અલગારી રખડપટ્ટી/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રકાશન

પ્રકાશક
રસિક ઝવેરી
1 બેટરી હાઉસ
ભૂલાભાઈ દેસાઈ રોડ
મુંબઈ 26

સર્વ હક લેખકને સ્વાધીન

પહેલી આવૃત્તિ 1969 ફેબ્રુઆરી
પ્રત 1500

મૂલ્ય રૂપિયા પાંચ
પરદેશ માટે શિલિંગ દસ

સુશોભન
બંસી વર્મા

મુખ્ય વિક્રેતા
સુમન પ્રકાશન
86, ડામગર ગલી
મુંબઈ 9

મુદ્રક
યશવંત બુટાલા
ધી યશવંત પ્રિન્ટિંગ પ્રેસ
પ્રાંતિજ
જિ. સાબરકાંઠા

અર્પણ

ઝાકળબિંદુ જેવાં નમણાં —
પલભર મલક્યાં જીવનશમણાં —
મનભર નીરખ્યાં, ના નીરખ્યાં
ત્યાં અશ્રુ થઈને સરક્યાં!

*

અર્પણ

દીકરી નયના અને વેણકી
પૌત્ર તુષાર
અને
શિશુમિત્ર માઇકલની
દર્દભરી યાદને…

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી,
ઝાકળના બિન્દુમાં જોયો
ગંગાનો જલરાશિ.
જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ,
જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા
મુજ ધ્રુવ વ્યાપે સચરાચર —
થીર રહું તો સરકે ધરતી
હું તો નિત્ય પ્રવાસી
– હરીન્દ્ર દવે

चरन् वै मधु विन्दति
चरन् स्वादुमुदुम्बरम् ।
सूर्यस्य पश्य श्रेमाणं
यो न तन्द्रयते चरन् ।।

પ્રવાસનાં પુસ્તકો – ચંદ્રવદન મહેતા

મુસાફરી એક નિશાળ છે, અને મુસાફર એક નિશાળિયા મિસાલ છે. પૃથ્વીના પ્રવાસીને પોતાની સફર દરમ્યાન એટલું બધું શીખવાનું મળે છે, એને તે એવું મનોરોજક હોય છે કે પોતાનું દુ:ખ ભૂલી જાય છે, અને પોતાના એ મધુરસ કામમાં વધારે અને વધારે આઘળ વધતો અને નવું નવું શીખવાની હોંશ કરતો રહે છે. જયારે હું મારે પહેલે પ્રવાસે નીકળ્યો ત્યારે હું દુ:ખી હતો. માતાપિતાના વિયોગથી મારું મન ઊચટ હતું, પણ પ્રવાસથી મને દુનિયાના કારોબારનું એટલું જ્ઞાન થયું, અને સાથે દેશપરદેશનાં શહેરો જોવાનું અને દેખાવો અનુભવવાનું એટલું બધું મળ્યું કે મારું દુ:ખ કેટલેક દરજ્જે ભૂલી જ ગયો, અને દુનિયામાં અવતર્યા તો સુખની જોડે દુ:ખ જોડાયેલું હોય છે જ, એવું જ્ઞાન થવાથી મારું મન હળવું થયું અને બીજો પ્રવાસ કરવાનું મને સૂઝ પડ્યું.

આજે 1969.

ઉપલું લખાણ મારું નથી. શરૂ-અંતમાં પેલી કોમામાં પણ મેં મૂક્યું નથી. મૂકત તો તમે કદાચ ઉતારો છે એમ ગણી ન પણ વાંચત. પણ હવે વાંચ્યું છે, એટલે જણાવું છું. એના લેખક છે હાજી સુલેમાન શાહ મહમ્મદ. 1886માં સૌથી પહેલો પ્રવાસ કરેલો. જન્મ 1859માં. દોઢ વરસની ઉંમરે મોરિસ-મોરિશ્યસ ગયેલા. પાછા આવેલા. વીસની ઉંમર પહેલાં મા અને પિતાનું અવસાન થયેલું. ગરીબી ખરી. વેપારનાં ઠેકાણાં નહિ, છતાં મુંબઈથી લંડન નહિ પણ બરમા, એડન, આફ્રિકા, ટર્કી, યુરોપ, ઉત્તર અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા… એમ બે વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને ચિત્રો સાથે છસોતાતસો પાનાંનું દળદાર મોટું પુસ્તક ‘પૃથ્વીની પ્રદક્ષિણા’ નામે 1895માં છપાવી પ્રસિદ્ધ કર્યું. મુંબઈના ‘આશકરા ઓઇલ ઈનજીન પ્રેસ’માં એદલજી માણેકજી વાચ્છાએ છાપ્યું. પુસ્તક એમણે અંજૂમને ઇસ્લામને ભેટ આપ્યું છે. વેચાણમાંથી કમાણી કરી નથી. ‘હું એક ગરીબ સોદાગર છું અને કુદરતની મોહક લીલાનો સોદો કરવા જો મેં ગફલત ખાધી હોય, તો તેનો દોષ મારે જ માથે છે.’

મજા તો એ છે કે ઉપલો શરૂઆતનો ફકરો એમની પ્રસ્તાવનામાંથી મેં લીધો છે. અને પુસ્તક એમણે સ્વિટ્ઝર્લેન્ડના ઝરાઓ, આફ્રિકાના પહાડો, અમેરિકાની હડસન નદી, એવી પૃથ્વીપટે પથરાયેલી કુદરતની કામગીરીની લાદીને અર્પણ કર્યું છે!

ગુજરાતી ભાષામાં આ પ્રકારનું આ પહેલું પુસ્તક નથી. કંઈક પારસી, મુસલમાન, હિન્દુ-હિન્દીઓએ 1850 પછી આવા પ્રવાસનાં સુંદર પુસ્તકો લખ્યાં છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરનારનાં એ જમાનામાં લખાયેલાં પાંચસાત પુસ્તકો તો મેં વાંચ્યાં છે. હાજી સુલેમાનનું ગુજરાતી આપ જોશો કે નબળું નથી. અને પુસ્તકની અંદરનું લખાણ વાંચશો તોપણ રસમય જણાશે. લંડન જનારા નાટકની સૃષ્ટિ જોયા વિના રહેતા નથી. ‘આ પાદશાહી શહેરમાં હું જેટલા દિવસ રહ્યો તેટલી સઘળી રાત મેં અનેક નાટકશાળાઓમાં નાટક જોવામાં ગુજારી. તે સર્વમાં શું જોયું તે લખવાને કેવળ અશક્ત છું. લંડનમાં નાટકગૃહોનો તોટો નથી, તેમ તેમના તમાશગીરો પણ બેશુમાર છે. જ્યાં જયાં હું ગયો ત્યાં મેં એ મકાનોને ખાલી જોયાં નથી. આપણી તરફના ખેલો કે ખેલાડીઓ કે ખેલવતગાહોના જેવું હાલહવાલ અહીં કંઈ જ નથી. ખેલો ઉત્તમ અને બોધદાયક હોય છે. ખેલાડીઓ કસાયેલા અને અચ્છી તાલીમ લીધેલા હોય છે. ગાનારાઓ પોતાના હુન્નરમાં કુશળ અને કંઠમાં મધુરા હોય છે. અને છેલ્લે નાટકશાળાઓ નાના મહેલ જેવી સુંદર અને શોભાયમાન હોય છે. ‘લિશિયમ’માં બે સર્વથી સરસ ખેલાડી જી. હેનરી અરવિન અને મિસ એલન ટેરી પ્રખ્યાત છે.’

એક અભણ હોંસીલો લંડનથી નાટકશાળાઓમાં જઈ કેટલું સમતોલ વર્ણન કરે છે, હેનરી ઇરવંગિ ટેરીને જોઈ વખાણે છે. બસ, હવે આપણે આ પુસ્તકમાં છસો પાનાંમાંથી કશી વાનગી નહિ આપીએ. સત્તર દિવસની કોલંબોથી મોરિસ થઈને એડનની મુસાફરી; સ્ટીમર, ટ્રેન વગેરેમાં કરેલા પ્રવાસો, રમૂજી વર્ણનો, જાણવાલાયક વાતો અને વિવેચના આપણું ધ્યાન ખેંચે એવાં આજે પણ વાંચવાં ગમે એવાં છે.

આજે પ્રવાસ વસમો થઈ ગયો છે. જનારા જહાજમાં જાય કે હવાઈ જહાજમાં ઊડે છે. ઊડનારા કે દરિયે જનારાને પણ સરકારના નિયમો કનડે છે. જે નર જાવા જાય — હવે તો લંકા માટે પણ મુશ્કેલી નડે એવા સંજોગો છે. અસલ આપણી સરકારનાં પરદેશમાં થાણાં નહિ એટલે કશી મદદ ન મળે તોયે વિના હરકતે પ્રવાસ ખેડાતો. આજે આપણા અફસર બહાદુરોનાં ઠેરઠેર થાણાં તોયે એમના તરફથી કશી મદદની આશાઅપેક્ષા નહિ એવી પરિસ્થિતિમાં પ્રવાસ ખેડવો પડે છે. એમાં સોમાંથી મોટા ભાગના સરકારી કામે યા વેપારી કામે જનારા જોવાનું કશું જ જોતા નથી. ફરવાનાં સ્થળોએ મોકળાશથી ફરતા નથી અને હોટેલિયા જીવન જોઈ-જીવી પાછા ફરે છે. એવા સંજોગોમાં ભાઈ રસિક ઝવેરીનું સાહસ નોંધપાત્ર અને વખાણને પાત્ર છે. એમાંથી એમણે જોયેલી-અનુભવેલી જહાજી સૃષ્ટિની દિલચશ્પ વાતો લંડનની ઘરગતુ વાતોનો, ચિરયૌવના મારલિનાનો કે બાળક માઈકલની ભાઈબંધી જેવી કરુણરસિક વાતનો, લંડનના પોલીસનો, અઢળક પુસ્તકભંડાર ફોઇલ્સમાંનો કે ગંજાવર સ્ટોરમાંના અનુભવોનો, ઠેરઠેરની સેલ્ફસવિર્સ કે ઉજાણી-ખાણી-પીણીનો, ‘પ્લીઝ! થેંક યૂ!’ની રીતભાત કે લંડનની પબમાં મળેલી અંધ યુવતી પેગીનો, લંગોટિયા ભાઈબંધ કાનજી કે વાયોલિનવાદક અભરામનો, ગાંધીજીને બિરદાવતા બે અજાણ્યા સ્કોચમેનનો કે એકલતાનો અજંપ વેઠતાં ડોસાડોસલીનો કોઈ કિસ્સો કે ચિતાર આપણને આનંદ સાથે ત્યાંના રહેણાકનું ભાન કરાવે છે એ પ્રત્યે આપણે અજ્ઞાન સેવીએ તો કેમ ચાલે!’ અને આપણે ત્યાંના જાણકારો ત્યાં મળતાં, આપણા અજ્ઞાનને આપણે ઢાંકીએ તે પણ કેમ ચાલે?

લેખક પાસે સાહિત્યકારનો બિલ્લો નથી એ ન્યાયે, આ પુસ્તકને સાહિત્યની દુનિયામાં સ્થાન નથી. દિલ્હી સાહિત્ય પરિષદમાં કાકાસાહેબ કાલેલકરે કરેલી, ‘ગુજરાતી સાહિત્યમાં પ્રવાસનાં પુસ્તકો ઓછાં છે’ એવી તાજેતરની ટકોર પડકારવા જેવી છે, સાહિત્યકારની છાપ નહિ એવા કંઈક પ્રવાસીઓએ છેલ્લાં સો વર્ષમાં દેશદેશાવરના પ્રવાસ વિશેનાં પુસ્તકો એટલાં બધાં લખ્યાં છે, અને એવી સુંદર ભાષામાં લખ્યાં છે કે આપણે એ પરત્વેના અજ્ઞાનથી શરમાવું પડે તો નવાઈ નહિ.

પ્રવાસનાં પુસ્તકોમાં રમતિયાળ શૈલી વધારે રોચક બને છે. વાત એકની એક — ભાઈ સુલેમાને લંડન જોયું એ જ લંડન રસિક ઝવેરીએ જોયું, દરમ્યાન સેંકડો પ્રવાસીઓએ જોયું પણ સૌ સૌની છાપ પ્રમાણે પોતપોતાની ભાત પાડનારી શૈલીમાં પોતાના અનુભવો અને અવલોકનો લખે છે. બધામાં જ રસ પડે એમ નથી. બધા જ એને રોચક બનાવી શકે એમ નથી. લખતાં કીમિયો હાથ લાગતાં રસિકત્વ આપોઆપ તરવરવા મેં એ ઢબમાં રસિક ઝવેરીના લખાણમાં લેખકનું નિખાલસ વ્યક્તિત્વ તરી આવે છે. લેખક કાં તો પોતાની ડંફાસ હાંકે, પોતે મોટો છે, અનોખો છે અને એણે જે અનુભવ કર્યો એ જ સાચો એમ પ્રતિપાદન કરે; કે પોતે દંભ આચરે — હું જ શાણો, બાકીના બધા ઘેલા એમ ઠસાવવા માગે તો લખાણ નબળું, ફીસું અને અણગમો ઉત્પન્ન કરનારું નીવડે. એવા દોષોમાંથી રસિક ઝવેરી ઊગરી ગયા છે. સરળ સીધી રોચક શૈલીમાં, કિસ્સા, સંવાદ, ટૂચકા અને પોતાની વાતો પણ રસપૂર્વક ગૂંથી શક્યા છે એ આનંદની વાત છે. ગરીબાઈ છુપાવી નથી, અહંકારને આગળ કર્યો નથી, દંભ આચર્યો નથી. દેશને બીજાની સરખામણીમાં વગોવ્યો નથી, અને છતાં હાડમારીઓનું અને સફરમાંથી નીપજતા આનંદનું વર્ણન સચોટ અને સાદાઈથી કર્યું છે.

હાજી મહમ્મદ સુલેમાનનું છસો પાનાંનું પુસ્તક ચિત્રો સાથે છપાયું ત્યારબાદ આ દિશામાં, પ્રવાસવર્ણનોનાં પુસ્તકો વિશે વાચકોની સંખ્યા અને એમની ભૂખ વધવાં જોઈએ. એવી ગણતરીમાં અત્યારે આપણે નહિ પડીએ. છાપવાની બાબતમાં સગવડતા વધી કે ઘટી એનો ક્યાસ પણ આપણે નહિ કાઢીએ. એનો વિચાર કરવા બેસીશું તો આપણે ગમગીની વહોરી લઈશું, એટલે એવો તાળો નહિ મેળવીએ. આ પુસ્તક લેખકની આપજહેમત અને આડકતરા આશ્ચર્યથી પણ પ્રસિદ્ધ થાય છે, એ થકી સંતોષ લઈ લખાણ માણવા તરફ જ વળીએ, તો ઠીક પડશે — અને પચાસ વર્ષ બાદ આવાં પુસ્તકો સહેલાઈથી છાપી શકાય એવો સુગમ સમય આવે એવી પ્રાર્થના કરીએ તો જ બસ થશે. આપણે એવી આશા તો રાખીએ. ફળશે?

આવાં ઘણાં પુસ્તકો લખાય, ખરીદાય, વારંવાર વંચાય, નવેસરથી વાતો નણાય-વણાય, અવનવું પ્રગટ થાય તો કંઈ ઘણે ઠેકાણેથી આટલી કૂપમંડક વૃત્તિ કંઈક ઓછી થાય. આપણે જ ડાહ્યા અને શાણા — બીજા બુઢ્ઢા અને બબૂચક એવી ભાવનાનું પ્રમાણ ઘટે.

– ચંદ્રવદન મહેતા


શરૂ કરતાં પહેલાં

1967-68માં બીજી વાર લંડન જવાનું થયું ત્યારે, ‘મુંબઈ સમાચાર’ના તંત્રી, મારા મિત્ર ભાઈ મીનુ દેસાઈએ ટપાર્યો હતો કે, ‘ત્યાંથી કંઈ જાણવા જેવી વાતો લખી મોકલજો.’ લંડન પૂરું એક વર્ષ રહ્યા. સમયના અવકાશનોયે અભાવ નહોતો, પણ હું આળસુ જણ. આજે લખીશ, કાલે લખીશ, ભા, કરતાં વાત ઠેલ્યે ગયો. એક હરફ ના લખાયો.

મુંબઈ આવ્યો. ‘આતમને ઓઝલમાં રાખ મા’ નાટકના એકસોમા પ્રયોગમાં ઇન્ટરવલ વખતે મીનુભાઈ અથડાઈ ગયા. કહે, ‘તમે કંઈ લખી ના મોકલ્યું! હવે લખી આપો.’ હા પડાઈ ગઈ. દર શનિવારે અચૂક લખીશ એમ વાયદો કર્યો અને માંડ્યું લખવા. એ વખતે તો પાંચસાત હપતામાં વાત સમેટી લેવાનો ઇરાદો હતો. વાચકો સાથે આદરેલી હૈયાવાતો આટલી લાંબી ચાલશે એવો તો ખ્યાલ જ નહોતો. અંતરમાં અટવાતી વાતોને, બસ, સંકોચ કે શરમ વિના છતી કરી દેવી એ નિષ્ઠાને આધારે લખવા માંડ્યું હતું. વાચકમિત્રોને હમસફર બનવામાં રસ પડ્યો. અંગત અને જાહેર પત્રો લખી હોંકારો દેતા ગયા, અને વાત આગળ ચાલતી રહી.

સાહિત્યકારોની પંગતમાં બેસવાનું મારું ગજું નહિ. એમનાં લક્ષણોનો વળગાડ મને નથી. મીનુભાઈએ કહ્યું, ‘લખી આપો!’ લખી આપ્યું. વાચકોએ વખાણીને કહ્યું, ‘ચાલુ રાખો!’ વખાણ સાંભળવાની રઢ એટલે ચાલુ રાખ્યું. નથી જાગતી કોઈ પ્રેરણા કે નથી કોઈ જીવનમાંથી જડેલાં પાત્રો મનનો કબજો લઈ મને લખવા મજબૂર કરતાં. શનિવાર ઢૂંકડો આવે એટલે પલાંઠી વાળીને લખવા બેસવું પડે. એમાં ‘મૂડ નથી!’ એવું બહાનુંયે ન ચાલે. લમણે લખાયેલું. જાત સાથે વાતો કરતો હોઉં એમ કાગળ પર ટપકાવતો જાઉં. હપતો પૂરો! હા, લખતાં આનંદ જરૂર આવે. એને કોઈ બ્રહ્માનંદસહોદરનું મસમોટું નામ આપે તો ભલે! આ બહાને આટલું લખાઈ ગયું એ વાત માત્ર સાચી. એનો યશ મીનુભાઈને, ‘મુંબઈ સમાચાર’ના સંચાલકોને અને વાચકોને ફાળે છે.

1965થી ધક્કો મારી મને લખતો કરવામાં મારા યુવાન મિત્રો ભાઈ હરીન્દ્ર દવે અને ભાઈ ઘનશ્યામ દેસાઈનોયે મોટો ફાળો છે. એનો ઉલ્લેખ ફક્ત અહીં કરી લઉં.

આત્મીય એવા ભાઈ યશવંત બુટાલાએ અને ધી યશવંત પ્રિન્ટંગિ પ્રેસના કંપોઝિટર ભાઈ કચરાલાલ અને એમના સાથીદાર કસબીઓએ છાપકામ વિશેની મારી ચીકાશ ધીરજથી અને પ્રેમથી સહન કરી લીધી છે, અને એવા જ ઉમળકાથી બંધુ બંસીભાઈ વર્માએ પૂંઠાનું સુશોભન કરી આપ્યું.

ભાઈ ચંદ્રવદને મારો ભાઈબંધી હક સ્વીકારી મમતાથી બે વાતો લખી આપી મારા મનને પંપાળ્યું છે. જિજ્ઞાસુઓ આ પુસ્તક ખરીદીને વાંચશે અને એમણે સેવેલી આશા ફળ્યાનો આનંદ-આશ્ચર્યનો આંચકો એમને આપશે તો આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું સાર્થક થશે.

ફેબ્રુઆરી, 1969 – રસિક ઝવેરી


અલગારી આદમી – મીનુ દેસાઈ

એક દિવસ ઓચિંતા ભાઈ રસિક ઝવેરી ભેટી ગયા અને બોલ્યા, ‘હું વિલાયત જાઉં છું.’ મેં જવાબ આપ્યો, ‘ભલે જાઓ. એમાં મારે શું?’

મારા આવા કંઈક વિચિત્ર લાગતા જવાબથી તેઓ મારી સામે જોઈ રહ્યા. થોડીવાર પછી મને કહે, ‘કેમ, આમ જવાબ આપો છો?’

‘તમે વિલાયત જાઓ એમાં મારે શું? મને કંઈ ત્યાંનો લાભ આપવાના છો? મેં ફરીથી કહ્યું. પળવારમાં એ સમજી ગયા. એમના ચહેરા પરનું સ્મિત જ ચાડી ખાતું હતું કે બરાબરના સમજી ગયા છે. તુરત બોલ્યા, ‘હુકમ કરો!’

અને વટહુકમ બજાવાઈ ગયો, ‘ત્યાંથી નિયમિત ‘મુંબઈ સમાચાર’ માટે કાંઈ લખી મોકલવાનું.’

પણ એમ લખે તો અલગારી શાના? મુંબઈ આવીને પકડાયા અને મેં ફરી ટકોર કરી. સ્નેહનું બંધન સ્વીકારી એમણે માંડ્યું લખવા ‘અલગારી રખડપટ્ટી’ પ્રગટ થવી શરૂ થઈ. એ અલગાડી રખડૂ સાચે જ એકેકથી ચડિયાતી અવનવી વાતો લખતો રહ્યો. મધુરપ્રવાહી શૈલીમાં ક્યાંક કોઈ વા હાસ્ય તો કોઈ સ્થળે આંસુ, ક્યાંક કટાક્ષ તો ક્યાંક અનુકંપા, ક્યાંક વળી કડક ટીકા તો ઠેરઠેર ભરપૂર સમભાવ-કવિતાનો જાણે અસ્ખલિત ધોધ વહેતો રહ્યો અને વાચકોના પ્રશંસાપત્રો ઉપરાઉપરી આવતા જ રહ્યા. કોઈવાર લખવા પહેલાં સંકોચ સાથે એ પૂછે પણ ખરા, ‘ફલાણી બાબત લખું તો તમને ગમશે?’ જવાબમાં હું એટલું જ કહેતો, ‘જુઓ, ભાઈ! મારા અંગત ગમાઅણગમાનો ખ્યાલ લખતી વેળા રાખવો જ નહિ. વાચકોની રુચિને નજર સામે રાખી મોકળા મને લખે જાઓ!’

અને સાચે જ એકેક અવનવી વાત જીવંત બનતી ગઈ. પ્રવાસવર્ણનો તો અનેક લખાય છે, પણ રસિકભાઈ જેવા, એમાં પ્રાણ પૂરનારા સર્જક જવલ્લે જ નીવડે છે. સાહિત્યકાર કે સાક્ષર ગણાવાના ખ્યાલ વિના, પારાવાર નમ્રતા સાથે, સરળ નિખાલસ સાદી ભાષામાં એ વાતો લખાતી રહી.

‘મુંબઈ સમાચાર’ની કેટલીક અત્યંત લોકપ્રિય હારમાળાઓમાં ‘અલગારી રખડપટ્ટી’ ઘણું આગળ પડતું સ્થાન મેળવી ગઈ છે એટલું અહીં નોંધતાં હું ગર્વ અને આનંદ અનુભવું છું અને ઉમેરું કે, ‘ખુશ રહો, અલગારી! અને લખતા રહો!’

૩૦-૦૧-૧૯૬૯
મીનુ દેસાઈ