કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ખીલો મારો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૮. ખીલો મારો

ખીલો મારો નહીં રે ખસેઃ
મરમાળી માયા છો ને હસેઃ
ખીલો મારો નહીં રે ખસે.

મન, તારા મેલી દે મનસૂબા;
ઇંદ્રિયોના અળગા છે કૂબા;
હૈયું મારું હરિમાં વસેઃ
ખીલો મારો નહીં રે ખસે.

નહીં રે જ્યાં સુરાસરની પોગ,
હરિવરે એવો દીધો યોગ;
મમતા, તું મિથ્યા કાંઉ કસે!
ખીલો મારો નહીં રે ખસે.

નથી આમાં મારી કાંઈ વડાઈ;
દુનિયાને દીધી હરિએ દુહાઈ;
ધરબ્યો શું હરિનો ચસે!
ખીલો મારો નહીં રે ખસે.

(સુરતા, પૃ. ૩૧)