આંગણે ટહુકે કોયલ/ઊંચે ટીંબે માડી
૮. ઊંચે ટીંબે માડી
ઊંચે રે ટીંબે માડી મારું સાસરું
નીચી છે કાંઈ મૈયરિયાની વાટ રે
મારા વીરને કે’જો, વીરને રે કે’જો આણાં મારાં મોકલે.
હે એવો સાડલો રે ફાટ્યો માડી મારે ઘૂંઘટે,
જાય છે મારા મૈયરિયાની લાજ રે,
મારા વીરને રે કે’જો, વીરને રે કે’જો આણાં મારાં મોકલે.
હે એવો કમખો રે ફાટ્યો માડી મારો કોણીએ,
જાય છે મારા મૈયરિયાની લાજ રે,
મારા વીરને કે’જો, વીરને રે કે’જો આણાં મારાં મોકલે.
હે એવો ઘાઘરો રે ફાટ્યો માડી મારો ઘૂંટણે,
જાય છે મારા મૈયરિયાની લાજ રે,
મારા વીરને કે’જો, વીરને રે કે’જો આણાં મારાં મોકલે.
સ્વીમિંગ પુલમાં ધૂબાકા દેવાનો આનંદ આવે જ પણ ભરઅષાઢે ધીમીધારનો શાંત વરસાદ વરસતો હોય ને એમાં ઈરાદાપૂર્વક ન્હાવા નીકળીએ એની મજા અનેરી હોય છે. શહેરના નામી ગાર્ડન રેસ્ટોરન્ટમાં પેટભરીને લાંચ કે ડીનર લઈએ એની તુલનામાં લહેરાતી વનરાજી, પહાડ, નદી, ઘૂઘવતા સાગરની અડખેપડખે બેસીને શિરામણ. બપોરા, રોંઢો કે વાળુ કરીએ એની જમાવટ સાવ અનોખી જ હોય છે, કારણ એ જ કે સ્વીમિંગ પુલ કે ગાર્ડન રેસ્ટોરન્ટને કૃત્રિમતા સાથે નાતો છે, એ આયાસપૂર્વક તૈયાર કરવામાં આવ્યા હોય છે જયારે વરસતો વરસાદ, વનરાજી, પહાડ, નદી અને સાગરનું અનુસંધાન કુદરત સાથે છે. આવી જ છે ગીત અને લોકગીત વચ્ચેની ભિન્નતા. ગીત સાંભળીએ તો પ્રસન્નતા થાય પણ લિજ્જત તો લોકગીતમાં જ આવે કેમકે ગીતનું સર્જન જેણે પણ કર્યું હોય, એણે વિચારપૂર્વકની શબ્દરચના સાથે અક્ષરમેળ. માત્રામેળ, અનુપ્રાસ, લય વગેરેનો તાલમેલ કરીને કર્યું હોય ને પછી સ્વરરચનાકાર એ ગીતને ઢાળમાં બાંધે. લોકગીતનું અવતરણ તો સાવ નિરાળું જ છે. એ કોઈના હૈયામાંથી વહેલી અનુભવ-સંવેદનાની સરવાણી છે. એને કાગળ પર કંડારવું નથી પડતું, હાર્મોનિયમ લઈને સ્વરબદ્ધ નથી કરવું પડતું પણ ચંદ્ર-સૂરજની જેમ ઊગી નીકળે છે એટલે જ લોકગીત ‘યાવત્ ચંદ્ર દીવા કરો’ છે! ‘ઊંચે ટીંબે માડી મારું સાસરું...’ ગરીબ માવતરની દુઃખિયારી દીકરીની વેદનાનું લોકગીત છે. મુખડાની પ્રથમ બે પંક્તિ જ બધું કહી જાય છે. નાયિકા કહે છે કે મારું સાસરું ઊંચે ટીંબે છે એનો અર્થ એ કે પોતાના પિયરની આર્થિક, સામાજિક સ્થિતિ કરતાં સાસરિયાંની સ્થિતિ વધુ સારી છે. પિતાના ઘરનો મારગ નીચેની બાજુ છે અર્થ સાવ સ્પષ્ટ છે. સાસરું વધુ સુખીસંપન્ન, મોભાદાર, ઊંચું છે. એ પોતાની પરિસ્થિતિ વર્ણવતાં જણાવે છે કે મારો સાડલો ઘૂંઘટે ફાટ્યો, કમખો કોણીએ તો ઘાઘરો ઘૂંટણે ફાટ્યો છે આવાં ફાટેલાં કપડાંથી સાસરિયામાં પોતાની અને પિયરની આબરૂ જાય છે માટે પોતાનો ભાઈ વહેલાસર આણું તેડવા આવે તે અનિવાર્ય છે. કોઈપણ દીકરી સાસરિયે જાય પછી થોડા સમય બાદ એને પિયરિયા આણું તેડી જાય એટલે કે પિયર તેડી જાય જ્યાં છ, આઠ કે બાર મહિના દીકરી રોકાય છે ને પાછી સાસરે આવે ત્યારે પિતૃગૃહેથી તેને નવાં વસ્ત્રો વગેરે આપવામાં આવે છે. આ લોકગીતમાં નાયિકાને ક્યાંય દુઃખ પડતું હોય, સસરાપક્ષ તરફથી શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હોય એવો કોઈ અણસાર નથી છતાં તેનો જીવ ઉચક હોય, ભાઈ ઝટ તેડવા આવે, જલદી પિયર જવાની ઉતાવળ હોય એવું સમજાય છે. કપડાં ફાટ્યાં હોય એ એક જ કારણ હોય તો પતિ કે સસરાપક્ષની કોઈપણ સ્ત્રીઓ સાથે જઈને ખરીદી શકાય એમાં ભાઈને ધક્કો ખવડાવવાની કે છેક પિયર જવાની જરૂર ખરી? ના, અહિ મુદ્દો કપડાંનો નથી પણ પિયરિયા અને સાસરિયા વચ્ચેની અસમાનતાનો હોય એવું લાગે છે. અગાઉ આપણા વડિલો હંમેશા એવો જ આગ્રહ રાખતા કે દીકરા-દીકરીનાં લગ્ન પોતાના સમકક્ષ પરિવારમાં જ થાય. જો એમાં સમાનતા ન રહે તો આ લોકગીતની નાયિકા જેવો વસવસો થાય કે સાસરિયું ઊંચું છે ને પિયરિયું નીચું છે. આજે પણ અનેક દીકરીઓ આવી અસમાન પરિસ્થિતિમાં જીવતી હશે અને કેટલીયને એની કિંમત પણ ચૂકવવી પડતી હશે. ખાસ તો આજે વિદેશોમાં પોતાની પુત્રીઓને પરણાવવાનો ક્રેઝ છે એમાં ઘણીવાર પસ્તાવું પડતું હોય છે. લોકગીત મનોરંજક તો હોય જ છે સાથોસાથ દિશાદર્શક પણ હોય છે, ખરું ને?