આચમની/૨૮

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૮

ઉત્તર વૃન્દાવન-મીરતોલાના સંત કૃષ્ણપ્રેમનાં ગુરુ યશોદામાનું અવસાન થયું. દિવસભરના થાકથી તે રાતે કૃષ્ણપ્રેમને એવી ગાઢ ઊંઘ આવી ગઈ કે વહેલી સવારે નિયમ મુજબ ચાર વાગ્યે તે જાગી ન શક્યા. ત્યાં જ યશોદામાનો અવાજ સંભળાયો : ‘દુલાલ. જાગ, તારા ધ્યાનનો સમય થયો.’ કૃષ્ણપ્રેમ સફાળા જાગી ગયા. જેને ગઈકાલે જ અગ્નિદાહ આપી આવ્યા હતા એ ગુરુમાનો શું અવાજ? તેમણે ચારે તરફ જોયું પણ કોઈ જોવામાં ન આવ્યું. કૃષ્ણપ્રેમે અદૃશ્ય ગુરુમાને પૂછ્યું : ‘મા, તમારો અવાજ સાંભળું છું પણ તમને જોઈ શકતો નથી.’ તરત જ યશોદામાનો સ્વર કાને પડ્યો : ‘મને જોવા માટે તારે ધ્યાનબળથી ઊંચે આવવું પડશે.’ ધ્યાન એ તો આત્માની પાંખો છે. યશોદામાના પ્રિય પુત્ર સમો, પોતે જેને લાડકવાયા નામ ‘દુલાલ’થી પુકારતાં, તે ધ્યાનને સમયે પોઢી રહે તે કેમ ચાલે? કૃષ્ણપ્રેમના જેવો જ અનુભવ સંત મોરાર સાહેબને થયો હતો. તેમણે પણ પોતાના દિવંગત ગુરુનો અવાજ સાંભળ્યો હતો. ગુરુ રવિ સાહેબે મોરારને ખંભાળિયા ગામે આશ્રમ બાંધીને રહેવાની આજ્ઞા કરી હતી. રવિ સાહેબ તો અધ્યાત્મનો દીવો પ્રગટાવતા ગામે ગામ ઘૂમતા. મોરારે હઠ પકડી, ‘ગુરુજી, તમારો અંતકાળ ખંભાળિયામાં જ થાય એવું કરજો.’ રવિ સાહેબે મોરારની માગણી કબૂલ રાખી પણ તેમનો દેહ વાંકાનેરમાં પડ્યો. એક તો ગુરુનો વિરહ અને ઉપરથી તેમણે આપેલા વચનનો ભંગ. મોરારની વેદનાનો પાર ન રહ્યો. મન વિષાદથી ઘેરાઈ ગયું. રવિસાહેબના મૃતદેહની પાલખી ઉપાડી જલદી ખંભાળિયા પહોંચી જવા તેમણે પગ ઉપાડ્યા. થોડે જતાં જ પાલખીમાંથી ગુરુનો અવાજ સંભળાયો : ‘મોરાર, જરા ધીરે ચાલ’. એ ધીર ગંભીર સ્વરે મોરારની ચાલ બદલી નાખી. ગુરુના દેહને જ ગુરુ માનતા શિષ્યના અંતરમાં અજવાળું થઈ ગયું. અરે, જે કાળ અને કર્મથી પર એને એક જ સ્થળ અને કાળમાં પૂરવા બેઠો? મૃત્યુ પારનું અજવાળું ઝીલતાં મોરારનો પ્રાણ ગાઈ ઊઠ્યો :

ભજન ભરોસે રે નર નિરભે હુવા,
એને કાંઈ કરમ ન લાગે કાળ,
અમ્મર હુવા રે આપુંને ઓળખી,
નૂરીજન નજરો નજર નિહાળ

***