અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘ગની' દહીંવાળા/લઈને આવ્યો છું
Jump to navigation
Jump to search
લઈને આવ્યો છું
ગની' દહીંવાળા
હૃદયના ભાવ, પાંખે કલ્પનાની લઈને આવ્યો છું,
સિતારાઓ! સુણો કથની ધરાની લઈને આવ્યો છું.
હજારો કોડ, ટૂંકી જિંદગાની લઈને આવ્યો છું,
સમય થોડો અને લાંબી કહાની લઈને આવ્યો છું.
સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે,
તમન્ના હું સમયને દોરવાની લઈને આવ્યો છું.
તૃષાતુર વાટ! તારે મારી પાછળ દોડવું પડશે,
ભર્યાં છે નીર છાલામાં, એ પાની લઈને આવ્યો છું.
જગત-સાગર, જીવન-નૌકા, અને તોફાન ઊર્મિનાં
નથી પરવા, હૃદય સરખો સુકાની લઈને આવ્યો છું.
ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઈને વરસે છે,
જીવન ખારું, છતાં દૃષ્ટિ કળાની લઈને આવ્યો છું.
‘ગની’, ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ-બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઈને આવ્યો છું.
(ગાતાં ઝરણાં, ૧૯૫૩, પૃ. ૯)