ઈશ્વર પેટલીકર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પેટલીકરનું પ્રકીર્ણ સાહિત્ય


૫. પેટલીકરનું પ્રકીર્ણ સાહિત્ય

‘જીવનદીપ’થી ‘નવદંપતી’ સુધી (૧૯૫૩થી ૧૯૭૬)ના બાર લેખ સંગ્રહો; ‘ગામચિત્રો’(૧૯૪૪), ‘ધૂપસળી’(૧૯૫૩) અને ‘ગોમતીઘાટ’(૧૯૬૧) એ ત્રણ રેખાચિત્રોના સંગ્રહો ઉપરાંત નવજાગૃતિ સમાજમાળાની દસ પુસ્તિકાઓ એટલું પેટલીકરનું પ્રકીર્ણ સાહિત્ય છે એમ કહેવાય. ‘પટલાઈના પેચ’માં પ્રસંગકથાઓ છે એય આ વર્ગમાં આવે (પણ પેટલીકરે એને એમના વાર્તાગ્રંથોમાં સમાવી હોવાથી આપણે એની ચર્ચા નવલિકાઓને અંતે કરી છે, કરવી પડી છે) ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’(૧૯૬૪) એ ભાઈકાકાનું પેટલીકરે લખેલું જીવનચરિત્ર છે. છેલ્લે ૧૯૭૭માં આચાર્યાનું અને ગાંધીજીનું અનુશાસન નામની બે પુસ્તિકાઓ એમણે પ્રગટ કરેલી એમના કથાવાર્તા સાહિત્યની જેમ એમનું પ્રકીર્ણ સાહિત્ય પણ જથ્થાબંધ છે એમ કહી શકાય. લેખકસંગ્રહો અને રેખાચિત્રો તો એમના પત્રકારત્વની નીપજ છે. સામયિકો અને વર્તમાનપત્રોમાં ફરજિયાત કટારલેખન એમણે કરવું પડેલું. સમાજસુધારક પેટલીકરને એ ગમેલુંય તે. કેમ કે એમની સમાજસુધારણાની દિનપ્રતિદિન વ્યાપક બનતી જતી પ્રવૃત્તિઓનો એથી પ્રચાર-પ્રસાર થતો, વળી પોતાની માન્યતાઓ અને કાર્યોને ‘એ રીતે’ જાહેરમાં મૂકીને ચકાસી જોવાની એમને તક મળતી, એમાંથી જ પાછું બળ મળતું ને વિચારોને વધારે પ્રગતિશીલ, વ્યવહારુ તથા સમૃદ્ધ કરવાનું પણ બનતું. પેટલીકરની નવલકથાઓ-વાર્તાઓ પણ બહુધા સુધારાલક્ષી વલણોથી ભરચક રહી હોય ત્યારે પ્રકીર્ણ સાહિત્યનો તો ઉદ્દેશ પણ એ જ હતો ને! એટલે કે લેખો ઇત્યાદિ સુધારક, સમાજચિંતક અને વર્તમાન મીમાંસક પેટલીકરની પૂરા કદની છબી ઉપસાવી આપે છે એમ કહેવામાં અતિશયોક્તિ સહેજે નથી. ‘ગ્રામચિત્રો’ એ ‘જનમટીપ’ પૂર્વે જ પેટલીકરના ‘જવાહીર’ની જાહેર બાતમી આપવા માંડેલી. બંને એક જ વર્ષમાં પ્રગટ્યાં, પણ ‘ગ્રામચિત્રો’ પહેલાં લખાયેલાં, ને ‘પાટીદાર’માં છપાયેલાં પુસ્તકરૂપે પણ એ વહેલાં; ‘જનમટીપ’ એના પછી તરત. જે ‘ગ્રામસમાજનો આખો દેહ સડી ગયો છે’ એ ગ્રામસમાજને પેટલીકરે ‘ગ્રામચિત્રો’માં મર્મ અને કટાક્ષથી, હસતાં-રમતાં ઉપસાવવા ધાર્યો છે. બીજા વિશ્વયુદ્ધની આસપાસનું ગુજરાતી ગામડું એની તમામ જ્ઞાતિ-જાતિઓનાં પ્રતિનિધિઓના માધ્યેમે બેઠું થાય છે. વધતી મોંઘવારી, ઉદ્યોગોનો પ્રભાવ, સુધારાનાં વલણોની વચ્ચે જડ રૂઢિઓનું પ્રચલન, અંધશ્રદ્ધામાં નિષ્ઠાપૂર્વક જીવતો સમાજ, એ સમાજના માવીતર જેવા મુખી, ભૂવો, શિક્ષક, વાળંદ, દરજી, ભાંજગડિયો, શાહુકાર, તલાટી, વરતણિયો —ઇત્યાદિને ‘ગ્રામચિત્રો’ વર્ણવે છે. પેટલીકર નર્મ મર્મમાં ભલે વાત કરતા હોય, એ પાત્રો કે એમના કાર્યને તાર્કિક રીતે અને સમાજસંદર્ભમાં જુએ છે. જેતે પાત્રને કે ચરિત્રનાં કાર્યો છલનાયુક્ત ને પ્રપંચપૂર્ણ હોય એનો પેટલીકર બચાવ નથી કરતા, એની લાક્ષણિકતાઓ કહે છે. વરવી બાજુ બતાવે છે તેય પૂરી સહાનુભૂતિથી, પેટલીકર ‘પોતાનાં લોકો’ને તિરસ્કારી કે ધિક્કારી શકતા નથી. હસતાં હસ્તાં એ કરુણની લખીર ખેંચી આપે છે. શહેરી સમાજે ગામડાંની ઉપેક્ષા કરી તે, સરકારની શોષણખોરી અને નઘરોળતા અને ગામડાંના જ આગેવાનોની સ્વાર્થલોલુપ, સત્તા અને વૃત્તિસુખ ભોગવવાની લાલચો-અવળચંડાઈ વગેરે એ ગ્રામસમાજને તેજભેજહીન કરી મૂક્યો હતો. પલટાતા જીવનની વચ્ચે એ સમાજનાં કેટલાંક પાત્રોને પેટલીકરે તપાસી જોયાં એટલે એમાં માનવમૂલ્યોની વાત અને જૂનાંનવાં વલણોની તુલના કરવાનું શક્ય બન્યું. આથમતી–ગ્રામજીવનની પરંપરાઓનું, ‘ગ્રામચિત્રો’ આજેય દસ્તાવેજી મૂલ્ય આપે છે. ‘જે તે જ્ઞાતિ–વર્ગના પાત્રની આંતર–બાહ્ય બધી જ ખાસિયતો પેટલીકર જીવનના રોજિંદા સંદર્ભોમાં ગૂંથી આપીને વર્ણવે છે એટલે એમના વર્ણનમાં મજા પડે છે. પ્રમાણભૂતતા, સત્ય અને સ્વીકૃતિ એમાં છે. અતિશયોક્તિ ઝાઝી નથી કરી, પણ મર્મને ઉપસાવવા વર્ણનને જરા ચગવ્યું છે. એનાથી રેખાચિત્રને એની સમગ્ર જાતિ સુધી વિસ્તારવાનું સરળ બન્યું છે. આ ચિત્રો પેટલીકરે હૈયાઉકલતથી લખેલાં. આવાં કશાંય રેખાચિત્રોની આપણી પરંપરા નહોતી, જે કંઈ હતું એ ઝુંખું ને વિરવિખેર. છેલ્લા દોઢેક દાયકામાં આપણને મળેલાં ‘હૃદયમાં પડેલી છબીઓ’, ‘શબ્દલોકના યાત્રીઓ’, ‘સહરાની ભવ્યતા’, ‘નામરૂપ’, ‘વિનોદની નજરે’, ‘ચહેરાઓના વનમાં’ વગેરેનાં વ્યક્તિચિત્રો કે ચરિત્રવર્ણનોથી પેટલીકરનું કામ જુદું જ હતું, એમનો ઉદ્દેશ નોખો હતો ને લખાવટ એકદમ સચોટ, સ્પર્શ્ય તેમ જ કુતૂહલ-પ્રેરક/પોષક. ‘ધૂપસળી’ અને ‘ગોમતીઘાટ’નાં વ્યક્તિચિત્રો પણ ‘ગ્રામચિત્રો’ને મુકાબલે આછાં ને ઓછાં રેખાચિત્રો બન્યાં છે એમ જ લાગે છે. અહીં વ્યક્તિ તરફનો અહોભાવ છે, પ્રસંગો અને માહિતીનું પ્રાધાન્ય છે. વળી વ્યક્તિના ગુણોનું જ, અહી તો, વિશેષભાવે આકલન છે. રા.વિ. પાઠકે પ્રસ્તાવમાં લખ્યું છે એમ ‘ગ્રામચિત્રો’ના ‘લેખોનું સ્વરૂપ અને શૈલી બધી રીતે રેખાચિત્રોની છે.’ વળી અહીં વાર્તા અને નિબંધથી પણ બચી જવાયું છે. પ્રતિનિધિરૂપ રહીનેય આ રેખાચિત્રો વ્યક્તિતવની છાપ સાચવી રહે છે પેટલીકરની આ સિદ્ધિને પાઠકસાહેબે વખાણી છે. પહેલાં પુસ્તકોએ પેટલીકરને સારી–મૂલ્યાંકનલક્ષી પ્રસ્તાવનાઓથી ઓળખાવ્યા. સાચી રીતે ને એ સારું થયું. શિક્ષક, તલાટી, વરતણિયો, ભૂવો, દુકાનદાર, વિધવા, વાળંદણ મુખી કે ભાંજગડિયો, દરજી કે સુથાર દરેક પાત્રના વિશેષોને લેખકે ટૂંકમાં જ ઉપસાવી દીધા છે. મુખીને એ ‘હરાયો પાડો’ ઉપમા આપે છે ત્યારે બધું બંધબેસી જાય છે. શાહુકાર તો ‘એને મુદ્દલેય હૃદય ન હોવા છતાં જીવે છે.’ શિક્ષક, ભૂવો કે દુકાનદારનાં પાત્રો એક વખત વાંચનારનેય હમેશ માટે યાદ રહે એવાં છે. ભાંજગડિયો જે ભ્રષ્ટતા આચરે છે, જે દુષ્ટતા આચરે છે એ પેટલીકરે બતાવી છે એનું આચરણ જહેરમાં નીતિશુદ્ધ લાગે, ને એના વિના ‘પૈડું ખસે જ નહીં’! ઉદાહરણ માટે એક નાનકડો પરિચ્છેદઃ ‘ગામમાં જેટલો કુસંપ એટલો એને લાભ, ગામમાં જેટલી અજ્ઞાનતા એટલો એ નિર્ભય. આ ધંધામાં શાહુકારની જેમનાણું નથી જોઈતું, દુકાનદારની જેમ માલ નથી રાખવો પડતો, વકીલની જેમ કાયદાની પરીક્ષા નથી આપવી પડતી. પણ...એમાં સમો ભણવાની સમજણ જોઈએ. સામાની ગરજ ને નિર્બળતા પારખવાની ગીધદૃષ્ટિ જોઈએ... સરકારી કાયદો પણ જ્યાં લાચાર બને છે ત્યાં એની કલમ લાગુ પડે છે... લાંચ ખાવાનો જ્યાં લાગ ન હોય ત્યાં એ ધર્માદા કરવાનો ઠરાવ લાવે છે. કૂતરાંને નામે, ચકલાંને નામે બાકી છેવટે તો એ રકમ કૂતરાના જેવા એના પેટમાં જ જાય છે.’ ગ્રામજીવનનો અનુભવ/માનવસ્વભાવનિરીક્ષણ વિના આવાં પાત્રો સર્જવાનું મુશ્કેલ હતું. પેટલીકર પાસે આ ઉપરાંત રૂઢિપ્રયોગો, કહેવતોની સમૃદ્ધ તળપદી ભાષા છે. વર્ણનવિવેક અને દર્શન દૃષ્ટિ પણ છે. એટલે ‘ગ્રામચિત્રો’નો પેટલીકરની નોંધપાત્‌ કૃતિઓમાં સમાવેશ કરવો પડે એમ હું માનું છું. એય એમની કીર્તિદા કૃતિ તરીકે ‘જનમટીપ’ની સાથે રહી છે. નવી નવલકથાએ ‘જનમટીપ’ને ‘જૂની’ બનાવી છે, એમ બદલાયેલાં ગામડાંમાં ‘ગ્રામચિત્રો’નાં પાત્રો હવે ‘ગઈકાલ’ બનતાં જાય છે. પણ એ ચિત્રોમાં માનવસહજ ગુણ-અવગુણોનું જે વર્ણન છે એ તો યાદ રહેશે જ. સમયસંદર્ભ બદલાય ત્યારેય માનવની વૃત્તિઓ તો એ જ રહે છે. સ્વરૂપાંતરે ભૂતકાળ પણ પાછો પુનરાવર્તન પામતો હોય છે. આજના આપણા સરપંચ ને તલાટી પેલા જમાનાની મુખી કે ભાંજગડિયાથી ઊતરે એવા છે ખરા? પણ ‘ધૂપસળી’ અને ‘ગોમતીઘાટ’માં, ‘ગ્રામચિત્રો’ના પેટલીકરનું તેજ નથી, આથમી ગયું છે. ‘ગોમતીઘાટ’માં વ્યક્તિ નહીં, પ્રસંગો કેન્દ્રસ્થાન છે. કેટલાંક મુલાકાતિચિત્રો છે, જગદીશ-સુભદ્રાબહેનનું લગ્ન, ‘મુકુલભાઈ-નિરંજનાનું લગ્ન’, ‘જશભાઈની પ્રતિજ્ઞા’ જેવા લેખોમાં એમની સુધારાપ્રવૃત્તિ નિમિત્તે થયેલાં દૃષ્ટાંતરૂપ અનુભવો છે. એ સિવાય બાબર ભગત, નજુ પટેલ, પુષ્પાબહેન મહેતા કે આચાર્ય ઈશ્વરભાઈ જેવાં વ્યક્તિચિત્રો છે. કેટલાક અંજલિરૂપ લખાણો પણ અહીં મળશે. ‘રેખા’ના પ્રકાશનની જવાબદારી હોવાથી ‘ધૂપસળી’નાં અઢાર જેટાં વ્યક્તિચિત્રા લખેલાં. એમાં રવિશંકર મહારાજ, દાદા માવળંકર, કિ. ઘ. મશરૂવાળા, કાલેલકર, ઇન્દુલાલ યાજ્ઞિક, ઢેબરભાઈ, પંડિત સુખલાલજી અને સ્વામી આનંદ મુખ્ય છે. ઝીણી વિગતો ને નાના-મોટા પ્રસંગોને સાંકળી લેવાનું પેટલીકરને ફાવે છે. ક્યારેક ઉત્સાહ વધુ હોય તો બિનજરૂરી વિસ્તાર પણ, એટલે જ, થઈ જાય છે. ઘણી વાર પ્રસંગોમાં સાતત્યનો અભાવ હોય કે આડવાતો આવતી હોય ત્યારે પ્રસંગચિત્રો કે વ્યક્તિચિત્રો થોડાંક ખંડિત અને ઉભડક લાગે છે. પણ મહારાજ આદિનાં ચિત્રોમાં સહજ ઓતપ્રોતતા હોવાથી એવાં ચિત્રો સુવાચ્ય ને સુરેખ બની રહે છે. ભાઈકાકા જીવનપ્રવૃત્તિ વર્ણવતી ચરિત્રકથા નાયકનાં કાર્યોને નિરૂપે છે ને સમકાલીન સમાજનું, રાજ અને કેળવણીનું ચિત્ર આપે છે. ભાઈકાકા પ્રત્યેનો ભક્તિભાવ તટસ્થતા ઓળંગે છે, એમને ઘડનારાં બળોની અહીં પૂરી સમીક્ષા નથી. એકંદરે આ કૃતિ ભાઈકાકાને અને એમનાં કાર્યોને અંજલિરૂપ છે, ‘જીવનકથા’ કહેવાય એવું એનું કાઠું નથી. અનુશાસન વિશેની પુસ્તિકાઓ સર્વોદયવાદ અને ગાંધીવાદના પ્રભાવને સ્પર્શે છે, એમાં ખોવાઈ જતી નથી. કોઈ પણ આચારસંહિતાને કે વિષયને પેટલીકર સમસામયિક સંદર્ભમાં, વાસ્તવ અને વ્યવહારની ભોંય પરથી જોવાની નેમ રાખે છે એટલે એમની વાત સ્વીકાર્ય બને છે. ‘અનુશાસન’ વ વિશેના એમના વિચારો એ રીતે પ્રેરક છે. એમના બાર જેટલા લેખસંચયોમાં સમાજની સમસ્યાઓનો સુધારક-દૃષ્ટિથી વિચાર કરવામાં આવ્યો છ. ‘લોકસાગરને તીરે તીરે’(૧૯૫૪) ાને ‘મહાગુજરાતનાં નીરક્ષીર’(૧૯૫૬) સંગ્રહોમાં સમાજકારણી પેટલીકર રાજકારણી સમસ્યાઓ સુધી જાય છે. એમના પત્રકારત્વનું આ સીધું પરિણામ છે. રાજકારણમાં રગદોળાયા વિના પેટલીકર એની તટ-સ્થ ચર્ચા કરે છે, જેની વાત આપણે આગળ નોંધી છ. બીજા સંગ્રહોમાં કુટુંબસંસ્થા, લગ્નસંસ્થા અને દામ્પત્યજીવનના પ્રશ્નોની પર્યેષણા છે. અહીં શહેર કે ગ્રામ અગત્યનાં નથી, પ્રશ્નોનું રૂપ, એની સમાજ પર અસરો જ તપાસનો વિષય છે. અન્ય સુધારાઓને સ્પર્શતા લેખોના સંચયોમાં ‘જીવનદીપ’, ‘સુદર્શન’, ‘મંગલકામના’, ‘અમૃતમાર્ગ’ વગેરે છે. જ્યારે કુટુંબ અને લગ્નજીવનની લગભગ બધી જ બાજુઓની સોદાહરણ સમીક્ષા થઈ હોય એવાં વિવિધ લખાણોના સંગ્રહોમાં ‘સંસારના વમળ’, ‘પ્રસન્ન દામ્પત્ય’, ‘સંવનનકાળ’, ‘સંસ્કારધન’, ‘નવદંપતી’ વગેરે છે. પેટલીકર અહીં પ્રેમ કે લગ્ન નિમિત્તે કેળવણી, સ્રીસ્વાતંત્ર્ય, નોકરી, કન્યાપસંદગી, નિષ્ફળ-સફળ લગ્નો, આધુનિક યુવક-યુવતીઓની કન્યા-વર પસંદગીની રીતો ને માબાપનાં વલણો ઇત્યાદિની ચર્ચા કરે છે. એમાં પેટલીકરની ઉદાર દૃષ્ટિનો પરિચય થાય છે એ સાથે વિષયને બરાબર ચકાસીને, એની બધી બાજુનો અને વર્તમાન તેમ જ ભાવિનો પણ વિચાર કરી જોવાની પેટલીકરની ગણીતિક સૂઝનો–સમજનો ક્યાસ મળી રહે છે. પેટલીકર સમાજવફાઈ માટે આપણને માન થાય, એમની વિચારણા એટલી તળગામી/સર્વાંગણી હોય છે. નવજાગૃતિ સમાજમાળાની અઢાર પુસ્તિકાઓ કુટુંબ અને સમાજથી આગળ વધીને સમગ્ર દેશની વર્તમાન સમસ્યાઓનો વિચાર કરે છે. અહીં ‘ભારતીયકરણ’ જેવી પુસ્તિકામાં આપણી બિનસાંપ્રદાયિકતાનો વિચાર કર્યો છે તો સામે પક્ષે ‘સફળ પ્રેમલગ્નો’ જેવા પુસ્તકમાં કેટલાંક દંપતીને લઈને પ્રેમલગ્નની ચર્ચા છે. પેટલીકર સમાજનો વ્યાપક અર્થ કરે છે. એમાં દેશ, ધર્મ ને રાજસત્તા પણ આવી જાય. પણ એ તાત્ત્વિક ચર્ચાના જ માણસ નથી, તત્ત્વને એ વ્યવહારની સરાણ પર ચડાવી જુએ છે. ‘ભારતીય-કરણ’માં ધર્મ નિરપેક્ષતાને એમણે આ રીતે ચર્ચી છે. ‘તારુણ્યના આવેગો’માં વયસંધિકાળ અને એ પછીની યુવાન માનસિકતા વર્ણવાય છે. તો લગ્નના ઉંબરે ઊભેલા કૉલેજનાં યુવક-યુવતીઓમાં ‘ડેટિંગ’ના વલણની પણ એમણે અલગ પુસ્તકમાં ચર્ચા કરી છે. જરૂર પડે ત્યાં ને ત્યારે પેટલીકરે પાશ્ચાત્ય સંસ્કૃતિનો સંદર્ભ ટાંકીને ચર્ચાને ઉદાર બનાવી છે. પણ ભારતીય સમાજના આદર્શો કે એનાં સારાં તત્ત્વોને પેટલીકર ભૂલતા નથી, જોકે એ કોઈ પણ વિચારસરણીને લાદતા નથી, એનું તોલન કરીને ઇષ્ટ નિર્ણય માટે સામાપક્ષને એ મુક્ત રાખે છે. ‘સો વર્ષ પહેલાંનો સમાજ’, ‘હિન્દુધર્મની વિશિષ્ટતા’, ‘અસ્પૃશ્યતાનું કલંક’ અને ‘હિન્દુમુસ્લિમ કોમી માનસ’ પુસ્તિકાઓમાં જેતે વિષયના ભૂતકાળને તપાસીને લેખકે અગત્યનાં તારણો કર્યાં છે. ‘સિનેમાનું સારુંમાઠું મનોરંજન’માં ચલચિત્રોનાં ધોરણોનીઅને ચલચિત્રોની યુવાનો પર પડતી અસરોની સમીક્ષા છે. ‘વાચનની સારીમાઠી ટેવ’ પણ યુવાનોને વ્યક્તિત્વ ઘડતર મોટ પ્રેરણા પૂરી પાડે એમ છે. યુવાનોને માર્ગદર્શનરૂપ બનવાનું પેટલીકરને ગમે છે. એ કશાય સુધારા કે નવી શરૂઆત માટે નવી પેઢી પાસે અપેક્ષા રાખે છે. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી’ ઇગ્લન્ડ અને અમેરિકામાં વસતા ગુજરાતીઓ સાથેની પેટલીકરની મુલાકાતને વર્ણવતું સારું પુસ્તક છે. વિધર્મી-વિદેશી લગ્ન અને કુટુંબના પ્રશ્નો ઉપરાંત ધર્મની અહીં ચર્ચા છે. ‘ગ્રામચિત્રો’ જેવા અપવાદો બાદ કરતાં પેટલીકરના પ્રકીર્ણ સાહિત્યમાં સાહિત્યિકતા તદ્દન ઓછી છે. પેટલીકરના આ સાહિત્યને લલિતેતર સાહિત્ય ગણી શકાય, જે સુધારાના – જ્ઞાનના પ્રત્યક્ષ ઉદ્દેશથી લખાયેલું છે.

.............................................................

............................................................