આંગણે ટહુકે કોયલ/મારા વાડામાં પાથરેલ
૧૬. મારા વાડામાં પાથરેલ
મારા વાડામાં પાથરેલ ચોપાટ, જુગાર કોઈ રમશો નહિ,
એની માથે વાળોને ઊંધું કૂંડું, જમાદાર જુગારિયો.
હે જુગાર કોઈ રમશો નહિ...
ઈ રે જમાદાર કડલાં રે હાર્યો, કાંબિયું શિક્કે હાર્યો,
જમાદાર જુગારિયો. હે જુગાર કોઈ રમશો નહિ...
ઈ રે જમાદાર નથણી રે હાર્યો, ટીલડી શિક્કે હાર્યો,
જમાદાર જુગારિયો. હે જુગાર કોઈ રમશો નહિ...
ઈ રે જમાદાર ખેતર હાર્યો, ખોરડાં શિક્કે હાર્યો,
જમાદાર જુગારિયો. હે જુગાર કોઈ રમશો નહિ...
ઈ રે જમાદાર છોકરાં રે હાર્યો, બાયડી શિક્કે હાર્યો,
જમાદાર જુગારિયો. હે જુગાર કોઈ રમશો નહિ...
ગુજરાતી મહિનામાં શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષમાં એક એક એમ બે અગિયારસ આવે, એમાં જેઠ મહિનાની અજવાળી અગિયારસ એને ભીમ અગિયારસ કહેવાય છે. વ્રત કરનારા ભાવિકોમાં આ અગિયારસનું મહાત્મ્ય ખૂબ હોય છે. લોકો પોતાની શ્રદ્ધા અનુસાર એકટાણું, ઉપવાસ, પૂજન-અર્ચન વગેરે કરે. જેઠી અગિયારસ સાથે ભીમની કથા જોડાયેલી છે. ગરીબમાં ગરીબ માણસ અગાઉ બાળકો માટે ભલે કેરી ન ખરીદી શક્યો હોય પણ આ દિવસે કેરી લાવે અર્થાત્ ભીમ અગિયારસે કેરી ખાવાનું પણ મહત્વ છે. સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસથી જુગારના પાટલા શરુ થઇ જતા. ઘણી પરંપરાની જેમ આ દિવસથી જુગાર રમવો એ પણ પરંપરિત હતું, કદાચ હજુ પણ ક્યાંક હશે...! અગાઉ ઋતુચક્ર બરાબર ચાલતું એથી વરસાદ વહેલો થતો. ભીમ અગિયારસ આસપાસ વાવણી થઈ જતી ને લોકો કામકાજમાંથી પરવારી છેક શ્રાવણ મહિનો ઉતરતાં સુધી જૂગટું રમતાં. આ પરંપરામાં મહિલાઓ પણ સામેલ હતી. બહેનોના પાટલા પણ ધમધમતા. મનોરંજનનાં સાધનો ન્હોતાં એટલે જુગાર આનંદપ્રમોદનો જ એક હિસ્સો હતો. જો કે સમય જતાં લોકો શિક્ષિત અને જાગૃત થયા અને કાયદાનું જ્ઞાન પણ વધ્યું એટલે ધીમેધીમે એમાં ઓટ આવી એ સારી બાબત પણ છે કેમકે જૂગટું મહાભારત સર્જે છે એ સૌ જાણે છે. ‘મારા વાડામાં પાથરેલ ચોપાટ...’ બહુ મજાનું અને પ્રત્યક્ષ ઉપદેશક લોકગીત છે. લોકગીતો સામાન્યરીતે પરોક્ષ ઉપદેશક હોય છે. એ મોઢે ચડીને હા કે ના નથી કહેતાં પણ વાયા વાયા કહે છે. આ લોકગીતમાં સીધું જ કહી દીધું કે વાડામાં ચોપાટ પાથરેલી છે પૈસા, ઘરેણાં, મિલકતની હારજીત ન થાય એ રીતે ચોપાટ રમીને મજા માણો પરંતુ ચોપાટ થકી કોઈ જુગાર ન રમશો કારણ કે એક ‘જુગારિયો જમાદાર’ ચોપાટથી જુગાર રમીને પત્નીનાં ઘરેણાં જેવાં કે કાંબિયું, કડલાં, નથણી, ટીલડીની સાથે ખેતર અને ખોરડું તો હાર્યો અરે! પોતાનાં છોકરાં અને પત્નીને પણ હારી ગયો...! લોકગીતમાં જુગારી તરીકે જમાદારને દર્શાવવામાં આવ્યો છે. સૌથી પહેલા તો અક્ષમ્ય બાબત એ છે કે જમાદાર જુગાર રમે છે! એનું કામ કાયદાનું પાલન કરાવવાનું છે. જુગાર રમવો ગેરકાયદે છે ને એ કામ બીજા કરતા હોય તોય જમાદારે પગલાં લેવાનાં હોય એને બદલે પોતે જ રમે છે! જુગારની ગંભીર અસરો બતાવવા જુગાર રમનાર વ્યક્તિના દાગીના ઉપરાંત ખેતર એટલે કે રોજીરોટી અને ખોરડું એટલે કે આશરો-આ બન્ને ફના થયાં એવું લોકગીતમાં ગવાયું છે. આટલું ગુમાવ્યા પછી પણ એ અટકતો નથી ને ‘હાર્યો જુગારી બમણું રમે’ એ ન્યાયે ગુમાવેલું ઝટ પાછું મેળવી લેવાની લાલચમાં એ બાળકો અને પત્નીને પણ હારી ગયો એવું દર્શાવ્યું છે એ અતિશયોક્તિ છે પણ સમાજ સામે લાલબત્તી ધરવા આવો અતિરેક કરાયો હોય છે. નીતિશાસ્ત્રના નિયમોનું પાલન કરીએ તો કોઈ કાયદાની જરૂર ન રહે પણ આપણી એમાં ક્યાંક ચૂક થઈ એટલે કાયદા આવ્યા. આ લોકગીતનો મર્મ ફિલ્મના ડાયલોગ જેવો છે કે ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો...’