કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૭. તલવારનો વારસદાર
ઝવેરચંદ મેઘાણી
[ઢાળ: ‘શેના લીધા, મારા શ્યામ, અબોલડા શાને લીધા રે!’]
ભેટ્યે ઝૂલે છે તલવાર:
વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે!
ભીંતે ઝૂલે છે તલવાર:
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે!
મારા બાપુને બહેન! બે બે કુંવરિયા
બે વચ્ચે પાડ્યા છે ભાગ;
હાં રે બેની! બે વચ્ચે પાડ્યા છે ભાગ
વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે!
મોટે માગી છે મો’લ મ્હેલાતો વાડીઓ
નાને માગી છે તલવાર
હાં રે બેની! નાને માગી છે તલવાર
– વીરાજીo
મોટો મહાલે છે મો’લ મેડીની સાયબી
નાનો ખેલે છે શિકાર – વીરાજીo
મોટો ચડિયો છે કાંઈ હાથી-અંબાડીએ
નાનેરો ઘોડે અસવાર – વીરાજીo
મોટો કાઢે છે રોજ કાવા કસુંબલા
નાનેરો ઘૂમે ઘમસાણ – વીરાજીo
મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે
નાનો ડુંગરડાની ધાર – વીરાજીo
મોટો મઢાવે વેઢ વીંટી ને હારલા
નાનો સજાવે તલવાર – વીરાજીo
મોટાને સોહે હીર-ઝરિયાની આંગડી
નાનાને ગેંડાની ઢાલ – વીરાજીo
મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર – વીરાજીo
મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં
નાનેરો ઝીંકે છે ઘાવ – વીરાજીo
મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો
નાનેરો સૂતો સંગ્રામ – વીરાજીo
મોટેરે, માડી! તારી કૂખો લજાવી
નાને ઉજાળ્યા અવતાર – વીરાજીo
મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં
નાનાની ખાંભી પૂજાય – વીરાજીo
ભેટ્યે ઝૂલે છે તલવાર:
વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે!
ભીંતે ઝૂલે છે તલવાર:
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે!
૧૯૨૮
(સોના-નાવડી, પૃ. ૨૧૭-૨૧૮)