એકતારો/વધુ ન માગ્યું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વધુ ન માગ્યું


  • એક પરદેશી હતો મુરખડો

કબરમાં ય નવ પતો
અરે ભાઈ કબરમાં ય નવ પતો,
પીંજરાં તે એનાં કીડલે ભરખ્યાં
શબદ એનો તોય રમતો
રે ભાઈ શબદ રહી ગયો રમતો. ૧

એ રે શબદના પડછંદા કોઈ
ઝીલે ધણીના બંદા
રે ભાઈ ઝીલે કોઈ બાજંદા;
ડમરાં ને ડાહ્યાં દાંત કાઢતાં,
કબર દિયે પડછંદા
ભાઈ એની કબર દિયે પડછંદા. ર

“ડમરા ને ડાયા વીરા દેશીડા!
કાયદા ને કાનૂન ઘડજો
રે ભાઈ કાયદા ને કાનૂન ઘડજો,


  • એક સ્કોટીશ કવિનું કથન છે કે 'મને ફકત મારા દેશનાં લોકગીતો રચવા આપો, પછી મને ખેવના નથી કે મારા દેશના કાયદા કોણ ઘડે છે.' એ પરથી અહીં ઉતારેલો ભાવ.


મને એકને ગળું ફુલાવી
ભજન સુણવવા દેજો
રે ભાઈ ભજન ગજવવા દેજો. ૩.

ટુકડો રોટી, જળનો પ્યાલો,
મિટ્ટીનું આખર બીસ્તર
રે ભાઈ મસાણ આખર બીસ્તર,
વતન કને બસ વધુ ન માગું
ગાવા દે મને ઘર ઘર
રે ભાઈ ગાવા દો મને ઘર ઘર. ૪.

કફન વગરનો નગન જનાજો;
વધુ ધૂમ નવ ખપતી
રે ભાઈ વધુ ધૂમ નવ ખપતી,
ગલી તણો કોઈ ગોખ ખુલે તો
નવ કરજો કોઈ ખફગી
રે ભાઈ! નવ કરજો કોઈ ખફગી.” ૫.