આચમની/૩૪

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૪

શરીરો ઉત્પન્ન થયાં નહોતાં અને જ્યારે કેવળ આત્માઓ જ હતા એ સમય વિષે જરા જાણી લઈએ. એ સમયે આયુષ્યનો ગાળો ઘણો ટૂંકો હતો પણ એ વેળાનું એક વર્ષ અત્યારનાં હજારો વર્ષ જેટલું હતું. એ સમયે આત્માઓને પરમાત્માએ હારબંધ ઊભા રાખ્યા અને તેમની સામે આ દુનિયાનું દૃશ્ય ખડું કર્યું. તેમનામાંથી નેવું ટકા જેટલા આત્માઓ આ દુનિયા તરફ દોડી આવ્યા. બીજા આત્માઓ રહ્યા તેમની સામે સ્વર્ગ ખડું કરવામાં આવ્યું. તેમનામાંથી પણ નેવું ટકા સ્વર્ગ ભણી ખેંચાઈ ગયા. તે પછી બાકી રહ્યા તેમને નરક બતાવવામાં આવ્યું. નરકની જવાળાઓ અને યાતનાઓ જોઈ તેમનામાંથી નેવું ટકા ભાગી ગયા. હવે થોડાક જ બાકી રહ્યા. આ આત્માઓ પર કશી જ વસ્તુની અસર થઈ નહોતી. નહોતા તેઓ દુનિયાથી કે સ્વર્ગથી લલચાયા કે નહોતા નરકના ત્રાસથી ભય પામ્યા. આ બાકી રહેલા આત્માઓને ગેબી અવાજે કહ્યું: ‘મૂરખ આત્માઓ, તમારે શું જોઈએ છે? એ આત્માઓ એકી અવાજે બોલી ઊઠ્યા : ‘તમે તો સર્વજ્ઞ છો અને અમારા મનની વાત જાણો છો કે તમારા સિવાય અમારે કાંઈ જ જોઈતું નથી. અમારે તો એકમાત્ર તમે જ જોઈએ અને તમારી હાજરીથી દૂર થવાનું અમને જરા યે મન નથી’. દૈવી અવાજે તેમને ફરી કહ્યું : ‘મારી ઈચ્છા તે ઘણી જોખમી વસ્તુ છે. મને તમે માગો છો પણ તમારે મુશ્કેલીઓ ભોગવવી પડશે અને અનેક જોખમો ઊભાં થશે’. આત્માઓએ જવાબ આપ્યો: ‘તમારી સાથે રહેવા માટે અમે દરેક બાબતને આનંદથી સ્વીકારીશું. અને સર્વસ્વને પામવા માટે સર્વ કાંઈ ગુમાવવા તૈયાર રહીશું.’

(‘ઇલાહી નામા’. ઇદરીસ શાહ સંપાદિત ‘ધ વે ઓફ ધ સૂફી’માંથી)

***