કળા, સાહિત્ય અને વિવેચન/સાહિત્યિક સંશોધનની પદ્ધતિઓ અને તેના પ્રશ્નો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સાહિત્યિક સંશોધનની પદ્ધતિ અને તેના પ્રશ્નો

૧ : ૧ એ તો સુવિદિત છે કે અર્વાચીન યુગનાં મંડાણ સાથે સાહિત્યવિવેચનની સાથોસાથ સાહિત્યિક સંશોધનની પ્રવૃત્તિ પણ આપણે ત્યાં આરંભાઈ. એમાં આપણા મધ્યકાલીન સાહિત્યના સંશોધન-સંપાદનના પ્રશ્નો સ્વાભાવિક રીતે જ આપણા સંશોધકો અને અભ્યાસીઓના ચિત્તને રોકી રહ્યા. સુખદ નોંધપાત્ર બાબત એ રહી છે કે મધ્યકાલીન સાહિત્યના ક્ષેત્રમાં આપણા અનેક અગ્રણી વિદ્વાનોએ કોઈ ને કોઈ રીતે અમૂલ્ય અર્પણ કર્યું છે અને આજ સુધી એ ક્ષેત્રમાં કામ કરનારા વિદ્વાનો આપણને મળતા રહ્યા છે. બહુશ્રુત પાંડિત્ય, સૂક્ષ્મ રસજ્ઞતા અને સંશોધનની કઠોર શિસ્ત એ વિદ્વાનોમાં પ્રત્યક્ષ થાય છે. સંશોધનની ઊંચી પ્રણાલિકા અને ઊંચાં ધોરણો તેમણે સ્થાપ્યાં છે. આ સદીમાં સાહિત્યના અધ્યયન વિવેચનનાં ક્ષેત્રો વિસ્તરતાં ગયાં અને અર્વાચીન સાહિત્યના વિષયો પણ સંશોધન અર્થે સ્વીકારાતા ગયા. સંશોધન-અધ્યયનની પ્રવૃત્તિઓનો વ્યાપ ઝડપથી વિસ્તરી ગયો. ૧ : ૨ આજે આપણી યુનિવર્સિટીઓમાં તેમજ સાહિત્ય સંશોધનની અગ્રણી સંસ્થાઓમાં જે રીતનાં સંશોધનો-અધ્યયનો હાથ ધરાયાં છે તેને એક સાથે દૃષ્ટિફલકમાં લઈએ, તો એમાં વિભિન્ન sectorsની પ્રવૃત્તિઓ દેખા દેશે : (ક) પ્રાચીન/મધ્યકાલીન સાહિત્યકૃતિના શુદ્ધ પાઠનો નિર્ણય કરવો : કૃતિની ઉપલબ્ધ હસ્તપ્રતોને આધારે પાઠનું સંશોધન-સંપાદન કરવું. (ખ) મધ્યકાલીન કવિના સાહિત્ય અંગે વ્યવસ્થિત સર્વગ્રાહી સમીક્ષાત્મક સંશોધન-અધ્યયન તૈયાર કરવું. કૃતિઓના પાઠનિર્ણય ઉપરાંત કર્તા અને કૃતિઓના સમયનિર્ણયના પ્રશ્નો, કર્તૃત્વના પ્રશ્નો, કૃતિઓના ક્રમ અને આંતરસંબંધના પ્રશ્નો, કવિની તત્ત્વદૃષ્ટિના પ્રશ્નો વગેરે એમાં સમાવેશ પામે. (ગ) અર્વાચીન યુગના કોઈ એક સાહિત્યકારના વ્યક્તિત્વ અને સાહિત્યને લગતું વ્યવસ્થિત, સર્વગ્રાહી સમીક્ષાત્મક સંશોધન-અધ્યયન. (ઘ) આપણા સાહિત્યના ઇતિહાસમાંથી કોઈ એક યુગના સાહિત્યનો એ રીતે વ્યવસ્થિત સર્વગ્રાહી સમીક્ષાત્મક શોધભર્યો અભ્યાસ. (ચ) મધ્યકાલીન કે અર્વાચીન સમયમાં ઉદ્‌ભવેલા અને વિકસેલા કોઈ પણ એક સાહિત્યસ્વરૂપનું તાત્ત્વિક અને ઐતિહાસિક દૃષ્ટિએ સંશોધન-અધ્યયન. (છ) સાહિત્યવિવેચનની અમુક ચોક્કસ વિભાવના સ્વીકારીને તેના ઉપલક્ષ્યમાં કોઈ એક સ્વરૂપવિશેષની કે જૂથની કે સમયગાળાની કૃતિઓની તપાસ. જેમ કે, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ટૂંકી વાર્તામાં આકારનિર્મિતિ વગેરે. (જ) સમાજ, સંસ્કૃતિ કે વિદ્યાજગતમાં પ્રવર્તેલી કોઈ ચોક્કસ વિચારધારા કે ભાવનાની સાહિત્યમાં તપાસ જેમ કે, અર્વાચીન ગુજરાતી કવિતામાં રહસ્યવાદ કે ગાંધીયુગના સાહિત્યમાં પ્રગતિવાદ વગેરે. (ઝ) અમુક સાહિત્યપ્રવૃત્તિમાં માનસશાસ્ત્રના કોઈ ચોક્કસ અભિગમથી તપાસ કે સમાજશાસ્ત્રીય ખ્યાલોના પ્રકાશમાં તપાસ. જેમ કે, દ્વિરેફ, સુંદરમ્‌, જયંત ખત્રી કે સુરેશ જોષીની નવલિકાઓનો મનોવિશ્લેષણાત્મક અભિગમ(psycho-analytic approach)થી અભ્યાસ કે પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકરની નવલકથાઓની સમાજશાસ્ત્રીય ખ્યાલોના પ્રકાશમાં તપાસ વગેરે. (ટ) કાવ્યશાસ્ત્ર/સાહિત્યસિદ્ધાંતના ક્ષેત્રમાં ચોક્કસ સિદ્ધાંત કે વિભાવનાના વિકાસવિસ્તારની તપાસ. (ઠ) શૈલીવિજ્ઞાનના કોઈ ખ્યાલ કે સંરચનાવાદ જેવી વિચારધારાને અનુલક્ષીને સાહિત્યમાં તપાસ. (ડ) તુલનાત્મક સાહિત્યના ક્ષેત્રમાં બે ભિન્ન ભાષાની કૃતિઓ/સર્જકોનો તુલનાત્મક અભ્યાસ. એથી આગળ બે ભાષાના વર્ણ્યવિષયો (themes), સાહિત્યસ્વરૂપો, શૈલીઓ, વાદો અને વિચારધારાઓનો પ્રભાવ, પ્રતીકો/મીથોનો વિનિયોગ એમ અનેક રીતે તુલનાત્મક અધ્યયન વગેરે. આપણા સાહિત્યિક સંશોધન-અધ્યયનના ક્ષેત્રમાં આમ નવા વિષયો અને નવી વિચારણાઓ દાખલ થઈ રહ્યાં છે, ત્યારે સાહિત્યિક સંશોધનનું સ્વરૂપ, તેનું લક્ષ્ય અને તેની પદ્ધતિઓ વિશે મૂળગામી વિચારવિમર્શ કરી લેવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ૨ : ૧ ઉપર દર્શાવેલાં વિભિન્ન સંશોધન ક્ષેત્રોમાં સંશોધન-અધ્યયનને નામે જે કંઈ પ્રવૃત્તિ હાથ ધરાય છે તેનું વ્યાપકપણે અંતિમ પ્રયોજન તો એક જ છે : નવા જ્ઞાનની ઉપલબ્ધિ, નવા સત્યની પ્રાપ્તિ કે નવા તથ્યની જાણકારી. સર્વ સાહિત્યિક ક્ષેત્રોમાં સંશોધન-અધ્યયનનું અંતિમ લક્ષ્ય તો એક જ રહે છે. પણ એવા દરેક ક્ષેત્રમાં શોધની દૃષ્ટિ જુદી છે કે તપાસનાં ઓજારો જુદાં છે કે તપાસનું ક્ષેત્ર જુદું છે એટલે એ દરેકમાં પદ્ધતિનો કોઈ વિશેષ પ્રશ્ન ઊભો થાય એ સ્વાભાવિક છે. અલબત્ત, બિલકુલ પાસે પાસેના કે પરસ્પર ગાઢ રીતે જોડાયેલાં ક્ષેત્રોમાં ઘણા સમાન પ્રશ્નો સંભવે અને તપાસપદ્ધતિમાં સમાન ભૂમિકાય મળી આવે. પણ આવા દરેક ક્ષેત્રમાં જે જે વિશિષ્ટ પદ્ધતિમૂલક પ્રશ્નો ઊપસે છે તેની અવગણના કરવી ન જોઈએ એમ મને લાગે છે. જેમ કે, કોઈ એક મધ્યકાલીન ભક્ત કવિના સાહિત્યનું સર્વગ્રાહી અધ્યયન હાથ ધરીએ ત્યારે તેમની કૃતિઓના પાઠનિર્ણયના તેમ તે કૃતિઓના વિવેચનના વિશેષ મુદ્દાઓ ધ્યાનમાં લેવાના આવશે. આથી ભિન્ન, અર્વાચીન કવિ કે લેખકના સાહિત્યના સર્વગ્રાહી અધ્યયનમાં કવિવ્યક્તિત્વ, તેના પ્રેરણાસ્રોતો, તેનું મૌલિક સર્જન, તેનું કળાદર્શન, પરંપરાના વિકાસમાં તેનું વિશિષ્ટ યોગદાન, ભાષા કે શૈલી સાથેનો તેનો મુકાબલો જેવા કેટલાક વિશેષ પ્રશ્નો ધ્યાન માગે એમ બનવાનું. પણ સાહિત્યના સંશોધન-અધ્યયનમાં કોઈ ચોક્કસ યુગ લઈને તપાસ કરીએ તો તેની આધારભૂમિ વળી જુદી હશે. એવા સાહિત્યક યુગની ચેતના, તેની નિર્ણાયક વિચારધારાઓ, તેની સાહિત્યિક સંપ્રજ્ઞતા, રસરુચિનો વિકાસ, કૃતિમૂલ્યાંકનનાં ઊપસેલાં નવાં ધોરણો અને તેમાં પ્રગટ કે પ્રચ્છન્નપણે સમગ્ર રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક વિચારધારાઓ અને હિલચાલોએ જે ભાગ ભજવ્યો હોય તે સર્વ લક્ષમાં લેવાનાં રહે. તાત્પર્ય કે ઉપર સાહિત્ય-સંશોધનનાં જે ક્ષેત્રો અલગ રેખાંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે, તેના દરેકના અમુક વિશિષ્ટ પ્રશ્નો ઊભા થાય છે. આપણે ત્યાં અત્યારે ઉત્સાહભેર નવાનવા ક્ષેત્રમાં તપાસ કરવાની વૃત્તિ સક્રિય બની છે, પણ એવા દરેક ક્ષેત્રના આગવા પ્રશ્નો અંગે જોઈએ તેવી તાત્ત્વિક ચર્ચા હાથ ઘરાઈ નથી, એ હકીકત આપણે સ્વીકારવી રહી. ૨ : ૨ આપણા જમાનામાં જ્ઞાનવિજ્ઞાનનાં અપારવિધ સંશોધનની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પણ, ભૌતિક વિજ્ઞાનો અને સમાજલક્ષી વિજ્ઞાનોનાં સંશોધન-અધ્યયનની તુલનામાં સાહિત્યિક સંશોધનો પદ્ધતિ અને પ્રાપ્તવ્ય પરત્વે જુદાં પડે છે. વિજ્ઞાનોના ક્ષેત્રમાં નવા જ્ઞાનની પ્રાપ્તિ સાથે અગાઉનું એ વિશેનું જ્ઞાન અપ્રસ્તુત ઠરે કે ખોટું ઠરે એમ બને. સાહિત્યનું વિશ્વ વિજ્ઞાનીઓના તપાસક્ષેત્ર કરતાં જુદું છે, જુદી કોટિનું છે. દરેક સાહિત્યકૃતિ એક પ્રતિભાસંપન્ન કવિ કે લેખકની કળાદૃષ્ટિને અનુરૂપ પ્રાપ્તિ છે : સ્વયં એક મૂલ્યોનું તંત્ર છે અને સમય જતાં નવીનવી સાહિત્યકૃતિઓ જન્મે ત્યારેય તે અપ્રસ્તુત બની જતી નથી કે ખોટી ઠરતી નથી. બલકે, પ્રાચીન મધ્યકાલીન પ્રશિષ્ટ કૃતિઓ તો સાહિત્યિક ધોરણોની ઊંચી પરિપાટી રચી આપતી હોઈ આખીય પરંપરામાં તેનું નિજી મહત્ત્વ જાળવી રાખે છે. ૨ : ૩ અહીં એમ નોંધવું જોઈએ કે આ સદીમાં નવ્ય વિવેચકોએ કૃતિને એક સ્વતંત્ર, સ્વાયત્ત અને આત્મપર્યાપ્ત કે આત્મસીમિત વિશ્વ તરીકે પ્રતિષ્ઠિત કરી પણ એ વિચારણાની તાર્કિક ઉપપત્તિ જોતાં તો દરેક કૃતિ એના સાહિત્યિક ઇતિહાસ અને પરંપરાથી સાવ અલગ અને વિચ્છિન્ન ઠરે છે. સમયના અવકાશ પર દરેક કૃતિ અલગઅલગ ટાપુ જેવી રચના બની રહે છે. સાહિત્યના ઇતિહાસની સંરચના માટે, તુલનાત્મક સાહિત્યના અધ્યયન માટે તેમ સંશોધન-અધ્યયનની પ્રવૃત્તિ માટે નવ્યવિવેચકોએ રજૂ કરેલી વિભાવના અંતરાયરૂપ જ નીવડે. સાહિત્ય-સંશોધન અને અધ્યયન સાહિત્યકૃતિને તેના સર્જકની મનોઘટના, ભાષા, શૈલી, સાહિત્યસ્વરૂપ, યુગચેતના, વિચારધારાઓ, સામાજિક સાંસ્કૃતિક હિલચાલો અને વિચારણાઓ, સાહિત્યશાસ્ત્ર, વિવેચન અને રસરુચિનો વિકાસ, પરંપરાઓ, ઇતિહાસ, દર્શન એ સર્વના તાણાવાણા વચ્ચે ઊપસતી ને આકાર લેતી શબ્દઘટના રૂપે એ જુએ છે. એ ખરું કે દરેક સાહિત્યકૃતિમાં કશુંક ગહનતર રહસ્ય પડેલું જ હોય છે અને કાર્યકારણભાવે તેનો પૂરેપૂરો ખુલાસો કદી આપી શકાતો નથી. આમ છતાં કૃતિના એવા રહસ્યને ઉદ્‌ભાસિત કરવામાં સમર્પક એવાં ઘટકો અંગે વ્યવસ્થિત તપાસ અને વિચારવિમર્શ માટે મોટો અવકાશ છે. ૩ : ૧ Research-સંશોધન-શબ્દના ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી આ પ્રમાણે અર્થો આપે છે : research (n) – careful search or inquiry after or for, (usu.pl.) endeavour to discover facts by scientific study of a subject, course of critical investigation. (કશાકને અનુલક્ષીને કે કશાકની પાછળ કાળજીભરી ખોજ કે તપાસ; કોઈ વિષયમાં વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા તથ્યની ખોજ કરવાનો ઉપક્રમ, સમીક્ષાલક્ષી તપાસનો માર્ગ.) ૩ : ૨ Research સંજ્ઞાના ચેમ્બર્સ ટ્‌વેન્ટિએથ સેંચુરી ડિક્શનરી આ પ્રમાણે અર્થો આપે છે : research : n. a careful search; investigation; systematic investigation towards increasing the sum of knowledge. (કાળજીભરી શોધ : તપાસ; જ્ઞાનસંચયમાં વૃદ્ધિ અર્થે પદ્ધતિસરની તપાસ.) ૩ : ૩ સ્ટાન્ડર્ડ ડિક્શનરી, કેસલ્સ ડિક્શનરી અને બીજી અંગ્રેજી ડિક્શનરીઓ પણ સહેજ બદલાતા ભાર સાથે કે બદલાતી ભાષામાં આ અર્થો રજૂ કરે છે. એમાં કાળજીભરી ખંતભરી લાંબો સમય ચાલતી અભ્યાસપ્રવૃત્તિનો નિર્દેશ છે. વ્યવસ્થિત અને પદ્ધતિસર એ પ્રવૃત્તિ ચાલે છે. નવું જ્ઞાન મેળવવાનો ઉદ્દેશ એમાં સૂચવાયો છે. ૪ : ૧ આપણા વિખ્યાત વિદ્વાન સંશોધક ડૉ. હરિવલ્લભ ભાયાણીની ‘સંશોધન’ શબ્દની વ્યાખ્યા પણ અહીં નોંધવા જેવી છે : ‘સંશોધન એટલે સત્યની શોધ. આ સત્ય એટલે અધ્યયનવિષયની સાથે સંકળાયેલાં તથ્યો, તેમનો આંતરસંબંધ અને અર્થઘટન, તથા તે ઉપરથી ફલિત થતા વ્યાપક નિર્ણયો.’ ડૉ. ભાયાણી અહીં સંશોધનવ્યાપારને વધુ વ્યાપક રીતે વર્ણવે છે. અધ્યયન વિષય કોઈ કૃતિ હો, સાહિત્યકાર હો, સાહિત્યિક યુગ હો, સાહિત્યસ્વરૂપ હો, કે બીજો કોઈ સાહિત્યવિષય હો – તેને લગતાં કે તેની સાથે સંકળાયેલાં શક્ય તેટલાં વધુ તથ્યોની ઓળખ કરવાનો, એવાં તથ્યો વચ્ચે આંતરસંબંધો સ્થાપવાનો, આવશ્યક હોય ત્યાં એવા તથ્યનું અર્થઘટન કરવાનો અને એ સર્વ તથ્યો અને અર્થઘટનોને આધારે એ વિષયને લગતા ‘વ્યાપક નિર્ણયો’ તારવવાનો એ ઉપક્રમ છે. આ વ્યાપક નિર્ણય તે જ અધ્યયનવિષય અંગેનું તારણ(conclusion), અને આવાં તારણો અધ્યયનવિષયને લગતા કોઈપણ અલગ તથ્યને અતિક્રમી જનારું બૃહદ્‌ તથ્ય કે બૃહદ્‌ સત્ય છે. ૪ : ૨ સંશોધન કે અધ્યયનના સમગ્ર આલેખ માટે અંગ્રેજીમાં ‘થિસિસ’ (thesis) સંજ્ઞા પ્રયોજાય છે. એ શબ્દમાં સંશોધક દ્વારા પ્રતિપાદિત વિધાન(proposition) અર્થ સૂચિત છે. દરેક થીસિસ એ રીતે સુવ્યવસ્થિત સુસંકલિત તથ્યોનું એક તંત્ર છે, એક તર્કનિષ્ઠ પ્રતિપાદન છે. એમાં જે જે તથ્યોનું સંકલન કરવામાં આવે છે અને જે જે અર્થો કે અર્થઘટનોને સમર્થિત કરવામાં આવે છે તેને નક્કર, શ્રદ્ધેય પુરાવાઓનો આધાર હોય છે, એવો આધાર હોવો જ જોઈએ. ૪ : ૩ સંશોધન વિષયમાં અંતનાં તારણો નવા જ્ઞાનની ઉપલબ્ધિ છે. જે વિષયમાં સંશોધક શોધકાર્ય આરંભે છે તેમાં પૂર્વે પ્રચારમાં આવેલા ખ્યાલો, મંતવ્યો, અર્થઘટનો કે મતમતાંતરોને પણ તે ચકાસણી અને ફેરતપાસમાં લે છે. તેની સમગ્ર થીસિસ એવાં ચકાસાયેલાં સમીક્ષામાં લેવાયેલાં અને ટકાઉ નીવડેલાં તથ્યો પર જ નિર્ભર રહે છે. ૫ : ૧ સાહિત્યને વિષય કરતાં લખાણોની ઓળખમાં ‘સંશોધન’, ‘અધ્યયન/અભ્યાસ’ અને ‘વિવેચન’ જેવી સંજ્ઞાઓ આપણે યોજતા હોઈએ છીએ. એ પૈકી ‘સંશોધન’ અને ‘અધ્યયન’ એ બે પ્રવૃત્તિઓ પૂરેપૂરી એકરૂપ નહિ તોયે લગભગ એકરૂપ જેવી છે. સાહિત્ય વિષયનાં અનેક અધ્યયનો સંશોધનનું મૂલ્ય પ્રાપ્ત કરે છે. જોકે એ બેના અર્થસંકેતોમાં સૂક્ષ્મ ભેદ કરી શકાય. ‘સંશોધન’ સંજ્ઞામાં જ્ઞાનની શુદ્ધિની શોધનની પ્રવૃત્તિ પર ભાર પડતો જણાશે. જ્યારે ‘અધ્યયન’ કે ‘અભ્યાસ’માં પ્રસ્તુત વિષયનું વ્યવસ્થિત ખંતભર્યું વિદ્વત્તાભર્યું અને તલસ્પર્શી અન્વેષણ અભિપ્રેત છે. પણ ‘સંશોધન’ માટેય એવા વ્યવસ્થિત ખંતભર્યા, વિદ્વત્તાભર્યા અને તલસ્પર્શી અભ્યાસની અનિવાર્યતા તો સ્વીકૃત છે જ. ૫ : ૨ ‘સંશોધન’ અને ‘અધ્યયન’ની પ્રવૃત્તિઓને એકરૂપ લેખવીએ, તો ‘વિવેચન’ની પ્રવૃત્તિને એથી અલગ રેખાંકિત કરવાની રહેશે. એ ખરું કે સાહિત્યકૃતિ કે સર્જક વિશેનાં ઉત્તમ લખાણોમાં લગભગ હંમેશાં વિવેચન અને અધ્યયન/સંશોધનનો સઘન સંયોગ થયો હોય છે. એવાં લખાણોને ‘વિવેચન’ સંજ્ઞાથી ઓળખાવો તોપણ પ્રસ્તુત કૃતિ કે કર્તા વિશે એમાં વ્યવસ્થિત સંગીન અભ્યાસ હશે, વિવેચકની બહુશ્રુતતા કે તેના વ્યુત્પન્ન પાંડિત્યનો ઓછોવત્તો આધાર હશે, અને વ્યાપકપણે સંશોધિત સામગ્રીનો એમાં વિનિયોગ હશે. બીજી બાજુ સંશોધક-અભ્યાસી પોતાના અધ્યયન વિષયમાં આવતી સાહિત્યકૃતિ, કર્તા કે પ્રવાહદર્શન નિમિત્તે કળાદૃષ્ટિએ સમીક્ષા કરે કે એવાં અવલોકનો રજૂ કરે ત્યારે વિવેચનની પ્રવૃત્તિય ત્યાં સંકળાતી હોય છે. બંને પ્રવૃત્તિઓ એ રીતે ઘણા પ્રસંગોમાં પરસ્પર જોડાઈને ગૂંથાઈને આવે છે. બંને પરસ્પરનો આધાર લે છે, બંને પરસ્પરમાંથી બળ મેળવે છે. આપણા જાણીતા અભ્યાસી જયંત કોઠારી આ વિશે એમ નોંધે છે : ‘એ વાત સાચી છે કે સાહિત્યસંશોધનને સાહિત્યિક મૂલ્યને લક્ષમાં લીધા વિના ચાલતું નથી. અંતે સાહિત્યિક મૂલ્યસ્થાપનામાં એની પરિણતિ થાય એમાં એની સાર્થકતા છે. ને સાહિત્ય વિવેચનને સાહિત્યને લગતી હકીકતોનો આધાર લીધા વિના ચાલતું નથી. એના વિના સાહિત્યવિવેચનને ઘણી વાર નક્કરતા ને વિશ્વસનીયતા પ્રાપ્ત થતી નથી. એટલે સાહિત્યસંશોધને સાહિત્યવિવેચનનો અને સાહિત્યવિવેચને સાહિત્યસંશોધનનો આશ્રય લેવો પડે છે.” (‘સાહિત્યિક તથ્યોની માવજત’, પૃ. ૩૦) પણ આ બંને પ્રવૃત્તિઓ જે રીતે પરસ્પર જોડાઈને ગૂંથાઈને આવે છે તેથી બંનેને અલગ કરીને જોવાનું અને તેનું દરેકનું સાચું સ્વરૂપ ગ્રહણ કરવાનું ઠીકઠીક મુશ્કેલ છે. અલબત્ત, આપણે આગળ ચર્ચામાં જોઈશું કે સિદ્ધાંતના સ્તરેથી વિચારતાં બંને પ્રવૃત્તિઓ તેના અંતિમ પ્રયોજન પરત્વે તેમ વિચારપ્રક્રિયા પરત્વે બંને વચ્ચે સ્પષ્ટ ફેર દેખાશે. ૫ : ૩ મૂળ મુશ્કેલી criticism – ‘વિવેચન’ સંજ્ઞાના સંકેતની અમુક સંદિગ્ધતામાં રહી છે. પાશ્ચાત્ય વિવેચનના ઇતિહાસમાં, ત્યાંના એક જાણીતા વિદ્વાન જ્યોર્જ વ્હેલી નોંધે છે તે પ્રમાણે, ‘criticism’ સંજ્ઞા ડ્રાઇડને (ઈ.સ. ૧૬૩૧–૧૭૦૦) પ્રથમ વાર પ્રચારમાં મૂકી. એ પહેલાં સાહિત્યના વિષયમાં કઠોર વ્યુત્પન્ન પાંડિત્યનું જ મહત્ત્વ હતું. ડ્રાઇડન પછીય પાશ્ચાત્ય વિવેચનમાં કૃતિ/કર્તાના અધ્યયન નિમિત્તે તેને સંબંધિત પણી બાહ્ય વિગતોનો વિચાર થતો રહ્યો. ગઈ સદીના ઉત્તરાર્ધમાં એસ્થેટિસીઝમના પ્રભાવ નીચે પ્રભાવવાદી વિવેચનમાં અને પછી આ સદીના ચોથા પાંચમા દાયકામાં પ્રવર્તેલા નવ્ય વિવેચનમાં કૃતિનાં માત્ર રસકીય તત્ત્વોનું અનન્ય મહત્ત્વ થયું, એટલું જ નહિ, એમાં કૃતિને બહારના જ્ઞાન સાથે કોઈ સંબંધ નથી એવો ખ્યાલ પ્રતિષ્ઠિત થયો. પણ નવ્ય વિવેચન પછી ફરી એમાં વિદ્વત્તાનો સઘન વિનિયોગ આરંભાયો. આ ઐતિહાસિક સંદર્ભ એમ સૂચવે છે કે આપણા સમયમાં વિવેચન અને વિદ્વત્તા, માત્ર આકારવાદી આંદોલનને બાદ કરતાં સતત જોડાયેલાં રહ્યાં છે. ૫ : ૪ ‘વિવેચન’ સંજ્ઞાનો વ્યાપક અર્થ લેતાં એમાં કાવ્યશાસ્ત્ર/સાહિત્યશાસ્ત્ર અને કૃતિ/કૃતિસમૂહને લગતાં લખાણો એમ બંનેનો સમાવેશ થાય છે. એમાં કાવ્યશાસ્ત્રને તાત્ત્વિક મુદ્દાઓની તપાસમાં જે પ્રવૃત્તિ ચાલે છે તેની ઓળખમાં ખાસ મુશ્કેલી નથી. જે ભેદરેખા આંકવાનો પ્રશ્ન છે તે કૃતિ વિશેનાં વિવેચનાત્મક લખાણો અને સંશોધનો વચ્ચે છે. આજે આપણા વિદ્યાકીય જગતમાં સાહિત્યકાર, સાહિત્યસ્વરૂપ, સાહિત્યમાં વિચારધારા જેવી ભિન્નભિન્ન બાબતોનાં અધ્યયનો નિમિત્તે જે મહાનિબંધો તૈયાર થઈ રહ્યા છે તેમાં વિવેચન ક્યાં અને કેટલું, સંશોધન ક્યાં અને કેટલું એવો કોઈ પ્રશ્ન ઊઠે તો એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. અહીં મૂળભૂત મુદ્દો, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, બંને પ્રવૃત્તિના અંતિમ લક્ષ્ય અને એ લક્ષ્ય તરફની વિચારપ્રક્રિયાનો છે, શોધપ્રક્રિયાનો છે. ૫ : ૫ કૃતિનું વિવેચન – જ્યાં સુધી એ વિવેચનનું લક્ષ્ય સ્વીકારે છે – કૃતિના રસાનુભવ(aesthetic experience)ને જ આધારભૂમિ લેખવે છે. કૃતિનું ભાવન કરતાં સહૃદયને એનો જેટલો અને જેવો બોધ થયો હોય તેને આધારે જ તે કૃતિનું વિવેચન કરે. કૃતિના અર્થઘટન કે મૂલ્યાંકનમાં કૃતિથી ‘બહારનાં’ અર્થો, મૂલ્યો કે વિચારણાઓનું પ્રગટ કે પ્રચ્છન્ન અનુસંધાન હોય, પણ વિવેચન સતત કૃતિની ‘અંદરના’ વિશ્વ સાથે તંતોતંત સંબંધ જાળવે છે. એમ બને કે એકની એક કૃતિને ભાવક લાંબા ગાળા પછી વાંચે, કંઈક જુદા જ મનોભાવથી એમાં પ્રવેશે, ત્યારે તેના રસાનુભવમાં થોડો ફેર પડે અને કૃતિના અર્થઘટન કે મૂલ્યાંકનમાં પણ અમુક ફેર પડે. દરમિયાન વિવેચનની નવી પદ્ધતિઓ અને નવાં ઓજારોથી ભાવક/વિવેચક સજ્જ બન્યો હોય તો તેના વિવેચનવિચારમાં નવીનવી કોટિઓ અને નવીનવી પરિભાષાઓ સહજ દાખલ થાય. પણ એવા પ્રસંગોમાંયે કૃતિના રસવિશ્વ સાથે તેનું સતત અનુસંધાન થાય, થતું રહે. વળી, પેઢીએ પેઢીએ અને યુગે યુગે એકની એક કૃતિ વિશે નવા જમાનાના ભાવકો/વિવેચકોના પ્રતિભાવો બદલાતા રહેવાના. આગલી પેઢીનાં વિવેચનોની ફેરતપાસ પણ થાય કે તેની પાછળનાં ગૃહીતોની ચકાસણી પણ થાય. અને એ રીતે ભાવકો/વિવેચકો પ્રસ્તુત કૃતિ વિશેના પોતાના પ્રતિભાવો અને અભિપ્રાયોને દૃઢમૂલ કરે કે બદલે. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે વિવેચન હંમેશા આત્મવિમર્શન કરતાં પહેલાં કે તેની સાથે પ્રસ્તુત કૃતિના રસવિશ્વ સાથે અનુસંધાન કેળવે છે. રસવિશ્વ એ જ તેના વિવેચનવિચારનો આધાર છે. અને એ કારણે કૃતિ વિશેનું critical statement તેના વિશિષ્ટ discourseના સંદર્ભે જ આગવું મહત્ત્વ પ્રાપ્ત કરે છે, પણ એવા critical statementને અંતિમ સ્થાપિત સત્ય તરીકેનું મૂલ્ય પ્રાપ્ત થતું નથી. એને કોઈ રીતે final conclusion કે final truth તરીકે સ્વીકારી શકાય નહિ. વિવેચનાત્મક વિધાનમાં કૃતિ કે કર્તા વિશે જે કંઈ બોધ રજૂ થાય છે તે તેને વિશે સતત ચાલનારી વિવેચનપ્રવૃત્તિનો એક તબક્કો માત્ર છે, એ રીતે એ એક અપૂર્ણ બોધ જ ઠરે છે, અને કૃતિના નવા પ્રતિભાવો સાથે એ વિવેચનવિચાર આગળ ચાલે છે, પણ જેનો કદીય અંત આવવાનો નથી એવા જ્ઞાનવ્યાપારની એ ગત્યાત્મકતા માત્ર છે.

૬ : ૧ કોઈ પણ ક્ષેત્રમાં સંશોધનની પ્રવૃત્તિ અંતે તો એક નવા તથ્યની, નવા સત્યની કે નવા જ્ઞાનની ઉપલબ્ધિ છે : એવું જ્ઞાન જેને finalityનો રણકો છે, જેમાં જ્ઞાન મેળવવાને ચોક્કસ વિષયમાં પુરાવારૂપ ચોક્કસ સામગ્રીને આધારે ચાલતી પ્રવૃત્તિનો નિશ્ચિત અંત આવે છે. સંશોધનને અંતે રજૂ થતાં ‘તારણો’-conclusions-નું આવાં નવાં ઉદ્‌ઘાટિત સત્યો તરીકે આગવું મૂલ્ય છે. સંશોધનનાં ક્ષેત્રોમાં આ રીતનાં ‘સત્યો’નો સંચય થતો રહે છે. એવાં સંચિત થતાં ‘સત્યો’, અલબત્ત, વળી નવા જ્ઞાનની ક્ષિતિજો ખુલ્લી કરી આપે એમ બને. પણ એવા ઉપલબ્ધ સત્યને કારણે પ્રસ્થાપિત સત્યોનો છેદ ઊડી જતો નથી. બલકે પૂર્વજ્ઞાત સત્યોની ભૂમિકા પરથી તેમ એ સત્યોની સાથે પૂર્ણ સંગતિ અને એકવાક્યતા સાધીને જ નવું સત્ય ટકાઉ બની શકે છે. સમાજ અને સંસ્કૃતિના વિકાસની દૃષ્ટિએ આવાં સંચિત થતાં સત્યોનું અનન્ય મહત્ત્વ છે. ૬ : ૨ સાહિત્યસંશોધનની પ્રવૃત્તિ ભૌતિક વિજ્ઞાનોની શોધપ્રવૃત્તિથી જરા જુદી કોટિની છે. ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધકો, ભૌતિક પદાર્થો કે ભૌતિક ઘટનાઓની જે રીતે તપાસ કરે છે તેમાં તેમનું ધ્યેય સાર્વત્રિક નિયમોની ઓળખ કરવાનું અને કાર્યકારણભાવે તેનો ખુલાસો કરવાનું છે. એ ક્ષેત્રમાં ભવિષ્યમાં બનનારી ઘટનાનો પણ એવા નિયમો અને કાર્યકારણના સંબંધોથી નિશ્ચિત ખ્યાલ બાંધી શકાય તે માટેની તેમની ખોજ હોય છે. પણ સાહિત્યનું જગત પ્રતિભાસંપન્ન કવિઓ અને લેખકો દ્વારા નિર્મિત થાય છે. એમાં ઇતિહાસ પુરાણદર્શન સમાજવિચાર રસશાસ્ત્ર આદિ અનેક ક્ષેત્રોની પરંપરાઓ નિશ્ચિતપણે ભાગ ભજવે જ છે. પણ સાહિત્યસર્જકના વ્યક્તિત્વમાં તેની મનોઘટનામાં તેની સર્જકપ્રતિભામાં કોઈ એવો અંશ છે જેનો વૈજ્ઞાનિક ખુલાસો આપી શકાય નહિ. એટલે સાહિત્યક્ષેત્રમાં કૃતિ કે કર્તાના અધ્યયન સંશોધન નિમિત્તે તેની સાથે સંબંધિત જે કોઈ પાસાંઓનો વિચાર કરવામાં આવે, તેમાં વિજ્ઞાનના સાર્વત્રિક નિયમો જેવા નિયમોની સ્થાપના ભાગ્યે જ સંભવે. એક રીતે સાહિત્ય-સંશોધન ઇતિહાસ વિષયના સંશોધન સાથે વધુ ગાઢ સંબંધ ધરાવતું લાગશે. ઇતિહાસમાં જે જે બનાવો બની ચૂક્યા છે તેને આધારે ભવિષ્યના બનાવોનો નિર્ણય કરી શકાય તેવા સાર્વત્રિક નિયમો સ્થાપી શકાતા નથી. પણ જે જે બનાવો બન્યા છે, જે જે ઘટનાઓ ઘટી ચૂકી છે તેની સાથે જોડાયેલાં તથ્યોની જાણકારી જરૂર મેળવી શકાય. સાહિત્યસંશોધનના ક્ષેત્રમાંય જે જે સાહિત્યિક કૃતિઓ મળે છે, સાહિત્યિક ઘટનાઓ આકાર લઈ ચૂકી છે તેને લગતાં પાયાનાં તથ્યો જાણી શકાય. સાહિત્યમાં શોધની પ્રક્રિયા ચુસ્તપણે વિજ્ઞાનીઓના જેવી ન હોય, તોપણ વિજ્ઞાનીઓના જેવી શિસ્ત એમાં અત્યંત અનિવાર્ય છે. ૬ : ૩ પ્રાચીન મધ્યકાલીન કે અર્વાચીન લેખકનો સમયનિર્ણય, તેના જીવનના બનાવો, તેની કૃતિઓ, કૃતિઓની રચનાસાલ અને રચનાક્રમ જેવી બાબતો દેખીતી રીતે જ તથ્યોની ખોજ સાથે જોડાયેલી છે. પણ ‘તથ્ય’ કે ‘સત્ય’નું ક્ષેત્ર બૃહદ્‌ છે. કૃતિ અને પ્રતિભાનો સંબંધ, કૃતિનું સ્વરૂપ, ભાષાશૈલી અને પરંપરા, કૃતિ અને કળાકારનું દર્શન તેની સૌંદર્યદૃષ્ટિ વાદ કે વિચારધારા, સમાજ, સંસ્કૃતિ, પુરાણો અને ઇતિહાસ સાથેનો સંબંધ, સાહિત્યિક ઇતિહાસ, તેની ગતિવિધિઓ અને આંદોલનો, પરસાહિત્ય અને પરસંસ્કૃતિનો પ્રભાવ – આમ કૃતિ/કૃતિસમૂહના અધ્યયનમાં અનેક બાજુએથી અનેક રીતના આંતરસંબંધોની તપાસને અવકાશ છે. પણ કૃતિ કે કર્તા વિશેની એ તપાસ વધુ વ્યાપક વધુ સર્વગ્રાહી સત્યની ઉપલબ્ધિ તરફ લઈ જાય છે. ૬:૪ સાહિત્યસંશોધનમાં પ્રસ્તુત કૃતિ કે કર્તા વિશેનું વિવેચન એ કોઈ અલગ સ્વતંત્ર પ્રવૃત્તિ હોતી નથી : કૃતિ કે કર્તા વિશેનાં વિવેચનાત્મક વિધાનો કે અવલોકનો સંશોધનના અંતિમ લક્ષ્ય તરફ અભિમુખ હોય છે, હોવાં જ જોઈએ. આપણે એમ કહી શકીએ કે આ રીતે સંશોધનકાર્યમાં સમગ્ર વિવેચનપ્રવૃત્તિ કે વિવેચનપ્રક્રિયા એ શોધ હેતુની દિશામાં અને તેને સુસંગત રહીને ચાલે છે, ચાલવી જોઈએ. અંતમાં નવા સત્યની જે ઉપલબ્ધિ થનાર છે તેનો સમગ્ર આધાર નહિ તો મુખ્ય આધાર આ વિવેચનકર્મની લક્ષ્યગામિતા છે. કહો કે સમગ્ર વિવેચનવિચાર પોતાને અર્થે નહિ, શોધના હેતુથી નિયંત્રિત થાય છે. ૬ : ૫ સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં લેખકો વિશે તેમ કૃતિઓ વિશે જુદા જુદા સમયના વિવેચકોએ જુદા જુદા અભિગમો લઈને અને વિવેચનનાં જુદાં જુદાં ઓજારો લઈને જે વિવેચનો લખ્યાં હોય તેમાં અનેક રીતનાં મતમતાંતરો જોવા મળશે કે તેમનાં મૂલ્યાંકનોમાં વત્તોઓછો ફેર પડતો દેખાશે. એમાં કેટલીક વાર તો એકની એક કૃતિ કે કર્તા વિશે પરસ્પરથી સાવ વિરોધી મંતવ્યો ઉચ્ચારાયાં હોય એમ પણ જોવા મળશે. કૃતિવિવેચનમાં વિવેચકની રુચિનો અમુક અંશે બુદ્ધિગ્રાહ્ય ખુલાસો આપી ન શકાય, અથવા કળાત્મક રુચિના પ્રવર્તનમાં કશુંક સ્વયંભૂતતાનું એવું તત્ત્વ પડ્યું હોય જેનો એકદમ તાર્કિક ખુલાસો ન મળે. એટલે આવા કોઈ અંશનો સ્વીકાર કરીએ તે પછીયે કૃતિવિવેચન પાછળના rationaleને ઘણે અંશે પકડી શકાય. વિવેચનનું લખાણ જો વ્યવસ્થિત, પદ્ધતિસરનું હોય તો તેની વિચારપ્રક્રિયા પાછળનાં મૂળ ગૃહીતો પકડી શકાય. એમ બને કે કૃતિના વિવેચનમાં પ્રસંગેપ્રસંગે વિવેચકે પોતાની સૈદ્ધાંતિક ભૂમિકાનો નિર્દેશ કર્યો હોય, પણ એવો નિર્દેશ કર્યો ન હોય ત્યાં પણ તેના વિવેચનવિચારમાં પ્રયોજાતી સંજ્ઞાઓ/વિભાવનાઓનો ‘સેટ’ કે વિભાવનાઓનું માળખું તેની પાછળનાં ગૃહીતો સૂચવી દે છે. એટલે સાહિત્યસંશોધક કોઈ એક સાહિત્યસર્જક કે કૃતિસમૂહને સંશોધનનો વિષય બનાવે છે ત્યારે એવા સર્જક કે કૃતિ વિશેનાં વિવેચનોમાં છતાં થતાં મતમતાંતરોને તે મૂળથી તપાસવા માગે છે. જુદાં જુદાં મૂલ્યાંકનો પાછળ કૃતિવિવેચનનાં જુદાં જુદાં ધોરણોનો વિનિયોગ હોય, જુદી જુદી કસોટીઓ પડી હોય કે જુદી જુદી સિદ્ધાંતવિચારણાઓનો આધાર હોય તો તે એવાં મૂળભૂત તત્ત્વોની ખોજ કરવા પ્રવૃત્ત થશે અને ઉપલક નજરે જે મતભેદો ઊપસી આવ્યા દેખાય છે તેના પાયામાં સાહિત્યવિવેચન અને કળામીમાંસાની આગવી વિચારણા પડી છે કે આગવાં ગૃહીતો રહ્યાં છે તે વિશે તે ખુલાસો કરવા પ્રેરાશે. આ રીતે સંશોધક શક્ય તેટલા વિચારભેદો ટાળતો જઈ તેના પોતાના પ્રતિપાદનમાં એક વ્યાપક વિચારવ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કરશે. અગાઉ નિર્દેશ કર્યો છે કે દરેક થીસિસ એક પૂર્ણ સુવ્યવસ્થિત વિચારણાનું તંત્ર રચે છે : સમગ્ર થીસિસ એક complete logically structured argument બનવાનો આદર્શ નજર સમક્ષ રાખે છે. ૬ : ૬ સંશોધન, દેખીતી રીતે જ, એક બૌદ્ધિક ખોજની પ્રવૃત્તિ છે. શોધવિષયમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય તે મુખ્યત્વે–નિશ્ચિત જ્ઞાનનાં સમગ્ર મંડળો, ઘટનાઓ વિશે રચેલાં વિધાનો, અંતમાં પ્રાપ્ત થતાં તારણો, કશાકને માટે કોઈની ઉક્તિ અને ખરેખરા સંબંધોનું વિધાન વગેરેમાં પ્રાપ્ત થાય છે. સાહિત્યકૃતિની બાબતમાં નિશ્ચિત બોધ આપતાં અને સત્યની ઉપલબ્ધિરૂપ વિધાનો ઓળખવાનું સહેલું નથી. ખરેખર તો સંશોધનમાં આધારસામગ્રી અને તેમાં નિહિત તથ્યો એક સ્તરે મૂકીએ, તો અંતનાં તારણરૂપ સત્યો એ સર્વ સામગ્રી અને તેમાંનાં તથ્યોને અતિક્રમી જાય છે, અને વધુ વ્યાપક, વધુ સર્વાશ્લેષી સત્યો રૂપે તે ઊપસી આવે છે. ૬:૭ સાહિત્યસંશોધક કૃતિ, કર્તા કે અન્ય સંબંધિત વિષયોમાં તપાસ આદરે છે ત્યારે જે જે લખાણો તેની સામે આવે છે તે તેની પ્રાથમિક પુરાવા રૂપ સામગ્રી છે. એનું ‘વાચન’ કરતાં સામગ્રીમાં નિહિત રહેલાં તથ્યો મળી આવે કે સામગ્રીમાંની કોઈ વિગતનું અર્થઘટન કરતાં નવાં તથ્યો ઉપલબ્ધ થાય. પણ સંશોધક પોતાના ‘વાચન’ની પ્રવૃત્તિમાં સામે પડેલા પુરાવાઓને જ છેવટ સુધી વળગી રહે એ અનિવાર્ય છે. એ ખરું કે ‘દૂષિત’ હસ્તપ્રતના વાચનમાં પુરાવો સ્વયં ધરમૂળથી ચકાસણી માગે એમ બને, પણ જ્યાં પુરાવારૂપ પાઠ અખંડ હોય ત્યાં તેનાથી દૂર હઠીને કે તેની અવગણના કરીને કોઈ સંશોધક speculationથી કોઈ સ્થાપના કરવા પ્રેરાય તો એમાં મોટું જોખમ રહ્યું છે. કૃતિની કોઈ પણ એક નાની વિગત કે નાના સંદર્ભના અર્થઘટનમાં એની પ્રસ્તુતતા અને સુસંગતતાના આગવા પ્રશ્નો સંભવે છે. ૬ : ૮ તર્કશુદ્ધ અને સંગતિપૂર્ણ પ્રતિપાદન એ સંશોધનપ્રવૃત્તિનું હાર્દ છે. હસ્તપ્રતોના વાચન-અર્થઘટનમાં છેલ્લા પાઠના નિર્ણય સુધી સંશોધક ઉપલબ્ધ સામગ્રીને આધારે જે તર્ક કરે છે કે એને વિશેના પૂર્વસ્થાપિત વિધાનની તાર્કિક ચકાસણી કરે છે તેમાં સંશોધનની કેન્દ્રવર્તી સંચલના પ્રત્યક્ષ થાય છે. ઉ.ત., આપણા એક અભ્યાસી ડૉ. રમણલાલ પાઠકે તેમના અભ્યાસગ્રંથ ‘અખો : એક સ્વાધ્યાય’માં પૃ. ૧૦૦–૧૦૧ પર અખાની ચતુઃશ્લોકી ભાગવત પરની ગદ્યટીકાની નોંધ લઈ એ ‘રચના’ને અખાની ગણવા માટે ત્રણ કારણો આગળ ધર્યાં છે. એક, અખાએ ટીકા-ભાષ્ય લખવાની પ્રવૃત્તિ કરી છે. જેમ કે, અખાના ‘પંચીકરણ’ને પંચીકરણ મહાવાક્યની ટીકા તરીકે ઓળખાવવામાં આવેલ છે. બે, અખાની અન્ય રચનાઓમાંની નીચેની પંક્તિઓ પ્રસ્તુત કૃતિનું સૂચન કરે છે : ‘અખો તે ઉરમાં ગ્રહે, જે કહી ચતુઃશ્લોકે’ (‘અખાની વાણી’ : પદ ૪૦); ‘સોચ વિચારી દેખો સંતો ચતુઃશ્લોકી કહાવે’ (‘અક્ષયરસ’ : ભજન ૨૨). ત્રણ, કૃતિના અંતની હિંદી સાખીમાં ‘સોના’ અર્થાત્‌ ‘અખા સોની’ દ્વારા કવિએ પોતાનો નામસંકેત શ્લેષાત્મક રૂપે રજૂ કર્યો છે. આપણા બીજા અભ્યાસી જયંત કોઠારીએ ડૉ. રમણલાલ પાઠકના આ ત્રણે આધારો અખાનું કર્તૃત્વ સ્થાપી આપવા સમર્થ જણાતા નથી એમ પ્રતિપાદિત કર્યું છે. ત્રણે દલીલોનો જયંત કોઠારીએ જે રીતે પ્રતિવાદ કર્યો છે તેની તાર્કિકતા ખાસ ધ્યાનાર્હ છે. પહેલી દલીલની સામે જયંત કોઠારી એમ કહે છે કે ચતુઃશ્લોકી ભાગવતની આ ગદ્ય ટીકા તે કેવળ શબ્દાર્થ/સમજૂતી છે. અખાની એ પ્રકારની બીજી કોઈ રચના જોવા મળતી નથી. એ પણ ખ્યાલમાં રાખવું જોઈએ કે અખાની બીજી કોઈ ગદ્યરચના જ મળતી નથી. વળી ‘પંચીકરણ’ એ આ જાતનું શબ્દાર્થવિવરણ નથી; અખાની સ્વતંત્ર કલ્પ અને પદ્યમય કૃતિ છે. અને પંચીકરણ મહાવાક્યની ટીકા તો પુષ્ટિકામાં કહેલી છે. અખાએ આપેલી એ ઓળખ નથી. ઓછામાં ઓછું, આવા કોઈ કારણથી અખાનું આ કૃતિનું કર્તૃત્વ સ્થાપિત થાય પણ નહિ. ડૉ. પાઠકની બીજી દલીલનો પ્રતિવાદ કરતાં જયંત કોઠારી કહે છે કે ભાગવતની ચતુઃશ્લોકીનો અખો ક્યાંક સંદર્ભ આપે, એથી એણે એની ગદ્યટીકા લખી છે એવું કેવી રીતે સાબિત થાય? અખાની કૃતિઓમાં આવા અનેક પ્રસિદ્ધ ગ્રંથો કે ગ્રંથભાગોના નિર્દેશો આવે છે. પોતે રજૂ કરેલા વિચારોનાં મૂળ દર્શાવતા એ આમ કરે છે. ડૉ. પાઠકની ત્રીજી દલીલના સંદર્ભે જયંત કોઠારી હિંદી સાખી ઉતારે છે : ‘આદિ સોના, અંતે સોના, મધ્યે સોનંસોના/તીન ઘટકી રેવણ જાણે, તો ઘટ પાપ ન પોના.’ જયંત કોઠારી આ સાખીને અનુલક્ષીને એવો પ્રશ્ન કરે છે કે એમાં તો માત્ર ‘સોના’ શબ્દ છે. એના પરથી ‘અખો સોની’ અર્થ કેવી રીતે સૂચવાય? તેઓ વળી આપણું ધ્યાન એ હકીકત તરફ ખેંચે છે કે અહીં ઇતિવાક્ય પછી સાખી છે. એટલે એ ખરેખર તો કૃતિ બહારની વસ્તુ જ છે. અને ઇતિવાક્યમાં તો અખાનો કોઈ નામનિર્દેશ નથી. તો જયંત કોઠારી આ આખા પ્રતિવાદમાં ડૉ. પાઠકની રજૂઆત સામે જે વાંધાઓ મૂકે છે તેમાં તેઓ પ્રસ્તુત વિષયક્ષેત્રની પોતાની બહુશ્રુત વિદ્વત્તાના પ્રકાશમાં નક્કર તાર્કિક દલીલો રજૂ કરતા જણાશે. અહીં સંશોધનની પ્રવૃત્તિ અને પ્રક્રિયાની દૃષ્ટિએ સૌથી ધ્યાનપાત્ર બાબત એ છે કે કોઈ એક નવા જ્ઞાનની કે નવા તથ્યની ઉપલબ્ધિ અર્થે જે તાર્કિક ચિંતન ચાલે છે તેમાં આ વિષયનાં નક્કર તથ્યોનો આધાર છે. ૭ : ૧ આપણા પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યના ક્ષેત્રમાં, એટલે કે સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં, સંશોધન-સંપાદનની પ્રવૃત્તિને અનુલક્ષીને ઘણા કૂટ અને જટિલ કોયડાઓનો સામનો કરવાનો આવે છે. એ પૈકી સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની વિશાળ પરંપરામાં પ્રવેશ કરવાને એ સર્વ ભાષાઓનું સંગીન જ્ઞાન આવશ્યક છે જ, પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધન અધ્યયન માટે એ ભાષાઓની જાણકારી એટલી જ આવશ્યક છે. આખીય પરંપરાના જ્ઞાન વિના આ ક્ષેત્રનું સંશોધન કોઈક રીતે અધૂરું કે સીમિત રહી જાય એમ બનવાનું. મધ્યકાલીન ગુજરાતીની કૃતિઓના સંશોધન-સંપાદન અર્થે તત્કાલીન ભાષા, સમાજ, દર્શન, ઇતિહાસ, ભૂગોળ, ધર્મ, પુરાણ, આખ્યાન આદિ અનેક વિષયોની જાણકારી જરૂરી બને છે. હકીકતમાં, વર્ણ્યવિષયો, કાવ્યસ્વરૂપો, પદ્યબંધો, પ્રાસાદિ રચનાપ્રયુક્તિઓ, કથનવર્ણનની રીતિઓ, અલંકારનિર્મિતિઓ અને ચરિત્રચિત્રણની પરિપાટીઓ એમ અનેક સ્તરોએ પાછળ લાંબી સાહિત્યિક પરંપરાઓ પડી છે. એટલે એ ક્ષેત્રના સંશોધક પાસે વ્યુત્પન્ન પાંડિત્ય, બહુશ્રુતતા અને બૌદ્ધિક સજ્જતા અપેક્ષિત છે. એટલું જ નહિ, તર્કશાસ્ત્રની કઠોર તાલીમ પણ તેણે મેળવેલી હોવી જોઈએ. આ ક્ષેત્રની સંશોધનપ્રવૃત્તિને ઘણી વાર ક્લાસિકલ સ્કૉલરશીપનું ગૌરવ આપવામાં આવે છે તે ઉચિત જ છે. કેમ કે, સાહિત્યસંશોધનના સૌથી કૂટ અને દુર્ભેદ્ય પ્રશ્નો આ ક્ષેત્રમાં ઊભા થાય છે અને શોધપદ્ધતિની સખ્ત જરૂરિયાત આ ક્ષેત્રના સંશોધકને વરતાતી રહે છે. આ ક્ષેત્રમાં કામ કરનારા આપણા કેટલાક અગ્રણી સંશોધકોએ આ ક્ષેત્રની સંશોધનપદ્ધતિના પ્રશ્નોની કેટલીક ઝીણવટભરી તાત્ત્વિક છણાવટો કરી છે. એ પૈકી ડૉ. હરિવલ્લભ ભાયાણી અને જયંત કોઠારીની ચર્ચાવિચારણાઓ ઘણી દ્યોતક બની છે. ૭ : ૨ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધનની વાત કરીએ, એટલે આપણા સમૃદ્ધ વારસામાં મળેલી હસ્તપ્રતોને આધારે કૃતિના પાઠના સંશોધન, સંપાદનના પ્રશ્નો આપણે ઉકેલવાના આવે. સંશોધકે એ યુગની ભાષા અને લિપિની સંગીન જાણકારી મેળવી લેવાની રહે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ હસ્તપ્રત કે હસ્તપ્રતોને આધારે શુદ્ધ વાચના કે શુદ્ધ પાઠ નિર્ણીત કરવો એ સૌથી પાયાનું અને સૌથી પ્રાથમિક કાર્ય છે. જે જે હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ હોય તેમાં અમુક ભાગ ખંડિત થયો હોય, ભ્રષ્ટ થયો હોય કે ઊકલી ન શકે તેવો હોય ત્યાં અસલ પાઠની પુનઃરચના કરવી કે તેની સ્થાપના કરવી એ ઘણું મોટું, પડકારરૂપ, કાર્ય છે. અને, એક જ કૃતિની એકથી વધુ હસ્તપ્રતો મળી આવે ત્યાં તો તેના અસલ પ્રમાણભૂત પાઠની સ્થાપના એથીય દુષ્કર કામ બની રહે એવો સંભવ છે. એ જમાનામાં લહિયાઓએ પોતાની નજર સામે હસ્તપ્રત રાખીને તેની નકલો તૈયાર કરી આપી તેથી છાપખાના વિનાના એ સમયમાં પણ અમુક અંશે સાહિત્ય અને બીજી વિદ્યાઓનો પ્રસાર થયો : સાંસ્કૃતિક દૃષ્ટિએ તેમની એ મોટી સેવા રહી છે – પણ પ્રમાદ કે અનવધાનની ક્ષણોમાં તેમણે હસ્તપ્રતલેખનમાં ક્યાંક ને ક્યાંક દોષો કર્યા જ છે. એટલે આપણા સમયના સંશોધકે પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી મૂળ પાઠ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનું જરૂરી બને છે. ૭ : ૩ મધ્યકાલીન કૃતિના સંશોધન-સંપાદન અર્થે સંશોધકે જેટલી અને જે કોઈ હસ્તપ્રત મળે તે મેળવવાની રહે, અને તેની તુલનાત્મક પરીક્ષા કરીને આગળ ચાલવાનું રહે. ઉપલબ્ધ પ્રતોમાં જૂનામાં જૂની અને ક્યાંય ભ્રષ્ટ નહીં કે ઓછામાં ઓછી ભ્રષ્ટ હસ્તપ્રતને મુખ્ય આધાર તરીકે લઈ બીજી પ્રતોના પાઠફેર તેની પાદટીપમાં નોંધવાના રહે. એવી કોઈ એક હસ્તપ્રતની વાચનાને મુખ્ય આધાર લઈને ચાલતાં એક લાભ એ છે કે એ પાઠની ભાષા, શબ્દાર્થો, પદ્યબંધ, પ્રસ્તુતિકરણની રીતિ, કથનવર્ણનની ચોક્કસ પરિપાટી બધું યથાતથ રૂપમાં મળે. એટલે જ્યાં કોઈ શબ્દરૂપ કે વ્યાકરણીય કોટિ ઉકેલવાનો પ્રસંગ આવે, કોઈ અપરિચિત શબ્દનો અર્થ નક્કી કરવાનો આવે કે એમાંના ભ્રષ્ટ પાઠની સ્થાપના કરવાની આવે ત્યારે એ પાઠ સ્વયં અમુક ચાવીઓ પૂરી પાડતો હોય એમ જોવા મળશે. ૭ : ૪ હસ્તપ્રતમાંનો પાઠ પહેલાં નિર્ણીત થાય અને એમાંના દુર્બોધ લાગતા શબ્દો કે શબ્દસમૂહોના અર્થ એ પછીથી નિર્ધારિત થાય એવો કોઈ ક્રમ સંભવતો નથી, હકીકતમાં, પાઠનિર્ધારણ અને શબ્દોના અર્થનિશ્ચયની પ્રક્રિયા લગભગ એક્સાથે ચાલે છે, એમાં એક બાજુ દુર્બોધ લાગતા શબ્દની વ્યાકરણીય કોટિ અને વાક્યમાં તેના અન્વયનો બોધ થવો જરૂરી છે, તો બીજી બાજુ એવા શબ્દની વ્યાકરણીય કોટિ અને અન્વયનો નિશ્ચય કરવામાં તેના અર્થની જાણકારી અપેક્ષિત છે. મધ્યકાલીન ભાષાનું વ્યાકરણ અને તેના ઉપલબ્ધ શબ્દાર્થસંચયો આવા અર્થનિર્ણયમાં ખૂબ ઉપકારક બની રહે છે, પણ એ સાથે ધર્મ, પુરાણ, દર્શન, સંસ્કૃતિ, ઇતિહાસ અને સાહિત્ય એ સર્વ ક્ષેત્રોની જાણકારી પણ જરૂરી છે. સંશોધક ત્યાં માત્ર સાહિત્યવિદ્‌ હોય તે પૂરતું નથી : બધાં જ્ઞાનવિજ્ઞાનનાં ક્ષેત્રોમાં તેનો પ્રવેશ હોવો જોઈએ. ૭ : ૫ પ્રાચીન/મધ્યકાલીન કૃતિના પાઠનિર્ણયના કાર્યમાં સંશોધકે એક કઠોર શિસ્ત એ સ્વીકારવાની હોય છે કે ઉપલબ્ધ હસ્તપ્રતમાં પાઠ જે રૂપે મળ્યો હોય તે રૂપે જ પહેલાં તો સ્વીકારવાનો છે. એમાં જે કોઈ અંશ દુર્ગ્રાહ્ય લાગે કે આસપાસના સંદર્ભમાં મેળ ખાતો ન લાગે તો પણ ઉતાવળમાં તેનો એકદમ અસ્વીકાર ન કરવો જોઈએ. સંભવ છે કે એવા સંદર્ભમાં પ્રાપ્ત થતા શબ્દનો અર્થ તમને અણજાણ હોય કે તેની વ્યાકરણીય કોટિનું જ્ઞાન ન હોય, પણ ખંતથી, ધીરજથી એવો સંદર્ભ ઉકેલવા મથ્યા કરો, અને તમને એવા અંશનો અર્થ બરોબર બંધબેસતો મળી જાય. પ્રસ્તુત કૃતિમાંથી, તેના કર્તાની અન્ય કૃતિઓમાંથી કે આખી મધ્યકાલીન પરંપરાની અન્ય કોઈ કૃતિમાંથી તેના ઉકેલની ચાવી મળી આવે એ અસંભવિત નથી. ૭ : ૬ પ્રાચીન/મધ્યકાલીન કૃતિના પાઠસંપાદનમાં જે તે કૃતિની પ્રાપ્ત થયેલી જુદા જુદા પ્રદેશની ને જુદા જુદા કાળની હસ્તપ્રતો વચ્ચે ક્યાંક વિવેક કરવાના કે તેની ઉપયોગિતાનો પ્રશ્ન વિચારવાના પ્રસંગોય આવે છે. એમાં પ્રશ્ન માત્ર પાઠફેર નોંધવાનો હોતો નથી. તેમાં દાખલ થયેલા પ્રક્ષેપો કે પાછળનાં ઉમેરણો નક્કી કરવાનો પણ છે. એવા પ્રસંગે મુખ્ય આધાર તરીકે કઈ હસ્તપ્રત કે હસ્તપ્રતો તમે સ્વીકારો છો તે પણ અત્યંત મહત્ત્વની બાબત છે. પ્રો. ગૌરીશંકર ઝાલાએ વાલ્મીકિ રામાયણની critical edition તૈયાર કરવાના પ્રોજેક્ટમાં આપણા વિદ્વાન સંશોધકોએ એ અંગે ઉપલબ્ધ થયેલી હસ્તપ્રતોની ઉપયોગિતાનો જે રીતે વિવેકવિચાર કર્યો તેને લગતો એક મહત્ત્વપૂર્ણ અભ્યાસલેખ પ્રગટ કરેલો છે. તેમણે નોંધ્યું છે તે પ્રમાણે વાલ્મીકિ રામાયણની આપણા દેશમાં જુદી જુદી વાચનાઓ મળે છે. છેલ્લાં એક હજાર વર્ષોમાં સમગ્ર રામાયણની તેમ તેના કોઈ એક કે એકથી વધુ કાંડો આલેખતી સેંકડો હસ્તપ્રતો મળી છે. એમાં લિપિની દૃષ્ટિએ, પ્રાચીનતાની દૃષ્ટિએ તેમ પાઠશુદ્ધિની દૃષ્ટિએ ૮૬ પ્રતો અલગ તારવવામાં આવી છે. એમાં ઉદીચ્ય અને દાક્ષિણાત્ય એવી વાચનાઓમાં દાક્ષિણાત્ય વધુ પ્રાચીન અને શ્રદ્ધેય જણાઈ છે. આ મહાકાવ્યનો સમીક્ષાત્મક પાઠ તૈયાર કરતાં પહેલાં એની હસ્તપ્રતોનું એક વંશવૃક્ષ તૈયાર કરવાની જરૂર પડી છે. ૮ : ૧ પ્રાચીન/મધ્યકાલીન સાહિત્યની આપણી ઘણી લાંબી પરંપરામાંથી કોઈ એક સાહિત્યકૃતિ કે સાહિત્યકારના સમગ્ર સાહિત્યનું સંશોધન-અધ્યયન હાથમાં લઈએ, ત્યારે પ્રસ્તુત કૃતિઓના શુદ્ધ પાઠના પ્રશ્નોનો સામનો કરવાનો આવે જ છે, પણ તે સાથે કવિના આયુષ્યનો સમયનિર્ણય, તેના જીવનના બનાવો, તેનું વ્યક્તિત્વ, તેની મનોઘટના, તેનું દર્શન, તેના પ્રેરણાસ્રોતો, અનુગામીઓ પર તેનો પ્રભાવ, તેના સાહિત્યના વિષયો, તેણે ખેડેલાં કાવ્યસ્વરૂપો, કૃતિઓની રચનાસાલ, તેમનો રચનાક્રમ અને પરસ્પરનો આંતરસંબંધ અને સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક પરંપરાઓ સાથે કવિનું અનુસંધાન – જેવી અસંખ્ય સંબંધિત બાબતોની તપાસ કરવાની આવે. આપણે આપણા મધ્યકાલીન સાહિત્યના બે અગ્રણી ભક્તકવિઓ નરસિંહ અને મીરાંના જીવન અને કવન અંગે આજ સુધીમાં જે જે પ્રશ્નો છણાતા રહ્યા છે તેની માત્ર ઝલક નિહાળીએ તોપણ તેમના સંશોધન-સંપાદનના મૂળભૂત પ્રશ્નોનો ખ્યાલ આવી જશે. ૮ : ૨ મધ્યકાલીન કૃતિઓના સંશોધન-સંપાદન પરત્વે પાઠનિર્ણયના પ્રશ્નો વધુ જટિલ છે. એ રીતે કે ભક્તકવિઓને નામે તેમના અનેક અનુયાયીઓએ રચના કરી છે અને તેથી એ કવિઓના નામની છાપવાળી કૃતિઓના કર્તૃત્વનિર્ણયના ઘણા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. નરસિંહની અને તેને નામે ચઢાવેલી કૃતિઓ વચ્ચે હવે અંતિમ વિવેક કરવાનું મુશ્કેલ બની ગયું છે. એટલે હવે નરસિંહપરંપરા – Narsinh Tradition – જેવી સંજ્ઞાથી એ પદસાહિત્યને ઓળખવાને સૂચન થયું છે. મીરાંનાં પદોની બાબતમાં પણ કર્તૃત્વનો પ્રશ્ન એથી જરીકે ઓછો જટિલ નથી. સૈદ્ધાંતિક સ્તરે કર્તૃત્વનિર્ધારણ અંગે કેટલુંક સંગીન ચિંતન પણ થયું છે. કૃતિની ભાષા, શૈલી, વિષયનિરૂપણરીતિ, પદ્યબંધની પદ્ધતિ ભાવભાવના કે વિચારતંત્ર જેવા આંતરિક પુરાવાઓને આધારે તેમ કર્તાના પોતાના અન્ય ગ્રંથોમાં કે અન્ય કવિઓના સાહિત્યમાં મળતા ઉલ્લેખોને આધારે આવા કર્તૃત્વનિર્ણયના પ્રશ્નના ઉકેલની દિશામાં આગળ વધી શકાય. આ આખી તપાસ ખૂબ સાવચેતી માગે છે. અને છતાં એ રીતે કોઈ કૃતિના કર્તૃત્વ વિશે અંતિમ નિર્ણય કરવાનું અત્યંત મુશ્કેલ બની રહે છે. ૮ : ૩ મધ્યકાલીન કૃતિ/કર્તાના સંશોધન-અધ્યયનમાં આ તબક્કે તેના વિવેચન-મૂલ્યાંકનના આગવા પ્રશ્નોય ઊભા થાય છે. અહીં એ વિશે વિગતે ચર્ચા કરવાને અવકાશ નથી. એ છતાં એટલું તો નોંધવું જ જોઈએ કે આજે આપણે કવિતા કે સાહિત્યની જે સમજ ધરાવીએ છીએ અને એના પ્રકાશમાં કૃતિવિવેચનનાં જે ધોરણો સ્વીકાર્યાં છે તે મધ્યકાલીન કૃતિઓ પરત્વે કેટલાં પ્રસ્તુત છે તે વિચારણીય બાબત છે. ૯ : ૧ આ લેખના આરંભમાં નોંધ્યું છે તેમ, અર્વાચીન સાહિત્યના સંશોધન-અધ્યયનનાં ક્ષેત્રો ધીમેધીમે ખૂલી રહ્યાં છે. એ પૈકી કોઈ એક સાહિત્યકારનો – તેના વ્યક્તિત્વ અને વાઙ્‌મયનો સર્વગ્રાહી અભ્યાસ એ એક વ્યાપક બનેલું ક્ષેત્ર છે. નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, મણિલાલ નભુભાઈ, ગોવર્ધનરામ ત્રિપાઠી, નરસિંહરાવ દીવેટિયા, બળવંતરાય ઠાકોર, ન્હાનાલાલ, કલાપી, રામનારાયણ પાઠક, કાકાસાહેબ કાલેલકર, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ઉશનસ્‌, જયન્ત પાઠક, સુરેશ જોષી અને બીજા અનેક લેખકો વિશે આપણને અધ્યયનો મળ્યાં છે. પ્રસ્તુત સાહિત્યકાર અને તેમનાં સમગ્ર લખાણો – એ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી અધ્યયનની એમાં અપેક્ષા હોય છે. એ સાહિત્યકાર અને તેની કૃતિઓ વિશે અધ્યયન-વિવેચન રૂપે જે જે લખાણો થયાં હોય તેનું સંગીન અધ્યયન પણ એમાં અપેક્ષિત છે. અહીં ઉપક્રમ માત્ર કૃતિઓના અલગ અલગ વિવેચનનો કે આસ્વાદનનો ન હોઈ શકે. એ સર્વ કૃતિઓના મૂળમાં લેખકનો જે બીજકોષ – oeuvre – છે, તેની ઓળખ કરીને તેની એ સર્વ કૃતિઓમાં નિહિત રહેલી કોઈ મૂળભૂત એકતાની ખોજ ચલાવવાની રહે. કૃતિઓના પરસ્પરના સજીવ સંબંધો, તેમાં ઊપસતા વર્ણ્યવિષયો(themes)ની સમાનતા અને ભિન્નતા, આકાર-પ્રકારનું સાતત્ય અને તેમાં આવતાં પરિવર્તનો, શૈલી અને રચનાપ્રયુક્તિઓમાં આવેલા ફેરફારો વગેરેની તપાસ અહીં મહત્ત્વની બને છે. અને એને અનુષંગે લેખકનો કળાવિચાર કે કળાસર્જન પરત્વે તેનો અભિગમ, તેની મૂળભૂત સંવેદનશીલતા, તેનું વિશ્વદર્શન, તેની વિચારસરણીપરક પ્રતિબદ્ધતા જેવી બાબતોનોય ઝીણવટભર્યો વિચાર કરવાનો આવે. કૃતિઓમાંથી ઉપલબ્ધ થતા પુરાવાઓ ઉપરાંત લેખકનાં પોતાનાં અન્ય લખાણો, નિવેદનો, કેફિયતો વગેરેમાંથી પણ તેને લગતાં સમર્થનો મેળવી શકાય. આ પ્રકારના સંશોધન-અધ્યયનમાં આપણે ખરેખર શેની ખોજ કરવા પ્રવૃત્ત થઈએ છીએ? લેખકની કોઈ એક બે કે અન્ય સર્વ કૃતિઓના અલગ અલગ આસ્વાદો કે દરેકનાં અલગ સ્વતંત્ર વિવેચનો એનું અંતિમ લક્ષ્ય નથી જ. અહીં ખરેખર તો જે એક પ્રતિભાવિશેષને અનુલક્ષીને આપણે તપાસ કરીએ છીએ તેમાં – કૃતિઓ વચ્ચેના સજીવ આંતરસંબંધો કર્તાના દર્શન અને તેની સંવેદનશીલતાનું ઘડતર અને તેનો વિકાસ, કૃતિઓ અને કળાકારના કળાદર્શન વચ્ચેનો આંતરસંબંધ, કૃતિઓ અને પરંપરાઓનો સંબંધ, કૃતિઓ અને યુગચેતનાનો સંબંધ, એમ અનેકવિધ સ્તરોએથી આંતરસંબંધોની સ્થાપના કરવાની છે. બલકે, એ કૃતિઓ અને કર્તાઓ વિશેનાં અગાઉનાં સર્વ લખાણોની તાત્ત્વિક સ્તરેથી ફેરતપાસ કરવાની રહે. જ્યાં કોઈ કૃતિ વિશેના અધ્યયન-વિવેચનમાં અભિગમનો ફેર હોય, અભિપ્રાયફેર હોય કે અર્થઘટન કે મૂલ્યાંકનમાં ફેર હોય તો એવાં મતમતાંતરો પાછળની મૂળભૂત દૃષ્ટિમાં કે અભિગમમાં જે ફેર હોય તેની અને અંતે જતાં તેના પાયાનાં ગૃહીતોમાં જે ફેર હોય તેની ઊંડી અને વ્યાપક સ્તરની તપાસ કરવાની રહે; અને એવા સ્તરેથી તેમાં આંતરસંબંધોની ઓળખ કરીને શક્ય તેટલી વ્યાપક અને સર્વગ્રાહી વિચારવ્યવસ્થા ઊભી કરવાની રહે. એ ખરું કે કૃતિઓ વિશેનાં અર્થઘટનો અને મૂલ્યાંકનોમાં જોવા મળતા બધા મતભેદોનું નિરાકરણ કરી આપે એવી અપેક્ષા ન રાખી શકીએ. પણ એવાં મતમતાંતરો વચ્ચેથી વ્યાપક સ્વીકારની ભૂમિકા રચી આપે તો તે પર્યાપ્ત છે. મહત્ત્વની વાત એ છે કે કૃતિનો વિવેચનવિચાર, કર્તાનું સર્જકમાનસ, યુગચેતના અને બીજા સંબંધિત જ્ઞાનવિજ્ઞાન વચ્ચે આંતરસંબંધોની સ્થાપનામાં એવી વ્યાપક ભૂમિકા ઊપસી આવે છે. ૯ : ૨ સંશોધન-અધ્યયન અર્થે સંશોધક આપણા સાહિત્યના ઇતિહાસમાંથી કોઈ એક યુગના સમગ્ર સાહિત્યનો કે તેમાં વિકસેલા કોઈ એક વિશિષ્ટ સાહિત્યસ્વરૂપની ગતિવિધિઓનો કે તેમાં પ્રવર્તેલી કોઈ વિચારધારા, વાદ કે હિલચાલના પ્રભાવ નીચે જન્મેલા સાહિત્યનો વિષય પસંદ કરે છે, ત્યારે તપાસનું કેન્દ્ર થોડું બદલાય છે. આ સંદર્ભમાં સાહિત્યિક યુગ-(literary period)ની વિભાવના અત્યંત મહત્ત્વની બની રહે છે : શોધન અધ્યયનમાં એ વિભાવના જ મુખ્યત્વે પ્રવર્તક અને નિર્ધારક તત્ત્વ બની રહે છે. જોકે આપણે ત્યાં સાહિત્યના ઇતિહાસો લખવાના નોંધપાત્ર પ્રયત્નો થયા છે. પણ એની વિભાવના બાંધવાની દિશામાં ખાસ પ્રયત્નો થયા નથી. એ કારણે ‘સાહિત્યિક યુગ’ વિશેની આપણી સમજ ઠીક ઠીક ધૂંધળી રહી જવા પામી છે. કહો કે એ ઘણી ઉપરછલ્લી અને સરલીકૃત રહી જવા પામી છે. એમાં મધ્યકાલીન સાહિત્યમાં નરસિંહ પૂર્વેનો રાસયુગ અને નરસિંહથી દયારામ સુધીનો પ્રવાહ એમ બે મોટા સમયખંડો આંકીને ચલાવી લેવું પડ્યું છે; જ્યારે અર્વાચીન સમયમાં નર્મદયુગ કે સંસારસુધારાનો યુગ, ગોવર્ધનરામયુગ કે સાક્ષરયુગ, ગાંધીયુગ અને સ્વાતંત્ર્યોત્તર સાહિત્ય એવા ચાર યુગોનું વ્યવસ્થિત રેખાંકન જરૂર થયું છે, પણ એ દરેકની વિશિષ્ટ યુગચેતનાનું ઉદ્‌ઘાટન કરવાનું આપણને બહુ ફાવ્યું નથી. યુગબોધના સંદર્ભે આપણે ઘણુંખરું તો પ્રસ્તુત સમયખંડની મુખ્ય વિચારણાઓ-સામાજિક, સાંસ્કૃતિક કે સાહિત્યિક-નો સાર રજૂ કરીએ કે એ સમયની વિચારણાઓને જન્માવનાર અમુક રાજકીય સામાજિક ઘટનાઓનો ઉલ્લેખ કરીએ, અને યુગની સાહિત્યપ્રવૃત્તિઓ સાથે તેને કોઈક સ્તરે જોડી આપવાનો પ્રયત્ન કરીએ. પણ આ પ્રકારનું યુગદર્શન ઘણું ઉપરછલ્લું અને સરલીકૃત સંભવે છે. હકીકતમાં, યુગનું હાર્દ પકડવાને તેમાં જન્મેલા નવા વિચારો, વાદો કે હિલચાલો અને આગલા યુગમાં પ્રતિષ્ઠિત થયેલી વિચારધારાઓ સામેનો તેનો પ્રતિવાદ કે સંઘર્ષ પકડમાં લેવાનો રહે. આપણે એ વાત પણ સ્મરણમાં રાખવી જોઈએ કે આવા દરેક યુગમાં મુખ્ય ગૌણ પરસ્પરથી ભિન્ન બલકે વિરોધી લાગતી વિચારણાઓ ચાલતી રહી છે. પણ એમાંની અમુક પ્રાણવાન વિચારણાઓ જ એ યુગના સાહિત્ય અને સંસ્કૃતિને પ્રેરક અને પ્રભાવક બળ બને છે. આવા યુગમાં સાહિત્યકળાની કોઈ વિશેષ વિભાવના કામ કરી રહી હોય, અથવા સમાંતરે બે વિભાવનાઓ સ્વીકારાતી રહી હોય અને બંને વચ્ચે કશુંક આદાનપ્રદાન થયું હોય કે બંને વચ્ચે સંઘર્ષો ચાલ્યા હોય તો સાહિત્યિક પ્રવાહોની દૃષ્ટિએ એ બાબતો ધ્યાનમાં લેવાની રહે. વળી દરેક યુગમાં ચોક્કસ વર્ણ્યવિષયો ઊપસે છે તેમ અમુક પદ્ય/ગદ્ય સ્વરૂપો પ્રાધાન્ય ભોગવે છે તો તે સર્વ ઘટનાઓનેય યુગની ચેતના સાથે સાંકળવાની રહે. ટૂંકમાં આ પ્રકારના અધ્યયનમાં કૃતિઓ/કર્તાઓના અલગઅલગ વિવેચનથી કામ પૂરું થતું નથી. યુગનિર્ધારક બાહ્ય અને આંતરિક બળો સાથેના તેમના સંકુલ આંતરસંબંધો સ્થાપી આપવાના રહે. ૯ : ૩ આપણા સાહિત્યિક અધ્યયનનું એક ક્ષેત્ર તે સાહિત્યસ્વરૂપોના ઉદ્‌ભવવિકાસની તપાસનું છે. એ રીતે આપણા મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યનાં અનેક પદ્ય/ગદ્ય સ્વરૂપોનાં અધ્યયનો આપણને મળ્યાં છે. આ પ્રકારનાં અધ્યયનોમાં જ્યાં મધ્યકાલીન સ્વરૂપની તપાસ છે તેમાં તેના ઉદ્‌ભવવિકાસની કથા નિમિત્તે અમુક સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિઓની અને પરિબળોની ચર્ચા મળે છે. પણ એ સમયનાં સ્વરૂપો પરસ્પરમાં કેવી રીતે ગૂંથાયાં છે કે પરસ્પરના ઘડતરમાં કેવો ભાગ ભજવે છે તે બાબત ગૌણ રહી જતી દેખાય છે. સાહિત્યિક પરંપરાના ભાગરૂપે, કથનવર્ણનની રીતિ, અલંકારનિર્મિતિ કે અન્ય રચનાપ્રયુક્તિઓમાં સાતત્ય, વિચલન, તૂટ, નવસર્જનની પ્રક્રિયા પર પણ ખાસ લક્ષ અપાયું દેખાતું નથી. અર્વાચીન સાહિત્યનાં સ્વરૂપો – ગદ્યનાં કે પદ્યનાં – તેના ઉદ્‌ભવવિકાસની કથા નિમિત્તે અમુક સામાજિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓ અને પરિબળોની વાત થાય છે, પણ વ્યાપકપણે તેમાં આવતાં પરિવર્તનો કે રૂપાંતરો કે તેના આંતરિક સંયોજનોના પ્રશ્ને તેને બદલાતી સામાજિક/સાંસ્કૃતિક પરિસ્થિતિ સાથે ગાઢ રીતે સાંકળવાનું આપણા અભ્યાસીઓને બહુ ફાવ્યું નથી. મૂળ મુદ્દો એ છે કે સાહિત્યસ્વરૂપ(literary genre) વિશેની આપણી વિભાવનાઓ વિશદ ન બને ત્યાં સુધી આ વિશેની આપણી તપાસ પણ અધૂરી જ રહેવાની. ૯ : ૪ આપણાં સાહિત્યિક અધ્યયનોમાં નવું ઊઘડી રહેલું એક મહત્ત્વનું ક્ષેત્ર તે સાહિત્યવિવેચનની અમુક ચોક્કસ વિભાવનાના પ્રકાશમાં અમુક એક લેખકની કે એક જૂથના લેખકોની કે આખા યુગની કૃતિઓની તપાસનું છે. જેમ કે, ગુજરાતી નવલકથામાં વસ્તુસંકલના(plot)ની તપાસ, ગુજરાતી ટૂંકી વાર્તામાં કથનકેન્દ્રના વિનિયોગની તપાસ, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં કલ્પનો/પ્રતીકોની તપાસ. ઉપલક નજરે આ રીતનાં અધ્યયનો તે વિસ્તૃત વિવેચનો જેવાં લાગે; અને, હકીકતમાં, આ વિષયનાં આપણાં કેટલાંક અધ્યયનો તો વિવેચનવિચારમાં જ વિરમી ગયાં દેખાય છે. સંશોધનનું મૂલ્ય પ્રાપ્ત થાય એવું કોઈ વિશેષ જ્ઞાન એમાં મળતું નથી કે એવાં કોઈ તારણો એમાં ઉપલબ્ધ થતાં નથી. અહીં સંશોધક માટે ખરેખર તો આવા અધ્યયન પાછળના મૂળ હેતુને બરોબર સમજી લેવાની અપેક્ષા રહે છે. કોઈ એક કૃતિમાં વસ્તુસંકલનાની તપાસ કરીએ, તેમ બીજી કૃતિમાં, ત્રીજી કૃતિમાં... એમ અસંખ્ય કૃતિઓનું વિવેચન-વિશ્લેષણ કરીએ તો સંશોધનની દૃષ્ટિએ એમાં ભાગ્યે જ કોઈ નવા જ્ઞાનની ઉપલબ્ધિ હશે. નવલકથાની કળાનિર્મિતિમાં વસ્તુસંકલનાનું સ્વરૂપ અને સ્થાન, જુદા જુદા નવલકથાકારોએ સ્વીકારેલી નવલકથાની આગવી આગવી વિભાવના, તેમાં માનવીય વાસ્તવિકતાનું ચોક્કસ સ્તરેથી ગ્રહણ અને વસ્તુસંકલનાનો તેમાં વિનિયોગ, સમયે સમયે બદલાતું રહેલું નવલકથાનું રૂપ અને માનવીય વાસ્તવિકતા વિશેના બદલાતા ખ્યાલ સાથે બદલાયેલી વસ્તુસંકલના – એમ નવલકથાની કળા, માનવીય વાસ્તવનું ગ્રહણ અને વસ્તુસંકલનાનો એમાં વિનિયોગને લગતા આંતરસંબંધોનું તારણ અહીં આ અધ્યયનને સંશોધનનું મહત્ત્વ અર્પે છે. અહીં મહત્ત્વની બાબત એ છે કે સાહિત્યકૃતિઓના અધ્યયન અર્થે સંશોધક વિવેચનની જે વિભાવના સ્વીકારે છે તેની વ્યાખ્યાવિચારણા કે વિભાવના એમાં સાદ્યંત નિયંત્રક તત્ત્વ બની રહે છે. વળી, એવી વિભાવનાને ચુસ્ત વ્યાખ્યામાં બાંધીને ચાલવામાંય ઘણું જોખમ છે. કેમ કે સાહિત્યના ઇતિહાસમાં સાહિત્યના આકારપ્રકાર, રચનારીતિ, સંયોજક પ્રયુક્તિ, ભાષાશૈલી સતત ઓછેવત્તે અંશે ફેરફાર દાખવે છે. ત્યાં વિવેચનની કોઈ વિભાવનાને ચુસ્તપણે વળગી રહેતાં ભિન્ન પ્રકારની કૃતિઓની તપાસ કોઈક રીતે દોષિત થાય એમ બને. ૯ : ૫ અર્વાચીન ગુજરાતી કવિતામાં અધ્યાત્મદર્શન, ગુજરાતી નવલકથામાં રાષ્ટ્રીય અસ્મિતા, ગુજરાતી નવલકથામાં નારીપ્રતિભા, ગુજરાતીમાં પ્રગતિવાદ કે એવાં બીજાં અધ્યયનોમાં સંશોધક આપણા સાંસ્કૃતિક જીવનની કોઈ ભાવના કે રાજકીય સામાજિક વિચારધારાની તપાસ કરે છે. આ પ્રકારનાં અધ્યયનોમાં જોકે ચોક્કસ પ્રમાણભૂત તપાસની પદ્ધતિ જોવા મળી નથી. કૃતિઓ લઈને તેમાં પ્રસ્તુત ભાવના કે વિચારસરણી શોધી બતાવવાનો એમાં મુખ્ય ઉપક્રમ દેખાય છે. સાહિત્યકૃતિની સાહિત્યિક પ્રક્રિયા, સમગ્ર કૃતિની રૂપરચના અને કૃતિનાં અન્ય અંગો સાથેના સજીવ સંબંધોની ઘેરી ઉપેક્ષા કરીને કૃતિના કથનવર્ણનમાં કે ચરિત્રચિત્રણમાં ભાવના રજૂ કરતાં વિધાનો જ ઘણુંખરું પકડી લેવામાં આવે છે. પણ કૃતિની અખિલાઈ અને એકતાનું મૂલ્ય ત્યાં અવગણાય છે. ૯ : ૬ અમુક લેખકોની કે અમુક વર્ગની કૃતિઓનું માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, પુરાણશાસ્ત્ર, સંરચનાવાદ જેવી ચોક્કસ વિદ્યાશાખાઓની વિશેષ વિભાવનાના પ્રકાશમાં અધ્યયન થઈ શકે. જેમ કે, સુંદરમ્‌, જયંત ખત્રી, સુરેશ જોષી અને કિશોર જાદવની વાર્તાઓનું મનોવિશ્લેષણાત્મક અભિગમથી ઊંડા અધ્યયનને મોટો અવકાશ છે. પણ સંશોધકે એવા અધ્યયન માટે મનોવિશ્લેષણની પદ્ધતિનું શ્રદ્ધેય જ્ઞાન મેળવી લેવાનું રહે. એ જ રીતે ઝવેરચંદ મેઘાણી, બકુલેશ જેવા લેખકોની વાર્તાઓનું સમાજશાસ્ત્રીય અધ્યયન થઈ શકે. પણ એ માટેય સમાજશાસ્ત્રને અભિજાત તપાસની શિસ્ત સ્વીકારવાની રહે. ૯ : ૭ અત્યારે શૈલીવિજ્ઞાનના પ્રકાશમાં કૃતિઓની શૈલીના વિશેષોનું ઝીણવટભર્યું અધ્યયન આરંભાયું છે. પણ આ પ્રકારના અધ્યયનમાંય કઠોર શિસ્તનો સ્વીકાર કરીને ચાલવાનું રહે છે. ૯ : ૮ કાવ્યશાસ્ત્ર/સાહિત્યશાસ્ત્રના કોઈ સિદ્ધાંત તેની કોઈ વિભાવના કે વિચારસરણીનુંય પદ્ધતિસર સંશોધન-અધ્યયન હાથ ધરાયું છે. જુદા જુદા આચાર્યો કે વિવેચકોની કાવ્યચર્ચામાં અમુક સિદ્ધાંત કેવી રીતે વિકસતો ગયો તેની તપાસ, અલબત્ત, એ વિષયની વિશાળ તત્ત્વગ્રાહી વિદ્વત્તા માગે છે. કાવ્યતત્ત્વવિચારને તત્કાલીન દાર્શનિક દૃષ્ટિનો પ્રગટ કે પ્રચ્છન્નપણે આધાર મળ્યો હોય તો તેનીય ઝીણવટભરી તપાસ કરવાની રહે છે. ૯ : ૯ ‘તુલનાત્મક સાહિત્ય’ (Comparative Literature) નામનું સાહિત્ય-અધ્યયનનું ક્ષેત્ર અત્યારે ઝડપથી વિકસી રહ્યું છે. સર્વસાધારણ ખ્યાલ એ રહ્યો છે કે પરસ્પરથી ભિન્ન ભાષાસંસ્કૃતિ અને ભિન્ન પરંપરાની કૃતિ/કર્તા અને સંબંધિત વિષયોની તુલના.