એકતારો/બંદૂકની આડશે આખરી ગાન
બનાવટી છે!
કેન્યૂટની વાત બનાવટી છે!
કો માનતા ના, ડરીએ જતા ના,
રાજાપણાને અપમાનતા ના,
ગપ્પાં પુરાણાં ગનકારતા ના,
કેન્યૂટની વાત બનાવટી છે. ૧
કમાડ ભીડો, દર દ્વાર ભીડો,
જાળી અને ગોખ તમામ ભીડો,
રે મોરી ને ખાળ ખસૂસ ભીડો,
વાયુ ન પેસે, તરડોય ભીડો.
કમાડ ભીડો. ર
- આ કાવ્ય વાણીસ્વાતંત્ર્ય પર પ્રતિબંધ મૂકતા રાજવીઓની મનોદશા કથે છે.
છિદ્રો બુર્યાં કે?
બુદ્ધિ તણાં છિદ્ર બધાં બુર્યાં કે?
વિચારમાં કોઈ તીનું નથી કે?
અક્કલ વિષે એક છીંડું નથી કે?
છિદ્રો બુર્યાં કે? ૩
ઘનઘોર તૂટે?
ચિંતા નહિ, છો ઘનઘોર તૂટે,
આકાશથી વજ્ર ભલે વછૂટે,
વિદ્યુત્ તણાં તેલ તમામ ખૂટે,
તો યે કુબુદ્ધિની ન ટેક તૂટે
છો આભ તૂટે. ૪
બંદૂક સાચી.
બંદૂક સાચી, બીજું જૂઠ સર્વ,
છે આપણો એ અણમોડ ગર્વ,
છે જીવવું વર્ષ કરોડ ખર્વ,
બીજું જૂઠ સર્વ. પ
ગભરાવ છો શું?
દ્વારો દીધાં તો ય મુંઝાવ છો શું?
બંદૂકની આડશ છે પછી શું?
થાકી ગયા? લો, જરી થાક ખાશું,
ચમકો છો શાને, કહી 'આ શું, આ શું!’
ગભરાવ છો શું? ૬
આ ચીંથરાં છે.
છાપેલ આ કાગળ–ચીંથરાં છે!
કોણે કહ્યું કે રુધિરે ભર્યાં છે?
ફફડી ઉઠો કાં? ભડક ક્યહાં છે?
આ ચીંથરાં છે. ૭
ડરથી નહિ હો!
આંહીં લપાયા, ડરથી નહિ હો!
આ વાંચી લઈએ, ડરથી નહિ હો!
ધ્રુજે કલેજાં, ડરથી નહિ હો!
ગાત્રો ગળે છે, ડરથી નહિ હો!
પ્રસ્વેદ છૂટે, ડરથી નહિ હો!
ભયથી નહિ હો! ૮