આંગણે ટહુકે કોયલ/હેડા હેડા જોગેસર
૨૪. હેડા હેડા જોગેસર
હેડા હેડા જોગેસર! તમે આંયાંથી ઓરાવજો મોરિયું બાયું.
બાવાજીને કારણિયે મેં તો ઉતારા તૈયાર કર્યા મોરિયું બાયું,
ઉતારાનો કરનારો બાવો જોગેસર, મોલે ના’વ્યા મોરિયું બાયું.
બાવાજીને કારણિયે મેં તો પોઢણિયાં તૈયાર કર્યાં મોરિયું બાયું,
પોઢણિયાંનો કરનારો બાવો જોગેસર, મોલે ના’વ્યા મોરિયું બાયું.
બાવાજીને કારણિયે મેં તો દાતણિયાં તૈયાર કર્યાં મોરિયું બાયું,
દાતણિયાંનો કરનારો બાવો જોગેસર, મોલે ના’વ્યા મોરિયું બાયું.
બાવાજીને કારણિયે મેં તો નાવણિયાં તૈયાર કર્યાં મોરિયું બાયું,
નાવણિયાંનો કરનારો બાવો જોગેસર, મોલે ના’વ્યા મોરિયું બાયું.
બાવાજીને કારણિયે મેં તો ભોજનિયાં તૈયાર કર્યાં મોરિયું બાયું,
ભોજનિયાંનો કરનારો બાવો જોગેસર, મોલે ના’વ્યા મોરિયું બાયું.
દરેક ભાષાને પોતાનો અનેરો વૈભવ હોય છે પણ એકેએક બોલીને એની ખુદની આગવી છટા હોય છે. ગુજરાતી ભાષા ભલેને આલીશાન બંગલોમાં વસતી નમણી નાગરવેલડી હોય પણ કાઠિયાવાડી, ઉત્તર ગુજરાતી, સુરતી, આદિવાસી-જેવી બોલી ચાકડા-ચંદરવાવાળા ગારના ચોખ્ખાચણાક ઘરમાં વસતી, પરંપરાગત વસ્ત્રો પરિધાન કરનારી પાંચ-હાથ પુરી રતૂમડી નારી જેવી છે! આપણે ભલેને ઉચ્ચ શિક્ષિત હોઈએ, કડકડાટ અંગ્રેજી બોલતાં હોઈએ છતાં બોલીના પ્રયોગો આપણને બહુ ગમે છે, એની મજા જ જુદી છે. બોલી બોલીએ તો જાણે મોં ભરાઈ ગયું હોય એવો અહેસાસ થાય. ચીપી ચીપીને બોલનારા ‘ચાબા’ લોકો કરતાં ઘણીવાર તળપદું બોલનારા ‘સાદા’ લોકો આપણા મન પર ઉંડી છાપ છોડી જતા હોય છે કેમકે સાદગીમાં આડંબર નથી હોતો! ભલે આપણે સમય અને સંજોગો પ્રમાણે ભાષા અને બોલીના પ્રયોગો કરવા પડતા હોય છે પણ અનહદ આનંદ કે અતિશય દુઃખની ક્ષણે આપણાથી બોલી જ બોલાઈ જાય છે. લોકગીતોમાં બોલીના પ્રયોગો વધુ છે એ જ એના દીર્ઘાયુષ્યનું એક કારણ છે. ગામડાંની અભણ માતાઓ-બહેનો કે લોકકવિને ક્યાં શિષ્ટ ભાષાનું જ્ઞાન હતું? તેઓ બોલી જ બોલતાં ને એમનાથી જે ગીતોનું સર્જન થયું એને આપણે લોકગીતો કહીએ છીએ. એ સ્વાભાવિકપણે બોલીથી જ સમૃદ્ધ હોય એટલે કે લોકગીતોનું ‘ઈનગ્રેડીયન્ટસ’ બોલી છે. લોકગીતો બોલીની પાંખ પર બેસીને વિહર્યાં છે એટલે તો બહુ લોકપ્રિય થયાં છે. એ વાત જુદી છે કે મૂઠ્ઠીભર વિદ્વાનો લોકગીતની સ્ક્રીપ્ટ સામે નાકનું ટીંચકું ચડાવે છે પણ લોકગીતો પાંચ-પચ્ચીસ ચોખલિયાઓની નારાજગી વ્હોરીને પણ કરોડો લોકોની આત્મપ્રસન્નતા માટે અવતરે છે, શતકો સુધી ઠાઠથી જીવે છે ને ભણેલાઓ માટે સંશોધન અને ડોકટરેટનો વિષય બની જાય છે! ‘હેડા હેડા જોગેસર તમે આંયાંથી...’ લોકબોલીરૂપી મધમાં ડૂબાડેલું લોકગીત છે. હેડા હેડા, આંયાં, ઓરાવવું, મોરિયું, બાયું-આ બધા જ લોકબોલીના શબ્દો છે. આ શબ્દો આપણે ક્યાંક ને ક્યાંક બોલતાં રહીએ છીએ. એ બોલવાથી નાના કે નીચા નથી થઈ જવાના. આ લોકગીતનો અર્થ કરવો થોડો કઠીન છે પણ પ્રાથમિક સમજણ એવી છે કે ‘હેડા હેડા’ અર્થાત્ બહુ મોટા, ‘યોગેશ્વર’ કે ‘જોગેશ્વર’ જેવો અઘરા ઉચ્ચારનો શબ્દ ગ્રામનારીને બોલવો ન ફાવે એટલે ‘જોગેસર’ કરી નાખ્યું, મતલબ કે મોટા જોગી આવી રહ્યા છે એટલે ‘મોરિયું બાયું’એ અર્થાત્ કે મારી પરિચિત આ બધી મહિલાઓએ ‘આંયાં’થી, એની નજીકથી નહિ પણ દૂરથી એને સીધુસામગ્રી વગેરે ‘ઓરાવવું’ એટલે કે આપવું-એવી ભલામણ કરવામાં આવી છે કેમકે આદર્શરીતે સાધુએ કામિની અને કંચનથી દૂર રહેવાનું હોય છે એ વાત ગામઠી નારી સમજે છે. બાબાજી માટે ઉતારા, પોઢણ, દાતણ, નાવણ. ભોજન-એમ બધી પ્રાથમિક સુવિધા તૈયાર છે પણ તેઓ મોલ પધાર્યા જ નહિ-એનો અર્થ એ થાય કે એ સદાચારી એવું માનતા હશે કે સાધુને આવી કોઈ સુવિધા ન ખપે. ભક્તોનો ભાવ હોય એ સ્વાભાવિક છે પણ સંતને તો બસ સંન્યાસ વ્હાલો હોય. આવા જોગેશ્વર કોણ હશે? ક્યાં હશે? સંભવ છે કે શિવજી માટે સતીએ પણ આ શબ્દો ઉચાર્યા હોય.