કંસારા બજાર/વૃદ્ધપુરુષ
Jump to navigation
Jump to search
પરસાળે,
મજબૂત સીંદરીનો ખાટલો ઢાળી
બેઠો છે એક વૃદ્ધપુરુષ.
તેની યાદોમાં
વલોવાતા માખણની ચીકાશ છે.
તેની ત્વચામાં
રૂઝાવા આવેલા ઘાની મીઠી ચળ છે.
તેના મનમાં
પાણીમાં ઠારેલાં લાકડાંનો ઉદ્વેગ છે.
બાજુમાં ભાંભરતા વાછરડાંનો અવાજ
તેને સંભળાતો નથી.
ઘરની ખડીકામ કરેલી ભીંતમાં જડેલાં આભલાં
સૂરજના પ્રકાશમાં ઝબકીને તેને પજવે છે,
તેના વજનદાર ચહેરા પરની
સુરેખ કરચલીઓ સહેજ ખેંચાય છે.
લીંપણ કરેલી જમીન પર ઊપસી આવેલાં
વરસાદી ભીનાશનાં ધાબાં તે જુએ છે.
અને પછી,
પોતે પણ ઊભો થઈને ચાલી નીકળે છે,
વરસાદી ભેજના પદચિહ્ન પર.