અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’/મોજમાં રેવું

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મોજમાં રેવું

તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’

મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે...
અગમ, અગોચર, અલખધણીની ખોજમાં રેવું રે... મોજમાં રેવું...

કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે...
આભ ધરા બીચ રમત્યું હાલે ખેલ ના ખૂટે રે...
આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રહેવું રે... મોજમાં રેવું.

કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે...
મરવું જાણે મરજીવા ઈ તો રમતા તાલે રે...
એનો અંત આદિ નવ જાણ્ય તારે તો તરતા રહેવું રે... મોજમાં રેવું.

લાય લાગે તોય બળે નંઈ એવાં કાળજાં કીધાં રે...
દરિયો ખારો ને વીરડાં મીઠો દાખલા દીધા રે...
જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું રે... મોજમાં રેવું.

સંસાર ખોટો કે સપનું ખોટું સૂજ પડે નંઈ રે...
આવા યુગ વીત્યા ને યુગની પણ જુવો સદીયું થઈ ગઈ રે...
મોટા મરમી પણ એનો મરમ ન જાણે કૌતુક કેવું રે... મોજમાં રેવું.

ગોતવા જાવ તો મળે નંઈ ગોત્યો ગહન ગોવિંદો રે...
હરિ ભગતું ને હાથ વગો છે. પ્રેમનો પરખંદો રે...
આવા દેવને દિવો કે ધૂપ શું દેવો દિલ દઈ દેવું રે... મોજમાં રેવું.

રામ કૃપા અને રોજ દિવાળી ને રંગનાં ટાણાં રે...
કામ કરે એની કોઠીએ કદી ખૂટે ના દાણા રે...
કીએ અલગારી આળસુ થઈ નવ આયખું ખોલું રે... મોજમાં રેવું.

મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે...
અગમ, અગોચર, અલખધણીની ખોજમાં રેવું રે... મોજમાં રેવું.
(ગુજરાત, દીપોત્સવીઃ ૨૦૬૧)