કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૧૪. દુઃખના પ્રસંગ...
Jump to navigation
Jump to search
૧૪. દુઃખના પ્રસંગ...
દુઃખના પ્રસંગ તો તો વધ્યા હોત એક બે,
ફૂલો મને જો આમ મળ્યા હોત એક-બે.
કોઈ મળ્યાં ને આટલી ઇચ્છા રહી ગઈ,
સાથે મળીને તારા ગણ્યા હોત એક બે.
આંસુ જો હોત આંખમાં બાકી, તો એમણે,
મારા જીવન-પ્રસંગ કહ્યા હોત એક-બે.
જીવી ગયા તો કોઈની આંખો હસી નહીં,
ચાલ્યા ગયા જો હોત, રડ્યા હોત એક બે.
પગલાં હું મારાં જોઈને ઊભો રહી ગયો,
પાછળ હતા તે ભૂલા પડ્યા હોત એક બે.
તેઓનો મારા હાથથી પર્વત બનાવતે,
પથ્થર હતા જે તે જો રહ્યા હોત એક-બે.
અંધારમાં ય ના મળી થોડીઘણી જગા,
સ્વપ્નાંઓ મારા સૂર્ય બન્યાં હોત એક-બે.
(ૐ તત્ સત્, પૃ. ૧૬)