવાદ સાંભળવાથી તેનું હૃદય ક્ષોભ પામતું હતું, પણ સદૈવ પોતાનો મનોભાવ છુપાવીને તે રહેતો હતો. પણ આ સમયે સ્ત્રીની આ પ્રકારની ચેષ્ટા જોઈને તેને ખાતરી થઈ, એટલે ક્રોધવશ બની ઘરમાં પ્રવેશીને તે સ્ત્રીને કહેવા લાગ્યો, ‘છિનાળ! તું ક્યાં જતી હતી?’ તે બોલી, ‘તમારી પાસેથી આવીને હું ક્યાંય ગઈ નથી. તમે દારૂ પીવાને કારણે આવું અસંબદ્ધ શું બોલો છો? અથવા ખરું કહ્યું છે કે
| |
| વિકળતા, ધરતી ઉપર ઢળી પડવું, અને અનુચિત ભાષણ — સંનિપાતનાં આ સર્વ ચિહ્નો મદ્ય પણ દર્શાવે છે. કરસ્પંદ(કિરણોની અસ્થિરતા અથવા હસ્તકંપ); અંબરત્યાગ (આકાશમાંથી ચાલ્યા જવું તે અથવા વસ્ત્રોનો ત્યાગ) તેજની હાનિ અને સરાગતા (લાલ બની જવું અથવા ઉશ્કેરાઈ જવું તે) — એ વારુણી(પશ્ચિમ દિશા અથવા મદ્ય)ના સંગથી ઉત્પન્ન થયેલી અવસ્થાનો અનુભવ સૂર્ય પણ કરે છે.’
| |
| તે પણ આ પ્રતિકૂળ વચન તથા વેશપલટો જોઈને તેને કહેવા લાગ્યો, ‘છિનાળ! મેં ઘણા સમયથી તારા વિશેનો અપવાદ સાંભળ્યો છે. હવે આજે મને તે વિષયમાં ખાતરી થઈ છે. માટે તને ઉચિત શિક્ષા કરું.’ એમ કહીને દંડના પ્રહારો વડે તેને જર્જરિત દેહવાળી બનાવીને થાંભલા સાથે દૃઢ બંધનથી બાંધીને મદવિહ્વલ એવો તે પણ નિદ્રાવશ થયો. એ સમયે તે સ્ત્રીની સખી વાળંદણ વણકરને નિદ્રાવશ થયેલો જાણીને તેની પાસે જઈને કહેવા લાગી, ‘સખિ! એ દેવદત્ત તે સ્થાનમાં તારી રાહ જુએ છે, માટે તું જલદી જા.’ તે બોલી, ‘પણ મારી આ અવસ્થા તો જો, હું શી રીતે જાઉં? તું જઈને તે કામીને કહે કે — આ અવસ્થામાં તારી સાથે સંગમ થઈ શકે એમ નથી.’ વાળંદણ બોલી, ‘સખી! એમ ન બોલ. કુલટાઓનો ધર્મ નથી. કહ્યું છે કે
| |
| વિષમ સ્થળમાં રહેલાં સ્વાદિષ્ટ ફળો ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરવાનો, જેમણે ઊંટોની જેમ નિશ્ચય કરેલો છે તેમનો જન્મ હું પ્રશંસાપાત્ર માનું છું.
| |
| તેમ જ
| |
| પરલોકનું અસ્તિત્વ સંદિગ્ધ છે અને જગતમાં લોકાપવાદ અનેક પ્રકારનો છે એવી સ્થિતિમાં પરપુરુષ પોતાને સ્વાધીન હોય તો તારુણ્ય ફરી ભોગવનારી સ્ત્રીઓને ધન્ય છે.
| |
| વળી
| |
| દૈવયોગે વિરૂપ પરપુરુષ પણ જો મળી જાય તો છિનાળ સ્ત્રી તેને એકાન્તમાં સેવે છે, પણ સુન્દર એવા પોતાના પતિને તે મુશ્કેલીએ પણ સેવતી નથી.’
| |
| તે બોલી, ‘એમ છે તો પણ દૃઢ બંધનથી બંધાયેલી હું ત્યાં કેવી રીતે જાઉં? અને આ મારો પાપી પતિ પણ પાસે જ પડેલો છે.’ વાળંદણ બોલી, ‘સખિ! મદવિહ્વલ એવો આ સૂર્યનાં કિરણોનો સ્પર્શ પામશે ત્યારે જાગશે. માટે હું તને છોડું છું. મને તારે સ્થાને બાંધીને દેવદત્તનો સત્કાર કરીને તું જલદી પાછી આવ.’ તેણે કહ્યું ‘ભલે, એમ કરું.’ પછી તે વાળંદણે પોતાની સખીને બંધનમાંથી છોડીને, તેની જગ્યાએ પહેલાંની જેમ પોતાની જાતને બાંધીને, તેને દેવદત્તની પાસે સંકેતસ્થાને મોકલી. તેમ થયા પછી થોડીક વારે જેનો કોપ કંઈક ઓછો થયો છે અને મદ દૂર થયો છે એવો તે વણકર ઊઠીને કહેવા લાગ્યો, ‘હે કઠોર વચન બોલનારી! જો તું આજથી ઘરની બહાર બિલકુલ નહિ જાય અને કઠોર વચન નહિ બોલે તો હું તને બંધનમાંથી છૂટી કરીશ.’ વાળંદણ પોતાનો સાદ ઓળખાઈ જવાના ભયથી કંઈ બોલી નહિ ત્યારે તે ફરી ફરી એ જ પ્રમાણે કહેવા લાગ્યો. પણ જ્યારે વાળંદણે કંઈ પ્રત્યુત્તર આપ્યો નહિ ત્યારે ક્રોધાયમાન થયેલા તેણે તીક્ષ્ણ શસ્ત્ર લાવીને તેનું નાક કાપી નાખ્યું, અને કહ્યું, ‘રે છિનાળ! બેસી રહે. હવે ફરી વાર હું તને મનાવવાનો નથી.’ આમ પ્રલાપ કરીને તે ફરી વાર નિદ્રાવશ થયો. ધનનો નાશ થવાથી તથા ભૂખને કારણે કંઠ મળી જવાથી જેની નિદ્રા નાશ પામી છે એવા દેવશર્માએ આ સર્વ સ્ત્રીચરિત્ર જોયું.
| |
| થોડીક વાર પછી પેલી વણકરની પત્ની દેવદત્ત સાથે સ્વેચ્છાએ સુરતસુખ અનુભવીને પોતાને ઘેર આવીને વાળંદણને કહેવા લાગી. ‘તને કુશળ છે? આ પાપી મારા ગયા પછી ઊઠ્યો તો નહોતો ને?’ વાળંદણે કહ્યું, ‘નાસિકા સિવાય મારા બાકીના શરીરને કુશળ છે, માટે હવે તું મને જલદી છૂટી કર, જેથી આ તારો પતિ જુએ નહિ એટલી વારમાં હું મારે ઘેર જાઉં.’
| |
| આ પ્રમાણે વ્યવસ્થા થઈ ગયા પછી ફરી વાર વણકર ઊભો થઈને કહેવા લાગ્યો, ‘છિનાળ! હજી કેમ બોલતી નથી? શું ફરી વાર આનાથી પણ ભયંકર એવી કાન કાપવાની શિક્ષા તને કરું?’ એટલે ક્રોધ અને તિરસ્કાર સાથે તેની સ્ત્રી આ પ્રમાણે બોલી, ‘ધિક્કાર છે, મૂર્ખ! હું કે જે મહાસતી છું તેનું અપમાન કરવાને કે તેનાં અંગ કાપવાને કોણ સમર્થ છે? માટે હે સર્વ લોકપાલો! સાંભળો,
| |
| સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી, જળ, હૃદય, યમ, દિવસ અને રાત્રિ, બન્ને સંધ્યાઓ (પ્રાત:કાળ અને સંધ્યાકાળ) તથા ધર્મ — એટલાં મનુષ્યનું આચરણ જાણે છે.
| |
| તો જો મારામાં સતીત્વ હોય અને મનથી પણ જો મેં પરપુરુષનો અભિલાષ કર્યો ન હોય તો દેવો ફરી વાર મારી નાસિકાને પહેલાંના જેવી અક્ષત બનાવી દો. અથવા જો મારા ચિત્તમાં પરપુરુષની ભ્રાંતિ પણ હોય તો મને ભસ્મસાત્ કરી દો.’ એમ બોલીને ફરી વાર તે સ્ત્રીએ તેને કહ્યું, ‘હે દુરાત્મા! જો, મારા સતીત્વના પ્રભાવથી પહેલાંના જેવી જ નાસિકા થઈ ગઈ છે.’ હવે, તે વણકરે સળગતું ઊંબાડિયું લઈને જોયું તો પહેલાંના જેવી જ નાસિકા જોઈ અને જમીન ઉપર મોટો રક્તપ્રવાહ જોયો. આથી વિસ્મિત થયેલા મનવાળા તેણે તેને બંધનથી મુક્ત કરી, શય્યામાં સુવાડી સેંકડો મધુર વચનોથી પ્રસન્ન કરી. આ સર્વ વૃત્તાન્ત જોઈને વિસ્મિત થયેલા મનવાળો દેવશર્મા પણ આ પ્રમાણે બોલ્યો-
| |
| ‘શંબરાસુરની જે માયા છે, નમુચિની જે માયા છે તથા બલિ અને કુંભીનસિની જે માયા સ્ત્રીઓ જાણે છે. સ્ત્રીઓ હસતા પુરુષની સાથે સમય અનુસાર હસે છે, રડતાની સાથે રડે છે અને અણગમતાને પણ વચનોથી વશ કરે છે. શુક્રાચાર્ય જે શાસ્ત્ર જાણે છે અને બૃહસ્પતિ જે શાસ્ત્ર જાણે છે તે સ્ત્રીની બુદ્ધિથી ચડે એવાં નથી. માટે તે સ્ત્રીઓને કેવી રીતે સાચવવી? જે સ્ત્રીઓ અનૃતને સત્ય કહે છે અને સત્યને અનૃત કહે છે તેમને આ લોકમાં ધીર પુરુષોએ કેવી રીતે સાચવવી?
| |
| અન્યત્ર પણ કહ્યું છે,
| |
| સ્ત્રીઓ સાથે બહુ પ્રસંગ પાડવો નહિ તથા સ્ત્રીઓનું બળ વૃદ્ધિ પામે એમ પણ ઇચ્છવું નહિ; કારણ કે તેઓ, પાંખો કપાઈ ગયેલા કાગડાઓને રમાડે તેમ, અતિપ્રસક્ત પુરુષો સાથે ક્રીડા કરે છે. યુવાન સ્ત્રીઓ સુંદર મુખથી મધુર વાતો કરે છે અને કઠોર ચિત્તથી પ્રહાર કરે છે; તેમની વાણીમાં મધ હોય છે અને હૃદયમાં મહાવિષ હલાહલ હોય છે. આથી જ અલ્પ સુખ વડે છેતરાયેલા કામી પરુષો, મધુમાં ક્ષુબ્ધ ભમરાઓ કમળનું પાન કરે તેમ, તેમના અધરનું પાન કરે છે અને હૃદય ઉપર મુષ્ટિનો પ્રહાર કરે છે. જેમના બન્ને સ્તનમાં નિત્ય કઠિનતા, નયનમાં ચંચલતા, મુખમાં જૂઠ, કેશપાશમાં કુટિલતા, વચનમાં મંદતા, જઘનમાં સ્થૂલતા, હૃદયમાં ભીરુતા અને પ્રિયજન ઉપર કપટપ્રયોગ જોવામાં આવે છે એવી સ્ત્રીઓ કે જેમની બાબતમાં દોષોનો સમૂહ એ જ ગુણરૂપ ગણાય છે તેઓ શું પુરુષોને પ્રિય હોઈ શકે?
| |
| વળી
| |
| સંશયોનું ચક્ર, અવિનયોનું ભવન, સાહસોનું નગર, દોષોનું નિવાસસ્થાન, સેંકડો કપટોથી ભરેલું અવિશ્વાસોનું ક્ષેત્ર, મોટા નરપુંગવો વડે પણ મુશ્કેલીથી ગ્રહણ કરી શકાય એવું તથા સર્વ માયાઓના કરંડિયારૂપ, અમૃતથી મિશ્રિત થયેલું જાણે વિષ હોય એવું સ્ત્રીરૂપ યંત્ર ધર્મનો નાશ કરવા માટે આ લોકમાં કોણે સર્જ્યું હશે? આ સ્ત્રીઓ પોતાનું કાર્ય સાધવા માટે હસે છે, રડે છે, બીજાને વિશ્વાસ બેસાડે છે પણ પોતે કોઈનો વિશ્વાસ કરતી નથી; માટે કુળવાન અને શીલવાન એવા પુરુષે સ્મશાનમાંના ઘડાની જેમ સ્ત્રીઓનો સર્વદા ત્યાગ કરવો. પુરુષ આસક્ત થયો નથી એમ જાણતાં સુધી સ્ત્રીઓ પહેલાં તેને પ્રિય લાગે એવાં કાર્યો કરે છે પણ મન્મથના પાશ વડે તેને બંધાયેલો જાણ્યા પછી માંસ ગળી ગયેલા માછલાને જેમ માછી ખેંચી કાઢે તેમ, તેઓ ફેંકી દે છે.
| |
| કારણ કે
| |
| સમુદ્રના તરંગની જેમ ચંચલ સ્વભાવવાળી તથા સંધ્યાકાળની અભ્રરેખાની જેમ ક્ષણિક રાગ (પ્રેમ અથવા રંગ)વાળી સ્ત્રીઓ પોતાનું કાર્ય થઈ ગયા પછી નિરર્થક થઈ પડેલા પુરુષનો, નિચોવાઈ ગયેલા રસરહિત અળતાની જેમ, ત્યાગ કરી દે છે. અનૃત, સાહસ, કપટ, મૂર્ખતા, અતિલોભીપણું, અપવિત્રતા અને નિર્દયતા એ સ્ત્રીઓના સ્વાભાવિક દોષો છે. અંદરથી વિષમય અને બહારથી મનોહર એવી આ ચણોઠીના જેવા આકારવાળી સ્ત્રીઓને કોણે સર્જી હશે?’
| |
| આ પ્રમાણે અનેક સુભાષિતોનો વિચાર કરતાં તે પરિવ્રાજકની રાત્રિ જેમતેમ વીતી ગઈ.
| |
| પેલી દૂતી પણ પોતાની કપાયેલી નાસિકાનો અગ્રભાગ હાથમાં લઈને ઘેર જઈને વિચાર કરવા લાગી, ‘હવે શું કરવું? આ મહાન છિદ્ર કેવી રીતે ઢાંકી દેવું?’ તે આ પ્રમાણે વિચાર કરતી હતી, તેવામાં એનો પતિ જે કાર્યવશાત્ રાજમહેલમાં રાત રહ્યો હતો તે પ્રભાતમાં પોતાને ઘેર આવીને નગરજનોની હજામત કરવા માટે જવાની ઉતાવળથી બારણામાં જ ઊભો રહીને તેને કહેવા લાગ્યો, ‘કોથળી જલદી લાવ, જેથી હું ક્ષૌરકર્મ કરવાને માટે જાઉં.’ જેનું નાક કપાઈ ગયું હતું એવી વાળંદણ જે પોતાનું કાર્ય સાધવાના ઉપાયની અપેક્ષાએ ઘરમાં જ બેઠી હતી તેણે ક્ષુરભાંડમાંથી એક અસ્ત્રો કાઢીને હજામ તરફ ફેંક્યો. હજામે પણ ક્ષુરભાંડ સિવાયનો અસ્ત્રો જોઈને ઉતાવળને લીધે તે પોતાની સ્ત્રી તરફ પાછો ફેંક્યો. તે સમયે પેલી દુષ્ટા હાથ ઊંચા કરીને બૂમો પાડતી ઘરની બહાર નીકળી કે, ‘જુઓ, આ પાપીએ મારું સદાચરણીનું નાક કાપી નાખ્યું છે. માટે મારું રક્ષણ કરો, રક્ષણ કરો!’ તે સમયે રાજપુરુષોએ આવીને તે વાળંદને દંડના પ્રહારથી જર્જરિત બનાવીને સજ્જડ બાંધ્યો, તથા કપાયેલા નાકવાળી તે સ્ત્રીને ન્યાયસભામાં લઈ જઈને ન્યાયના સભ્યોને — ન્યાયાધીશોને તેઓ કહેવા લાગ્યા. ‘હે સભાસદો! સાંભળો. આ વાળંદે વિના અપરાધે આ સ્ત્રીરત્નનો અંગચ્છેદ કર્યો છે, માટે તેની બાબતમાં જે યોગ્ય હોય તે કરો,’ એટલે તે સભ્યો બોલ્યા, ‘હે વાળંદ! શા માટે તેં આ સ્ત્રીનું અંગ કાપ્યું છે? શું એણે પરપુરુષની અભિલાષા કરી છે, અથવા પ્રાણદ્રોહ કર્યો છે, અથવા ચોરી કરી છે? માટે એનો અપરાધ કહે.’ પણ તે વાળંદને ચૂપ રહેલો જોઈને ફરી વાર સભ્યોએ કહ્યું, ‘અહો! આ રાજપુરુષોનું વચન સત્ય છે. આ પાપી છે. તેણે આ બિચારી નિર્દોષ સ્ત્રીને દૂષિત કરી છે. કહ્યું છે કે
| |
| પાપકર્મ કર્યા પછી પોતાના કર્મથી જ ત્રાસેલો પુરુષનો સ્વર અને મુખની કાન્તિ બદલાઈ જાય છે, દૃષ્ટિ શંકાશીલ થાય છે અને તેનુંતેજ ઊડી જાય છે.
| |
| તેમ જ
| |
| જેનું મુખ વિવર્ણ થઈ ગયું છે તથા જેના લલાટ ઉપર પરસેવો વળ્યો છે એવો તે ઠોકરો ખાતો (ન્યાયસભામાં) આવે છે અને ગદ્ગદ વચન બોલે છે. પાપ કરીને ન્યાયસભામાં આવેલ મનુષ્ય નીચી નજર રાખી રહે છે, માટે વિચક્ષણ પુરુષોએ તેને ચિહ્નો વડે યત્નપૂર્વક જાણવો.
| |
| વળી
| |
| નિર્દોષ મનુષ્ય પ્રસન્ન વદનવાળો, હર્ષયુક્ત, સ્પષ્ટ વચનવાળો અને રોષયુક્ત દૃષ્ટિવાળો હોય છે, અને સભામાં તે રોષ અને દૃઢતાપૂર્વક બોલે છે.
| |
| માટે આ વાળંદ દૃષ્ટ કર્મ કરનાર મનુષ્ય જેવાં લક્ષણવાળો છે; અને સ્ત્રીનું નાક કાપ્યું છે તેથી તે વધને પાત્ર છે. માટે તેને શૂળી ઉપર ચડાવો.’
| |
| હવે, તે વાળંદને વધસ્થાન તરફ લઈ જવાતો જોઈને દેવશર્માએ તે ધર્માધિકારીઓ — ન્યાયાધીશો પાસે જઈને કહ્યું, ‘હે ન્યાયાધીશો! આ બિચારા વાળંદનો અન્યાયથી વધ થાય છે. એ તો સદાચારી છે, માટે મારું વાક્ય સાંભળો — ઘેટાંઓના યુદ્ધથી શિયાળ, આષાઢભૂતિથી અમે, અને બીજાનું કાર્ય કરવાથી વાળંદણ (એમ ત્રણે દુઃખી થયાં). આ ત્રણે દોષો પોતે જાતે કરેલા હતા.’ તે સભ્યો બોલ્યા, ‘ભગવાન! એ કેવી રીતે?’ એ પછી દેવશર્માએ ત્રણેને સવિસ્તર વૃત્તાન્ત કહ્યો. એ સાંભળીને વિસ્મિત મનવાળા તેઓ વાળંદને છૂટો કરીને અંદરઅંદર કહેવા લાગ્યા, ‘અહો! બ્રાહ્મણ, બાળક, સ્ત્રી, તપસ્વી અને રોગી અવધ્ય છે; મોટો અપરાધ કર્યો હોય તો પણ તેઓનું એકાદ અંગ કાપવાનું જ કહેલું છે. તો આ સ્ત્રીના કાન કાપી નાખવા જોઈએ.’ તે પ્રમાણે વાળંદણને શિક્ષા થયા પછી ધનનો નાશ થવાને પરિણામે ઉત્પન્ન થયેલા શોકથી રહિત થઈને દેવશર્મા ફરી વાર પોતાના મઠાયતનમાં ગયો.
| |
|
| |
| === વિષ્ણુનું રૂપ લેનાર વણકર અને રાજકન્યા ===
| |
| કોઈ એક નગરમાં એક વણકર અને એક સુથાર વસતા હતા. તેઓ જન્મથી જ સહચારીઓ હતા. પરસ્પરમાં અત્યંત સ્નેહવાળા તેઓ સર્વદા સર્વ સ્થાનોમાં વિહાર કરતા સમય ગાળતા હતા. હવે, એક વાર તે નગરના કોઈ દેવસ્થાનમાં યાત્રામહોત્સવ થયો હતો. નટ, નર્તક અને ચારણોથી સંકુલ અને જુદા જુદા દેશોમાંથી આવેલા લોકોથી ભરેલા તે સ્થાનમાં ભ્રમણ કરતા તે બે મિત્રોએ હાથણી ઉપર આરૂઢ થયેલી, સર્વ લક્ષણથી યુક્ત, કંચુકીઓ અને વર્ષધરો (અંત:પુરના ષંઢ રક્ષકો) વડે વીંટળાયેલી તથા દેવતાના દર્શન માટે આવેલી કોઈ રાજકન્યાને જોઈ, તેને જોઈને કામનાં બાણોથી પ્રહાર પામેલો તે વણકર જાણે વિષથી પીડાયેલો હોય, જાણે દુષ્ટ ગ્રહથી ગ્રહણ કરાયેલો હોય તેમ એકાએક ભૂમિ ઉપર પડ્યો. તેને એવી અવસ્થામાં આવેલો જોઈને, તેના દુઃખથી દુખિત થયેલો સુથાર વિશ્વાસુ મનુષ્યો દ્વારા તેને ઉપડાવીને પોતાને ઘેર લઈ ગયો. ત્યાં ચિકિત્સકોએ ઉપદેશેલા વિવિધ શીતોપચારોથી તથા મંત્રવાદીઓના મંત્રોથી ઉપચાર કરવામાં આવતાં તે ઘણે સમયે મુશ્કેલીથી સચેતન થયો. પછી સુથારે તેને પૂછ્યું, ‘હે મિત્ર! તું અકસ્માત્ શાથી મૂર્ચ્છા પામ્યો? તારી પોતાની સ્થિતિ મને કહે.’ વણકર બોલ્યો, ‘મિત્ર! જો એમ છે તો મારું રહસ્ય સાંભળ, જેથી મારી સર્વ આત્મવેદના તને કહું. તું જો મને પોતાનો મિત્ર માનતો હોય તો કાષ્ઠપ્રદાન વડે (મારી ચિતા રચીને) તું મારા ઉપર કૃપા કર. પ્રેમના અતિરેકથી મેં તારું કંઈ અયુક્ત કર્યું હોય તો ક્ષમા કરજે.’ આ સાંભળીને અશ્રુથી ઊભરાઈ જતી આંખોવાળો સુથાર પણ ગદ્ગદ કંઠે કહેવા લાગ્યો; ‘તારા દુઃખનું કારણ શું છે તે મને કહે, જેથી થઈ શકે તેમ હોય તો તેનો પ્રતિકાર થાય. કારણ, કહ્યું છે કે બ્રહ્માંડમાં રહેલી કોઈ પણ વસ્તુ ઔષધિ, ધન અને ઉત્તમ મંત્રોથી તથા મહાત્માઓની બુદ્ધિથી આ લોકમાં અસાધ્ય નથી. આ ચાર સાધનોથી મેળવી શકાય એવી વસ્તુ હશે તો હું મેળવીશ.’
| |
| વણકર બોલ્યો, ‘મિત્ર! એ સાધનોથી તથા બીજા હજારો ઉપાયોથી પણ મારું દુઃખ અસાધ્ય છે, માટે મારા મરણને માટે તું હવે વિલંબ કરીશ નહિ.’ સુથાર બોલ્યો, ‘હે મિત્ર! તારું દુઃખ અસાધ્ય હોય તો પણ મને જણાવ, જેથી હું પણ તેને અસાધ્ય તરીકે જાણીને તારી સાથે અગ્નિપ્રવેશ કરું. તારાથી એક ક્ષણનો પણ વિયોગ હું સહન કરીશ નહિ એ મારો નિશ્ચય છે.’ વણકર બોલ્યો, ‘વયસ્ય! હાથણી ઉપર બેઠેલી જે રાજકન્યાને મેં ઉત્સવમાં જોઈ હતી, તેના દર્શન પછી કામદેવે મારી આ અવસ્થા કરી છે; તેની વેદનાને હું સહન કરી શકતો નથી.’ સુથાર પણ સ્મિત કરીને આ પ્રમાણે બોલ્યો, ‘વયસ્ય! જો એમ જ હોય તો દૈવકૃપાએ આપણું પ્રયોજન સિદ્ધ થયું છે. આજે જ તે રાજકન્યાની સાથે સંગમ કર.’ વણકર બોલ્યો, ‘મિત્ર! રક્ષક પુરુષો વડે અધિષ્ઠિત કન્યા — અંત:પુર, જ્યાં વાયુ સિવાય બીજા કોઈનો પ્રવેશ નથી ત્યાં તેની સાથે મારો સંગમ શી રીતે થઈ શકે? અસત્ય વચનથી શું કામ મારી વિડંબના કરે છે?’ સુથાર બોલ્યો, ‘મારો બુદ્ધિપ્રભાવ જો.’ એમ કહીને તે જ ક્ષણે તેણે જૂના અર્જુન વૃક્ષના લાકડામાંથી કળ વડે ઊડતો ગરુડ, તથા શંખ ચક્ર ગદા પદ્મથી યુક્ત બાહુયુગલ તથા કિરીટ અને કૌસ્તુભમણિ પણ તૈયાર કર્યા. પછી તે ગરુડ ઉપર વણકરને બેસાડીને, વિષ્ણુનાં ચિહ્નો વડે તેને ચિહ્નિત કરીને તથા કળ ફેરવવાની સમજૂતી આપીને તે બોલ્યો, ‘મિત્ર! આ પ્રમાણે વિષ્ણુનું રૂપ ધારણ કરી — અંત:પુરમાં સાત માળના પ્રાસાદના છેક ઉપરના માળમાં જ્યાં તે કન્યા એકલી જ રહે છે ત્યાં મધ્યરાત્રિએ તું જજે, અને મુગ્ધ સ્વભાવવાળી અને તને વાસુદેવ તરીકે માનતી તે કન્યાને તારી મિથ્યા વક્રોક્તિઓ વડે રંજિત કરીને વાત્સ્યાયને કહેલી વિધિથી તું ભોગવજે.’
| |
| જેણે વાસુદેવનું રૂપ ધારણ કરેલું છે એવા વણકરે પણ આ સાંભળીને ત્યાં જઈને એકાન્તમાં તે કન્યાને કહ્યું, ‘રાજપુત્રિ! તું ઊંઘે છે કે જાગે છે? તારામાં અનુરાગી એવો હું લક્ષ્મીનો ત્યાગ કરીને તારે માટે સમુદ્રમાંથી અહીં આવ્યો છું, માટે સાથે સંગમ કર.’ તે કન્યા પણ ગરુડારૂઢ, ચતુર્ભુજ, આયુધો સહિત તથા કૌસ્તુભમણિથી યુક્ત એવા તેને અવલોકીને વિસ્મય પામતી શયનમાંથી ઊભી થઈને બોલી, ‘ભગવન્! હું માનવી સ્ત્રી હોઈ અપવિત્ર ક્ષુદ્ર જંતુ છું. જ્યારે આપ તો ત્રૈલોક્યપાવન અને વન્દનીય છો. માટે આ વસ્તુ કેવી રીતે યોગ્ય ગણાય?’ વણકર બોલ્યો, ‘સુભગે! તેં સાચું કહ્યું, પરન્તુ રાધા નામની મારી પત્ની પ્રથમ ગોપકુલમાં જન્મેલી હતી, તે જ તું અહીં ઉત્પન્ન થઈ છે. તે કારણથી હું અહીં આવ્યો છું.’ એમ કહેવામાં આવતાં તે રાજકન્યા બોલી, ‘ભગવન્! જો આમ હોય તો મારા પિતા પાસે માગણી કરો. તેઓ વિધિપૂર્વક સંકલ્પ કરીને આપને મારું દાન કરશે.’ વણકર બોલ્યો, ‘સુભગે! હું મનુષ્યોને દર્શન પણ આપતો નથી. તો પછી તેમની સાથે ભાષણ કરવાની તો વાત જ ક્યાં રહી? માટે તું ગાંધર્વવિધિથી તારી જાતનું મને દાન કર; નહિ તો શાપ આપીને વંશસહિત તારા પિતાને ભસ્મસાત્ કરી દઈશ.’ એમ કહીને ગરુડ ઉપરથી ઊતરીને ડાબે હાથે પકડીને ભય તથા લજ્જા પામેલી અને કંપતી એવી કન્યાને તે શય્યામાં લઈ ગયો અને શેષ રાત્રિકાળમાં વાત્સ્યાયનોક્ત વિધિથી તેનો ઉપભોગ કરીને પ્રભાતમાં કોઈ જાણે નહિ તેમ તે ચાલ્યો ગયો. એ પ્રમાણે નિત્ય રાજકન્યાનું સેવન કરતાં તેનો સમય વીતતો હતો.
| |
| હવે, તે રાજકન્યાના ઓષ્ઠપ્રવાલને ખંડિત થયેલા જોઈને કંચુકીઓ પરસ્પરને એકાન્તમાં કહેવા લાગ્યા, ‘અહો! જુઓ, આ રાજકન્યાના શરીરના અવયવો જાણે પુરુષથી ભોગવાયા હોય તેવા દેખાય છે. તો સુરક્ષિત એવા આ ભવનમાં એ પ્રકારનો વ્યવહાર કેવી રીતે થયો હશે? માટે આપણે રાજાને નિવેદન કરીએ.’ આ પ્રમાણે નિશ્ચય કરીને સર્વે એકત્ર થઈને રાજાને કહેવા લાગ્યા, ‘દેવ! અમે જાણતા નથી; પરન્તુ સુરક્ષિત એવા કન્યા-અંત:પુરમાં કોઈ પુરુષ પ્રવેશ કરે છે, માટે એ બાબતમાં દેવની આજ્ઞા પ્રમાણ છે.’ એ સાંભળીને જેનું ચિત્ત અત્યંત વ્યાકુળ થયું છે એવા રાજાએ દેવીને એકાન્તમાં કહ્યું, ‘દેવિ! આ કંચુકીઓ શું કહે છે તે વિશે તપાસ કરો. જે મનુષ્ય આવું કરતો હશે તેના ઉપર કૃતાન્ત કોપેલો છે.’ એ સાંભળીને વ્યાકુળ થયેલી દેવીએ પણ સત્વર જઈને ખંડિત અધરવાળી અને નખના ક્ષત વડે યુક્ત શરીરનાં અંગોવાળી તેને જોઈ, અને કહ્યું ‘અરે, પાપિણિ! કુલકલંકિનિ! તેં શા માટે આ શીલખંડન કર્યું? કાળ જેનુંઅવલોકન કરી રહ્યો છે એવો કયો પુરુષ તારી પાસે આવે છે? થવાનું હતું તે થઈ ગયું, પણ હવે તું સત્ય હકીકત મને કહે.’ આ સાંભળી લજ્જાથી જેનું મુખ નીચું થઈ ગયું છે એવી કન્યાએ પણ વિષ્ણુરૂપી વણકરનો વૃત્તાન્ત નિવેદન કર્યો. એ સાંભળીને જેનું વદન પ્રહસિત બન્યું છે તથા જેનાં સર્વ અંગો પુલકિત થયાં છે એવી દેવીએ સત્વર રાજાની પાસે જઈને કહ્યું, ‘દેવ! દૈવકૃપાએ તમારો ભાગ્યોદય થયો છે. નિત્ય મધ્યરાત્રિએ ભગવાન નારાયણ કન્યાની પાસે આવે છે. તેમણે ગાંધર્વવિધિથી કન્યા સાથે વિવાહ કર્યો છે. માટે આજે મધ્યરાત્રે હું અને તમે બારીમાં ઊભા રહીને તેમનું દર્શન કરીએ, કારણ કે તેઓ મનુષ્યોની સાથે વાર્તાલાપ કરતા નથી.’ આ સાંભળીને હર્ષિત થયેલા તે રાજાનો તે દિવસ, જાણે સો વર્ષનો હોય તેમ મહામુશ્કેલીએ પસાર થયો.
| |
| પછી રાત્રે રાણી સહિત રાજા આકાશ તરફ દૃષ્ટિ રાખીને ગુપ્ત રીતે બારીમાં ઊભો રહ્યો હતો ત્યારે તેણે ગરુડારૂઢ, શંખ ચક્ર ગદા પદ્મ જેણે હાથમાં ધારણ કર્યાં છે એવા તથા વિષ્ણુનાં યથોક્ત ચિહ્નો વડે અંકિત એવા તે વણકરને આકાશમાંથી ઊતરતો જોયો. તે સમયે જાણે પોતે અમૃતનાં પૂરમાં સ્નાન કર્યું હોય એમ માનતો તે રાજા રાણીને કહેવા લાગ્યો, ‘પ્રિયે! તારાથી અને મારાથી વધારે ધન્ય બીજું કોઈ નથી, કે જેમની સંતતિને નારાયણ સેવે છે. માટે આપણા સર્વે મનોરથો સિદ્ધ થયા છે. હવે જમાઈના પ્રભાવથી આખીયે પૃથ્વી આપણે વશ થશે.’ આ પ્રમાણે નિશ્ચય કરીને તે સર્વે સીમાડાના રાજાઓ સાથેના સંબંધમાં મર્યાદાનું ઉલ્લંઘન કરવા લાગ્યો. આ પ્રમાણે તેને મર્યાદાનું ઉલ્લંઘન કરતો જોઈને તે સર્વે રાજાઓ એકત્ર થઈને તેની સાથે વિગ્રહ કરવા લાગ્યા. એ સમયે રાજાએ દેવી દ્વારા પોતાની પુત્રીને કહ્યું, ‘પુત્રિ! તારા જેવી દીકરી હોવા છતાં સર્વે રાજાઓ મારી સાથે યુદ્ધ કરે છે એ શું યોગ્ય છે? માટે તારે તારા પતિને કહેવું જોઈએ, જેથી તેઓ મારા શત્રુઓનો નાશ કરે.’ પછી તે રાજકન્યાએ રાત્રે પેલા વણકરને વિનયપૂર્વક કહ્યું, ‘ભગવન્! આપ જમાઈ હોવા છતાં મારા પિતાનો શત્રુઓ દ્વારા પરાભવ થાય એ યોગ્ય નથી. માટે કૃપા કરીને સર્વે શત્રુઓનો નાશ કરો.’ વણકર બોલ્યો, ‘સુભગે! તારા પતિના એ શત્રુઓ તે શી ગણતરીમાં છે? તું વિશ્વાસ રાખ, એક ક્ષણવારમાં જ સુદર્શનચક્ર વડે તે સર્વેના તલતલ જેવડા ટુકડા કરી નાખીશ.’
| |
| હવે, સમય જતાં આખોયે દેશ શત્રુઓએ ઘેરી લીધો. તે રાજાના કબજામાં માત્ર તેનો કિલ્લો જ રહ્યો. તો પણ વાસુદેવનું રૂપ ધારણ કરનાર આ વણકર છે એમ નહિ જાણતો રાજા રોજ વિશેષે કરીને કર્પૂર, અગર, કસ્તૂરી આદિ વિશિષ્ટ સુગંધી પદાર્થો તથા અનેક પ્રકારનાં વસ્ત્રો, ખાદ્યો અને પેયો મોકલીને પોતાની પુત્રી દ્વારા તેને કહેવરાવતો કે, ‘ભગવાન! પ્રભાતમાં નક્કી આ કિલ્લો પણ ભેદાઈ જશે, કારણ કે ઘાસ અને લાકડાં પૂરાં થયાં છે, તેમ જ સર્વે મનુષ્યો પ્રહારોથી જર્જરિત દેહવાળા બની યુદ્ધ કરવાને અશક્ત બન્યા છે, તથા ઘણા નાશ પામ્યા છે. તો આ જાણીને અત્યારે જે ઉચિત હોય તે આપે કરવું જોઈએ.’ એ સાંભળીને વણકર પણ વિચાર કરવા લાગ્યો કે, ‘આ કિલ્લો ભેદાઈ જશે તો આ રાજકન્યાથી મારો વિયોગ થશે, માટે ગરુડ ઉપર આરૂઢ થઈને આયુધ સહિત મારી જાતને આકાશમાં દર્શાવું, કદાચિત્ મને વાસુદેવ માનીને શંકામાં પડેલા તે શત્રુઓ રાજાના યોદ્ધાઓ દ્વારા હણાઈ જશે. કહ્યું છે કે ઝેર વિનાના સર્પે પણ મોટી ફણા કરવી જોઈએ; ઝેર હોય કે ન હોય, પણ ફટાટોપ ભયંકર થઈ પડે છે.
| |
| અથવા આ સ્થાનનું રક્ષણ કરતાં મારું મૃત્યુ થશે તો પણ તે વધારે સારું થશે. કહ્યું છે કે
| |
| ગાયને માટે, બ્રાહ્મણને માટે, સ્વામીને માટે, સ્ત્રીને માટે અથવા પોતાના સ્થાનને માટે જે પ્રાણનો ત્યાગ કરે છે તેને અક્ષયલોક પ્રાપ્ત થાય છે.’
| |
| એ પ્રમાણે નિશ્ચય કરીને પ્રભાતમાં દાતણ કર્યા પછી તેણે રાજકન્યાને કહ્યું, ‘સુભગે! સર્વ શત્રુઓ નાશ પામશે ત્યાર પછી હું અન્નપાણીનું આસ્વાદન કરીશ. વધારે શું કહું? તારો સંગમ પણ ત્યારે જ કરીશ. પરન્તુ તું તારા પિતાને કહેજે કે પ્રભાતે તમારે સર્વ સૈન્યની સાથે નગરમાંથી બહાર નીકળીને યુદ્ધ કરવું. હું આકાશમાં રહીને તે શત્રુઓને નિસ્તેજ કરી દઈશ. પછી તમારે સુખેથી તેમનો નાશ કરવો. હું પોતે જો તેમનો નાશ કરું તો તે પાપીઓની વૈકુંઠમાં ગતિ થાય. માટે તમારે એવું કરવું કે જેથી તેઓ પલાયન કરતાં હણાય, અને તેથી વૈકુંઠમાં ન જાય.’ રાજકન્યાએ પણ તે સાંભળીને પિતા પાસે જઈને સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યો. તેના વાક્યમાં શ્રદ્ધા કરતો રાજા પણ પ્રભાતમાં ઊઠીને સુસજ્જ સૈન્યની સાથે નગરની બહાર નીકળ્યો. જેણે મરણનો નિશ્ચય કર્યો છે એવો વણકર હાથમાં ધનુષ્ય લઈ, ગરુડારૂઢ થઈ આકાશમાં ઊડતો યુદ્ધ માટે નીકળ્યો.
| |
| એ સમયે ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જાણનારા ભગવાન નારાયણે ગરુડને સંભાર્યો કે તુરત જ તે હાજર થયો. તેને હસીને નારાયણે કહ્યું, ‘હે ગરુડ! તું જાણે છે કે લાકડાના ગરુડ ઉપર આરૂઢ થયેલો વણકર મારું રૂપ ધારણ કરીને રાજક્ન્યાને ભોગવે છે?’ ગરુડે કહ્યું, ‘દેવ! તેનું સર્વ ચરિત્ર હું જાણું છું. તો હવે આપણે શું કરવું?’ ભગવાન બોલ્યા, ‘મરણને માટે નિશ્ચય કરીને તથા નિયમ લઈને આજે તે વણકર યુદ્ધને માટે નીકળ્યો છે, ઉત્તમ ક્ષત્રિયોનાં બાણથી ઘાયલ થઈને તે નક્કી મરણ પામશે. તે મરણ પામશે એટલે સર્વ લોકો કહેશે કે ઘણા ક્ષત્રિયોએ મળીને વાસુદેવનો અને ગરુડનો નાશ કર્યો. એ પછી લોકો આપણી પૂજા નહિ કરે. માટે તું જલદીથી લાકડાના ગરુડમાં પ્રવેશ કર. હું પણ વણકરના શરીરમાં પ્રવેશ કરીશ, જેથી તે શત્રુઓનો નાશ કરશે. પછી શત્રુઓનો વધ કરવાથી આપણા માહાત્મ્યમાં વૃદ્ધિ થશે.’ ગરુડે ‘ભલે’ એ પ્રમાણે કહી ભગવાનની આજ્ઞા સ્વીકારી, એટલે ભગવાન નારાયણે વણકરના શરીરમાં સંક્રમણ કર્યુ. પછી ગગનમાં રહેલા તથા શંખ ચક્ર અને ધનુષ્યના ચિહ્નવાળા તે વણકરે ભગવાનના માહાત્મ્યથી ક્ષણવારમાં સર્વે મુખ્ય ક્ષત્રિયોને નિસ્તેજ બનાવી દીધા. પછી પોતાના સૈન્ય વડે પરિવરાયેલા રાજાએ એ સર્વે શત્રુઓને હરાવીને મારી નાખ્યા. લોકોમાં એવો પ્રવાદ ચાલ્યો કે આ રાજાએ પોતાના જમાઈ વિષ્ણુના પ્રભાવથી સર્વે શત્રુઓને મારી નાખ્યા છે. તે શત્રુઓને મરેલા જોઈને પ્રસન્ન મનવાળો વણકર પણ ગગનમાંથી નીચે ઊતર્યો, એટલે રાજા, અમાત્ય અને નાગરિકોએ તેને નગરવાસી વણકર તરીકે ઓળખ્યો અને પૂછ્યું, ‘આ શું?’ એટલે તેણે પણ મૂળથી માંડીને પૂર્વેનો સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યો. પછી વણકરના સાહસથી રંજિત થયેલા મનવાળા તથા શત્રુઓના વધથી જેનો પ્રતાપ વધ્યો છે એવા રાજાએ સર્વે જનોની સમક્ષ વણકરને તે રાજકન્યા વિવાહવિધિથી આપી તથા દેશ પણ આપ્યો. વણકર પણ તે રાજકન્યાની સાથે મનુષ્યલોકમાં સારભૂત પાંચ પ્રકારનું વિષયસુખ અનુભવતો સમય ગાળવા લાગ્યો.
| |
|
| |
| === કાગડાનું જોડું અને કાળો નાગ ===
| |
| કોઈ એક પ્રદેશમાં એક મોટા વૃક્ષ ઉપર કાગડાનું એક જોડું રહેતું હતું. તેમાંના કાગડીને જ્યારે પ્રસવ થાય ત્યારે તે વૃક્ષની બખોલમાંથી એક કાળો નાગ નીકળીને સદા તેનાં બચ્ચાંને ખાઈ જતો હતો. આથી ખેદ પામીને તે કાગડીએ એક બીજા વૃક્ષના મૂળમાં રહેનારા તેમના પ્રિય મિત્ર એક શિયાળ પાસે જઈને કહ્યું, ‘ભદ્ર! આ પ્રકારની પરિસ્થિતિમાં અમારે શું કરવું? આ દુષ્ટાત્મા કાળો નાગ તો બખોલમાંથી નીકળીને અમારાં બાળકોને ખાઈ જાય છે. માટે તેમની રક્ષા માટેનો કોઈ ઉપાય કહો.
| |
| જેનું ખેતર નદીકિનારે હોય, જેની પત્ની બીજાની સોબતમાં હોય અને જેનો વાસ સર્પવાળા ઘરમાં હોય તેને કેવી રીતે નિરાંત વળે? વળી ત્યાં રહેતાં પ્રતિદિન અમારું જીવન પણ જોખમમાં હોય છે.’
| |
| શિયાળ બોલ્યો, ‘આ બાબતમાં વિષાદ કરવા જેવો નથી. ખરેખર, એ દુષ્ટનો વધ યુક્તિ વિના કરી શકાશે નહિ. યુક્તિ વડે શત્રુ ઉપર જેવો જય મેળવી શકાય છે તેવો શસ્ત્રો વડે મેળવી શકાતો નથી; યુક્તિ જાણનારો અલ્પ કાયાવાળો હોય તો પણ શૂરવીરો તેનો પરાભવ કરી શકતા નથી
| |
| તેમ જ
| |
| મોટાં, મધ્યમ કદનાં અને નાનાં ઘણાં માછલાં ખાધા પછી અતિ લોલુપતાથી કરચલાને પકડવાને કારણે કોઈ એક બગલો મરણ પામ્યો.’
| |
| કાગડા-કાગડીએ કહ્યું, ‘એ કેવી રીતે?’ શિયાળ કહેવા લાગ્યો —
| |
|
| |
| === બગલો અને કરચલો ===
| |
| કોઈ એક પ્રદેશમાં અનેક જલચરોથી યુક્ત એક સરોવર હતું. તેમાં આશ્રય કરીને રહેલો એક બગલો વૃદ્ધ થવાને કારણે માછલાંઓને મારવાને અસમર્થ હતો. આથી ભૂખને લીધે જેનો કંઠ ગળી ગયો હતો એવો તે સરોવરના કિનારા ઉપર બેસીને મુક્તાફળ જેવાં અશ્રુઓના પ્રવાહ વડે ધરતીને ભીંજવતો રોવા લાગ્યો. એટલે એક કરચલો અનેક પ્રકારનાં જળચરો સાથે તેની પાસે આવીને, તેના દુઃખથી દુઃખી થઈને કહેવા લાગ્યો, ‘મામા! આજે તમે આહાર કેમ કરતા નથી? અને આંસુભરી આંખો સાથે માત્ર નિ:શ્વાસ નાખતા કેમ બેઠા છો?’ તે બોલ્યો, ‘વત્સ! તું બરાબર સમજ્યો. મને માછલાંઓ ખાવા તરફ પરમ વૈરાગ્ય થયો હોવાને કારણે મેં હવે પ્રાયોપવેશન (મરણ પર્યંત ઉપવાસ) આદરેલ છે, તેથી મારી સમીપ આવેલાં માછલાંને પણ હું ખાતો નથી.’ એ સાંભળીને કરચલો બોલ્યો, ‘એ વૈરાગ્યનું કારણ શું છે?’ તે બોલ્યો, ‘વત્સ! હું આ સરોવરમાં જ જન્મ્યો છું અને ઉછર્યો છું. મેં એમ સાંભળ્યું છે કે લાગલાગટ બાર વર્ષની અનાવૃષ્ટિ થશે.’ કરચલાએ કહ્યું, ‘તમે તે ક્યાંથી સાંભળ્યું?’ બગલો બોલ્યો, ‘જ્યોતિષીના મુખેથી, કારણ કે શનિ, મંગળ અને શુક્ર રોહિણીનું ગાડું ભેદીને ગતિ કરવાના છે. વરાહમિહિરે કહ્યું છે કે શનૈશ્ચર આકાશમાં જો રોહિણીના ગાડાને ભેદી નાખે છે તો બાર વર્ષ સુધી પૃથ્વી ઉપર ઇન્દ્ર વરસતો નથી.
| |
| તેમ જ
| |
| રોહિણીનું ગાડું ભેદાઈ ગયા પછી પૃથ્વી જાણે પાપકર્મ કર્યા પછી ભસ્મ અને હાડકાંથી વ્યાપ્ત થઈને કાપાલિક વ્રત ધારણ કરતી હોય તેવી લાગે છે.
| |
| તેમ જ
| |
| શનિ, મંગળ અથવા ચંદ્ર જો રોહિણીના ગાડાને ભેદી નાખે તો, વધારે શું કહું પણ, આખું જગત અનિષ્ટના સાગરમાં ક્ષય પામે છે.
| |
| આ સરોવરમાં થોડું જ પાણી છે, તેથી તે જલદી સુકાઈ જશે. સરોવર સુકાઈ જતાં જેમની સાથે હું ઊછર્યો અને જેમની સાથે સદાકાળ રમ્યો તે સર્વે પ્રાણીઓ પાણીને અભાવે નાશ પામશે. તેમનો વિયોગ જોવાને હું અસમર્થ છું. તે કારણથી મેં આ પ્રાયોપવેશન કર્યું છે. અત્યારે નાનાં જળાશયોમાંનાં સર્વે જળચરોને તેમનાં સ્વજનો મોટાં જળાશયોમાં લઈ જાય છે. અને મગર ગોધા (મગરની એક જાત) શિશુમાર જળહસ્તી વગેરે પ્રાણીઓ તો પોતાની મેળે જ જાય છે. પણ આ સરોવરમાં જે જળચરો છે તેઓ સાવ નિશ્ચિન્ત છે તે કારણથી હું વિશેષ રોઉં છું, કારણ કે તેઓમાંથી એક પણ બચશે નહિ.’
| |
| પછી આ સાંભળીને તે કરચલાએ બીજાં જળચરોને પણ બગલાનું એ વચન નિવેદન કર્યું. એટલે ભયથી ત્રાસ પામેલાં માનસવાળાં તે મત્સ્ય, કાચબા વગેરે જળચરો બગલા પાસે આવીને પૂછવા લાગ્યાં. ‘મામા! એવો કોઈ ઉપાય છે, જેથી અમારી રક્ષા થાય?’ બગલો બોલ્યો, ‘આ જળાશયથી થોડેક દૂર પદ્મિનીઓના સમૂહથી શોભાયમાન અને પુષ્કળ પાણીથી ભરેલું એક સરોવર છે. તે ચોવીસ વર્ષની અનાવૃષ્ટિથી પણ સુકાય તેમ નથી. જો કોઈ પ્રાણી મારી પીઠ ઉપર ચડી જાય તો હું તેને ત્યાં લઈ જાઉં.’ એટલે વિશ્વાસ પામેલાં તે જળચરો ‘તાત! મામા! ભાઈ!’ એમ બોલતાં, ‘હું પહેલો! હું પહેલો!’ એમ કરતાં તેને ચારે તરફથી વીંટાઈ વળ્યાં. દુષ્ટ આશયવાળો તે બગલો પણ અનુક્રમે તેમને પોતાની પીઠ ઉપર બેસાડીને જળાશયથી થોડેક દૂર આવેલી એક શિલા પાસે લઈ જઈ તેના ઉપર તેમને પછાડી, સ્વેચ્છાએ ખાઈને ફરી વાર જળાશય ઉપર આવતો અને જૂઠા જૂઠા સમાચારો વડે તેમના મનનું રંજન કરીને નિત્ય આહાર કરતો.
| |
| હવે, એક વાર કરચલાએ તેને કહ્યું, ‘મામા! સૌથી પ્રથમ મારી સાથે તમારું સ્નેહસંભાષણ થયું હતું, તો મારો ત્યાગ કરીને બીજાં પ્રાણીઓને કેમ લઈ જાઓ છો? માટે હવે મારા પ્રાણનું રક્ષણ કરો.’ આ સાંભળીને દુષ્ટ આશયવાળો તે બગલો વિચાર કરવા લાગ્યો, ‘માછલાંનું માંસ ખાઈને હું કંટાળી ગયો છું. માટે આ કરચલાનો એક નવી વાની તરીકે ઉપયોગ કરું.’ એ પ્રમાણે વિચાર કરીને, કરચલાને પીઠ ઉપર બેસાડીને તે વધ્યશિલા તરફ ચાલ્યો. કરચલાએ પણ શિલા ઉપર રહેલા હાડકાંના ઢગલાને દૂરથી જ જોઈ, માછલાંઓનાં હાડકાં તરીકે તેને ઓળખીને બગલાને પૂછ્યું, ‘મામા! એ જળાશય કેટલે દૂર છે? મારા ભારથી તમે થાકી ગયા છો, માટે કહો.’ મંદ બુદ્ધિવાળો તે બગલો ‘આ જળચર છે, માટે જમીન ઉપર તેનું જોર ચાલી શકશે નહિ.’ એમ માનીને સ્મિતપૂર્વક બોલ્યો, ‘કરચલા! બીજું જળાશય વળી ક્યાં છે? આ તો મારી આજીવિકા છે. માટે તારી ઇષ્ટ દેવતાનું સ્મરણ કર. તને પણ આ શિલા ઉપર નાખીને તારું ભક્ષણ કરીશ.’ બગલો આમ કહેતો હતો એટલામાં કરચલાએ પોતાના મોંના બે દાંત વડે કમળના નાળ જેવી સફેદ અને કોમળ તેની ડોક દબાવી (અને કાપી નાખી), એટલે તે મરણ પામ્યો. પછી બગલાની ડોક લઈને ધીરે ધીરે તે જળાશય પાસે આવી પહોંચ્યો. એટલે સર્વે જળચરોએ તેને પૂછ્યું, ‘હે કરચલા! તું પાછો કેમ આવ્યો? કુશળ તો છે ને? તે મામા પણ આવ્યા નથી. તું શા માટે કહેવામાં વિલંબ કરે છે? અમે બધાં ઉત્સુકતાપૂર્વક રાહ જોઈને બેઠાં છીએ.’ તેઓએ આ પ્રમાણે કહ્યું, એટલે કરચલો પણ હસીને બોલ્યો, ‘મૂર્ખાઓ! સર્વે જળચરોને તે મિથ્યાવાદી છેતરીને અહીંથી થોડેક દૂર આવેલી શિલા ઉપર નાખીને ખાઈ ગયો છે. મારું આયુષ્ય બાકી રહ્યું હશે તે કારણે તે વિશ્વાસઘાતકનો અભિપ્રાય જાણીને તેની આ ડોક હું લાવ્યો છું. માટે હવે તમે ગભરાશો નહિ. હવે જળચરોનું કુશળ થશે.’
| |
| તેથી હું કહું છું કે મોટાં, મધ્યમ કદનાં અને નાનાં ઘણાં માછલાં ખાધા પછી અતિ લોલુપતાથી કરચલાને પકડવાને કારણે કોઈ એક બગલો મરણ પામ્યો.’
| |
| કાગડો બોલ્યો, ‘ભદ્ર! તો તું કહે — એ દુષ્ટ સર્પનો વધ કેવી રીતે થાય?’ શિયાળે કહ્યું, ‘જ્યાં રાજા રહેતો હોય એવા કોઈ નગરમાં તું જા, ત્યાંથી ધનિક છતાં પ્રમાદી કોઈ રાજા અથવા અમાત્યનો સોનાનો દોરો અથવા હાર લઈને સાપની બખોલમાં નાખ, એટલે તે દોરો અથવા હાર લેતી વખતે સાપનો પણ વધ કરવામાં આવશે.’
| |
| હવે, કાગડો અને કાગડી તે સાંભળીને પોતાની ઇચ્છાનુસાર ઊડ્યાં. પછી કાગડી કોઈ એક સરોવર પાસે પહોંચીને જુએ છે તો કોઈ રાજાની રાણીઓ પાળ ઉપર સોનાના દોરા, મોતીના હાર અને વસ્ત્રાભરણો મૂકીને અંદર જળક્રીડા કરતી હતી, તે કાગડી સોનાનો એક દોરો લઈને પોતાના માળા તરફ ઊડી. એટલે દોરો લઈ જવાતો જોઈને કંચુકીઓ અને અંત:પુરના ષંઢ રક્ષકો હાથમાં દંડ લઈને સત્વર તેની પાછળ દોડ્યા, કાગડી પણ સાપની બખોલમાં તે સોનાનો દોરો મૂકીને ઘણે દૂર ઊડી ગઈ. હવે, રાજાના માણસોએ તે વૃક્ષ ઉપર ચડીને બખોલમાં જોયું તો કાળો નાગ પોતાની ફેણ પહોળી કરીને બેઠો હતો. આથી દંડના પ્રહારથી તેને મારી નાખીને, સોનાનો દોરો લઈને તેઓ ઇચ્છિત સ્થાને ગયા. કાગડાનું જોડું પણ ત્યાર પછી સુખમાં રહેવા લાગ્યું.
| |
|
| |
| === સિંહ અને સસલો ===
| |
| કોઈ એક વનમાં ભાસુરક નામે સિંહ રહેતો હતો. પરાક્રમની અતિશયતાથી તે દરરોજ અનેક મૃગ, સસલાં વગેરેનો સંહાર કરતાં અટકતો નહોતો. એક વાર તે વનમાં હરણ, વરાહ, પાડા, સસલાં વગેરે સર્વ પશુઓએ એકત્ર થઈને સિંહની પાસે જઈને કહ્યું, ‘સ્વામી! આ સર્વ પ્રાણીઓનો સંહાર કરવાથી શું? કારણ કે આપને નિત્ય એક પ્રાણીથી પણ તૃપ્તિ થાય છે. માટે અમારી સાથે આપ ઠરાવ કરો. આજથી આપ અહીં જ બેઠા હશો ને જાતિના અનુક્રમે એક પશુ ભક્ષ્ય તરીકે આપની પાસે આવશે. એમ કરવાથી ક્લેશ વિના પણ આપની આજીવિકા ચાલશે અને અમારો પણ સર્વનાશ નહિ થાય. માટે આપ આ રાજધર્મનું પાલન કરો. કહ્યું છે કે
| |
| જે બુદ્ધિશાળી પુરુષ પોતાના બળ અનુસાર, રસાયનની જેમ, ધીરે ધીરે રાજ્યનો ઉપભોગ કરે છે તે પરમ પુષ્ટિ પામે છે. શુષ્ક અરણીનું પણ મંત્રયુક્ત વિધિથી મથન કરવામાં આવે તો તેમાંથી અગ્નિ ઝરે છે તેવી રીતે પૃથ્વી રુક્ષ હોય તો પણ રાજ્યપ્રપંચની વિધિથી તેનું મથન કરવામાં આવે તો તે ફળવાળી થાય છે. પ્રજાનું પાલન એ પ્રશંસાપાત્ર, સ્વર્ગ આપનાર, તથા કોશની વૃદ્ધિ કરનારું છે, જ્યારે પ્રજાનું પીડન ધર્મનો નાશ કરનારું તથા પાપ અને અપયશ આપનારું છે. ગોપાલે (ગોવાળિયાએ અથવા પૃથ્વીનું પાલન કરનાર રાજાએ) પ્રજારૂપી ગાયનું પાલન અને પોષણ કરીને તેનું ધનરૂપી દૂધ ધીરે ધીરે ગ્રહણ કરવું અને ન્યાયી રીતે વર્તવું. જે રાજા મોહને કારણે બકરાની જેમ પ્રજાનો વધ કરે છે તેને માત્ર એક વાર તૃપ્તિ થાય છે, બીજી વાર કદી થતી નથી. માળી જેમ અંકુરોનું પાલન કરે છે તેમ ફળની ઇચ્છાવાળા રાજાએ દાન, માન આદિ જળ વડે પ્રયત્નપૂર્વક પ્રજાનું પાલન કરવું. રાજારૂપી દીવો પોતાની અંદર રહેલ ઉજ્જ્વળ ગુણ (વાટ અથવા સદ્ગુણ) વડે પ્રજા પાસેથી ધનરૂપી તેલ ગ્રહણ કરે છે તો પણ તે કોઈના લક્ષમાં આવતું નથી. જેમ ગાયને પાળવામાં આવે છે તથા યોગ્ય કાળે તે દોહવામાં આવે છે, અને પુષ્પફળ આપનારી લતાને પણ જળસિંચન કરવામાં આવે છે તથા યોગ્ય કાળે તેને ચૂંટવામાં આવે છે તેમ પ્રજાની બાબતમાં પણ સમજવું (પ્રજાનું પણ પાલન કરવામાં આવે છે અને યોગ્ય સમયે તેની પાસેથી કર લેવામાં આવે છે). પ્રયત્નપૂર્વક રક્ષણ કરવામાં આવેલ સૂક્ષ્મ બીજાંકુર જેમ યોગ્ય કાળે ફળ આપે છે તેમ સુરક્ષિત પ્રજા પણ આપે છે. રાજા પાસે સુવર્ણ, ધાન્ય, રત્નો, વિવિધ વાહનો અને બીજી જે કંઈ વસ્તુ હોય છે તે પ્રજા પાસેથી પ્રાપ્ત થયેલી હોય છે. પ્રજા ઉપર અનુગ્રહ કરનારા રાજાઓ વૃદ્ધિ પામે છે અને પ્રજાનો ક્ષય કરતાં તેઓ પણ ક્ષય પામે છે એમાં સંશય નથી.’
| |
| હવે, તે પશુઓનાં આ વચન સાંભળીને ભાસુરક બોલ્યો, ‘અહો! તમે સાચું કહ્યું. પરન્તુ હું અહીં બેસી રહું અને દરરોજ મારી પાસે એક વનપશુ નહિ આવે તો ખરેખર હું બધાંઓનું ભક્ષણ કરીશ.’ પેલાં પશુઓ પણ ‘તે પ્રમાણે થશે’ એમ પ્રતિજ્ઞા કરીને, ચિન્તારહિત બનીને તે વનમાં નિર્ભયપણે ફરવા લાગ્યાં. દરરોજ એક પશુ અનુક્રમે સિંહ પાસે જતું હતું. તેઓમાંથી જે કોઈ ઘરડું, વૈરાગ્યયુક્ત કે શોકગ્રસ્ત હોય અથવા પુત્ર કે પત્નીનો નાશ થવાથી ડરતું હોય તે મધ્યાહ્નકાળે સિંહની પાસે તેના આહાર તરીકે હાજર થતું.
| |
| હવે, જાતિના અનુક્રમે એક સસલાનો વારો આવ્યો. બધાં પશુઓ વડે પ્રેરાયેલો, જવાને નહિ ઇચ્છતો હોવા છતાં મંદ મંદ ચાલતો, સિંહના વધના ઉપાયનો વિચાર કરતો તથા વ્યાકુળ હૃદયવાળો તે ઘણું મોડું કરીને જતો હતો ત્યાં માર્ગમાં ચાલતાં તેણે એક કૂવો જોયો. જ્યાં કૂવા ઉપર ગયો ત્યાં અંદર તેણે પોતાનું પ્રતિબિંબ જોયું. તેણે પોતાના હૃદયમાં વિચાર્યું કે ‘સુન્દર ઉપાય છે. હું ભાસુરકને ક્રોધ પમાડીને મારી બુદ્ધિથી આ કૂવામાં પાડી દઈશ.’ પછી થોડો દિવસ બાકી રહ્યો એટલે તે ભાસુરકની પાસે પહોંચ્યો. ઘણું મોડું થવાને કારણે ભૂખથી ગળી ગયેલા કંઠવાળો તથા ક્રોધ પામેલો સિંહ પણ ગલોફાં ચાટતો વિચાર કરતો હતો કે, ‘અહો! પ્રાત:કાળમાં આહારને માટે આખું વન હું પ્રાણી વિનાનું કરી દઈશ.’ તે આ પ્રમાણે વિચાર કરતો હતો ત્યાં સસલો ધીરે ધીરે જઈને પ્રણામ કરીને તેની પાસે ઊભો રહ્યો, એટલે કોપાયમાન થયેલો ભાસુરક તેનો તિરસ્કાર કરતો કહેવા લાગ્યો, ‘હે અધમ સસલા! એક તો તું નાની કાયાવાળો આવ્યો છે અને વળી મોડો આવ્યો છે. માટે તે અપરાધથી તને મારી નાખીને પ્રભાતમાં સર્વે પશુઓનાં કુળોનો હું ઉચ્છેદ કરીશ.’ એટલે સસલાએ વિનયપૂર્વક તેને કહ્યું, ‘સ્વામી! મારો અથવા પશુઓનો અપરાધ નથી. મોડું થવાનું કારણ સાંભળો.’ સિંહ કહ્યું, ‘જલદી નિવેદન કર, જેથી તું મારી દાઢમાં ન આવી જાય.’ સસલો બોલ્યો, ‘સ્વામી! જાતિના અનુક્રમથી નાની કાયાવાળા એવા મારો વારો આવેલો જાણીને સર્વ પશુઓએ મને પાંચ સસલાની સાથે મોકલ્યો હતો. પછી હું આવતો હતો ત્યાં વચમાં બીજા કોઈ મોટા સિંહે કોતરમાંથી નીકળીને અમને કહ્કહ્યું, ‘અરે! તમે ક્યાં જાઓ છો? તમારી ઇષ્ટ દેવતાનું સ્મરણ કરો.’ પછી મેં કહ્યું, ‘અમે મહારાજ ભાસુરક સિંહ પાસે ઠરાવ પ્રમાણે તેમના આહાર તરીકે જઈએ છીએ.’ એટલે તે બોલ્યો, ‘જો એમ હોય તો, આ વન મારું છે માટે બધાં વનપશુઓએ મારી સાથે તે ઠરાવ અનુસાર વર્તવું જોઈએ. એ ભાસુરક તો ચોર છે. જો તે રાજા હોય તો વિશ્વાસસ્થાને — બાન તરીકે ચાર સસલાને અહીં રાખીને ભાસુરકને બોલાવીને જલદી પાછો આવ. જેથી અમારા બેમાંથી આજે ગમે તે એેક પોતાના પરાક્રમ વડે રાજા થશે અને તે આ સર્વનું ભક્ષણ કરશે.’ આથી તેની આજ્ઞા થતાં હું આપની પાસે આવ્યો છું. મોડું થવાનું કારણ આ છે. આ બાબતમાં આપની આજ્ઞા પ્રમાણ છે.’
| |
| તે સાંભળીને ભાસુરક બોલ્યો, ‘ભદ્ર! જો એમ હોય તો તે ચોર સિંહને સત્વર બતાવ, જેથી પશુઓ ઉપરનો કોપ તેના ઉપર ઢોળીને હું સ્વસ્થ થાઉં. કહ્યું છે કે
| |
| ભૂમિ, મિત્ર અને સુવર્ણ એ પ્રમાણે વિગ્રહનાં ત્રણ ફળો છે. એ ત્રણમાંથી એકે ન હોય તો કોઈ કદી પણ વિગ્રહ કરે નહિ. જ્યાં મોટું ફળ થવાનું ન હોય અથવા જ્યાં પરાભવ થાય તેમ હોય ત્યાં બુદ્ધિમાને પોતે ઉપજાવીને યુદ્ધ કરવું નહિ.’
| |
| સસલો બોલ્યો, ‘સ્વામી! એ સત્ય છે. પોતાની ભૂમિને માટે અથવા પોતાનું અપમાન થયું હોય ત્યારે ક્ષત્રિયો યુદ્ધ કરે છે. પણ તે દુર્ગમાં રહેલો છે. દુર્ગમાંથી નીકળીને તેણે અમને રોક્યા હતા. દુર્ગમાં રહેલો શત્રુ કષ્ટસાધ્ય થઈ પડે છે. કહ્યું છે કે
| |
| હજાર હાથીઓથી અને લાખ ઘોડાઓથી વિગ્રહમાં રાજાઓનુંજે કાર્ય સિદ્ધ થતું નથી તે એક દુર્ગથી સિદ્ધ થાય છે. કિલ્લામાં રહેલો એક ધનુર્ધર પણ સો માણસોને રોકી દે છે, માટે નીતિશાસ્ત્રના નિપુણો દુર્ગની પ્રશંસા કરે છે. પૂર્વે હિરણ્યકશિપુના ભયથી, ગુરુ બૃહસ્પતિના આદેશ અનુસાર વિશ્વકર્માના પ્રભાવથી ઇન્દ્રે દુર્ગ બાંધ્યો હતો અને તેણે જ વરદાન આપ્યું હતું કે જેની પાસે દુર્ગ હશે તે રાજા વિજયી થશે. તેથી પૃથ્વી ઉપર હજારો દુર્ગો થયા. દાઢ વગરનો નાગ અને મદ વગરનો હાથી સર્વને વશ થાય છે, તેમ દુર્ગ વગરના રાજાનું પણ સમજવું.’
| |
| તે સાંભળીને ભાસુરક બોલ્યો, ‘દુર્ગમાં રહેતો હોય તો પણ તે ચોર સિંહ મને બતાવ, જેથી હું તેનો નાશ કરું. કહ્યું છે કે
| |
| જે મનુષ્ય શત્રુ અને રોગને જન્મતાંવેંત શાન્ત કરતો નથી તે મહાબળવાન હોય તો પણ એ જ શત્રુ અને રોગ વૃદ્ધિ પામીને તેનો નાશ કરે છે.
| |
| તેમ જ
| |
| પોતાનું હિત ઇચ્છતા મનુષ્યે ઊગતા શત્રુની ઉપેક્ષા કરવી નહિ; શિષ્ટ પુરુષોએ વધતો રોગ અને વધતો શત્રુ એ બેને એકસરખા ગણેલા છે.
| |
| વળી
| |
| મદાન્ધ પુરુષો વડે પ્રમાદના દોષથી ઉપેક્ષા પામેલો ક્ષીણ બળવાળો શત્રુ પણ પહેલાં સાધ્ય હોવા છતાં પછી, વ્યાધિની જેમ, અસાધ્યતાને પામે છે.
| |
| તેમ જ
| |
| પોતાની શક્તિ ધ્યાનમાં રાખીને જે માન અને ઉત્સાહ (યુદ્ધોત્સાહ) પામે છે તે એકલો હોય તો પણ, પરશુરામે જેમ ક્ષત્રિયોનો નાશ કર્યો હતો તેમ, શત્રુઓનો નાશ કરે છે.’
| |
| સસલો બોલ્યો, ‘એમ છે તો પણ તેનું સામર્થ્ય જાણ્યા સિવાય જવું યોગ્ય નથી. કહ્યું છે કે
| |
| પોતાની અને શત્રુની શક્તિ જાણ્યા વિના જે ઉત્સુકતાથી સામે જાય છે તે, અગ્નિમાં પતંગિયાની જેમ, નાશ પામે છે. જે પોતાનાથી ઉન્નત શત્રુને હણવા માટે ઉત્સાહથી જાય છે તે બળવાન હોય તો પણ મદરહિત થઈને, જેના દાંત ભાંગી ગયા છે એવા હાથીની જેમ, પાછો ફરે છે.
| |
| ભાસુરક બોલ્યો, ‘જોકે એ છે તો પણ તે ચોર સિંહ તું મને બતાવ, જેથી હું તેનો સંહાર કરું.’
| |
| સસલાએ કહ્યું, ‘એમ હોય તો આપ મારી સાથે આવો.’ એમ કહીને તે આગળ થયો. પછી આવતી વખતે જે કૂવો જોયો હતો તે કૂવા પાસે આવીને તેણે ભાસુરકને કહ્યું, ‘સ્વામી! આપનો પ્રતાપ સહન કરવાને તે ક્યાંથી સમર્થ હોય? આપને દૂરથી જ જોઈને એ ચોર સિંહ પોતાના દુર્ગમાં પેસી ગયો છે. તો આવો, એટલે આપને બતાવું,’ ભાસુરક બોલ્યો, ‘મને એ દુર્ગ બતાવ.’ પછી સસલાએ કૂવો બતાવ્યો. પછી કૂવાની અંદર પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને તે મૂર્ખ સિંહે સિંહનાદ કર્યો. તેના પ્રતિશબ્દથી કૂવામાંથી બમણો અવાજ સંભળાયો. આથી તે સિંહે તેને શત્રુ ધારીને તેના ઉપર પડીને પ્રાણત્યાગ કર્યો. સસલો પણ હર્ષિત મનવાળો થઈ, સર્વ પશુઓને આનંદ પમાડી તેમની પ્રશંસા પામતો, તેમની સાથે તે વનમાં યથેચ્છ રહેવા લાગ્યો.
| |
| === ગળીથી રંગાયેલો શિયાળ ===
| |
| કોઈ એક વનપ્રદેશમાં ચંડરવ નામનો શિયાળ રહેતો હતો. એક દિવસ ભૂખ્યો થયેલો તે જીભની લોલુપતાથી નગરમાં પ્રવેશ્યો. તેને જોઈને કૂતરાઓ ચારે તરફથી દોડીને ભસવા લાગ્યા અને તીક્ષ્ણ દાંત વડે તેને બચકાં ભરવા લાગ્યા. આ પ્રમાણે જેનું ભક્ષણ કરવામાં આવતું હતું એવો તે શિયાળ પણ પ્રાણ જવાના ભયથી નાસીને નજીકમાં આવેલા ધોબીના ઘરમાં પેસી ગયો. ત્યાં ગળીના રસથી ભરેલું એક મોટું વાસણ પડેલું હતું. જેના ઉપર કૂતરાઓ આક્રમણ કરી રહ્યા હતા એવો શિયાળ તે વાસણમાં પડ્યો. એમાંથી જ્યારે બહાર નીકળ્યો ત્યારે તે નીલ રંગનો થઈ ગયો હતો. એટલે ત્યાં રહેલા બીજા કૂતરાઓ તેને શિયાળ તરીકે નહિ ઓળખવાથી પોતાને મનફાવતી દિશાઓમાં ચાલ્યા ગયા. ચંડરવ પણ દૂરના પ્રદેશમાં જઈને ત્યાંથી વન તરફ ચાલ્યો.
| |
| ગળી કદી પણ પોતાનો રંગ છોડતી નથી. કહ્યું છે કે
| |
| વજ્રલેપનો, મૂર્ખનો, સ્ત્રીઓનો, કરચલાનો, માછલાંનો, ગળીનો અને મદ્યપાન કરનારનો ગ્રહ એક જ હોય છે (અર્થાત્ તેઓ જે વસ્તુને ચોંટે તેનાથી અલગ થતાં નથી).
| |
| હવે, મહાદેવના કંઠમાં રહેલા વિષ જેવી તથા તમાલવૃક્ષ જેવી કાન્તિવાળા તે અપૂર્વ પ્રાણીને જોઈને સિંહ, વાઘ, દીપડા, વરુ વગેરે અરણ્યવાસી પશુઓ ભયથી વ્યાકુળ ચિત્તવાળાં બની ચારે બાજુ નાસવા લાગ્યાં અને પરસ્પરને કહેવા લાગ્યાં કે, ‘આ પ્રાણીની ચેષ્ટા અને તેનું પરાક્રમ કેવાં હશે તે જાણવામાં આવતું નથી. માટે દૂર ચાલ્યાં જઈએ. કહ્યું છે કે
| |
| જેની ચેષ્ટા, કુળ તથા પરાક્રમ જાણવામાં આવેલું ન હોય તેનો વિશ્વાસ પોતાનું કલ્યાણ ઇચ્છનારા પ્રાજ્ઞ પુરુષે કરવો નહિ.’
| |
| એ પ્રાણીઓને ભયવ્યાકુળ ચિત્તવાળાં જાણીને ચંડરવ પણ કહેવા લાગ્યો, ‘હે વનપશુઓ! મને જોતાંવેંત ત્રાસ પામીને તમે કેમ નાસી જાઓ છો? તમે ડરશો નહિ, સ્વયં બ્રહ્માએ આજે મારું સર્જન કરીને મને કહ્યું છે કે, ‘વનપશુઓનો કોઈ રાજા નથી, તેથી આજે સર્વ વનપશુઓના રાજા તરીકે મેં તારો અભિષેક કર્યો છે, માટે તું જઈને તે સર્વનું પરિપાલન કર.’ તેથી હું અહીં આવ્યો છું. માટે સર્વ વનપશુઓએ મારી છત્રછાયામાં રહેવું. ત્રણે લોકનાં પશુઓનો હું કકુદ્દ્રુમ નામે રાજા થયો છું.’ એ સાંભળીને સિંહ, વાઘ આદિ વનપશુઓ ‘સ્વામી! પ્રભો! આજ્ઞા કરો’ એમ બોલતાં તેને વીંટાઈ વળ્યાં. પછી તેણે સિંહને અમાત્યપદવી આપી, વાઘને શય્યાપાલની જગ્યા આપી, દીપડાને તાંબૂલનો અધિકાર આપ્યો. અને વરુને દ્વારપાલનું પદ આપ્યું, તેની પોતાની જાતનાં જે શિયાળો હતાં તેમની સાથે તો તે વાર્તાલાપ પણ કરતો નહોતો. સર્વે શિયાળને તેણે હાંકી કાઢ્યાં. એ પ્રમાણે રાજકારભાર ચલાવતા એવા તેની સમક્ષ સિંહ વગેરે હંસિક પ્રાણીઓ બીજાં પશુઓને મારીને એ હાજર કરતાં. તે પણ રાજ્યધર્મ અનુસાર સર્વેને એ વહેંચી આપતો.
| |
| એ પ્રમાણે સમય જતો હતો ત્યાં એક વાર તેણે દૂરના પ્રદેશમાં શબ્દ કરતાં શિયાળોને સાંભળ્યાં. તેમનો શબ્દ સાંભળીને જેનું શરીર રોમાંચિત થયું છે તથા આંખમાં આનંદનાં અશ્રુ આવ્યાં છે એવો તે ઊંચે સ્વરે રોવા લાગ્યો, એટલે તે સિંહ વગેરે એનો ઊંચો સ્વર સાંભળીને આ શિયાળ છે એમ જાણીને લજ્જાથી નીચું મુખ કરીને પછી બોલ્યા કે, ‘અરે! એણે આપણને છેતર્યા છે, એ તો એક ક્ષુદ્ર શિયાળ છે. માટે એનો વધ કરો.’ તે પણ એ સાંભળીને પલાયન કરવાને ઇચ્છતો હતો, પણ એટલામાં સિંહ વગેરેએ તેના ટુકડેટુકડા કરી નાખતાં તે મરણ પામ્યો.
| |
| === સિંહના લુચ્ચા સેવકો અને ભોળો ઊંટ ===
| |
| કોઈ એક વનપ્રદેશમાં મદોત્કટ નામે સિંહ રહેતો હતો. દીપડો, કાગડો અને શિયાળ અને બીજાં પશુઓ તેનાં અનુચરો હતાં. આમતેમ ભમતાં તેઓએ એક વાર સાર્થથી વિખૂટો પડી ગયેલો એક ઊંટ જોયો. એટલે સિંહ બોલ્યો, ‘અહો! આ કોઈ અપૂર્વ પ્રાણી છે. તો તપાસ કરો કે આ પ્રાણી ગામનું છે કે અરણ્યનું?’ તે સાંભળી કાગડો બોલ્યો, ‘હે સ્વામી! આ તો ગામમાં રહેનારું ઊંટ નામે પ્રાણી છે અને તે તમારું ખાદ્ય છે, માટે તેનો વધ કરો.’ સિંહ બોલ્યો, ‘ઘેર આવેલાને હું નહિ મારું. કહ્યું છે કે વિશ્વાસ કરીને, કોઈ પ્રકારનો ભય રાખ્યા સિવાય ઘેર આવેલા શત્રુનો પણ જે વધ કરે છે તેને સો બ્રાહ્મણના વધ જેટલું પાપ લાગે છે. તો અભયદાન આપીને તેને મારી પાસે લાવો, જેથી તેના આગમનનું કારણ પૂછું.’
| |
| પછી સર્વે તે ઊંટને વિશ્વાસ આપીને તથા અભયદાન દઈને મદોત્કટની પાસે લાવ્યા, એટલે પ્રણામ કરીને તે બેઠો. પછી સિંહે પૂછ્યું, એટલે સાર્થમાંથી પોતે વિખૂટો પડ્યો ત્યાંથી માંડીને પોતાનો આત્મવૃત્તાન્ત તેણે નિવેદન કર્યો. પછી સિંહે કહ્યું, ‘હે કથનક! હવે તું ગામમાં જઈને ફરી વાર ભાર વહન કરવાનું દુઃખ ન ભોગવીશ. આ અરણ્યમાં મરકતમણિ જેવા ઝીણા લીલા ઘાસના અંકુરો ચરતો તું સદાકાળ મારી પાસે રહે.’ ઊંટ પણ ‘ભલે’ એમ કહીને, ‘હવે ક્યાંયથી પણ ભય નથી’ એમ જાણીને તેઓની વચ્ચે વિચરતો સુખપૂર્વક રહેવા લાગ્યો.
| |
| હવે, એક દિવસે અરણ્યમાં વસતા મોટા હાથી સાથે મદોત્કટને યુદ્ધ થયું, તેથી, એ હાથીના દાંતરૂપી મુસલના પ્રહારોથી તેને વ્યથા થઈ. વ્યથા થવા છતાં કોઈ રીતે તે મરણ ન પામ્યો. પણ શરીરની નિર્બળતાને કારણે ક્યાંય એક પગલું પણ ચાલી શકતો નહોતો. કાગડા વગેરે તે સર્વે અનુચરો પણ ભૂખથી પીડાવા છતાં અસામર્થ્યને લીધે અત્યંત દુઃખ પામવા લાગ્યા. પછી તેમને સિંહે કહ્યું, ‘અરે! ક્યાંયથી કોઈ પ્રાણી ખોળી લાવો. જેથી આવી દશામાં પડેલો હોવા છતાં તેનો વધ કરીને હું તમારું ભોજન સંપાદન કરું.’
| |
| પછી તેઓ ચારે તરફ ભમવા લાગ્યા, પણ કોઈ પ્રાણીને તેમણે જોયું નહિ, ત્યારે કાગડો અને શિયાળ પરસ્પર મંત્રણા કરવા લાગ્યા. શિયાળ બોલ્યો, ‘હે કાગડા! બહુ રખડવાથી શું? આ કથનક આપણા સ્વામીનો વિશ્વાસુ થઈને રહેલો છે, તેનો વધ કરીને આપણે ગુજરાન ચલાવીએ.’ કાગડો બોલ્યો, ‘તેં ઠીક કહ્યું, પણ સ્વામીએ તેને અભયદાન આપ્યું છે, તેથી તે વધ કરવા યોગ્ય નથી.’ શિયાળ બોલ્યો, ‘હે કાગડા! હું સ્વામીને વિનંતી કરીને એવું કરીશ, જેથી સ્વામી તેનો વધ કરે. માટે તમે અહીં જ ઊભા રહો, જેથી ઘેર જઈને સ્વામીની આજ્ઞા લઈને હું જલદી આવું.’ એમ કહી તે જલદીથી સિંહ પાસે હાજર થયો. સિંહની પાસે જઈને તેણે કહ્યું કે, ‘સ્વામી! આખું વન ભમીને અમે આવ્યા, પણ કોઈ પ્રાણી મળ્યું નહિ. માટે અમે શું કરીએ? હવે તો અમે ભૂખને કારણે એક પગલું પણ ચાલી શકતા નથી. આપ પણ પથ્ય ભોજન કરો છો. માટે જો આપનો આદેશ હોય તો કથનકના માંસ વડે આજે પથ્ય ભોજન થાય.’ તેનું આ દારુણ વચન સાંભળીને સિંહ કોપપૂર્વક બોલ્યો કે, ‘ધિક્, પાપી! અધમ! જો આવું ફરી વાર બોલીશ તો તે જ ક્ષણે તારો વધ કરીશ, કારણ કે મેં તેને અભય આપેલું છે. હું શી રીતે તેનો વધ કરું? કહ્યું છે કે
| |
| વિદ્વાન પુરુષો આ જગતમાં સર્વ દાનોમાં અભયદાનને જેવું મુખ્ય કહે છે તેવું મુખ્ય ગાયના દાનને, ભૂમિના દાનને અથવા અન્નદાનને કહેતા નથી.’
| |
| તે સાંભળીને શિયાળ બોલ્યો, ‘સ્વામી! અભયદાન આપીને જો વધ કરવામાં આવે તો એ દોષ લાગે છે, પણ આપ મહારાજ પ્રત્યેની ભક્તિથી જો તે પોતાનું જીવન અર્પણ કરતો હોય તો દોષ નહિ લાગે. તો જો તે પોતે જ પોતાની જાતને વધ માટે રજૂ કરે તો જ આપે તેનો વધ કરવો, નહિ તો અમારામાંથી કોઈ એકનો વધ કરવો, કેમ કે આપ મહારાજ પથ્ય ભોજન કરતા હોઈ ભૂખના વેગને રોકવાથી મરણ પામશો. અમારા પ્રાણ પણ જો સ્વામીને માટે ન જાય તો તે શા કામના? વળી સ્વામીને કંઈ અનિષ્ટ થાય તો પાછળથી અમારે પણ અગ્નિપ્રવેશ કરવો પડે. કહ્યું છે કે
| |
| જે કુળમાં જે પુરુષ પ્રધાન હોય તેનું સર્વ યત્નોથી રક્ષણ કરવું જોઈએ. પ્રધાન પુરુષ નાશ પામવાથી કુળ પણ નાશ પામે છે; ધરી ભાંગ્યા પછી આરાઓ ભાર વહન કરી શકતા નથી.’
| |
| તે સાંભળીને મદોત્કટ બોલ્યો, ‘જો એમ હોય તો તને રુચે તેમ કર.’ તે સાંભળીને શિયાળ સત્વર જઈને બીજા અનુચરોને કહેવા લાગ્યો, ‘અરે! સ્વામી અત્યંત દુઃખી અવસ્થામાં છે, માટે અહીં ભમવાથી શું? તેમના વિના આપણું રક્ષણ કોણ કરશે? તો ત્યાં જઈને ભૂખના દોષથી પરલોકમાં જઈ રહેલા એવા આપણા શરીરનું દાન કરીએ, જેથી તેમની કૃપાનું ઋણ આપણે ચૂકવીએ, કહ્યું છે કે
| |
| જે સેવકના જીવતાં, સેવકના પ્રાણ વિદ્યમાન હોય છતાં તેનો સ્વામી આપત્તિ પામે તે સેવક નરકમાં જાય છે.’
| |
| તે સાંભળીને જેમની આંખો આંસુથી ભરાઈ ગઈ છે એવાં તે સર્વે મદોત્કટની પાસે જઈને પ્રણામ કરીને ઊભાં રહ્યાં. તેમને જોઈને મદોત્કટ બોલ્યો, ‘અરે! કોઈ પ્રાણી મળ્યું અથવા જોયું?’ એટલે તેઓમાંથી કાગડો બોલ્યો, ‘સ્વામી! અમે સર્વત્ર રખડ્યા, પણ કોઈ પ્રાણી અમને મળ્યું નથી અથવા અમારા જોવામાં આવ્યું નથી. તો મારું ભક્ષણ કરીને આપ જીવન ધારણ કરો, જેથી આપને તૃપ્તિ થાય અને મને પણ સ્વર્ગપ્રાપ્તિ થાય. કહ્યું છે કે
| |
| ભક્તિવાળો જે સેવક સ્વામીને ખાતર પ્રાણ ત્યજે છે તે જરા અને મરણથી રહિત એવા પરમ પદને પામે છે.’
| |
| તે સાંભળીને શિયાળ બોલ્યો, ‘અરે! તું અલ્પ કાયાવાળો છે. તારું ભક્ષણ કરવાથી સ્વામીની પ્રાણયાત્રા નહિ થાય, પણ ઊલટો દોષ થશે. કહ્યું છે કે
| |
| અલ્પ અને વળી બળ વગરનું, કાગડાનું માંસ અને કૂતરાનું ઉચ્છિષ્ટ ખાવાથી શું, કે જેનાથી તૃપ્તિ ન થાય?
| |
| વળી તેં સ્વામીભક્તિ બતાવી, સ્વામીનો કોળિયો ખાવાના ઋણમાંથી તું મુક્ત થયો અને ઉભય લોકમાં તારી પ્રશંસા થઈ છે. માટે તું આગળથી આઘો જા. હવે, હું સ્વામીને વિજ્ઞપ્તિ કરું.’
| |
| કાગડાએ એમ કર્યા પછી શિયાળ આદરપૂર્વક પ્રણામ કરીને ઊભો રહ્યો (અને કહેવા લાગ્યો), ‘સ્વામી! હવે મારું ભક્ષણ કરીને આપ પ્રાણયાત્રા કરો અને મને ઉભય લોકની પ્રાપ્તિ કરાવો. કહ્યું છે કે
| |
| ધન વડે ખરીદ કરાયેલા એવા સેવકોના પ્રાણ સદાકાળ સ્વામીને આધીન છે, માટે તે પ્રાણ ગ્રહણ કરવાથી સ્વામીને હત્યાનો દોષ લાગતો નથી.’
| |
| હવે તે સાંભળીને દીપડો બોલ્યો, ‘અરે! તેં ઠીક કહ્યું, પણ તુંયે અલ્પ કાયાવાળો છે અને કૂતરાની જાતિનો તથા નખરૂપી આયુધવાળો હોવાથી અભક્ષ્ય જ છે. કહ્યું છે કે કંઠે પ્રાણ આવી જાય તો પણ બુદ્ધિમાન પુરુષે બન્ને લોકોનો વિનાશ કરનારી અભક્ષ્ય વસ્તુ ભક્ષણ કરવી નહિ; એમાંયે વિશેષ કરીને જ્યારે તે તદ્દન અલ્પ હોય ત્યારે તો બિલકુલ ભક્ષણ કરવી નહિ.
| |
| માટે તેં તારી કુલીનતા દર્શાવી અથવા આ ખરું કહ્યું છે કે રાજાઓ કુલીન જનોનો સંગ્રહ કરે છે તેનું કારણ એ છે કે તેઓ આદિમાં, મધ્યમાં અને અંતમાં વિકાર પામતા નથી — ફરી બેસતા નથી. તો તું આઘો જા, જેથી હું સ્વામીને વિનંતી કરું.’ શિયાળે તે પ્રમાણે કર્યું, એટલે દીપડાએ પ્રણામ કરીને મદોત્કટને કહ્યું, ‘સ્વામી! હવે મારા પ્રાણથી પ્રાણયાત્રા કરો, મને સ્વર્ગમાં અક્ષય વાસ આપો, અને પૃથ્વી ઉપર મારો વિપુલ યશ વિસ્તારો. આપે આ બાબતમાં આશ્ચર્ય કરવું નહિ. કહ્યું છે કે
| |
| સ્વામીને અનુકૂળ રહેતા અને સ્વામીનું કાર્ય કરતાં મૃત્યુ પામતા સેવકોનો સ્વર્ગમાં અક્ષય વાસ થાય છે અને પૃથ્વી ઉપર તેમની કીર્તિ ફેલાય છે.’
| |
| આ સાંભળી કથનક વિચાર કરવા લાગ્યો, ‘આ સર્વેએ સ્વામીને મીઠાં વાક્યો કહ્યાં. પણ તેમાંના કોઈને સ્વામીએ માર્યો નહિ. માટે હું પણ સમયને અનુસરતું વચન દીપડાને કહું, જેથી મારા વચનનું આ ત્રણે સમર્થન કરે.’ એ પ્રમાણે નિશ્ચય કરીને તે બોલ્યો, ‘ભાઈ! તેં સાચું કહ્યું, પરંતુ તું પણ નખરૂપી આયુધવાળો છે. તો સ્વામી તને શી રીતે ખાશે? કહ્યું છે કે
| |
| પોતાની જાતિવાળાંઓનું જે અનિષ્ટ ચિંતવે છે તેને આ લોકમાં તેમ જ પરલોકમાં અનિષ્ટો જ પ્રાપ્ત થાય છે.
| |
| તો, તું આઘો જા, જેથી હું સ્વામીને વિનંતી કરું.’ દીપડાએ તેમ કર્યું, એટલે કથનક આગળ ઊભો રહીને બોલ્યો, ‘સ્વામી! આ ત્રણે આપને માટે અભક્ષ્ય છે, માટે મારા પ્રાણ વડે પ્રાણયાત્રા કરો, જેથી મને ઉભય લોકની પ્રાપ્તિ થાય. કહ્યું છે કે
| |
| સ્વામીને માટે પોતાના પ્રાણનો ત્યાગ કરનારા ઉત્તમ સેવકો જે ગતિમાં જાય છે તે ગતિમાં યજ્ઞ કરનારાઓ અને યોગીઓ પણ જતા નથી.’
| |
| આમ બોલતાંમાં તો શિયાળ અને ચિત્તાએ કથનકની બન્ને કૂખ ચીરી નાખી, એટલે તે મરણ પામ્યો. પછી તે ક્ષુદ્ર પંડિતોએ તેનું ભક્ષણ કર્યું.
| |
| === ટિટોડો અને સમુદ્ર ===
| |
| સમુદ્રના કોઈ એક કિનારા ઉપર ટિટોડાનું એક જોડું રહેતું હતું. પછી સમય જતાં ઋતુકાળમાં આવીને ટિટોડીએ ગર્ભ ધારણ કર્યો, અને પ્રસવનો સમય નજીક આવ્યો એટલે તેણે ટિટોડાને કહ્યું, ‘હે કાન્ત! મારો પ્રસવકાળ નજીક આવ્યો છે, માટે ઉપદ્રવ વિનાની કોઈ જગ્યા ખોળી કાઢો, જ્યાં હું ઈંડાં મૂકું.’ ટિટોડો બોલ્યો, ‘ભદ્રે! આ રમ્ય સમુદ્રપ્રદેશ છે, માટે તું અહીં જ પ્રસવ કરજે.’ ટિટોડીએ કહ્યું, ‘અહીં પૂર્ણિમાના દિવસે સમુદ્રની ભરતી ચઢે છે. તે મત્ત હાથીઓને પણ ખેંચી જાય છે. માટે બીજું કોઈ દૂરનું સ્થાન શોધી કાઢો.’ એ સાંભળી હસીને ટિટોડો બોલ્યો, ‘ભદ્રે! તારું કહેવું ઠીક નથી. મારી સંતતિને દૂષિત કરવાની સમુદ્રની શી શક્તિ છે? માટે તું વિશ્વાસ રાખીને અહીં જ ગર્ભ મૂક.
| |
| કહ્યું છે કે જે પુરુષ પરાભવ પામીને પોતાના સ્થાનનો ત્યાગ કરી દે છે તેનાથી જો માતા પુત્રવતી ગણાતી હોય તો પછી વંધ્યા કોનાથી કહેવાય?’
| |
| તે સાંભળીને સમુદ્ર વિચાર કરવા લાગ્યો, ‘અહો! આ ક્ષુદ્ર પક્ષીનો ગર્વ તો જુઓ! ખરું કહ્યું છે કે આકાશ તૂટી પડવાના ભયથી ટિટોડો પોતાના પગ ઊંચા રાખીને બેસે છે; પોતાના મનથી કલ્પેલો ગર્વ તો અહીં કોને હોતો નથી?
| |
| તો મારે કુતૂહલથી પણ એનું સામર્થ્ય જોવું જોઈએ. હું એનાં ઈંડાં હરી જાઉં તો તે મને શું કરશે?’ સમુદ્ર એ પ્રમાણે વિચાર કરી રહ્યો. પ્રસવ થઈ ગયા પછી ચારો ચરવા ગયેલી ટિટોડીનાં ઈંડાં સમુદ્ર ભરતીના નિમિત્તથી હરી ગયો. એટલે પાછી આવેલી ટિટોડી પ્રસવસ્થાનને શૂન્ય જોઈને વિલાપ કરતી કરતી ટિટોડાને કહેવા લાગી, ‘હે મૂર્ખ! મેં તને કહ્યું હતું કે ‘સમુદ્રની ભરતીથી ઈંડાંનો વિનાશ થશે, માટે આપણે દૂર ચાલ્યાં જઈએ. પરન્તુ મૂઢપણાથી અહંકાર કરીને તેં મારું વચન કર્યું નહોતું. અથવા ખરું કહ્યું છે કે
| |
| આ લોકમાં હિતેચ્છુ મિત્રોનુંવચન જે કરતો નથી તે દુર્બુદ્ધિ મનુષ્ય લાકડી ઉપરથી પડી ગયેલા કાચબાની જેમ, નાશ પામે છે.’
| |
| ટિટોડો બોલ્યો, ‘એ કેવી રીતે?’ ટિટોડી કહેવા લાગી —
| |
| === બે હંસ અને કાચબો ===
| |
| ‘કોઈ એક જળાશયમાં કંબુગ્રીવ નામે કાચબો રહેતો હતો. સંકટ અને વિકટ નામના હંસ જાતિના તેના પરમ સ્નેહવાળા બે મિત્રો હતા. તે હંસો તે સરોવરના કિનારા ઉપર આવીને અનેક દેવર્ષિઓ અને મહર્ષિઓને લગતી વાતો કાચબાની સાથે કરીને સાયંકાળે પોતાના માળામાં પાછા જતા હતા. એ પ્રમાણે સમય જતાં અનાવૃષ્ટિને કારણે એ સરોવર ધીરે ધીરે સુકાઈ ગયું. એટલે કાચબાના દુઃખથી દુઃખી થયેલા તે હંસો કહેવા લાગ્યા, ‘હે મિત્ર! આ સરોવરમાં માત્ર કાદવ જ બાકી રહ્યો છે, તેથી તું કેવી રીતે જીવી શકીશ. એ વિચારથી અમારા હૃદયમાં વ્યાકુળતા થાય છે.’ તે સાંભળીને કંબુગ્રીવ બોલ્યો, ‘અરે! પાણીના અભાવે અમારું જીવન હવે નહિ ટકે, તેમ છતાં કંઈ ઉપાય વિચારો. કહ્યું છે કે
| |
| દુઃખના સમયમાં પણ ધૈર્યનો ત્યાગ કરવો નહિ, કારણ કે ધૈર્યના પ્રભાવે કદાચ મનુષ્ય ગતિ પામે છે — જેમ કે સમુદ્રમાં વહાણ ભાંગી જવા છતાં વહાણવટી તરવાની જ ઇચ્છા રાખે છે.
| |
| વિશેષમાં મનુએ આ વાક્ય કહ્યું છે કે આપત્તિઓ ઉત્પન્ન થતાં બુદ્ધિમાન મનુષ્ય મિત્રો અને બાંધવોને માટે સદા યત્નપૂર્વક પરિશ્રમ કરે છે,
| |
| માટે કોઈ મજબૂત દોરડું અથવા હળવું લાકડું લાવો અને પુષ્કળ પાણીવાળું કોઈ સરોવર શોધી કાઢો. જેથી એ લાકડાનો મધ્યભાગ મારા દાંતથી હું પકડી લઉં, એટલે મારા સહિત તેના બન્ને છેડાઓને ગ્રહણ કરીને તમે તે સરોવરમાં લઈ જજો.’ હંસો બોલ્યા, ‘મિત્ર! અમે એમ કરીશું, પરંતુ તારે મૌનવ્રત પાળવું, નહિ તો એ લાકડા ઉપરથી તું પડી જઈશ.’ એમ વ્યવસ્થા કર્યા પછી, એ રીતે (આકાશમાં) જતાં કંબુગ્રીવે નીચેના ભાગમાં રહેલું કોઈ શહેર જોયું. ત્યાં જે નાગરિકો હતા તેઓ તેને એ પ્રકારે લઈ જવાતો જોઈને વિસ્મયપૂર્વક આમ કહેવા લાગ્યા, ‘અહો! કોઈ ચક્રાકાર વસ્તુ આ પક્ષીઓ લઈ જાય છે. જુઓ!’ એટલે તેમનો કોલાહલ સાંભળીને કંબુગ્રીવ બોલ્યો, ‘અરે! આ શેનો કોલાહલ છે?’ પણ એ પ્રમાણે બોલવાને તે ઇચ્છતો હતો અને પૂરું બોલ્યો પણ નહોતો ત્યાં તો તે નીચે પડ્યો, અને નગરજનોએ તેના ટુકડેટુકડા કરી નાખ્યા.
| |
| તેથી હું કહું છું કે આ લોકમાં હિતેચ્છુ મિત્રોનું વચન જે કરતો નથી તે મનુષ્ય, લાકડી ઉપરથી પડી ગયેલા કાચબાની જેમ, નાશ પામે છે.
| |
| કહ્યું છે કે
| |
| અનાગતવિધાતા અને પ્રત્યુત્પન્નમતિ એ બન્ને સુખ ભોગવે છે. અને યદ્ભવિષ્ય વિનાશ પામે છે.’
| |
| ટિટોડો બોલ્યો, ‘એ કેવી રીતે?’ ટિટોડી કહેવા લાગી —
| |
| === અનાગતવિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ્ભવિષ્ય ===
| |
|
| |
| ‘કોઈ એક જળાશયમાં અનાગતવિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ્ભવિષ્ય નામનાં ત્રણ માછલાંઓ રહેતાં હતાં. એક વાર ત્યાં થઈને આવતા માછીમારોએ એ જળાશય જોઈને કહ્યું, ‘અહો! ઘણાં માછલાંવાળો આ ધરો આ પહેલાં આપણે કદી જોયો નહોતો. આજે તો આપણને ખોરાક મળ્યો છે, અને સંધ્યાસમય પણ થઈ ગયો છે, તેથી પ્રભાતે અહીં જરૂર આવીશું.’ એટલે તેમનું એ વજ્રપાત સમાન વચન સાંભળીને અનાગતવિધાતા સર્વ માછલાંઓને બોલાવીને કહેવા લાગ્યો. ‘અરે! માછીમારોએ જે કહ્યું તે તમે સાંભળ્યું? માટે રાત્રે જ આપણે કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. કહ્યું છે કે અશક્ત મનુષ્યોએ બળવાન શત્રુ પાસેથી પલાયન કરી જવું અથવા દુર્ગનો આશ્રય કરવો; એ સિવાય તેમની બીજી કોઈ ગતિ નથી.
| |
| નક્કી પ્રભાતમાં માછીમારો આવીને માછલાંઓનો સંહાર કરશે. આમ મારા મનમાં બેસે છે. માટે હવે અહીં ક્ષણ વાર પણ રહેવું યોગ્ય નથી, કહ્યું છે કે
| |
| જેઓ સુખમય રીતે અન્યત્ર ગતિ કરી શકે તેમ છે એવા વિદ્વાનો પોતાના દેશનો ભંગ અને કુળનો ક્ષય જોતા નથી.’
| |
| તે સાંભળીને પ્રત્યુત્પન્નમતિ બોલ્યો, ‘અહો! તમે સાચું કહ્યું. મને પણ આ વસ્તુ ઇષ્ટ છે. માટે અન્યત્ર જઈએ. કહ્યું છે કે પરદેશ જવાથી ડરનારા, કપટીઓ, નપુંસકો, કાગડાઓ, બાયલાઓ અને મૃગો પોતાના દેશમાં જ મરણ પામે છે. જે સર્વત્ર ગતિ કરી શકે એમ છે તે પુરુષ સ્વદેશ ઉપર રાગ રાખીને શા માટે નાશ પામે? ‘આ તો પિતાનો કૂવો છે.’ એમ કહીને તેમાંનું ખારું પાણી બાયલાઓ જ પીએ છે.’
| |
| એ સાંભળીને ઊંચે સ્વરે હાસ્ય કરીને યદ્ભવિષ્ય બોલ્યો, ‘તમે આ કંઈ બરાબર ન કહ્યું, કારણ કે એ માછીમારોની માત્ર વાણીથી આપણા પિતા અને પિતામહોનું આ સરોવર ત્યજી દેવું યોગ્ય નથી. જો આયુષ્ય પૂરું થયું હશે તો અન્યત્ર જઈશું તો પણ મૃત્યુ જ થશે. કહ્યું છે કે
| |
| અરક્ષિત પણ જો દૈવથી રક્ષાયેલું હોય તો બચે છે, અને સુરક્ષિત પણ દૈવથી હણાયેલું હોય તો વિનાશ પામે છે; વનમાં ત્યજાયેલ અનાથ પણ જીવે છે અને ઘરમાં પ્રયત્નપૂર્વક રક્ષવામાં આવ્યું હોય તો પણ નાશ પામે છે. માટે હું તો નહિ જાઉં. તમને જેમ સૂઝે તેમ કરો.’
| |
| હવે, તેનો એ નિશ્ચય જાણીને અનાગતવિધાતા અને પ્રત્યુત્પન્નમતિ પોતાના પરિવારની સાથે ચાલ્યા ગયા. પ્રભાતમાં માછીમારોએ જાળ વડે તે જળાશયને ડહોળી નાખીને, યદ્ભવિષ્યનો નાશ કરીને તે તળાવને પણ માછલા વગરનું બનાવી દીધું.
| |
| તેથી હું કહું છું કે — અનાગતવિધાતા અને પ્રત્યુત્પન્નમતિ એ બન્ને સુખ ભોગવે છે અને યદ્ભવિષ્ય વિનાશ પામે છે.’
| |
| એ સાંભળીને ટિટોડો બોલ્યો, ‘તું શું મને યદ્ભવિષ્ય જેવો માને છે? તો મારો બુદ્ધિપ્રભાવ જો, જેથી આ દુષ્ટ સમુદ્રને હું સુકાવી દઈશ.’ ટિટોડી બોલી, ‘અહો! સમુદ્રની સાથે તમારો વિગ્રહ કેવો? તમારે સમુદ્ર ઉપર કોપ કરવો યોગ્ય નથી. કહ્યું છે કે અસમર્થ પુરુષોનો કોપ તેમની પોતાની જાતને જ ઉપદ્રવ કરનારો થાય છે; અત્યંત ઊકળતું માટીનું વાસણ પોતાનાં પાસાંઓને જ બાળે છે.
| |
| તેમ જ
| |
| પોતાની અને શત્રુની શક્તિ જાણ્યા સિવાય જે ઉત્સુકતાથી સામે જાય છે તે, અગ્નિમાં પતંગિયાની જેમ, નાશ પામે છે.’
| |
| ટિટોડો બોલ્યો, ‘પ્રિયે! એમ ન બોલ. ઉત્સાહશક્તિવાળાઓ નાના હોય તો પણ મોટાઓનો પરાજય કરે છે. કહ્કહ્યું છે કે
| |
| અસહનશીલ પુરુષ વિશેષે કરીને પરિપૂર્ણ એવા શત્રુની સામે થાય છે; જેવી રીતે હજી પણ રાહુ (પરિપૂર્ણ) ચંદ્રની સામે થાય છે.
| |
| તેમ જ
| |
| પોતાના કરતાં શરીરના પ્રમાણમાં અધિક તથા જેના ગંડસ્થળમાંથી શ્યામ મદ ઝરી રહ્યો છે એવા મત્ત હાથીના મસ્તક ઉપર કેસરી સિંહ પોતાનો પગ મૂકે છે.
| |
| તેમ જ
| |
| બાલસૂર્યના પદ (કિરણ અથવા પગ) પર્વતો (અથવા રાજાઓ) ઉપર પણ પડે છે; જેઓ તેજસ્વી જ જન્મેલા છે તેમના વય ઉપર ક્યાં આધાર રાખવામાં આવે છે?
| |
| માટે મારી આ ચાંચથી સમુદ્રનું સર્વ પાણી હું શોષી લઈ તેને સૂકો બનાવી દઈશ.’ ટિટોડી બોલી, ‘હે કાન્ત! જેમાં ગંગા અને સિન્ધુ નિત્ય નવસો નદીઓને લઈને પ્રવેશ કરે છે એવા, અઢારસો નદીઓ વડે પુરાતા તે સમુદ્રને તમારી એક ટીપાને વહન કરનારી ચાંચ વડે તમે શી રીતે શોષી શકશો? આવું આશ્ચર્ય બોલવાથી શું?’
| |
| ટિટોડો બોલ્યો, ‘પ્રિયે! ઉત્સાહ એ લક્ષ્મીનું મૂળ છે, મારી ચાંચ લોહ જેવી છે અને રાત્રિદિવસ લાંબાં છે; પછી સમુદ્ર કેમ નહિ શોષાય? જ્યાં સુધી પુરુષ પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી તે ઉત્તમ સંપત્તિને મેળવી શકતો નથી; સૂર્ય પણ તુલામાં આરૂઢ થાય છે (તુલા રાશિનો થાય છે અથવા શત્રુપક્ષની તુલનાએ સરસાઈ પ્રાપ્ત કરે છે) ત્યારે મેઘના પટલો ઉપર વિજય મેળવે છે.
| |
| ટિટોડી બોલી, ‘જો તમારે સમુદ્ર સાથે અવશ્ય વેર બાંધવું હોય તો બીજાં પક્ષીઓને પણ બોલાવી મિત્રજનોની સાથે એમ કરો. કહ્યું છે કે
| |
| ઘણી અસાર (નિર્બળ) વસ્તુઓનો સમૂહ પણ દુર્જય થઈ પડે છે; તૃણો વડે દોરડું બનાવાય છે અને તે વડે હાથ પણ બંધાય છે.
| |
| તેમ જ
| |
| ચકલી, કાષ્ઠકૂટ, માખી અને દેડકો એ પ્રમાણે ઘણાં જણની સાથે વિરોધ કરવાથી હાથી મરણ પામ્યો હતો.’
| |
| ટિટોડો બોલ્યો, ‘એ કેવી રીતે?’
| |
| ટિટોડી કહેવા લાગી —
| |
| === ચકલીનાં મિત્રો અને હાથી ===
| |
| કોઈ એક વનપ્રદેશમાં તમાલવૃક્ષ ઉપર માળો બાંધીને એક ચકલાનું જોડું રહેતું હતું, સમય જતાં તેને બચ્ચાં થયાં. એક દિવસ કોઈ એક મત્ત હાથી તાપથી ત્રાસીને છાયામાં બેસવા માટે તે તમાલવૃક્ષ નીચે આવ્યો. પછી તમાલવૃક્ષની જે શાખા ઉપર ચકલાં રહેતાં હતાં તે શાખા મદના વેગથી પોતાની સૂંઢના અગ્રભાગ વડે તેણે ભાંગી નાખી. તે ભાંગી જવાથી ચકલીનાં સર્વ ઈંડાં પણ વિશીર્ણ થઈ ગયાં. આયુષ્ય બાકી રહેલું હોવાને લીધે જ ચકલી કોઈ રીતે મરણ ન પામી. હવે, ઈંડાં ભાંગી જવાથી શોક પામેલી ચકલી કોઈ રીતે રોતાં અટકતી નહોતી. એ સમયે તેનો એ વિલાપ સાંભળીને તેનો પરમ મિત્ર તથા તેના દુઃખથી દુઃખી થયેલો કાષ્ઠકૂટ નામે પક્ષી આવીને તેને કહેવા લાગ્યો, ‘બાઈ! વૃથા વિલાપ કરવાથી શું? કહ્કહ્યું છે કે
| |
| નષ્ટ થયેલા, મરી ગયેલા અને વીતી ગયેલાનો શોક પંડિતો કરતા નથી; કારણ કે પંડિતો અને મૂર્ખોનો આટલો જ વિશેષ — તફાવત કહેલો છે.
| |
| તેમ જ
| |
| આ જગતમાં પ્રાણીઓ શોક કરવાને યોગ્ય નથી. જે મૂઢ તેમનો શોક કરે છે તે એક દુઃખમાં બીજું દુઃખ પામે છે અને એ રીતે બે અનર્થનું સેવન કરે છે.
| |
| વળી
| |
| સંબંધીઓએ રોઈને પાડેલાં શ્લેષ્મ અને આંસુ મરી ગયેલો જીવ પરવશ થઈને ખાય છે. એ કારણથી રુદન કરવું નહિ. પણ પ્રયત્નપૂર્વક સર્વ ઉત્તરક્રિયાઓ કરવી.’
| |
| ચકલી બોલી, ‘એ વાત ઠીક છે પણ તે દુષ્ટ હાથીએ મારાં સંતાનોનો નાશ કર્યો છે. માટે તું જો મારો સાચો મિત્ર હોય તો આ નીચ હાથીનો વધ કરવાનો ઉપાય વિચાર, કે જે આચરવાથી સંતાનોના નાશથી ઉત્પન્ન થયેલું મારું દુઃખ દૂર થાય. કહ્યું છે કે
| |
| આપત્તિના સમયમાં જેણે પોતાને ઉપકાર કર્યો હોય તેના ઉપર ઉપકાર કરનાર, અને વિષમ દશામાં જે પોતાની પ્રત્યે હસ્યો હોય તેના ઉપર અપકાર કરનાર એવા પુરુષને હું મોટો ગણું છું.’
| |
| કાષ્ઠકૂટ બોલ્યો, ‘બાઈ! તેં સાચું કહ્યું, કહ્યું છે કે
| |
| જે સંકટમાં સાથે રહે તે મિત્ર, જે ભક્તિમાન હોય તે પુત્ર, જે કાર્ય કરી જાણતો હોય તે સેવક, અને જેની પાસે શાન્તિ મળે તે ભાર્યા.
| |
| તો હવે મારો બુદ્ધિપ્રભાવ જો, વળી મારી પણ મિત્ર વીણારવા નામે એક માખી છે. તો એને બોલાવીને હું આવું છું. જેથી એ દુરાત્મા હાથીનો વધ કરી શકાય.’ પછી ચકલીને સાથે લઈને માખી પાસે જઈને તે બોલ્યો, ‘ભદ્રે! આ ચકલી મારી મિત્ર છે; કોઈ દુષ્ટ હાથીએ ઈંડાં ફોડી નાખવા વડે તેનો પરાભવ કર્યો છે. તો એ હાથીના વધનો ઉપાય આચરતા એવા મને તું સહાય કરવાને યોગ્ય છે.’
| |
| માખી બોલી, ‘ભદ્રે! આ બાબતમાં શું કહેવાનું હોય? કહ્યું છે કે ઉપકારનો બદલો વાળવા માટે મિત્રોનું પ્રિય કરવામાં આવે છે; પણ મિત્રના મિત્રનુંયે કયું હિતકાર્ય મિત્રોએ કર્યું નથી?
| |
| એ સાચું છે. વળી મારોયે મેઘનાદ નામે દેડકો મિત્ર છે. તેને પણ બોલાવીને યથોચિત કાર્ય કરીએ. કહ્યું છે કે
| |
| હિતેચ્છુ, સદાચરણી શાસ્ત્રજ્ઞ અને બુદ્ધિશાળી વિદ્વાનોએ વિચારેલા ઉપાયો કદી નિષ્ફળ જતા નથી.’
| |
| પછી તે ત્રણે જણાં મેઘનાદની પાસે જઈને પૂર્વોક્ત વૃત્તાન્ત નિવેદન કરીને ઊભાં રહ્યાં. એટલે તે દેડકો બોલ્યો, ‘જ્યારે ઘણાં જણ કોપાયમાન થાય ત્યારે તે બિચારા હાથીની શી ગણતરી? માટે તમારે મારી સલાહ પ્રમાણે કરવું. માખી! તું મધ્યાહ્નકાળે જઈને તે મદોન્મત્ત હાથીના કાનમાં વીણારવ જેવો શબ્દ કર, જેથી શ્રવણસુખની લાલસાવાળો તે આંખો મીંચી દે. પછી કાષ્ઠકૂટની ચાંચથી આંખો ફોડી નાખવામાં આવતાં અંધ બનેલો તે તૃષાથી પીડા પામતાં એક ખાડાના કિનારા ઉપર પરિવારસહિત બેઠેલા એવા મારો શબ્દ સાંભળીને, તે ખાડાને જળાશય માનીને આવશે. પછી ખાડા પાસે આવતાં તે તેમાં પડી જશે અને મરણ પામશે. આ પ્રમાણે યોજના કરવી. જેથી વેરની સિદ્ધિ થાય.’ પછી એ પ્રમાણે કરવામાં આવ્યું. એટલે મધ્યાહ્નકાળે માખીનું ગાયન સાંભળવારૂપ શ્રવણસુખથી જેણે આંખો મીંચેલી છે એવા તે હાથીની આંખો કાષ્ઠકૂટ પક્ષીએ પાછળથી આવીને ફોડી નાખી. એટલે એ દેડકાના શબ્દને અનુસરીને ગમન કરતાં તે મોટા ખાડામાં પડીને મરણ પામ્યો.
| |
| તેથી હું કહું છું કે —- ચકલી, કાષ્ઠકૂટ, માખી અને દેડકો એ પ્રમાણે ઘણાં જણની સાથે વિરોધ કરવાથી હાથી મરણ પામ્યો હતો.’
| |
| ટિટોડો બોલ્યો, ‘ભદ્રે! એમ થાઓ.’ પછી ‘મિત્રવર્ગની સાથે મળીને હું સમુદ્રનું શોષણ કરીશ.’ એ પ્રમાણે નિશ્ચય કરીને બગલાં, સારસ, મોર વગેરે પક્ષીઓે બોલાવીને તેણે કહ્યું, ‘અરે! સમુદ્રે મારાં ઈંડાં હરી જઈને મારો પરાભવ કર્યો છે, માટે તેના શોષણનો ઉપાય વિચારો.’ તેઓ અંદર અંદર વિચાર કરીને બોલ્યાં, ‘આપણે સમુદ્રનું શોષણ કરવાને અશક્ત છીએ, માટે વૃક્ષા પ્રયાસ શા સારું કરવો? કહ્યું છે કે
| |
| જે નિર્બળ મનુષ્ય મદથી મોહિત થઈને પોતાના કરતાં ઉન્નત મનુષ્યની સામે યુદ્ધ કરવાને જાય છે તે, જેના દાંત તૂટી ગયેલા છે એવા હાથીની જેમ, પાછો વળે છે.
| |
| આપણા સ્વામી ગરુડ છે. માટે આ બધો અપમાનનો વૃત્તાન્ત તેમની આગળ નિવેદન કરવો જોઈએ, જેથી પોતાની જાતિના અપમાનથી કોપાયમાન થઈને તે વેર લેશે. અથવા ગર્વથી આપણી વાત નહિ સાંભળે તો પણ આપણને દુઃખ નહિ થાય. કહ્યું છે કે
| |
| પોતાથી અભિન્ન ચિત્તવાળા મિત્ર પાસે, ગુણવાન સેવક પાસે, અનુકૂળ સ્ત્રી પાસે અને સમર્થ સ્વામી પાસે દુઃખ નિવેદન કરીને મનુષ્ય સુખી થાય છે.
| |
| તેથી આપણે ગરુડની પાસે જઈએ, કારણ કે તેઓ આપણા સ્વામી છે.’ એમ કરીને વિવર્ણ વદનવાળાં તથા આંસુથી જેમની આંખો ભરાયેલી છે એવાં તે પક્ષીઓ ગરુડ પાસે જઈને કરુણ સ્વરે વિલાપ કરવા લાગ્યાં કે, ‘અહો! અબ્રહ્મણ્યમ્! અબ્રહ્મણ્યમ્! આપ અમારા સ્વામી હોવા છતાં આ સદાચારી ટિટોડાનાં ઈંડાં સમુદ્ર હરી ગયો છે. માટે એ પક્ષીનું કુળ તો નાશ પામ્યું છે. એ જ પ્રમાણે સમુદ્ર બીજાંઓનો પણ સ્વેચ્છાએ નાશ કરશે. કહ્યું છે કે એકનું નિંદ્ય કાર્ય જોઈને બીજો પણ તેવું કાર્ય કરે છે; લોકો તો ગતાનુગતિક છે, તેઓ પારમાર્થિક — સાચી વસ્તુ જાણનાર નથી.
| |
| તેમ જ
| |
| ધુતારાઓ, ચોરો, દુરાચારીઓ અને સાહસિકો આદિથી પીડાતી, તથા કપટ અને પ્રપંચ વડે છેતરાતી પ્રજાનું રક્ષણ કરવું જોઈએ. જે રાજા રક્ષણ કરે છે તેને પ્રજાના ધર્મમાંથી છઠ્ઠો ભાગ મળે છે, જે રાજા રક્ષણ કરતો નથી તેને અધર્મમાંથી પણ છઠ્ઠો ભાગ મળે છે. પ્રજાપીડનને કારણે તેના સંતાપમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ રાજાનાં લક્ષ્મી, કુળ અને પ્રાણનો નાશ કર્યા સિવાય શાંત પડતો નથી. રાજા એ સ્વજનો વગરનાંનો સ્વજન છે, આંખ વગરનાંની આંખ છે, તથા રાજા એ ન્યાયથી વર્તનાર સર્વનો માતા અને પિતા છે. ફળની ઇચ્છાવાળો માળી જેમ યત્નપૂર્વક અંકુરોને સિંચે છે તેમ ફળની ઇચ્છાવાળાએ દાન, માન આદિ જળ વડે યત્નપૂર્વક પ્રજાનુંપાલન કરવું. સૂક્ષ્મ બીજાંકુર પ્રયત્નપૂર્વક રક્ષણ કરવામાં આવે તો યોગ્ય સમયે ફળ આપનાર થાય છે, તેમ સુરક્ષિત પ્રજા પણ યોગ્ય સમયે ફળપ્રદ થાય છે. રાજા પાસે જે સુવર્ણ, ધાન્ય, રત્નો અને વિવિધ પ્રકારનાં વાહનો તથા બીજું પણ જે કંઈ છે તે પ્રજા પાસેથી પ્રાપ્ત થયેલું છે.’
| |
| આ પ્રમાણે સાંભળીને તે પક્ષીઓના દુઃખથી દુઃખી થયેલો અને કોપાયમાન બનેલો ગરુડ વિચાર કરવા લાગ્યો. ‘આ પક્ષીઓએ સાચું કહ્યું છે. માટે અહો! અત્યારે જ જઈને તે સમુદ્રને હું શોષી લઉં.’ તે આ પ્રમાણે વિચાર કરતો હતો ત્યાં વિષ્ણુના દૂતે આવીને તેને કહ્યું, ‘હે ગરુડ! ભગવાન નારાયણે મને તારી પાસે મોકલ્યો છે. દેવોના કાર્યને માટે ભગવાન અમરાવતીમાં જવાના છે. માટે તું સત્વર આવ.’ તે સાંભળીને ગરુડ અભિમાનપૂર્વક બોલ્યો, ‘હે દૂત! મારા જેવા હલકા સેવકનું ભગવાનને શું કામ છે? માટે જઈને તેમને કહે કે ‘મારી જગ્યાએ વાહન તરીકે બીજા સેવકને રાખી લો.’ ભગવાનને તું મારા નમસ્કાર કહેજે.
| |
| કહ્યું છે કે જે માણસ સામાના ગુણો જાણે નહિ તેની પંડિત પુરુષે સેવા કરવી નહિ. ઊષર જમીનને સારી રીતે ખેડવામાં આવે તો પણ કંઈ નીપજતું નથી તેમ એવા માણસ પાસેથી પણ કંઈ ફળ પ્રાપ્ત થતું નથી.’
| |
| દૂત બોલ્યો, ‘હે ગરુડ! તેં ભગવાનને ઉદ્દેશીને આવું કદી પણ કહ્યું નહોતું. તો કહે, ભગવાને તારું શું અપમાન કર્યું છે?’ ગરુડ બોલ્યો, ‘ભગવાનના નિવાસસ્થાનરૂપ સમુદ્રે અમારા ટિટોડાનાં ઈંડાંનું હરણ કર્યું છે. તો જો એ સમુદ્રનો નિગ્રહ તેઓ ન કરે તો હું તેમનો સેવક નથી —- એ મારો નિશ્ચય તું ભગવાનને કહેજે. તારે ત્વરાપૂર્વક ભગવાન પાસે જવું જોઈએ.’
| |
| હવે, સ્નેહથી (ઓછું આવવાથી) કોપાયમાન થયેલા ગરુડની વાત દૂતના મુખેથી જાણીને ભગવાન વિચાર કરવા લાગ્યા, ‘અહો! ગરુડનો કોપ યોગ્ય છે. માટે હું પોતે જ જઈને સન્માનપૂર્વક તેને અહીં લાવું. કહ્યું છે કે
| |
| જે પોતાની ઉન્નતિને ઇચ્છતો હોય તેણે ભક્તિમાન, સશક્ત અને કુલીન એવા સેવકનું અપમાન કરવું નહિ, પણ પુત્રની જેમ નિત્ય તેનું પાલન કરવું.
| |
| વળી
| |
| રાજા સંતુષ્ટ થયેલો હોય તો પણ સેવકોને માત્ર ધન આપે છે, જ્યારે સેવકો તો માત્ર સન્માન મળતાં પોતાના પ્રાણ પણ આપીને સામો ઉપકાર કરે છે.
| |
| એ પ્રમાણે વિચાર કરીને ભગવાન વિષ્ણુ રુક્મપુરમાં ગરુડની પાસે ગયા. ગરુડ પણ ભગવાનને પોતાને ઘેર આવેલા જોઈને, શરમથી નીચું મુખ કરી, પ્રણામ કરીને બોલ્યો, ‘ભગવાન્! આપનું નિવાસસ્થાન બન્યો હોવાને કારણે ગર્વિત થયેલા સમુદ્રે મારા સેવકનાં ઈંડાં હરી જઈને મારું અપમાન કર્યું છે. પરંતુ આપની લજ્જાને કારણે હું તેને સૂકવી દેતો નથી, કારણ કે સ્વામીના ભયથી તેના કૂતરાને પણ પ્રહાર કરવામાં આવતો નથી. કહ્યું છે કે
| |
| જેથી સ્વામીના ચિત્તમાં લઘુતા અથવા પીડા થાય એવું કાર્ય, પોતાના જીવનનું જોખમ હોય તો પણ, કુલપરંપરાથી ઊતરી આવેલા સેવકે કરવું નહિ.’
| |
| તે સાંભળીને ભગવાન બોલ્યા, ‘હે ગરુડ! તારી વાત સાચી છે. કહ્યું છે કે
| |
| સેવકના અપરાધને પરિણામે તેને શિક્ષા થાય તો તે સ્વામીને જ થઈ ગણાય કેમ કે તે શિક્ષાથી ઉત્પન્ન થયેલી લજ્જા પણ જેટલી સ્વામીને લાગે છે તેટલી સેવકને લાગતી નથી.
| |
| માટે તું આવ, જેથી સમુદ્ર પાસેથી ઈંડાં લઈને ટિટોડાનું સન્માન કરીએ તથા અમરાવતી જઈએ.’ એમ નક્કી કર્યા પછી ભગવાન સમુદ્રની નિર્ભર્ત્સના કરીને તેની આગળ આગ્નેયાસ્ત્રનું સંધાન કરીને ઊભા રહ્યા (અને કહેવા લાગ્યા), ‘હે દુરાત્મા! ટિટોડાનાં ઈંડાં આપ, નહિ તો તને સૂકવી દઉં છું.’ આથી ભય પામેલા સમુદ્રે ટિટોડાનાં તે ઈંડાં પાછાં આપી દીધાં, એટલે ટિટોડાએ તે પોતાની પત્નીને આપ્યાં.
| |
|
| |
| === વરુ અને સિંહને છેતરનારો શિયાળ ===
| |
| કોઈ એક વનપ્રદેશમાં વજ્રદંષ્ટ્ર નામે સિંહ રહેતો હતો. ચતુરક નામે શિયાળ અને ક્રવ્યમુખ નામે વરુ એ બે સદાકાળ તેની પાછળ પાછળ ફરતા રહેતા હતા. જેનો પ્રસવકાળ નજીક આવ્યો હતો એવી તથા પ્રસવવેદનાને કારણે પોતાના યૂથથી છૂટી પડી ગયેલી એક ઊંટડી એક દિવસ કોઈ વનપ્રદેશમાં તે સિંહના જોવામાં આવી. તેનો વધ કરીને સિંહ તેનું ઉદર ફાડતો હતો ત્યાં તેમાંથી જીવતું એવું નાનું ઊંટનું બચ્ચું નીકળ્યું. પરિવાર સહિત સિંહ તે ઊંટડીના માંસથી પરમ તૃપ્તિ પામ્યો. પછી સ્નેહથી તે ઊંટના બચ્ચાને પોતાને ઘેર લઈ જઈને કહેવા લાગ્યો, ‘ભદ્ર, તને મૃત્યુથી, મારાથી અથવા બીજા કોઈથી ભય નથી. માટે તું ઇચ્છા અનુસાર આ વનમાં ભ્રમણ કર. શંકુ જેવા તારા કાન છે, માટે તારું શંકુકર્ણ એવું નામ થશે.’ આ પ્રમાણે નક્કી કર્યા પછી એક સ્થાને વિહાર કરતા તથા પરસ્પર અનેક પ્રકારનું ગોષ્ઠીસુખ અનુભવતા તે ચારે પશુઓ રહેતાં હતાં. યુવાવસ્થામાં આવેલો શંકુકર્ણ પણ તે સિંહથી એક ક્ષણવાર પણ અલગ થતો નહોતો.
| |
| હવે, એક વાર કોઈ જંગલી મત્ત હાથી સાથે વજ્રદંષ્ટ્રને યુદ્ધ થયું, હાથીએ પોતાના મદના બળથી તથા દાંતના પ્રહારોથી વજ્રદંષ્ટ્રને એવા જર્જરિત શરીરવાળો બનાવી દીધો કે તે ચાલી પણ શકતો નહોતો. એટલે ભૂખથી ક્ષીણ થયેલો તે સિંહ તેમને (શિયાળ, વરુ, અને ઊંટને) કહેવા લાગ્યો, ‘અરે! તમે કોઈ પ્રાણીને શોધી લાવો, જેથી આવી અવસ્થામાં રહેલો હોવા છતાં હું તેનો વધ કરીને મારી તથા તમારી ભૂખ દૂર કરું.’ તે સાંભળીને તેઓ ત્રણે વનમાં સંધ્યાકાળ સુધી ભમ્યા, પણ કોઈ પ્રાણી જડ્કહ્યું નહિ. આથી ચતુરક વિચાર કરવા લાગ્યો, ‘જો શંકુકર્ણનો વધ કરવામાં આવે તો કેટલાક દિવસ સુધી અમને સર્વને તૃપ્તિ થાય; પરંતુ મિત્રતાને કારણે તથા પોતાના આશ્રિત હોવાને કારણે સ્વામી એનો નાશ નહિ કરે. અથવા બુદ્ધિપ્રભાવથી સ્વામીને સમજાવીને એવું કરીશ, જેથી તેઓ તેનો નાશ કરે. કહ્યું છે કે
| |
| આ લોકમાં બુદ્ધિમાનોની બુદ્ધિથી જેનો નાશ ન કરી શકાય એવું, જ્યાં જઈ ન શકાય એવું તથા જે કરી ન શકાય એવું કંઈ નથી; માટે બુદ્ધિનો ઉપયોગ કરવો.’
| |
| એમ વિચાર કરીને તે શંકુકર્ણને આ પ્રમાણે કહેવા લાગ્યો, ‘હે શંકુકર્ણ! સ્વામી પથ્ય આહાર વિના ક્ષુધાથી પીડાય છે. (તેઓ મરણ પામશે તો) સ્વામીના અભાવે આપણો પણ નક્કી વિનાશ થશે. માટે મહારાજને માટે હું તને કંઈક વાક્ય કહું છું તે સાંભળ.’ શંકુકર્ણ બોલ્યો, ‘અરે! જલ્દી નિવેદન કર, જેથી કોઈ પ્રકારની શંકા કર્યા સિવાય તારું વચન ઝટ દઈને કરું. વળી સ્વામીનું હિત કરવાથી મને સો સત્કૃત્ય કર્યાનું ફળ મળશે.’ એટલે ચતુરક બોલ્યો, ‘હે ભદ્ર! તું તારું શરીર બમણા લાભને માટે અર્પણ કર, જેથી (આવતા જન્મમાં) તને બમણું શરીર મળે અને સ્વામીના પ્રાણ ટકી રહે.’ તે સાંભળીને શંકુકર્ણે કહ્યું, ‘ભદ્ર! જો એ પ્રમાણે હોય તો, એ માટે મારું પ્રયોજન છે એમ કહે. સ્વામીની આવશ્યકતા પૂરી કર. વળી આ બાબતમાં ધર્મ સાક્ષી છે.’ એ પ્રમાણે વિચાર કરી તેઓ સર્વે સિંહની પાસે ગયા. પછી ચતુરક બોલ્યો, ‘દેવ! કોઈ પ્રાણી મળ્યું નથી, ભગવાન સૂર્ય પણ અસ્ત પામ્યા છે. માટે આપ જો બમણું શરીર આપો તો આ શંકુકર્ણ એ બમણી શરીરવૃદ્ધિના બદલામાં ધર્મંની સાક્ષીએ પોતાનું શરીર આપે છે.’ સિંહ બોલ્યો, ‘અરે! જો એમ હોય તો ઘણું સારું. આ વ્યવહારમાં ધર્મને સાક્ષી કરો.’ પછી સિંહ આ વચન બોલ્યો કે તરત જ વરુ અને શિયાળે જેની બન્ને કૂખ ચીરી નાખી છે એવો શંકુકર્ણ મરણ પામ્યો.
| |
| પછી વજ્રદંષ્ટ્રે ચતુરકને કહ્યું, ‘હે ચતુરક! હું નદી ઉપર સ્નાન અને દેવપૂજા કરી આવું ત્યાં સુધી તું અહીં સાવધાનીપૂર્વક રહેજે.’ એમ કહીને તે નદીએ ગયો. તે ગયો એટલે ચતુરક વિચાર કરવા લાગ્યો, ‘આ ઊંટ મારા એકલાનું ભક્ષણ કેવી રીતે બને?’ એમ વિચારીને તેણે ક્રવ્યમુખને કહ્યું, ‘હે ક્રવ્યમુખ! તું ભૂખાળવો છે. માટે આપણા સ્વામી આવે નહિ ત્યાં સુધી તું આ ઊંટના માંસનું ભક્ષણ કર. હું સ્વામી સમક્ષ તારી નિર્દોષતા પ્રતિપાદન કરીશ.’ આ સાંભળીને ક્રવ્યમુખે થોડુંક માંસ ચાખ્યું ત્યાં તો ચતુરકે કહ્યું, ‘હે ક્રવ્યમુખ! સ્વામી આવે છે, માટે આ ઊંટનો ત્યાગ કરી દૂર જા, જેથી તેનું ભક્ષણ કરવું કે ન કરવું એવો વિકલ્પ તેઓ ન કરે.’ તેણે એમ કર્યા પછી સિંહ આવ્યો તો તેણે ખાલી હૃદયવાળો ઊંટ જોયો. એટલે ભૃકુટિ ચડાવીને તે કઠોરતાપૂર્વક બોલ્યો, ‘અહો! આ ઊંટને કોણે ઉચ્છિષ્ટ કર્યો છે તે મને કહે, જેથી તેનો પણ હું નાશ કરું.’ તેણે એમ કહ્યું, એટલે ક્રવ્યમુખે ચતુરકના મુખ સામે જોયું (અને તે બોલ્યો), ‘તું કંઈક કહે, જેથી મને શાન્તિ થાય.’ આથી ચતુરક હસીને કહેવા લાગ્યો, ‘અરે! મારો અનાદર કરીને માંસનું ભક્ષણ કર્યા પછી હવે તું મારું મુખ જુએ છે! તો તારા એ અવિનયરૂપી વૃક્ષનું ફળ ચાખ.’ એ સાંભળીને પોતાના જીવનનો નાશ થવાના ભયથી ક્રવ્યમુખ દૂરના પ્રદેશમાં નાસી ગયો.
| |
| એ સમયે તે માર્ગે થઈને ભારથી થાકેલો ઊંટનો એક સાર્થકાફલો આવ્યો. તેમાં સૌથી આગળ ચાલતા ઊંટના ગળે મોટો ઘંટ બાંધેલો હતો. દૂરથી એ ઘંટનો શબ્દ સાંભળીને સિંહ શિયાળને કહેવા લાગ્યો, ‘ભદ્ર! તપાસ કર, પહેલાં નહિ સાંભળવામાં આવેલો એવો આ ભયંકર શબ્દ શેનો સંભળાય છે?’ તે સાંભળીને ચતુરક વનપ્રદેશમાં થોડેક દૂર જઈને, સત્વર પાછો આવીને કહેવા લાગ્યો, ‘સ્વામી! આપ નાસી શકો તેમ હો તો નાસી જાઓ, નાસી જાઓ!’ સિંહ બોલ્યો, ‘ભદ્ર! આટલો બધો વ્યાકુળ કેમ દેખાય છે? એ શું છે તે કહે.’ ચતુરકે કહ્યું, ‘સ્વામી! ધર્મરાજ આપના ઉપર કોપાયમાન થયા છે, અને આ સિંહે મારા એક ઊંટને અકાળે મારી નાખ્યો છે; માટે તેની પાસેથી હું સહગણાં ઊંટ લઈશ.’ એ પ્રમાણે નિશ્ચય કરીને, ઊંટોનુંએક મોટું યૂથ સાથે લઈને, સૌથી આગળ ચાલતા ઊંટના ગળામાં ઘંટ બાંધીને, તથા મરણ પામેલા ઊંટના સંબંધી એવા તેના પિતા, પિતામહોને સાથે રાખીને તેઓ વેર વાળવા માટે આવ્યા છે.’ સિંહ પણ તે સાંભળીને ચારે તરફ દૂરથી જ નજર કરીને તથા મરણ પામેલા ઊંટનો ત્યાગ કરીને પ્રાણ જવાના ભયથી નાસી ગયો. ચતુરકે પણ ધીરે ધીરે ઊંટનું માંસ ભક્ષણ કર્યું.
| |
| === સુઘરી અને વાંદરો ===
| |
| કોઈ એક વનમાં શમીવૃક્ષની શાખ ઉપર માળો કરી વગડાઉ ચકલીનું (સુઘરીનું) એક જોડું રહેતું હતું. એક વાર તે સુખપૂર્વક બેઠું હતું ત્યારે હેમંત ઋતુનો મેઘ મંદ મંદ વરસવા લાગ્યો. એ સમયે પવન અને વરસાદના ઝપાટાથી પીડા પામવાથી હડબડતા શરીરવાળો, દાંતની વીણા વગાડતો (ઠંડીથી જેનાં દાંત કડકડતા હતા એવો), તથા કંપતો એવો કોઈ એક વાંદરો શમીવૃક્ષની નીચે આવીને બેઠો, એટલે તેને એ પ્રકારે જોઈને ચકલી બોલી, ‘હે ભદ્ર! હાથપગવાળો હોઈને પુરુષ જેવી આકૃતિવાળો દેખાતો હોવા છતાં તું ટાઢથી હેરાન થાય છે. હે મૂઢ! તું ઘર શા માટે બાંધતો નથી?’
| |
| એ સાંભળીને વાંદરો કોપથી બોલ્યો, ‘તું મૌન શા માટે રહેતી નથી? અહો! આ ચકલીની ધૃષ્ટતા તો જુઓ! અત્યારે તે મારો ઉપહાસ કરે છે!
| |
| હે દુરાચારિણી અને પંડિતની જેમ વાતો કરનારી સુઘરી! આ પ્રમાણે બકવાદ કરતાં તું વિચાર કરતી નથી. માટે એને હું કેમ ન મારું?’
| |
| એ પ્રમાણે બબડાટ કરીને વાંદરાએ તેને કહ્યું, ‘હે મૂર્ખી! તારે મારી ચિન્તા કરીને શું કામ છે? કહ્યું છે કે
| |
| જે શ્રદ્ધાવાળો હોય અને વિશેષ કરીને પૂછતો હોય તેને કહેવું; શ્રદ્ધા વગરનાને કહેવું એ અરણ્યરુદન સમાન છે.
| |
| માટે ઘણું કહેવાથી શું?’ તો પણ માળામાં રહેતી ચકલીએ ઉપદેશ આપવા માંડ્યો, એટલે વાંદરાએ તે શમીવૃક્ષ ઉપર ચડીને એ માળાના સો ટુકડા કરી નાખ્યા.
| |
| === ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ ===
| |
| કોઈ એક દેશમાં ધર્મબુદ્ધિ એ પાપબુદ્ધિ એ બે મિત્રો રહેતા હતા. હવે એક વાર પાપબુદ્ધિએ વિચાર્યું કે ‘હું મૂર્ખ અને દરિદ્ર છું, માટે આ ધર્મબુદ્ધિને સાથે લઈ દેશાન્તરમાં જઈ તેના આશ્રયથી ધન પેદા કર્યા પછી એને છેતરીને હું સુખી થાઉં.’ પછી એક દિવસ પાપબુદ્ધિએ ધર્મબુદ્ધિને કહ્યું, ‘હે મિત્ર! વૃદ્ધાવસ્થામાં તું તારાં ક્યાં ચરિત્રને સંભારીશ? દેશાન્તર જોયા સિવાય શિષ્ટજનોને લગતી શી વાતો તું કહીશ?
| |
| કહ્યું છે કે ધરતીના પટ ઉપર દેશાન્તરોમાં ભ્રમણ કરીને જેણે અનેક પ્રકારની ભાષાઓ અને પહેરવેશો વિશે જાણ્યું નથી તેના જન્મનું ફળ વ્યર્થ છે.
| |
| તેમ જ
| |
| જ્યાં સુધી માણસ આ પૃથ્વી ઉપર હર્ષપૂર્વક એક દેશમાંથી બીજા દેશમાં પર્યટન કરતો નથી ત્યાં સુધી તે વિદ્યા, ધન કે કળાને સારી રીતે પ્રાપ્ત કરી શકતો નથી.’
| |
| એટલે તેનું વચન સાંભળીને હર્ષિત મનવાળો ધર્મબુદ્ધિ વડીલોની આજ્ઞા લઈને એની સાથે શુભ દિવસે દેશાન્તરમાં જવા નીકળ્યો. ત્યાં ભ્રમણ કરતાં પાપબુદ્ધિએ ધર્મબુદ્ધિના પ્રભાવથી ઘણું ધન ઉપાર્જન કર્યું. પછી જેમણે ઘણું ધન મેળવ્યું છે એવા તથા હર્ષ પામેલા તે બન્ને જણા ઉત્સુકતાપૂર્વક પોતાને ઘેર આવવા નીકળ્યા. કહ્યું છે કે
| |
| દેશાન્તરમાં નિવાસ કરનારાઓેને માટે વિદ્યા, ધન અને કળા સંપાદન કર્યા પછી એક કોસ જેટલો ભૂમિભાગ પણ સો યોજન જેટલો થઈ પડે છે.
| |
| પછી તેઓ પોતાના સ્થાનની નજીક આવી પહોંચ્યા, એટલે પાપબુદ્ધિએ ધર્મબુદ્ધિને કહ્યું, ‘ભદ્ર! આ બધું ધન ઘેર લઈ જવું યોગ્ય નથી, કારણ કે કુટુંબીઓ અને બંધુજનો તેની માગણી કરશે. માટે અહીં જ, આ ગાઢ વનમાં કોઈક સ્થળે તે દાટીને, થોડુંક ધન સાથે લઈને આપણે ઘેર જઈએ. ફરી વાર જરૂર પડતાં આ સ્થાનેથી ધન લઈ જઈશું. કહ્યું છે કે
| |
| બુદ્ધિશાળી મનુષ્યે થોડુંક પણ ધન કોઈને દેખાડવું નહિ, કારણ કે ધનના દર્શનથી મુનિનું મન પણ ચલિત થાય છે.
| |
| તેમ જ
| |
| જેવી રીતે પાણીમાં માંસનુંમાછલાંઓ દ્વારા ભક્ષણ થાય છે, પૃથ્વી ઉપર હિંસક પશુઓ દ્વારા ભક્ષણ થાય છે, અને આકાશમાં પક્ષીઓ દ્વારા ભક્ષણ થાય છે તેમ ધનવાનનું સર્વત્ર ભક્ષણ થાય છે.’
| |
| તે સાંભળીને ધર્મબુદ્ધિ બોલ્યો, ‘ભદ્ર! એમ કરો.’ એ પ્રમાણે વ્યવસ્થા કર્યા પછી તે બન્ને જણ પોતાને ઘેર જઈને સુખપૂર્વક રહ્યા. એક વાર પાપબુદ્ધિ મધ્યરાત્રિએ ત્યાં આવીને તે સર્વ ધન લઈને તથા ખાડો પાછો પૂરીને પોતાને ઘેર ગયો. પછી એક દિવસે તે ધર્મબુદ્ધિને આવી કહેવા લાગ્યો. ‘હે મિત્ર! મોટા કુટુંબવાળા આપણે ધનના અભાવે દુઃખી થઈએ છીએ. માટે જઈને તે સ્થાનેથી કેટલુંક ધન લાવીએ.’ ધર્મબુદ્ધિ બોલ્યો, ‘ભદ્ર! ભલે, એમ કરો.’ પછી બન્ને જણાએ જઈને તે સ્થાન ખોદ્યું ત્યારે ખાલી વાસણ જોયું, તે સમયે પાપબુદ્ધિ પોતાનું માથું કૂટીને બોલ્યો, ‘હે ધર્મબુદ્ધિ! બીજા કોઈએ નહિ પણ તેં જ આ ધન હરી લીધું છે, કારણ કે ખાડો પણ ફરી વાર પૂરી નાખેલો છે. માટે એ ધનનો અર્ધ ભાગ મને આપ; નહિ તો આ વસ્તુ હું રાજદરબારમાં નિવેદન કરું છું.’ ધર્મબુદ્ધિએ કહ્યું, ‘હે દુરાત્મા! એમ ન બોલ. હું ધર્મબુદ્ધિ છું; આવું ચોરકર્મ હું ન કરું.
| |
| કહ્યું છે કે જે પરસ્ત્રીઓને માતા સમાન અને પરદ્રવ્યને માટીના ઢેફા સમાન દેખે છે તેને જ ખરેખર દેખતો જાણવો.’
| |
| એ પ્રમાણે વિવાદ કરતા તથા પરસ્પરને દોષ દેતા તે બન્ને જણે ધર્માધિકારી — ન્યાયાધીશ પાસે જઈને આ બાબતમાં ફરિયાદ કરી. પછી ન્યાયાસનના અધિકારી પુરુષોએ તેમને દિવ્ય દેવા માટે યોજના કરી ત્યારે પાપબુદ્ધિ બોલ્યો, ‘અહીં તમે યથાર્થ ન્યાય કર્યો નહિ. કહ્યું છે કે
| |
| વિવાદમાં વાદી અને પ્રતિવાદી વચ્ચે તકરાર ચાલે ત્યારે લેખપત્ર શોધવામાં આવે છે, લેખપત્ર ન હોય તો સાક્ષીને પૂછવામાં આવે છે, અને સાક્ષી પણ ન હોય ત્યારે દિવ્ય દેવામાં આવે છે, એમ વિદ્વાનો કહે છે.
| |
| આ વિષયમાં વૃક્ષદેવતાઓ મારા સાક્ષી તરીકે છે. માટે તેઓ જ અમો બે પૈકી એકને ચોર અથવા શાહુકાર ઠરાવશે.’ એટલે તેઓ સર્વે બોલ્યા,‘અરે! તેં યોગ્ય કહ્યું.
| |
| કહ્યું છે કે જે વિવાદમાં અંત્યજ સાક્ષી હોય તેમાં પણ દિવ્યની જરૂર નથી, તો પછી જેમાં દેવતાઓ સાક્ષી હોય તેમાં તો દિવ્યની જરૂર જ ક્યાં રહી?
| |
| વળી આ વિષયમાં અમને પણ મોટું કુતૂહલ છે. માટે પ્રભાતે તમારે બન્નેએ અમારી સાથે તે વનપ્રદેશમાં આવવું.’
| |
| પછી પાપબુદ્ધિએ પોતાને ઘેર જઈને પોતાના પિતાને કહ્યું, ‘હે તાત! મેં ધર્મબુદ્ધિનું ઘણું ધન ચોરેલું છે. તે તમારા વચનથી મને પચી જશે, અથવા તે મારા પ્રાણોની સાથે મારી પાસેથી ચાલ્યું જશે.’ એટલે તે બોલ્યો, ‘વત્સ! જલદી બોલ, જેથી તે પ્રમાણે કરીને એ ધન તારી પાસે સ્થિર કરું.’ પાપબુદ્ધિ બોલ્યો, ‘તાત! તે પ્રદેશમાં એક મોટું શમીવૃક્ષ છે, એમાં એક મોટું કોટર છે, એમાં તમે અત્યારે જ પ્રવેશ કરો. પછી પ્રભાતે જ્યારે હું સત્ય જાહેર કરું તે સમયે તમારે કહેવું કે ધર્મબુદ્ધિ ચોર છે.’ એ પ્રમાણે વ્યવસ્થા થઈ ગયા પછી પ્રભાતમાં સ્નાન કરીને તથા ધર્મબુદ્ધિને આગળ કરીને પાપબુદ્ધિ રાજપુરુષોની સાથે તે શમીવૃક્ષ પાસે જઈને ઊંચે સ્વરે બોલ્યો,
| |
| ‘સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી, જળ, હૃદય, યમ, દિવસ અને રાત્રિ, બન્ને સંધ્યાઓ તથા ધર્મ — આટલાં તત્ત્વો મનુષ્યનું આચરણ જાણે છે.
| |
| માટે હે વનદેવતાઓ! અમો બે પૈકી કોણ ચોર છે તે કહો.’ એટલે શમીવૃક્ષના કોટરમાં રહેલો પાપબુદ્ધિનો પિતા બોલ્યો, ‘અરે! ધર્મબુદ્ધિએ આ ધન હરી લીધેલું છે.’ એ સાંભળીને વિસ્મયથી વિકસિત થયેલાં લોચનવાળા રાજપુરુષો ધર્મબુદ્ધિને ધનની ચોરી માટે યોગ્ય શિક્ષા કરવા માટે શાસ્ત્રદૃષ્ટિએ વિચાર કરતા હતા ત્યાં તો ધર્મબુદ્ધિએ સળગી ઊઠે તેવાં (લાકડાં વગેરે) દ્રવ્યો તે શમીવૃક્ષના કોટરની આસપાસ મૂકીને અગ્નિ સળગાવ્યો. પછી શમીનું એ કોટર બળવા લાગ્યું, એટલે અર્ધદગ્ધ શરીરવાળો તથા જેની આંખો ફૂટી ગઈ હતી એવો પાપબુદ્ધિનો પિતા કરુણ વિલાપ કરતો બહાર નીકળ્યો. પછી તે સર્વેએ પૂછ્યું, એટલે પાપબુદ્ધિનું બધું ચરિત્ર તેણે નિવેદન કર્યું. પછી તે રાજપુરુષો પાપબુદ્ધિને શમીવૃક્ષની શાખા ઉપર લટકાવીને તથા ધર્મબુદ્ધિની પ્રશંસા કરીને આ પ્રમાણે બોલ્યા, ‘અહો! આ ખરું કહ્યું છે.
| |
| બુદ્ધિશાળી મનુષ્યે ઉપાયનો તેમ જ અપાય(વિઘ્ન)નો વિચાર કરવો જોઈએ; મૂર્ખ બગલો જોતો રહ્યો અને નોળિયાએ બગલાને મારી નાખ્યાં.’
| |
| ધર્મબુદ્ધિ બોલ્યો, ‘એ કેવી રીતે?’ તેઓ કહેવા લાગ્યા —
| |
| === બગલો, સાપ અને નોળિયો ===
| |
| ‘કોઈ એક વનપ્રદેશમાં જેના ઉપર ઘણા બગલા રહેતા હતા એવું વડનું ઝાડ હતું. તેના કોટરમાં એક કાળો સાપ રહેતો હતો. જેમને પાંખો આવી ન હોય તેવાં બગલાનાં નાનાં બચ્ચાંને ખાઈને તે હંમેશા કાળ નિર્ગમન કરતો હતો. હવે પોતાનાં બચ્ચાંનું ભક્ષણ થવાથી જેને શોક થયો હતો એવો એક બગલો સરોવરના કિનારા ઉપર આવીને આંખો આંસુથી ભરાઈ ગયેલી હતી એવી દશામાં નીચું મુખ કરીને ઊભો રહ્યો હતો. તેની આ પ્રકારની ચેષ્ટા જોઈને એક કરચલો બોલ્યો, ‘મામા, શા માટે તમે આ પ્રમાણે રડો છો?’ તે બોલ્યો, ‘ભદ્ર! શું કરું? વૃક્ષના કોટરમાં વસતો સર્પ હું અભાગિયાનાં બાળકોે ખાઈ ગયો છે. તે દુઃખથી હું દુઃખી થયેલો છું. તો એ સાપના નાશનો કોઈ ઉપાય હોય તો મને કહે.’ તે સાંભળીને કરચલો વિચાર કરવા લાગ્યો, ‘આ બગલો તો અમારો સહજ શત્રુ છે. માટે તેને એવો સત્યામૃત — સાચોજૂઠો (ઉપરથી સાચો લાગે, પણ અંદર વિનાશકતાથી ભરેલો) ઉપદેશ આપું, જેથી બીજા સર્વે બગલાઓ પણ નાશ પામે. કહ્યું છે કે
| |
| માખણ જેવી વાણી કરીને અને હૃદયને નિર્દય બનાવીને શત્રુને એવો ઉપદેશ કરવો કે જેથી તે વંશ સહિત નાશ પામે.’
| |
| અને પછી તે બોલ્યો, ‘મામા! જો એમ છે તો નોળિયાના દરથી માંડીને સર્પની બખોલ સુધી માછલાંના માંસના ટુકડાઓ નાખો, જેથી નોળિયો તે માર્ગે જઈને એ દુષ્ટ સર્પનો નાશ કરી નાખશે.’ પછી એ પ્રમાણે કરવામાં આવ્યું, એટલે માછલાનું માંસ વેર્યું હતું તે માર્ગે જઈને નોળિયાએ તે કાળા સાપને મારી નાખ્યા પછી તે વૃક્ષ ઉપર રહેનારા સર્વે બગલાનુંપણ ધીરે ધીરે ભક્ષણ કર્યુંં.
| |
| તેથી અમે કહીએ છીએ કે બુદ્ધિશાળી મનુષ્યે ઉપાયનો તેમ જ અપાય(વિઘ્નો)નો વિચાર કરવો જોઈએ. મૂર્ખ બગલો જોતો રહ્યો અને નોળિયાએ બગલાઓને મારી નાખ્યાં.’
| |
| === રાજા અને વાંદરો; બ્રાહ્મણો અને ચોર ===
| |
| એક વાંદરો કોઈ એક રાજાની સેવામાં સદા પરાયણ બની તેનો અંગસેવક થયો હતો, અને અંત:પુરમાં પણ કોઈ પ્રકારના અટકાવ વિના ફરતો એવો તે રાજાનો અત્યંત વિશ્વાસપાત્ર થયો હતો. એક વાર રાજા નિદ્રાધીન થયો હતો અને વાંદરો પંખો લઈને વાયુ ઢોળતો હતો ત્યારે રાજાના વક્ષ:સ્થળ ઉપર માખી બેઠી, પંખા વડે વારંવાર ઉરાડવા છતાં તે ફરી ફરીને ત્યાં જ બેસવા લાગી. આથી સ્વભાવચપલ એવા તે મૂર્ખ વાંદરાએ કોપાયમાન થઈ, તીવ્ર ખડ્ગ લઈને તે માખી ઉપર પ્રહાર કર્યો. આથી માખી તો ઊડી ચાલી ગઈ પરન્તુ તે તીક્ષ્ણ ધારવાળી તરવારથી રાજાના વક્ષ:સ્થળના બે ટુકડા થઈ ગયા અને એ મરણ પામ્યો. માટે લાંબું આયુષ્ય ઇચ્છતા રાજાએ મૂર્ખ અનુચર રાખવો નહિ.
| |
| વળી એક નગરમાં કોઈ એક મહાવિદ્વાન બ્રાહ્મણ હતો, પૂર્વ જન્મના યોગથી તે ચોર તરીકે રહેતો હતો. એ નગરમાં અન્ય દેશથી આવેલા ચાર બ્રાહ્મણોને ઘણી વસ્તુઓ વેચતા જોઈને તે વિચાર કરવા લાગ્યો, ‘અહો! ક્યા ઉપાયથી એમનું ધન હું પ્રાપ્ત કરું?’ આ પ્રમાણે વિચાર કરીને તેમની સમક્ષ અનેક શાસ્ત્રોક્ત સુભાષિતો તથા અતિપ્રિય મધુર વચનો બોલીને એમના મનમાં વિશ્વાસ ઉત્પન્ન કરીને તે એમની સેવા કરવા લાગ્યો. અથવા ખરું કહ્યું છે કે
| |
| વ્યભિચારિણી સ્ત્રી (બનાવટી) લજ્જાવાળી હોય છે, ખારું પાણી શીતળ હોય છે, દંભી મનુષ્ય વિવેકી હોય છે અને ધૂર્ત જન મીઠું બોલનારો હોય છે.
| |
| હવે, તે સેવા કરતો હતો એ સમયમાં જ પેલા બ્રાહ્મણોએ સર્વ વસ્તુઓ વેચીને બહુમૂલ્ય રત્નો ખરીદ્યાં. પછી તેની સમક્ષ તે રત્નો જાંઘની અંદર મૂકીને તેઓએ સ્વદેશમાં જવાની તૈયારી કરી. એટલે પેલો ધૂર્ત બ્રાહ્મણ એ બ્રાહ્મણોને સ્વદેશ જવાને તૈયાર થતા જોઈને વ્યાકુળ ચિત્તવાળો થયો કે ‘અહો! આ ધનમાંથી તો મને કંઈ મળ્યું નહિ. માટે એમની સાથે જ જાઉં, માર્ગમાં ક્યાંક તેઓેને ઝેર આપીને મારી નાખીને સર્વ રત્નો ગ્રહણ કરીશ.’ આ પ્રમાણે વિચાર કરી, તેમની સમક્ષ કરુણ વિલાપ કરીને તે આમ કહેવા લાગ્યો, ‘હે મિત્રો! તમે મને એકલાને છોડીને જવા માટે તૈયાર થયા છો. મારું મન તો તમારી સાથે સ્નેહપાશથી બંધાયેલું છે, અને તમારા વિરહના નામમાત્રથી જ એટલું વ્યાકુળ થયું છે કે ક્યાંય શાન્તિ પામતું નથી, માટે તમે કૃપા કરીને તમારા સહાયક તરીકે મને સાથે લઈ જાઓ.’ તેનાં વચન સાંભળીને કરુણાર્દ્ર ચિત્તવાળા તે બ્રાહ્મણો તેને સાથે લઈને સ્વદેશમાં જવા માટે નીકળ્યા.
| |
| માર્ગમાં તેઓ પાંચે જણા પલ્લી (ભીલોના ગામ) વચ્ચે થઈને નીકળ્યા, એટલે કાગડાઓ કહેવા લાગ્યા, ‘હે કિરાતો! દોડો! દોડો! સવા લાખ ધનના અધિપતિઓ જાય છે, તેમને મારીને ધન લઈ લો.’ એટલે કિરાતોએ કાગડાનું વચન સાંભળીને સત્વર જઈને, તે બ્રાહ્મણોને દંડના પ્રહારથી જર્જરિત કરી વસ્ત્રો ઉતરાવીને તપાસ કરી, પણ કંઈ ધન મળ્યું નહિ. એટલે તે કિરાતો બોલ્યા, ‘હે પથિકો! કાગડાઓનું વચન અગાઉ કદી જૂઠું પડ્યું નથી, માટે તમારી પાસે ક્યાંક ધન છે, માટે તે આપી દો. નહિ તો સર્વેનો વધ કરીને, ચામડી ચીરીને, પ્રત્યેક અંગ જોઈને ધન લઈશું.’ પછી તેમનું આ પ્રકારનું વચન સાંભળીને પેલા ચોરબ્રાહ્મણે મનમાં વિચાર્યું, ‘જો તેઓ આ બ્રાહ્મણોનો વધ કરીને, અંગો તપાસીને રત્નો લઈ લેશે તો પણ મારો તો વધ કરશે, માટે હું પહેલાં જ રત્ન વગરની એવી મારી જાત સમર્પીને આ સર્વને છોડાવું. કહ્યું છે કે
| |
| હે મૂર્ખ! મૃત્યુથી શું કામ ડરે છે? ડરેલાને કંઈ મૃત્યુ છોડતું નથી. આજે અથવા સો વર્ષને અંતે પણ પ્રાણીઓનું મૃત્યુ નક્કી છે.
| |
| તેમ જ
| |
| ગાયને માટે તથા બ્રાહ્મણને માટે જે મનુષ્ય પ્રાણત્યાગ કરે છે તે સૂર્યનું મંડળ ભેદીને પરમ ગતિને પામે છે.’
| |
| આ પ્રમાણે નિશ્ચય કરીને તેણે કહ્કહ્યું, ‘હે કિરાતો! જો એમ છે તો પહેલાં મારો વધ કરીને તપાસ કરો.’ પછી તેઓએ એ પ્રમાણે કર્યું, અને તેને ધન વગરનો જોઈને બીજા ચારેને છોડી દીધા.
| |
| === કાગડો, ઉંદર, મૃગ અને કાચબો ===
| |
| દક્ષિણ જનપદમાં મહિલારોપ્ય નામે નગર છે. તેનાથી થોડેક દૂર અનેક પ્રકારનાં પક્ષીઓ જેનાં ફળોનો ઉપભોગ કરતાં હતાં એવું, કીડાઓ વડે જેનાં કોટર છવાયેલાં હતાં એવું તથા જેની છાયામાં વટેમાર્ગુઓ વિશ્રાંતિ લેતા હતા એવું મોટી છાયાવાળું વડનું ઝાડ હતું. અથવા એ યોગ્ય છે કે
| |
| જેની છાયામાં પશુઓ નિદ્રા કરે છે, જેનાં પાંદડાં પર ચોપાસ પક્ષીઓનાં ટોળાં બેસે છે, જેનાં કોટરો કીડાઓથી છવાયેલાં છે, જેની ડાળીઓ ઉપર વાંદરા આશ્રય લે છે, તથા જેનાં પુષ્પોનો રસ ભમરાઓ વિશ્વાસથી પીએ છે એવું, પોતાનાં સર્વ અંગો વડે ઘણા જીવોના સમૂહને સુખ આપનારું ઉત્તમ વૃક્ષ સત્પુરુષો વડે પ્રશંસા કરવા યોગ્ય છે; બીજું (નિરુપયોગી) ઝાડ તો પૃથ્વી ઉપર ભારરૂપ છે.
| |
| ત્યાં લઘુપતનક નામે કાગડો રહેતો હતો. તે એક વાર ચારો ચરવા માટે નગર તરફ જતો હતો ત્યાં જુુએ છે તો જેણે હાથમાં જાળ લીધેલી છે એવો, કાળા શરીરવાળો, ફાટેલા ચરણવાળો, ઊભા વાળવાળો અને યમદૂત જેવી આકૃતિવાળો એક પુરુષ સામેથી આવતો હતો. હવે, તેને જોઈને તે વિચાર કરવા લાગ્યો કે ‘આ દુરાત્મા અત્યારે મારા આશ્રયસ્થાન એવા વડના ઝાડ તરફ આવે છે, માટે આજે એ વડ ઉપર રહેનારાં પક્ષીઓનો વિનાશ થશે કે શું એ હું જાણતો નથી.’ એ પ્રમાણે અનેક પ્રકારે વિચાર કરીને, તે જ ક્ષણે પાછો વળીને એ વટવૃક્ષ ઉપર જઈને તે સર્વ પક્ષીઓને તેણે કહ્યું, ‘અરે! પેલો દુરાત્મા પારધી હાથમાં જાળ અને ચોખા લઈને આવે છે. માટે તમારે તેનો કોઈ રીતે વિશ્વાસ કરવો નહિ. એ જાળ પાથરીને ચોખા વેરશે. તે ચોખાને તમારે સર્વેએ હળાહળ વિષ જેવા ગણવા.’ તે આ પ્રમાણે કહેતો હતો ત્યાં તો એ પારધી વટવૃક્ષની નીચે આવીને જાળ પાથરીને સિન્દુવારનાં પુષ્પ જેવા સફેદ ચોખા વેરીને થોડેક દૂર જઈને છાનોમાનો ઊભો રહ્યો. હવે, ત્યાં જે પક્ષીઓ રહેતાં હતાં તે પણ લઘુપતનકના વાક્યરૂપી આગળાથી અટકીને તે ચોખાને હળાહળના અંકુર સમાન ગણીને છાનાંમાનાં બેસી રહ્યાં.
| |
| એ સમયે ચિત્રગ્રીવ નામે કપોતનો રાજા એ હજાર પરિવારની સાથે ચારો ચરવા માટે પરિભ્રમણ કરતો હતો, તેણે એ ચોખાના દાણા દૂરથી જોયા ત્યાં લઘુપતનકે તેને અટકાવ્યો, છતાં જીભની લોલુપતાથી તે ખાવા માટે એ જાળ ઉપર આવ્યો, એટલે પરિવાર સહિત બંધાઈ ગયો, અથવા ખરું કહ્યું છે કે
| |
| પાણીમાં રહેતાં અજ્ઞાની માછલાંની જેમ જિહ્વારસમાં આસક્ત થયેલાં અજ્ઞાનીઓનો અણધાર્યો નાશ થાય છે. અથવા તો એમાં એનો દોષ નથી કારણ કે
| |
| પરસ્ત્રીનું હરણ કરવામાં રહેલો દોષ રાવણે કેમ જાણ્યો નહિ? સુવર્ણના મૃગની અસંભવિતતા રામના પણ જાણવામાં કેમ આવી નહિ? યુધિષ્ઠિરે પાસાની રમત વડે એકાએક અનર્થ કેમ વહોરી લીધો? નજદીકમાં આવેલી વિપત્તિ વડે જેમનાં મન મૂઢ થયેલાં હોય છે તેમની બુદ્ધિ ઘણું કરીને ક્ષીણ થાય છે.
| |
| તેમ જ
| |
| યમના પાશમાં બંધાયેલા અને દૈવે જેમનું મન રૂંધી લીધું હોય છે એવા મહાપુરુષોની બુદ્ધિઓ પણ આડે માર્ગે ચાલનારી બને છે.
| |
| એ સમયે પારધી તે કપોતોને બંધાયેલાં જાણીને હર્ષિત મનવાળો થઈ લાકડી ઊંચી કરીને તેમનો વધ કરવા માટે દોડ્યો. ચિત્રગ્રીવ પણ પરિવાર સહિત પોતાને બંધાયેલો જાણીને તથા પારધીને આવતો જોઈને તે કપોતોને કહેવા લાગ્યો, ‘અહો! તમારે ડરવું નહિ. કહ્કહ્યું છે કે
| |
| સર્વ દુઃખોમાં પણ જેની બુદ્ધિ ક્ષીણ થતી નથી તે મનુષ્ય એ બુદ્ધિના પ્રભાવથી નિ:સંશય એ દુઃખોનો પાર પામે છે.
| |
| માટે આપણે સર્વે પાશ અને જાળ સહિત રમતમાત્રમાં ઊડીને તેની નજર બહાર જઈ મુક્તિ મેળવીએ; એમ નહિ કરતાં ભયથી વ્યાકુળ ચિત્તવાળા બની ઉતાવળે ઊડી નહિ જાઓ તો મૃત્યુ પામશો.
| |
| કહ્યું છે કે
| |
| તંતુઓ બારીક હોય તો પણ સદા લાંબા, વિપુલ અને સરખા હોય તો પોતાના બહુત્વને કારણે ઘણા બળને સદા સહન કરી શકે છે; એ ઉપમા સત્પુરુષોને પણ લાગુ પડે છે.’
| |
| તેમણે આ પ્રમાણે કર્યું, એટલે જાળને લઈને આકાશમાં ઊડતાં એ કપોતોની પાછળ પારધી ભૂમિ ઉપર રહેલો હોવા છતાં દોડ્યો. પછી ઊંચું મુખ કરીને તે શ્લોક બોલ્યો,
| |
| ‘આ પક્ષીઓ એકસંપ થઈ જાળ લઈ જાય છે, પણ જ્યારે તેઓ પરસ્પર વિવાદ કરશે ત્યારે અવશ્ય નીચે પડશે એમાં સંશય નથી.’
| |
| લઘુપતનક પણ ચારો ચરવાની ક્રિયા છોડીને ‘હવે શું થશે?’ એ પ્રકારના કુતૂહલથી તેની પાછળ પાછળ જવા લાગ્યો. પછી એ કપોતોને દૃષ્ટિમર્યાદાની બહાર ગયેલાં જાણીને તે પારધી નિરાશ થઈને આ શ્લોક બોલતો પાછો વળ્યો.
| |
| ‘જે ન થવાનું હોય તે થતું નથી અને જે થવાનું હોય તે વિના યત્ને પણ થાય છે; જેની ભવિતવ્યતા ન હોય તે વસ્તુ હાથમાં આવેલી હોય તો પણ નાશ પામે છે.
| |
| તેમ જ
| |
| નસીબ જ્યારે અવળું હોય ત્યારે કોઈ રીતે ધનનો લાભ થાય તો તે શંખનિધિની જેમ બીજા ધનને પણ પોતાની સાથે લઈને ચાલ્યો જાય છે.
| |
| એટલે મારે માટે હવે પક્ષીઓનાં માંસનો લાભ તો એક બાજુ રહ્યો, પણ કુટુંબની આજીવિકાના સાધનરૂપ એવી મારી જાળ પણ ગઈ.’
| |
| ચિત્રગ્રીવ પણ પારધીને દૃષ્ટિમર્યાદાની બહાર ગયેલો જાણીને કપોતોને કહેવા લાગ્યો, ‘અરે! એ દુરાત્મા પારધી પાછો વળ્યો છે, માટે તમે સર્વે સ્વસ્થ થઈ ને મહિલારોપ્યના ઈશાન ખૂણામાં ચાલો. ત્યાં મારો મિત્ર હિરણ્યક નામે ઉંદર રહે છે, તે સર્વેના પાશ કાપી નાખશે. કહ્યું છે કે
| |
| સર્વે મર્ત્ય પ્રાણીઓ ઉપર જ્યારે સંકટ આવી પડે છે ત્યારે મિત્ર સિવાય બીજો કોઈ કેવળ વાણીથી પણ સહાય કરતો નથી.
| |
| એ પ્રમાણે ચિત્રગ્રીવે તે કપોતોને સૂચના કરી, એટલે તેઓ મહિલારોપ્ય નગરના ઇશાન ખૂણામાં આવેલા હિરણ્યકના બિલદુર્ગ (દરરૂપી દુર્ગ) પાસે આવી પહોંચ્યાં. હિરણ્યક પણ હજાર મુખવાળા એ બિલદુર્ગમાં નિર્ભયપણે સુખપૂર્વક રહેતો હતો, અથવા આ ખરું કહ્યું છે કે
| |
| દાઢ વિનાના સાપને, મદ વિનાના હાથીને તેમ જ દુર્ગ વિનાના રાજાને સર્વ વશ કરી શકે છે.
| |
| તેમ જ
| |
| યુદ્ધમાં રાજાઓનું જે કાર્ય હજાર હાથીથી અથવા લાખ ઘોડાથી સિદ્ધ થતું નથી તે એક દુર્ગથી સિદ્ધ થાય છે. કિલ્લામાં રહેલો એક ધનુર્ધારી (બહાર રહેલા) સો સામે ટક્કર ઝીલી શકે છે; આથી નીતિશાસ્ત્રવિદ્ મનુષ્યો દુર્ગની પ્રશંસા કરે છે.
| |
| પછી બિલ પાસે આવીને ચિત્રગ્રીવ બોલ્યો, ‘હે મિત્ર હિરણ્યક! સત્વર આવ. હું મોટા દુઃખમાં છું.’ તે સાંભળીને હિરણ્યક પણ બિલદુર્ગની અંદર જ રહીને બોલ્યો, ‘અરે! તું કોણ છે? અને કેમ આવ્યો છે? તારે શું કામ છે? તારી દુઃખી અવસ્થા કેવી છે તે કહે.’ એ સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો,
| |
| ‘અરે! હું ચિત્રગ્રીવ નામે કપોતરાજ તારો મિત્ર છું, માટે તું સત્વર આવ. તારું મોટું કામ છે.’ એ સાંભળીને રોમાંચિત શરીરવાળો, હર્ષિત આત્માવાળો તથા સ્થિર થયેલા મનવાળો તે હિરણ્યક ત્વરાપૂર્વક બહાર નીકળ્યો. અથવા આ ખરું કહ્યું છે કે
| |
| સ્નેહસંપન્ન અને લોચનને આનંદ આપનારા મિત્રો મહાત્મા મોટા મનવાળા ગૃહસ્થોને ઘેર નિત્ય આવે છે.
| |
| તેમ જ
| |
| જેને ઘેર નિત્ય અતિથિઓ આવે છે તેને ચિત્તમાં જે સુખ થાય છે તે સુખ સ્વર્ગમાં પણ મળતું નથી.
| |
| પછી પરિજન સહિત ચિત્રગ્રીવને બંધાયેલો જોઈને હિરણ્યકે વિવાદપૂર્વક આ પ્રમાણે કહ્કહ્યું, ‘અરે! આ શું?’
| |
| ચિત્રગ્રીવે કહ્યું, ‘અરે! તું જાણે છે છતાં શું પૂછે છે? કારણ, કહ્યું છે કે
| |
| જે કારણથી, જેને લીધે, જેવી રીતે, જ્યારે, જે, જેટલું અને જ્યાં જે મનુષ્યનું પોતાનું શુભાશુભ કર્મ હોય છે તે કારણથી, તેને લીધે, તેવી રીતે, ત્યારે, તે તેટલું, અને ત્યાં તે મનુષ્યને કાળે કરીને પ્રાપ્ત થાય છે.
| |
| તો મેં આ દુઃખ જીભની લોલુપતાથી પ્રાપ્ત કર્યું છે. માટે તું અમને પાશમાંથી મુક્ત કર; એમાં વિલંબ કરીશ નહિ.’ તે સાંભળીને હિરણ્યક બોલ્યો,
| |
| ‘જે પક્ષી દોઢસો યોજન દૂરથી માંસ જાુએ છે તે પણ પાસે જ રહેલું બંધન દૈવયોગે જોઈ શક્તું નથી.
| |
| તેમ જ
| |
| સૂર્ય અને ચંદ્રને ગ્રહથી થતી પીડા; હાથી, સર્પ અને પક્ષીઓનું બંધન તથા બુદ્ધિશાળી પુરુષોની દરિદ્રતા જોઈને મને વિચાર થાય છે કે ‘અહો! દૈવ જ બળવાન છે.’
| |
| તેમ જ
| |
| આકાશમાં એકાન્તે વિહાર કરનારાં પક્ષીઓ પણ આપત્તિ પ્રાપ્ત કરે છે, નિપુણ જનો અગાધ જળમાં રહેલાં મત્સ્યોને સમુદ્રમાંથી બાંધે છે; આ જગતમાં દુષ્કૃત્ય કયું છે અને સુકૃત્ય ક્યું છે? સારું સ્થાન મેળવવામાં પણ ક્યો ગુણ છે? કાળ પોતાનો હાથ પ્રસારી દૂરથી પણ સર્વેને પકડી લે છે.’
| |
| એ પ્રમાણે કહીને ચિત્રગ્રીવનો પાશ છેદવાને તૈયાર થયેલા હિરણ્યકને ચિત્રગ્રીવે કહ્કહ્યું, ‘ભદ્ર! એમ ન કરીશ. પહેલાં મારા સેવકોનો પાશ કાપ; પછી મારો પણ કાપજે.’ એ સાંભળીને કોપાયમાન થયેલો હિરણ્યક્ બોલ્યો, ‘અરે! તેં યોગ્ય ન કહ્યું, કારણ કે સેવકો સ્વામીની પછી જ હોય છે.’
| |
| ચિત્રગ્રીવે ક્હ્યું, ‘ભદ્ર! એમ ન બોલ. આ બિચારા મારા આશ્રયે રહેલા છે. વળી પોતાનું કુટુંબ છોડીને આવેલા છે. તો પછી તેમનું આટલું સન્માન પણ હું કેમ ન કરું? કહ્યું છે કે
| |
| જે રાજા સેવકોનું અધિક સન્માન કરે છે તેને દરિદ્રાવસ્થામાં જોઈને પણ સેવકો તેનો કદી ત્યાગ કરતા નથી.
| |
| તેમ જ
| |
| વિશ્વાસ એ સંપત્તિનું મૂળ છે કે જેથી કરીને હાથી યૂથનો અધિપતિ થાય છે; સિંહ પશુઓનો અધિપતિ હોવા છતાં પશુઓ તેની સેવા કરતાં નથી.
| |
| વળી મારો પાશ કાપતાં કદાચ તારા દાંત પડી જાય અથવા દુરાત્મા પારધી આવી પહોંચે તો (મારા સેવકો છૂટી શકે નહિ, અને) ખરેખર હું નરકમાં જ પડું. કહ્યું છે કે
| |
| સદાચારી સેવકો દુઃખ ભોગવતા હોય અને જે સ્વામી સુખ ભોગવે તે નરકમાં જાય છે તથા આ લોકમાં અને પરલોકમાં દુઃખ પામે છે.’
| |
| એ સાંભળીને હર્ષ પામેલો હિરણ્યક બોલ્યો, ‘અરે ભાઈ! હું રાજધર્મ જાણું છું. પણ મેં તારી પરીક્ષા કરી. માટે પહેલાં હું સર્વ પક્ષીઓના પાશ કાપી નાખીશ. તું પણ એ રીતે ઘણાં કપોતોના પરિવારવાળો થઈશ. કહ્યું છે કે
| |
| જે રાજા સેવકો ઉપર સદા દયાભાવ રાખે છે અને તેમને દ્રવ્યાદિની ભેટ આપે છે તે ત્રૈલોક્યનું પણ રક્ષણ કરવાને સમર્થ થાય છે.’
| |
| એમ કહીને સર્વના પાશ કાપી નાખીને હિરણ્યકે ચિત્રગ્રીવને કહ્યું, ‘મિત્ર! હવે તું તારા નિવાસસ્થાને જા. ફરી વાર આપત્તિ આવી પડતાં તારે અહીં આવવું.’ એ પ્રમાણે એ કપોતોને વિદાય આપીને પુન: તે પોતાના દુર્ગમાં પ્રવેશ્યો. પરિવાર સહિત ચિત્રગ્રીવ પણ પોતાના નિવાસસ્થાને ગયો.
| |
| === પરિવ્રાજક અને ઉંદર ===
| |
| ‘દક્ષિણ જનપદમાં મહિલારોપ્ય નામે નગરથી થોડેક દૂર ભગવાન શ્રીમહાદેવનું મઠાયતન આવેલું છે. ત્યાં તામ્રચૂડ નામે પરિવ્રાજક રહેતો હતો. નગરમાં ભિક્ષાટન કરીને તે પોતાનું ગુજરાન ચલાવતો હતો. ખાતાં વધેલી ભિક્ષા ભિક્ષાપાત્રમાં જ રાખીને, એ ભિક્ષાપાત્ર ખીંટી ઉપર લટકાવીને પછી તે રાત્રે સૂઈ જતો હતો. પ્રભાતમાં તે અન્ન કામ કરનારાઓને આપીને તેમને દેવતાનું મંદિર સારી રીતે સાફ કરવાની, લીંપવાની તથા સુશોભિત કરવાની આજ્ઞા કરતો હતો.
| |
| પછી એક દિવસે મારાં સગાંસબંધીઓએ મને નિવેદન કર્કહ્યું કે, ‘સ્વામી! મઠાયતનમાં રાંધેલું અન્ન ઉંદરોના ભયથી એ જ ભિક્ષાપાત્રમાં હમેશાં ખીંટી ઉપર લટકાવેલું રહે છે. આથી અમે તે ભક્ષણ કરી શકતા નથી. પરન્તુ આપ ક્યાંય ન જઈ શકો એવું નથી. તો બીજાં સ્થાનોએ વૃથા ભટકવાથી શું? આજે તમારી કૃપાથી ત્યાં જઈને અમે એ અન્ન યથેચ્છ ખાઈએ.’ આ સાંભળી મારા આખા યૂથ વડે વીંટળાઈને હું તે જ ક્ષણે ત્યાં ગયો, અને કૂદીને તે ભિક્ષાપાત્ર ઉપર ચડી ગયો. ત્યાં વિવિધ ખાદ્ય પદાર્થો મારા સેવકોને આપીને મેં પોતે પણ ખાધા. સર્વને તૃપ્તિ થયા પછી ફરી પાછા અમે પોતાને ઘેર આવ્યા.
| |
| એ પ્રમાણે નિત્ય તે અન્ન હું ખાતો હતો. પરિવ્રાજક પણ તેનું યથાશક્તિ રક્ષણ કરતો હતો. પણ જ્યારે તે નિદ્રાવશ થતો ત્યારે ત્યાં આવીને હું મારું કામ કરી લેતો હતો.
| |
| પછી, એક વાર તેણે મને અટકાવવા માટે મોટો યત્ન કર્યો. તે જર્જરિત થયેલો વાંસ લાવ્યો. સૂતાં સૂતાં પણ મારા ભયથી તે વાંસ એ ભિક્ષાપાત્ર ઉપર પછાડતો હતો. હું પણ અન્ન ખાધું ન હોવા છતાં પ્રહારના ભયથી દૂર ચાલ્યો જતો હતો. આ પ્રમાણે તેની સાથે વિગ્રહ કરતાં આખી રાત્રિ વીતી જતી હતી.
| |
| હવે, એક વાર તેના મઠમાં બૃહત્સ્ફ્ફ્ નામે તેનો મિત્ર પરિવ્રાજક તીર્થયાત્રા પ્રસંગે ફરતો ફરતો અતિથિ તરીકે આવી પહોંચ્યો. તેને જોઈને તામ્રચૂડે સામે જઈ આદર કરી, અભ્યાગતની ક્રિયાથી તેનો વિધિપૂર્વક સત્કાર કર્યો. પછી રાત્રે તે બન્ને જણા દર્ભના એક જ પાથરણામાં સૂઈ જઈને વિવિધ ધર્મકથાઓ કહેવા લાગ્યા. ઉંદરના ત્રાસથી વિક્ષિપ્ત મનવાળો તામ્રચૂડ જર્જરિત વાંસ ભિક્ષાપાત્ર ઉપર પછાડતો બૃહત્સ્ફ્ફ્નીિ કથાગોષ્ઠિમાં શૂન્ય પ્રત્યુત્તર આપતો હતો, અને ભિક્ષાપાત્ર તરફ ધ્યાન હોવાને કારણે કંઈ બોલતો નહોતો. એટલે એ અભ્યાગત અત્યંત કોપાયમાન થઈને તેને કહેવા લાગ્યો, ‘હે તામ્રચૂડ! તું મારો સાચો મિત્ર નથી તે મેં જાણી લીધું છે. એ કારણથી તું મારી સાથે આનંદપૂર્વક વાર્તાલાપ કરતો નથી. માટે રાત્રે જ તારા મઠનો ત્યાગ બીજા કોઈ મઠમાં હું ચાલ્યો જઈશ. કહ્યું છે કે
| |
| ‘આવો, પધારો, વિશ્રામ લો, આ આસન રહ્યું, કેમ ઘણે સમયે દેખાયા? શા સમાચાર છે? બહુ દુર્બળ થઈ ગયા! કુશળ તો છો ને? તમારા દર્શનથી હું પ્રસન્ન થયો છું —- ઘેર આવેલા સ્નેહીજનોને જેઓ આ પ્રમાણે આદરથી આનંદ પમાડે છે તેમના મહાલયોમાં સદાકાળ અશંકિત મનથી જવું યોગ્ય છે. જે ઘરનો માલિક આવેલા અતિથિને જોઈને દિશાઓમાં અથવા નીચે જુએ છે તે ઘેર જેઓ જાય છે તેઓ શિંગડાં વિનાના બળદો છે. જ્યાં સામે આવીને આદર કરવામાં આવતો નથી, જ્યાં મધુર અક્ષરયુક્ત વાર્તાલાપો થતા નથી અને ગુણદોષની વાત થતી નથી તે મહાલયમાં જવું યોગ્ય નથી.
| |
| એક મઠની પ્રાપ્તિ થતાં પણ તું ગર્વિત થયો છે અને મિત્રસ્નેહનો તેં ત્યાગ કર્યો છે. પણ મઠાશ્રયના નિમિત્તે તેં નરક ઉપાર્જન કર્યું છે એ તું જાણતો નથી. કહ્યું છે કે
| |
| નરકમાં જવાની ઇચ્છા હોય તો એક વર્ષ પુરોહિતપણું કર; અથવા બીજા ઉપાયનું શું કામ છે? ત્રણ દિવસ સુધી મઠની વ્યવસ્થાનો વિચાર કર.
| |
| માટે હે મૂર્ખ! શોકને પાત્ર એવો તું ગર્વિત થયો છે. તેથી હું તારા મઠનો ત્યાગ કરીને જાઉં છું.’ એ સાંભળીને ભયથી ત્રસ્ત મનવાળો તામ્રચૂડ તેને કહેવા લાગ્યો ‘હે ભગવન્! એવું ન બોલશો. તમારા સમાન મારો બીજો કોઈ મિત્ર નથી. પણ ગોષ્ઠિમાં શિથિલતા થવાનું કારણ સાંભળો. આ દુરાત્મા ઉંદર ઊંચે સ્થાને મૂકેલા ભિક્ષાપાત્ર ઉપર પણ કૂદીને ચડી જાય છે અને એમાં રહેલો ભિક્ષાશેષ ખાઈ જાય છે. ભિક્ષાશેષને અભાવે મઠમાં સાફસૂફીની ક્રિયા પણ થઈ શક્તી નથી. માટે ઉંદરના ત્રાસને લીધે આ વાંસ હું ભિક્ષાપાત્ર ઉપર વારંવાર પછાડું છું; બીજંુ કોઈ કારણ નથી, વળી આ દુરાત્મા ઉંદરનું આ બીજું પણ કુતૂહલ જુઓ કે તે પોતાના કૂદકાથી બિલાડા અને વાંદરાને પણ પાછળ પાડી દે છે.’ બૃહત્સ્ફિફ બોલ્યો, ‘એનું બિલ — દર ક્યા સ્થળે આવેલું છે એ જાણવામાં છે?’
| |
| તામ્રચૂડે કહ્યું, ‘એ હું બરાબર જાણતો નથી.’ તે બોલ્યો, ‘નક્કી, નિધાન — ધનભંડારની ઉપર એનુંબિલ હોવું જોઈએ. નિધાનની ઉષ્માથી એ ઊંચે કૂદે છે. કહ્યું છે કે
| |
| ધનની માત્ર ઉષ્મા પણ દેહધારીઓનાં તેજમાં વૃદ્ધિ કરે છે, તો દાન આપવા સહિતનો તેનો ઉપભોગ તેજવૃદ્ધિ કરે એમાં શું કહેવું
| |
| તેમ જ
| |
| શાંડિલીની માતા છડ્યા વિનાના તલને સાટે છડેલા તલ એકાએક વેચે નહિ; તેથી એમાં કંઈક કારણ હોવું જોઈએ.’
| |
| તામ્રચૂડ બોલ્યો, ‘એ કેવી રીતે?’ તે કહેવા લાગ્યો —
| |
| === છડ્યા વિનાના તલને સાટે છડેલા તલ ===
| |
| ‘કોઈ એક સ્થાનમાં વર્ષાકાળમાં વ્રત કરવા માટે કોઈ બ્રાહ્મણને મેં વાસ કરવા માટે વિનંતી કરી હતી. પછી મારાં એ વચન ઉપરથી તે બ્રાહ્મણે પણ મારી શુશ્રૂષા કરી અને દેવતાની પૂજા કરતો હું સુખપૂર્વક રહેવા લાગ્યો. હવે, એક દિવસ પરોઢમાં જાગી ગયેલો હું બ્રાહ્મણ અને બ્રાહ્મણીનો સંવાદ ધ્યાન દઈને સાંભળવા લાગ્યો. એમાં બ્રાહ્મણે કહ્યું, ‘બ્રાહ્મણિ! અનંત દાનરૂપી ફળ આપનારી દક્ષિણાયન સંક્રાન્તિ પ્રભાતમાં થશે, માટે હું દાન લેવા માટે બીજે ગામ જઈશ. તું ભગવાન સૂર્યદેવના નિમિત્તે એક બ્રાહ્મણને કંઈક ભોજન આપજે.’ એ સાંભળીને તે બ્રાહ્મણી તીખાં વચનોથી તેનો તિરસ્કાર કરતી કહેવા લાગી, ‘દારિદ્ય્રથી પીડાતા એવા તમને ભોજનની પ્રાપ્તિ ક્યાંથી થાય? આવું બોલતાં શું તમને લજ્જા આવતી નથી? વળી તમારો હાથ ઝાલ્યા પછી કદી પણ મને સુખ મળ્યું નથી, મિષ્ટાન્નનો આસ્વાદ મળ્યો નથી અને હાથ, પગ કે કંઠ આદિનું આભૂષણ પ્રાપ્ત થયું નથી.’ એ સાંભળીને ભયથી ત્રાસ પામેલો હોવા છતાં બ્રાહ્મણ ધીરે ધીરે બોલ્યો, ‘બ્રાહ્મણિ! આમ કહેવું યોગ્ય નથી, કહ્યું છે કે
| |
| એક કોળિયામાંથી અર્ધ ભાગ યાચકજનોને શા માટે ન આપવો? ઇચ્છાનુસાર વૈભવ તો ક્યારે કોને મળવાનો છે? વૈભવશાળી જનો ઘણાં દાન આપવાથી જે ફળ પ્રાપ્ત કરે છે તે દરિદ્ર માણસ એક કોડી આપીને મેળવે છે એવું અમે સાંભળ્યું છે. દાતા નાનો હોય તો પણ સેવાય છે, કૃપણ સમૃદ્ધિ વડે મહાન હોય તો પણ સેવાતો નથી; મીઠાં પાણીથી ભરેલો કૂવો લોકમાં પ્રીતિપાત્ર થઈ પડે છે, સમુદ્ર નહિ.
| |
| તેમ જ
| |
| જેણે દાન આપવા વડે મહિમા પ્રાપ્ત કર્યો નથી તેને રાજરાજ (મહારાજ અથવા કુબેર) એવું મિથ્યા નામ આપવાથી શું? નિધિઓના રક્ષક (કુબેરને) વિદ્વાનો મહેશ્વર — મહાદેવ કહેતા નથી.
| |
| વળી
| |
| ઉત્તમ હાથી સદા દાન (મદજળ અથવા દાન આપવું તે) વડે ક્ષીણ થતો હોવા છતાં પ્રશંસાપાત્ર ગણાય છે, અને શરીરે પુષ્ટ છતાં દાનરહિત હોવાથી ગધેડો નિન્દ્ય મનાય છે. મેઘ માત્ર જળ આપવા છતાં લોકને પ્રિય થઈ પડે છે અને મિત્ર (સૂર્ય) પોતાના કર (હાથ અથવા કિરણ) પ્રસારે છે તેથી તેની સામે પણ જોવાતું નથી (અર્થાત્ તુચ્છ વસ્તુનું પણ દાન આપનાર પ્રિય થઈ પડે છે અને મિત્ર પણ જો હાથ લાંબો કરે તો કોઈ તેની સામે પણ જોતું નથી.)
| |
| એમ જાણીને દરિદ્ર મનુષ્યોએ પણ યોગ્ય સમયે થોડામાંથી થોડું પણ સુપાત્રને આપવું. કહ્યું છે કે
| |
| દાન લેનાર સુપાત્ર હોય. મોટી શ્રદ્ધા હોય અને યથોચિત દેશકાળ હોય તો વિવેકી જનો વડે અપાતું દાન અનંત ફળ આપનારું થઈ પડે છે.
| |
| તેમ જ
| |
| અતિ તૃષ્ણા કરવી નહિ તેમ તૃષ્ણાનો ત્યાગ પણ કરવો નહિ; અતિ તૃષ્ણાને વશ થયેલાના મસ્તકમાં ચૂડા — અણી થાય છે.’
| |
| બ્રાહ્મણી બોલી, ‘એ કેવી રીતે?’ બ્રાહ્મણ કહેવા લાગ્યો —
| |
| === અતિલોભી શિયાળ ===
| |
| કોઈ વનપ્રદેશમાં એક ભીલ રહેતો હતો. તે શિકાર કરવાને નીકળ્યો. તેણે ફરતાં ફરતાં કાજળના મોટા પર્વતના શિખર જેવો એક સૂવર જોયો. તેને જોઈને કાન સુધી ખેંચેલા તીક્ષ્ણ બાણ વડે ભીલે ઘાયલ કર્યો. કોપાયમાન ચિત્તવાળા એ સૂવરે પણ બાલચન્દ્ર જેવી કાન્તિવાળી પોતાની દાઢની અણીથી ભીલનું ઉદર ચીરી નાખ્યું, અને પ્રાણ નીકળી જતાં તે ધરતી ઉપર પડ્યો. હવે પારધીને મારી નાખ્યા પછી સૂવર પણ બાણના પ્રહારથી વેદનાથી પંચત્વ પામ્યો. એ સમયે જેનું મૃત્યુ નજીક આવ્યું હતું એવો એક શિયાળ આમતેમ ભમતો તે પ્રદેશમાં આવ્યો. જ્યારે સૂવર અને ભીલ બન્નેને જોયા, ત્યારે હર્ષ પામીને તે વિચાર કરવા લાગ્યો, ‘અરે! વિધિ મને સાનુકૂળ છે, તેથી આ અણચિંતવ્યું ભોજન મને મળી આવ્યું છે. અથવા આ ખરું કહ્યું છે કે
| |
| ઉદ્યમ કરવામાં આવે નહિ તો પણ અન્ય જન્મમાં કરેલાં કાર્યોનુંશુભાશુભ ફળ મનુષ્યોને દૈવયોગે મળે છે.
| |
| તેમ જ
| |
| જે દેશમાં, કાળમાં તથા જે વયમાં શુભાશુભ કર્મ કરેલું હોય છે તે એવી જ રીતે ભોગવાય છે.
| |
| તો હું એવી રીતે ભક્ષણ કરું કે જેથી ઘણા દિવસ સુધી મારું ગુજરાન ચાલે. પહેલાં તો હું ધનુષ્યની અણી ઉપર રહેલી સ્નાયુની દોરી —- પણછ ખાઉં. કહ્યું છે કે
| |
| પ્રાજ્ઞ પુરુષોએ પોતે ઉપાર્જન કરેલા ધનનો રસાયનની જેમ ધીરે ધીરે ઉપભોગ કરવો, ઉતાવળે કરવો નહિ.’
| |
| આ પ્રમાણે મનથી નિશ્ચય કરીને ધનુષ્યની વાંકી વળેલી અણી મુખમાં લઈને તે સ્નાયુ — પણછ ખાવા લાગ્યો. પછી પણછનો પાશ કપાઈ ગયો એટલે ધનુષ્યની અણી તેના તાળવાનો ભાગ ફાડીને માથામાંથી બહાર નીકળી, અને એ શિયાળ મરણ પામ્યો.
| |
| તેથી હું કહું છું કે અતિ તૃષ્ણા કરવી નહિ તેમ તૃષ્ણાનો ત્યાગ પણ કરવો નહિ; અતિ તૃષ્ણાને વશ થયેલાના મસ્તકમાં ચૂડા — અણી થાય છે.’
| |
| બ્રાહ્મણે આ પ્રમાણે સમજાવી, એટલે બ્રાહ્મણી બોલી, ‘જો એમ છે, તો મારા ઘરમાં થોડાક તલ છે, એ તલને છડીને તેના ચૂર્ણ વડે બ્રાહ્મણને ભોજન કરાવીશ.’ પછી તેનું એ વચન સાંભળીને બ્રાહ્મણ ગામ ગયો. બ્રાહ્મણીએ તલ ગરમ પાણીમાં મસળીને, કૂટીને સૂર્યના તાપમાં મૂક્યા. એ સમયે જ્યારે તે ઘરકામમાં રોકાયેલી હતી ત્યારે કોઈ કૂતરો આવીને એ તલમાં મૂતર્યો. એ જોઈને તે વિચાર કરવા લાગી, ‘અરે! અવળા થયેલા વિધિની ચતુરાઈ તો જુઓ કે આ તલને તેણે અભોજ્ય બનાવી દીધા છે! માટે આ તલ લઈને કોઈને ઘેર જઈને હું છડેલા તલને સાટે વગર છડેલા તલ લાવું. આ રીતે સર્વે જનો મને તલ આપશે.’
| |
| પછી જે ઘરમાં હું ભિક્ષાને માટે પ્રવેશ્યો હતો તે જ ઘરમાં તે પણ તલ લઈને આ પ્રમાણે વિક્રય કરવાને પ્રવેશી, અને બોલી, ‘વગર છડેલા તલના સાટામાં છડેલા તલ કોઈ લો!’ એટલે તે ઘરની ગૃહિણી ઘરમાં જઈને વગર છડેલા તલ લાવી તેના બદલામાં છડેલા તલ લેવા જાય છે ત્યાં તેના પુત્રે કામંદકિશાસ્ત્ર જોઈને કહ્યું, ‘માતા! આ તલ લેવા જેવા નથી. વગર છડેલા તલના બદલામાં તારે એના છડેલા તલ લેવા નહિ. કંઈક કારણ હશે તેથી જ વગર છડેલા તલના બદલામાં આ છડેલા તલ આપે છે.’ એ સાંભળીને તેણે એ છડેલા તલનો ત્યાગ કર્યો.
| |
| તેથી હું કહું છું કે શાંડિલીની માતા છડ્યા વિનાના તલને સાટે છડેલા તલ એકાએક વેચે નહિ; તેથી એમાં કંઈક કારણ હોવું જોઈએ.’
| |
| એમ કહીને ફરી વાર તે બૃહત્સ્ફિફ કહેવા લાગ્યો, ‘એ ઉંદરનો આવવાનો માર્ગ જાણવામાં છે?’ તામ્રચૂડ બોલ્યો, ‘ભગવન્! જાણવામાં છે, કારણ કે તે એકલો આવતો નથી, પણ મારા જોતાં અસંખ્ય યૂથ વડે વીંટાઈને આમતેમ ભમતો સર્વ પરિવારની સાથે આવે છે અને જાય છે.’ અભ્યાગત બોલ્યો, ‘કંઈ ખોદવાનું સાધન છે?’ તેણે કહ્યું, ‘હા, સારું છે. આ નરદમ લોઢાની કોશ છે.’ અભ્યાગતે કહ્કહ્યું, ‘તો પછી પરોઢમાં તમે મારી સાથે ઊઠજો, જેથી મનુષ્યોનાં પગલાં વિનાની ભૂમિ ઉપર જ ઉંદરનાં પગલાંને અનુસરીને આપણે બન્ને જઈશું.’ મેં પણ તેનું વચન સાંભળીને વિચાર્યું, ‘અહો! હવે મારો નાશ થવાનો, કારણ કે આનાં વચનો વિચારયુક્ત સાંભળવામાં આવે છે. ખરેખર, જેવી રીતે તેણે મારું નિધાન જાણી લીધું તેવી રીતે દુર્ગ પણ જાણી લેશે. તેના અભિપ્રાય ઉપરથી જ એ જણાય છે. કહ્યું છે કે
| |
| પુરુષને એક જ વાર જોઈને પણ બુદ્ધિશાળી જનો તેનું સામર્થ્ય જાણી લે છે. નિપુણ જનો હાથરૂપી તુલાથી પણ પલપ્રમાણ વજન પારખે છે. ચિત્તની વાંછના જ મનુષ્યોનાં પૂર્વજન્મનાં શુભાશુભ કાર્યોથી નિયત થયેલા ભવિષ્યને અગાઉથી સૂચવી દે છે; જેને હજી કલાપનું ચિહ્ન ઊગ્યું નથી એવું મોરનું બચ્ચું તળાવમાંથી પાણી પીને પાછે પગલે આવે એ ઉપરથી તે મોર છે એમ જણાય છે.’
| |
| પછી ભયથી ત્રાસ પામેલા મનવાળો હું મારા દુર્ગનો માર્ગ છોડીને બીજા માર્ગે પરિવાર સહિત જવા લાગ્યો (જેથી પેલો પરિવ્રાજક મારા દુર્ગનો માર્ગ જાણે નહિ). પરિજન સહિત જ્યારે હું આગળ ગયો ત્યારે મોટી કાયાવાળા બિલાડાને સામેથી આવતો જોયો. ઉંદરોના વૃંદને આવતું જોઈને તે એકદમ તેની વચમાં કૂદી પડ્યો. એટલે મને અવળે માર્ગે આવેલો જોઈને મારી નિન્દા કરતાં અને મરતાં બાકી રહેલા ઉંદરો પૃથ્વીને પોતાના લોહીથી ભીની કરતા તે દુર્ગમાં પ્રવેશ્યા. અથવા આ ખરું કહ્યું છે કે
| |
| પાશ કાપીને, પારધીએ રચેલી કૂટરચનાનો ત્યાગ કરીને, જાળને બળપૂર્વક તોડીને, જેના સીમાડાઓ અગ્નિની શિખાઓના સમૂહથી ઘેરાઈ ગયા હતા એવા વનમાંથી પણ દૂર નીકળીને તથા પારધીઓના બાણની મર્યાદામાં આવી જતાં વેગપૂર્વક કૂદીને દોડતો મૃગ કૂવામાં પડી ગયો. જ્યાં વિધિ જ વાંકો હોય ત્યાં પરાક્રમ શું કરે?
| |
| પછી એકલો હું અન્યત્ર ચાલ્યો ગયો અને બાકીના ઉંદરો મૂઢપણાથી તે જ દુર્ગમાં પ્રવેશ્યા. એ સમયે પેલો દુષ્ટ પરિવ્રાજક લોહીનાં બિન્દુથી ખરડાયેલી ભૂમિ જોતો જોતો તે જ દુર્ગના માર્ગે આવીને હાજર થયો. પછી તે કોશ વડે ખોદવા માંડ્યો. પછી ખોદતાં ખોદતાં તેણે એ નિધાન પ્રાપ્ત કર્યું કે જેના ઉપર હું સદા વાસ કરીને રહેતો હતો તથા જેની ઉષ્માથી મહાદુર્ગમ સ્થાનોમાં પણ જઈ શકતો હતો. પછી હર્ષિત મનવાળો તે અતિથિ તામ્રચૂડને આ પ્રમાણે કહેવા લાગ્યો, ‘હે ભગવન્! હવે નિ:શંક સૂઈ રહો. આ નિધાનની ઉષ્માથી ઉંદર તમને જાગરણ કરાવતો હતો.’ એમ કહી નિધાન લઈને તે બન્ને જણ મઠ તરફ ચાલ્યા. હું પણ જ્યારે નિધાનના સ્થળ પાસે આવ્યો ત્યારે અરમણીય તથા ઉદ્વેગકારી એવું તે સ્થાન જોઈ પણ શક્યો નહિ; અને હું વિચાર કરવા લાગ્યો, ‘શું કરું? ક્યાં જાઉં? મારા મનને શાન્તિ શી રીતે થાય?’ એમ વિચાર કરતાં એ દિવસ મહાકષ્ટપૂર્વક વીતી ગયો. પછી સૂર્ય અસ્ત પામ્યો એટલે ઉદ્વેગી તથા નિરુત્સાહી એવો હું એ મઠમાં પરિવાર સહિત પ્રવેશ્યો. મારા પરિજનોનો શબ્દ સાંભળીને તામ્રચૂડ પણ જર્જરિત વાંસડો ફરી વાર ભિક્ષાપાત્ર ઉપર પછાડવા લાગ્યો. એટલે પેલો અતિથિ બોલ્યો, ‘મિત્ર! તું હજી પણ નિ:શંકપણે નિદ્રા કેમ કરતો નથી?’ તે બોલ્યો, ‘ભગવન્! ફરી વાર પણ તે દુષ્ટાત્મા ઉંદર પરિવાર સહિત આવ્યો છે. એના ભયથી આ જર્જરિત વાંસ હું ભિક્ષાપાત્ર ઉપર પછાડું છું.’ એટલે હસીને પેલો બોલ્યો, ‘મિત્ર! તું ડરીશ નહિ. આ ઉંદરનો કૂદવાનો ઉત્સાહ પણ ધનની સાથે ચાલ્યો ગયો છે. સર્વ પ્રાણીઓની આવી જ સ્થિતિ હોય છે.
| |
| કહ્યું છે કે મનુષ્ય જે સદા ઉત્સાહી હોય છે તથા લોકોનો જે પરાભવ કરે છે અને જે ઉદ્ધત વચન બોલે છે તે સર્વે બળ ધનનું છે.’
| |
| પછી તે સાંભળીને કોપાયમાન થયેલો હું ભિક્ષાપાત્ર તરફ જોરથી ઊંચે કૂદ્યો, પણ ત્યાં પહોંચ્યા વિના જ પાછો પૃથ્વી ઉપર પડ્યો. એ સાંભળીને મારો પેલો શત્રુ હસીને તામ્રચૂડને કહેવા લાગ્યો, ‘અરે! જુઓ, જુઓ આ કૌતુક!’ આમ કહીને તે બોલ્યો,
| |
| ‘સર્વે ધનથી બળવાન હોય છે તથા જે ધનવાન તે જ પંડિત ગણાય છે; ધન વગરનો આ ઉંદર પોતાની જાતિના બીજા ઉંદરો જેવો થઈ ગયો છે એ જુઓ!
| |
| માટે તમે કોઈ પણ પ્રકારની શંકા વિના નિદ્રા કરો; તેના કૂદવાનું જે કારણ હતું તે તો આપણા હાથમાં આવી ગયું છે. અથવા આ ખરું કહ્યું છે કે
| |
| દાઢ વિનાના સાપ અને મદ વિનાના હાથીની જેમ આ જગતમાં ધન વિનાનો પુરુષ નામમાત્ર જ પુરુષ છે.’
| |
| તે સાંભળીને હું મનથી વિચાર કરવા લાગ્યો. ‘મારામાં એક આંગળ જેટલું કૂદવાની પણ શક્તિ રહી નથી. માટે ધનહીન પુરુષના જીવનને ધિક્કાર છે. કહ્યું છે કે
| |
| ધન વિનાના અને અલ્પ બુદ્ધિવાળા પુરુષોની સર્વે ક્રિયાઓ, ગ્રીષ્મ ઋતુમાં નાની નદીઓની જેમ, ઉચ્છેદ પામે છે. જેમ કાકયવ અને વગડાઉ તલ એ નામમાત્ર જ યવ અને તલ છે, પરંતુ તેથી કાર્યસિદ્ધિ નથી, તે પ્રમાણે ધન વિનાના પુરુષોનું સમજવું, દરિદ્ર મનુષ્યના (ધન સિવાયના) બીજા ગુણો હોય તો પણ તે શોભતા નથી; પ્રાણીઓને જેમ સૂર્ય પ્રકાશ આપે છે તેમ લક્ષ્મી ગુણોને પ્રકાશ આપે છે. સુખમાં ઊછરેલા મનુષ્ય દ્રવ્ય પ્રાપ્ત કર્યા પછી તેથી અળગો થતાં જેટલો દુઃખી થાય છે તેટલો દુઃખી જન્મથી જ નિર્ધન મનુષ્ય થતો નથી. સૂકા કીડાઓથી ખવાઈ ગયેલા, અગ્નિથી ચારે બાજુ બળી ગયેલા તથા ઊખર જમીનમાં રહેલા ઝાડનો જન્મ સારો, પણ યાચકનો જન્મ સારો નહિ. પ્રતાપ વિનાની એવી દરિદ્રતા ચોપાસ શંકાપાત્ર થઈ પડે છે; દરિદ્ર મનુષ્ય ઉપકાર કરવા આવ્યો હોય તો પણ લોકો એને ત્યજીને ચાલી જાય છે. નિર્ધન મનુષ્યોના મનોરથો ઊંચા વધી વધીને, વિધવા સ્ત્રીનાં સ્તનોની જેમ, પાછા ત્યાં હૃદયમાં જ વિલીન થાય છે. આ જગતમાં નિત્ય દરિદ્રતારૂપી અંધકારથી ઘેરાયેલો મનુષ્ય ધોળે દિવસે પ્રયત્નપૂર્વક આગળ ઊભો હોય તો પણ કોઈ એને જોતું નથી.’
| |
| આ પ્રમાણે વિલાપ કરીને, મારા એ નિધાનને ગાલમસૂરિયા તરીકે મૂકાયેલું જોઈ ભગ્નોત્સાહ એવો હું પ્રભાતે મારા દુર્ગમાં ગયો. ત્યારે પ્રભાતમાં મારા સેવકો આમતેમ જતાં પરસ્પરને કહેતા હતા. ‘અહો! આ આપણું ઉદર ભરવા માટે અસમર્થ છે, એની પાછળ જવાથી કેવળ બિલાડા વગેરેની વિપત્તિઓ જ આવે છે. તો એની સેવા કરવાથી શું? કહ્યું છે કે
| |
| જેની પાસેથી લાભ મળે નહિ અને કેવળ વિપત્તિઓ જ ઊભી થાય એ સ્વામીનો સેવકોએ વિશેષ કરીને દૂરથી જ ત્યાગ કરવો.’
| |
| આ પ્રમાણે તેમનાં વચન સાંભળીને હું મારા દુર્ગમાં પ્રવેશ્યો, પછી જ્યારે કોઈ સેવક મારી પાસે આવતો ન હતો ત્યારે મેં વિચાર કર્યો, ‘આ દરિદ્રતાને ધિક્કાર છે! અથવા ખરું કહ્યું છે કે
| |
| દરિદ્ર પુરુષ મરેલો છે, પ્રજા વિનાનું મૈથુન મરેલું છે, શ્રોત્રિય બ્રાહ્મણ વિનાનું શ્રાદ્ધ મરેલું છે, અને દક્ષિણા વિનાનો યજ્ઞ મરેલો છે.’
| |
| હું આ પ્રમાણે વિચાર કરતો હતો ત્યાં તો મારા સેવકો મારા શત્રુઓના સેવકો થયા. તેઓ મને એકલાને જોઈને મારી વિડંબના કરવા લાગ્યા.
| |
| પછી અર્ધનિદ્રામાં રહેલો હું ફરી વાર વિચાર કરવા લાગ્યો કે, ‘એ કુતપસ્વીના નિવાસસ્થાનમાં જઈને તેના ગાલમસૂરિયારૂપ બનેલી ધનની પેટીને તે નિદ્રાવશ થાય એટલે ધીરે ધીરે કોચીને એ ધન મારા દુર્ગમાં લાવું, જેથી ફરી વાર પણ એ ધનના પ્રભાવથી મારું પૂર્વવત્ આધિપત્ય થાય. કહ્કહ્યું છે કે
| |
| ધન વિનાના મનુષ્યો કુલીન વિધવાની જેમ, સેંકડો મનોરથો વડે પોતાના મનને દુઃખી કરે છે, પણ અનુષ્ઠાન (ધાર્મિક કર્મો અથવા પ્રયત્ન) કરતા નથી. દરિદ્રતા એ દેહધારીઓને માટે અત્યંત અપમાનકારી દુઃખ છે. જેથી તેમનાં સ્વજનો પણ તેઓને જીવતાં છતાં મરેલાં જેવાં માને છે. દારિદ્ય્ર વડે કલુષિત થયેલો મનુષ્ય દીનતાનું પાત્ર, પરાભવનું પરમ સ્થાન અને વિપત્તિનું આશ્રયસ્થાન થઈ પડે છે. જેની પાસે કોડીઓ (ધન) નથી તેનાથી બંધુજનો લજ્જા પામે છે, અને તેની સાથેના સંબંધને છુપાવે છે તથા તેના મિત્રો શત્રુ થઈ જાય છે. દેહી જનોને માટે દરિદ્રતા એ મૂર્તિમાન લઘુતા, વિઘ્નોનું સાક્ષાત્ ગૃહ તથા મરણનું જ બીજું સ્વરૂપ છે. નિર્ધનોના સહવાસથી ડરતા મનુષ્યો બકરીના પગની ધૂળની જેમ, સાવરણીની રેણુની જેમ અને દીવાના પ્રકાશમાં પડેલી ખાટલાની છાયાની જેમ તેમનો ત્યાગ કરે છે. હાથપગ ધોતાં વધેલી માટીથી પણ કંઈક કાર્ય થાય છે, પણ નિર્ધન મનુષ્યનું તો કંઈ પ્રયોજન હોતું નથી. કંઈક આપવાની ઇચ્છાવાળો પણ દરિદ્ર જો ધનિકને ઘેર જઈ પહોંચે તો ‘આ યાચક છે’ એમ માનવામાં આવે છે. દેહધારીઓની દરિદ્રતાને ધિક્કાર છે!
| |
| માટે ધન લઈ જવાનો પ્રયત્ન કરતાં મારું મૃત્યુ થાય તો પણ સારું. કહ્યું છે કે
| |
| પોતાના ધનનું હરણ થતું જોઈને જે પુરુષ તેનું રક્ષણ કરતો નથી તેણે આપેલી જલાંજલિ પિતૃઓ પણ ગ્રહણ કરતા નથી.
| |
| તેમ જ
| |
| ગાયને માટે, બ્રાહ્મણને માટે, સ્ત્રી તથા ધનનુંહરણ થતું હોય ત્યારે તથા યુદ્ધમાં (અથવા ગાય, બ્રાહ્મણ અને સ્ત્રી તથા ધનના રક્ષણ માટેના યુદ્ધમાં) જે પ્રાણનો ત્યાગ કરે છે તેને અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે.’
| |
| એ પ્રમાણે નિશ્ચય કરીને રાત્રે ત્યાં જઈને તે નિદ્રાવશ થયો હતો ત્યારે પેટીમાં મેં છિદ્ર કર્યું, પણ એટલામાં એ દૃષ્ટ તાપસ જાગી ગયો. પછી જર્જરિત વાંસના પ્રહારથી તેણે મારા માથામાંં ઘા કર્યો; કંઈક આયુષ્ય બાકી રહેલું હોવાને કારણે જ હું ત્યાંથી નીકળી શક્યો અને મરણ પામ્યો નહિ.
| |
| કહ્યું છે કે
| |
| મનુષ્ય (કર્માનુસાર) પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુને મેળવે છે, દૈવ પણ તેને તેમ કરતાં અટકાવવાને સમર્થ નથી; માટે હું શોક કરતો નથી તેમ મને વિસ્મય પણ થતું નથી; જે આપણું છે તે પારકાનું થવાનું નથી.’
| |
| કાગડો અને કાચબો પૂછવા લાગ્યા, ‘એ કેવી રીતે?’
| |
| હિરણ્યકે કહ્યું,
| |
| ‘કોઈ એક નગરમાં સાગરદત્ત નામે વાણિયો રહેતો હતો. તેના પુત્રે સો રૂપિયામાં એક પુસ્તક ખરીદ્યું હતું. તેમાં લખેલું હતું —
| |
| પ્રાપ્તવ્યમર્થં લભતે મનુષ્યો
| |
| દેવોઅપિ તં લંઘયિતું ન શક્ત: |
| |
| તસ્માન્ન શોચામિ ન વિસ્મયો મે
| |
| યદસ્મદીયં ન હિ તત્પરેષામ્ ||
| |
| અર્થાત્ મનુષ્ય (કર્માનુસાર) પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુને મેળવે છે, દેવ પણ તેને તેમ કરતાં અટકાવવાને સમર્થ નથી; માટે હું શોક કરતો નથી તેમ મને વિસ્મય પણ થતું નથી; જે આપણું છે તે પારકાનું થવાનું નથી.
| |
| એ જોઈને સાગરદત્તે પુત્રને પૂછ્યું, ‘બેટા! કેટલા મૂલ્યથી આ પુસ્તક ખરીદ્યું છે?’ તેણે કહ્યું, ‘સો રૂપિયામાં.’ તે સાંભળીને સાગરદત્ત બોલ્યો, ‘હે મૂર્ખ! તને ધિક્કાર છે! જેમાં માત્ર એક શ્લોક લખેલો છે એવું પુસ્તક તું સો રૂપિયામાં ખરીદે છે, તો આવી બુદ્ધિથી તું શી રીતે દ્રવ્યોપાર્જન કરીશ? માટે આજથી તારે મારા ઘરમાં પ્રવેશ કરવો નહિ.’ આ પ્રમાણે તિરસ્કાર કરીને સાગરદત્તે તેને ઘરમાંથી કાઢી મૂક્યો.
| |
| તે પણ એ નિર્વેદથી દૂર દેશાંતરમાં જઈ કોઈ નગરમાં આવીને રહ્યો. કેટલાક દિવસ પછી તે નગરમાં કોઈ નિવાસીએ તેને પૂછ્યું, ‘તમે ક્યાંથી આવ્યા છો? તમારું નામ શું છે?’ તે બોલ્યો, ‘પ્રાપ્તવ્યમર્થં લભતે મનુષ્ય:|’ પછી બીજાએ પૂછ્યું એટલે તેને પણ એવો જ ઉત્તર આપ્યો. એ પ્રમાણે એ નગરમાં તેનું પ્રાપ્તવ્યમર્થં એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું.
| |
| હવે, એક દિવસ અભિનવ રૂપ અને યૌવનવાળી ચંદ્રવતી નામે રાજકન્યા પોતાની સખી સાથે નગરનું નિરીક્ષણ કરતી બેઠી હતી. ત્યાં અતિ રૂપસંપન્ન અને મનોહર એવો કોઈ રાજપુત્ર તેની નજરે પડ્યો. તેને જોતાંવેંત જ કામદેવનાં બાણથી ઘાયલ થયેલી એવી તેણે પોતાની સખીને કહ્યું, ‘હે સખિ! આની સાથે મારો સમાગમ થાય એવો પ્રયત્ન તું કર.’ એ સાંભળીને તે સખીએ એની પાસે સત્વર જઈને કહ્યું, ‘મને ચંદ્રવતીએ તમારી પાસે મોકલી છે, અને તેણે તમને કહાવ્યું છે કે તમારા દર્શનથી કામદેવે મારી અંતિમ અવસ્થા કરી દીધી છે. માટે જલદી મારી પાસે નહિ આવો તો મરણ એ જ મારું શરણ થશે.’ એ સાંભળીને તેણે કહ્યું, ‘જો મારે અવશ્ય ત્યાં આવવાનું હોય તો કયા ઉપાયથી અંદર પ્રવેશવું તે કહે.’ એટલે સખી બોલી, ‘રાત્રે મહાલય ઉપરથી લટકાવવામાં આવેલા મજબૂત દોરડા વડે તમારે ત્યાં ચડી આવવું.’ તે બોલ્યો, ‘જો તમારો આ પ્રમાણે નિશ્ચય છે તો હું એમ કરીશ.’ એ પ્રમાણે નિશ્ચય કરીને સખી ચંદ્રવતીની પાસે ગઈ. પછી રાત પડી એટલે તે રાજપુત્ર પોતાના મનથી વિચાર કરવા લાગ્યો, ‘અહો! આ તો મોટું અકૃત્ય છે. કહ્યું છે કે
| |
| ગુરુની પુત્રી, મિત્રની પત્ની તથા સ્વામી અને સેવકની ભાર્યાનું જે ગમન કરે છે તે પુરુષને બ્રહ્મહત્યા કરનારો કહ્યો છે.
| |
| વળી
| |
| જેનાથી અપયશ પ્રાપ્ત થાય, જેનાથી અવગતિ થાય તથા જેનાથી સ્વર્ગમાંથી ભ્રષ્ટ થવાય એવું કર્મ આચરવું નહિ.’
| |
| આ પ્રમાણે સારી રીતે વિચાર કરીને તે એ રાજકન્યાની પાસે ગયો નહિ.
| |
| હવે, રાત્રે ફરતાં ફરતાં મહાલયની પાસે દોરડું લટકતું જોઈને જેનાં હૃદયમાં કૌતુક થયું છે એવો ‘પ્રાપ્તવ્યમર્થં’ તેને આધારે ઉપર ચડી ગયો. ‘આ તે જ છે’ એ પ્રમાણે જેનાં ચિત્તમાં વિશ્વાસ થયો છે એવી રાજપુત્રીએ સ્નાન, ખાનપાન તથા વસ્ત્રાદિ વડે તેનું સન્માન કરીને તથા તેની સાથે શયનમાં બેસીને તેના અંગના સ્પર્શથી ઉત્પન્ન થયેલા હર્ષનાં રોમાંચ અનુભવતાં કહ્યું, ‘તમારા દર્શનમાત્રથી અનુરક્ત થયેલી એવી મેં મારી જાત તમને સોંપી દીધી છે. મનથી પણ તમારા સિવાય બીજો મારો પતિ નહિ થાય. માટે તમે કેમ મારી સાથે બોલતા નથી?’ તે બોલ્યો, ‘પ્રાપ્તવ્યમર્થં લભતે મનુષ્ય:|’ આમ બોલતાં ‘આ કોઈ બીજો છે’ એ જાણીને રાજકન્યાએ તેને મહાલય ઉપરથી ઉતારીને છોડી દીધો. તે પણ એક પડી ગયેલા દેવળમાં જઈને સૂઈ ગયો.
| |
| પછી કોઈ વ્યભિચારિણીએ જેની સાથે સંકેત કર્યો હતો એવો દંડપાશક (એક નગરરક્ષક અધિકારી) ત્યાં આવી પહોંચ્યો, તો અગાઉથી સૂઈ રહેલા તેને જોયો. આથી વાત ગુપ્ત રાખવાના ઉદ્દેશથી તેણે તેને કહ્યું, ‘તમે કોણ છો?’ તે બોલ્યો, ‘પ્રાપ્તવ્યમર્થં લભતે મનુષ્ય:|’ એ સાંભળીને દંડપાશકે કહ્યું, ‘આ દેવળ તો સૂનું છે, માટે મારી જગ્યાએ જઈને સૂઈ રહે.’ એમ કરવાનું સ્વીકારીને તે સમજફેરથી બીજા શયનમાં જઈને સૂતો. હવે, તે નગરરક્ષકની વિનયવતી નામની રૂપયૌવનસંપન્ન તથા વયમાં આવેલી કન્યા, બીજા કોઈ પુરુષમાં અનુરક્ત થઈને તેની સાથે સંકેત કરીને તે શયનમાં સૂઈ રહેલી હતી. તે કન્યા પ્રાપ્તવ્યમર્થંને આવતો જોઈને રાત્રે નિબિડ અંધકારમાં ‘આ જ મારો વલ્લભ છે’ એમ માનીને સામે જઈ, ભોજનવસ્ત્રાદિ ક્રિયા કરાવીને ગાંધર્વવિધિથી પોતાનો વિવાહ કરીને તથા તેની સાથે શયનમાં બેસીને વિકસિત વદનકમળથી કહેવા લાગી, ‘હજી પણ તમે મારી સાથે વિશ્વાસથી કેમ વાત કરતા નથી?’ તે બોલ્યો, ‘પ્રાપ્તવ્યમર્થં’ લભતે મનુષ્ય:|’ આ સાંભળીને તે કન્યાએ વિચાર્યું, ‘પૂરો વિચાર કર્યા સિવાય જે કામ કરવામાં આવે તેનો ફળવિપાક આવો જ થાય છે.’ આમ વિચારીને વિષાદ પામેલી એવી તેણે એને બહાર કાઢ્યો.
| |
| તે જ્યારે શેરીના માર્ગે જતો હતો ત્યારે બીજા દેશનો રહેવાસી વરકીર્તિ નામે વર વાજિંત્રોના મોટા શબ્દ સાથે આવતો હતો, ‘પ્રાપ્તવ્યમર્થં’ પણ તેની સાથે જવા લાગ્યો. પછી જ્યારે લગ્નનો સમય નજીક આવી પહોંચ્યો અને રાજમાર્ગની પાસે આવેલા શ્રેષ્ઠીના ઘરના આંગણામાં રચેલી મંડપવેદિકામાં, વિવાહનો માંગલિક વેશ જેણે ધારણ કર્યો હતો એવી વણિકપુત્રી બેઠી હતી ત્યારે નાસભાગ કરતા લોકોના કોલાહલ વડે સર્વ જનોને આકુલ કરતો મદમત્ત હાથી મહાવતને મારી તે સ્થળે આવ્યો. તેને જોઈને વર સહિત વરના સર્વે અનુયાયીઓ — જાનૈયાઓ ચારે દિશામાં નાસી ગયા. એ સમયે ભયથી ચંચળ લોચનવાળી તે એકાકિની કન્યાને જોઈને ‘તું ડરીશ નહિ, હું તારું રક્ષણ કરીશ.’ એ પ્રમાણે સારી રીતે ધીરજ આપીને તથા તેનો જમણો હાથ ઝાલીને ‘પ્રાપ્તવ્યમર્થં’ કઠિન વચનો વડે હાથીનો તિરસ્કાર કરવા લાગ્યો. પછી કોઈ રીતે દૈવયોગે હાથી ચાલ્યો ગયો, અને લગ્નનો સમય વીતી ગયો ત્યારે પોતાના મિત્રો અને બાંધવો સહિત વરકીર્તિ આવ્યો, તે સમયે તેણે કન્યાને બીજાના હાથમાં ગયેલી જોઈને કહ્યું, ‘હે સસરા! મને વાગ્દાન કર્યા પછી કન્યા બીજાને આપી એ તેમ અનુચિત કર્યું છે.’ તે બોલ્યો, ‘અરે! હું પણ હાથીના ભયથી પલાયન કરી ગયો હતો તે તમારી સાથે જ અહીં આવ્યો છું અને આ શું થયું છે તે જાણતો નથી.’ એમ કહીને તે પોતાની પુત્રીને પૂછવા લાગ્યો, ‘વત્સે! આ તેં સારું નથી કર્યું. માટે કહે, શી હકીકત છે?’ તે બોલી, ‘એમણે મને જીવના જોખમમાંથી બચાવી છે, માટે હું જીવું છું ત્યાં સુધી બીજો કોઈ મારો હાથ પકડી શકશે નહિ.’ આ પ્રમાણે વાર્તાલાપમાં રાત્રિ વીતી ગઈ.
| |
| પ્રભાતમાં ત્યાં મહાજન એકત્ર થતાં આ સમાચાર સાંભળીને રાજક્ન્યા તે સ્થાને આવી. કર્ણપરંપરાથી સાંભળીને દંડપાશકની પુત્રી પણ ત્યાં આવી. મહાજન એકત્ર થયેલું સાંભળીને રાજા પણ ત્યાં આવ્યો. તેણે ‘પ્રાપ્તવ્યમર્થં’ને કહ્કહ્યું, ‘આ વૃત્તાન્ત શો છે એ સાચેસાચું કહે.’ એટલે તે બોલ્યો, ‘પ્રાપ્તવ્યમર્થં લભતે મનુષ્ય:|’ રાજકન્યા પણ સ્મરણ થવાથી બોલી, ‘દેવોઅપિ ત લંઘયિતું ન શક્ત:’ પછી દંડપાશકની પુત્રી બોલી, ‘તસ્માન્ન શોચામિ ન વિસ્મયો મે.’ આ બધો લોકવૃત્તાન્ત સાંભળીને વણિકપુત્રી બોલી, ‘યદસ્મદીયં ન હિ તત્પરેષામ્.’
| |
| પછી અભયદાન આપીને, તથા સર્વની પાસેથી પૃથક્ વૃત્તાન્ત સાંભળીને, જેણે ખરી હકીકત જાણી હતી એવા રાજાએ ‘પ્રાપ્તવ્યમર્થં’ને સર્વ અલંકાર અને પરિજનો સહિત પોતાની પુત્રી એક હજાર ગામની સાથે બહુમાનપૂર્વક આપી, તથા ‘તું મારો પુત્ર છે’ એમ કહીને આખા નગરમાં પ્રસિદ્ધ થયેલા એવા તેનો યુવરાજપદે અભિષેક કર્યો. દંડપાશકે પણ પોતાની શક્તિ અનુસાર ‘પ્રાપ્તવ્યમર્થં’નો વસ્ત્રાદિ આપવા વડે સત્કાર કરીને પોતાની પુત્રી તેને આપી. પછી ‘પ્રાપ્તવ્યમર્થં’ પણ સર્વ કુટુંબ સહિત પોતાનાં માતાપિતાને સન્માનપૂર્વક તે નગરમાં લાવ્યો, પછી તે પોતાનાં કુટુંબીજનો સાથે વિવિધ ભોગ ભોગવતો સુખપૂર્વક રહેવા લાગ્યો.
| |
| === વણકર અને ભાગ્યદેવતા ===
| |
| કોઈ એક નગરમાં સોમિલક નામે વણકર રહેતો હતો. તે રાજાઓને યોગ્ય તથા અનેક પ્રકારની વસ્ત્રરચના વડે રંજિત વસ્ત્રો સદા તૈયાર કરતો હતો. અનેક પ્રકારની વસ્ત્રરચનામાં નિપુણ હોવા છતાં કોઈ રીતે તેને ભોજન અને વસ્ત્ર કરતાં વધારે ધન મળતું નહોતું. પણ જાડાં વસ્ત્રો બનાવવાનું જાણનારા ત્યાં વસતા બીજા સામાન્ય વણકરો ઘણી સમૃદ્ધિવાળા હતા. તેઓને જોઈને તે પોતાની પત્નીને કહેવા લાગ્યો, ‘પ્રિયે! સુવર્ણ અને ધનથી સમૃદ્ધ એવા આ જાડાં વસ્ત્ર વણનારાઓને જો, માટે આ સ્થાનમાં હું રહી શકું તેમ નથી, ધન કમાવાને હું અન્યત્ર જાઉં છું.’ તે બોલી, ‘હે પ્રિયતમ! અન્ય સ્થાને જનારને ધન મળે છે અને પોતાના સ્થાનમાં મળતું નથી એ તો મિથ્યા પ્રલાપ છે, કહ્યું છે કે
| |
| પક્ષીઓ જે આકાશમાં ઊડે છે અથવા પૃથ્વી ઉપર ઊતરે છે તે પણ (પૂર્વકૃત કર્મોની) પ્રાપ્તિ અનુસાર હોય છે; (દૈવે) આપ્યા સિવાય કોઈ વસ્તુ ઉપસ્થિત થતી નથી.
| |
| તેમ જ
| |
| જે ન થવાનું હોય તે થતું નથી, જે થવાનું હોય તે વિના યત્ને પણ થાય છે; જેની ભવિતવ્યતા ન હોય તે વસ્તુ હથેળીમાં આવેલી હોય તો પણ નાશ પામે છે. જેમ હજારો ગાયોમાંથી પણ વાછડું પોતાની માતાને ખોળી કાઢે છે તેમ પૂર્વે કરેલું કર્મ તેના કરનારની પાછળ જાય છે. મનુષ્યોનું પૂર્વકૃત કર્મ મનુષ્ય સૂતો હોય તો સાથે સૂએ છે, જતો હોય તો પાછળ જાય છે અને ઊભો રહે તો તેની સાથે ઊભું રહે છે. જેમ છાયા અને પ્રકાશ પરસ્પર સારી રીતે બંધાઈને રહેલાં છે તેમ કર્મ અને તેનો કર્તા પરસ્પર સંશ્લિષ્ટ છે.
| |
| માટે તમે અહીં જ ઉદ્યમ કરતા રહો.’ વણકર બોલ્યો, ‘પ્રિયે! તેં ઠીક ન કહ્કહ્યું. ઉદ્યમ વિના કર્મ ફળતું નથી. કહ્યું છે કે
| |
| જેમ એક હાથે તાળી પડતી નથી તેમ ઉદ્યમ વિના કર્મનું ફળ મળતું નથી, એમ સ્મૃતિ કહે છે. ભોજનના સમયે કર્મવશાત્ પ્રાપ્ત થયેલું ભોજન પણ હસ્તના ઉદ્યમ વિના કોઈ રીતે મુખમાં પ્રવેશતું નથી તે જુઓ!
| |
| તેમ જ
| |
| ઉદ્યોગી પુરુષસિંહને લક્ષ્મી પ્રાપ્ત થાય છે, ‘દૈવ એ જ ખરું છે’ એમ તો બાયલાઓ કહે છે, માટે દૈવને દૂર કરીને તારી શક્તિ અનુસાર પરાક્રમ કર; યત્ન કરવા છતાં પણ જો કાર્યસિદ્ધિ ન થાય તો એમાં શો દોષ?
| |
| તેમ જ
| |
| કાર્યો ઉદ્યમથી સિદ્ધ થાય છે, મનોરથોથી નહિ; મૃગો સૂતેલા સિંહના મુખમાં પ્રવેશ કરતા નથી જ. ઉદ્યમ વિના મનોરથો સિદ્ધ થતા નથી; ‘જે થવાનું હશે તે થશે’ એમ તો બાયલાઓ કહે છે. પોતાની શક્તિ અનુસાર ઉદ્યમ કરવા છતાં કાર્યસિદ્ધિ ન થાય તો દૈવે જેના પરાક્રમને આંતરેલું છે એવા (ઉદ્યમી) પુરુષનો એમાં દોષ નથી.
| |
| માટે મારે અવશ્ય દેશાન્તરમાં જવું જોઈએ.’ આ પ્રમાણે નિશ્ચય કરીને વર્ધમાનપુરમાં જઈને ત્યાં ત્રણ વર્ષ સુધી રહીને ત્રણસો સુવર્ણ ઉપાર્જન કરીને તે ફરી પોતાને ઘેર આવવા નીકળ્યો. અર્ધે રસ્તે તે એક અટવીમાં આવ્યો એ સમયે ભગવાન સૂર્ય અસ્ત પામ્યા. જંગલી પ્રાણીઓના ભયથી વડની જાડી શાખા ઉપર ચડીને તે સૂઈ રહ્યો તે સમયે મધ્ય રાત્રિએ તેણે બે ભયંકર આકૃતિવાળા પુરુષોને પરસ્પર વાત કરતા સાંભળ્યા. તેમાંનો એક બોલ્યો, ‘હે કર્તા! તું શું બરાબર જાણતો નથી કે આ સોમિલકના ભાગ્યમાં ભોજન અને વસ્ત્ર માટે જરૂરી હોય તે કરતાં અધિક સમૃદ્ધિ નથી? તો પછી તેં શા માટે એને ત્રણસો સુવર્ણ આપ્યા?’ તે બોલ્યો, ‘હે કર્મ! મારે ઉદ્યોગી મનુષ્યોને અવશ્ય આપવું જોઈએ, પણ ત્યાં એનુંપરિણામ તારે અધીન છે.’
| |
| પછી વણકર જાગ્યો અને પોતાની સુવર્ણની થેલી તપાસી તો ખાલી જોઈ. આથી તે સખેદ વિચાર કરવા લાગ્યો, ‘અહો! આ શું? મહાકષ્ટથી ઉપાર્જિત કરેલું ધન એકાએક ક્યાં ચાલ્યું ગયું? જેનો શ્રમ વ્યર્થ ગયો છે એવો હું અકિંચન સ્થિતિમાં પત્ની અને ંમિત્રોને શી રીતે મોં બતાવું?’ આ પ્રમાણે નિશ્ચય કરીને તે ફરી પાછો એ જ નગરમાં ગયો. ત્યાં એક વર્ષમાં પાંચસો સુવર્ણ ઉપાર્જન કરીને ફરી પાછો પોતાને સ્થાને જવા નીકળ્યો. અર્ધે રસ્તે તે અટવીમાં આવ્યો ત્યારે ભગવાન સૂર્ય અસ્ત પામ્યા. એટલે થાકેલો હોવા છતાં સુવર્ણનો નાશ થવાના ભયથી વિશ્રામ નહિ લેતાં કેવળ ઘેર જવાની ઉત્કંઠાથી તે સત્વર ચાલવા લાગ્યો. તે સમયે પહેલાંના જેવા જ બે પુરુષોને તેણે પોતાની દૃષ્ટિ સામે આવતા તથા વાત કરતા સાંભળ્યા. તેમાંના એકે કહ્યું, ‘હે કર્તા! તેં આને પાંચસો સુવર્ણ શા માટે આપ્યા? તું શું જાણતો નથી કે ભોજન અને વસ્ત્રથી વધારે કંઈ એના ભાગ્યમાં નથી?’ તે બોલ્યો, ‘હે કર્મ! ઉદ્યોગી જનોને તો મારે અવશ્ય આપવું જોઈએ. તેનું પરિણામ તારે અધીન છે. માટે મને શા માટે ઠપકો આપે છે?’ એ સાંભળીને સોમિલકે પોતાની થેલી તપાસી તો એમાં સુવર્ણ નહોતા. એથી અત્યંત દુઃખ પામેલો તે વિચાર કરવા લાગ્યો, ‘અહો! નિર્ધન એવા મારે જીવીને શું કામ છે? માટે આ વડના ઝાડ ઉપર ફાંસો ખાઈને હું પ્રાણત્યાગ કરું.’ એ પ્રમાણે નિશ્ચય કરીને દર્ભનું દોરડું બનાવી પોતાના કંઠમાં પાશ નાખી, શાખામાં તે બાંધી જ્યાં લટકવા જતો હતો ત્યાં આકાશમાં રહેલા એક પુરુષે તેને કહ્યું, ‘અરે, અરે સોમિલક! આ પ્રમાણે સાહસ ન કર, તારું ધન હરી લેનાર હું છું; અને તારી પાસે ભોજન ને વસ્ત્ર કરતાં એક કોડી પણ વધારે હોય એ હું સહન કરી શકું એમ નથી. માટે તું તારે ઘેર જા. વળી તારા સાહસથી હું સંતુષ્ટ થયો છું તેમ જ મારું દર્શન વ્યર્થ નહિ જાય. માટે તું ઇષ્ટ એવું કોઈ વરદાન માગ.’ સોમિલક બોલ્યો, ‘જો એમ હોય તો મને પુષ્કળ ધન આપો.’ તેણે કહ્યું, ‘અરે! ઉપભોગ વિનાના ધનને તું શું કરીશ? કારણ કે ભોજન અને વસ્ત્રથી અધિક પ્રાપ્તિ જ તારા ભાગ્યમાં નથી. કહ્યું છે કે
| |
| પથિકો જેનો વેશ્યાની જેમ સામાન્યપણે ઉપભોગ કરી શકતા ન હોય એવી કેવળ કુલવધૂ જેવી લક્ષ્મી શા કામની?’
| |
| સોમિલક બોલ્યો, ‘ભલે ઉપભોગ કરવાનું ન હોય, તો પણ મને ધન મળો. કહ્યું છે કે
| |
| જેની પાસે ધનનો સંચય હોય તે મનુષ્ય કૃપણ કે અકુલીન હોય તો પણ જગતમાં સદા આશ્રિત મનુષ્યો વડે સેવાય છે.
| |
| તેમ જ
| |
| ‘હે ભદ્રે! શિથિલ છતાં સારી રીતે વળગી રહેલા આ બે (માંસપિંડ) પડશે કે નહિ પડે?’ એ આશામાં મેં પંદર વર્ષ સુધી જોયાં કર્યા.’
| |
| પુરુષ બોલ્યો, ‘એ કેવી રીતે?’ સોમિલક કહેવા લાગ્યો —
| |
| === શિયાળ અને સાંઢ ===
| |
| ‘કોઈ એક સ્થાનમાં તીક્ષ્ણવિષાણ નામે મોટો સાંઢ રહેતો હતો. તે મદના અતિરેકથી પોતાના યૂથનો ત્યાગ કરીને, શિંગડાં વડે નદીના કિનારા ખોદી નાખતો, મરકત જેવાં કૂણાં ઘાસ સ્વેચ્છાપૂર્વક ખાતો અરણ્યમાં ફરવા લાગ્યો. હવે તે વનમાં પ્રલોભક નામે શિયાળ રહેતો હતો. તે એક વાર પોતાની પત્નીની સાથે નદીકિનારે સુખપૂર્વક બેઠો હતો, તે સમયે તીક્ષ્ણવિષાણ પાણી પીવા માટે તે જ કિનારા ઉપર આવ્યો, એટલે તેના લટકતા વૃષણ જોઈને શિયાળને કહ્યું, ‘સ્વામી! આ વૃષભના માંસપિંડ લટકે છે તે જુઓ. એક ક્ષણ અથવા પહોર પછી તે નીચે પડી જશે, એમ જાણીને તમારે તેની પાછળ જવું જોઈએ.’ શિયાળ બોલ્યો, ‘પ્રિયે! આનું પતન કદી પણ થશે કે નહિ તે કહી શકાય તેમ નથી. માટે તું મને વૃથા પરિશ્રમમાં શા માટે યોજે છે? પાણી પીવા આવતા ઉંદરોનું તારી સાથે અહીં બેસીને હું ભક્ષણ કરીશ, કેમ કે આ તેમનો આવવાનો માર્ગ છે. હવે જો તને મૂકીને આ તીક્ષ્ણવિષાણ વૃષભની પાછળ હું જઈશ તો બીજો કોઈ આ સ્થાન ઉપર આવીને બેસી જશે. માટે એમ કરવું યોગ્ય નથી. કહ્યું છે કે
| |
| ધ્રુવ વસ્તુઓનો ત્યાગ કરીને જે અધ્રુવ વસ્તુઓને સેવે છે તેની ધ્રુવ વસ્તુઓ નાશ પામે છે, અને અધ્રુવ તો નાશ પામેલી છે જ.
| |
| શિયાળણી બોલી, ‘તમે કાયર છો, કારણ કે જે કંઈ પ્રાપ્ત થાય છે તેનાથી સંતોષ પામો છો. કહ્યું છે કે
| |
| નાની નદી ઝટ ભરાઈ જાય છે, ઉંદરની અંજલિ ઝટ ભરાઈ જાય છે, અને સંતોષમાં રહેતો કાયર મનુષ્ય પણ અલ્પ વસ્તુથી તુષ્ટ થાય છે.
| |
| માટે પુરુષે સદા ઉત્સાહ રાખવો જોઈએ. કહ્યું છે કે
| |
| જ્યાં ઉત્સાહપૂર્વક આરંભ થાય છે, જ્યાં આળસનો ત્યાગ થાય છે અને જ્યાં નીતિ તથા પરાક્રમનો સંયોગ થાય છે ત્યાં લક્ષ્મી અવશ્ય નિશ્ચલ રહે છે. ‘દૈવ જ ખરું છે’ એમ વિચારીને પોતાના ઉદ્યમનો ત્યાગ કરવો નહિ; ઉદ્યમ વિના તલમાંથી તેલ પેદા થતું નથી.
| |
| વળી
| |
| જે મંદબુદ્ધિ મનુષ્ય થોડાથી જ સંતોષ માને છે તે ભાગ્યહીનને આપવામાં આવેલી લક્ષ્મી પણ ઘસાઈ જાય છે.
| |
| વળી તમે કહો છે કે ‘આ પડશે કે નહિ પડે?’ એ પણ અયોગ્ય છે કહ્યું છે કે
| |
| કૃતનિશ્ચય જનો વંદન કરવા યોગ્ય છે, માત્ર મોટાઈ કંઈ કામની નથી. ચાતક કેવો બિચારો — અલ્પ છે, પણ ઇન્દ્ર તેને માટે પાણી લાવવાનું કામ કરે છે. વળી ઉંદરના માંસ ઉપર મને અભાવ થયો છે. આ માંસપંડિ પડું પડું થઈ રહેલા જણાય છે, માટે તમારે સર્વથા બીજું કંઈ કરવું નહિ.’
| |
| એ સાંભળીને તે શિયાળ ઉંદર મળે એવી જગ્યા છોડીને તીક્ષ્ણવિષાણની પાછળ ગયો. અથવા આ ખરું કહ્યું છે કે
| |
| સ્ત્રીના વાક્યરૂપી અંકુશથી વીંધાઈને બળપૂર્વક પકડાયો ન હોય ત્યાં સુધી જ પુરુષ પોતાનાં કાર્યો સ્વતંત્ર રીતે કરવાને સમર્થ હોય છે. સ્ત્રીનાં વાકયથી પ્રેરાયેલો પુરુષ અકાર્યને કાર્ય, અગમ્યને ગમ્ય અને અભક્ષ્યને ભક્ષ્ય માને છે.
| |
| એ પ્રમાણે સાંઢની પાછળ ભાર્યાસહિત ભમતાં તેણે ઘણો કાળ ગાળ્યો, પણ તે માંસપિંડનું પતન થયું નહિ. પછી પંદરમા વર્ષે ખેદ પામીને શિયાળે પોતાની પત્નીને કહ્યું,
| |
| ‘હે ભદ્રે! શિથિલ છતાં સારી રીતે વળગી રહેલા આ બે (માંસપિંડ) ‘પડશે કે નહિ પડે?’ એવી આશામાં મેં પંદર વર્ષ સુધી જોયાં કર્યાં.
| |
| હવે પછી પણ તે પડશે નહિ. માટે આપણા તે જ સ્થાનમાં પાછાં જઈએ.’
| |
| પુરુષ બોલ્યો, ‘જો એમ છે તો ફરી વર્ધમાનપુરમાં જા. ત્યાં બે વાણિયા વસે છે. એક ગુપ્તધન (ધનનું રક્ષણ કરનાર) છે અને બીજો ઉપભુક્તધન (ધનનો ઉપભોગ કરનાર) છે. તે બન્નેનું સ્વરૂપ જાણીને તેઓમાંથી એકના જેવો થવાનું વરદાન માગજે. જો તને ઉપભોગ વિનાના ધનનું પ્રયોજન હશે તો હું તને ગુપ્તધન બનાવીશ, તથા દાન અને ઉપભોગમાં વપરાતા ધનનું પ્રયોજન હશે તો ઉપભુક્તધન બનાવીશ.’ એમ કહીને તે અદૃશ્ય થયો. વિસ્મિત મનવાળો સોમિલક પણ ફરી વાર વર્ધમાનપુર ગયો. પછી થાકેલો એવો તે સંધ્યા સમયે તે નગરમાં પહોંચ્યો અને ગુપ્તધનનું ઘર પૂછતો, મુશ્કેલીએ તે ખોળીને સૂર્ય આથમ્યો તે સમયે ઘરમાં ગયો. પત્ની અને પુત્ર સહિત ગુપ્તધને તિરસ્કાર કરવા છતાં હઠપૂર્વક ઘરમાં પેસીને બેઠો. પછી ભોજન સમયે તેને ભાવ વિનાનું કંઈક ખાવાનું આપવામાં આવ્યું. ખાઈને સૂઈ રહ્યા પછી મધ્ય રાત્રિએ જુએ છે તો એ જ બે પુરુષો પરસ્પર મંત્રણા કરતા હતા. એમાંનો એક બોલ્યો, ‘હે કર્તા! શું આ ગુપ્તધન માટે તેં બીજો અધિક ખર્ચ નિર્મિત કરેલો છે, કે જેથી તેણે સોમિલકને ભોજન આપ્યું? માટે આ તેં અયોગ્ય કર્યું.’ તે બોલ્યો, ‘હે કર્મ! એમાં મારો દોષ નથી. મારે તો મનુષ્યને લાભપ્રાપ્તિ આપવી જોઈએ. પણ તેનું પરિણામ તો તારે અધીન છે.’
| |
| પછી સવારે જ્યારે સોમિલક ઊઠ્યો ત્યારે ઝાડાથી પીડાતો ગુપ્તધન ક્ષણેક વાર વેદનાથી ત્રાસ પામ્યો. આ શરીરદોષને કારણે તેણે બીજે દિવસે ઉપવાસ કર્યો. સોમિલક પણ પ્રભાતે તેના ઘેરથી નીકળીને ઉપભુક્તધનને ઘેર ગયો. તેણે સામે આવીને સોમિલકનો સત્કાર કર્યો તથા ભોજન-વસ્ત્રાદિ વડે તેનું સન્માન કર્યું. પછી તેને ઘેર સુંદર શય્યામાં સોમિલક સૂઈ ગયો. પછી મધ્ય રાત્રિએ જુએ છે તો તે જ પુરુષો પરસ્પર વાર્તાલાપ કરતા હતા. અહીં તેમાંના એકે કહ્યું, ‘સોમિલક ઉપર ઉપકાર કરતાં આ ઉપભુક્તધને ઘણો વ્યય કર્યો છે. માટે કહે, હવે એનો ઉદ્ધાર કેવી રીતે થશે? આ બધું જ તેણે વાણિયાને ઘેરથી (દેવું કરીને) આણેલું છે.’ બીજો બોલ્યો, ‘હે કર્મ! એ મારું કાર્ય છે. તેનું પરિણામ તારે અધીન છે.’ પછી પ્રભાતમાં રાજપુરુષ રાજપ્રસાદરૂપ ધન લઈને આવ્યો અને તે ઉપભુક્તધનને આપ્યું, તે જોઈને સોમિલક વિચાર કરવા લાગ્યો, ‘સંગ્રહ વિનાનો હોવા છતાં આ ઉપભુક્તધન ઉત્તમ છે, પેલો ગુપ્તધન નહિ. કહ્યું છે કે
| |
| અગ્નિહોત્ર એ વેદનું ફળ છે, શીલ અને સદાચાર એ શાસ્ત્રનું ફળ છે, રતિ અને પુત્ર એ સ્ત્રીનું ફળ છે, તથા દાન અને ઉપભોગ એ ધનનું ફળ છે.
| |
| માટે વિધાતા મને ઉપભુક્તધન બનાવો. મારે ગુપ્તધન બનવાનું કામ નથી.’
| |
| પછી સોમિલક ધનનું દાન અને ઉપભોગ કરનારો થયો.
| |
| === કાગડા અને ઘુવડ વચ્ચેના વેરની પૂર્વકથા ===
| |
| એક સમયે હંસ, પોપટ, બગલો, કોયલ, ચાતક, ઘુવડ, મોર, કપોત, પારેવો, કૂકડો વગેરે સર્વ પક્ષીઓ એકત્ર થઈને ઉદ્વેગપૂર્વક વિચાર કરવા લાગ્યાં, ‘અહો! ગરુડ આપણો રાજા છે, પણ એ તો શ્રીવાસુદેવની સેવામાં આસક્ત થયેલો હોવાથી આપણી કંઈ ચિન્તા કરતો નથી. માટે એ વૃથા સ્વામીથી શું, કે જે પારધીના પાશથી નિત્ય વધ પામતાં એવાં આપણી રક્ષા કરતો નથી? કહ્યું છે કે
| |
| ત્રાસ પામેલાં તથા બીજાઓ વડે પીડાતાં પ્રાણીઓની જે સદા રક્ષા કરતો નથી તે રાજાના રૂપમાં કાળ છે, એમાં સંશય નથી. સારી રીતે દોરનાર — નેતા — એવો રાજા જો ન હોય તો, કર્ણધાર વિનાની નૌકાની જેમ, મનુષ્યો નાશ પામે. ઉપદેશ નહિ આપનાર આચાર્ય, અધ્યયન નહિ કરનાર ઋત્વિજ, રક્ષણ નહિ કરનારા રાજા, અપ્રિય બોલનાર પત્ની, ગામમાં રહેવા ઇચ્છતો ગોવાળ અને વનમાં રહેવા ઇચ્છતો વાળંદ — એ છનો મનુષ્યે, સમુદ્રમાં ભાંગી ગયેલા વહાણની જેમ, ત્યાગ કરવો.
| |
| માટે વિચાર કરીને બીજા કોઈને પક્ષીઓનો રાજા કરવો જોઈએ.’ પછી તે સર્વેએ ભદ્ર આકારવાળા ઘુવડને જોઈને કહ્યું કે, ‘આ ઘુવડ આપણો રાજા થશે. માટે રાજાના અભિષેકને લગતી સામગ્રી લાવો.’ પછી વિવિધ તીર્થનાં જળ લાવવામાં આવ્યાં, એકસો આઠ ઔષધિનાં મૂળિયાંની સામગ્રી તૈયાર કરવામાં આવી, સિંહાસન લાવવામાં આવ્યું, સાત દ્વીપવાળી પૃથ્વીનું મંડળ ચીતરવામાં આવ્યું, વ્યાઘ્રચર્મ પાથરવામાં આવ્યું, સુવર્ણના ઘડા ભરવામાં આવ્યા; દીપ, વાદ્ય અને દર્પણાદિ માંગલિક વસ્તુઓ તૈયાર કરવામાં આવી, મુખ્ય બંદીજનો સ્તુતિપાઠ કરવા લાગ્યા, બ્રાહ્મણો એક અવાજે વેદોચ્ચાર કરવામાં પરાયણ થયા, યુવતીઓ ગીત ગાવા લાગી અને પટરાણી કૃકાલિકાને લાવવામાં આવી તે સમયે, ઘુવડ અભિષેકને માટે સિંહાસન ઉપર બેસવા જતો હતો ત્યારે ક્યાંકથી કાગડો આવ્યો. તેણે વિચાર્યું, ‘પક્ષીઓનો આ મેળો અને મહોત્સવ શેનો છે?’ પછી એ પક્ષીઓ તેને જોઈને પરસ્પર કહેવાં લાગ્યાં, ‘પક્ષીઓમાં કાગડો ચતુર હોય છે એમ સંભળાય છે. કહ્યું છે કે
| |
| મનુષ્યોમાં વાળંદ, પક્ષીઓમાં કાગડો, દાઢવાળાં પ્રાણીઓમાં શિયાળ, અને તપસ્વીઓમાં શ્વેતભિક્ષુ ધૂર્ત હોય છે.
| |
| માટે એનું વચન ગ્રહણ કરવું જોઈએ. કહ્યું છે કે
| |
| વિદ્વાનોએ ઘણી વાર એ ઘણાની સાથે ચર્ચેલા તથા સારી રીતે યોજેલ અને વિચારેલ નયો — યોજનાઓને કોઈ રીતે નિષ્ફ્ળતા મળતી નથી.
| |
| પછી કાગડાએ આવીને તે કહ્યું, ‘મહાજનોનું આ સંમેલન તથા પરમ મહોત્સવ શા માટે છે?’ તેઓ બોલ્યાં, ‘અરે! પક્ષીઓનો કોઈ રાજા નથી, માટે સર્વ પક્ષીઓએ આ ઘુવડનો પક્ષીઓના રાજા તરીકે અભિષેક કરવાનું ઠરાવ્યું છે, તેથી તું પણ તારો અભિપ્રાય આપ. યોગ્ય સમયે તું આવ્યો છે.’ પછી એ કાગડાએ હસીને કહ્યું, ‘અહો! મયૂર, હંસ, કોકિલ, ચક્રવાક, પોપટ, હારીત, સારસ આદિ મુખ્ય પક્ષીઓ વિદ્યમાન હોવા છતાં દિવસ-અંધ અને કરાલ મુખવાળા આ ઘુવડનો અભિષેક કરવામાં આવે છે એ યોગ્ય નથી. માટે એમાં મારો મત નથી. કેમ કે
| |
| આ દિવસ-અંધ ઘુવડ કોપાયમાન થયેલો નહિ હોવા છતાં વાંકા નાકવાળો, આકરી આંખવાળો, ભયંકર, અને અપ્રિય દેખાવવાળો છે, તો એ કોપાયમાન થાય ત્યારે કેવો લાગશે?
| |
| તેમ જ
| |
| સ્વભાવથી જ ભયંકર, અતિ ઉગ્ર, ક્રૂર અને અપ્રિય દેખાવવાળા ઘુવડને રાજા બનાવવાથી આપણને શી સિદ્ધિ મળવાની છે?
| |
| વળી ગરુડ આપણા સ્વામી હોવા છતાં આ દિવસ-અંધને શા માટે સ્વામી કરવામાં આવે છે? તે કદાચ ગુણવાન હોય તો પણ એક રાજા હોવા છતાં બીજો રાજા બનાવવાનુંપ્રશંસાપાત્ર ગણાતું નથી.
| |
| એક જ તેજસ્વી રાજા પૃથ્વીને માટે હિતકારી થાય છે; પ્રલયકાળના સૂર્યોની જેમ અહીં ઘણા રાજાઓ તો વિપત્તિકારણ થઈ પડે છે.
| |
| વળી તમે તેનું — ગરુડનું માત્ર નામ લઈને પણ શત્રુઓથી અજેય થશો. કહ્યું છે કે
| |
| દુષ્ટોની આગળ પોતાના સ્વામી તરીકે મોટા પુરુષોનું નામમાત્ર પણ લેવાથી તે જ ક્ષણે કલ્યાણ થાય છે.
| |
| તેમ જ
| |
| મોટાનું નામ લેવાથી પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ચંદ્રનું નામ લેવાથી સસલાં સુખપૂર્વક વસે છે.’
| |
| તેઓ બોલ્યાં, ‘એ કેવી રીતે’ કાગડો કહેવા લાગ્યો —
| |
| === હાથી, સસલાં અને ચંદ્ર ===
| |
| ‘કોઈ એક વનમાં ચતુર્દન્ત નામનો યૂથપતિ ગજરાજ વસતો હતો. ત્યાં એક વાર ઘણાં વર્ષ સુધી મોટી અનાવૃષ્ટિ થઈ. તેને કારણે તળાવ, ધરા, તળાવડીઓ અને સરોવરોનાં પાણી સુકાઈ ગયાં, એટલે તે સર્વ હાથીઓએ એ ગજરાજને કહ્યું, ‘દેવ! બચ્ચાં તરસથી વ્યાકુળ થઈને મરણતોલ થયાં છે, અને કેટલાંક તો મરણ પણ પામ્યાં છે. માટે કોઈ જળાશય શોધી કાઢો કે જ્યાં જળપાન કરીને તેઓ સ્વસ્થ થાય.’ પછી ઘણી વાર સુધી વિચાર કરીને તેણે કહ્યું, ‘એક એકાન્ત પ્રદેશની વચમાં પાતાળગંગાનાં પાણીથી સર્વ કાળ પૂર્ણ એવો એક ધરો છે. માટે તમે ત્યાં ચાલો.’ એ પ્રમાણે પાંચ રાત્રિ સુધી ચાલ્યા પછી તેઓ તે ધરા પાસે પહોંચ્યા. તે પાણીમાં સ્વેચ્છાપૂર્વક સ્નાન કર્યા પછી સૂર્યાસ્ત વેળાએ તેઓ બહાર નીકળ્યા. તે ધરાની આસપાસ સુકોમળ ભૂમિ ઉપર સસલાંનાં અસંખ્ય દર આવેલાં હતાં. આમતેમ ભમતા તે સર્વે હાથીઓએ તે દર ભાંગી નાખ્યાં, ઘણાં સસલાંના પગ, માથું અને ગરદન ભાંગી ગયાં, કેટલાંક મરણ પામ્યાં, તથા કેટલાંક મરણતોલ થઈ ગયાં.
| |
| પછી હાથીઓનું એ યૂથ ચાલ્કહ્યું ગયું, એટલે જેમનાં દર હાથીઓના પગ વડે ભાંગી ગયાં હતાં એવાં, ઉદ્વેગપૂર્ણ, જે પૈકી કેટલાંકના પગ ભાંગી ગયાં હતાં, કેટલાંકનાં શરીર જર્જરિત થઈ ગયાં હતાં, કેટલાંક લોહીલુહાણ થયાં હતાં, તથા જે પૈકી કેટલાંકનાં બચ્ચાં મરણ પામ્યાં હતાં અને જેમની આંખો અશ્રુથી ભરાઈ ગઈ હતી એવાં તે સસલાં એકત્ર થઈને પરસ્પર વિચાર કરવા લાગ્યાં, ‘અહો! આપણે નાશ પામ્યાં! આ હાથીનું યૂથ નિત્ય આવશે, કારણ કે બીજે ક્યાંય પાણી નથી, માટે સર્વનો નાશ થઈ જશે. કહ્યું છે કે
| |
| હાથી સ્પર્શ કરતાં પણ નાશ કરે છે, સર્પ સૂંઘતાં પણ નાશ કરે છે, રાજા હસતાં પણ નાશ કરે છે, અને દુર્જન માન આપતાં પણ નાશ કરે છે.
| |
| માટે આનો કોઈ ઉપાય વિચારો.’ એટલે તેમાંનો એક સસલો બોલ્યો, ‘દેશત્યાગ કરીને ચાલ્યા જાઓ; બીજું શું? મનુ અને વ્યાસે પણ કહ્યું છે કે
| |
| કુળને માટે એકનો ત્યાગ કરવો, ગામને માટે કુળનો ત્યાગ કરવો, દેશને માટે ગામનો ત્યાગ કરવો, પોતાના માટે પૃથ્વીનો ત્યાગ કરવો.
| |
| મનુ કહે છે કે
| |
| ક્ષેમકારી, નિત્ય ધાન્ય આપનારી અને પશુઓની વૃદ્ધિ કરનારી ભૂમિનો પણ રાજાએ, પોતાના રક્ષણને માટે, કંઈ પણ વિચાર કર્યા વિના ત્યાગ કરવો. આપત્તિને માટે ધનની રક્ષા કરવી, ધન વડે સ્ત્રીઓની રક્ષા કરવી, તથા ધનથી અને સ્ત્રીઓથી સતત પોતાની રક્ષા કરવી.’
| |
| પછી બીજાં સસલાં બોલ્યાં, ‘અરે! પિતા અને પિતામહોના સ્થાનનો એકાએક ત્યાગ થઈ શકે નહિ. માટે હાથીઓને કોઈ એવો ભય દર્શાવો, કે જેથી તેઓ દૈવયોગે કોઈ રીતે અહીં આવે નહિ, કહ્યું છે કે
| |
| વિષ વિનાના સર્પે પણ મોટી ફેણ કરવી જોઈએ; ઝેર હોય કે નહિ, પણ ફેણનો આડંબર ભયંકર લાગે છે.’
| |
| એટલે વળી બીજાં બોલ્યાં, ‘જો એમ હોય તો તેમને ડરાવવા માટે એક મોટો ઉપાય છે, જેથી તેઓ અહીં આવશે નહિ. પણ ભય પમાડવાનો તે ઉપાય ચતુર દૂતથી થઈ શકે એમ છે. આપણો સ્વામી વિજયદત્ત નામે રાજા ચંદ્રના બિંબમાં રહે છે; માટે કોઈ મિથ્યા દૂતને યૂથપતિ પાસે મોકલીને કહો કે, ‘ચન્દ્ર આ ધરામાં આવવાની તને મનાઈ કરે છે, કેમ કે મારો (ચંદ્રનો) પરિવાર તેની આસપાસ વસે છે.’ એમ કહેવામાં આવતાં, શ્રદ્ધા રાખવા લાયક વચનોને કારણે કદાચ તે પાછો વળી જશે.’ એટલે બીજાં બોલ્યાં, ‘જો એમ હોય તો, લંબકર્ણ નામે સસલો છે, તે વચનોની રચનામાં ચતુર તથા દૂતના કાર્યને જાણનારો છે. તેને ત્યાં મોકલો. કહ્યું છે કે
| |
| સ્વરૂપવાન, નિઃસ્પૃહ, વાક્ચાતુર્યવાન, વિવિધ શાસ્ત્રોમાં વિચક્ષણ અને બીજાનું ચિત્ત જાણનાર મનુષ્યને રાજાના દૂત તરીકે ઇષ્ટ ગણવામાં આવે છે.
| |
| વળી
| |
| મૂર્ખ, લોભી અને વિશેષે કરી મિથ્યા વચનો બોલનારને જે દૂત તરીકે મોકલે છે તેનું કાર્ય સિદ્ધ થતું નથી.
| |
| માટે આ સંકટમાંથી મુક્ત થવા ઇચ્છતા હો તો એવા દૂતને શોધી કાઢો.’ પછી બીજાઓએ કહ્યું, ‘અહો! એ યોગ્ય છે. આપણા જીવિત માટે બીજો કોઈ ઉપાય નથી. એ પ્રમાણે જ કરો.’
| |
| પછી લંબકર્ણને હાથીઓના યૂથના અધિપતિ પાસે મોકલવા માટે નક્કી કરવામાં આવ્યો અને તે ગયો. એમ કર્યા પછી લંબકર્ણે પણ હાથીના આવવાના માર્ગ ઉપર જઈ, તે પહોંચી શકે નહિ એવા સ્થાન ઉપર ચડી તે હાથીને કહ્યું, ‘અરે! અરે! દુષ્ટ હાથી! આ પ્રમાણે નિ:શંકપણે લીલા કરતો તું આ ચંદ્રહદમાં શા માટે આવે છે? તારે અહીં આવવું નહિ; પાછો વળ.’ તે સાંભળીને વિસ્મય પામેલા મનવાળો હાથી બોલ્યો, ‘અરે! તું કોણ છે?’ તે બોલ્યો, ‘હું વિજયદત્ત નામે સસલો છું અને ચંદ્રના બિંબમાં વસું છું. અત્યારે ભગવાન ચંદ્રમાએ, તેમનું વચન શ્રદ્ધા રાખવા લાયક હોઈ, મને તારી પાસે મોકલ્યો છે.’ તે સાંભળીને એ હાથી બોલ્યો, ‘હે સસલા! ભગવાન ચંદ્રમાનો સંદેશ કહે, જેથી હું સત્વર તે કરું.’ તે બોલ્યો, ‘તેં ગઈ કાલે યૂથની સાથે અહીં આવીને ઘણાં સસલાંનો નાશ કર્યો છે. તો તું શું એ જાણતો નથી કે આ મારો પરિવાર છે? માટે જો તારે જીવવાનું પ્રયોજન હોય તો કોઈ પણ કારણસર તારે આ ધરામાં આવવું નહિ, એવો તેમનો સંદેશ છે.’ હાથી બોલ્યો, ‘તારા સ્વામી ભગવાન ચંદ્ર ક્યાં છે?’ તે બોલ્યો, ‘તારા યૂથે મારી નાખેલાં અને મરતાં બાકી રહેલાં સસલાંના આશ્વાસન માટે અત્યારે તેઓ એ ઘરમાં આવીને રહેલા છે; અને મને તારી પાસે મોકલ્યો છે.’ હાથી બોલ્યો, ‘જો એમ હોય તો મને તે સ્વામીનું દર્શન કરાવ, જેથી તેમને પ્રણામ કરીને અમે અન્યત્ર જઈએ.’ સસલો બોલ્યો, ‘અરે! તું મારી સાથે એકલો આવ, એટલે દર્શન કરાવું.’ એમ કર્યા પછી રાત્રિના સમયે સસલાએ તે હાથીને ધરાના કિનારે લઈ જઈને જળમાં રહેલું ચંદ્રનું બિંબ બતાવ્યું અને કહ્યું, ‘અરે! આ અમારા સ્વામી જળની અંદર સમાધિમાં રહેલા છે. માટે તેમને શાંતિથી પ્રણામ કરીને ચાલ્યો જા. નહિ તો સમાધિનો ભંગ થતાં તેઓ ફરી વાર ભારે કોપ કરશે.’ એટલે હાથી પણ મનમાં ભય પામીને તેને પ્રણામ કરીને પાછો જવા માટે નીકળ્યો. અને સસલાં તે દિવસથી માંડીને પરિવાર સહિત પોતપોતાનાં સ્થાનોએ સુખપૂર્વક રહેવા લાગ્યાં.
| |
| તેથી હું કહું છું કે —- મોટાનું નામ લેવાથી પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે; ચંદ્રનું નામ લેવાથી સસલાં સુખપૂર્વક વસે છે.
| |
| તેમ જ
| |
| નીચ ન્યાયાધીશ પાસે જઈને ન્યાય કરાવવાને તત્પર થયેલા સસલો અને કપિંજલ બન્ને પૂર્વે નાશ પામ્યા હતા.’
| |
| તે પક્ષીઓ બોલ્યાં, ‘એ કેવી રીતે?’ તે કાગડો કહેવા લાગ્યો —
| |
| === સસલા અને ચકલાનો ન્યાય કરનારા બિલાડો ===
| |
| ‘પૂર્વે કોઈ એક વૃક્ષમાં હું રહેતો હતો. તેની નીચે આવેલી બખોલમાં કપિંજલ નામે ચકલો રહેતો હતો. દરરોજ સૂર્યાસ્ત વેળાએ પાછા આવતાં અમારો બંનેનો સમય અનેક સુભાષિતોની ગોષ્ઠિમાં તથા દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને રાજર્ષિઓનાં પ્રાચીન ચરિત્રોનું કીર્તન કરતાં તેમ જ પર્યટનમાં અનેક કુતૂહલોની વાતો કહેવામાં પરમ સુખ અનુભવતાં વીતતો હતો. હવે, એક વાર તે કપિંજલ બીજાં ચકલાંની સાથે ચારો ચરવા માટે પાકેલી શાળવાળા બીજા દેશમાં ગયો. પછી જ્યારે રાત્રિનો સમય થવા છતાં તે આવ્યો નહિ ત્યારે મનમાં ઉદ્વેગ પામીને, તેના વિયોગથી દુઃખી થઈને હું વિચાર કરવા લાગ્યો, ‘અહો! આજે કપિંજલ કેમ ન આવ્યો? શું કોઈએ તેને પાશમાં બાંધ્યો હશે? કે પછી કોઈએ તેનો વધ કર્યો હશે? જો તે સર્વથા કુશળ હોય તો મારા વિના રહે નહિ.’ મને આમ વિચાર કરતાં ઘણા દિવસ વીતી ગયા.
| |
| પછી એક વાર સૂર્યાસ્ત વેળાએ શીઘ્રગ નામે સસલો આવીને તે બખોલમાં પ્રવેશ્યો. મેં પણ કપિંજલની આશા છોડી દીધી હોવાથી તેને અટકાવ્યો નહિ. પછી એક દિવસે શાળના ભક્ષણથી પુષ્ટ થયેલા શરીરવાળો કપિંજલ પોતાના માળાનું સ્મરણ કરીને ફરી પાછો ત્યાં આવ્યો. અથવા આ ખરું કહ્યું છે કે
| |
| દેહધારીઓને દરિદ્રાવસ્થામાં પણ પોતાના દેશમાં, પોતાના નગરમાં અને પોતાના ઘરમાં જેવું સુખ મળે છે તેવું સુખ સ્વર્ગમાં પણ મળતું નથી.
| |
| પછી બખોલમાં રહેલા સસલાને જોઈને તે તિરસ્કારપૂર્વક બોલ્યો, ‘અરે! આ તો મારું ઘર છે. માટે તું જલદી બહાર નીકળ.’ સસલો બોલ્યો, ‘આ ઘર તારું નથી, પણ મારું છે. માટે શા માટે કઠોર વચનો બોલે છે? કહ્યું છે કે
| |
| વાવ, કૂવો, તળાવ, દેવાલય અને વૃક્ષોનો એક વાર ત્યાગ કરી દીધા પછી તેના ઉપર સ્વામિત્વ કરી શકાતું નથી.
| |
| તેમ જ
| |
| ઘર વગેરેનો દસ વર્ષ સુધી જેણે કોઈની સમક્ષ ભોગવટો કર્યો હોય તેનો એ ભોગવટો એ વિષયમાં (માલિકીહક નક્કી કરવાની બાબતમાં) પ્રમાણભૂત ગણાય છે; સાક્ષી અને લેખપત્ર પ્રમાણભૂત ગણાતા નથી. આ ન્યાય મનુષ્યોને માટે મુનિઓએ કહ્યો છે; પશુઓ અને પક્ષીઓની બાબતમાં જ્યાં સુધી તેમનાં બચ્ચાં રહેતાં હોય ત્યાં સુધી એ સ્થાન ઉપર તેમનું સ્વામિત્વ ગણાય છે.
| |
| માટે આ મારું ઘર છે, તારું નથી.’ કપિંજલ બોલ્યો, ‘અરે! જો તું ધર્મશાસ્ત્રને પ્રમાણભૂત ગણતો હોય તો મારી સાથે આવ, જેથી આપણે કોઈ ધર્મશાસ્ત્રજ્ઞને પૂછી જોઈએ. તે આ બખોલ જેને આપે તેણે લેવી.’ તેઓએ આ પ્રમાણે નક્કી કર્યું એટલે મેં પણ વિચાર્યું, ‘આ વિષયમાં શું થશે? મારે પણ આ ન્યાય જોવો જોઈએ.’ પછી હું પણ કૌતુકથી તેમની પાછળ નીકળ્યો.
| |
| એ સમયે તીક્ષ્ણદંષ્ટ્ર નામે જંગલી બિલાડો તેમનો વિવાદ સાંભળીને માર્ગમાં આવેલી નદીના કિનારા ઉપર પહોંચી જઈને, હાથમાં દર્ભ લઈ, એક આંખ મીંચી દઈ, હાથ ઊંચા કરી, પગના ફણા ઉપર ઊભો રહી, સૂર્યાભિમુખ થઈ આ પ્રમાણે ધર્મોપદેશ કરવા લાગ્યો, ‘અહો! આ સંસાર અસાર છે, જીવન ક્ષણભંગુર છે, પ્રિયજનોનો સમાગમ સ્વપ્ન સમાન છે. અને કુટુંબીજનોનો પરિવાર ઇન્દ્રજાળ સમાન છે. માટે ધર્મ વિના બીજો કોઈ આધાર નથી. કહ્યું છે કે
| |
| જેના દિવસો ધર્મકાર્ય વિના આવે છે અને જાય છે તે, લુહારની ધમણની જેમ, શ્વાસ લેતો હોવા છતાં જીવતો નથી. કૂતરાની પૂંછડી જેમ ગુહ્ય ભાગને ઢાંકતી નથી અને ડાંસ તથા મચ્છરનું પણ નિવારણ કરતી નથી તેમ ધર્મ વિનાનું પાંડિત્ય પણ પાપ દૂર કરવાને અસમર્થ હોઈ નિરર્થક છે.
| |
| વળી
| |
| જેઓ ધર્મને મૂલ તત્ત્વ માનતા નથી તેઓ ધાન્યોમાં પુલાક (તુચ્છ ધાન્ય) જેવા, પાંખવાળાં પ્રાણીઓમાં કૂતિકા — ઝીણી મધમાખ જેવા અને મર્ત્યોમાં મચ્છર જેવા (અધમ) છે. પુષ્પ અને ફળ એ વૃક્ષનુંશ્રેય છે, ઘીને દહીંનું શ્રેય કહેલું છે, તેલ એ ખોળનું શ્રેય છે, ધર્મ એ મનુષ્યત્વનું શ્રેય છે. ધર્મહીન પુરુષોને પશુઓની જેમ કેવળ મળમૂત્ર કરવા માટે, આહાર માટે ને બીજાઓની સેવા માટે સર્જ્યા છે. નીતિશાસ્ત્રના પંડિત સર્વ કાર્યો સ્થિરતાપૂર્વક કરવાનું પ્રશંસાપાત્ર ગણે છે, પણ ધર્મકાર્યોમાં અનેક વિઘ્નો આવતાં હોવાથી તે ત્વરિત ગતિથી કરવાનું કહે છે. હે મનુષ્યો! હું તમને સંક્ષેપમાં ધર્મ કહું છું, વિસ્તાર કરવાથી શું? પરોપકારથી પુણ્ય થાય છે અને બીજાને પીડા કરવાથી પાપ થાય છે. તમે ધર્મનું સર્વસ્વ સાંભળો અને સાંભળીને હૃદયમાં ધારણ કરો: જે વસ્તુઓ પોતાને પ્રતિકૂળ હોય તે પારકાની બાબતમાં પણ આચરવી નહિ.’
| |
| પછી તેનો આ ધર્મોપદેશ સાંભળીને સસલો બોલ્યો, ‘હે કપિંજલ! આ ધર્મવાદી તપસ્વી નદીકિનારે બેઠેલા છે, માટે તેમને જઈને પૂછીએ.’ કપિંજલે કહ્યું, ‘ખરેખર, સ્વભાવથી જ તે આપણો શત્રુ છે, માટે દૂર ઊભા રહીને પૂછીએ, કદાચ તેના વ્રતમાં ભંગ થાય.’ પછી દૂર ઊભા રહીને તે બન્ને બોલ્યા, ‘હે ધર્મોપદેશક તપસ્વી! અમો બન્ને વચ્ચે વિવાદ થયો છે. માટે ધર્મશાસ્ત્રાનુસાર અમને નિર્ણય આપો. અમારામાંથી જે હીનવાદી હોય — જેનું કહેવું ખોટું હોય તેનું તમારે ભક્ષણ કરવું.’ તે બોલ્યો, ‘હે ભદ્રો! એમ ન બોલો. નરકના માર્ગરૂપ હિંસાકાર્યથી હું વિરક્ત થયો છું. અહિંસા જ ધર્મનો માર્ગ છે. કહ્યું છે કે
| |
| સત્પુરુષોએ અહિંસાને ધર્મનું મૂળ કહી છે, તેથી જૂ, માકણ, ડાંસ આદિની પણ હિંસા કરવી નહિ. જે નિર્દય મનુષ્ય હિંસક પ્રાણીઓની પણ હિંસા કરે છે તે ઘોર નરકમાં પડે છે, તો પછી જે શુભ પ્રાણીઓની હિંસા કરે છે તેની બાબતમાં કહેવું જ શું?
| |
| વળી પેલા જે યાજ્ઞિકો પણ યજ્ઞકર્મમાં પશુઓની હિંસા કરે છે તેઓ મૂર્ખ છે. તેઓ શ્રુતિના પરમાર્થને જાણતા નથી. શ્રુતિમાં કહ્યું છે કે, ‘અજ વડે યજ્ઞ કરવો.’ ‘અજનો અર્થ પશુવિશેષ — બકરો નથી, પણ સાત વર્ષની ડાંગરને ‘અજ’ કહેવામાં આવે છે. કહ્યું છે કે
| |
| વૃક્ષોને કાપીને, પશુઓને મારીને તથા રુધિરનો કાદવ કરીને જો સ્વર્ગમાં જઈ શકાતું હોય તો પછી નરકમાં કોણ જતું હશે?
| |
| માટે હું તમારું ભક્ષણ કરીશ નહિ, પણ જયપરાજયનો નિર્ણય કરીશ. પરન્તુ હું વૃદ્ધ હોવાને કારણે દૂરથી બરાબર સાંભળી શકતો નથી. એમ જાણીને તમે મારી પાસે આવીને તમારો વિવાદ કહો, જેથી સાચી હકીકત જાણીને વિવાદનો નિર્ણય હું આપું. એટલે પરલોકમાં મારી દુર્ગતિ ન થાય. કહ્કહ્યું છે કે
| |
| જે પુરુષ માનથી, લોભથી, ક્રોધથી અથવા ભયથી ખોટો ન્યાય કરે છે તે નરકમાં જાય છે.
| |
| તેમ જ
| |
| અશ્વની બાબતમાં ખોટી સાક્ષી (અથવા ખોટો નિર્ણય) આપનાર એક પ્રાણીની હિંસા કરે છે (અર્થાત્ તેને એક પ્રાણીની હિંસાનું પાપ લાગે છે), ગાયની બાબતમાં ખોટી સાક્ષી (અથવા ખોટો નિર્ણય) આપનાર દસ પ્રાણીઓની હિંસા કરે છે, કન્યાની બાબતમાં ખોટી સાક્ષી (અથવા ખોટો નિર્ણય) આપનાર સો પ્રાણીઓની હિંસા કરે છે, અને પુરુષની બાબતમાં ખોટી સાક્ષી (અથવા ખોટો નિર્ણય) આપનાર હજાર પ્રાણીઓની હિંસા કરે છે. સભાની મધ્યમાં બેસીને જે સ્ફુટ વચન બોલતો નથી તેનો દૂરથી જ ત્યાગ કરવો. અથવા તેણે જલદીથી ન્યાયી નિર્ણય આપવો જોઈએ.
| |
| માટે તમે વિશ્વાસ રાખીને તમારો વાદ મારા કાનમાં નિવેદન કરો.’ વધારે શું કહું? એ નીચ બિલાડાએ તે બન્ને બુદ્ધિહીનોને એટલા વિશ્વાસમાં લીધા કે તેઓ તેના ખોળામાં બેસી ગયા. પછી તેણે એકીસાથે એકને પગથી અને બીજાને દાંતરૂપી કરવતથી પકડી પાડ્યો. પછી તેઓ મરણ પામ્યા, એટલે તેમને ખાઈ ગયો.
| |
| તેથી હું કહું છું કે — નીચ ન્યાયાધીશ પાસે જઈને ન્યાય કરાવવાને તત્પર થયેલા સસલો અને કપિંજલ બન્ને પૂર્વે નાશ પામ્યા હતા.
| |
| માટે રાત્રિ-અંધ એવા તમે પણ આ દિવસ-અંધ ઘુવડને રાજા બનાવીને સસલા અને કપિંજલને માર્ગે જશો. આમ સમજીને જે યોગ્ય લાગે તે કરો.’
| |
| પછી તેનું એ વચન સાંભળીને, ‘એણે ઠીક કહ્યું’ એમ કહીને, ‘આપણે રાજા નક્કી કરવા માટે ફરી વાર એકત્ર થઈશું.’ એમ બોલતાં પક્ષીઓ પોતપોતાની ઇચ્છા પ્રમાણે ચાલ્યાં ગયાં. રાજ્યાભિષેક માટે કૃકાલિકાની સાથે ભદ્રાસન ઉપર બેઠેલો એક માત્ર દિવસ-અંધ ઘુવડ બાકી રહ્યો. પછી તેણે કહ્યું,‘અહીં કોણ છે? અરે! હજી પણ કેમ મારો અભિષેક કરવામાં આવતો નથી?’ એટલે કૃકાલિકાએ કહ્યું, ‘ભદ્ર! કાગડાએ તમારા અભિષેકમાં વિઘ્ન કર્યું છે. તે પક્ષીઓ મનફાવતી દિશામાં ચાલ્યાં ગયાં છે; માત્ર એક આ કાગડો જ કોઈ કારણથી બેસી રહ્યો છે, માટે તમે ઊભા થાઓ, એટલે તમને તમારા નિવાસસ્થાને પહોંચાડું.’ તે સાંભળીને ઘુવડ વિષાદપૂર્વક બોલ્યો, ‘હે દુરાત્મા! મેં તારા ઉપર શો અપકાર કર્યો છે, જેથી તેં મારા રાજ્યાભિષેકમાં વિઘ્ન કર્યું? માટે આજથી આપણું વંશપરંપરાનું વેર થયું છે. કહ્યું છે કે
| |
| બાણથી વીંધાયેલું અને પરશુથી કપાયેલું વન ફરી ઊગે છે, પણ હલકાં વચન બોલવાથી થયેલો વાણીનો ભયંકર ઘા રુઝાતો નથી.’
| |
| એમ કહીને કૃકાલિકાની સાથે તે પોતાના નિવાસસ્થાને ગયો. પછી ભયથી વ્યાકુળ થયેલો કાગડો વિચાર કરવા લાગ્યો, ‘અહો! અકારણે વેર કરતો એવો હું આ શું બોલ્યો?…’ એમ કહીને કાગડો પણ પોતાના સ્થાને ગયો.
| |
| === પ્રત્યુત્તર આપતી ગુફા અને શિયાળ ===
| |
| કોઈ એક વનપ્રદેશમાં ખરનખર નામે સિંહ રહેતો હતો. એક વાર આમતેમ ભમતાં ભૂખ્યા થયેલા તેને કોઈ પ્રાણી મળ્યું નહિ. પછી સૂર્યાસ્ત કાળે એક મોટી ગુફા પાસે આવી પહોંચી, તેમાં પ્રવેશ કરી તે વિચારવા લાગ્યો, ‘નક્કી, રાત્રે આ ગુફામાં કોઈ પ્રાણી આવશે, માટે છાનોમાનો બેસું.’ એ પ્રમાણે તે ત્યાં બેઠો, એટલામાં અધિપુચ્છ નામનો એ ગુફાનો સ્વામી શિયાળ આવ્યો. તે જુએ છે તો સિંહનાં પગલાં ગુફામાં પ્રવેશેલાં હતાં, પણ બહાર નીકળેલાં નહોતાં. તેથી તે વિચાર કરવા લાગ્યો, ‘અહો! મારો વિનાશ આવી પહોંચ્યો છે. નક્કી આ ગુફાની અંદર સિંહ હોવો જોઈએ. માટે શું કરું? કેવી રીતે જવું?’ એ પ્રમાણે વિચાર કરીને તે દ્વાર આગળ જ ફૂંફાડા મારવા લાગ્યો. ‘અહો! ગુફા રે!’ એમ બોલીને તે ફરી વાર પણ કહેવા લાગ્યો, ‘અરે! તું શું નથી જાણતી કે તારી સાથે મારે સંકેત થયેલો છે? — જ્યારે હું બહારથી આવું ત્યારે મારે તને બોલાવવી અને તારે મને બોલાવવો. માટે જો તું નહિ બોલાવે તો હું બીજી ગુફામાં જઈશ.’ સિંહે પણ તે સાંભળીને વિચાર્યું, ‘ખરેખર, જ્યારે તે હંમેશ આવતો હશે ત્યારે આ ગુફા તેને બોલાવતી હશે. પણ આજે તે મારા ભયથી કંઈ બોલતી નહિ હોય. અથવા આ ખરું કહ્યું છે કે
| |
| જેમનું મન ભયથી ત્રાસ પામેલું હોય છે તેમના હાથપગની ક્રિયાઓ તથા વાણી ચાલતી નથી, અને શરીરમાં અધિક કંપ થાય છે.
| |
| માટે હું જ તેને બોલાવું, જેથી તે અંદર પ્રવેશીને મારું ભોજન બને.’ એમ વિચારીને તેણે શિયાળને બોલાવ્યો. એટલે સિંહના શબ્દના સેંકડો પડઘાથી ગુફા ભરાઈ ગઈ, અને તેથી દૂર રહેલાં પ્રાણીઓ પણ ત્રાસ પામ્યાં. શિયાળ પણ નાસતાં નાસતાં આ શ્લોક બોલ્યો,
| |
| ‘ભવિષ્યનો વિચાર કરીને જે કાર્ય કરે છે તે શોભે છે, જે ભવિષ્યનો વિચાર કરતો નથી તે શોક પામે છે; આ વનમાં રહેતાં મને વૃદ્ધત્વ આવ્યું, પણ મેં ગુફાની વાણી કદી સાંભળી નથી.’
| |
| === વાંદરો અને મગર ===
| |
| સમુદ્રના કોઈ કિનારા ઉપર સદા ફળવાળું જાંબુનું એક મોટું ઝાડ હતું. ત્યાં રક્તમુખ નામે વાંદરો રહેતો હતો. એક વાર કરાલમુખ નામે મગર સમુદ્રના જળમાંથી બહાર નીકળીને સુકોમળ રેતીવાળા કિનારા ઉપર તે ઝાડની નીચે બેઠો. પછી રક્તમુખે તેને કહ્યું, ‘અરે! તું અભ્યાગત અતિથિ છે. માટે મેં આપેલાં જાંબુનાં અમૃતસમાન ફળ તું ખા. કહ્યું છે કે વૈશ્વદેવ થઈ રહ્યા પછી આવેલો અતિથિ પ્રિય હોય કે અપ્રિય, મૂર્ખ હોય કે પંડિત, પણ તે સ્વર્ગની ગતિ આપનારો છે. મનુએ કહ્યું છે કે — વૈશ્વદેવ તથા શ્રાદ્ધને અંતે આવેલા અતિથિને શાખા, ગોત્ર, વિદ્યા કે કુળ પૂછવું નહિ. દૂર માર્ગેથી શ્રમથી થાકેલા તથા વૈશ્વદેવને અંતે આવેલા અતિથિને જે પૂજે છે તે પરમ ગતિમાં જાય છે.’
| |
| એમ કહીને વાંદરો તેને જાંબુનાં ફળ આપવા લાગ્યો. મગર પણ એ ફળનું ભક્ષણ કરીને, ઘણા સમય સુધી તેની સાથે ગોષ્ઠિસુખ અનુભવીને પાછો પોતાને ઘેર ગયો. એ પ્રમાણે તે વાંદરો અને મગર નિત્ય જાંબુના ઝાડની છાયામાં બેસીને, વિવિધ શાસ્ત્રગોષ્ઠિમાં સમય ગાળતા સુખપૂર્વક રહેતા હતા. તે મગર પણ ખાતાં બાકી રહેલાં જાંબુનાં ફળ ઘેર જઈને પોતાની પત્નીને આપતો હતો.
| |
| પછી એક દિવસે મગરીએ મગરને પૂછ્યું, ‘નાથ! તમને આવાં અમૃતસમાન ફળ ક્યાં મળે છે?’ તે બોલ્યો, ‘ભદ્રે! મારો પરમ મિત્ર રક્તમુખ નામે વાંદરો છે, તે મને નિત્ય પ્રીતિપૂર્વક આ ફળો આપે છે.’ એટલે તે બોલી, ‘જે નિત્ય આવાં અમૃતમય ફળોનું ભક્ષણ કરે છે તેનું હૃદય પણ અમૃતમય હશે. માટે હું કે જે તમારી પત્ની છું તેનું તમારે પ્રયોજન હોય તો એનું હૃદય મને લાવી આપો, જેથી તે ખાઈને જરામરણથી રહિત થઈને હું તમારી સાથે ભોગો ભોગવું.’ તે બોલ્યો, ‘ભદ્રે! એમ ન બોલ, કેમ કે તેને મેં મારા ભાઈ તરીકે સ્વીકારેલો છે. વળી તેને હું મારી શકું તેમ નથી. માટે તું આ મિથ્યા આગ્રહ છોડી દે. કહ્યું છે કે
| |
| એક સ્થાને વાણી મનુષ્યોને જન્મ આપે છે, બીજે સ્થાને માતા જન્મ આપે છે; સહોદર બાંધવ કરતાં પણ વાણીથી ઉત્પન્ન થયેલા બાંધવને — અર્થાત્ મિત્રને અધિક ગણેલો છે.’ એટલે મગરી બોલી, ‘તમે પહેલાં કદી પણ મારું વચન ઉથાપ્યું નથી. માટે નક્કી તે કોઈ વાંદરી હશે. કેમ કે તેના અનુરાગથી તમે આખોયે દિવસ ત્યાં વ્યતીત કરો છો. મેં ખરી વાત બરાબર જાણી લીધી છે. કેમ કે
| |
| તમે મને આનંદપૂર્વક ઉત્તર આપતા નથી. મને કોઈ ઇચ્છિત વસ્તુ આપતા નથી, રાત્રે ઘણી વાર અગ્નિની જ્વાળા જેવો ઊનો નિ:શ્વાસ વેગથી નાખો છો, કંઠના આલિંગનમાં શિથિલતા બતાવો છો, અને ચુંબનમાં આદર કરતા નથી; માટે હે ધૂર્ત! તમારા હૃદયમાં મારાથી પણ અધિક એવી કોઈ પ્રિયતમા રહેલી છે.’
| |
| એ મગર પણ પત્નીના ચરણ પકડી, તે પોતાના ખોળામાં મૂકી, અત્યંત કોપ પામેલી એવી તેને દીનતાપૂર્વક કહેવા લાગ્યો કે, ‘પ્રિયે! હું તારા ચરણમાં પડ્યો છું અને તારો દાસ થયો છું, પછી હે કાન્તા! બીજો કયો કામાતુર પુરુષ તારો કોપ દૂર કરશે?’
| |
| આંસુથી જેનું મુખ ભરાઈ ગયું હતું એવી તે પણ એ વચન સાંભળીને તેને કહેવા લાગી, ‘હે ધૂર્ત! કૃત્રિમ ભાવો વડે રમણીય એવી તે જ કાન્તા સેંકડો મનોરથોની સાથે તમારા હૃદયમાં રહેલી છે. અમારે માટે તેમાં કોઈ અવકાશ રહ્યો નથી. તેથી પગમાં પડીને મારી વિડંબના કર્યા વિના રહો!
| |
| વળી જો તે તમારી વલ્લભા ન હોય તો હું કહું છું તો પણ કેમ તેનો વધ કરતા નથી? અને જો તે વાંદરો હોય તો તેની સાથે આટલો બધો સ્નેહ કેવો? માટે વધારે શું કહું? જો તેનું હૃદય નહિ મળે તો હુ ં પ્રાણાન્તિક ઉપવાસ કરીશ, એમ તમે જાણજો.’ એ પ્રમાણે તેનો એ નિશ્ચય જાણીને ચિન્તાથી વ્યાકુળ ચિત્તવાળો તે મગર બોલ્યો, ‘અથવા આ ખરું કહ્યું છે કે
| |
| વજ્રલેપનો, મૂર્ખનો, સ્ત્રીનો, કરચલાનો, માછલાંનો, ગળીનો અને મદ્યપાન કરનારનો ગ્રહ એક જ હોય છે —- તેઓ જેને ચોંટે છે તેનાથી અલગ થતાં નથી.
| |
| માટે શું કરું? એનો વધ હું કેવી રીતે કરી શકું?’ એ પ્રમાણે વિચાર કરતો વાંદરાની પાસે આવ્યો. વાંદરાએ પણ તેને મોડો આવેલો જોઈને ઉદ્વેગપૂર્વક કહ્યું, ‘મિત્ર! તું અહીં મોડો કેમ આવ્યો? તું આનંદપૂર્વક વાતો શાથી કરતો નથી અને સુભાષિતો કેમ બોલતો નથી?’ તે બોલ્યો, ‘મિત્ર! મને તારી ભોજાઈએ કઠોર વાક્યોથી કહ્યું છે કે, હે, કૃતઘ્ન! મારી સમક્ષ તમારું મુખ બતાવશો નહિ, કારણ કે તમે દરરોજ મિત્ર ઉપર આજીવિકા ચલાવીને આવો છો, પરન્તુ આપણુંં ઘર બતાવીને પણ તેમની ઉપર સામો ઉપકાર કરતા નથી. તેથી તમારે માટે પ્રાયશ્ચિત્ત પણ નથી. કહ્યું છે કે
| |
| બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર તથા વ્રતભંગ કરનાર માટે સત્પુરુષોએ પ્રાયશ્ચિત્ત કહેલું છે, પણ કૃતઘ્નને માટે પ્રાયશ્ચિત્ત નથી.
| |
| માટે તમે મારા દિયરને લઈને, સામો ઉપકાર કરવાને માટે, આપણે ઘેર આવજો. નહિ તો તમારી સાથે મારું પરલોકમાં મિલન થશે (અર્થાત્ હું પ્રાણત્યાગ કરીશ).’ માટે તેણે આ પ્રમાણે કહેવાથી હું તારી પાસે આવ્યો છું. આજે તેની સાથે આ કલહમાં મારો આટલો સમય વીતી ગયો, માટે તું મારે ઘેર આવ. તારી ભોજાઈ ચોક પૂરીને, મણિમાણેકનાં આભરણ ધારણ કરીને તથા બારણાં ઉપર વંદનમાલા — લીલાં તોરણ બાંધીને ઉત્કંઠાપૂર્વક ઊભી છે.’ વાંદરો બોલ્યો, ‘હે મિત્ર! મારી ભોજાઈનું કથન યોગ્ય છે. કહ્યું છે કે
| |
| ડાહ્યા પુરુષે વણકરના જેવા (સ્વાર્થી) મિત્રનો ત્યાગ કરવો, કે જે લોલુપતાથી બીજાને (વણકર જેમ તારને ખેંચે તેમ) પોતાની તરફ આકર્ષે છે. (અને પોતે એની પાસે જતો નથી)
| |
| તેમ જ
| |
| આપવું અને લેવું, છાની વાત કહેવી અને પૂછવી, ખાવું અને ખવરાવવું — પ્રીતિનું એ છ પ્રકારનું લક્ષણ છે.
| |
| પણ અમે તો વનચરો છીએ અને તારું ઘર પાણીમાં છે, તેથી કોઈ રીતે ત્યાં જઈ શકાય એમ નથી. માટે એ મારી ભોજાઈને અહીં લાવ, જેથી તેને પ્રણામ કરીને તેનો આશીર્વાદ લઉં.’ તે મગર બોલ્યો, ‘મિત્ર! સમુદ્રને પેલે પાર એક રમ્ય તીરપ્રદેશમાં અમારું ઘર છે, માટે મારી પીઠ ઉપર બેસીને કોઈ પ્રકારના ભય વિના તું ત્યાં આવ.’ વાંદરો પણ તે સાંભળીને આનંદપૂર્વક બોલ્યો, ‘ભદ્ર! જો એમ હોય તો પછી શા સારુ વિલંબ કરે છે? ત્વરા કર. હું આ તારી પીઠ ઉપર બેઠો.’ પછી એ પ્રમાણે કર્યા બાદ મગરને અગાધ જળમાં જતો જોઈને ભયથી ત્રાસ પામેલા મનવાળો વાંદરો બોલ્યો, ‘ભાઈ! તું ધીરે ધીરે ચાલ. પાણીનાં મોજાંથી મારું શરીર ભીંજાઈ ગયું છે.’ તે સાંભળીને મગર વિચાર કરવા લાગ્યો. ‘આ અગાધ જળમાં આવી પહોંચ્યો છે, અને મારી પીઠ ઉપર બેઠેલો હોઈ મારે વશ છે, એટલે તલમાત્ર પણ ખસી શકે એમ નથી. માટે મારો અભિપ્રાય તેને કહું, જેથી તે ઇષ્ટ દેવતાનું સ્મરણ કરે.’ પછી તે બોલ્યો ‘મિત્ર! મારી પત્નીના વચનથી તને વિશ્વાસમાં લઈ તારો વધ કરવા માટે અહીં લાવ્યો છું. માટે ઇષ્ટ દેવતાનું સ્મરણ કર.’ વાંદરાએ કહ્યું, ‘ભાઈ! મેં તારો અથવા તેનો શો અપકાર કર્યો છે કે જેથી મારા વધનો ઉપાય વિચાર્યો?’ મગર બોલ્યો, ‘અરે! અમૃતમય રસવાળાં ફળોના આસ્વાદથી મીઠા થયેલા તારા હૃદયનું ભક્ષણ કરવાનો દોહદ તેને થયો છે. તે કારણથી આમ કર્યું છે.’ વાંદરો બોલ્યો, ‘ભદ્ર! જો એમ છે, તો તેં મને ત્યાં જ શા માટે ન કહ્યું? કારણ કે મારું હૃદય હું સદા જાંબુના ઝાડની બખોલમાં ગુપ્ત રાખું છું, તે મારી ભોજાઈને આપત. હૃદય વિનાના એવા મને તું અહીં શા માટે લાવ્યો?’ તે સાંભળીને મગર આનંદપૂર્વક બોલ્યો, ‘ભદ્ર! જો એમ છે તો એ હૃદય મને આપ જેથી એ કુભારજા તે ખાઈને અનશનમાંથી ઊઠે. હું તને તે જ જાંબુના ઝાડ પાસે લઈ જાઉં છું.’ એમ કહી પાછો વળીને તે જાંબુના ઝાડ નીચે ગયો. જેણે(પોતે જીવતો રહે તે માટે) અનેક દેવતાઓની વિધિપૂર્વકની પૂજાઓ માની હતી એવો વાંદરો માંડ તીર ઉપર આવી પહોંચ્યો. પછી એક લાંબી ફાળ ભરીને તે જ જાંબુના વૃક્ષ ઉપર ચડીને તે વિચાર કરવા લાગ્યો, ‘અહો! છેવટે પ્રાણ તો બચ્યા! અથવા આ ખરું કહ્યું છે કે
| |
| અવિશ્વાસુનો વિશ્વાસ કરવો નહિ અને વિશ્વાસુનો પણ વિશ્વાસ કરવો નહિ; વિશ્વાસ કરવાથી ઉત્પન્ન થયેલો ભય મૂળને પણ કાપી નાખે છે.
| |
| માટે આજે તો મારો ફરી જન્મ થયો.’ એ પ્રમાણે વિચાર કરતા એવા તેને મગરે કહ્યું, ‘હે મિત્ર! પેલું હૃદય આપ, જેથી તે ખાઈને તારી ભોજાઈ અનશનમાંથી ઊઠે.’ એટલે હસીને તેનો તિરસ્કાર કરતો વાંદરો બોલ્યો, ‘ધિક્કાર છે, મૂર્ખ! વિશ્વાસઘાતક! શું કોઈને બે હૃદય હોતાં હશે? માટે ચાલ્યો જા. અહીં જાંબુના ઝાડ નીચે તારે ફરી વાર આવવું નહિ. કારણ, કહ્યું છે કે
| |
| એક વાર દુષ્ટતા કરનાર મિત્રની સાથે જે ફરી સંધિ કરવા ઇચ્છે છે તે, ગર્ભ ધારણ કરવાથી જેમ ખચ્ચરી મરણ પામે છે તેમ, મરણ પામે છે.’
| |
| એ સાંભળીને મગર શરમાઈને વિચાર કરવા લાગ્યો. ‘અહો! અતિ મૂઢ એવા મેં મારા ચિત્તનો અભિપ્રાય એને શા માટે જણાવ્યો? માટે જો ફરી કોઈ રીતે માને તો તેને વિશ્વાસમાં લઉં.’ પછી તે બોલ્યો, ‘મિત્ર! મશ્કરી કરીને મેં તો તારો વિચાર જાણ્યો હતો. તારા હૃદયનું તેને કંઈ પ્રયોજન નથી. માટે પરોણા તરીકે તું મારે ઘેર ચાલ. તારી ભોજાઈ ઉત્કંઠિત થઈને બેઠી છે.’
| |
| વાંદરો બોલ્યો, ‘હે દુષ્ટ! ચાલ્યો જા! હવે હું નહિ આવું.’
| |
| === કાન અને હૃદય વિનાનો ગધેડો ===
| |
| કોઈ એક વનપ્રદેશમાં કરાલકેસર નામે સિંહ રહેતો હતો. ધૂસરક નામે શિયાળ તેનો સદાકાળનો અનુયાયી સેવક હતો. એક વાર હાથી સાથે યુદ્ધ કરતાં સિંહના શરીરે પ્રહારો થયા હતા, જેથી તે એક ડગલું પણ ચાલી શકતો નહોતો. તેની ચાલવાની અશક્તિને કારણે (શિકારનું માંસ નહિ મળવાથી) ભૂખથી જેનો કંઠ મળી ગયો હતો એવો ધૂસરક દુર્બળ બની ગયો. એક વાર તેણે સિંહને કહ્યું, ‘સ્વામી! ભૂખથી પીડાતો એવો હું એક પગલું પણ ચાલી શકતો નથી. માટે તમારી સારવાર શી રીતે કરું?’ સિંહ બોલ્યો, ‘અરે! જા કોઈ પ્રાણીને ખોળી લાવ, જેથી આ અવસ્થાને પામેલો હોવા છતાં હું તેનો વધ કરું.’
| |
| એ સાંભળીને પ્રાણીની શોધ કરતો શિયાળ પાસેના કોઈ ગામમાં પહોંચ્યો. ત્યાં તળાવના કિનારે છૂટાછવાયા ઊગેલા ધરોના અંકુરોને મુશ્કેલીએ ચરતો લંબકર્ણ નામે ગધેડો તેણે જોયો. પછી તેની પાસે જઈને તેણે કહ્યું, ‘મામા! મારો આ નમસ્કાર સ્વીકારો! ઘણા સમયે તમને મળ્યો છું. તમે આવા દૂબળા કેમ થઈ ગયા છો?’ ગધેડો બોલ્યો, ‘ભાણેજ! શું કહું? અતિ નિર્દય ધોબી ઘણો ભાર ઉપડાવીને મને દમે છે; અને ઘાસનો એક પૂળો પણ આપતો નથી. ધૂળથી મિશ્રિત થયેલા કેવળ ધરોના અંકુરો જ હું ખાઉં છું. પછી મારા શરીરને પુષ્ટિ ક્યાંથી મળે?’ શિયાળ બોલ્યો, ‘મામા! જો એમ હોય તો, મરકત જેવાં લીલાં ઘાસથી ભરપૂર તથા નદીવાળો એક રમણીય પ્રદેશ છે, ત્યાં મારી સાથે આવો. જેથી આપણે સુભાષિતગોષ્ઠિનું સુખ અનુભવીએ.’ લંબકર્ણ બોલ્યો, ‘હે ભાણેજ! તેં ઠીક કહ્યું છે. પરન્તુ અમે ગામડિયાં પણ છીએ, અને અરણ્યવાસી પ્રાણીઓ અમારો વધ કરી નાખે છે, એટલે અમારે માટે તે ભવ્ય પ્રદેશ શા કામનો?’ શિયાળે કહ્યું, ‘મામા! એમ ન બોલશો. એ પ્રદેશ મારા બાહુ વડે રક્ષાયેલો છે. ત્યાં બીજો કોઈ નથી. વળી આ જ (ભૂખના) દોષથી દુઃખ પામેલી અને ધોબી વડે પીડાયેલી ત્રણ અનાથ ગધેડીઓ પણ ત્યાં છે. (ત્યાં રહેવાથી) પુષ્ટિ પામેલી અને યૌવનોન્મત્ત એવી તેઓએ મને કહ્યું હતું કે, ‘તમે જો અમારા સાચા મામા હો તો કોઈ ગામમાં જઈને અમારે યોગ્ય કોઈ પતિને લાવો; તેઓને માટે હું તમને ત્યાં લઈ જાઉં છું.’ પછી શિયાળનાં વચન સાંભળીને કામથી પીડાયેલાં અંગવાળા તે ગધેડાએ તેને કહ્યું, ‘ભદ્ર! જો એમ હોય તો આગળ થા, એટલે હું આવું.’ અથવા આ ખરું કહ્યું છે કે
| |
| આ જગતમાં એક માત્ર નિતમ્બિની સ્ત્રી સિવાય બીજું કંઈ અમૃત નથી અથવા વિષ નથી, કે જેના સંયોગથી જિવાય છે અને જેના વિયોગથી મરણ થાય છે.
| |
| તેમ જ
| |
| જેમના સંગમ અને દર્શન વિના માત્ર નામ સાંભળવાથી પણ કામ ઉત્પન્ન થાય તે સ્ત્રીઓનાં નેત્રનો સમાગમ પામીને પુરુષ જો ન દ્રવે તો એ કૌતુક જ ગણાય.
| |
| એ પ્રમાણે નક્કી ર્ક્યા પછી ગધેડો શિયાળની સાથે સિંહ પાસે આવ્યો. વ્યથાથી વ્યાકુળ થયેલો સિંહ પણ તેને જોઈને જ્યાં કૂદવા ગયો ત્યાં નાસવા લાગ્યો. પછી નાસતા એવા તેના ઉપર સિંહે પંજાનો પ્રહાર કર્યો, પરન્તુ મંદભાગીના પ્રયત્નની જેમ તે વ્યર્થ ગયો.
| |
| એ સમયે ક્રોધ પામેલો શિયાળ સિંહને કહેવા લાગ્યો, ‘અરે! તમારો પ્રહાર એવો કયા પ્રકારનો કે ગધેડો પણ તમારી પાસેથી બળાત્કારે નાસી જાય? તમે હાથીની સાથે યુદ્ધ શી રીતે કરવાના હતા? માટે તમારું બળ તો જોઈ લીધું!’ એટલે લજ્જાભર્યું સ્મિત કરતો સિંહ બોલ્યો, ‘અરે! હું શું કરું? હું તરાપ મારવાને તૈયાર થઈને બેઠો નહોતો, નહિ તો મારી તરાપના આક્રમણમાંથી હાથી પણ છટકી શકે નહિ.’ શિયાળે કહ્યું, ‘હજી પણ એક વાર તેને તમારી પાસે લાવીશ; પણ તમારે તરાપ મારવાને તૈયાર થઈને બેસવું.’ સિંહે કહ્યું, ‘પણ જે મને પ્રત્યક્ષ જોઈને ગયો છે તે ફરી શી રીતે આવશે? માટે બીજા કોઈ પ્રાણીની શોધ કર.’ શિયાળ બોલ્યો, ‘તમારે એનું શું કામ છે? તમે માત્ર તરાપ મારવા તૈયાર થઈને બેસો.’ એ પ્રમાણે નક્કી કર્યા પછી શિયાળ ગધેડાના માર્ગે ગયો તો તેને તે જ સ્થાને ચરતો જોયો. પછી શિયાળને જોઈને ગધેડો બોલ્યો, ‘હે ભાણેજ! તું મને બહુ સારા ઠેકાણે લઈ ગયો હતો! જેના અતિ ભયંકર અને વજ્રસમાન કરપ્રહારમાંથી હું છૂટી ગયો તે પ્રાણી કયું હતું, એ મને કહે.’ તે સાંભળીને શિયાળ હસતાં હસતાં બોલ્યો, ‘ભદ્ર! તને આવતો જોઈને ગધેડી તને અનુરાગપૂર્વક આલિંગન કરવા ઊભી થઈ હતી. પણ તું તો કાયરપણાથી નાસી ગયો. એ તો તારા વિના રહી પણ શકતી નથી. નાસતા એવા તને અટકાવવા માટે તેણે પંજો માર્યો હતો. બીજા કોઈ કારણથી નહિ. માટે તું આવ. એ તો તારે માટે પ્રાણાન્તિક અનશન લઈને બેઠી છે, અને કહે છે કે, ‘જો લંબકર્ણ મારો પતિ નહિ થાય તો હું અગ્નિમાં અથવા જળમાં પ્રવેશીશ અથવા ઝેર ખાઈશ. પરન્તુ તેનો વિયોગ હું સહન કરી શકું તેમ નથી.’ વળી ભગવાન કામદેવ પણ તારા ઉપર કોપ કરશે. કહ્યું છે કે
| |
| મિથ્યા ફળની શોધ કરવા માટે જે કુબુદ્ધિવાળા મૂઢ જનો સર્વ ઇચ્છાઓ પૂરી કરનારી, કામદેવની સ્ત્રીરૂપી મહામુદ્રાનો ત્યાગ કરીને જાય છે, તેમને કામદેવે નિર્દયપણે પ્રહાર કરીને નગ્ન તથા મુંડિત કરી દીધા છે, તથા કેટલાકને રાતાં વસ્ત્ર પહેરનારા અને જટાધારી તેમ જ બીજા કેટલાકને કાપાલિક બનાવી દીધા છે.’
| |
| પછી તે ગધેડો શિયાળનું વચન શ્રદ્ધાપૂર્વક સાંભળીને ફરી વાર પણ તેની સાથે ચાલ્યો. અથવા ખરું કહ્યું છે કે
| |
| મનુષ્ય જાણવા છતાં દૈવવશાત્ નિન્દનીય કાર્ય કરે છે; બાકી આ જગતમાં નિન્દનીય કાર્ય શું કોઈને ગમે ખરું?
| |
| એ સમયે તરાપ મારવાને તૈયાર થઈ બેઠેલા સિંહે તે લંબકર્ણને મારી નાખ્યો, પછી તેને માર્યા પછી શિયાળને તેના રખેવાળ તરીકે મૂકીને તે પોતે નદીએ સ્નાન કરવાને ગયો. શિયાળ પણ લોલુપતાથી એ અધીરાઈથી ગધેડાના કાન અને હૃદય ખાઈ ગયો. એટલામાં સિંહ સ્નાન કરી, દેવતાનું પૂજન તથા પિતૃઓનું તર્પણ કરીને ત્યાં આવ્યો. તો ગધેડો કાન અને હૃદય વિનાનો પડ્યો હતો. એ જોઈને જેને હાડોહાડ ક્રોધ ચડ્યો હતો એવા સિંહે શિયાળને કહ્યું, ‘અરે પાપી! આ અનુચિત કર્મ તેં શા માટે કર્યું, કે કાન સાથે એનું હૃદય ખાઈ ગયો?’ શિયાળ બોલ્યો, ‘સ્વામી! એમ ન કહો, કારણ કે આ ગધેડો કાન અને હૃદય વિનાનો હતો એથી જ તે અહીં આવીને તમને જોયા છતાં ફરી વાર આવ્યો હતો.’ પછી તેનું આ શ્રદ્ધા રાખવાલાયક વચન સાંભળીને સિંહે તેની સાથે ભાગ પાડીને નિ:શંક મનથી તે ગધેડાનું ભક્ષણ કર્યું.
| |
| === યોદ્ધા તરીકે રહેલો કુંભાર ===
| |
| કોઈ એક નગરમાં એક કુંભાર રહેતો હતો. એક વાર દારૂના ઘેનમાં મત્ત થઈને વેગથી દોડતો તે અર્ધા ભાંગેલા ખપ્પર(ઘડાના ટુકડા)ના તીખી ધારવાળા અગ્રભાગ ઉપર પડ્યો. પછી ખપ્પરની અણીથી જેનું કપાળ ચિરાઈ ગયું હતું તથા શરીર લોહીલુહાણ થયું હતું એવો તે કષ્ટપૂર્વક ઊઠીને પોતાને ઘેર ગયો. પછી અપથ્યનું સેવન કરવાથી તેનો ઘા વકરી ગયો, અને તે મુશ્કેલીએ નિરોગી થયો.
| |
| હવે, એક વાર દેશ દુષ્કાળથી પીડાતો હતો ત્યારે ભૂખથી મળી ગયેલા કંઠવાળો તે કુંભાર કેટલાક રાજસેવકોની સાથે દેશાન્તરમાં જઈને કોઈક રાજાનો સેવક થયો. તે રાજા પણ તેના કપાળમાં પડેલા પ્રહારનો વિકરાળ ઘા જોઈને વિચાર કરવા લાગ્યો કે, ‘આ કોઈ વીર પુરુષ છે, એથી તેના કપાળમાં સામેથી પ્રહાર થયેલો છે.’ તે કારણથી રાજા સન્માનાદિ કરીને બીજા રાજપૂતો કરતાં તેના પ્રત્યે વિશેષ કૃપાદૃષ્ટિથી જોતો હતો. એ રાજપૂતો પણ તેની પ્રત્યેનો કૃપાનો અતિરેક જોઈને અત્યંત ઈર્ષ્યા કરતા હતા, પણ રાજાના ભયથી કંઈ બોલતા નહોતા.
| |
| પછી એક વાર વિગ્રહનો પ્રસંગ ઉપસ્થિત થતાં તે રાજા શૂરવીરોનો સત્કાર કરવા લાગ્યો, હાથીઓ તૈયાર થવા માંડ્યા, ઘોડા ઉપર પલાણ મંડાવા લાગ્યાં અને યોદ્ધાઓ સજ્જ થવા લાગ્યા. તે સમયે રાજાએ એ કુંભારને એકાન્તમાં પ્રસંગને અનુસરતો પ્રશ્ન કર્યો કે, ‘હે રાજપૂત! ક્યા સંગ્રામમાં તારા કપાળમાં આ પ્રહાર થયો હતો?’ તે બોલ્યો, ‘દેવ! એ શસ્ત્રનો પ્રહાર નથી. હું જાતનો કુંભાર છું. મારા ઘરમાં અનેક ખપ્પર હતાં. કોઈ એક વાર મદ્યપાન કરીને નીકળેલો હું દોડતાં દોડતાં ખપ્પર ઉપર પડ્યો હતો. તેનો ઘા વકરી જવાથી આ પ્રમાણે મારા કપાળમાં વિકરાળ દેખાય છે.’ તે સાંભળીને રાજા લજ્જાપૂર્વક બોલ્યો, ‘અહો! રાજપૂતનું અનુકરણ કરનારા આ કુંભારે મને છેતર્યો; માટે તેને ઝટ અર્ધચન્દ્ર આપો — હાંકી મૂકો.’ એ પ્રમાણે થતાં કુંભાર બોલ્યો, ‘એમ ન કરશો! રણમાં મારા હાથની (શસ્ત્રો ચલાવવામાં) ચાતુરી તો જુઓ!’ રાજાએ કહ્યું, ‘અરે! તું સર્વગુણસંપન્ન છે, તો પણ ચાલ્યો જા! કહ્યું છે કે
| |
| હે પુત્ર! તું શૂર છે, વિદ્યાવાન છે, અને દેખાવડો છે, પણ જે કુળમાં તું ઉત્પન્ન થયો છે તેમાં હાથીને હણવામાં આવતો નથી.’
| |
| કુંભાર બોલ્યો, ‘એ કેવી રીતે?’
| |
| રાજા કહેવા લાગ્યો —
| |
|
| |
| === સિંહણે ઉછેરેલું શિયાળનું બચ્ચું ===
| |
| ‘કોઈ વનપ્રદેશમાં સિંહનું એક જોડું રહેતું હતું. એમાંની સિંહણે બે પુત્રોને જન્મ આપ્યો. સિંહ પણ નિત્ય પશુઓેને મારી લાવીને સિંહણને આપતો હતો. એક વાર તેને કંઈ મળ્યું નહિ. તે વનમાં ભમતો હતો ને સૂર્ય પણ અસ્ત પામ્યો. પછી ઘેર આવતાં તેને એક શિયાળનું બચ્ચું મળ્યું. ‘આ બાળક છે’ એમ ગણીને તેને પ્રયત્નપૂર્વક દાઢની વચમાં રાખીને તે તેણે જીવતું જ સિંહણને સોંપ્યું. પછી સિંહણે કહ્યું, ‘હે કાન્ત! અમારે માટે કંઈ ભોજન આણ્યું છે?’ સિંહ બોલ્યો, ‘પ્રિયે! આજે આ શિયાળના બચ્ચા સિવાય બીજું કોઈ પ્રાણી મને મળ્યું નથી. એને બાળક ધારીને મેં એનો વધ કર્યો નથી. કહ્યું છે કે
| |
| પ્રાણ જતા હોય તો પણ સ્ત્રી, સંન્યાસી, બ્રાહ્મણ, બાળક અને વિશેષે કરીને વિશ્વાસુ મનુષ્યો ઉપર કદી પ્રહાર કરવો નહિ.
| |
| અત્યારે એનુંભક્ષણ કરીને પથ્ય આહાર કર. પ્રભાતે બીજું કંઈક મેળવીશ.’
| |
| સિંહણે કહ્કહ્યું, ‘હે કાન્ત! તમે બાળક ધારીને એને માર્યો નહિ, તો હું મારા ઉદરપોષણ માટે એને શી રીતે મારું? કહ્યું છે કે
| |
| પ્રાણત્યાગ કરવાનો સમય ઉપસ્થિત થયો હોય તો પણ અકૃત્ય કરવું નહિ. અને કૃત્ય — કરવા યોગ્યનો ત્યાગ કરવો નહિ; એ સનાતન ધર્મ છે.
| |
| માટે મારો આ ત્રીજો પુત્ર થશે.’ એમ કહીને તેનું પણ પોતાના સ્તનના દૂધથી સિંહણે પોષણ કર્યું. એ પ્રમાણે જેઓ પોતાની જાતિના ભેદને જાણતાં નહોતાં એવાં તે ત્રણે બાળકો એક સાથે વિહાર કરતાં પોતાની બાલ્યાવસ્થા ગાળતાં હતાં. પછી એક વાર વનમાં ભમતાં તેઓએ વનહસ્તી જોયો. તેને જોઈને સિંહના તે બન્ને પુત્રો કોપાયમાન મુખવાળા થઈને તેની તરફ દોડ્યા. એ સમયે શિયાળના પુત્રે કહ્યું, ‘અહો! આ તો તમારો કુલશત્રુ હાથી છે, માટે એની સામે ન જશો.’ એમ કહીને તે ઘર તરફ દોડ્યો. મોટો ભાઈ ભય પામ્યો, એટલે પેલા બે પણ નિરુત્સાહ થઈ ગયા. અથવા ખરું કહ્યું છે કે
| |
| ઉત્તમ ધૈર્ય અને ઉત્સાહવાળા એક જ પુરુષથી સૈન્ય રણ પ્રત્યે ઉત્સાહવાળું થાય છે, અને તે ભાગે તો ભંગાણ પામે છે. એ જ કારણથી મહાબળવાન, શૂરવીર, ધૈર્યવાળા અને ઉત્સાહી યોદ્ધાઓને રાજા ઇચ્છે છે, અને કાયરોનો ત્યાગ કરે છે.
| |
| પછી તે બન્ને જણાએ હસતાં હસતાં માતાપિતાની પાસે પોતાના મોટાભાઈનું ચરિત્ર કહ્યું કે, ‘હાથીને જોઈને તે દૂરથી જ નાસી ગયો હતો.’ એટલે તે સાંભળીને કોપાયમાન થયેલું તથા જેના હોઠરૂપી પલ્લવ કંપતા હતા એવું તે શિયાળનું બચ્ચું ત્રણ શિખામાં ભવાં ચડાવીને તેઓનો તિરસ્કાર કરતું આકરાં વચન બોલવા લાગ્યું. આથી સિંહણે તેને એકાન્તમાં લઈ જઈને સમજાવ્યો કે, ‘વત્સ! કદાપિ આવું બોલીશ નહિ; આ તારા નાના ભાઈઓ છે.’ એટલે વધારે ક્રોધે ભરાઈને તે તેને કહેવા લાગ્યો, ‘શું હું એમનાથી શૌર્યમાં, રૂપમાં અને વિદ્યાભ્યાસમાં ઊણો છું કે જેથી તેઓ મારો ઉપહાસ કરે છે? માટે મારે અવશ્ય એમનો વધ કરવો જોઈએ.’ એટલે તેનું જીવન ઇચ્છતી સિંહણે તેને કહ્યું,
| |
| ‘હે પુત્ર! તું શૂર છે, વિદ્યાવાન છે, અને દેખાવડો છે. પણ જે કુળમાં તું ઉત્પન્ન થયો છે તેમાં હાથીને હણવામાં આવતો નથી.
| |
| વળી તું શિયાળનો પુત્ર છે, અને મેં દયા લાવીને મારું દૂધ પાઈને તને ઉછેરેલો છે. માટે આ બે જણા તું શિયાળ છે એમ જાણે નહિ ત્યાં સુધીમાં તું ઝટ જઈને તારી જાતિમાં ભળી જા; નહિ તો આ બન્ને વડે હણાઈને તું મૃત્યુના માર્ગે જઈશ.’ તે વચન સાંભળીને જેનું મન ભયથી વ્યાકુળ થયું હતું એવો તે પણ ક્ષણવારમાં નાસી ગયો.
| |
| માટે આ રાજપૂતો, તું કુંભાર છે એમ જાણે નહિ ત્યાં સુધીમાં તું પણ ઝટ ચાલ્યો જા; નહિ તો તેઓ તરફથી તું વિડંબના પામીશ.’ કુંભાર પણ એ સાંભળીને જલદી નાસી ગયો.
| |
|
| |
| === સસરો અને તેના ચાર જમાઈ ===
| |
| આ પૃથ્વીતલ ઉપર વિકંટક નામે નગર છે. ત્યાં ઈશ્વર નામે મહાધનિક વેપારી રહેતો હતો. અવંતીપીઠથી તેના ચાર જમાઈઓ વિકંટકપુરમાં પરોણા તરીકે આવ્યા હતા. તેમનો તેણે ભારે ગૌરવપૂર્વક ભોજનવસ્ત્રાદિથી સત્કાર કર્યો. એ પ્રમાણે તેમને ત્યાં વસતાં છ માસ થઈ ગયા. પછી ઈશ્વરે પોતાની પત્નીને કહ્યું કે, ‘પરમ સત્કારથી પ્રસન્ન થયેલા આ જમાઈઓ પોતાને ઘેર જતા નથી. માટે શું કહેવું? અપમાન કર્યા વિના તેઓ નહિ જાય. માટે આજે ભોજન સમયે પગ ધોવા માટે પાણી આપવું નહિ; જેથી તેઓ અપમાન થયું જાણી ઘર ત્યજીને ચાલ્યા જશે.’ એ પ્રમાણે કરવામાં આવ્યું, એટલે પગ ધોવા માટે પાણી નહિ આપવારૂપી અપમાનથી ગર્ગ, નાનું આસન આપવાથી સોમ, અને હલકું ભોજન આપવાથી દત્ત ચાલ્યો ગયો. એમ ત્રણે જણ ઘરનો ત્યાગ કરીને ગયા. પણ ચોથો શ્યામલક જતો નહોતો, તેને ગળચી પકડીને બહાર કાઢ્યો.
| |
| === સુથાર અને તેની વ્યભિચારિણી પત્ની ===
| |
| કોઈ એક નગરમાં એક સુથાર રહેતો હતો. તેની પત્ની વ્યભિચારિણી હોઈ લોકો તેના ઉપર અપવાદ મૂકતા હતા. તે પણ તેની પરીક્ષા માટે વિચાર કરતો હતો કે, ‘મારે એનું પરીક્ષણ કેવી રીતે કરવું? અથવા એમ પરીક્ષા કરવી યોગ્ય નથી. કેમ કે નદીઓની, કુળોની, મહાત્મા મુનિઓની તથા સ્ત્રીઓનાં દુશ્ચરિતની પરીક્ષા કરવી નહિ. મુનિએ વસુના વીર્યથી ઉત્પન્ન થયેલી માછીમારની પુત્રી (સત્યવતી)નું સેવન કર્યું હતું, અને તેથી સેંકડો ગુણોના નિવાસસ્થાનરૂપ વ્યાસ ઉત્પન્ન થયા. વધારે શું કહેવું? શ્રીમાન એવા તેમણે વેદોની વ્યવસ્થા કરી અને નાશ થવા આવેલા કુરુવંશના તેઓ જનક થયા. અહોહો! કર્મની ગતિઓ વિષમ છે.
| |
| કુળોની બાબતમાં કહ્યું તેના ઉદાહરણરૂપે મહાત્મા પાંડવોની ઉત્પત્તિ પણ તપાસવા જેવી નથી, કારણ કે તેઓ ક્ષેત્રજ (એક માતામાં જુદા જુદા પુરુષોથી ઉત્પન્ન થયેલા) પુત્રો હતા. સ્ત્રીના દુશ્ચરિતની પણ જો તપાસ કરવામાં આવે તો તે સ્ત્રીઓના અનેક દોષોને પ્રકટ કરે છે. તેમ જ
| |
| અગ્નિ શીતળ થાય અથવા ચંદ્ર ઉષ્ણ થાય, તથા દુર્જન હિતકારી થાય તો સ્ત્રીઓ સતીત્વવાળી હોય.
| |
| તો પણ લોકાપવાદ ઉપરથી, તે પવિત્ર છે કે અપવિત્ર છે, તેની તપાસ કરું. કહ્યું છે કે
| |
| જે વેદોમાં એ શાસ્ત્રોમાં જોવામાં કે સાંભળવામાં આવેલું નથી, તથા જે આ બ્રહ્માંડમાં છે તે સર્વ આ લોક જાણે છે.’
| |
| એ પ્રમાણે વિચાર કરીને તેણે સ્ત્રીને કહ્યું, ‘પ્રિયે! હું સવારે પરગામ જવાનો છું. ત્યાં મને કેટલાક દિવસ લાગશે. માટે તું મારે લાયક કંઈક ભાથું તૈયાર કર.’ આ સાંભળીને ચિત્તમાં હર્ષ પામેલી તેણે પણ ઉત્કંઠાથી સર્વ કાર્યોનો ત્યાગ કરીને ઘી અને સાકરવાળું અન્ન તૈયાર કર્યું. અથવા આ ખરું કહ્યું છે કે
| |
| વાદળાંથી ઘેરાયેલા દિવસોમાં, ગાઢ અંધકારમાં, જેમાં મુશ્કેલીએ ચાલી શકાય એવી નગરની શેરીઓમાં, પતિ પરદેશ ગયો હોય ત્યારે વ્યભિચારિણીને પરમ સુખ થયા છે.
| |
| પછી સવારે ઊઠીને સુથાર પોતાના ઘરમાંથી નીકળ્યો. તેને નીકળેલો જોઈને જેનું વદન હસતું હતું એવી તેણે અંગસંસ્કાર કરીને એ દિવસ મુશ્કેલીએ પસાર કર્યો. પછી બીજે દિવસે કોઈ વિટને ઘેર જઈને તે વિનંતીપૂર્વક કહેવા લાગી કે, ‘મારો તે દુરાત્મા પતિ પરગામ ગયો છે, માટે આજે બધા લોકો સૂઈ જાય ત્યારે તું મારે ઘેર આવજે.’ એ પ્રમાણે નક્કી થયા પછી તે સુથાર અરણ્યમાં દિવસ ગાળીને રાત્રે પાછલે બારણેથી પોતાના ઘરમાં પ્રવેશ્યો, અને શય્યાની નીચે છાનોમાનો ભરાઈ રહ્યો. એ સમયે પેલો દેવદત્ત આવીને શયનમાં બેઠો. તે જોઈને ક્રોધે ભરાયેલા ચિત્તવાળો સુથાર વિચાર કરવા લાગ્યો, ‘શું ઊઠીને એને મારી નાખું? અથવા એ બન્ને ઊંઘી જાય ત્યારે તેમને રમતમાત્રમાં મારું? પણ એ સ્ત્રીનું ચરિત્ર જોઉં અને પેલાની સાથે એનો વાર્તાલાપ સાંભળું.’
| |
| એ સમયે તે સ્ત્રી ઘરનું બારણું બરાબર બંધ કરીને શયન ઉપર બેઠી. તે શયન ઉપર બેઠી એ સમયે સુથારના શરીરે તેનો પગ અડ્યો. એટલે તેણે વિચાર્યું, ‘નક્કી, એ દુરાત્મા સુથાર મારી પરીક્ષા માટે અહીં આવ્યો હશે. માટે હું એને કંઈક સ્ત્રીચરિત્ર બતાવું.’ તે એ પ્રમાણે વિચાર કરતી હતી એવામાં દેવદત્ત તેનો સ્પર્શ કરવાને ઉત્સુક થયો. પછી તે સ્ત્રીએ હાથની અંજલિ જોડીને એને કહ્યું કે, ‘મહાનુભાવ! તમારે મારા ગાત્રનો સ્પર્શ ન કરવો, કારણ કે હું પતિવ્રતા અને મહાસતી છું; નહિ તો હું શાપ આપીને તમને ભસ્મસાત્ કરીશ.’ તે બોલ્યો, ‘જો એમ છે તો તું શા માટે મને અહીં લાવી છે?’ તે બોલી, ‘અરે! એકાગ્ર મન રાખીને સાંભળો. હું આજે સવારે દેવતાદર્શન માટે ચંડિકાના મંદિરમાં ગઈ હતી. ત્યાં આકસ્મિક આકાશવાણી થઈ કે, ‘પુત્રિ! શું કરું? તું મારી ભક્ત છે, પણ છ માસની અંદર દૈવયોગે તું વિધવા થઈશ.’ એટલે મેં કહ્યું, ‘ભગવતિ! તમે જેમ આ વસ્તુ જાણો છો તેમ એનો પ્રતિકાર પણ જાણો છો. તો એવો કોઈ ઉપાય છે, જેથી મારા પતિ સો વર્ષ જીવે?’ એટલે તેણે કહ્યું, ‘વત્સે! ઉપાય છે, છતાં નથી; કારણ એ પ્રતિકાર તારે આધીન છે.’ તે સાંભળીને મેં કહ્કહ્યું, ‘દેવિ! એ ઉપાય મારા પ્રાણથી થઈ શકે તેમ હોય તો આદેશ કરો. હું તે કરીશ.’ પછી દેવીએ કહ્યું, ‘જો પરપરુષની સાથે એક શયનમાં બેસીને તું આલિંગન કરે તો તારા પતિનું અપમૃત્યુ તેનામાં જશે, અને તારો પતિ બસો વર્ષ જીવશે.’ એ કારણથી મેં તમને વિનંતી કરી હતી. માટે હવે જે કંઈ કરવાની તમારી ઇચ્છા હોય તે કરો. દેવતાનું વચન અન્યથા નહિ થાય એવો મારો નિશ્ચય છે.’
| |
| તેનું આ વચન સાંભળીને જેના શરીરે રોમાંચ થયાં હતાં એવો તે મૂર્ખ સુથાર પણ શય્યાની નીચેથી નીકળીને તેને કહેવા લાગ્યો, ‘ધન્ય છે, પવિત્ર સ્ત્રી! ધન્ય છે, પતિવ્રતા! ધન્ય છે, કુલનન્દિનિ! દુર્જનોનાં વચનથી જેના હૃદયમાં શંકા ઉત્પન્ન થઈ હતી એવો હું પરગામ જવાનું બહાનું કરીને આ ખાટલા નીચે છાનોમાનો છુપાઈને રહ્યો હતો. માટે આવ, મને આલિંગન આપ! એમ કહી, તેને આલિંગન કરી, ખાંધ ઉપર બેસાડી પેલા દેવદત્તને કહેવા લાગ્યો, ‘હે મહાનુભાવ! મારા પુણ્યથી તમે અહીં આવ્યા છો. તમારી કૃપાથી મારું બસો વર્ષ જેટલું આયુષ્ય થયું છે. માટે તમે પણ મને આલિંગન કરીને મારા ખભા ઉપર બેસો.’ એ પ્રમાણે બોલતા તેણે, દેવદત્તની ઇચ્છા નહોતી તો પણ, તેને પરાણે ખભા ઉપર બેસાડ્યો. પછી તૂર્યના ધ્વનિ પ્રમાણે નાચતો સુથાર ઘેર ઘેર બારણામાં ફર્યો.
| |
| === તપસ્વી અને ઉંદરડી ===
| |
| કોઈ નગર પાસેના તપોવનમાં શાલંકાયન નામે તપોધન મુનિ રહેતા હતા. તે ગંગામાં સ્નાન કરવા ગયા હતા. તેઓ સૂર્યોપસ્થાન કરતા હતા એ સમયે એક બાજે પોતાના તીક્ષ્ણ નખની અણીથી તે પ્રદેશમાં એક ઉંદરડી પકડી. ઉંદરડીને જોઈને કરુણાથી આર્દ્ર થયેલા હૃદયવાળા મુનિએ, ‘મૂક! મૂક!’ એમ કરતાં બાજ ઉપર પથરો ફેંક્યો. પથરાના પ્રહારથી વ્યાકુળ થયેલી ઇન્દ્રિયોવાળો તથા જેના પંજામાંથી ઉંદરડી છૂટી ગઈ હતી એવો તે બાજ પણ પૃથ્વી ઉપર પડ્યો. ભયભીત થયેલી હોવાથી શું કરવું તે નહિ જાણતી એ ઉંદરડી પણ ‘રક્ષણ કરો!’ એમ બોલતી મુનિના ચરણમાં જઈને બેઠી. બાજ પણ ભાનમાં આવીને બોલ્યો, ‘હે મુનિ! તમે મને પથ્થર માર્યો એ ઠીક ન કર્યું. તમે શું અધર્મથી ડરતા નથી? માટે આ ઉંદરડી મને સોંપી દો. નહિ તો તમને ઘણું પાપ લાગશે.’ એ પ્રમાણે બોલતા તે બાજને મુનિએ કહ્યું, ‘હે અધમ પક્ષી! પ્રાણીઓના પ્રાણનું રક્ષણ કરવું જોઈએ. દુષ્ટોને દંડ દેવો જોઈએ, સાધુઓનું સન્માન કરવું જોઈએ, ગુરુઓની પૂજા કરવી જોઈએ, એ દેવોની સ્તુતિ કરવી જોઈએ. માટે તું અસંબદ્ધ કેમ બોલે છે?’ બાજ બોલ્યો, ‘મુનિ! તમે સૂક્ષ્મ ધર્મ જાણતા નથી. આ જગતમાં સૃષ્ટિ રચતાંની સાથે વિધિએ સર્વ પ્રાણીઓ માટે આહાર નિર્મિત કરેલો છે. એટલે જેમ તમારે માટે અન્ન તેમ અમારે માટે ઉંદરડી વગેરે નક્કી કરેલ છે. માટે આહારની ઇચ્છા રાખતા એવા મને શા માટે દૂષણ આપો છો? કહ્યું છે કે
| |
| જેને માટે જે ભક્ષ્ય નિર્મિત થયેલું છે તે તેને માટે દોષકારી નથી, અભક્ષ્ય ખાવાથી ઘણો દોષ લાગે છે; માટે ખોરાકમાં વ્યત્યય — ફેરફાર કરવો નહિ. (પ્રત્યેકને પોતાનો વિહિત ખોરાક ખાવાનો અધિકાર છે.) બ્રાહ્મણોને માટે જેમ મદ્ય અને મદ્યપાન કરનારાઓ માટે જેમ હવિ, ભક્ષ્ય હોવા છતાં અભક્ષ્ય થાય છે, તેમ હે બ્રાહ્મણ! બીજાઓની બાબતમાં પણ સમજવું. ભક્ષ્ય વસ્તુ ખાનારાનું શ્રેય થાય છે, અને અભક્ષ્ય ખાનારાને મોટું પાપ લાગે છે; માટે મને વૃથા આચારવાળા તરીકે શિક્ષા કરવાને તમે કઈ રીતે યોગ્ય છો?
| |
| વળી મુનિઓનો આ ધર્મ નથી, કેમ કે તેઓ જોકહ્યું ન જોયું કરવું અને સાંભળ્યું ન સાંભળ્યું કરવું તેની, તથા અલોભતા અને અશત્રુતાની પ્રશંસા કરે છે. કહ્યું છે કે
| |
| મુનિ શત્રુ અને મિત્ર ઉપર સમભાવ રાખે છે, માટી, પથ્થર અને લોઢું એ ત્રણેને સરખાં ગણે છે, સ્નેહી અને મિત્રોની બાબતમાં ઉદાસીન રહે છે, તથા શત્રુઓ અને મિત્રોને વિશે તટસ્થ રહે છે. સદાચારનો વિચાર કરનારા તથા દોષરહિત એવા સાધુ પુરુષોમાં જે સાધુ અને પાપી બન્ને ઉપર સમદૃષ્ટિ રાખે છે તે વિશિષ્ટ ગણાય છે.
| |
| યોગીએ એકાન્તમાં બેસીને પોતાની જાતને યોજવી જોઈએ — ચિત્તવૃત્તિનો નિરોધ કરવો જોઈએ.
| |
| માટે તમે આ કર્મ વડે તપથી ભ્રષ્ટ થયા છો. કહ્યું છે કે
| |
| ‘મૂકી દે! મૂકી દે!’ એમ કહેવાથી એક અને ‘મૂકીશ નહિ!’ એમ કહેવાથી બીજો તપથી ભ્રષ્ટ થયો; આ પ્રમાણે બન્નેનું પતન જોઈને (ત્રીજાએ માન્યું કે) મૌન જ સર્વ કાર્યને સિદ્ધ કરનાર છે.’
| |
| શાલંકાયન બોલ્યો, ‘એ કેવી રીતે?’ બાજ કહેવા લાગ્યો —
| |
| === મૌન એ જ કાર્યસાધક છે ===
| |
| ‘કોઈ એક નદીના તટ ઉપર એકત, દ્વિત અને ત્રિત નામના ત્રણ મુનિ ભાઈઓ તપ કરતા હતા. તેઓના તપના પ્રભાવથી સ્નાન સમયે પાણીથી ભીનાં થયેલાં તેમનાં ધોયેલાં ધોતિયાં પૃથ્વીનો સ્પર્શ થવાના ભયથી આકાશમાં જ અધ્ધર રહેતાં હતાં — સુકાતાં હતાં. એક દિવસે કોઈ એક ગીધે, મારી જેમ, એક દેડકીને બળાત્કારે ઉપાડી. પછી તેને પકડેલી જોઈને, તેઓ પૈકી મોટા ભાઈએ કરુણાથી આર્દ્ર હૃદયવાળા બની કહ્યું, ‘મૂકી દે! મૂકી દે!’ તે સમયે તેનું ધોયેલું ધોતિયું આકાશમાંથી ભૂમિ ઉપર પડી ગયું. તેને પડેલું જોઈને, (પોતાનું ધોતિયું) પડવાના ભયથી ડરેલા બીજાએ ‘મૂકીશ નહિ, મૂકીશ નહિ!’ એમ કહ્કહ્યું, એટલે તેનું ધોતિયું પણ ભૂમિ ઉપર પડ્યું. પછી બન્નેનાં ધોયેલાં ધોતિયાં ભૂમિ ઉપર પડેલાં જોઈને ત્રીજો મૌન રહ્યો.
| |
| તેથી હું કહું છું કે ‘મૂકી દે! મૂકી દે!’ એમ કહેવાથી એક, અને ‘મૂકીશ નહિ!’ એમ કહેવાથી બીજો તપથી ભ્રષ્ટ થયો; આ પ્રમાણે બન્નેનું પતન જોઈને(ત્રીજાએ માન્યું કે) મૌન જ સર્વ કાર્યને સિદ્ધ કરનાર છે.’
| |
| તે સાંભળીને મુનિએ હસીને કહ્યું, ‘હે મૂર્ખ પક્ષી! સત્યયુગમાં એ ધર્મ હતો, કેમ કે સત્યયુગમાં પાપીની સાથે વાત કરવાથી પણ પાપ લાગતું. આથી અશિષ્ટ પ્રાણીની સાથે વાત કરવાથી ધોયેલાં ધોતિયાં નીચે પડ્યાં હતાં, સજ્જન ઉપર અપવાદ મૂકવાના દોષથી નહિ. પણ આ કલિયુગ છે. એમાં તો સર્વેય પાપી છે, માટે કર્મ કર્યા વિના પાપ લાગતું નથી. કહ્યું છે કે
| |
| બીજા યુગોમાં મનુષ્યોનાં પાપો એકમાંથી બીજામાં સંચાર કરે છે, પણ પાપમય એવા કલિયુગમાં જે પાપ કરે છે તે જ તેનાથી લેપાય છે.
| |
| તેમ જ
| |
| તેલનું બિન્દુ જેમ પાણીમાં પ્રસરે છે તેમ, સત્યયુગમાં (પાપીની સાથે) બેસવાથી, સૂવાથી, ચાલવાથી, અને સંગ તથા ભોજન કરવાથી પાપનો સંચાર થાય છે.
| |
| માટે વૃથા પ્રલાપ શું કામ કરે છે? તું ચાલ્યો જા, નહિ તો તને શાપ આપીશ.’ પછી બાજ ગયો, એટલે તે ઉંદરડીએ તે મુનિને કહ્યું, ‘ભગવન્! મને તમારા નિવાસસ્થાને લઈ જાઓ, નહિ તો બીજું કોઈ દુષ્ટ પક્ષી મારો નાશ કરશે. માટે હું ત્યાં તમારા આશ્રમમાં જ તમે આપેલી અન્નની મૂઠી ખાઈ સમય ગાળીશ.’ દાક્ષિણ્યને કારણે કરુણાયુક્ત એવા તે મુનિએ પણ વિચાર્યું, ‘લોકોમાં હાસ્ય કરાવનાર આ ઉંદરડીને હાથમાં લઈને કેવી રીતે જાઉં? માટે એને કુમારિકા બનાવીને લઈ જાઉં.’ એ પ્રમાણે મુનિએ તેને કન્યકા બનાવી.
| |
| એ પ્રમાણે કર્યા પછી તે મુનિને જોઈને તેમની પત્ની કહેવા લાગી, ‘ભગવન્! આ કન્યા ક્યાંથી આવી?’ તે બોલ્યા, ‘બાજના ભયને કારણે શરણ ઇચ્છતી આ ઉંદરડીને કન્યારૂપે તારે ઘેર લાવ્યો છું. માટે તારે એનું યત્નપૂર્વક રક્ષણ કરવું. હું એને ફરી પાછી ઉંદરડી બનાવીશ.’ તે બોલી, ‘ભગવન્! એમ ન કરશો, તમે એના ધર્મપિતા છો. કહ્કહ્યું છે કે
| |
| જનક, જનોઈ આપનાર, વિદ્યા ભણાવનાર, અન્નદાતા અને ભયમાંથી રક્ષણ કરનાર — એ પાંચને પિતા કહેલા છે.
| |
| તો તમે એને પ્રાણ આપ્યા છે, મારે પણ સંતાન નથી, તેથી એ મારી પુત્રી થશે.’
| |
| એ પ્રમાણે નક્કી થયા પછી એ કન્યા શુક્લપક્ષની ચંદ્રકલાની જેમ નિત્ય વૃદ્ધિ પામવા લાગી. પત્ની સહિત એ મુનિની સેવા કરતી તે યુવાવસ્થામાં આવી. પછી યૌવનોન્મુખ એવી તેને જોઈને શાલંકાયને પોતાની પત્નીને કહ્યું, ‘પ્રિયે! આ કન્યા યૌવનોન્મુખ થઈ છે. હવે મારા ઘરમાં રહેવાને તે યોગ્ય નથી. કહ્યું છે કે
| |
| જેના ઘરમાં અપરિણીત કન્યા રજસ્વલા થાય છે તેના પિતૃઓ, સ્વર્ગમાં રહેલા હોય તો પણ, એ દોષને કારણે નીચે પડે છે.
| |
| માટે કોઈ શ્રેષ્ઠ વરને એનું દાન કરવું જોઈએ. કહ્યું છે કે
| |
| કન્યા (સુન્દર) વરને ઇચ્છે છે, માતા તેના ધનને (અર્થાત્ કન્યા માટે ધનવાન વરને) ઇચ્છે છે, અને પિતા જ્ઞાનને (અર્થાત્ ભણેલાગણેલા વરને) ઇચ્છે છે, સગાંસંબંધીઓ કુળને (અર્થાત્ કુળવાન વરને) ઇચ્છે છે, અને બીજા લોકો મિષ્ટાન્ન ઇચ્છે છે.
| |
| તેમ જ
| |
| કન્યા જ્યાં સુધી લજ્જા પામતી નથી, ધૂળમાં રમે છે, અને ગાયોના માર્ગમાં ઊભી રહે છે ત્યાં સુધીમાં તેને પરણાવી દેવી. કન્યાને રજસ્વલા જોઈને માતા, પિતા અને મોટો ભાઈ એ ત્રણે નરકમાં જાય છે.
| |
| તેમ જ
| |
| કુલ, શીલ, વડીલો, વિદ્યા, ધન, શરીર અને વય — એ સાત ગુણોની પરીક્ષા કરીને ડાહ્યા માણસોએ કન્યા આપવી; બીજાં વાનાંનો વિચાર કરવો નહિ.
| |
| વળી
| |
| દૂર વસનારા વિદ્યા વિનાના, મોક્ષધર્મને અનુસરનારા, શૂરાઓ અને નિર્ધનોેને ડાહ્યા માણસોએ કન્યા આપવી નહિ.
| |
| માાટે જો એને રુચતું હોય તો ભગવાન આદિત્યને બોલાવીને તેમને એનું દાન કરું. કહ્યું છે કે
| |
| રૂપાળો હોય છતાં, જે વર કન્યાને ગમતો ન હોય તેને શ્રેય ઇચ્છતા મનુષ્યે કન્યા આપવી નહિ.’
| |
| તે બોલી, ‘એ વિષયમાં શો દોષ છે? એમ કરો.’ પછી મુનિએ સૂર્યનું આવાહન કર્યું, એટલે તે જ ક્ષણે આવીને સૂર્યે કહ્યું, ‘ભગવન્! તમે મને શા માટે બોલાવ્યો છે તે ઝટ કહો.’ ઋષિ બોલ્યા, ‘આ મારી કન્યા જો તમને વરે તો તેની સાથે વિવાહ કરો.’ એમ કહીને તેમણે એ કન્યાને ભગવાન સૂર્ય બતાવ્યા, અને કહ્યું, ‘પુત્રિ! આ ભગવાન ત્રૈલોક્યદીપ તને ગમે છે?’ તે બોલી, ‘તાત! આ તો અતિ તાપકારી છે, માટે તેમને હું ઇચ્છતી નથી. એમના કરતાં પણ જે કોઈ ચડિયાતો હોય તેને બોલાવો.’ પછી તેનું એ વચન સાંભળીને સૂર્યે પણ તેને ઉંદરડી જાણીને તેનામાં નિઃસ્પૃહ થઈને કહ્યું, ‘ભગવન્! મારા કરતાં પણ ઉત્તમ મેઘ છે, જેનાથી હું છવાઈ જાઉં છું એટલે મારું નામ પણ જાણવામાં આવતું નથી.’ પછી મુનિએ મેઘને બોલાવ્યો. (અને કન્યાને પૂછ્યું), ‘આ તને ગમે છે?’ તેણે મુનિને કહ્યું કે, ‘મેઘ કરતાં પણ શ્રેષ્ઠને મારું દાન કરો.’ પછી મુનિએ મેઘને પૂછ્યું, ‘અરે! તારા કરતાં અધિક કોઈ છે?’ તેણે કહ્યું કે, ‘મારા કરતાં અધિક વાયુ છે, વાયુના ઝપાટાથી મારા હજારો ટુકડા થઈ જાય છે.’ તે સાંભળી મુનિએ વાયુને બોલાવ્યો અને કન્યાને કહ્યું, ‘આ ઉત્તમ વાયુ તને ગમે છે?’ તે બોલી, ‘તાત! આ પ્રબલ હોવા છતાં ચંચળ છે, માટે એના કરતાંયે અધિક શ્રેષ્ઠ હોય તેને બોલાવો.’ મુનિએ કહ્યું, ‘હે વાયુ! તારા કરતાં પણ અધિક કોઈ છે?’ તેણે કહ્યું, ‘મારા કરતાં અધિક પર્વતો છે, જેઓ અમો બળવાનને પણ રૂંધીને રોકી રાખે છે.’ પછી મુનિએ પર્વતને બોલાવીને કન્યાને બતાવ્યો (અને પૂછયું). ‘પુત્રિ! તને આ પર્વતને આપું?’ તે બોલી, ‘તાત! આ તો કઠણ શરીરવાળો છે, માટે બીજાને આપો.’ પછી મુનિએ પર્વતને પૂછ્યું કે, ‘હે પર્વતરાજ! તારા કરતાં અધિક કોઈ છે?’ તે બોલ્યો, ‘મારા કરતાં પણ અધિક ઉંદરો છે, જેઓ અમારા દેહને ચારે બાજુથી બળપૂર્વક ખોદી નાખે છે.’ તે સાંભળીને મુનિએ ઉંદરને બોલાવી કન્યાને બતાવ્યો (અને પૂછ્યું), ‘પુત્રિ! આ મૂષકરાજ તને ગમે છે? જો ગમતો હોય તો યથોચિત કરું.’ તે પણ તેને જોઈને ’આ મારી જાતિનો છે.’ એમ માનીને શરીરે રોમાંચિત થઈને બોલી. ‘તાત! મને ઉંદરડી બનાવીને આ ઉંદરને આપો, જેથી મારી જાતિને યોગ્ય ગૃહસ્થધર્મનો હું અનુભવ કરું.’ તે સાંભળીને સ્ત્રીધર્મમાં વિચક્ષણ તે મુનિએ તેને ઉંદરડી બનાવીને ઉંદરને આપી. અથવા ખરું કહ્યું છે કે
| |
| સ્ત્રીઓ અભીષ્ટ વરની જેટલી ઇચ્છા રાખે છે તેટલી ઇચ્છા સુવર્ણની, રત્નોની તથા રાજવૈભવની પણ રાખતી નથી.
| |
|
| |
| === જાર વડે છેતરાયેલી પુંશ્ચલી ===
| |
| કોઈ એક નગરમાં એક ખેડૂત અને તેની સ્ત્રી રહેતાં હતાં. પતિ વૃદ્ધ હોવાથી એ ખેડૂતની પત્નીનું ચિત્ત સદાકાળ અન્યમાં ચોંટેલું રહેતું હતું અને તે ઘરમાં સ્થિર થઈને બેસતી નહોતી; કેવળ પરપુરુષને શોધતી ભમ્યા કરતી હતી. એક દિવસ બીજાના ધનનું હરણ કરનાર ધુતારાએ તેને જોઈ અને એકાન્તમાં કહ્યું કે ‘સુભગે, મારી પત્ની મરણ પામી છે, અને તારાં રૂપલાવણ્યનું દર્શન થતાં હું કામબાણથી પીડાયો છું. માટે મને રતિદક્ષિણા આપ. પછી તે બોલી, ‘હે સુભગ! જો એમ હોય તો મારા પતિ પાસે ઘણું ધન છે. વૃદ્ધાવસ્થાને લીધે તે ચાલવાને અસમર્થ છે, તેથી તે ધન લઈને હું આવું છું. પછી તારી સાથે અન્યત્ર જઈને યથેચ્છ રતિસુખ અનુભવીશ.’ તે બોલ્યો, ‘મને પણ એ ગમે છે. પ્રભાતમાં તું આ સ્થાને આવજે. જેથી કોઈ સારા નગરમાં જઈને તારી સાથે જીવલોકનું સુખ અનુભવીશ.’ તે પણ ‘ભલે’ એ પ્રમાણે એ વસ્તુ કબૂલ કરીને હસતે મુખે પોતાને ઘેર ગઈ. રાત્રે પતિ ઊંઘી ગયો એટલે તેનું સર્વ ધન લઈને પ્રભાતમાં પેલાએ કહ્યું હતું તે સ્થાને આવી, ધૂર્ત પણ તેને આગળ કરીને સત્વર ગતિએ દક્ષિણ દિશામાં ચાલ્યો.
| |
| બે યોજન ચાલ્યા પછી આગળ માર્ગમાં નદી આવેલી જોઈને ધૂર્તે વિચાર્યું, ‘યૌવનના અંતમાં રહેલી આ સ્ત્રીને હું શું કરીશ? કદાચ પાછળથી પણ કોઈ આવી પહોંચશે. માટે માત્ર ધન લઈને ચાલ્યો જાઉં.’ એ પ્રમાણે નિશ્ચય કરીને તેણે તેને કહ્યું, ‘પ્રિયે! આ નદી ઊતરવી મુશ્કેલ છે, માટે સર્વ ધન હું સામે પાર મૂકીને આવું, એટલે પછી તને એકલીને સુખપૂર્વક મારી પીઠ ઉપર બેસાડીને લઈ જાઉં.’ તે બોલી, ‘ભદ્ર! એમ કર.’ એમ કહીને તેણે તેને સર્વ ધન આપ્યું, પછી તે ધૂર્તે કહ્યું, ‘પ્રિયે! તારું પહેરેલું વસ્ત્ર પણ આપ, જેથી તું પાણીમાં નિ:શંકપણે આવી શકે.’ તેણે એ પ્રમાણે કર્યું, એટલે પછી ધન લઈને એ ધૂર્ત પોતાના ઇચ્છિત પ્રદેશમાં ચાલ્યો ગયો.
| |
| પેલી સ્ત્રી પણ કંઠ ઉપર પોતાના બન્ને હાથ મૂકીને નદીના કિનારે ઉદ્વેગ કરતી ઊભી રહી હતી. એ સમયે પોતાના મોંમાં જેણે માંસનો પિંડ લીધો હતો એવી કોઈ શિયાળણી ત્યાં આવી. પછી નદીના તીરે જુએ છે તો એક મોટો મત્સ્ય પાણીમાંથી નીકળીને બહાર આવ્યો હતો. તેને જોઈને માંસપિંડ છોડી દઈને શિયાળણી તેના તરફ દોડી. એ સમયે એક ગીધ એ માંસપિંડ જોઈને, તે ઉપાડીને આકાશમાં ઊડી ગયો. મત્સ્ય પણ શિયાલણીને જોઈને નદીમાં પેસી ગયો. પછી જેનો શ્રમ વ્યર્થ થયો હતો એવી તથા ગીધ તરફ જોતી એ શિયાલણીને એ દેવદત્તાએ સ્મિત કરીને કહ્યું,
| |
| ‘ગીધે માંસનું હરણ કર્યું અને મત્સ્ય પણ પાણીમાં પેસી ગયો; મત્સ્યના માંસથી ભ્રષ્ટ થયેલી હે શિયાળણી! હવે તું શું જુએ છે?’
| |
| તે સાંભળીને ક્રોધ પામેલી શિયાળણીએ કહ્યું,
| |
| ‘જેટલી મારી ચતુરાઈ છે તેના કરતાં તારી બમણી છે, પણ તારે જાર કે પતિ બેમાંથી એકે રહ્યો નહિ; હે નગ્ન સ્ત્રી! હવે તું શું જુએ છે?’
| |
| === સુઘરી અને વાંદરો ===
| |
| કોઈ એક અરણ્યમાં ઝાડની શાખા ઉપર માળો બાંધીને પક્ષીનું એક જોડું રહેતું હતું. હવે એક વાર માઘ માસમાં થયેલી અકાળવૃષ્ટિની ઝાપટમાં આવેલો તથા વેગવાળા પવનથી જેનું શરીર કંપતું હતું એવો એક વાંદરો તે જ વૃક્ષની નીચે આવ્યો. દાંતની વીણા વગાડતા — દાંત કકડાવતા તથા જેણે હાથપગ સંકોચી દીધા હતા એવા તે વાંદરાને ચકલીએ કહ્યું,
| |
| ‘હાથપગવાળો હોઈને પુરુષ જેવી આકૃતિવાળો દેખાતો હોવા છતાં, ઠંડા પવનથી હેરાન થતો એવો તું શા માટે ઘર બનાવતો નથી?’
| |
| વાંદરાએ પણ એ સાંભળીને વિચાર્યું, ‘અહો! જગતના લોકો આત્મસંતુષ્ટ હોય છે, શાથી જે આ ક્ષુદ્ર ચકલી પણ પોતાની જાતને મોટી માને છે.
| |
| પોતાના મનથી કલ્પેલો ગર્વ તો કોને હોતો નથી? આકાશ તૂટી પડવાના ભયથી ટિટોડો પગ ઊંચા કરીને સૂએ છે.’
| |
| એમ વિચારીને તેણે ચકલીને કહ્યું,
| |
| ‘હે દુરાચારિણી અને પોતાની જાતને પંડિત માનતી રંડા સુઘરી! તું છાની રહે, નહિ તો તને હું ઘર વિનાની બનાવી દઈશ.’
| |
| એ પ્રમાણે વાંદરાએ નિષેધ કર્યા છતાં ફરી વાર માળો બનાવવાના ઉપદેશથી તે તેને ઉદ્વેગ પમાડવા લાગી, એટલે તેણે વૃક્ષ ઉપર ચડીને તે સુઘરીનો માળો ટુકડેટુકડા કરીને ભાંગી નાખ્યો.
| |
| === શિયાળના ચાર શત્રુઓ ===
| |
| કોઈ એક વનમાં મહાચતુરક નામે શિયાળ રહેતો હતો. તેને એક વાર અરણ્યમાં સ્વયંમૃત — પોતાની મેળે મરણ પામેલો — હાથી મળ્યો. એની આસપાસ તે ભમવા લાગ્યો, પરન્તુ એની કઠિન ત્વચાને ભેદી શકતો નહોતો. એ સમયે એ પ્રદેશમાં કોઈ સિંહ ભમતો ભમતો આવ્યો. તેને જોઈને, પોતાનું મસ્તક ધરતી ઉપર મૂકી, પ્રણામ કરીને શિયાળે કહ્યું, ‘સ્વામી! આપનો સેવક બની હું આ હાથીનું રક્ષણ કરું છું, માટે આપ તેનું ભક્ષણ કરો.’ હાથીને જોઈને સિંહે કહ્યું, ‘અરે! બીજાએ મારેલા પ્રાણીનુંહું કદી ભક્ષણ કરતો નથી, માટે હું આ હાથી તને ભેટ આપું છું.’ તે સાંભળીને શિયાળે આનંદપૂર્વક કહ્યું, ‘આપને માટે એમ કરવું યોગ્ય છે. કહ્યું છે કે
| |
| મહાપુરુષ અંતિમ અવસ્થામાં આવી ગયો હોય તો પણ શુદ્ધપણાને લીધે પોતાના ગુણોનો ત્યાગ કરતો નથી. શંખ અગ્નિમાં શેકાઈને બહાર નીકળે તો પણ પોતાના શ્વેતપણાને છોડતો નથી.’
| |
| તે સાંભળીને સિંહ ગયો. હવે, તેના ગયા પછી કોઈ વાઘ આવ્યો. તેને જોઈને પણ શિયાળે વિચાર્યું, ‘એક દુરાત્મા સિંહને તો પ્રણામ કરીને માંડ માંડ કાઢ્યો, પણ હવે આને કેવી રીતે કાઢવો? આ શૂર છે, માટે ભેદકપટ વિના તેને સાધી શકાશે નહિ. કહ્યું છે કે
| |
| જ્યાં સામ અથવા દામનો પ્રયોગ થઈ શકે તેમ ન હોય ત્યાં ભેદનો પ્રયોગ કરવો. કારણ કે તે વશકારક છે.
| |
| સર્વગુણસંપન્ન હોય તે પણ ભેદથી બંધાય છે. કહ્યું છે કે
| |
| સ્વચ્છ, અવિરુદ્ધ, સુવૃત્ત તથા અતિ મનોહર એવા મોતીએ પણ, અંદરથી ભેદાવાને કારણે, બંધન પ્રાપ્ત કર્યું છે.’
| |
| એ પ્રમાણે વિચાર કરીને, તેની સામે જઈ, જરા ઊંચી કાંધ કરીને શિયાળ બોલ્યો, ‘મામા! આજે તમે અહીં મૃત્યુના મુખમાં આવ્યા છો. હમણાં સિંહે આ હાથીનો સંહાર કર્યો છે, અને તે મને રખવાળ તરીકે મૂકીને સ્નાન કરવા માટે ગયો છે. તેણે જતી વખતે કહ્યું હતું કે જો વાઘ આવે તો મને ગુપ્ત રીતે ખબર આપજે; આ વનને મારે વાઘ વિનાનું કરવું છે, કારણ કે વનમાં મેં મારેલો હાથી એક વાઘે ખાઈને ઉચ્છિષ્ટ કર્યો હતો.’ તે સાંભળીને ભયથી ત્રાસ પામેલા મનવાળો વાઘ બોલ્યો, ‘હે ભાણેજ! તું મને પ્રાણદક્ષિણા આપ. સિંહ અહીં આવે ત્યાર પછી ઘણી વાર સુધી તારે મારી કોઈ વાત તેને કહેવી નહિ.’ એમ કહીને તે સત્વર નાસી ગયો.
| |
| તેના ગયા પછી કોઈ એક વાંદરો આવ્યો. તેને જોઈને પણ શિયાળે વિચાર્યું, ‘આ દૃઢ દાઢવાળો છે, માટે એની પાસે હાથીની ચામડી કપાવું.’ એ પ્રમાણે નિશ્ચય કરીને તેણે કહ્યું, ‘હે ભાણેજ! તું ઘણા સમયે મળ્યો. વળી તું ભૂખ્યો આવેલો છે અને મારો અતિથિ છે. આ હાથીને સિંહે મારેલો છે, અને હું તેનો રખવાળ છું. તેથી કહું છું કે માંસનું ભક્ષણ કરી, તૃપ્ત થઈ, તે આવે નહિ ત્યાં સુધીમાં જતો રહે.’ વાંદરો બોલ્યો, ‘મામા! જો એમ હોય તો, મારે માંસ ખાઈને કંઈ કામ નથી, કારણ કે જીવતો નર સેંકડો સુખ પામે છે. કહ્યું છે કે
| |
| જે ખાઈ શકાય, ખાધા પછી પચે અને પચ્યા પછી હિતકારી થાય તે જ કલ્યાણ ઇચ્છતા મનુષ્યે ખાવું.
| |
| માટે હું તો જાઉં છું.’ શિયાળે કહ્યું, ‘અરે! તું નિશ્ચિત થઈને ખા. સિંહના આગમનની હું તને દૂરથી જ જાણ કરીશ.’ એમ કર્યા પછી, શિયાળે હાથીની ચામડી ચિરાયેલી જાણી, એટલે તેણે વાંદરાને કહ્યું, ‘હે ભાણેજ! જતો રહે, જતો રહે! આ સિંહ આવે છે.’ તે સાંભળીને વાંદરો પણ નાસી ગયો.
| |
| પછી વાંદરાએ કરેલા વિવરમાંથી જ્યારે તે હાથીનું માંસ ખાતો હતો ત્યારે બીજો એક શિયાળ ક્રોધ કરીને ત્યાં આવ્યો. એને જોઈને પણ તે આ શ્લોક બોલ્યો,
| |
| ‘ઉત્તમને પ્રણામથી, શૂરવીરને ભેદથી, નીચને અલ્પ વસ્તુ આપીને, તથા સમાન શક્તિવાળાને પરાક્રમથી યોજવો — વશ કરવો.’
| |
| પછી એને પોતાની દાઢો વડે ચીરી નાખીને જીતી લઈ તથા નસાડી મૂકીને તે શિયાળે ઘણા સમય સુધી હાથીનું માંસ ખાધું.
| |
| === બ્રાહ્મણી અને નોળિયો ===
| |
| કોઈ એક નગરમાં દેવશર્મા નામે બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીને પ્રસૂતિ થઈ, અને તેણે પુત્રને જન્મ આપ્યો. તે જ દિવસે નોળિયણે નોળિયાને જન્મ આપ્યો. પછી તે પુત્રવત્સલ બ્રાહ્મણીએ તે નોળિયાને પોતાના પુત્રની જેમ દૂધ પાઈને તથા સ્નાન અને આહારાદિ કરાવીને ઉછેર્યો. પરંતુ ‘આ કદાચ પોતાની જાતિના દોષથી આ બાળકને વિઘ્નકારી થાય એવું આચરણ કરે.’ એમ વિચારીને તે નોળિયાનો વિશ્વાસ કરતી નહોતી. આમ તે પોતાના ચિત્તમાં જાણતી હતી. કહ્યું છે કે
| |
| અવિનયી, કુરૂપ, મૂર્ખ, વ્યસની અને દુષ્ટ એવા કુપુત્ર પણ મનુષ્યોનાં હૃદયને આનંદકારી લાગે છે. ‘ચંદન શીતળ છે’ એમ કહે છે, પણ પુત્રનાં અંગોનો સ્પર્શ ચંદનથી પણ અધિક છે. લોકો પુત્રના સ્નેહબંધનની જેટલી ઇચ્છા કરે છે તેટલી મિત્રના, પિતાના, હિતેચ્છુના અને પાલકના સ્નેહબંધનની પણ કરતા નથી.
| |
| હવે, તે બ્રાહ્મણીએ એક વાર પુત્રને શય્યામાં સુવાડીને, જળકુંભ લઈને પતિને કહ્યું, ‘બ્રાહ્મણ! પાણી લેવા માટે હું તળાવે જાઉં છું. તમારે આ પુત્રનુંં નોળિયાથી રક્ષણ કરવું.’ પછી તે ગઈ, એટલે બ્રાહ્મણ પણ સૂનું ઘર મૂકીને ક્યાંક ભિક્ષા માટે ગયો. તે સમયે કાળો નાગ દરમાંથી બહાર નીકળ્યો. નોળિયાએ પણ સાપને પોતાનો સ્વભાવવૈરી જાણીને, તેની સાથે યુદ્ધ કરીને તેા ટુકડેટુકડા કરી નાખ્યા. પછી રુધિરથી ખરડાયેલા મુખવાળો તે આનંદપૂર્વક પોતાનું કાર્ય બતાવવા માટે માતાની સામે ગયો. તેને રુધિરથી ખરડાયેલા મુખવાળો જોઈને માતાના ચિત્તમાં પણ શંકા થઈ કે, ‘આ દુરાત્મા મારા પુત્રને ખાઈ ગયો હશે.’ એમ વિચારીને તેણે કોપથી નોળિયા ઉપર પાણીનો ઘડો નાખ્યો. એ પ્રમાણે નોળિયાને મારીને પ્રલાપ કરતી તે ઘેર આવે છે, તો પુત્ર પહેલાંની જેમ જ સૂતેલો હતો. બાજુએ કાળા નાગના ટુકડેટુકડા થયેલા જોઈને પુત્રવધના શોકથી તે પોતાનું માથું અને છાતી કૂટવા લાગી. એ સમયે ભિક્ષા માગીને આવેલો બ્રાહ્મણ જુએ છે તો પુત્રશોકથી સંતપ્ત થયેલી બ્રાહ્મણી વિલાપ કરતી હતી, ‘અરે, અરે, લોભી! લોભને લીધે તમે મારું વચન કર્યું નહિ, માટે હવે પુત્રમૃત્યુરૂપી દુઃખવૃક્ષનું ફળ ભોગવો. અથવા આ ખરું કહ્યું છે કે અતિલોભ કરવો નહિ. લોભનો ત્યાગ પણ કરવો નહિ; અતિ લોભને વશ થયેલાના મસ્તક ઉપર ચક્ર ભમે છે.’
| |
| બ્રાહ્મણ બોલ્યો, ‘એ કેવી રીતે?’ બ્રાહ્મણી કહેવા લાગી —
| |
| === ધનભંડારની શોધમાં નીકળેલા ચાર મિત્રો ===
| |
| ‘પરસ્પર મિત્રતાને પામેલા એવા ચાર બ્રાહ્મણપુત્રો કોઈ એક નગરમાં વસતા હતા. દરિદ્રતાથી દુઃખી થયેલા તેઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા, ‘અહો! આ દરિદ્રતાને ધિક્કાર છે! કહ્યું છે કે વાઘ અને હાથીઓ વડે સેવાયેલા, જળ વિનાના અને ઘણા કાંટાથી છવાયેલા વનમાં વાંસ, ઘાસની પથારી અને પહેરવા માટે વલ્કલ હોય એ સારું, પણ સગાંસંબધીઓની વચ્ચે નિર્ધન અવસ્થામાં રહેવું સારું નહિ.
| |
| તેમ જ
| |
| જેની પાસે ધન ન હોય એવો મનુષ્ય સ્વામીની સારી રીતે સેવા કરે તો પણ તે તેનો દ્વેષ કરે છે, સુજન ભાઈઓ તેનો એકાએક ત્યાગ કરે છે, તેના ગુણો શોભતા નથી. પુત્રો તેનો ત્યાગ કરે છે, આપત્તિઓ વૃદ્ધિ પામે છે, સારા વંશમાં ઉત્પન્ન થયેલી પત્ની પણ તેની યોગ્ય રીતે સેવા કરતી નથી, તથા ન્યાય ઉપર જેમણે પોતાનાં પરાક્રમોનું આરોપણ કર્યું છે એવા મિત્રો પણ તેને છોડી દે છે. માણસ શૂરવીર, સુરૂપ, સુભગ અને વાક્ચાતુર્યવાળો હોય, અને તેણે શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હોય, તો પણ ધન વિના આ મનુષ્યલોકમાં તે યશ અને માન મેળવી શકતો નથી. તે જ અવિકલ ઇન્દ્રિયો છે, તે જ નામ છે, તે જ અકુંઠિત બુદ્ધિ છે, અને તે જ વાણી છે; છતાં એ જ પુરુષ ધનની ઉષ્માથી રહિત થતાં એક ક્ષણમાં જ બાહ્ય બની જાય છે, એ વિચિત્ર છે!
| |
| માટે આપણે ધન મેળવવા ક્યાંક જઈએ.’ એ પ્રમાણે વિચાર કરીને સ્વદેશનો, મિત્રો સહિત નગરનો, અને સંબંધીઓ સહિત પોતાના ઘરનો ત્યાગ કરીને તેઓ નીકળ્યા. અથવા આ ખરું કહ્યું છે કે
| |
| ચિન્તાથી જેની બુદ્ધિ વ્યાકુળ થઈ હોય એવો પુરુષ આ લોકમાં સત્યનો ત્યાગ કરે છે, બંધુવર્ગને છોડી દે છે, તથા પોતાની જનની અને જન્મભૂમિનો ત્યાગ કરીને જ્યાં પોતાને મનગમતા લોકો રહેતા હોય એવા વિદેશમાં જાય છે.
| |
| એ પ્રમાણે અનુક્રમે ચાલતા તેઓ અવન્તિ પહોંચ્યા. ત્યાં ક્ષિપ્રાના જળમાં સ્નાન કરીને, મહાકાલને પ્રણામ કરીને તેઓ નીકળતા હતા ત્યારે ભૈરવાનંદ નામે યોગી સામે મળ્યો. બ્રાહ્મણને ઉચિત વિધિથી તેનું સન્માન કરીને એની જ સાથે તેઓ એના મઠમાં ગયા. પછી તેણે તેઓને પૂછ્યું, ‘તમે ક્યાંથી આવ્યા છો? ક્યાં જાઓ છો? તમારે શેનું પ્રયોજન છે?’ પછી તેઓએ કહ્યું, ‘અમે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રવાસે નીકળ્યા છીએ, અને જ્યાં ધનપ્રાપ્તિ અથવા મૃત્યુ થશે ત્યાં અમે જઈશું એવો નિશ્ચય છે. કહ્યું છે કે
| |
| અવસર આવ્યે પોતાનાં શરીરને જોખમમાં મૂકીને સાહસિક પુરુષો દુષ્પ્રાપ્ય અને ઇચ્છિત એવું ઘણું મેળવે છે.
| |
| તેમ જ
| |
| પાણી કોઈ વાર આકાશમાંથી આવે છે, ખોદવામાં આવે તો પાતાળમાંથી પણ તે મળે છે; માટે દૈવનો વિચાર કરવો જોઈએ નહિ, ખરેખર પુરુષાર્થ બળવાન છે. પુરુષના પુરુષાર્થથી જ પૂરેપૂરી ઇષ્ટ સિદ્ધિ થાય છે, અને જેને તું ‘દૈવ’ કહે છે તે પણ અદૃષ્ટ નામનો પુરુષનો ગુણ છે. સાહસિકો મોટા લોકોના અતુલ ભયને અને પોતાના પ્રાણને તૃણ સમાન ગણે છે. અહો! ઉદાર પુરુષોનું આ ચરિત્ર અદ્ભુત છે! અંગને કલેશ પમાડ્યા સિવાય આ જગતમાં વિવિધ પ્રકારનાં સુખ મળતાં નથી; મધુનો નાશ કરનાર વિષ્ણુએ સમુદ્રમંથનથી થાકેલા બાહુઓ વડે લક્ષ્મીને આલિંગન કર્યું હતું. જળમાં રહીને જે સતત ચાર માસ સુધી નિદ્રા કરે છે એવા વિષ્ણુ નરસિંહ હોય તો પણ તેમની પત્ની ચંચલ કેમ ન થાય? પુરુષ જ્યાં સુધી પુરુષાર્થ કરે નહિ ત્યાં સુધી તે ઉત્તમ વસ્તુને મેળવી શકતો નથી; સૂર્ય જ્યારે તુલા રાશિમાં આરૂઢ થાય ત્યારે તે આ લોકમાં વાદળાંના આવરણ ઉપર વિજય મેળવે છે.
| |
| માટે વિવરપ્રવેશ, શાકિનીસાધન, સ્મશાનસેવન, મહામાંસનો વિક્રમ અથવા સાધકની શલાકા આદિમાંથી ધન મેળવવાનો કોઈ એક ઉપાય અમને કહો. આપ અદ્ભુત શક્તિવાળા છો, એમ સાંભળવામાં આવે છે; અમે પણ અતિ સાહસિક છીએ. કહ્યું છે કે
| |
| મોટા જ મોટાનું કાર્ય સિદ્ધ કરવાને સમર્થ હોય છે; સમુદ્ર સિવાય બીજો કોણ વડવાનલને ધારણ કરે છે?’
| |
| ભૈરવાનંદે પણ તેઓની કાર્યસિદ્ધિ માટે ચાર સિદ્ધિવર્તી — વાટ ઘણા ઉપાયોથી તૈયાર કરીને આપી. અને કહ્યું, ‘હિમાલયની દિશામાં જાઓ. ત્યાં પહોંચ્યા પછી જ્યાં આ વાટ નીચે પડશે ત્યાં તમને નિધાન પ્રાપ્ત થશે, એમાં શંકા નથી. એ સ્થાન ખોદીને, નિધિ લઈને પાછા વળજો.’
| |
| એ પ્રમાણે કર્યા પછી તેઓ ચાલતા હતા ત્યારે એકના હાથમાંની વાટ પડી ગઈ. પછી તેણે એ સ્થળ ખોદ્યું તો ત્રાંબાની જમીન નીકળી, પછી તેણે કહ્યું, ‘અહો! સ્વેચ્છાએ ત્રાંબું લઈ લો.’ બીજાઓ બોલ્યા, ‘હે મૂઢ! આને શું કરવું? એ ઘણું હોય તો પણ તેનાથી દારિદ્ય્રનો નાશ થતો નથી. માટે ઊઠ, આપણે આગળ જઈએ.’ તેણે કહ્યું, ‘તમે જાઓ, હું આગળ નહિ આવું.’ એ પ્રમાણે કહીને ઇચ્છાનુસાર ત્રાંબું લઈને પહેલો પાછો વળ્યો. પેલા ત્રણેય આગળ ચાલ્યા.
| |
| થોડેક ગયા, એટલે જે આગળ ચાલતો હતો તેની વાટ નીચે પડી. તે પણ ખોદવા માંડ્યો, તો રૂપાની જમીન નીકળી. હર્ષ પામેલો તે બોલ્યો કે, ‘અરે! ઇચ્છાનુસાર રૂપું લઈ લો; આગળ જવું નથી;’ પેલા બે જણે ક્હ્યું, ‘પહેલાં ત્રાંબાની જમીન નીકળી, આગળ રૂપાની નીકળી, તો હવે નક્કી આગળ સોનાની જમીન હશે. આ રૂપું ઘણું હોય તો પણ એનાથી દારિદ્ય્રનો નાશ થતો નથી. માટે આપણે બે આગળ જઈએ.’ એમ કહીને બન્નેય આગળ ચાલ્યા. પેલો પણ પોતાની શક્તિ પ્રમાણે રૂપું લઈને પાછો વળ્યો.
| |
| પેલા બે આગળ ગયા, એટલે તેમાંના એકની વાટ નીચે પડી. તે પણ હર્ષ પામીને ખોદવા લાગ્યો ત્યાં સોનાની ભૂમિ નીકળી, એટલે તેણે બીજાને કહ્યું, ‘અરે! ઇચ્છાનુસાર સુવર્ણ લઈ લે. સુવર્ણથી વધારે સારું આગળ બીજું કંઈ નહિ હોય.’ તે બોલ્યો, ‘મૂઢ! તું કંઈ જાણતો નથી. પહેલાં ત્રાંબું, પછી રૂપું, અને પછી સોનું આવ્યું. તો નક્કી હવે પછી રત્નો આવશે, જેમાંના એકથી દરિદ્રતાનો નાશ થશે. માટે ઊઠ, આગળ જઈએ. ભારરૂપ આ સોનું ઘણું હોય તો પણ તેથી શું?’ પેલાએ કહ્યું, ‘તું જા; હું અહીં બેસીને તારી વાટ જોઈશ.’
| |
| એમ નક્કી કર્યા પછી પેલો એકલો આગળ જઈ ગ્રીષ્મના સૂર્યના તાપથી સંતપ્ત શરીરવાળો તથા તરસથી વ્યાકુળ થઈ સિદ્ધિના માર્ગથી ભૂલો પડી આમતેમ ભમવા લાગ્યો. પછી ભમતાં ભમતાં એક સ્થળે લોહીલુહાણ ગાત્રોવાળા તથા જેના મસ્તક ઉપર ચક્ર ભમતું હતું એવા એક પુરુષને તેણે જોયો. પછી જલ્દી એની પાસે જઈને તેણે પૂછ્યું, ‘અરે! તું કોણ છે? અને તારા માથા ઉપર ચક્ર કેમ ભમે છે? કોઈ ઠેકાણે પાણી હોય તો મને કહે.’ એ પ્રમાણે તે બોલતો હતો એટલામાં તે ચક્ર તે જ ક્ષણે પેલાના માથા ઉપરથી બ્રાહ્મણના માથે ચડી ગયું. તે બોલ્યો, ‘ભદ્ર! આ શું?’ પેલાએ કહ્યું કે, ‘આ મારા ઉપર પણ આવી જ રીતે ચડ્યું હતું.’(બ્રાહ્મણે કહ્યું,) ‘તો કહે, મારા માથા ઉપરથી એ ક્યારે ઊતરશે? મને ઘણી વેદના થાય છે.’ પેલો બોલ્યો, ‘જ્યારે તારી જેમ બીજો કોઈ સિદ્ધિવર્તી લઈને, અહીં આવીને, તારી સાથે વાત કરશે ત્યારે એના માથા ઉપર ચક્ર ચડશે.’ બ્રાહ્મણે કહ્યું, ‘તું અહીં કેટલા સમયથી હતો?’ તેણે કહ્યું ‘અત્યારે પૃથ્વી ઉપર કયો રાજા છે? બ્રાહ્મણ બોલ્યો, ‘વીણાવત્સરાજ.’ તેણે કહ્યું, ‘હું કાળસંખ્યા તો જાણતો નથી, પણ જ્યારે રામ રાજા હતા ત્યારે દારિદ્ય્રથી પીડાયેલો હું સિદ્ધિવર્તી લઈને આ માર્ગે આવ્યો હતો. પછી જેણે માથે ચક્ર ધારણ કર્યું હતું એવા બીજા મનુષ્યને મેં જોયો અને તેને પૂછયું. એટલે મારી આ સ્થિતિ પેદા થઈ.’ બ્રાહ્મણે કહ્યું, ‘ભદ્ર! આવી સ્થિતિમાં તને ભોજન અને પાણી કેવી રીતે મળતું હતું?’ તે બોલ્યો, ‘ભદ્ર! પોતાના ભંડારનું હરણ થવાના ભયથી કુબેરે સિદ્ધોને આ ભય દર્શાવેલો છે, તેથી કોઈ સિદ્ધ અહીં આવતો નથી. જો કદી કોઈ આવે છે તો તે ભૂખ, તરસ અને નિદ્રાથી સહિત તથા જરામરણથી વર્જિત બની કેવળ આ પ્રમાણે વેદના અનુભવે છે, માટે મને રજા આપ, હું મુક્ત થયો છું; હવે હું મારે ઘેર જઈશ.’ એમ કહીને તે ગયો.
| |
| હવે, બ્રાહ્મણને વાર લાગી, એટલે પેલો સુવર્ણસિદ્ધિ તેને શોધવા લાગ્યો, અને પગલાંની પંક્તિને અનુસરતો વનમાં કેટલેક દૂર આવ્યો તો ત્યાં લોહીલુહાણ શરીરવાળો તથા માથા ઉપર ભમતા તીક્ષ્ણ ચક્રની વેદનાથી કણસતો એ બેસી રહેલો હતો. પછી પાસે આવીને તેણે આંસુ સાથે પૂછ્યું, ‘મિત્ર! આ શું?’ તે બોલ્યો, ‘દૈવની આજ્ઞા.’ તેણે કહ્યું, ‘એ કેવી રીતે?’ તેનું કારણ કહે.’ તેણે પૂછ્યું, એટલે ચક્રનો બધો વૃત્તાન્ત એણે કહ્યો, તે સાંભળીને એની નિન્દા કરતાં તેણે કહ્યું, ‘અરે! મેં અનેક વાર તને વાર્યો, છતાં તેં મારું વાક્ય સાંભળ્યું નહિ, માટે હવે શું થાય? વિદ્યાવાન અને કુલીન હોવા છતાં તું બુદ્ધિ વિનાનો છે. અથવા આ ખરું કહ્યું છે કે
| |
| એવી વિદ્યા નહિ, પણ બુદ્ધિ સારી ગણાય છે; વિદ્યા કરતાં બુદ્ધિ ઉત્તમ છે. બુદ્ધિ વિનાના મનુષ્યો, સિંહને સજીવન કરનારાઓની જેમ, વિનાશ પામે છે.’
| |
| ચક્રધર બોલ્યો, ‘એ કેવી રીતે?’ સુવર્ણસિદ્ધિ કહેવા લાગ્યો —
| |
|
| |
| === સિંહને સજીવન કરનારા મૂર્ખો ===
| |
| ‘કોઈ એક નગરમાં પરસ્પર ગાઢ મિત્રતાવાળા ચાર બ્રાહ્મણપુત્રો રહેતા હતા. તેમાંના ત્રણ જણ શાસ્ત્રના પારગામી, પણ બુદ્ધિરહિત હતા. એક કેવળ બુદ્ધિમાન, પણ શાસ્ત્રરહિત હતો. પછી એક વાર તે મિત્રોએ વિચાર કર્યો, દેશાન્તરમાં જઈને રાજાઓને સંતોષ પમાડીને ધનોપાર્જન ન કરવામાં આવે તો વિદ્યાથી શો ગુણ? માટે આપણે પૂર્વ દેશમાં જઈએ.’
| |
| એ પ્રમાણે કર્યા પછી, માર્ગમાં થોડેક ગયા પછી તેઓમાં જે મોટો હતો તેણે કહ્યું, ‘અહો! આપણામાં આ ચોથો મૂઢ — વિદ્યાહીન હોઈ કેવળ બુદ્ધિમાન છે. વિદ્યા વિના બુદ્ધિથી રાજા પાસેથી દાન લઈ શકાતું નથી. માટે મેં ઉપાર્જિત કરેલું ધન હું તેને નહિ આપું. તે ભલે પોતાને ઘેર જાય.’ પછી બીજાએ કહ્યું ‘હે સુબુદ્ધિ! તું તારે ઘેર જા, કારણ કે તારી પાસે વિદ્યા નથી. પછી ત્રીજાએ કહ્યું, ‘અહો! આમ કરવું યોગ્ય નથી. કારણ કે આપણે બાલ્યાવસ્થાથી એક સાથે રમેલા છીએ. માટે એ મહાનુભાવ ભલે આવે; આપણે મેળવેલા ધનના ભાગનો તે અધિકારી થશે. કહ્યું છે કે
| |
| જે લક્ષ્મી કેવળ કુલવધૂ જેવી હોય, અને વેશ્યાની જેમ જેનો ઉપભોગ પથિકો સામાન્યપણે કરી શકે નહિ તે શા કામની?
| |
| તેમ જ
| |
| ‘આ પોતાનો અથવા આ પારકો’ એવી ગણના તો હલકાં ચિત્તવાળા મનુષ્યો કરે છે; ઉદાર ચરિતવાળા મનુષ્યો માટે તો આખી પૃથ્વી જ કુટુંબ છે.
| |
| માટે એ પણ ભલે આવે.’ એમ કર્યા પછી, માર્ગમાં જતાં તેઓએ મરેલા સિંહનાં હાડકાં જોયાં. પછી એકે કહ્યું કે, ‘આપણે વિદ્યાની ખાતરી કરીએ. આ કોઈ પ્રાણી મરેલું છે, તેને વિદ્યાના પ્રભાવથી આપણે જીવતું કરીએ. હું હાડકાં ભેગાં કરું છું.’ પછી એકે ઉત્સુકતાથી હાડકાં ભેગાં કર્યા. બીજાએ તેમાં ચામડું, માંસ અને લોહી મૂક્યાં. ત્રીજો જ્યારે એમાં જીવનો સંચાર કરતો હતો ત્યારે સુબુદ્ધિએ તેને અટકાવ્યો, ‘અરે! તું ઊભો રહે. આ તો સિંહ ઉત્પન્ન થાય છે, જો એને તું સજીવન કરીશ તો તે સર્વેનો નાશ કરશે.’ તેણે એમ કહ્યું, એટલે પેલો બોલ્યો, ‘મૂર્ખ! તને ધિક્કાર છે! હું વિદ્યાને નિષ્ફળ નહિ કરું.’ પછી તેણે કહ્યું, ‘તો હું ઝાડ ઉપર ચડી જાઉં ત્યાં સુધી ક્ષણ વાર ઊભો રહે.’ તેણે એમ કર્યા પછી પેલાએ સિંહને સજીવન કર્યો. એટલે સિંહે ઊઠીને તે ત્રણેને મારી નાખ્યા. અને સુબુદ્ધિ પણ વૃક્ષથી ઊતરીને ઘેર ગયો.
| |
| તેથી હું કહું છું કે — એવી વિદ્યા નહિ, પણ બુદ્ધિ સારી ગણાય છે; વિદ્યા કરતાં બુદ્ધિ ઉત્તમ છે. બુદ્ધિ વિનાના મનુષ્યો, સિંહને સજીવન કરનારાઓની જેમ, નાશ પામે છે.
| |
| વળી બીજું પણ કહ્યું છે કે
| |
| શાસ્ત્રોમાં કુશળ હોવા છતાં જેઓ લોકાચારથી રહિત હોય છે તેઓ સર્વે, પેલા મૂર્ખ પંડિતોની જેમ, હાસ્યપાત્ર થાય છે.’
| |
| ચક્રધર બોલ્યો, ‘એ કેવી રીતે?’ સુવર્ણસિદ્ધિ કહેવા લાગ્યો —
| |
| === ચાર મૂર્ખ પંડિત ===
| |
| ‘કોઈ એક નગરમાં પરસ્પર મિત્રતાવાળા ચાર બ્રાહ્મણો રહેતા હતા. બાલ્યાવસ્થામાં જ તેમને વિચાર થયો, ‘અરે! દેશાન્તરમાં જઈને આપણે વિદ્યા સંપાદન કરીએ.’ પછી એક દિવસે તે બ્રાહ્મણો પરસ્પર નિશ્ચય કરીને કાન્યકુબ્જ ગયા, અને ત્યાં વિદ્યામઠમાં ભણવા લાગ્યા. એ પ્રમાણે બાર વર્ષ સુધી એકચિત્તે અભ્યાસ કરીને તેઓ સર્વે વિદ્યાકુશળ થયા. પછી તે ચારે જણાએ મળીને કહ્યું, ‘આપણે સર્વ વિદ્યામાં પારંગત થયા છીએ, માટે ઉપાધ્યાયની વિદાય લઈને સ્વદેશ જઈએ.’ ‘એમ જ કરો’ એમ કહીને તે બ્રાહ્મણો ઉપાધ્યાયની વિદાય માગીને તથા રજા લઈને પુસ્તકો લઈને નીકળ્યા.
| |
| તેઓ પંથમાં થોડેક ગયા ત્યાં બે માર્ગ આવ્યા. ત્યાં સર્વે બેઠા. એક બોલ્યો, ‘કયે માર્ગ જઈશું?’ એ સમયે તે નગરમાં કોઈ વણિક મરણ પામ્યો હતો. તેને અગ્નિદાહ દેવા માટે મહાજનો જતા હતા. પછી તે ચારમાંથી એકે પુસ્તકમાં જોઈને કહ્યું કે ‘મહાજનો યેન ગત: સ પંથા:| મહાજનો જે માર્ગે જતા હોય તે માર્ગ છે. માટે આપણે મહાજનના માર્ગે જઈએ.’ પછી તે પંડિતો મહાજનના સમૂહની સાથે જતા હતા ત્યારે એ સ્મશાનમાં તેમણે કોઈ ગધેડો જોયો. પછી બીજાએ પુસ્તક ઉઘાડીને અવલોક્યું કે
| |
| ‘રોગી અવસ્થામાં, દુઃખ આવી પડ્યું હોય ત્યારે, દુષ્કાળમાં, શત્રુના સંકટમાં, રાજદ્વારમાં અને સ્મશાનમાં જે સાથે ઊભો રહે છે તે બાંંધવ છે.
| |
| માટે અહો! આ આપણો બાંધવ છે.’ પછી કોઈ ગધેડાના ગળે વળગ્યો, અને કોઈ તેના પગ પખાળવા લાગ્યો, પછી તે પંડિતોએ દિશાનું અવલોકન કર્યું, તો કોઈ ઊંટ જોયો. તેઓએ કહ્યું, ‘આ શું?’ એટલે ત્રીજાએ પુસ્તક ઉપાડીને કહ્યું કે ‘ધર્મસ્ય ત્વરિતા ગતિ:| ધર્મની ગતિ ત્વરિત હોય છે, માટે આ ધર્મ છે.’ ચોથાએ કહ્યું, ‘ઇષ્ટં ધર્મેણયોજ્યેત્ | વહાલાને ધર્મની સાથે જોડવો જોઈએ.’ પછી તેઓએ ગધેડાને ઊંટના ગળામાં બાંધ્યો.
| |
| આ વાત કોઈએ (ગધેડાના માલિક) ધોબીને કહી. પછી ધોબી એ મૂર્ખ પંડિતોને મારવા માટે આવ્યો એટલામાં તેઓ નાસી ગયા. પછી તેઓ માર્ગમાં થોડેક આગળ ગયા, ત્યાં કોઈ નદી આવી, એ નદીના જળમાં એક ખાખરાનું પાંદડું આવતું જોઈને એક પંડિતે કહ્યું, ‘આગમિષ્યતિ યત્પત્રં તદસ્માસ્તારયિસ્યતિ| જે પાંદડું આવે છે તે આપણને તારશે.’ એમ કહીને તે એ પાંદડા ઉપર પડ્યો, અને નદીમાં તણાવા લાગ્યો. એ સમયે તેને તણાતો જોઈને બીજા પંડિતે તેની ચોટલી પકડીને કહ્યું કે
| |
| ‘સર્વનાશે સમુત્પન્ને અર્ધં ત્યજતિ પણ્ડિત: |
| |
| અર્ધેન કુરુતે કાર્યે સર્વનાશો હિ દુ:સહ: ||
| |
| સર્વ વસ્તુનો નાશ આવી લાગે ત્યારે પંડિત અર્ધાનો ત્યાગ કરે છે અને અર્ધાથી કામ ચલાવે છે; કેમ કે સર્વ વસ્તુનો નાશ અસહ્ય છે.’
| |
| એમ કહીને તેણે એનું માથું કાપી નાખ્યું. પછી તેઓ ત્યાંથી પાછા ફરીને કોઈ ગામમાં આવી પહોંચ્યા. ગ્રામવાસીઓ તેમને નિમંત્રણ કરીને જુદે જુદે ઘેર લઈ ગયા. પછી એક જણને ઘી અને ખાંડવાળી સૂતરફેણી ભોજનમાં આપી. એટલે વિચાર કરીને તે પંડિતે કહ્યું, દીર્ઘસૂત્રી વિનશ્યતિ| ‘દીર્ઘસૂત્રી વિનાશ પામે છે.’ એમ કહીને ભોજનનો ત્યાગ કરીને તે ગયો. પછી બીજાને માંડા આપવામાં આવ્યા. તેણે પણ કહ્યું, ‘અતિવિસ્તરવિસ્તીર્ણં ન તદ્ભવેચ્ચિરાયુષમ્| જે અતિ વિસ્તારવાળું હોય તે ચિરાયુ થતું નથી.’ તે પણ ભોજન છોડીને ગયો. પછી ત્રીજાને વડાંનું ભોજન આપવામાં આવ્યું, ત્યાં પણ પંડિતે કહ્યું, ‘છિદ્રેધ્વનર્થા બહુલીભવન્તિ| છિદ્રમાં ઘણા અનર્થો થાય છે.’
| |
| એ પ્રમાણે ભૂખથી મળી ગયેલા કંઠવાળા તે ત્રણે પંડિતો લોકોની હાંસીને પાત્ર થઈ તે સ્થાનમાંથી સ્વદેશમાં ગયા.
| |
| પછી સુવર્ણસિદ્ધિએ કહ્યું કે, ‘લોકવ્યવહારને નહિ જાણતો તું મેં વાર્યા છતાં રહ્યો નહિ, તેથી આવી અવસ્થાને પામ્યો છે. તેથી હું કહું છું કે —
| |
| શાસ્ત્રોમાં કુશળ હોવા છતાં જેઓ લોકાચારથી રહિત હોય છે તેઓ સર્વે, પેલા મૂર્ખ પંડિતોની જેમ, હાસ્યપાત્ર થાય છે.’
| |
| તે સાભળીને ચક્રધરે કહ્યું, ‘અહો! આ તો અકારણ થયું. ઘણી બુદ્ધિવાળા મનુષ્યો પણ દુષ્ટ દૈવથી હારીને નાશ પામે છે, અને અલ્પ બુદ્ધિવાળા પણ એક કુળમાં હંમેશાં આનંદ કરે છે. કહ્યું છે કે
| |
| અરક્ષિત પણ દૈવ વડે રક્ષાયેલું હોય તો રહે છે; સુરક્ષિત પણ દૈવથી હણાયેલું પામેલું હોય તો નાશ પામે છે; વનમાં ત્યજી દેવામાં આવેલો અનાથ પણ જીવે છે, અને ઘેર પ્રયત્ન કરવા છતાં પણ જીવતો નથી.
| |
| તેમ જ
| |
| શતબુદ્ધિને ઊંચે ઉપાડેલો છે અને સહબુદ્ધિ લટકે છે; હે ભદ્રે! એકબુદ્ધિ એવો હું નિર્મળ જળમાં ક્રીડા કરું છું.’
| |
| સુવર્ણસિદ્ધિ બોલ્યો, ‘એ કેવી રીતે?’ ચક્રધર કહેવા લાગ્યો —-
| |
| === શતબુદ્ધિ, સહબુદ્ધિ અને એકબુદ્ધિ ===
| |
| ‘કોઈ એક જળાશયમાં શતબુદ્ધિ અને સહબુદ્ધિ નામે બે મત્સ્ય રહેતા હતા. તેમની સાથે એકબુદ્ધિ નામે દેડકાને મિત્રતા થઈ હતી. તે ત્રણેય જળાશયના કિનારા ઉપર કેટલીક વાર સુધી સુભાષિતગોષ્ઠિનું સુખ અનુભવીને ફરી પાછા પાણીમાં જતા હતા.
| |
| હવે, એક વાર તેઓ ગોષ્ઠિ કરતા હતા ત્યારે માછીમારો હાથમાં જાળ લઈને, ઘણાં માછલાં મારીને તથા એ માછલાં માથે ઉપાડીને સૂર્યાસ્તવેળાએ તે જળાશય પાસે આવ્યા. પછી જળાશય જોઈને તેઓ પરસ્પરને કહેવા લાગ્યા, ‘અહો! આ ધરો ઘણાં માછલાંવાળો અને ઓછા પાણીવાળો જણાય છે, માટે પ્રભાતે અહીં આવીશું.’ એમ કહીને તેઓ પોતાને ઘેર ગયા.
| |
| પછી ઉદાસ મુખવાળાં માછલાં પરસ્પર વિચાર કરવા લાગ્યાં, પછી દેડકો બોલ્યો, ‘હે શતબુદ્ધિ! તેં માછીમારોનું કહેવું સાંભળ્યું? માટે આ બાબતમાં શું કરવું યોગ્ય છે? નાસી જવું કે દૃઢતાથી અહીં રહેવું? જે કરવું યોગ્ય હોય તેની હમણાં જ આજ્ઞા કરો.’ તે સાંભળી સહબુદ્ધિ હસીને બોલ્યો, ‘હે પુત્ર! તું ડરીશ નહિ, કેમ કે તેમના વચનના સ્મરણમાત્રથી ભય રાખવો ન જોઈએ, ડરવું ન જોઈએ. કહ્યું છે કે
| |
| સર્પોના, ખલ પુરુષોના અને સર્વ દુષ્ટ ચિત્તવાળાઓના અભિપ્રાયો સિદ્ધ થતા નથી તેથી આ જગત ટકી રહે છે.
| |
| માટે તેઓનું આગમન જ નહિ થાય. કદાચ થશે તો બુદ્ધિપ્રભાવ વડે મારી સાથે તારી પણ હું રક્ષા કરીશ, કેમ કે પાણીમાં તરવાથી અનેક ગતિઓ હું જાણું છું.’ તે સાંભળીને શતબુદ્ધિ બોલ્યો, ‘અરે! તેં યોગ્ય કહ્કહ્યું છે. તું સહબુદ્ધિ જ છે. અથવા આ ખરું કહ્યું છે કે
| |
| આ લોકમાં બુદ્ધિશાળીઓની બુદ્ધિ માટે કશું અગમ્ય નથી, કેમ કે ચાણક્યે પોતાની બુદ્ધિથી ખડ્ગધારીને નંદોને હણ્યા હતા.
| |
| તેમ જ
| |
| જ્યાં વાયુની અથવા સૂર્યનાં કિરણોની પણ ગતિ નથી ત્યાં પણ સદા બુદ્ધિશાળીઓની બુદ્ધિ તરત પ્રવેશ કરે છે.
| |
| માટે માત્ર વચન સાંભળવાથી જ પૂર્વજોની પરંપરાથી ઊતરી આવેલા જન્મસ્થાનનો ત્યાગ કરી શકાતો નથી. કહ્યું છે કે
| |
| જ્યાં પોતાનો જન્મ થયો હોય એવા કુસ્થાનમાં પણ પુરુષોને જે સુખ મળે છે તે દિવ્ય વસ્તુઓના સ્પર્શથી મનોહર સ્વર્ગમાં પણ મળતું નથી.
| |
| માટે અહીંથી કદી પણ જવું જોઈએ નહિ. ઉત્તમ બુદ્ધિના પ્રભાવથી હું તારું રક્ષણ કરીશ.’ દેડકો બોલ્યો, ‘મારી તો એક જ બુદ્ધિ છે, અને તે અહીંથી પલાયન કરી જવાની. માટે હું આજે જ મારી પત્ની સહિત બીજા જળાશયમાં જાઉં છું.’ એમ કહીને તે દેડકો રાત્રે જ અન્ય જળાશયમાં ગયો. માછીમારોએ પણ પ્રભાતમાં આવીને મત્સ્ય, કાચબા, દેડકા, કરચલા આદિ હલકાં, મધ્યમ અને ઉત્તમ જળચરોને પકડ્યાં. પોતાની પત્નીઓ સહિત નાસવાનો પ્રયત્ન કરતા તે શતબુદ્ધિ અને સહબુદ્ધિએ વિવિધ ગતિઓના જ્ઞાનથી ઘણી વાર સુધી પોતાનું રક્ષણ કર્યું, પણ છેવટે તેઓ જાળમાં પકડાઈ ગયા, અને તેમનો નાશ થયો. પછી આનંદિત થયેલા તે માછીમારો પાછલે પહોરે પોતાને ઘેર જવા નીકળ્યા. શતબુદ્ધિ ભારે હોવાથી એકે તેને ખાંધ ઉપર ઉપાડ્યો હતો. સહબુદ્ધિને લટકતો લઈ જતા હતા. પછી વાવના કિનારા ઉપર બેઠેલા દેડકાએ તેમને એ રીતે લઈ જવાતા જોઈને પોતાની પત્નીને કહ્યું, ‘પ્રિયે! જો, જો!
| |
| શતબુદ્ધિને ઊંચે ઉપાડેલો છે અને સહબુદ્ધિ લટકે છે; હે ભદ્રે! એકબુદ્ધિ એવો હું નિર્મળ જળમાં ક્રીડા કરું છું.’
| |
| તેથી હું કહું છું કે એકલી બુદ્ધિ જ પ્રમાણભૂત ગણાતી નથી.’ સુવર્ણસિદ્ધિ બોલ્યો, ‘એમ હોય તો પણ મિત્રના વચનનું ઉલ્લંઘન કરવું જ જોઈએ. પણ શું થાય? મેં વાર્યો છતાં અતિલોભ અને વિદ્યાના અહંકારથી તું રહ્યો નહિ. અથવા આ ખરું કહ્યું છે કે
| |
| મામા! તેં સારું ગાયું. મેં કહ્યું તો પણ તું રહ્યો નહિ. (તારા ગળામાં) આ અપૂર્વ મણિ બંધાયો છે; ગીતની નિશાની તને મળી છે.’
| |
| ચક્રધર બોલ્યો, ‘આ કેવી રીતે?’ સુવર્ણસિદ્ધિ કહેવા લાગ્યો —
| |
| === ગીતવિશારદ ગધેડો ===
| |
| ‘કોઈ એક નગરમાં ઉદ્ધત નામે ગધેડો રહેતો હતો. તે દરરોજ ધોબીને ઘેર કામ કરીને રાત્રે સ્વેચ્છાએ ફરતો હતો, અને પરોઢિયે બંધાઈ જવાના ભયથી પોતાની મેળે જ ધોબીને ઘેર આવતો હતો, એટલે ધોબી પણ તેને બાંધી દેતો હતો.
| |
| હવે, ખેતરોમાં ફરતાં એક વાર તેને શિયાળની સાથે મૈત્રી થઈ. તે શરીરે પુષ્ટ હોવાથી વાડ ભાંગીને શિયાળની સાથે ચીભડાંના ખેતરમાં પેસતો હતો. એ પ્રમાણે તે બન્ને ઇચ્છાનુસાર ચીભડાં ખાઈને દરરોજ પરોઢિયે પોતાના સ્થાને જતા હતા.
| |
| એક વાર તે મદમત્ત ગધેડાએ ખેતરની વચ્ચે ઊભા રહીને શિયાળને કહ્યું, ‘હે ભાણેજ! જો, જો! રાત્રિ અત્યંત સ્વચ્છ — અજવાળી છે. માટે હું ગીત ગાઈશ. માટે કહે, કયા રાગમાં ગાઉં?’ તે બોલ્યો, ‘મામા! આવી વૃથા વસ્તુ કરવાથી શું? કેમ કે આપણે ચોરી કરી રહ્યા છીએ, અને ચોરે તથા જારે છાની રીતે રહેવું જોઈએ. કહ્યું છે કે
| |
| ખાંસીનો રોગી જીવવા ઇચ્છતો હોય તો તેણે ચોરી છોડી દેવી, નિદ્રાળુ મનુષ્ય જીવવા ઇચ્છતો હોય તો તેણે પણ ચોરી છોડી દેવી, અને રોગથી ઘેરાયેલો મનુષ્ય જીવવા ઇચ્છતો હોય તો તેણે જીભની લોલુપતા છોડી દેવી.
| |
| વળી તારું ગીત મધુર સ્વરવાળું નથી; અને શંખના શબ્દ જેવું હોવાથી દૂરથી પણ સંભળાય છે. આ ખેતરમાં રખવાળો સૂઈ રહેલા છે, તેઓ ઊઠીને આપણો વધ કરશે અથવા આપણને બંધનમાં નાખશે. માટે અમૃતમય ચીભડાં ખા, નહિ કરવા લાયક કાર્ય તું કરીશ નહિ.’ તે સાંભળી ગધેડો બોલ્યો, ‘અરે! તું વનમાં રહેવાને કારણે ગીતરસ જાણતો નથી, તેથી આમ બોલે છે. કહ્યું છે કે
| |
| શરદઋતુની જ્યોત્સ્નાથી અંધકાર દૂર ચાલ્યો ગયો હોય અને પ્રિયજન નિકટમાં હોય ત્યારે ગીતના ઝંકારરૂપ અમૃત ધન્યજનોના કાનમાં આવે છે.’
| |
| શિયાળ બોલ્યો, ‘મામા! એ ખરું, પણ તું ગીત જાણતો નથી, કેવળ બરાડા પાડે છે. માટે સ્વાર્થનો નાશ કરનારા એવા ગીતથી શું?’ ગધેડાએ કહ્યું, ‘ધિક્કાર છે, મૂર્ખ! શું હું ગીત જાણતો નથી? એના ભેદો સાંભળ,
| |
| સાત સ્વરો, ત્રણ ગ્રામ, એકવીસ મૂર્ચ્છના, અને ઓગણપચાસ તાન — એેટલું સ્વરમંડળ છે. પછી યતિનાં ત્રણ સ્થાન, છ મુખ, નવ રસ, છત્રીસ રાગ, અને ચાળીસ ભાવ રહેલા છે. ગીતનાં આ એકસો પંચાશી અંગો ગણેલાં છે, અને પૂર્વે ભરતે પોતે જ વેદની પછી તે કહેલાં છે. દેવોને પણ આ લોકમાં ગીત સિવાય બીજું કંઈ પ્રિય જણાતું નથી; સૂકી તાંતના સ્વર વડે આનંદ પમાડીને રાવણે ત્રિલોચન શંકરને પ્રસન્ન કર્યા હતા.
| |
| માટે હે ભાણેજ! તું મને ‘અજ્ઞાન’ કહીને શા સારું અટકાવે છે?’ શિયાળે કહ્યું, ‘મામા! જો એમ હોય તો, હું વાડની બહાર ઊભો રહીને રખવાળ ઉપર નજર રાખું છું; તું સ્વેચ્છાએ ગાન કર.’ એમ થયા પછી ગધેડાનો અવાજ સાંભળીને ક્રોધથી દાંત કચકચાવતો રખવાળ દોડ્યો. ગધેડાને જોતાં જ તેણે દંડાના પ્રહારથી એટલો માર્યો કે મારથી એ જમીન ઉપર પડી ગયો. પછી કાણાવાળું લાકડાનું ઊખળું ગધેડાના ગળામાં બાંધીને રખવાળ ગયો, અને ઊંઘી ગયો. પોતાની જાતિના સ્વભાવ પ્રમાણે વેદના દૂર થતાં ગધેડો એક ક્ષણમાં ઊભો થયો. કહ્યું છે કે
| |
| કૂતરાને, ઘોડાને અને વિશેષ કરી ગધેડાને પ્રહારથી ઉત્પન્ન થયેલી વેદના એક મુહૂર્તથી વધારે રહેતી નથી.
| |
| પછી એ જ ઊખળું લઈને, વાડ ભાંગીને તે નાસવા લાગ્યો. એ સમયે શિયાળે પણ તે દૂરથી જોઈને સ્મિતપૂર્વક કહ્યું,
| |
| ‘મામા! તેં સારું ગાયું. મેં કહ્યું તો પણ તું રહ્યો નહિ. (તારા ગળામાં) આ અપૂર્વ મણિ બંધાયો છે; ગીતની નિશાની તને મળી છે.’
| |
| માટે તું પણ મેં વાર્યા છતાં રહ્યો નહિ.’ તે સાંભળી ચક્રધર બોલ્યો, ‘હે મિત્ર! એ સત્ય છે. અથવા આ ખરું કહ્યું છે કે
| |
| જેને પોતાની બુદ્ધિ નથી અને જે મિત્રનું કહ્યું કરતો નથી તે મંથર વણકરની જેમ નાશ પામે છે.’
| |
| સુવર્ણસિદ્ધિ બોલ્યો, ‘એ કેવી રીતે?’ ચક્રધર કહેવા લાગ્યો —
| |
| === બે માથાંવાળો વણકર ===
| |
| ‘કોઈ એક નગરમાં મંથરક નામે વણકર રહેતો હતો. કપડાં વણવાનું કામ કરતાં તેનાં એ કામ માટેનાં બધાં લાકડાં એક વાર ભાંગી ગયાં. એથી લાકડું લેવા માટે તે કુહાડો લઈને વનમાં ગયો. ભમતાં ભમતાં તે સમુદ્રના કિનારા સુધી ગયો. ત્યાં તેણે સીસમનું ઝાડ જોયું. પછી તેણે વિચાર્યું, ‘આ વૃક્ષ મોટું દેખાય છે, માટે એ કાપવાથી કપડાં વણવા માટેનાં ઘણાં લાકડાં થશે.’ એમ વિચારીને તેણે એ વૃક્ષ ઉપર કુહાડો ઉગામ્યો.
| |
| હવે, તે વૃક્ષમાં કોઈ વ્યંતર રહેતો હતો. તેણે કહ્યું, ‘અરે! આ વૃક્ષ મારું નિવાસસ્થાન હોઈ તેનું સર્વથા રક્ષણ કરવું જોઈએ, કેમ કે સમુદ્રના તરંગોના સ્પર્શ વડે શીતળ વાયુથી શાન્તિ પામતો હું અહીં ખૂબ સુખથી રહું છું.’ વણકરે કહ્યું, ‘અરે! હું શું કરું? લાકડાની સામગ્રી વિના મારું કુટુંબ ભૂખથી પીડાય છે. માટે તું જલદી અન્ય સ્થળે જા. હું આ ઝાડ કાપીશ.’ વ્યંતર બોલ્યો, ‘અરે! હું પ્રસન્ન થયો છું, માટે કોઈ અભીષ્ટ વસ્તુની પ્રાર્થના કર, અને આ ઝાડનું રક્ષણ કર.’ વણકરે કહ્યું, ‘જો એમ હોય તો હું મારે ઘેર જઈ મારા મિત્રને અને પત્નીને પૂછીને આવું છું, પછી તું મને વરદાન આપજે.’
| |
| પછી વ્યંતરે ‘ભલે’ એમ કહ્યું, એટલે તે વણકર આનંદિત થઈને પોતાના ઘર તરફ પાછો વળ્યો. આગળ જાય છે તો ગામમાં પેસતાં તેણે પોતાના મિત્ર વાળંદને જોયો. તેણે એને વ્યંતરનું વાક્ય કહ્યું કે, ‘હે મિત્ર! મને કોઈ વ્યંતર સિદ્ધ થયો છે. માટે કહે, એની પાસેથી હું શું માગું? હું તને પૂછવા આવ્યો છું.’ વાળંદ બોલ્યો, ‘ભદ્ર! જો એમ હોય તો તું રાજ્ય માગ, જેથી તું રાજા થાય અને હું મંત્રી થાઉં. આપણે બન્ને આ લોકમાં સુખ ભોગવીને પરલોકનું સુખ અનુભવીશું. કહ્યું છે કે
| |
| દાનપરાયણ રાજા આ લોકમાં નિત્ય કીર્તિ પ્રાપ્ત કરીને તેના પ્રભાવથી પાછો સ્વર્ગમાં દેવોની સાથે સ્પર્ધા કરે છે.’
| |
| વણકર બોલ્યો, ‘એ ખરું છે, પણ પત્નીને પૂછી જોઉં.’ તેણે કહ્યું, ‘ભદ્ર! સ્ત્રીની સાથે મંત્રણા કરવી એ શાસ્ત્રવિરુદ્ધ છે, કેમ કે તેઓ અલ્પ મતિવાલી હોય છે. કહ્યું છે કે
| |
| બુદ્ધિમાન મનુષ્યે સ્ત્રીઓને ભોજન અને વસ્ત્ર આપવાં, ઋતુકાળે તેમની સાથે સંગમ કરવો, અને આભૂષણો આદિ આપવાં, પણ તેઓની સાથે મંત્રણા કરવી નહિ. હે રાજન! ભાર્ગવે કહ્યું છે કે —- જ્યાં સ્ત્રી, જુગારી અથવા બાળકનું ચલણ હોય છે તે ઘર નિર્મૂળ થયાં છે. પુરુષ જ્યાં સુધી એકાન્તમાં સ્ત્રીઓનું વચન સાંભળતો નથી ત્યાં સુધી જ તે પ્રસન્ન સુખવાળો અને વડીલો ઉપર પ્રીતિવાળો રહે છે. એ સ્વાર્થપરાયણ સ્ત્રીઓ કેવળ પોતાના સુખમાં આસક્ત હોય છે; સુખના કારણરૂપ ન હોય એવો કોઈ પણ — પોતાનો પુત્ર પણ તેમને વહાલો નથી.’
| |
| વણકર બોલ્યો, ‘તો પણ મારે તેને પૂછવું જોઈએ, કારણ કે તે પતિવ્રતા છે. વળી તેને પૂછ્યા સિવાય હું કંઈ કરતો નથી.’ એમ કહી સત્વર ઘેર જઈ તેણે પત્નીને કહ્યું, ‘પ્રિયે! આજે મને કોઈ વ્યંતર સિદ્ધ થયો છે. તે ઇચ્છિત વસ્તુ આપે છે. તેથી હું તને પૂછવા આવ્યો છું. માટે કહે, શું માગું? આ મારો મિત્ર વાળંદ કહે છે કે — તું રાજ્ય માગ.’ તે બોલી, ‘આર્યપુત્ર! વાળંદોની બુદ્ધિ કેટલી હોય? માટે તમારે તેનું વચન કરવું નહિ. કહ્યું છે કે
| |
| બુદ્ધિમાન મનુષ્યે ચારણો, બંદીજનો, નીચજનો, વાળંદો, બાળકો અને ભિક્ષુઓ સાથે મંત્રણા કરવી નહિ.
| |
| વળી રાજ્યની વ્યવસ્થા એ ખૂબ ક્લેશપરંપરાવાળી છે, અને સંધિ, વિગ્રહ, યાન, આસન, સંશ્રય, દ્વિધાભાવ આદિને કારણે તે પુરુષને કદી સુખ આપતી નથી. કેમ કે
| |
| જ્યારે પણ મનુષ્ય રાજ્યની અભિલાષા કરે છે ત્યારે એની બુદ્ધિ દુઃખો તરફ વળે છે. રાજાઓના અભિષેક સમયે કુંભો પાણીની સાથે જ આપત્તિ ઢોળે છે.
| |
| તેમ જ
| |
| રાજ્યને લીધે રામનો દેશવટો અને વનમાં નિવાસ, પાંડવોનો વનવાસ, યાદવોનો નાશ, નળ રાજા રાજ્યથી ભ્રષ્ટ થયો હતો તે, સૌદાસની એવી અવસ્થા (મનુષ્યભક્ષક રાક્ષસ તરીકેની દશા), સહાર્જુનનો વધ તથા રાવણની વિડંબના જોઈને રાજ્યની ઇચ્છા કરવી નહિ. જે રાજ્યને માટે ભાઈઓ, પુત્રો તથા પોતાના સંબંધીઓ પણ રાજાનો વધ કરવા ઇચ્છે છે તે રાજ્યનો દૂરથી જ ત્યાગ કરવો.’
| |
| વણકર બોલ્યો, ‘તેં સાચું કહ્યું, માટે કહે, શું માગું?’ તે બોલી, ‘તમે દરરોજ એક જ કપડું તૈયાર કરો છો, તેનાથી ઘરનો બધો ખર્ચ થઈ રહે છે. હવે તમે બીજા બે હાથ અને બીજું માથું માગો, જેથી આગળથી અને પાછળથી એમ બે કપડાં તૈયાર કરી શકો. એકના મૂલ્યમાંથી પહેલાંની જેમ ખર્ચ ચાલશે, અને બીજાના મૂલ્યમાંથી વિશેષ કાર્યો થશે. એ પ્રમાણે આપણી જાતિમાં વખાણ પામતા એવા તમારો કાળ સુખથી જશે તેમ જ આ લોક અને પરલોક સુધરશે.’ તે પણ એ સાંભળી હર્ષ પામીને બોલ્યો, ‘ધન્ય છે, પતિવ્રતા! ધન્ય છે! તેં યોગ્ય કહ્યું છે; માટે હું એમ કરીશ. આ મારો નિશ્ચય છે.’
| |
| પછી તેણે જઈને વ્યતંરને પ્રાર્થના કરી કે, ‘વ્યતંર! જો તું મને ઇચ્છિત આપતો હોય તો મને બીજા બે હાથ અને બીજું માથું આપ.’ એમ કહેતાં તે જ ક્ષણે તે બે માથાં અને ચાર હાથવાળો થયો. પછી મનમાં હર્ષ પામીને તે ઘેર આવતો હતો ત્યારે ‘આ રાક્ષસ છે’ એમ માનતા લોકોએ દંડ અને પથ્થરના પ્રહારોથી માર્યો, એટલે તે મરણ પામ્યો.
| |
| તેથી કહું છું કે — જેની બુદ્ધિ નથી અને જે મિત્રનું કહ્યું કરતો નથી તે મંથર વણકરની જેમ નાશ પામે છે.’
| |
| ચક્રધર બોલ્યો, ‘અરે! એ સત્ય છે. સર્વે લોક અશ્રદ્ધેય એવી આશારૂપી પિશાચિની પાસે જઈને હાંસીપાત્ર થાય છે. અથવા કોઈએ આ ખરું કહ્યું છે કે
| |
| ભવિષ્યકાળને માટે જે અસંભાવ્ય વિચારો કરે છે તે, સોમશર્માના પિતાની જેમ, ધોળો થઈને સૂવે છે.’
| |
| સુવર્ણસિદ્ધિ બોલ્યો, ‘એ કેવી રીતે?’ ચક્રધર કહેવા લાગ્યો —
| |
| === હવાઈ કિલ્લા બાંધનાર બ્રાહ્મણ ===
| |
| ‘કોઈ એક નગરમાં સ્વભાવકૃપણ નામે કોઈ બ્રાહ્મણ રહેતો હતો. ભીખ માગીને મેળવેલા અને ખાતાં વધેલા સાથવાનો એક ઘડો તેણે ભર્યો હતો. એ ઘડાને ખીંટી ઉપર લટકાવીને તથા તેની નીચે ખાટલો પાથરીને તે એક નજરે સદા એ તરફ જોયા કરતો હતો. એક વાર રાત્રે સૂતાં સૂતાં તેણે વિચાર્યું કે, ‘આ ઘડો તો સાથવાથી ભરાઈ ગયો છે. માટે જો દુષ્કાળ પડે તો આ સાથવાના સો રૂપિયા ઊપજે. એમાંથી હું બે બકરીઓ ખરીદ કરીશ. બકરીઓને છ માસે પ્રસવ થતો હોવાથી એ બેમાંથી બકરાંનું એક યૂથ થશે. પછી બકરીઓ વડે ઘણી ગાયો ખરીદીશ, ગાયો વડે ભેંસો, અને ભેંસો વડે ઘોડીઓ ખરીદીશ. ઘોડીઓને પ્રસવ થતાં ઘણા અશ્વો થશે. એ વેચવાથી ઘણું સુવર્ણ મળશે. સુવર્ણથી ચાર ઓરડાવાળું ઘર બનશે. પછી કોઈ બ્રાહ્મણ મારે ઘેર આવીને જેને મેં પસંદ કરી હોય એવી રૂપાળી કન્યા મને આપશે. તેનાથી મને પુત્ર થશે. તેનું હું સોમશર્મા એવું નામ પાડીશ. પછી તે ભાંખોડિયે ચાલે એવડો થશે ત્યારે હું પુસ્તક લઈને અશ્વશાળાના પાછળના ભાગમાં બેસી એ પુસ્તકનો વિચાર કરીશ. એ સમયે મને જોઈને સોમશર્મા માતાના ખોળામાંથી ઊતરી ભાંખોડિયે ચાલતો ઘોડાની ખરી આગળ થઈને મારી પાસે આવશે. તે સમયે હું કોપાયમાન થઇને બ્રાહ્મણીને કહીશ કે, ‘બાળકને લઈ લે.’ તે પણ ઘરકામમાં રોકાયેલી હોવાથી મારું વચન નહિ સાંભળે. એટલે હું ઊઠીને તેને લાત મારીશ.’ આ પ્રમાણે વિચારો કરતા તેણે એ જ રીતે એવી લાત મારી કે એ ઘડો ભાંગી ગયો, અને સાથવો ઢોળાવાથી તે પોતે ધોળો થઈ ગયો.
| |
| તેથી હું કહું છું કે ભવિષ્યકાળને માટે જે અસંભાવ્ય વિચારો કરે છે તે, સોમશર્માના પિતાની જેમ, ધોળો થઈને સૂવે છે.’
| |
| સુવર્ણસિદ્ધિ બોલ્યો, ‘એ વાત એમ જ છે. એમાં તારો શો દોષ? કેમ કે સર્વે લોકો લોભથી વિડંબિત થઈને દુઃખી થાય છે. કહ્યું છે કે
| |
| જે લોલુપતાથી કામ કરે છે અને પરિણામનો વિચાર કરતો નથી તે, ચંદ્રરાજાની જેમ, વિડંબના પામે છે.’
| |
| {{Poem2Close}}
| |