અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાળાશંકર કંથારિયા/નાદાન બુલબુલ
બાળાશંકર કંથારિયા
ઊડો નાદાન મન બુલબુલ, રહો ગુલજારમાં ના ના;
વફાઈ એક પણ ગુલની દીઠી ભર પ્યારમાં ના ના.
સુણાવો ગાનની તાનો જઈને દ્વાર દર્દીને,
અરે બેદર્દીના દર્દે રહો દરકારમાં ના ના.
રહો જ્યાં ચંગ ને ઉપંગ વીણા-નાદ વાજે છે,
ઘડી આ બેવફાઈના રહો દરબારમાં ના ના.
કદાપિ રાતભર રો તું સહી શરદી ગરીબીથી,
પરંતુ બોલ એ પ્યારે જુલમગારે દીધો ના ના.
સુકાશે તાહરું ગુલજાર, પણે જો ગ્રીષ્મ આવે છે,
પ્રજ્વળે વિશ્વ વહ્નિથી, રહે તુજ પાંખડી ના ના.
સુકોમળ પાંદડી ઉપર ઊના અગ્નિ થકી તારાં,
અરે! અફસોસ આંસુએ અસર કાંઈ કરી ના ના.
અબોલા પ્રીતમે તારી દશા કેવી કરી ભારી!
કરુણાથી રડી ગાતાં નજર કાંઈ કરી ના ના.
પૂજારી થઈ ચઢ્યો દ્વારે અરે તે દ્વારમાં તારી,
કતલ કરતાં ખરે પ્યારે અસર કાંઈ કરી ના ના.
નથી અડકાતું ચૂંટાતું ફરે ફેરા તું પછવાડે;
ગરીબીની ગુમાનીએ ગરજ કાંઈ ધરી ના ના.
અરે એ પ્રીતમાં આખર ન પ્રીતમ પ્રેમી પરખાશે;
જશે ગુલ બંધ વન થાશે ગુજર અંદર થશે ના ના.
રુએ તું રાતમાં જ્યારે હસે ત્યારે ગુમાની ગુલ;
અરે એને દિલે દૈવે દયા પેદા કરી ના ના.
સુગંધી વાસમાં ઉદાર મફત છે જન્મથી તેમાં,
ન બાકી બોલની રાખી કૃપણતામાં જરા ના ના.
વિધિના ઊલટા અંકો : સુવર્ણે ક્યાં થકી સુરભી?
તને કોમળ અહો મન કેરી કોમળતા કરી ના ના.
વલી જો એ સવારે સર્વ અંગોઅંગ ખીલવીને,
જઈ કરશે બીજે હાથે વફાઈ કંઈ ધરી ના ના.
બળાપા બાલનાથી રાતભર રાકાપતિ દાઝ્યો,
સમુદ્રે જઈ પડ્યો શીતળ થવા શાંતિ રહી ના ના.
(ક્લાન્ત કવિ, બીજી આ. ૧૯૭૫, પૃ. ૫૮-૫૯)