અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગિની શુક્લ/ધાર કે
Jump to navigation
Jump to search
ધાર કે
યોગિની શુક્લ
ધાર કે
તારા ઘર સામે એક સમુદ્ર છે
તારા ઘર સામે ઘૂઘવતા સમુદ્રમાં
સૂરજ
પૂરેપૂરો ડૂબી જાય પછી
સફરજનના વૃક્ષ નીચે મળવાનું
અમથું અમથું
મેં તને કહેલું —
ધાર કે
તારા ઘર ઉપર એક મેઘધનુષ છે
તારા ઘર ઉપર ઝળૂંબતું
મેઘધનુષ
પૂરેપૂરું ખીલી જાય પછી
રંગોનો મલ્હાર ગાવાનું
અમથું અમથું
મેં તને કહેલું —
ધાર કે તારા ઘર પાછળ
રાજગરાનું એક ખેતર છે
તારા ઘર પાછળ આવેલું
રાજગરાનું ખેતર
પૂરેપૂરું ઊભરાઈ જાય પછી
એની વચ્ચેથી જોડાજોડ ચાલવાનું
અમથું અમથું
મેં તને કહેલું —
તેં સાંભળેલું?
←