કળા, સાહિત્ય અને વિવેચન/ગુજરાતી સાહિત્યના ઇતિહાસો અને તેની સમીક્ષાઓ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુજરાતી સાહિત્યના ઇતિહાસોનો ઇતિહાસ અને તેની સમીક્ષા

આપ સૌને વિદિત છે તેમ, ‘ગુજરાતી સાહિત્યના ઇતિહાસોનો ઇતિહાસ અને તેની સમીક્ષા’ એ મારા વક્તવ્યનો વિષય છે. આ વિષય ઉપલક નજરને દેખાય એ કરતાં વધુ જટિલ છે. આ વિષયની તપાસમાં સૌથી કેન્દ્રવર્તી અને તેથી મુખ્ય નિર્ણાયક મુદ્દો તે ‘સાહિત્યિક ઇતિહાસ’ (literary history)ની વિભાવનાનો છે, અને એ અંગે પાયાના મતભેદો પ્રવર્તે છે. જોકે એ અંગે વિસ્તૃત છણાવટ કરવાને અહીં અવકાશ નથી. છતાં આપણા સાહિત્યના ઇતિહાસોની તપાસમાં મારો અભિગમ સ્પષ્ટ થાય અને મારી ચર્ચાવિચારણા અર્થે ચોક્કસ frame of reference રચાય એટલા માટે કેટલીક તાત્ત્વિક ભૂમિકાને ટૂંકમાં સ્પર્શાશે. બીજી વાત મારે એ કહેવાની છે કે આ વક્તવ્યમાં આપણા સાહિત્યિક ઇતિહાસોની માત્ર સમીક્ષા અપેક્ષિત નથી. આપણા કહેવાતા સાહિત્યિક ઇતિહાસોનો ઇતિહાસ પણ રચી જોવાનો છે. એટલે આપણા મધ્યકાલીન અને/અથવા અર્વાચીન સાહિત્યના ઇતિહાસોની જૂથવાર સર્વસામાન્ય રૂપની સમીક્ષા કરું તે પર્યાપ્ત નથી. ક્રમશઃ પ્રકાશિત થયેલા સાહિત્યિક ઇતિહાસો સ્વયં કોઈ તંત્ર રચે છે કે કેમ, એમાં કામ કરતી ઐતિહાસિક દૃષ્ટિમાં કોઈ સાતત્ય અને વિકાસક્રમ જોવા મળે છે કે કેમ અને એના આયોજન-પ્રયોજન અને એના સંબંધમાં કોઈ તર્કસૂત્ર રહ્યું છે કે કેમ, એ પણ અવલોકનીય છે અને એટલે જ, સમયના ક્રમમાં દરેક મહત્ત્વપૂર્ણ સાહિત્યિક ઇતિહાસની અલગ તપાસ અનિવાર્ય બની રહે છે. તો, મારા વક્તવ્યને વ્યવસ્થિત રીતે રજૂ કરવા સમગ્ર ચર્ચાવિચારણા ત્રણ ખંડકોમાં વહેંચી છે. એ પૈકી પહેલા ખંડકમાં આપણા સાહિત્યિક ઇતિહાસોની સમીક્ષા અર્થે ચોક્કસ frame of reference રચવાનો, બીજામાં તેની અલગઅલગ તપાસ કરવાનો અને ત્રીજામાં એ સર્વ ઇતિહાસલેખનોમાંથી ઊપસી આવતા કે કેટલાક મૂળભૂત પ્રશ્નોનો નિર્દેશ છે.

: ૧ :

આપણા સાહિત્યના ઇતિહાસોની તપાસઅર્થે અને જે frame of reference અભિપ્રેત છે તેને ‘નવ્ય ઇતિહાસવાદ’ (new historicism)ની ચર્ચાવિચારણાઓની પ્રેરણા અને સમર્થન છે. એ તો સ્પષ્ટ છે કે સાહિત્યિક ઇતિહાસ વિશેની મારી આ વિચારણા પશ્ચિમના વિદ્વાનોની આ વિશેની ચર્ચાઓમાંથી ઉદ્‌ભવી છે. પરંપરાગત ઇતિહાસવાદ સામે ત્યાં નવ્ય ઇતિહાસવાદના સમર્થકો જે વિચારણાઓ રજૂ કરી રહ્યા છે તે સાહિત્યિક ઇતિહાસની વિભાવનામાં ચોક્કસ પરિવર્તનકારી બની છે. જોકે નવ્ય ઇતિહાસવાદ માનવસભ્યતા અને સંસ્કૃતિનાં અનેક મૂળભૂત ગૃહીતો સામે જે પ્રશ્નચિહ્ન મૂકે છે તેને લગતી વ્યાપક ચર્ચાઓને અહીં અવકાશ નથી. પણ સાહિત્યિક ઇતિહાસના આયોજન અને સંરચનાના પ્રશ્નો આ ઊહાપોહને કારણે વધુ જટિલ બન્યા છે, એ તો સ્પષ્ટ છે. મૂળ મુદ્દો એ છે કે ‘સાહિત્ય’ અને ‘ઇતિહાસ’ એ બંનેય સંજ્ઞાઓ અત્યારે ભારે વિવાદના વંટોળમાં પડી છે. એટલે સાહિત્યિક ઇતિહાસની સ્વચ્છ, સુરેખ વિભાવના બાંધવાનું એકદમ મુશ્કેલ બની ગયું છે. પશ્ચિમના સુપ્રસિદ્ધ વિદ્વાન રેને વેલેકે પોતાની કારકિર્દીના પૂર્વ તબક્કામાં સાહિત્યિક ઇતિહાસનું ઊજળું ભાવિ નિહાળ્યું હતું, પણ એ જ વિદ્વાને ત્રણેક દાયકાઓ પછી કંઈક નિરાશાવાદી સ્વરમાં જે રીતે સાહિત્યિક ઇતિહાસના પતનનો મુદ્દો છેડ્યો તે ઘણો સૂચક બાબત છે. સાહિત્યના ઇતિહાસની ભૂમિકા જ તૂટી રહી હોય એમ તેમને પ્રતીત થયું. પણ આપણે એ મુદ્દાને જરા વિસ્તારથી સ્પર્શીએ તે પહેલાં એ વાતનીય નોંધ લઈ લઈએ કે સાહિત્યિક ઇતિહાસના નિર્માણ પરત્વે પાશ્ચાત્ય અભ્યાસીઓમાં જે રીતના વાદવિવાદો ઊભા થયા છે તેમાં એક નિર્ણાયક મુદ્દો તે સાહિત્યકૃતિની અપૂર્વ રૂપનિર્મિતિનો છે, તેની તાત્ત્વિક સત્તાનો છે, તેના સ્વરૂપવિશેષનો છે. જેઓ સાહિત્યકૃતિ સ્વયં એક સ્વાયત્ત આત્મપર્યાપ્ત અને નિરપેક્ષપણે અપૂર્વ – absolutely unique – હોવાનું સ્વીકારે છે, તેમને માટે દરેક કૃતિ એક અલગ વિચ્છિન્ન અને સ્વતંત્ર ઘટના છે. એવી કૃતિ કોઈ સાંકળની કડી જેવી નહિ, અલગ નિરપેક્ષ વિશ્વરૂપ છે. તેથી કૃતિઓમાં સાતત્ય અને વિકાસક્રમ શોધવાનું કે આંતરિક સ્તરેથી સંબંધ દર્શાવવાનું તાર્કિક રીતે મુશ્કેલ બને છે. બીજી બાજુ, કેટલાક સાહિત્યકૃતિને વ્યવહારજગતના પદાર્થોની કોટિમાં મૂકે છે અને તેના અસ્તિત્વનો જુદીજુદી રીતે કાર્યકારણભાવે ખુલાસો આપવા ચાહે છે. તેમના મતે સાહિત્યકૃતિ અમુક સામાજિક સાંસ્કૃતિક પરિબળોની નીપજ માત્ર છે કે અમુક વાદો વિચારધારાઓનું દૃષ્ટાન્તીકરણ માત્ર છે. પહેલા મત પ્રમાણે તો સાહિત્યકૃતિનું જે કંઈ સારભૂત તત્ત્વ છે તેને તેની બહારના કોઈ જ્ઞાનમય વિશ્વથી સમજાવી શકાય નહિ. એમાં અમુક બાહ્ય તત્ત્વોને કાર્યકારણભાવે સમજાવી શકાતાં હોય તોપણ તેનું હાર્દ તો એવા કોઈ કાર્યકારણના સૂત્રમાં પકડી શકાતું નથી. આથી ભિન્ન, જેઓ સાહિત્યકૃતિની આવી રહસ્યમયતા સ્વીકારતા નથી તેમને માટે દરેક કૃતિ ચોક્કસ પરિબળોની નીપજ માત્ર છે. તો, આ પ્રકારના આત્યંતિક અભિગમો સાહિત્યિક ઇતિહાસની સંરચનામાં કેવા નિર્ણાયક બને છે તે જોવાનું ઘણું રસપ્રદ બની રહે છે. પશ્ચિમની પરંપરાના કહેવાતા સાહિત્યના ઇતિહાસોની સમીક્ષા કરતાં રેને વેલેક એવું અવલોકન કરવા પ્રેરાયા છે કે એમાંના અનેક સાચા અર્થમાં ‘સાહિત્યિક’ ઇતિહાસ બની શક્યા નથી. કેમ કે એવા ઇતિહાસોમાં સાહિત્યકૃતિઓ ઘણુંખરું સમાજજીવનના ઇતિહાસની અંતર્ગત કે સાંસ્કૃતિક વિચારણાઓની અંતર્ગત શોષાઈ ગયેલી છે : દરેક સત્ત્વશીલ કૃતિની સાહિત્યિક વિશેષતાઓ એવા બાહ્ય સાહિત્યેતર ઇતિહાસમાં લુપ્ત થઈ ચૂકી છે. બીજી બાજુ, કેટલાક કહેવાતા સાહિત્યિક ઇતિહાસોમાં તેના લેખકે કૃતિઓની (અને એના સ્રોત સમી સર્જકપ્રતિભાઓની) અપૂર્વતાઓને ઉપસાવતાં તેના પરસ્પરના સંબંધો કે સાતત્યો કે પરિવર્તનક્રમ જેવી બાબતોને અવગણી તેનાં જે અધ્યયનો રજૂ કર્યાં હોય છે તેમાં સાહિત્યિકતાનો સાચો ‘ઇતિહાસ’ રચાતો નથી. જોકે સાહિત્યિક ઇતિહાસોમાં આ વલણો સાવ આત્યંતિક જ લેખાય : ઘણાંએક સાહિત્યના ઇતિહાસો એ આત્યંતિકતાઓની વચ્ચે ક્યાંક કોઈક ભૂમિકાએથી જ ગતિ કરતા હોય છે. અહીં આપણે હવે આપણા વિષયની એક એવી જ પાયાની બાબતને સ્પર્શી લઈએ. અને તે એ છે કે પશ્ચિમના ચિંતકો, અભ્યાસીઓ અને વિવેચકો ‘સાહિત્યિક ઇતિહાસ’ (literary history)ને એક અલગ સ્વતંત્ર વિદ્યાશાખા લેખે પ્રતિષ્ઠિત કરવા ચાહે છે. જ્ઞાનવિજ્ઞાનના હર કોઈ વિષયમાં તેઓ ઉપલબ્ધ સામગ્રીને ચોક્કસ તંત્ર(system)માં યોજવા ચાહે છે, અને એવું દરેક તંત્ર આગવું સત્ય, આગવું જ્ઞાન આપે છે એમ પણ તેમને અભિપ્રેત છે. એટલે સાહિત્યિક ઇતિહાસનેય તેઓ એક ચોક્કસ તંત્રમાં ઢાળવા ઉત્સુક હોય છે, ઉપલબ્ધ સમવિષમ અને વિરોધી કે વિસંગત લાગતી સામગ્રીઓમાં કોઈક રીતે વ્યવસ્થા(order) નિર્માણ કરવાની તેમની અપેક્ષા હોય છે. અને, કઠોર હકીકત એ રહી છે કે સાહિત્યના પ્રવાહો, પરિવર્તનો અને તેમાંના અણધાર્યા અવનવા વિસ્મયકારી નવોન્મેષોને કોઈ સરળ વ્યવસ્થાતંત્રમાં ઢાળી શકાય નહિ. પ્રશ્ન છેવટે સાહિત્યિક ઇતિહાસને કોઈ સર્વગ્રાહી અખિલાઈવાળા તંત્રમાં ગોઠવી શકાય કે કેમ એ છે, સાહિત્યના કહેવાતા વિકાસક્રમમાં પરિવર્તનોમાં અને તેના નવા નવા વળાંકોમાં ક્યાંય કોઈ સાર્વત્રિક નિયમ કે નિયમો સ્થાપી શકાય કે કેમ એ છે. પૂર્વ તબક્કાનો ઇતિહાસવાદ કંઈક એવી આસ્થા લઈને ચાલ્યો હતો કે વિશ્વજીવનની સમગ્ર ઘટનાઓ, કાર્યો, ગતિવિધિઓ, પરિવર્તનો આદિમાં નિરપેક્ષ તંત્ર (absolute system) સંભવે છે. પ્રસિદ્ધ તત્ત્વચિંતકની તત્ત્વવિચારણામાં એવા એક નિરપેક્ષ વિરાટ તંત્રની સ્થાપના એ ઇતિહાસવાદનું જ્વલંત દૃષ્ટાન્ત છે. વિશ્વજીવનમાં અંતર્હિત રહેલી પરમ ચિતિ સક્રિય બનીને ક્રમશઃ સમયના પટ પર અપારવિધ રૂપોમાં પોતાને પ્રગટ કરતી રહે છે. એમાં અંતિમ નિશ્ચિત ઉદ્દેશની સંસિદ્ધિ અર્થે સમગ્ર ક્રિયાપ્રતિક્રિયાઓ ચાલી રહી છે અને માનવ-ઇતિહાસ એ વિરાટ તંત્રની અંતર્ગત ગતિ કરે છે. કોઈ અંતિમ પ્રયોજનને અનુવર્તીને ગતિ કરતું આ perfect narrative છે, અને સુવ્યવસ્થિત, સુસંવાદી અને આંતરસંગતિવાળી અખિલાઈ એના તંત્રમાં છે. પણ આપણે અહીં ભારપૂર્વક નોંધવું જોઈએ કે નવ્ય ઇતિહાસવાદ આવા કોઈ નિરપેક્ષ તંત્રનો સ્વીકાર કરતો નથી. વિશ્વજીવનમાં ઊંચેથી મૂળભૂત એકતા અને અખિલાઈનું આરોપણ ન કરતાં તળની વાસ્તવિકતાઓથી તે સીમિત રૂપનાં તંત્રો કે તરેહોની ખોજ તે કરવા ચાહે છે. નવ્ય ઇતિહાસવાદની આ વિચારણા સાહિત્યિક ઇતિહાસનાં સ્વરૂપ પ્રયોજન અને તેના સંરચનને સીધી રીતે પ્રભાવક નીવડી છે. વ્યાપકપણે હવે એમ સ્વીકારાવા લાગ્યું છે કે સાહિત્યિક ઇતિહાસને કોઈ એક ચુસ્ત, સુ-વ્યવસ્થિત અને અખિલાઈવાળા તંત્રમાં ઢાળવાનું મુશ્કેલ છે. કોઈપણ સાહિત્યના જુદાજુદા વિકાસતબક્કાઓ કે સમયખંડોમાં સતત જે વળાંકો આવ્યા હોય, અણધારી રીતે અણધારી દિશામાં નવપ્રસ્થાન થયું હોય, પરંપરામાં જે કંઈ તૂટ આવી હોય એ સર્વ ગતિવિધિઓ પાછળ કોઈ સાર્વત્રિક નિયમ કે નિયમો શોધી બતાવવાનું શક્ય નથી. આમ છતાં સ્પેનિશ ચિંતક ક્લોદિયો ગ્લિમેને પ્રતિપાદિત કર્યું છે તેમ દરેક યુગમાં, દરેક મહત્ત્વપૂર્ણ તબક્કામાં, સાહિત્યની પ્રવૃત્તિઓ જે રીતે વિકસે છે, વિસ્તરે છે, વળાંકો લે છે કે નવી દિશા પકડે છે તેમાં અમુક સીમિત પણ ચોક્કસ તંત્રો સક્રિય બનેલાં જોઈ શકાય છે. બલકે આવાં સીમિત તંત્રો પણ પરસ્પર ક્રિયાપ્રતિક્રિયા દ્વારા કોઈ વધુ વ્યાપક તંત્ર નિર્માણ કરવાનું લક્ષ્ય છતું કરે છે. આમ, વિશાળ લેખનપ્રવૃત્તિઓ વચ્ચેય વ્યવસ્થા ઝંખતી અને એ માટે સક્રિયપણે કાર્ય કરતી ઇચ્છાશક્તિને મૂળભૂત સિદ્ધાંત તરીકે તેઓ સ્વીકારે છે : “Thus it appears the historian is led to evaluate, for every century or phase, in the history of his subject, the precise scope of a limited persistent profound ‘will to order’ within the slowly but constantly changing domain of literature.” અર્થાત્‌ સાહિત્યના ઇતિહાસની સંરચના અર્થે દરેક યુગમાં દરેક તબક્કામાં પ્રગટ કે પ્રચ્છન્નપણે સક્રિય રહેલાં નાનાંમોટાં તંત્રોની શોધ અને ઓળખ અનિવાર્ય બને છે. ક્લોદિયો ગ્લિમેન એવાં તંત્રોનો વિસ્તાર આ રીતે સૂચવે છે : (ક) દરેક યુગમાં કાવ્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રની જે કોઈ વિચારણા ચાલે છે તેમાં અમુક સાહિત્યિક મૂલ્યોનું તંત્ર ઊપસી આવ્યું હોય છે. એ ખરું કે જુદી જુદી સાહિત્યવિચારણાઓ સમાંતરે ચાલતી હોય, પણ એમાં અમુક સિદ્ધાંતો, અમુક વિચારો વ્યાપકપણે પ્રભાવક બનતા હોય છે. વળી જુદી જુદી વિચારણાઓમાં ટકરામણ અને સમન્વયની પ્રક્રિયા ચાલતી રહે છે. મુખ્યગૌણ સાહિત્યસ્વરૂપોની તત્ત્વચર્ચાઓ અને તેમાં ઊપસતો ઉચ્ચાવચક્રમ(hierarchy) એવા તંત્રનો ભાગ છે. (ખ) કોઈ પણ યુગમાં સાહિત્યિક સામગ્રીઓ, વર્ણ્યવિષયો, પુરાણકથાઓ, શૈલીઓ અને અલંકારપ્રયોગો – એ સર્વનાં સ્વીકાર, પસંદગી અને સંયોજન પાછળ પણ અમુક વિચારવલણો કે અમુક રુચિવૃત્તિ કામ કરતી જોઈ શકાશે. એમાંય અમુક તરેહ કે આવર્તન પકડી શકાશે. (ગ) દરેક યુગમાં કૃતિઓ/કર્તાઓને પ્રેરક અને પ્રભાવક બની રહેતી વિચારધારાઓ, વાદો, આંદોલનો, રાષ્ટ્રીય પરંપરાઓ અને ઉદ્દેશપૂર્વક તૈયાર થયેલા કૃતિસંચયો પાછળ પણ નાનાંમોટાં તંત્રો પકડી શકાશે. (ઘ) દરેક યુગમાં ભાવકવર્ગના પ્રતિભાવો – કૃતિઓના આસ્વાદો અને મૂલ્યાંકનો –માંય અમુક કળાત્મક રુચિ અને મૂલ્યબોધનું વ્યાકરણ મળી આવવા સંભવ છે. તો સાહિત્યના ઇતિહાસકારની દૃષ્ટિ માત્ર કૃતિઓ કે કર્તાઓ પર જ નહિ, એ કૃતિઓ અને કર્તાઓ કોઈ નાના કે મોટા તંત્રનો ભાગ બને છે કે નહિ તેના પર પણ ઠરી હોય છે, ઠરી હોવી જોઈએ. જે કંઈ ‘કાચી’ સામગ્રી ઇતિહાસલેખકને પ્રાપ્ત થઈ છે તેને નાનામોટા કોઈક તંત્રમાં, કોઈ વ્યવસ્થામાં કે કોઈ તરેહમાં યોજવાની આ વાત છે. કૃતિ કે કર્તા વિશેનાં અલગ સ્વતંત્ર વિવેચનો કે આસ્વાદોનું અન્યથા ગમે તેટલું મહત્ત્વ કરીએ, સાહિત્યિક ઇતિહાસમાં એનું અલગ મહત્ત્વ ન કરીએ. સાહિત્યિક ઘટનાઓના વિશાળ પ્રવાહમાં તેનો ‘ઐતિહાસિક સંદર્ભ’ સતત રચાતો રહેવો જોઈએ. ઐતિહાસિક પ્રક્રિયાઓ પર ઇતિહાસલેખકની દૃષ્ટિ મંડાયેલી રહેવી જોઈએ. સાહિત્યિક ઇતિહાસના અવલોકનમાં એ રીતે ઐતિહાસિક પ્રક્રિયાઓ અને સંરચનાગત પરિવર્તનો મહત્ત્વનાં બની રહે છે. કોઈપણ નાની મોટી સાહિત્યિક પરંપરાનો ઉદ્‌ભવ વિકાસ, તેનું સાતત્ય, સંવર્ધન, હ્રાસ અને તૂટ તેમ જ પાછળના સમયમાં તેનો પુનરુદ્ધાર, ઉપરાંત પરંપરાઓમાં સતત દેખા દેતાં પરિવર્તનો, રૂપાંતરો, નવસંયોજનો કે વિઘટનોની પણ નોંધ લેવાની રહે છે. વર્ણ્યવિષયો, આકારો, સાહિત્યપ્રકારો અને પ્રકારગત શૈલીઓ, રચનાપ્રણાલીઓ અને પ્રયુક્તિઓ, પ્રતીકતંત્રો અને વિચારતંત્રો એમ અનેક સ્તરોએથી પરંપરાઓનો વિચાર થઈ શકે. સાહિત્યસ્વરૂપોના ઉદ્‌ભવવિકાસની કથાઓ એક રીતે સાહિત્યિક પરંપરાઓનો જ ભાગ છે અને સાહિત્યિક ઇતિહાસમાં તેની તપાસનું આગવું મહત્ત્વ છે. જોકે પરંપરાગત સાહિત્યિક ઇતિહાસોમાં સમયની સીધી રેખા પર તેના વિકાસવિસ્તારની કથા રજૂ કરવાની પદ્ધતિ છે. પણ કોઈ એક યુગમાં મુખ્ય ગૌણ સ્વરૂપોનું સ્થાન, તેનો ઉચ્ચાવચક્રમ અને સમાંતરે ખેડાતાં સ્વરૂપો વચ્ચે આદાનપ્રદાન કે ક્રિયાપ્રતિક્રિયાઓનો મુદ્દોય એટલો જ ધ્યાનાર્હ છે. વળી દરેક તબક્કે કોઈ પણ સર્જક દ્વારા જે કંઈ નવપ્રસ્થાન થાય છે, પરિવર્તનો આવે છે, વહેણો બદલાય છે તેની પણ પૂરતી નોંધ લેવી જોઈએ. કૃતિના પ્રેરણાસ્રોતો અગાઉના કે સમકાલીન સાહિત્યમાં હોય તો શોધી આપવાના રહે, ખાસ તો, પ્રેરણાસ્રોતોને તે કેવી રીતે સ્વીકારે છે અને કળાત્મક રૂપ આપે છે તેય વિચારવાનું આવે છે. પરંપરાને આગળ ધપાવનાર સર્જકપ્રતિભાનુંય, અલબત્ત, આગવું ગૌરવ કરવાનું રહે. સાહિત્યિક ઇતિહાસ, દેખીતી રીતે જ, ઐતિહાસિક સમયની રેખા પર વિસ્તરે છે. કર્તાઓ અને કૃતિઓ સમયનો ચોક્કસ ક્રમ એટલે કે પૂર્વાપર સંબંધ ધરાવે છે. પણ સમયના ક્રમમાં ઊઘડતી વિસ્તરતી અપારવિધ સાહિત્યિક સામગ્રીને ચોક્કસ તંત્રમાં ઢાળવાનું મુશ્કેલ બને છે. એમાં એક બાજુ વિશિષ્ટ સર્જકપ્રતિભાના નિજી વિકાસવિસ્તારની કથા, બીજી બાજુ કૃતિ કે કર્તાને પ્રેરક અને પ્રભાવક પરિબળો અને સંયોગોની કથા, ત્રીજી બાજુ કૃતિની સ્વરૂપગત રીતિપ્રણાલીના સંવર્ધન પરિવર્તનની કથા અને ચોથી બાજુ ભાવકવર્ગ દ્વારા કૃતિઓના ભાવન, આસ્વાદન અને વિવેચનની કથા – એમ ભિન્નભિન્ન બાજુએથી ખેંચ જન્મે છે. આ બધી માંગને સાહિત્યિક ઇતિહાસનો લેખક ભાગ્યે જ પહોંચી વળી શકે છે. અને, એટલે જ, સાહિત્યિક ઘટનાઓનો સર્વગ્રાહી ઇતિહાસ એ વધુ તો એક આદર્શ માત્ર છે. પણ ઇતિહાસકાર ઇતિહાસની સંરચનાનાં શક્ય તેટલાં ઘટકોથી પરિચિત હોય અને ઐતિહાસિક પ્રક્રિયાઓની ઓળખમાં કયાં કયાં સ્તરોએથી સંબંધો સંભવે છે તે વિશે પૂરતો અભિજ્ઞ હોય એ તો સાહિત્યિક ઇતિહાસની પ્રાથમિક આવશ્યકતા છે. સાહિત્યિક સામગ્રીના વ્યવસ્થાપનમાં ‘સાહિત્યિક યુગ’ (literary period)ની વિભાવનપ્રક્રિયા ઘણી ઉપકારક બને છે. સાહિત્યિક યુગ, અલબત્ત, કોઈ અફર નિરપેક્ષ વાસ્તવિકતા નથી, તો એ માત્ર ઉપરછલ્લું nominalism પણ નથી. ચોક્કસ સાહિત્યિક વહેણો અને વલણોનો એ એક સંરચિત ઘટક છે. દરેક સાહિત્યિક યુગની પાછળ અમુક રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક સંયોગો હોય છે, એનાં ચોક્કસ પરિબળો યુગપદ્‌ કામ કરતાં હોય છે, અને યુગની વિશેષ ચેતના એમાંથી પ્રક્ષિપ્ત થતી હોય છે. અહીં જોકે એમ સ્પષ્ટ કરી લેવું જોઈએ કે કોઈ પણ સાહિત્યિક યુગને એકાત્મક અને સમસંવાદી લેખવવાનું વલણ બરોબર નથી. યુગની અંતર્ગત કેટલાંક વિરોધી અને સંઘર્ષાત્મક બળો કામ કરતાં હોય, એમાં કેટલાંક વૃત્તિવલણો પરસ્પરથી દૂર જવા ચાહે તો કેટલાંક નિકટ આવી સમન્વિત થવા ચાહે, પણ એ રીતે સાહિત્યિક યુગની સંરચનામાં એક સ્તરે પરસ્પરને છેદતા પ્રવાહોનો તો બીજા સ્તરે તેની વ્યાપક સમન્વયપ્રક્રિયાઓનો ખ્યાલ કરવાનો રહે. હકીકતમાં યુગની સંરચના, યુગની વિભાવનપ્રક્રિયા, એ વ્યાપક તંત્રનિર્માણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. દરેક યુગને એ રીતે આગવું મૂલ્યતંત્ર સંભવે છે. કળાકીય રુચિ અને દૃષ્ટિ, વિવેચનનાં ધોરણો અને મૂલ્યો એની સાથે કોઈક રીતે જોડાયાં હોય એમ પણ જોઈ શકાશે.

: ૨ :

આપ સૌ એ હકીકતથી પરિચિત છો કે આપણા સાહિત્યનો ઇતિહાસ લખવાની પ્રવૃત્તિ અર્વાચીન સમયમાં આરંભાઈ. એ પૈકી મધ્યકાલીન સાહિત્યની સામગ્રી ક્રમશઃ સંશોધિત થતી રહી અને એ સમયખંડના ઇતિહાસો ક્રમશઃ સંવર્ધિત રૂપમાં આવ્યા. બીજી બાજુ, અર્વાચીન સમયમાં જેમજેમ નવું સાહિત્ય રચાતું ગયું તેમતેમ તેની સામગ્રીમાં ઝડપથી વૃદ્ધિ થતી ગઈ. આમ, સહજ રીતે જ, બંને સમયખંડના ઇતિહાસો માટે નવી નવી સામગ્રીઓ ઉપલબ્ધ થતાં તેના સંયોજન અને સંરચનાના પ્રશ્નો વધુ ગંભીર બનતા રહ્યા છે. જોકે દરેક નવા તબક્કામાં ઇતિહાસલેખકે સાહિત્યિક ઇતિહાસ વિશે જે કંઈ સૂઝસમજ કેળવી હોય કે જે કંઈ વિભાવના બાંધી હોય તેને અનુસરીને સામગ્રીનું આયોજન-સંપાદન કરવા તે પ્રવૃત્ત થયા હોય એ સહ્યયભાવે સમજાય તેવી બાબત છે. એટલે સાહિત્યિક ઇતિહાસ વિશે આજે આપણે જે અદ્યતન વિચારધારાઓના સંપર્કમાં મુકાયા છીએ તેને અનુલક્ષીને તેની કઠોર સમીક્ષા કરવી એ ઉચિત નથી. એટલે મારો ઉપક્રમ તો નવાં દૃષ્ટિબિંદુઓના પ્રકાશમાં પણ દરેક ઇતિહાસકારની આયોજનદૃષ્ટિ અને સંયોજનની પદ્ધતિને સમભાવપૂર્વક અવલોકવાનો રહેશે. ઇતિહાસોની તપાસમાં આગળ વધીએ તે પહેલાં આપણા ભાષાસાહિત્યના – અને વ્યાપકપણે બધી જ ભારતીય ભાષાઓના સાહિત્યના – સંદર્ભે એક વાત ભારપૂર્વક નોંધવાની રહે છે અને તે એ કે ગઈ સદીમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સાહિત્યની પ્રેરણા અને પ્રભાવ નીચે આપણા દેશની જુદી જુદી ભાષાઓના સાહિત્યમાં આપણા રાષ્ટ્રીય જીવનના ઇતિહાસમાં અગાઉ ક્યારેય નહોતું આવ્યું એવું મૂળભૂત પરિવર્તન આવ્યું. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશના સાહિત્ય પછી પ્રાન્તેપ્રાન્તની ‘દેશી’ ભાષાઓમાં મધ્યકાલીન સંસ્કૃતિ અને સાહિત્યનું આગવી રીતે અવતરણ થયું. પશ્ચિમના પ્રભાવ સાથે અન્ય ભાષાઓમાં તેમ ગુજરાતીમાં જે મૂલગત પરિવર્તન આવ્યું તેથી મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યની વચ્ચે અસાધારણ ગુણાત્મક ફેરફાર જોવા મળ્યો. આપણે એક નવા ઐતિહાસિક તબક્કામાં દાખલ થયા; નવા સાંસ્કૃતિક સંદર્ભમાં આપણા પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યને ઘટાવવાનો પ્રસંગ આવ્યો. એ રીતે આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસકારો સામે આસ્વાદમૂલ્યાંકનના કેટલાક વિશેષ પ્રશ્નોય ઊપસી આવ્યા. આપણા સાહિત્યિક ઇતિહાસોનો ઇતિહાસ શોધવા નીકળીએ ત્યારે સાક્ષરશ્રી ગોવર્ધનરામમ ત્રિપાઠીનું પુસ્તક ‘The Classical Poets of Gujarat and Their Influence on Society and Morals’ (પ્ર. આ. ૧૮૯૪) એ વિષયમાં પ્રથમ નોંધપાત્ર ઉપક્રમ ઠરે છે. ગોવર્ધનરામે નોંધ્યું છે : ‘It is the first contribution of its kind to the literature of the subject with which it deals.’ તેમની પહેલાં કવિ નર્મદે અને કવિ દલપતરામે આપણા કેટલાક અગ્રણી મધ્યકાલીન કવિઓ વિશે પરિચયલેખો લખ્યા હતા. પણ ગોવર્ધનરામ આ પુસ્તકમાં મધ્યકાળના પ્રશિષ્ટ કવિઓ વિશે જે કંઈ ચર્ચાવિચારણા કરે છે તેમાં સાહિત્યિક ઇતિહાસના સ્વરૂપ અને પ્રયોજન વિશેની તેમની વિશિષ્ટ સૂઝસમજ પ્રગટ થાય છે. આ નાનકડું પુસ્તક, આમ જુઓ તો સળંગ અભ્યાસનિબંધ જેવું છે. ઈ.સ. ૧૮૯૨માં મુંબઈની વિલ્સન કૉલેજની સાહિત્યસભા સમક્ષ વ્યાખ્યાન રૂપે એ રજૂ થયું હતું. તેમણે સ્પષ્ટ કર્યું છે તેમ, વિવેચનની ઐતિહાસિક પદ્ધતિ સ્વીકારીને તેઓ અહીં ચાલ્યા છે. પોતાના સમયમાં મધ્યકાલીન કવિઓ અને કૃતિઓ વિશે ઘણી આછી સામગ્રી મળી હોવાથી મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ રચવાનું ઘણું મુશ્કેલ છે એમ પણ તેમણે નોંધ્યું છે. સાહિત્યિક ઇતિહાસનો દાવો ન કરતું આ પુસ્તક, આમ છતાં, સાહિત્યિક ઇતિહાસની રચનાના જટિલ પ્રશ્નો ચર્ચે છે અને જે કંઈ સામગ્રી તેમને ઉપલબ્ધ થઈ તેને ચોક્કસ ઐતિહાસિક રૂપમાં સંયોજિત કરીને રજૂ કરવા ધારે છે. ગોવર્ધનરામે નોંધ્યું છે તે પ્રમાણે તેમની સામે પહેલી મુશ્કેલી તે મધ્યકાલીન કવિઓના જીવનની તવારીખો નક્કી કરવાની હતી. અલબત્ત, મધ્યકાળની અનેક લાંબી કૃતિઓના અંતભાગે તેની રચનાસાલ મળે છે. વળી, ‘કાવ્યદોહનો’માં આરંભે મુકાયેલી નોંધોમાં પણ કવિઓના સમયના અમુક નિર્દેશો છે. પણ એ વિગતો પરંપરા પર નિર્ભર છે અને તેની કડક ચકાસણી કરવાની રહે છે. આથી ભિન્ન, કૃતિઓમાંથી આંતરિક પુરાવાઓ શોધીને એના તથ્યાતથ્યની શોધ કરી શકાય. આ દિશામાં કઠોર શિસ્તબદ્ધ પ્રયત્નોની તેમને મોટી જરૂરિયાતો વરતાઈ છે. આ વિશે ચર્ચા કરતાં તેઓ એમ કહે છે કે આ રીતની સર્વદેશીય શોધખોળનાં પ્રાપ્ત પરિણામોને, ગુજરાતના પ્રજાજીવનના ઇતિહાસ અને એ સમયનાં ધાર્મિક આંદોલનોની સાથોસાથ ગણતરીમાં લઈએ તો એ સમયગાળામાં જે રીતે કવિતાનું ગાન થયું છે તેની keynote આપણે શોધી શકીએ. તેમના અંગ્રેજી લખાણમાં યોજાયેલો આ keynote શબ્દ ઘણો અર્થસભર છે. મધ્યકાલીન કવિતાના વિભિન્ન આવિર્ભાવોની પાછળ કોઈ નિયમ પ્રવર્તે છે અને એની ઓળખ એના ઇતિહાસલેખન માટે અનિવાર્ય છે એમ તેઓ અહીં સૂચવવા માગે છે. બીજી બાજુ, પુસ્તકના શીર્ષકમાંના ‘Influence on Society and Morals’ શબ્દો પણ એટલા જ ધ્યાનાર્હ છે. પોતાના આ અભ્યાસમાં આપણા પ્રશિષ્ટ કવિઓની રચનાઓનો તત્કાલીન સમાજ અને તેની નીતિમત્તા પર કેવોક પ્રભાવ પડ્યો છે તેનીય તેઓ તપાસ આદરે છે. ઇતિહાસલેખનમાં તેમણે આ રીતે કૃતિઓના પ્રભાવોની વિચારણાને ઘણી મહત્ત્વની લેખવી છે. વસ્તુતઃ મધ્યકાળના કવિઓને ઠીકઠીક વ્યાપક એવા સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભો વચ્ચે મૂકીને તેમની કૃતિઓનું હાર્દ ખોલવા તેઓ પ્રવૃત્ત થયા છે. તેઓ એમ પણ સ્પષ્ટ કરે છે કે એ સમયની કૃતિઓમાં પ્રવેશેલાં ઐતિહાસિક સ્તરોને સારી રીતે ગ્રહીને સમજવાનો પ્રયત્ન કરીએ એ પછી જ એમાં અંતર્હિત રહેલા સામાજિક સંયોગોનાં રહસ્યો ઉકેલી શકાય. આવાં રહસ્યોને એ કવિઓ જે જનસમૂહની વચ્ચે વસતા હતા અને જેમની સમક્ષ પોતાનું કવન કરતા હતા, તેમની ખરેખરી સામાજિક વાસ્તવિકતા અને ગૃહજીવનની વિગતો સાથે સાંકળવામાં આવે તો લોકજીવન પરનો તેમનો પ્રભાવ વાંચી શકાય અને છેક નિકટના ભૂતકાળના પ્રભાવની તુલના તેની પૂર્વેના અને તેનીય પૂર્વેના પ્રભાવ સાથે કરીએ તો તેનો અખિલાઈભર્યો બોધ પામી શકીએ. અહીં ભારપૂર્વક નોંધવું જોઈએ કે ગોવર્ધનરામ, આ રીતે, સાહિત્યિક ઇતિહાસમાં અમુક અખિલાઈનો બોધ પામવાની – to form a conception of the wholeની – જે વાત કરે છે તે ઘણી મહત્ત્વની છે. જોકે અત્યંત વિનમ્રભાવે પોતાના અભ્યાસની મર્યાદા તેઓ સ્વીકારે છે. આ પુસ્તક, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, એક સળંગ નિબંધના ઢાંચામાં છે. પંદરમી સદીમાં નરસિંહ, મીરાં, ભાલણ અને ભીમ, સોળમી સદીમાં વસ્તો, વચ્છરાજ અને તુલસી, સત્તરમી સદીમાં પ્રેમાનંદ, શામળ અને અખો તથા અઢારમી સદીમાં દયારામ અને બીજા થોડાક ગણનાપાત્ર કવિઓ – એમ નિશ્ચિત સૈકાઓના ગાળા સ્વીકારીને તેમણે એ કવિઓની રચનાની ચર્ચા કરી છે. તેમનો મુખ્ય પ્રયત્ન એ કવિઓની કૃતિઓ અને તત્કાલીન સામાજિક, સાંસ્કૃતિક પરિબળો વચ્ચે આંતરસંબંધો રેખાંકિત કરવાનો છે. ગોવર્ધનરામના આ ‘ઇતિહાસ’માં તેમનો સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણ એકદમ ઊપસી આવે છે. કવિઓના જીવનચરિત્રની રેખાઓ આપતાં તત્કાલીન ગુજરાતનાં સામાજિક માળખાંનો અને કવિઓની જ્ઞાતિઓનો વિચાર કરવા પ્રેરાયા છે તે સૂચક છે. વળી તેઓ એ વાત પણ નોંધે છે કે મધ્યકાલીન કવિઓએ મુખ્યત્વે તો તેમની આસપાસના અબુધ લોકસમૂહને નજરમાં રાખીને બલકે તેમને સંબોધીને જ રચનાઓ કરી છે. યુરોપના કવિઓ કે સંસ્કૃત પરંપરાના કવિઓએ જે રીતે કેળવાયેલી સૌંદર્યદૃષ્ટિ અને સૂક્ષ્મ અભિજાત રુચિવાળા વર્ગને અનુલક્ષીને કાવ્યનિર્માણ કર્યું છે તેવી કોઈ ભૂમિકા, તેવા કોઈ સંયોગો મધ્યકાલીન ગુજરાતી કવિઓને મળ્યો નથી. વિશ્વની મહાન ભાષાના કવિઓની મહાન ઉપલબ્ધિઓનું જે ઝળહળતું ચિત્ર આલેખી શકાય તેવું આ કવિઓની બાબતમાં દૃઢ પ્રતીતિપૂર્વક આલેખી શકાય નહિ. આમ છતાં એ કવિઓએ તેમના સમયના ઘણા વિષમ સંજોગો વચ્ચેય જે કંઈ કાવ્ય સિદ્ધ કર્યું તેનું આપણે મન અમુક મહત્ત્વ તો રહે છે જ. આવા વિશાળ પરિપ્રેક્ષ્યમાં દરેક કવિની કાવ્યસમૃદ્ધિનો અને તેની મર્યાદાઓનો તેઓ વિચાર કરે છે. જોકે એ રીતે શામળની કવિત્વશક્તિનું વધારે પડતું મૂલ્ય તેમનાથી અંકાઈ ગયું છે. મધ્યકાળની ભક્તિકવિતાના વિવેચનઅધ્યયનના પ્રશ્નો એ યુગના સાહિત્યના ઇતિહાસકાર સામેય એટલા જ પડકારરૂપ રહ્યા છે. ગોવર્ધનરામે એ સમયના ગુજરાતમાં પ્રવર્તેલા ભિન્નભિન્ન સંપ્રદાયોની ચર્ચા કરી છે. પ્રેમલક્ષણા ભક્તિમાર્ગનો તેઓ આગવી દૃષ્ટિએ ખુલાસો આપે છે : ‘In religion and social matters as in Law, Indians have progressed by the help of such fictions.’ આ ભૂમિકાએથી પ્રેમલક્ષણા ભક્તિની આધ્યાત્મિક અને નૈતિક ચેતનાનો તેઓ ખુલાસો આપે છે. તેમનું કંઈક એ રીતનું નિદાન રહ્યું છે કે જે ધાર્મિક, સાંસ્કૃતિક પરિબળોએ આ પ્રદેશની કવિતાને જન્મ આપ્યો એ પરિબળોએ જ એ કવિતાને ધર્મક્ષેત્રમાં સીમિત કરી દીધી. ગોવર્ધનરામનું આ પુસ્તક આપણા મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસલેખનના મૂળભૂત પ્રશ્નો તરફ સારી રીતે નિર્દેશ કરે છે. મધ્યકાલીન કવિઓ અને કૃતિઓ વિશે સંશોધિત શ્રદ્ધેય માહિતી અને હકીકતોની અનિવાર્યતા, રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો અને કાવ્યસાહિત્ય વચ્ચેના અતિ જટિલ સંબંધો, ભક્તિકવિતાનો આસ્વાદ-અવબોધ, સાહિત્યિક યુગોની સીમારેખા, સમગ્ર મધ્યકાલીન સાહિત્યની ગતિવિધિઓ પાછળનું રસશાસ્ત્ર વગેરે પ્રશ્નો અહીં તરત ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત આ પુસ્તકમાં ન સ્પર્શાયેલા એવા પ્રશ્નોમાં – જૈન પરંપરાના સાહિત્યની પ્રાપ્તિઓ, સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં ખેડાતાં રહેલાં પદ્યસ્વરૂપો અને સંસ્કૃત પ્રાકૃત કે અપભ્રંશમાં તેનાં મૂળ, પૌરાણિક વૃત્તાંતોનું અર્થઘટન વગેરે પ્રશ્નોય આપણા ઇતિહાસલેખક માટે એટલા જ મહત્ત્વના રહે છે. ડાહ્યાભાઈ પિતાંબરદાસ દેરાસરી લિખિત ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ (પ્ર. આ. ૧૯૧૧) આપણા સાહિત્યિક ઇતિહાસોમાં બીજું મહત્ત્વનું પ્રકાશન છે. ગોવર્ધનરામે મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસ માટે તો દેરાસરીએ આપણા અર્વાચીન સાહિત્યના ઇતિહાસ માટે ઉપક્રમ હાથ ધર્યો. પુસ્તકના શીર્ષકમાંનો ‘સાઠી’ શબ્દ તેમના લેખન સમયે વીતેલાં સાઠ વર્ષો અર્થાત્‌ ઈ.સ. ૧૮૪૮થી ૧૯૦૮ના સાહિત્યની ગતિવિધિઓ આલેખવા ચાહે છે. તેમણે રચવા ધારેલા સાહિત્યિક ઇતિહાસ પરત્વે પોતાનો અભિગમ સ્પષ્ટ કરતાં નોંધેલી બેત્રણ બાબતો ઘણી મહત્ત્વપૂર્ણ અને પ્રસ્તુત છે. તેમનો પહેલો મુદ્દો છે : ‘આ સાઠીમાં ચોતરફનાં જુદાં જુદાં બળોને લીધે સાહિત્યનો ઉદ્‌ભવ અને વિકાસ થયો તે વર્ણવીશું. એ અંગે એ અરસામાં પ્રગટ થયેલાં પુસ્તકો વિશે ટૂંકાણમાં કહીશું.’ પુસ્તકના પ્રથમ ખંડ ‘સાઠીની સાક્ષરપ્રવૃત્તિ’માં પોતાના ખ્યાલને અનુરૂપ એ સમયના ગુજરાતના પ્રજાજીવનમાં અંગ્રેજોના સંપર્કોથી જન્મેલી નવી પરિસ્થિતિ – અંગ્રેજી કેળવણીનો પ્રારંભ અને પ્રસાર, સાહિત્યવિદ્યા અને સંસ્કારજીવનમાં પાશ્ચાત્ય વિચારોની પ્રેરણા અને નવાં આંદોલનો, નવી સંસ્થાઓ, સમૂહમાધ્યમોના પ્રસાર, પત્રો, સામયિકો આદિનો સંક્ષેપમાં તેમણે વિચાર કર્યો છે. એ સમયની ઘણી મૂલ્યવાન દસ્તાવેજી વિગતો અહીં નોંધાયેલી છે અને એ કારણે આ પુસ્તક આજેય ઉપયોગી બને એવું છે. દેરાસરીએ સ્પષ્ટ કર્યું છે : ‘તે કાળના આરંભના લોકોના મનની રુચિ સાહિત્ય તરફ કેવી અને કઈ દિશામાં વળી હતી તેનું પણ યથોચિત વર્ણન’ તેઓ અહીં આપવા ચાહે છે. ઈ.સ. ૧૯૧૧માં આ પુસ્તક પ્રગટ થયું તે સમયે આપણા અર્વાચીન સાહિત્યમાં ચોક્કસ સ્થિત્યંતરો પ્રત્યક્ષ કરીને તેમાં અલગ યુગો રેખાંકિત કરવાનું તેમને મુશ્કેલ લાગ્યું હશે. એટલે પોતાના ઇતિહાસમાં સામગ્રીનું સંપાદન સંયોજન આગવી રીતે કર્યું છે. તેઓ નોંધે છે : ‘આ લઘુગ્રંથની ગોઠવણ કાળ પ્રમાણે નહિ થાય. પુસ્તકોના વિષયવાર ભાગ પાડી નાખીને દરેક વિષયને અનુસરીને તેમાં લખાયેલાં માત્ર જાણવાલાયક પુસ્તકોના ગુણદોષની ટૂંકી નોંધ પણ લઈશું.’ આ યોજનાને અનુસરી બીજા ખંડમાં નાટક, કવિતા, નિબંધ, નવલકથા, હાસ્યસાહિત્ય વગેરે સાહિત્યસ્વરૂપો/પ્રકારોને ભૂમિકા તરીકે સ્વીકારી દરેકની ‘વિકાસરેખા’ તેમણે આલેખી છે. સાહિત્યિક ઇતિહાસમાં મુખ્યગૌણ સ્વરૂપોના ક્રમશઃ ઉઘાડ વિકાસ કે પરિવર્તનની કથાઓ સ્વયં મહત્ત્વપૂર્ણ ભાગ બને છે અને સમગ્ર ઇતિહાસની વ્યવસ્થામાં આગવી રીતે તે સમર્પક બને છે એમ દેરાસરીના આ પુસ્તકમાંથી ફલિત થાય છે. જોકે દરેક સ્વરૂપનાં કળાત્મક તત્ત્વોની વિકાસક્ષમતા, રચનારીતિ, પ્રયુક્તિઓ આદિ પાસાંઓની વિચારણાને અહીં સ્થાન મળ્યું નથી. પણ એમાંની અસંખ્ય વિગતોનું દસ્તાવેજી મૂલ્ય તો રહે છે જ. અહીં નોંધવું જોઈએ કે ’સાહિત્ય’ સંજ્ઞા તેમણે અત્યંત વ્યાપક અર્થમાં, સંભવતઃ સર્વ વિદ્યાઓના ક્ષેત્રને સમાવી લે તેવા અર્થમાં લીધો છે. એટલે સાહિત્યિક પ્રવૃત્તિઓ ઉપરાંત ઇતિહાસ, ધર્મ, ભૂગોળ, તત્ત્વજ્ઞાન, ભાષા, કોશ, પિંગળ, અલંકારશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, કેળવણીશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, પ્રકૃતિવિજ્ઞાનો, હુન્નરવિચાર, વૈદકશાસ્ત્ર એમ લગભગ બધાં જ ક્ષેત્રનાં પ્રકાશનોનો તેમણે અહેવાલ આપ્યો છે. વળી, આરંભની ચર્ચામાં શાળોપયોગી પાઠ્યપુસ્તકો અને તેમાં પ્રયોજાયેલા ગદ્યનીય તેમણે નોંધ લીધી છે, તો અંતનાં પ્રકરણોમાં જૈનસાહિત્ય વિશે તેમજ તે સમયનાં સામયિકો, પત્રો, છાપખાનાંઓ વગેરેની માહિતી તેમણે આપી છે. ટૂંકમાં ‘સાહિત્ય’ સંજ્ઞા નીચે અર્વાચીન સમયના સમગ્ર સાંસ્કૃતિક, સાહિત્યિક સંચલનોનો આલેખ આપવા તેઓ પ્રેરાયા છે. અહીં ખાસ નોંધવું જોઈએ કે દેરાસરીએ આ પુસ્તકમાં સાંસ્કૃતિક, સાહિત્યિક પ્રવાહો પર જ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે – દરેક સ્વરૂપના વિકાસવિસ્તારની રેખા પર ચાલવાનું તેમણે સ્વીકાર્યુ છે – એટલે આ સમયગાળાના મોટા કે નાના ગજાના કોઈ પણ એક સાહિત્યકારની સમગ્ર લેખનપ્રવૃત્તિને એકસાથે અવલોકવાને ભાગ્યે જ અવકાશ મળ્યો છે અને ક્યાંક એક સ્વરૂપચર્ચા નીચે લેખકની અન્ય સ્વરૂપની કૃતિઓનો ઉલ્લેખ કરવા રોકાયા છે ત્યાં તેમની ચર્ચા કંઈક વિખરાઈ જતી દેખાશે. મૂળ મુદ્દો એ છે કે વિષયવાર અને સાહિત્યસ્વરૂપોને અનુલક્ષીને ચર્ચા કરતાં તેની રચાતી પરંપરાનો તેના સાતત્ય અને પરિવર્તનનો નકશો સારી રીતે ઊપસે છે, પણ એમાં કામ કરનાર લેખકોની સર્જકતાના સમગ્ર મૂલ્યાંકન અર્થે એમાં અવકાશ મળતો નથી. ઈ.સ. ૧૯૧૧માં આ પુસ્તક લખાયું ત્યાં સુધીમાં આપણું અર્વાચીન સાહિત્ય, પાશ્ચાત્ય સાહિત્યકળા અને વિવેચનના સંસ્કારોથી ઠીકઠીક રંગાયું હતું. સાક્ષરયુગના રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દીવેટિયા, આનંદશંકર ધ્રુવ અને બીજા કેટલાક સાક્ષરોની વિવેચનપ્રવૃત્તિનો આરંભ થઈ ચૂક્યો હતો. આમ છતાં, અચરજની વાત એ છે કે દેરાસરીએ આ સમયના નવા કાવ્યશાસ્ત્રની અને નવી વિવેચનપદ્ધતિની ખાસ નોંધ લીધી નથી. બલકે, જૂની પરંપરાને અનુસરી ભાષા, પિંગળ, અલંકાર વગેરે વિષયોના ગ્રંથોની નોંધ લઈને અટકી જાય છે. ઇતિહાસલેખક સમકાલીન કે નિકટના ભૂતકાળની સાહિત્ય-પ્રવૃત્તિઓને યથાર્થ પરિપ્રેક્ષ્યમાં મૂકીને અવલોકવામાં કેવો પાછો પડે છે તે અહીં જોઈ શકાશે. દેરાસરીના મતે કેટલાંક પુસ્તકો સાવ ક્ષણજીવી નીવડે છે તો બીજાં કેટલાંક ઘણા લાંબા કાળ સુધી પ્રજાના અંતરમાં સ્થાન લે છે. એટલે ખરેખર કઈ કૃતિ ચિરકાળ ટકી રહેશે એ તો કાળને અધીન બાબત છે. એટલે સાઠીના ગાળાની કૃતિઓ બહુ નિકટની હોવાથી એ કૃતિઓ પ્રગટ થતાં તેનું જે મૂલ્ય અંકાયું હતું તેનીય તેમણે નોંધ લીધી છે. સાહિત્યિક ઇતિહાસમાં જુદી જુદી પેઢીના વાચકો અને વિવેચકોનાં મૂલ્યાંકનોનેય આગવું સ્થાન લે છે એ વાત અહીં સૂચવાઈ છે. આ ઇતિહાસમાં નવી કવિતાના વિકાસ સંદર્ભે દેરાસરીએ મધ્યકાલીન ગુજરાતી કવિતાના સંશોધનસંપાદનની પ્રવૃત્તિને સાંકળવાનો પ્રયત્ન કર્યો છે તેમ એ ગાળાના નાટ્યલેખનના સ્વતંત્ર પ્રયત્નોની સાથે સંસ્કૃત અને અંગ્રેજી નાટકોનાં અનુવાદો/રૂપાંતરોની ચર્ચા જોડી છે તે પણ ધ્યાનપાત્ર છે. પ્રસ્તુત સમયના સાહિત્યસર્જનની પ્રવૃત્તિને પ્રેરવામાં, સંસ્કારવામાં તેમ તેનું સંવર્ધન કરવામાં અને વ્યાપકપણે નવી કળાદૃષ્ટિ અને રુચિનો પરિષ્કાર કરવામાં અનુવાદપ્રવૃત્તિનોય સૂક્ષ્મ ફાળો છે એમ તેમણે સૂચવી દીધું છે. આપણા સાહિત્યના ઇતિહાસલેખનમાં કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીનું અર્પણ વધુ ધ્યાનપાત્ર છે. તેમણે મધ્યકાલીન અને અર્વાચીન બંને સમયખંડોને આવરી લેતા બે ગ્રંથો, મૂળ અંગ્રેજીમાં અને પછી ગુજરાતી અનુવાદો, પ્રકાશિત કર્યા. એ પૈકી ‘Milestones in Gujarati Lterature’ની પ્રથમ આવૃત્તિ ૧૯૧૪માં અને ‘Further Mile-stones in Gujarati Lterature’ની પ્રથમ આવૃત્તિ ૧૯૨૪માં પ્રગટ થઈ. એ સમયે જે કંઈ સામગ્રી તેમને ઉપલબ્ધ થઈ તેને આધારે તેમણે એ ઇતિહાસો રચ્યા છે. એમાં મધ્યકાલીન સાહિત્ય અંગેની કેટલીક વિગતો આજે ખોટી જણાશે. પણ પૂરી નિષ્ઠા, જહેમત અને અભ્યાસશીલ વૃત્તિથી મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યનો વિસ્તૃત ઇતિહાસ રચવાનો ઉદ્યમ કર્યો તેનું આપણે મન મોટું મૂલ્ય છે. અહીં એ ઉલ્લેખ કરી લઈએ કે ‘Milestones’ના પહેલા ભાગ પછી અને બીજા ભાગ પહેલાં હિંમતલાલ અંજારિયાકૃત ‘સાહિત્યપ્રવેશિકા’ ગ્રંથ ઈ.સ. ૧૯૨૨માં પ્રગટ થયો હતો. એમાં પણ મધ્યકાલીન અને અર્વાચીન બંને સમયખંડો આવરી લેવાયા છે. એની ચર્ચા પ્રસ્તુત ગ્રંથોની તપાસ પછી. ‘Milestones’ના પ્રથમ ભાગમાં કૃષ્ણલાલ ઝવેરી ગોવર્ધનરામના પુસ્તક કરતાં ઘણા કવિઓને સમાવી લે છે. જોકે મધ્યકાલીન સાહિત્યની સામગ્રીનું જોઈએ એવું વ્યવસ્થિત સંયોજન એમાં થઈ શક્યું નથી. પહેલા પ્રકરણમાં પ્રાસ્તાવિક રૂપે ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ, તેની આછી ઐતિહાસિક રૂપરેખા, ગુજરાતી ભાષા, બોલી આદિ બાબતો અતિ સંક્ષેપમાં મૂકી છે. પણ એ પ્રકરણના સમાપનમાં અપ્રસિદ્ધ પણ વિશાળ જથ્થાના જૈન સાહિત્યનો અછડતો ઉલ્લેખ કર્યો છે. બીજા પ્રકરણમાં અપભ્રંશ કવિતાનાં થોડાંક દૃષ્ટાંતો, પ્રાચીન ગુજરાતી ગદ્યના નમૂનાઓ અને જૈન રાસાસાહિત્યનો ટૂંકો પરિચય આપ્યો છે. ત્રીજા પ્રકરણ ‘ભક્તિમાર્ગ અને પંદરમા શતકના કવિઓ’નું સંયોજન ધ્યાનપાત્ર છે. એમાં કૃષ્ણભક્તિની પરંપરાનો વિચાર ઘણો સંક્ષિપ્ત છે. તે સાથે ‘પંદરમું શતક’ એવા પેટાશીર્ષક નીચે મીરાંબાઈ, નરસિંહ, ભાલણ, ભીમ, પદ્મનાભ અને કેશવરામ વગેરે કવિઓનો પરિચય આપ્યો છે. દરેક કવિ વિશે ટૂંકી ચરિત્રરેખા અને તેમની રચનાઓના ગુણદોષોનું ટૂંકું વિવેચન – એ રીતે તેમણે રજૂઆત કરી છે. નરસિંહ, મીરાં જેવાં અગ્રણી કવિઓની કવિતાકળા વિશેની ચર્ચા આજે તો ઘણી આછીપાતળી લાગે. પ્રકરણ ૪થી ૭મા સૈકાઓનો ગાળો એકમ તરીકે લઈને તેમણે જૈન અને જૈનેતર પરંપરાના મુખ્યગૌણ અસંખ્ય કવિઓ તેમાં ગોઠવ્યા છે. સમગ્રતયા આ ગ્રંથમાં કવિઓનાં ચરિત્રો પર ઝોક રહ્યો છે. ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગ જેવાં આંદોલનોની ઐતિહાસિક અને તાત્ત્વિક ચર્ચાઓને ખાસ સ્થાન મળ્યું નથી, તેમ મધ્યકાલીન સ્વરૂપોની ગતિવિધિઓ – તેનાં સાતત્યો, પરિવર્તનો અને વિકાસક્રમો–ની વિચારણાય ઉપેક્ષિત રહી છે. ‘Further Milestones-’ ઈ.સ. ૧૯૨૪માં પ્રગટ થયો એ હકીકત લક્ષમાં લેતાં સ્વાભાવિક રીતે જ આ સદીના બીજા દાયકા સુધીની આપણી સાહિત્યપ્રવૃત્તિઓનો અહેવાલ એમાં સમાવાયો હોય. છતાં આ તબક્કેય નર્મદયુગ અને સાક્ષરયુગ જેવા યુગવિશેષોની રચના અહીં જોવા મળતી નથી. દેરાસરીની જેમ તેઓ મુખ્યત્વે સ્વરૂપગત સાતત્ય અને તેના વિકાસવિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલા પ્રકરણમાં અર્વાચીન સાહિત્યનાં પ્રેરક અને પ્રભાવક બળોની ચર્ચા નિમિત્તે પાશ્ચાત્ય કેળવણી અને સાહિત્યનો પ્રભાવ, વિદ્યાપ્રસારની સંસ્થાઓ વગેરે બાબતોનો તેમણે પરિચય આપ્યો છે. બીજા પ્રકરણમાં ‘પદ્ય’ શીર્ષક નીચે આરંભના તબક્કાઓની કાવ્યપ્રવૃત્તિનો અને ત્રીજામાં ‘ગદ્ય’ શીર્ષક નીચે નવા ખેડાવા લાગેલા ગદ્યસ્વરૂપની અને તેને સમર્થ રીતે ખીલવનાર ગદ્યલેખકોની ચર્ચા કરી છે. ‘ગદ્ય’ સંજ્ઞા અહીં મુખ્યત્વે નિબંધ પૂરતી સીમિત રાખી છે. એ પછી ચોથા પ્રકરણમાં નાટકના ઉદ્‌ભવવિકાસની અને પાંચમામાં ‘વાર્તાનું સાહિત્ય’ શીર્ષક હેઠળ નવલકથા, વાર્તા અને હાસ્યરસની કથાઓ ચર્ચામાં લીધી છે. ‘કિરકોળ’ શીર્ષકના છઠ્ઠા છેલ્લા પ્રકરણમાં ચરિત્ર, નિબંધ, પ્રવાસ આદિ સ્વરૂપો સમાવાયાં છે. સામગ્રીના સંયોજન અને સંરચનની દૃષ્ટિએ આ ગ્રંથમાં કેટલીક મુશ્કેલી વરતાય છે. ખાસ તો, બીજા અને ત્રીજા પ્રકરણને ‘પદ્ય’ અને ‘ગદ્ય’ એવા શીર્ષક આપ્યા પછી ‘ગદ્ય’માં માત્ર નર્મદ, નવલરામ પંડ્યા, ભોળાનાથ દીવેટિયા આદિ લેખકોની ગદ્યશૈલીની તપાસ આદરી છે. વળી, કવિતા, નવલકથા, નાટક જેવાં મુખ્ય સ્વરૂપોના સાતત્ય પર દૃષ્ટિ ઠેરવી છે એટલે દરેકમાં મહત્ત્વપૂર્ણ કૃતિઓના સમીક્ષાત્મક પરિચયો એની અંતર્ગત આવી જાય છે. પણ માત્ર સ્વરૂપોના સાતત્યને રજૂ કરતાં મોટા કે નાના દરેક લેખકની અનેકવિધ લેખનપ્રવૃત્તિઓનો અહેવાલ વિભાજિત થઈ ગયો છે. જેમ કે, નર્મદની બાબતમાં આરંભમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ માટે સંમોહ અને પછીથી મોહભંગ જેવી ચરિત્રલક્ષી બાબતો ‘પદ્ય’ના પ્રકરણમાં સમાવી છે તો ‘નર્મકોશ’ અને ‘નર્મકથાકોશ’ પણ, અન્ય પ્રકરણોમાં તેનો સમાવેશ ન થતાં, ‘પદ્ય’માં જ સમાવી લીધાં છે. પણ એ રીતે નર્મદના સમગ્ર સર્જનચિંતનનું સર્વગ્રાહી વિવેચન અહીં મળતું નથી. નાટકસાહિત્યના પ્રકરણમાં અર્વાચીન સમયમાં લખાયેલાં ગુજરાતી નાટકોની પશ્ચાદ્‌કથા રૂપે સંસ્કૃત નાટકની પરંપરા, રાસલીલા, ભવાઈ આદિનો તેઓ ટૂંકો પરિચય આપે છે, પણ નવાં ગુજરાતી નાટકો એમાંથી કયાં કયાં તત્ત્વો સ્વીકારે છે કે સંસ્કારીને યોજે છે તેની ખાસ તપાસ કરવા રોકાતા નથી. એ પ્રકરણમાં અનુવાદિત કે રૂપાંતરિત નાટકો વિશેની ચર્ચા ઘણું દસ્તાવેજી મહત્ત્વ ધરાવે છે. નવલકથા વિશેના અહેવાલમાં ‘સરસ્વતીચંદ્ર’(૧-૪)ની ચર્ચા મુનશીની કથાઓના વિવેચન પછી મૂકી છે તે વિચિત્ર લાગે છે. હિંમતલાલ ગણેશજી અંજારિયાનું પુસ્તક ‘સાહિત્યપ્રવેશિકા’ (પ્ર. આ. ૧૯૨૨) ઇતિહાસોની શ્રેણીમાં આરંભકાળના ઉપક્રમ લેખે ધ્યાનપાત્ર છે. એક જ પુસ્તકમાં મધ્યકાલીન અને અર્વાચીન બંને સમયખંડના કવિઓ-લેખકો અહીં સમાવ્યા છે. જે કંઈ માહિતી તેમને ઉપલબ્ધ થઈ હશે તેનો તેમણે વિનિયોગ કર્યો છે. તેમનું વલણ મુખ્યત્વે કવિ કે લેખકની ચરિત્રલક્ષી વિગતો આપી દરેકના સાહિત્યનો સર્વસામાન્ય પરિચય આપવાનું છે, જોકે એમાં કેટલીક વિગતો ચકાસણી માગે છે. ગ્રંથના પૂર્વભાગમાં મધ્યકાલીન સાહિત્યની ચર્ચા હાથ ધરી છે ત્યાં તેમણે નરસિંહયુગ (વિ.સં. ૧૪૭૦–૧૫૭૦), મીરાં-નાકરયુગ(વિ.સં. ૧૫૭૦–૧૬૭૦), અખો-પ્રેમાનંદયુગ(વિ.સં. ૧૬૭૦–૧૭૭૦), શામળયુગ(વિ.સં. ૧૭૭૦–૧૮૨૫), પ્રીતમયુગ(વિ.સં. ૧૮૨૫–૧૮૮૫) અને દયારામયુગ(વિ.સં. ૧૮૫૫–૧૯૧૦) – એ રીતનું યુગવિભાજન કર્યું છે, પણ એ દરેક સમયખંડ સાહિત્યિક યુગ તરીકે કઈ વિશેષતા ધરાવે છે તે સ્પષ્ટ થતું નથી. અંજારિયાની નેમ મધ્યકાળના સૌથી વધુ કવિઓનો પરિચય રજૂ કરવાની દેખાય છે. પણ એ સમયની કવિતાનાં પ્રેરક અને ઉદ્‌ભાવક બળો લેખે ભક્તિઆંદોલન, દાર્શનિક ચિંતન કે એવી અન્ય પરંપરા અહીં ખાસ ચર્ચાઈ નથી, તેમ એ સમયનાં મુખ્યગૌણ પદ્યસ્વરૂપોના ઉદ્‌ભવવિકાસની સાતત્યભરી કથાઓનેય સ્થાન મળ્યું નથી. જૈનોના રાસયુગ કે રાસસાહિત્ય માટેય અવકાશ મળ્યો નથી. અર્વાચીન સાહિત્યની ચર્ચા માટે નર્મદ-દલપતયુગ(ઈ.સ. ૧૮૪૮–૧૮૮૫), ગોવર્ધનરામયુગ(ઈ.સ. ૧૮૮૫–૧૯૧૫) અને ન્હાનાલાલ-ગાંધીયુગ(ઈ.સ. ૧૯૧૫થી ચાલુ) – એ રીતનું વિભાજન તેમણે કર્યું છે. દરેક યુગમાં મુખ્યગૌણ લેખકોની સાહિત્યપ્રવૃત્તિના અવલોકન પૂર્વે તે યુગને આકાર આપનારાં સામાજિક-સાંસ્કૃતિક પરિબળોનો ટૂંકો પરિચય તેઓ આપે છે. આપણા અર્વાચીન સાહિત્યના આ રીતના યુગવિભાજન સાથે ચોક્કસ વ્યવસ્થા જન્મી છે. જોકે દરેક યુગની સાહિત્યિક ચેતનાને વિશેષ ઘાટ આપનાર સાહિત્યશાસ્ત્ર કે કળાદૃષ્ટિનો મુદ્દો એમાં ભાગ્યે જ સ્પર્શાયો છે અને વિશેષ ઝોક કવિઓ, લેખકોના ચરિત્ર પર પડ્યો છે. તેથી કૃતિઓના આંતરિક સંબંધો રેખાંકિત કરવાને અવકાશ રહ્યો નથી. ઐતિહાસિક વહેણો, પરિવર્તનો કે નવપ્રસ્થાનોની તપાસ અહીં અત્યંત ગૌણ બની રહી છે. આપણા મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસોમાં સાહિત્યસંસદ-મુંબઈ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્ય - ખંડ ૫મો : મધ્યકાલનો સાહિત્યપ્રવાહ’ (સામાન્ય તંત્રી : કનૈયાલાલ મુનશી, પ્ર. આ. ૧૯૨૯) એક ઘણું મૂલ્યવાન પ્રકાશન છે. આ પુસ્તકનું આયોજન એ રીતે નોખું પડે છે કે જુદા જુદા ક્ષેત્રમાં કામ કરતા અભ્યાસીઓ અને સંશોધકોનાં અભ્યાસપૂર્ણ લખાણો અહીં સંચિત કરવામાં આવ્યાં છે. એમાં નાનામોટા કુલ નવ વિભાગો છે અને દરેક વિભાગ પ્રકરણોમાં વહેંચાયો છે. દરેક વિભાગ એક એક નિષ્ણાત દ્વારા તૈયાર થયો છે. મધ્યકાલીન ગુજરાતની રાજકીય પરિસ્થિતિ વિશે હીરાલાલ પારેખ અને વિજયરાય વૈદ્યના અભ્યાસલેખો, સંસ્કૃત સાહિત્યનાં આંદોલનો વિશે દુર્ગાશંકર શાસ્ત્રી, જૈન સાહિત્ય વિશે મોહનલાલ દલીચંદ દેસાઈ, લોકવાર્તાની પરંપરા અને ગુજરાતની લોકવાર્તાઓ વિશે મંજુલાલ મજમુદાર, ભક્તિઆંદોલન અને ગુજરાતીના ભક્તિસાહિત્ય વિશે કનૈયાલાલ મુનશી – એમ જુદા જુદા નિષ્ણાતોનું એમાં યોગદાન રહ્યું છે. આ દરેક વિભાગ એમાં રજૂ થયેલી ભરચક માહિતી અને પુષ્કળ સંશોધિત સામગ્રીને કારણે ઘણો મૂલ્યવાન બન્યો છે. આ પુસ્તકના મુખ્ય શીર્ષક નીચે ‘ગુજરાતની સંસ્કૃતિના શબ્દદેહનું દિગ્દર્શન’ એવા શબ્દોમાં એના વિશે જે વર્ણન આપવામાં આવ્યું છે તે પણ સૂચક છે. મધ્યકાલીન સાહિત્યના મુખ્ય પ્રવાહોના એમાં આલેખો છે તો એ દરેકનાં પ્રેરક, ઉદ્‌ભાવક અને વિધાયક સાંસ્કૃતિક આંદોલનોની કથા પણ એમાં જોડાયેલી છે. મધ્યકાલીન સાહિત્યના પ્રવાહોનાં મૂળ શોધતાં અભ્યાસીઓ સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશ ભાષાસાહિત્ય સુધી આપણને લઈ જાય છે. જેમ કે, ‘સંસ્કૃત સાહિત્યનાં આંદોલનો’ના વિભાગમાં એના સંશોધક વિદ્વાન દુર્ગાશંકર શાસ્ત્રી મધ્યકાલીન ગુજરાતી જૈનેતર સાહિત્યના પ્રેરણાસ્રોતોની તપાસમાં સંસ્કૃતના રામાયણ, મહાભારત, ભાગવદ્‌ અને અન્ય પુરાણો સાથે અનુસંધાન રચી આપે છે. સંસ્કૃત સાહિત્યના મુક્ત અનુવાદો અને નવ-રચનાઓની નોંધ લે છે. તે સાથે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કેવી રીતે અલગ ધારા રચે છે તેનીય ચર્ચા કરે છે. ‘જૈનો અને તેમનું સાહિત્ય’ જૈન સાહિત્યના મહાન સંશોધક મોહનલાલ દ. દેસાઈએ લખ્યું છે. જૈન ધર્મની સ્થાપના, જૈન તત્ત્વવિચાર અને પ્રાકૃત, અપભ્રંશનું જૈન સાહિત્ય અને ગુજરાતીમાં તેનો સાતત્યભર્યો વિકાસવિસ્તાર એમ જૈન સાહિત્યની સળંગ ધારાને તેઓ આવરી રહે છે. કનૈયાલાલ મુનશી આ રીતે પ્રેમલક્ષણા ભક્તિના પ્રાચીન સ્રોતોની તપાસમાં શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા, ભાગવતપુરાણ અને સમગ્ર ભારતમાં મધ્યકાળમાં ઉદ્‌ભવેલાં ભક્તિઆંદોલનને આવરી લે છે. ભક્તિમાર્ગની તાત્ત્વિક અને ઐતિહાસિક દૃષ્ટિની વ્યાપક વિચારણા અહીં આપણા ભક્તિસાહિત્ય નિમિત્તે પ્રાપ્ત થાય છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતીમાં લોકવાર્તાઓના ખેડાણની કથા મંજુલાલ મજમુદારે આપી છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાહિત્ય વિશે ઈશ્વરલાલ મશરૂવાળાએ અભ્યાસપૂર્ણ લખાણ આપ્યું છે. મધ્યકાલીન સાહિત્યના ભિન્નભિન્ન પ્રવાહો અને પરંપરાઓની આ રીતે વિભાગવાર તપાસ થઈ તેથી દરેક પ્રવાહ/પરંપરાના સળંગ સાતત્યભર્યા વિકાસવિસ્તારનો તેમ તેના વળાંકોનો સ્વચ્છ, સુરેખ રીતે પરિચય મળે છે. સાહિત્યિક ઇતિહાસની રચનામાં સામગ્રીનાં સંયોજન અને વ્યવસ્થાનિર્માણની દૃષ્ટિએ આ રીતે અલગ ચોક્કસ પ્રવાહો/પરંપરાઓની ઓળખ અને સ્થાપનાનું ઘણું મહત્ત્વ છે. જોકે આ આયોજનપદ્ધતિની અમુક મર્યાદાઓ છે. અહીં કૃતિ કે કર્તા વિશેની માહિતી કે સમીક્ષા ચોક્કસ સાંસ્કૃતિક પ્રવાહને અનુરૂપ રજૂ થાય છે. પરંપરાના વિકાસવિસ્તાર પર જ અભ્યાસીની નજર ઠરી હોવાથી વિશિષ્ટ સાહિત્યકૃતિ તરીકેની વિવેચનવિચારણા અહીં ગૌણ બની રહે છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે આ પુસ્તકમાં મુખ્ય પરંપરાઓની અંતર્ગત રાસ, આખ્યાન, લોકવાર્તા અને પદસાહિત્યની ચર્ચા મળે છે, પણ અન્ય સ્વરૂપો ઉપેક્ષિત રહ્યાં છે. આપણા ઇતિહાસલેખન વિષયમાં નરસિંહરાવ દીવેટિયાનાં બે પુસ્તકો ઉલ્લેખ માગે છે. બંનેનો ઉદ્‌ભવ યુનિવર્સિટી વ્યાખ્યાનો રૂપે થયો છે. એ પૈકી ‘Gujarati Language and Literature Vol. ૨.’ (મુંબઈ યુનિવર્સિટીમાં ૧૯૧૫-૧૬ના ગાળામાં વિલ્સન ફાય્‌લોલૉજિકલ લેક્ચર્સ શ્રેણીમાં આપેલાં છ વ્યાખ્યાનો)માં છઠ્ઠા વ્યાખ્યાનમાં મધ્યકાળના કેટલાક અગ્રણી કવિઓની રચના ઉપરાંત અર્વાચીન સાહિત્યના આરંભના તબક્કાની ચર્ચાવિચારણા મળે છે. વ્યાખ્યાનના શીર્ષકમાં – a historical sketch એવી ઓળખ આપી હોવા છતાં સાહિત્યિક પરંપરાઓ કે પ્રવાહોની એમાં ખાસ તપાસ નથી. ગુજરાતી ભાષાનો ઉદ્‌ભવ તેઓ પંદરમા સૈકામાં મૂકતા હોવાથી એ પૂર્વેના જૈન સાહિત્યનો એમાં સમાવેશ કર્યો નથી. ઈ.સ. ૧૯૨૯-૩૦નાં વર્ષોમાં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ‘Gujarati Language and Literature’ વિષય પર પાંચ વ્યાખ્યાનો આપ્યાં. એ પૈકી પહેલાં બે વ્યાખ્યાનોમાં સાહિત્યના ભાષા અને સંસ્કૃતિ સાથેના તાત્ત્વિક સંબંધોની ચર્ચા કરી છે, જ્યારે બાકીનાં ત્રણ વ્યાખ્યાનોમાં નરસિંહ, અખો અને દયારામ એ ત્રણ અગ્રણી કવિઓની રચના સંદર્ભે અધ્યયન-સંશોધનના કેટલાક મુદ્દાઓ છણ્યા છે. સમગ્ર મધ્યકાલીન સાહિત્યને અહીં સ્થાન મળ્યું નથી. કનૈયાલાલ મુનશીનું અંગ્રેજી પુસ્તક ‘Gujarat and Its Literature’ (પ્ર. આ. ૧૯૩૫) આપણા સાહિત્યિક ઇતિહાસોના ઇતિહાસમાં એક મોટું સીમાચિહ્ન છે. (એની આવૃત્તિના સંવર્ધનવિભાજનની કથા ધ્યાનમાં લેવા જેવી છે. ૧૯૩૫માં એની પહેલી આવૃત્તિ થઈ ત્યારે મધ્યકાલીન અને ૧૯૩૨ સુધીના અર્વાચીન સાહિત્યને સમાવી લેતો એક જ વિસ્તૃત ગ્રંથ પ્રગટ થયો. પછીથી આપણા સાહિત્યકારો વિશે વધુ માહિતી અને વધુ સંશોધિત સામગ્રી ઉપલબ્ધ થતાં એ પુસ્તકની સંવર્ધિત અને મધ્યકાલીન-અર્વાચીન એમ બે ભાગોમાં વિભાજિત આવૃત્તિઓ નવેસરથી તૈયાર કરવાનું મુનશીએ વિચાર્યું હતું. એ યોજના મુજબ મૂળ ગ્રંથના મધ્યકાલીન ઇતિહાસના સંવર્ધિત ગ્રંથ રૂપે ઈ.સ. ૧૯૫૫માં ભારતીય વિદ્યાભવન, મુંબઈ દ્વારા પ્રકાશિત થયો હતો. પણ અર્વાચીન સાહિત્યનો સંવર્ધિત સ્વતંત્ર ગ્રંથ બહાર આવ્યો નથી.) રસપ્રદ બાબત એ છે કે ૧૯૩૫ની પ્રથમ આવૃત્તિને ગાંધીજીની પ્રસ્તાવના મળી છે. ગાંધીજી એમાં એમ કહે છે કે ગુજરાતી સાહિત્ય વિશેનું મુનશીનું આ સર્વેક્ષણ તેમને માટે ‘દિલચશ્પ વાચન’ બની રહ્યું છે. તેમણે એવો અભિપ્રાય પણ આપ્યો : ‘Shri Munshi’s estimate of our literary achivements appears to be very faithful.’ આ પુસ્તક વિશે આપણે માટે ઘણી મહત્ત્વની અને પ્રસ્તુત બાબત તે સાહિત્યિક ઇતિહાસ પરત્વે મુનશીનો ચોક્કસ દૃષ્ટિપૂર્વકનો અભિગમ છે. સાહિત્યિક ઇતિહાસના પ્રયોજન આયોજન અને સંરચન પરત્વે તેઓ માર્મિક સૂઝસમજ છતી કરે છે. તેઓ પોતાના નિવેદનમાં કહે છે : ‘This book fulfills a desire cherished for many years to place a connected story of Gujarat and its Literature before the English-reading public.’ તેમના મતે સાહિત્યનો ઇતિહાસ એ એક connected story છે. પણ એવા ઇતિહાસની રચનાની મુશ્કેલીઓ વિશેય તેઓ એટલા જ સભાન છે. તેઓ કહે છે : ‘A systematic history of the Gujarati Literature cannot be yet written. With the materials at our dis-posal it is very well high impossible to reconstruct the past life of Gujarat or to read its inner meaning accurately, and in this work, therefore, I have attemted only to describe in a connected form its historical and literary currents.’ એ તો સૌને સુવિદિત છે કે મુનશી જીવનભર ગુજરાતની અસ્મિતાના ગાયક રહ્યા છે, ગુજરાતની સાંસ્કૃતિક એકતા અને વિશિષ્ટતાઓ પર તેઓ સતત લખતા રહ્યા છે. વિશાળ આર્ય સંસ્કૃતિ અને ગુજરાતની નિજી પ્રાદેશિક સંસ્કૃતિ વચ્ચે આદાનપ્રદાન થતું રહ્યું છે અને એ રીતે ગુજરાતની આગવી સંસ્કૃતિ વિકસી છે. આ સાહિત્યિક ઇતિહાસમાં તેઓ ગુજરાતની સંસ્કૃતિના વિકાસવિસ્તારની કથાની અંતર્ગત તેની સાહિત્યિક પ્રવૃત્તિઓને સમાવી લેતા દેખાય છે. એ રીતે આ ઇતિહાસમાં છેક આર્યપ્રજાની વસાહત, આર્યસંસ્કૃતિનો ઉદ્‌ભવ અને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની દીર્ઘ પરંપરાઓને તેઓ સુરેખ રીતે આંકી આપે છે, પણ અગાઉના મધ્યકાલીન ઇતિહાસો કરતાં મુનશી પરંપરાના સાતત્યની સાથે દરેક તબક્કે નવપરિવર્તનો, નવપ્રસ્થાનો કે નવસંયોજનો પર વધુ દૃષ્ટિ ઠેરવતા રહ્યા છે. વર્ણ્યવસ્તુ, રચનારીતિ અને ભાષાશૈલીના સ્તરેથી જે નૂતન ઉન્મેષો પ્રગટ્યા છે, જે સાહિત્યિક પરિવર્તનો આવ્યાં છે અને કૃતિઓમાં જે કાવ્યગુણો સિદ્ધ થયા છે તેને તેઓ વધુ સભાનપણે રેખાંકિત કરી આપે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને લગતા ખંડમાં સામગ્રીના સંયોજન અર્થે તેમણે વિભાજિત કરેલાં પ્રકરણો તેમની ઐતિહાસિક દૃષ્ટિમાંથી જન્મ્યાં છે : પ્રકરણ - ૧ અરાજકતાભરી સદી : જૂની ગુજરાતી અને તેનું આરંભકાળનું સાહિત્ય(ઈ. ૧૨૯૭–૧૪૦૦); પ્રકરણ - ૨ : પદ્મનાભ અને જૂની ગુજરાતીમાં વીરરસની કવિતા; પ્રકરણ - ૩ : નવું ગુજરાત અને પૌરાણિક આંદોલન; પ્રકરણ - ૪ : ભક્તિ - મીરાં અને નરસિંહ મહેતા; પ્રકરણ - ૫ : લોકવાર્તાઓ; પ્રકરણ - ૬ : અખો અને પરલોકનો પેગામ; પ્રકરણ - ૭ : પ્રેમાનંદ અને પ્રકરણ - ૮ : જૂના ગુજરાતનો અંત - દયારામ (ઈ.સ. ૧૭૬૭-૧૮૫૨). આ દરેક પ્રકરણ ચોક્કસ દૃષ્ટિપૂર્વકનું સંયોજિત એકમ જેવું છે. ચોક્કસ સમયખંડ, એમાંનું મુખ્ય વહેણ કે આંદોલન અને સમયના સાહિત્યિક પ્રવાહને વિશેષ રીતે આગળ લઈ જનાર મુખ્ય કવિઓનું અર્પણ – એમ અનેક બાબતોને એકસાથે ધ્યાનમાં લઈ તેમણે દરેક પ્રકરણને ચોક્કસ વ્યવસ્થા અને તંત્ર રચી આપવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. જોકે મુખ્ય કે ગૌણ સાહિત્યસ્વરૂપોની ચર્ચા આ રીતે પ્રકરણોમાં વિભાજિત છે, પણ દરેક પ્રકરણમાં એવી ચર્ચા ઠીકઠીક સંગતિ સાધીને ગોઠવી દેવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે સાહિત્યપ્રવાહ કે પરંપરાના ભાગ રૂપે જે કવિ કે કૃતિની સમીક્ષા તેઓ કરે છે તેમાં પરંપરાનું અનુસંધાન અને સર્જકતાના નવોન્મેષો બંનેને તેઓ રેખાંકિત કરી આપે છે. જોકે નરસિંહ, મીરાં, ભાલણ, અખો, પ્રેમાનંદ, શામળ અને દયારામ વિશેનાં તેમનાં વિવેચનોમાં ઠીકઠીક ચર્ચાસ્પદ મળી આવશે. અર્વાચીન સાહિત્યમાં તેઓ ત્રણ યુગો પાડે છે : (૧) ઈ.સ. ૧૮૫૨–૧૮૮૫, (૨) ઈ.સ. ૧૮૮૫–૧૯૧૪, અને (૩) ઈ.સ. ૧૯૧૪–૩૪. અર્વાચીન સાહિત્યના ઉદ્‌ભવવિકાસના સંદર્ભે તેઓ પણ પાશ્ચાત્ય સાહિત્ય અને સંસ્કૃતિના પ્રભાવની ચર્ચા કરે છે. આધુનિક સંસ્કૃતિના મુખ્ય કેન્દ્ર તરીકે મહાનગર મુંબઈના જીવનપ્રવાહોની નોંધ લે છે. નવા યુગના વાહન લેખે ગદ્યનો વિચાર કરે છે. પણ તેઓ ભારપૂર્વક એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે અર્વાચીન યુગનાં સાહિત્ય અને સંસ્કૃતિ સંસ્કૃત સાહિત્યના પુનઃ બોધ અને વ્યાપકપણે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનથી સ્પષ્ટપણે પ્રેરિત અને પ્રભાવિત છે. વિશેષતઃ આપણા સાક્ષરયુગના સર્વ પંડિતો અને સર્જકોની સર્જનચિંતનની પ્રવૃત્તિમાં પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિનું સીધું અનુસંધાન છે. ગાંધીજી અને તેમના અનુયાયી લેખકો-ચિંતકોમાંય તેઓ સ્પષ્ટપણે આર્ય સંસ્કૃતિનો વિજય દર્શાવે છે. આ રીતે અર્વાચીન સાહિત્યમાં પણ પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિનો અતૂટ તંતુ તેઓ શોધી આપવા પ્રવૃત્ત થયા છે. તેમના સમગ્ર ગ્રંથની ચર્ચાવિચારણાને આ રીતે ચોક્કસ દિશા અને લક્ષ્યગામિતા મળ્યાં છે. વિજયરાય વૈદ્ય લિખિત ‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા’ (પ્ર. આ. ૧૯૪૩) આપણા સાહિત્યના ઇતિહાસોમાં ઘણી નોખી ભાત પાડે છે. (પ્રથમ આવૃત્તિમાં મધ્યકાલીન અને અર્વાચીન બંને સમયખંડોનું સાહિત્ય એક જ ગ્રંથમાં પ્રસ્તુત થયું હતું. પાછળથી એની સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી ત્યારે મધ્યકાલીન પહેલા ખંડમાં અને અર્વાચીન બીજા-ત્રીજા ખંડમાં એમ ત્રણ ખંડમાં રજૂઆત થઈ.) દેખીતી રીતે જ, સંવર્ધિત ગ્રંથોમાં કર્તાઓ/કૃતિઓ વિશે યથાવકાશ નવી ઉપલબ્ધ સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પણ સાથોસાથ એમાં નવાં પ્રકરણો ઉમેરાયાં છે અને વર્ણ્ય સામગ્રીની કંઈક નવેસરથી વ્યવસ્થા ગોઠવવી પડી છે. તેમના ઇતિહાસલેખનની સૌથી ધ્યાન ખેંચે એવી બાબત તે તેમની લલિતમધુર અને અલંકારમંડિત શૈલી છે. નક્કર માહિતી અને સંશોધિત સામગ્રીના સ્વસ્થ તર્કયુક્ત વિનિયોગમાં નહિ, ઉપલબ્ધ માહિતીના રસળતી રીતિના ઉપયોગમાં તેમની રસિક વૃત્તિ રાચે છે. સાહિત્યકારના વ્યક્તિત્વનો, તેની સર્જનપ્રવૃત્તિઓનો અને કૃતિઓનો રસવંતી શૈલીમાં પરિચય આપવો એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો જણાય છે. પ્રસંગે પ્રસંગે સાહિત્યકૃતિઓનાં વિશિષ્ટ રમણીય તત્ત્વોનો ઉલ્લેખ કરતા રહે છે. એમ લાગે છે કે તેઓ સાહિત્યિક પાસાંઓ વિશે વાચકનું ધ્યાન ખેંચવા માગે છે. પણ એવો અભિગમ સ્વીકારતાં સાહિત્યને પ્રેરક ઉદ્‌ભાવક પરિબળો કે બાહ્ય સંયોગોનો સંદર્ભ એમાં ખાસ સાંકળી શકાયો નથી. જૈન પરંપરા, ભક્તિ આંદોલન, જ્ઞાનમાર્ગ કે લોકકથાઓ જેવી પરંપરાઓનું ઐતિહાસિક સાતત્ય અને તેની દરેકની પરિવર્તનપ્રક્રિયા અહીં રેખાંકિત થતાં નથી. મધ્યકાલીન અને અર્વાચીન સ્વરૂપોના વિકાસવિસ્તારની કથા પણ પ્રત્યક્ષ થતી નથી. કેશવરામ કા. શાસ્ત્રીનાં મધ્યકાલીન સાહિત્યને લગતાં ત્રણ મૂલ્યવાન પ્રકાશનો : (૧) ‘આપણા કવિઓ- ખંડ ૧ : નરસિંહયુગની પહેલાં (પ્ર. આ. ૧૯૪૨), (૨) ‘કવિચરિત-ભા.૧-૨’ (બી. આ. ૧૯૫૨) અને (૩) ‘ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન ભા.૧-૨’ (પ્ર. આ. ૧૯૫૧) – ને આપણે અહીં સાથે જ અવલોકનમાં લઈશું. એ અંગે સૌથી મહત્ત્વની વાત એ છે કે ત્રણેય આપણા મધ્યકાલીન સાહિત્યની ઘણી નવી સંશોધિત સામગ્રીઓ રજૂ કરે છે. જૈન અને જૈનેતર બંને પરંપરાના અનેક કવિઓને તેમણે અહીં પ્રકાશમાં આણ્યા છે. મૂળ હસ્તપ્રતોનો આધાર લઈને ચાલતા હોવાથી તેમની ચર્ચાવિચારણાઓને શ્રદ્ધેયતા અને સંગીનતા મળ્યાં છે. કૃતિઓનાં વર્ણ્યવિષયો, નિરૂપણરીતિ, સ્વરૂપગત પ્રણાલીઓ અને પ્રયુક્તિઓ તેમ જ ભાષાશૈલીનો સઘન પરિચય મળી રહે એ દૃષ્ટિએ શક્ય એટલાં અવતરણો આપ્યાં છે. જૂની ગુજરાતી ભાષાનાં રૂપો, વ્યાકરણીય તત્ત્વો અને પદ્યબંધ પર તેમની દૃષ્ટિ સતત મંડાયેલી છે. આ પૈકી પહેલા ગ્રંથમાં નરસિંહ પૂર્વેના રાસયુગનો અને એ યુગના મુખ્ય ગૌણ અસંખ્ય કવિઓ અને કૃતિઓનો પરિચય આપે છે. કે.કા.શાસ્ત્રી ‘પ્રાચીન ગુજરાતી’ (અર્થાત્‌ તેમણે આપેલા પર્યાય મુજબ ‘ગૌર્જર અપભ્રંશ’)નો ઉદ્‌ભવ સાતમા સૈકાથી લેખવે છે. એટલે એ તબક્કાના જૈન કવિઓ અને કૃતિઓ અહીં દેખીતી રીતે સ્થાન લે છે. ‘વસુદેવહિંડી’ અને ‘કુવલયમાલા’ જેવી અનેક કૃતિઓનો પરિચય એમાં સમાવાયો છે. એ જ રીતે બીજા તબક્કાની ‘જયતિહુઅણ’, ‘વિલાસવઈ કથા’, ‘શાંતિનાથચરિત્ર’ અને ‘પઉમસિરિચરિઉ’ વગેરે કૃતિઓ વિશે એમાં વિગતે માહિતી મળે છે. પણ ‘રાસયુગના કવિઓ’ વિભાગમાં જૈન મુનિઓ દ્વારા ખેડાયેલા રાસસાહિત્યની ચર્ચા વઘુ રસપ્રદ બની છે. રાસસાહિત્યનાં વર્ણ્ય વૃત્તાંતોની ચોક્કસ ભાત સ્વયં સાંસ્કૃતિક સાતત્ય છતું કરે છે. બીજા પુસ્તક ‘કવિચરિત ભા. ૧-૨’માં એકસોથીય વધુ જૈનેતર કવિઓની ચરિત્રસામગ્રી રજૂ થઈ છે. તે સાથે મહત્ત્વપૂર્ણ કૃતિઓમાંથી અવતરણો આપી તે દરેકની વિશિષ્ટતા તરફ અભ્યાસીનું ધ્યાન ખેંચે છે. દરેક કવિ વિશે પ્રકરણને અંતે સંદર્ભસૂચિ આપી છે. આ વિષયમાં આગળ કામ કરવા માગતા અભ્યાસીને તે ઘણી ઉપયોગી બની રહે છે. જોકે કવિઓ વિશેનાં પ્રકરણો સમયક્રમમાં યોજાયાં છે - એ રીતે અમુક ઐતિહાસિક માળખું એને મળ્યું છે – પણ ચોક્કસ વહેણો, પરંપરાઓ કે આંદોલનોને નજરમાં રાખી તેની સાતત્યભરી પ્રક્રિયા અવલોકવાનો અહીં ઉપક્રમ નથી. ત્રીજા પુસ્તક ‘ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન - ખંડ-૧’ એ મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ રચવાની દિશામાં ઘણો મહત્ત્વપૂર્ણ ઉપક્રમ છે. કે.કા.શાસ્ત્રીનો મધ્યકાલીન કૃતિઓનો અતિ વિશાળ અને સઘન પરિચય હોવાથી એ સમયખંડની સામગ્રીને આગવી રીતે આઠ ‘રેખાઓ’માં વહેંચીને રજૂ કરવા તેઓ પ્રેરાયા છે. ‘રેખા’ સંજ્ઞાથી સાહિત્યિક વહેણ, આંદોલન, મુખ્ય પદ્યસ્વરૂપ જેવી સાતત્યભરી ઘટના તેમને અભિપ્રેત જણાય છે. હેમયુગ, રાસયુગ, આદિભક્તિયુગ અને આખ્યાનયુગ – એવા ચાર વ્યાપક યુગોમાં તેઓ આઠ ‘રેખાઓ’ સમાવે છે. મધ્યકાલીન સામગ્રીમાં યુગબોધ અને પ્રવાહદર્શન એમ બે સ્તરોએથી વ્યવસ્થા આણવાનો તેમનો પ્રયત્ન ઘણો પ્રશંસનીય છે. અહીં બીજી એક બાબત પર ધ્યાન ખેંચવાનું છે અને તે એ કે કૃતિઓમાંથી પુષ્કળ ઉદાહરણો આપી તેની સ્વરૂપગત પ્રણાલીઓ, પદ્યબંધ અને ભાષાબંધનાં પરિવર્તનો તરફ આપણું ધ્યાન ખેંચતા રહે છે. અનંતરાય રાવળ લિખિત ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલીન’ (પ્ર. આ. ૧૯૫૪) પણ અહીં ઉલ્લેખ માગે છે. તેમની અભ્યાસપરાયણ દૃષ્ટિનો એમાં સઘન પરિચય મળે છે. મધ્યકાલીન સામગ્રીને તેમણે વળી જુદી રીતે યોજી છે. આરંભનાં ચાર પ્રકરણો (૧) ગુજરાતી ભાષા, (૨) રાજકીય સામાજિક પશ્ચાદ્‌ભૂ, (૩) (મધ્યકાલીન સાહિત્યની) વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ, અને (૪) મધ્યકાલીન સાહિત્યસ્વરૂપો – પ્રાસ્તાવિક રજૂઆત સમાં છે. પછીનાં આઠ પ્રકરણોમાં સૈકો કે એવો સમયખંડ લઈને તેમાં સ્થાન લેતા કવિઓ અને કૃતિઓનો ક્રમશઃ પરિચય આપતા ગયા છે. ડૉ. ધીરુભાઈ ઠાકરે મધ્યકાલીન અને અર્વાચીન બંને સમયખંડોને આવરી લેતા ઇતિહાસો લખ્યા છે. ‘ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’- ભા.૧ : મધ્યકાલીન’ (પ્ર. આ. ૧૯૫૪) અને ‘ગુજરાતી સાહિત્યની વિકાસરેખા - ભા.૨ : અર્વાચીન’ (પ્ર. આ. ૧૯૫૬). તેમની અભ્યાસશીલતાનો એમાં મર્મગ્રાહી રીતે પરિચય મળે છે. જોકે મધ્યકાલીન ઇતિહાસમાં કોઈ નોંધપાત્ર વિશેષતા જોવા મળતી નથી. તેમનું વિશેષ કાર્ય અર્વાચીન સાહિત્યના ઇતિહાસમાં જોવા મળે છે. એમાં સતત અધ્યયન, સંશોધન અને સંવર્ધન કરતા રહીને તેઓ એને આજની તારીખ સુધી ખેંચી લાવવા પ્રવૃત્ત થયા છે. ઉપલબ્ધ સર્વ સામગ્રીને સપ્રમાણ અને વિવેકપુરસ્સર યોજવા તેઓ પ્રયત્નશીલ રહ્યા છે. અર્વાચીન સાહિત્યનો ઇતિહાસ હવે બે વિસ્તૃત ગ્રંથો રૂપે પ્રકાશિત થયો છે. અર્વાચીન સાહિત્યના હવે ચાર યુગો લગભગ સર્વસ્વીકૃત બન્યા છે. ધીરુભાઈ ઠાકર દરેક યુગની લેખનપ્રવૃત્તિનાં પ્રેરક, ઉદ્‌ભાવક બળો અને સંયોગોની પશ્ચાદ્‌ભૂમિકા રચી તેને અનુલક્ષી સમયના ક્રમમાં મુખ્ય અને ગૌણ લેખકોની સર્જનપ્રવૃત્તિનો વ્યવસ્થિત પરિચય આપતા જાય છે. કર્તાઓ અને કૃતિઓ વિશે સ્વસ્થ, સમતોલ અને પ્રૌઢ દૃષ્ટિએ વિવચનો પણ આપતા જાય છે. આ સદીના સાહિત્યપ્રવાહો ઘણા સંકુલ અને વૈવિધ્યભર્યા બન્યા છે. એમાં તંત્રોની રચના કરવા નાનાં સીમિત ઘટકો સ્વીકારીને તેઓ ચાલ્યા છે. યુગબોધ અને સ્વરૂપવિકાસના ખંડકો વચ્ચે સાહિત્યકારોના અલગઅલગ પરિચયો અને મૂલ્યાંકનો તેઓ સમાવતા રહ્યા છે. કર્તા કે કૃતિને કોઈ વાદ, વિચારધારા કે સાંસ્કૃતિક પ્રવાહનું નિદર્શન માત્ર ન લેખવતાં તેની સાહિત્યિક વિશેષતા ઉપસાવવાનો તેમનો સંનિષ્ઠ પ્રયત્ન રહ્યો છે. આપણા સાહિત્યના ઇતિહાસલેખનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ચાર બૃહત્‌ ગ્રંથો મોટું સીમાચિહ્ન બની રહે છે. એ ગ્રંથોનું આયોજન લેખન, સંપાદન અને પ્રકાશન સ્વયં એક વિશાળ સંસ્થાકીય પ્રવૃત્તિ રહી છે. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ એ ત્રણ વિદ્વદ્‌જનોએ એ ગ્રંથોના સંપાદક તરીકે અને ડૉ. ચિમનલાલ ત્રિવેદીએ સહસંપાદક તરીકે સેવાઓ આપી છે. ચારેય ગ્રંથો પાછળ સંપાદકમંડળનું મોટું મહત્ત્વાકાંક્ષી આયોજન રહ્યું છે. પહેલા બે ગ્રંથોમાં મધ્યકાલીન ઇતિહાસ સમાવાયો છે, જ્યારે ત્રીજા-ચોથા ભાગમાં અર્વાચીન સાહિત્ય રજૂ થયું છે. ચોથો ગ્રંથ, અલબત્ત, ઝવેરચંદ મેઘાણી આગળ અટક્યો છે. પછીના સાહિત્યનો ઇતિહાસ હજી બાકી છે. નોંધવું જોઈએ કે ચારેય ગ્રંથોમાં આપણા અગ્રણી વિદ્વાનોનું મૂલ્યવાન અર્પણ રહ્યું છે. સમગ્ર વિષયચર્ચામાં યુગદર્શન, વૈચારિક આંદોલન, સ્વરૂપોનો ઉદ્‌ભવવિકાસ, મુખ્યગૌણ સાહિત્યકારોના જીવન અને લેખનનો પરિચય કે બીજા કોઈપણ ઘટક વિશે તેના લેખકે શક્ય તેટલી વધુ માહિતી અને ચર્ચાવિચારણાઓ રજૂ કરી છે. દરેક વિષયમાં જે કંઈ સંશોધિત સામગ્રી ઉપલબ્ધ બની હોય તેનો વિનિયોગ એમાં થયો છે. દરેક પ્રકરણને અંતે સંદર્ભસૂચિ આપવામાં આવી છે. સાહિત્યનો ઇતિહાસ મધ્યકાળનો હોય કે અર્વાચીન સમયનો, એના ઇતિહાસલેખક સામે અપારવિધ સામગ્રીના સંપાદન-સંયોજનના ઘણા કૂટ પ્રશ્નો આવી ઊભે છે. એમાં, એક બાજુ ચોક્કસ સાહિત્યિક યુગ ઉપસાવવાને એનું આગવું તંત્ર રચાતું હોય તો તેની સંગતિભરી રજૂઆત; બીજી બાજુ દરેક સાહિત્યકારની પ્રતિભાની વિશેષતાની ઓળખ થાય એ રીતે તેના સમગ્ર સાહિત્યની વિવેચના; ત્રીજી બાજુ સાહિત્યિક વહેણો અને પરંપરાઓના સાતત્યનો અહેવાલ અને ચોથી બાજુ મુખ્યગૌણ સ્વરૂપોનો વિકાસવિસ્તાર એમ જુદાં જુદાં લક્ષ્યો ઇતિહાસલેખક પર ભારી દબાવ આણે છે અને દરેક ઇતિહાસલેખક આ પૈકી બેત્રણ લક્ષ્યોને પ્રાધાન્ય આપતો દેખાય છે. પરિષદના સંપાદકમંડળે પણ મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યના શક્ય એટલાં એકમો રચીને તેની આલેખ્ય સામગ્રીમાં શક્ય તે રીતે વ્યવસ્થા આણવાનો સમર્થ પ્રયત્ન કર્યો છે. પહેલા ગ્રંથમાં ઈ.સ. ૧૧૫૦થી ૧૪૫૦ના ગાળાનું આલેખન થયું છે. એમાં પહેલા વિભાગનાં ચાર પ્રકરણો મધ્યકાલીન સાહિત્ય માટે પ્રાસ્તાવિક છે. એમાં ત્રીજું ‘ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો’ અને ચોથું ‘સાહિત્યિક પૂર્વપરંપરા’ આપણા મધ્યકાલીન સાહિત્ય પર વેધક પ્રકાશ નાખે છે. બીજા વિભાગનાં ચાર પ્રકરણો એ સમયખંડના સાહિત્યમાં ચાર વિશિષ્ટ ઉન્મેષો પર આધારિત છે. બીજા ગ્રંથમાં ઈ.સ. ૧૪૫૦થી ૧૮૫૦ સુધીનું સાહિત્ય રજૂ થયું છે. એમાં કુલ એકવીસ પ્રકરણો છે અને એ દરેક પ્રકરણ જુદી જુદી સામગ્રી લઈને તેમાં સીમિત પણ નિશ્ચિત વ્યવસ્થા ઊભી કરવા ચાહે છે. મધ્યકાળ વિશેના ગ્રંથો સામે અર્વાચીન સાહિત્યનાં પ્રકરણો જુદી રીતે સંયોજિત થયાં છે. એમાં અર્વાચીન સાહિત્યની પ્રેરક બળોની પ્રારંભિક ભૂમિકા પછી દરેક મહત્ત્વના સાહિત્યકાર માટે અલગ અલગ પ્રકરણ ફાળવવામાં આવ્યું છે. પરિષદના ઇતિહાસના ચારેય ગ્રંથો જુદા જુદા અભ્યાસીઓનાં લખાણો સમાવે છે. એ લખાણોનું ઝીણવટભર્યું અવલોકન કરતાં એમાં આલેખનરીતિ પરત્વે ભિન્નતા જોવા મળે, મધ્યકાલીન કવિઓ અને કૃતિઓ વિશે તેમ વહેણો વિશે અર્થઘટનો કે મૂલ્યાંકનોમાં ક્યાંક ક્યાંક દૃષ્ટિભેદ સંભવે. પણ એથી કંઈક મોટી મુશ્કેલી તે અર્વાચીન સાહિત્યના સંયોજનની છે. દરેક સાહિત્યિક યુગના સાંસ્કૃતિક, સાહિત્યિક અને સૌંદર્યશાસ્ત્રીય વિચારપ્રવાહોને ચોક્કસ એકમ રૂપે સંયોજિત કરવાનો મુદ્દો અહીં ઉપેક્ષિત રહી જતો લાગે છે. આ સિવાય સાહિત્યસંશોધન અને અધ્યયનની સંગીન પ્રાપ્તિ રૂપે લખાયેલા તેમજ વિદ્યાપ્રસારના પ્રત્યક્ષ પ્રયોજનથી તૈયાર થયેલા બીજાયે ઇતિહાસો આપણને મળ્યા છે. જોકે સ્થળસંકોચને કારણે એ ગ્રંથોનું અવલોકન અહીં હાથ ધરી શકાયું નથી. એ પૈકી મધ્યકાલીન/અર્વાચીન સાહિત્યના ઇતિહાસો નાનામોટા ફલક પર લખાતા રહ્યા છે. ઈશ્વરલાલ દવે કૃત ‘ગુજરાતી સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ - ભા.૧ : પ્રાચીન સાહિત્ય’, મનસુખલાલ ઝવેરી અને રમણલાલ શાહનો ‘ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન’, બિપિન ઝવેરી અને રામપ્રસાદ શુક્લનો ‘આપણું સાહિત્ય’, બહેચરભાઈ પટેલનો ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, રમેશભાઈ ત્રિવેદીનો ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : મધ્યકાલીન અને સુધારકયુગ’, મનસુખલાલ ઝવેરીનો ‘History of Gujarati Literature (સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હી) વગેરે ગ્રંથો અહીં સહેજે સ્મરણમાં તરી આવે છે. ‘ગુજરાતના ભાષાસાહિત્ય પર આધુનિકીકરણનો પ્રભાવ’ (વિજય શાસ્ત્રી, ‘સુહાસી’ અને અશ્વિન દેસાઈ) એ જુદા જ ઉદ્દેશથી, જુદા જ અભિગમથી તૈયાર થયેલો ઇતિહાસ છે. જોકે પ્રભાવોની તપાસપદ્ધતિ અંગે એમાં ચર્ચાના મુદ્દા ઊપસે છે. આપણી અર્વાચીન કવિતાની ગતિવિધિઓને લક્ષતાં બે મહત્ત્વપૂર્ણ પુસ્તકો – રામનારાયણ પાઠકનું ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ અને સુંદરમ્‌નું ‘અર્વાચીન કવિતા’ સાહિત્યિક ઇતિહાસની દૃષ્ટિએ આગવું આગવું મહત્ત્વ ધરાવે છે. રામનારાયણ પાઠકે અહીં અર્વાચીન કવિતાનાં પરિવર્તન અને વિકાસના મુદ્દાઓ નજરમાં રાખી કાવ્યભાષા છંદ, અલંકાર, ભાવ અને આકારપ્રકારમાં સૂક્ષ્મ રીતે ચાલતી પરિવર્તન પ્રક્રિયાનો આલેખ આપ્યો છે. કવિ સુંદરમે અર્વાચીન સમયના તબક્કાઓ લઈ ગાંધીયુગના આરંભકાળ સુધીની કવિતાનો ઇતિહાસ આપ્યો છે. દરેક મુખ્યગૌણ કવિની કાવ્યપ્રવૃત્તિનું ક્રમશઃ અવલોકન કરતાં કવિતાનાં બદલાતાં વહેણોનો આલેખ આપ્યો છે. તેમની સર્વગ્રાહી ઐતિહાસિક દૃષ્ટિ અને અતિસૂક્ષ્મ રસજ્ઞતાનો સુભગ સમન્વય છે. રણજિત પટેલે અન્ય લેખકની સહાયથી લખેલા ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યસ્વરૂપોનો વિકાસ’ શીર્ષકના ગ્રંથમાં અર્વાચીન સમયમાં ખેડાયેલાં મુખ્યગૌણ સ્વરૂપોના અલગ વિકાસને આલેખ્યો છે. જે તે સ્વરૂપની કૃતિઓ વિશે એમાં પુષ્કળ માહિતી મળે છે અને એ ગ્રંથના ગુણપક્ષે છે. પણ અહીં વસ્તુનિરૂપણની મર્યાદા એ છે કે દરેક સ્વરૂપના વર્ણ્ય વિષયોમાં થતા ફેરફારો અને તેની પાછળ રહેલાં સામાજિક, સાંસ્કૃતિક પરિબળો વિશે અને વધુ તો દરેક સ્વરૂપમાં આવતાં સંરચનાગત પરિવર્તનો, રૂપાંતરો અને નવસંયોજનોની ચર્ચા ઉપેક્ષિત રહી છે. મોહનલાલ દલીચંદ દેસાઈ કૃત ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ આ ક્ષેત્રનો અતિમૂલ્યવાન ગ્રંથ છે. તેમની વિરલ પ્રાપ્તિ સમી ‘જૈન ગુર્જર કવિઓ’ (૧-૬) ગ્રંથમાલા-જેની સંશોધિતસંવર્ધિત આવૃત્તિઓ હમણાં બહાર પડી છે – તે પણ એટલું જ મૂલ્યવાન કાર્ય છે. એમાં જૈન કવિઓ વિશેની માહિતી એના સમયસંદર્ભને કારણે ઐતિહાસિક મહત્ત્વ ધારણ કરે છે. પીલાં ભીખાજીકૃત ‘પારસી સાહિત્યનો ઇતિહાસ’ અને રતુદાન રોહડિયાકૃત ‘ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ’ પણ પૂર્તિરૂપ ગ્રંથો તરીકે આગવું મહત્ત્વ ધરાવે છે.

: ૩ :

આપણા સાહિત્યિક ઇતિહાસોનો ઇતિહાસ રચવાની દિશામાં આપણે કેટલાંક મહત્ત્વપૂર્ણ ઇતિહાસોનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો. હવે એ ઇતિહાસોની વ્યાપક સ્તરની પણ સંક્ષિપ્ત સમીક્ષા કરીશું. જોકે સાહિત્યકૃતિના આસ્વાદ, અર્થઘટન અને વિવેચન જેવી વિદગ્ધ વિભાવનાઓ ઊપસી છે અને કૃતિવિવેચનના નિયમો અને ધોરણોનું માળખું રચાવા પામ્યું છે તેવું કંઈ સાહિત્યિક ઇતિહાસોની બાબતમાં સિદ્ધ થયું જણાતું નથી. આમ છતાં અહીં કેટલાંક સમીક્ષાત્મક અવલોકનો તારવવાનો પ્રયત્ન કર્યો છે. (૧) સાહિત્યના ઇતિહાસની સામગ્રી નાના કે મોટા સમયખંડો પર પથરાયેલી પડી હોય છે. તરેહતરેહની સામગ્રીના વ્યવસ્થાપન(ordering) અર્થે આગવી વિદગ્ધ વિભાવનાઓ અને વિશ્લેષણનાં ઓજારો જોઈએ. એવી વિભાવનાઓ અને ઓજારોના અભાવમાં સામગ્રીના સંરચન(structuring)ના પ્રશ્નો ઘણા મુશ્કેલ બને છે. આપણા ઇતિહાસોની તપાસમાં સામગ્રીના સંયોજન-સંરચનના પ્રશ્નો કેવા નિર્ણાયક બને છે તેની આપણે નોંધ લીધી જ છે. વિશેષતઃ મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસોમાં સંયોજન-સંરચન માટેની મથામણ એકદમ ધ્યાન ખેંચે છે. અર્વાચીન સાહિત્યમાં સાહિત્યિક યુગની રચના કરવાનું સરળ બન્યું છે, જ્યારે મધ્યકાલીન સાહિત્યમાં પૂરતી સામગ્રીના અભાવે એવો સુરેખ યુગબોધ શક્ય બન્યો નથી. ‘સાહિત્યિક યુગ’(literary period)ની વિભાવના જ આપણે ત્યાં ઝાઝી સ્ફુટ થઈ નથી. (૨) મધ્યકાલીન અને અર્વાચીન બંને સમયખંડના ઇતિહાસોમાં ઉપલબ્ધ સામગ્રીના સંપાદન, સંયોજન અને સંરચનમાં વિભિન્ન તંત્રો/વ્યવસ્થાઓ વચ્ચે આંતરિક ખેંચ રહેતી દેખાય છે. દરેક સાહિત્યકારના સમગ્ર સાહિત્યનું તંત્ર, સાંસ્કૃતિક આંદોલન, વિચારધારાનું તંત્ર, સાહિત્યિક પરંપરાઓ અને તેની અંતર્ગત સાહિત્યસ્વરૂપોનું તંત્ર. સમયની સાથે આ સર્વ તંત્રોમાં પરિવર્તન, સંવર્ધન કે વિઘટન સંભવે છે. ઐતિહાસિક પ્રક્રિયાઓ આ સર્વ ઘટકોમાં પ્રત્યક્ષ કરવાની છે. આપણા ઇતિહાસોમાં સ્થાન પામેલી વિગતોનું ઝીણવટભર્યું તુલનાત્મક અધ્યયન હાથ ધરીએ તો જ કયું ઘટક એમાં મહત્ત્વનું છે અને કયું નહિ તેનો સાચો ખ્યાલ આવે. આપણા મધ્યકાલીન ઇતિહાસોમાં મુખ્યગૌણ કાવ્યસ્વરૂપોના ઉદ્‌ભવવિકાસનો મુદ્દો ગૌણ રહ્યો છે કે સાવ ઉપેક્ષિત રહ્યો છે. (૩) મધ્યકાલીન સાહિત્યની રચના માટે શ્રદ્વૈય માહિતી કે સંશોધિત સામગ્રીની અનિવાર્યતા સ્વયંસ્પષ્ટ છે. જેમ જેમ હસ્તપ્રતો ઉકેલવાની પ્રવૃત્તિઓ ચાલતી રહે છે, અને પાઠનિર્ણયના પ્રશ્નો ઉકેલાતા જાય છે તેમ તેમ આપણા આરંભના મધ્યકાલીન ઇતિહાસોની વિગતો ચકાસી લેવાની રહે છે. કોઈ અભ્યાસી આ કામ વહેલી તકે ઉપાડી લે તો સારું. (૪) મધ્યકાલીન પ્રજાજીવન, તેની જીવનભાવના, તેની મનોઘટના, તેની ધાર્મિક આસ્થા, માન્યતા અને જીવનરીતિ એ સર્વ આપણા યુગના અભ્યાસી માટે દૂરની ઘટના બની ચૂકી છે. પંદરમીસોળમી સદીમાં ગુજરાતમાં પ્રેમલક્ષણા ભક્તિનું આંદોલન જે રીતે પ્રવર્ત્યું તેમ જ તે આંદોલનથી જે ભક્તિસાહિત્ય જન્મ્યું તેના આસ્વાદ-અવબોધના પણ પ્રશ્નો છે એવી સભાનતા આપણા કેટલાક અગ્રણી સંશોધકો/અભ્યાસીઓએ દાખવી છે. જયંત કોઠારીનો લેખ ‘મધ્યકાલીન કવિતાના અર્થઘટન અને આસ્વાદની સમસ્યાઓ’ (સાહિત્યિક તથ્યોની માવજત) અને ડૉ. હરિવલ્લભ ભાયાણીનો લેખ ‘પ્રાચીન ભક્તિકવિતાની આસ્વાદ સમસ્યા’ (કાવ્યપ્રપંચ) – આ પ્રકારના પ્રશ્નો ચર્ચે જ છે. અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આપણા મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસોમાં પ્રેમલક્ષણાભક્તિના સ્વરૂપ વિશે, તેમાંથી તેનાથી પ્રેરિત પદસાહિત્ય વિશે જે રીતનાં વિવરણો થયાં છે તેની ઝીણવટભરી તપાસ કરવાની રહે છે. ખાસ તો ગોવર્ધનરામ ત્રિપાઠી, નરસિંહરાવ દિવેટિયા અને ક. મા. મુનશીની આ વિશેની ચર્ચાવિચારણાની ફેરતપાસ કરવાની રહે છે. (૫) મધ્યકાળના સાહિત્યના વિવેચનમાંય વારંવાર દૃષ્ટિભેદો છતા થયા છે, એમાં ક્યાંક એવુંય બન્યું છે કે અભ્યાસી આધુનિક કવિતાવિવેચનનાં ધોરણો લાગુ પાડી તેની મર્યાદાઓ અને દોષો જ વધુ ખુલ્લાં પાડતો હોય, એટલે મધ્યકાળના કવિઓમાં ‘સાહિત્ય’ વિશે કેવી સમજ હતી કે કેવી અપેક્ષા હતી તેનોય વિચાર કરવાનો રહે. એ સમયગાળામાં કોઈ અલંકારશાસ્ત્રીએ ભલે કાવ્યવિચાર મૂક્યો ન હોય કે કવિઓએ કાવ્યકળા વિશે ઉદ્‌ગારો કાઢ્યા ન હોય, એ ગાળાની સમગ્ર વાઙ્‌મયપ્રવૃત્તિમાં ગર્ભિત રહેલાં કાવ્યાત્મક મૂલ્યો અને ધોરણોનું કોઈક માળખું રચી શકાય કે કેમ તે દિશામાં વિચારવું જોઈએ, (૬) અર્વાચીન સાહિત્યના ઇતિહાસોમાં નર્મદયુગ, સાક્ષરયુગ, ગાંધીયુગ આદિ યુગોના વિશેષો સ્વીકારાયા છે, અને દરેક યુગમાં વિવેચકોની વિવેચનપ્રવૃત્તિની ચર્ચાય થતી રહી છે, પણ આખાય યુગની સર્જનાત્મક પ્રવૃત્તિને દિશા આપનાર બળ આપનાર અને સંકોરનાર વિશેષ સૌંદર્યવૃત્તિની ખોજ કરવાનું ભાગ્યે જ બન્યું છે. (૭) સાહિત્યિક ઇતિહાસની રચનામાં કૃતિઓના પ્રેરણાસ્રોતો(sources) અને પ્રભાવો(influences)ની તપાસ અને તેનાં પ્રાપ્ત તથ્યોનું આગવું મહત્ત્વ છે. દુર્ગાશંકર શાસ્ત્રી આપણા મધ્યકાલીન સાહિત્ય અંગે એવું સમર્થ અવલોકન રજૂ કરે છે : ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ઉપર સંસ્કૃત સાહિત્યની સાક્ષાત્‌ અસર એટલી બધી છે કે ગુજરાતીમાં સ્વતંત્ર શું છે તે શોધવું પડે છે.’ તો સાહિત્યના ઇતિહાસકારે એ સાહિત્યના પ્રેરણાસ્રોતો અને પ્રભાવોની ઝીણવટભરી તપાસ કરવાની રહે. અર્વાચીન સાહિત્યમાં સંસ્કૃત અને પાશ્ચાત્ય સાહિત્યનો યુગપદ્‌ પ્રભાવ છે અને ત્યાં આવી ખોજ અત્યંત જટિલ બની રહેવા સંભવ છે. (૮) સાહિત્યના ઇતિહાસોમાં વારંવાર મુખ્ય કે ગૌણ સ્વરૂપોની વિકાસરેખા સ્થાન પામે છે. સમયની સીધી રેખા પર એક સ્વરૂપની ગતિવિધિઓનું એમાં અવલોકન હોય છે. પણ ચોક્કસ સાહિત્યિક યુગમાં સમાંતરે ખેડાતાં મુખ્ય અને ગૌણ સ્વરૂપો વચ્ચેય ક્રિયાપ્રતિક્રિયા ચાલતી રહેતી હોય કે યુગની ચેતનાને સાકાર કરતાં મુખ્ય ગૌણ સ્વરૂપોના ઉચ્ચાવચતાક્રમમાં ફેરફાર થતો હોય તો તેય ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ઘટના છે. (૯) સાહિત્યપદાર્થનો ઇતિહાસ રચવાની જો વાત છે તો એ જેમાં સાકાર થાય છે તે ભાષાના સર્જનાત્મક આવિષ્કારો, રચનાપ્રયુક્તિઓ અલંકારો, કલ્પનો, પ્રતીકો અને મીથતત્ત્વોનો વિનિયોગ અને રચનારીતિઓ – એ સર્વ સ્તરોએ ઐતિહાસિક સાતત્ય, પરિવર્તન અને નવસર્જનની પ્રક્રિયાઓનેય સમુચિત રીતે સમાવી લેવાની રહે.