કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૨૨. હું તો તારી તે પ્રીતમાં...


૨૨. હું તો તારી તે પ્રીતમાં...


હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ,
          એવી પાગલ થઈ ગઈ,
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઈ ગઈ,
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.
હું તો કંઈ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી: મેં તારા કંઈ ગીત ઘૂંટ્યાં;
તારી સાથેની મારી પળપળની વાત,
મારી કોરી આંખોનું કાજળ થઈ ગઈ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.
હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું;
કેવાં આ લાભશુભ: ઓચિંતાં એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઈ ગઈ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.


(વિદેશિની, પૃ. ૩૧૧)