કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/જિગર તરબોળ રાખ્યું છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૦. જિગર તરબોળ રાખ્યું છે

જિગર તરબોળ રાખ્યું છે, નજર ઘેઘૂર રાખી છે;
જવાનીને મહોબતના નશામાં ચૂર રાખી છે.

કે રાખી છે અને આબાદ આ દસ્તૂર રાખી છે;
મહોબતને અદાવતથી હંમેશાં દૂર રાખી છે.

હતી મુખ્તાર તોયે ચાલને મજબૂર રાખી છે;
સમયની પણ ઘણીયે માગણી મંજૂર રાખી છે.

ઘણીયે વાર પટકાઈ પડ્યા છીએ જીવનપંથે;
પરંતુ બંધ મુઠ્ઠીને ભરમભરપૂર રાખી છે!

નથી હીણી થવા દીઘી કદી એને જુદાઈમાં;
હતી બેનૂર તોયે આંખને ચકચૂર રાખી છે!

નથી કૈં યાદ ક્યારે આપલે આવી કરી બેઠા,
સમજ સાટે અમે સૌ પીડ ગાંડીતૂર રાખી છે!

અમે તો જીવતાજીવે મજા માણી છે જન્નતની!
ખુદાને પણ ગમે એવી હૃદયમાં હૂર રાખી છે!

બની ગઈ છે અટારી બાવરી આરત નિહાળીને,
અમે આ આંખ ફાટલ એ હદે આતુર રાખી છે!

ગઝલ એકાદ તો વાંચી જુઓ એકાંતમાં ‘ઘાયલ',
અમે એ આહમાં શીરાઝની અંગૂર રાખી છે!

(આઠોં જામ ખુમારી, પૃ. ૩૩૧)