કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/નીકળવા કરું તો...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૮. નીકળવા કરું તો...

નીકળવા કરું તો મને જીવ રોકે,
અને દ્વાર મૃત્યુ લગાતાર ઠોકે.

થશે ના કશો ફાયદો એમ જો કે,
એ જાણું છતાં કંઠી ઘાલું છું ડોકે.

કરી મેલ્યું છે આવું વરસોથી કોકે,
હસું ના હસું ત્યાં જ છલકાઉં શોકે.

મને એમ છે એ હશે દ્વાર તારું,
જતાં આવતાં અન્ય તો કોણ રોકે!

કહેવું બધું બાંધે ભરમે કહેવું,
મને કોણ તારા વિના એમ ટોકે!

મને થાય આ મસ્ત ચંદા નિહાળી,
ચટાઈ લઈ હું ય આળોટું ચોકે.

નથી માત્ર પથ્થર કે ઈંટે નવાજ્યો,
મને અન્યથા પણ નવાજ્યો છે લોકે.

પછી આપણી યાદ આવે ન આવે,
લઈ નામ નિજનું રડો પોકેપોકે!

પછી દોસ્તોની શિકાયત શું ‘ઘાયલ'!
નથી કામ આવ્યો મને હું ય મોકે.

૧૮-૯-૧૯૭૫(આઠોં જામ ખુમારી, પૃ. ૩૯૪)