કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/મારી આ તદબીરને
Jump to navigation
Jump to search
૭. મારી આ તદબીરને
ઓ સિતમગર, દાદ તો દે મારી આ તદબીરને,
લાજ રાખી લઉં છું તારી દોષ દઈ તકદીરને.
એટલા માટે શહાદતનો મને ભય ના રહ્યો,
મેં જરા નજદીકથી જોઈ હતી શમશીરને.
રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં,
જેવી રીતે જોઉં છું હું એમની તસવીરને.
ત્યારે જોયું ચાલવાની પણ જગા બાકી નથી,
જ્યારે મેં વર્ષો પછી તોડી દીધી જંજીરને.
કેમ અંતર્ગત ભૂમિકાથી ભલા છૂટી શકાય?
રંગ કાગળનો મળે છે અંગમાં તસવીરને.
શક્ય છે કે કોઈ કડવું સત્ય સાંભળવા મળે,
છેડતી કરવી હો તો છેડો કોઈ ગંભીરને.
વીંધનારાઓ બરાબર જાય છે મંજિલ ઉપર,
પંથ બદલે એ નથી આદત ગતિમય તીરને.
એની અંદર શું હશે મારી બલા જાણે 'મરીઝ',
બહાર તો પથ્થર મળ્યા મસ્જિદ અને મંદિરને.
(આગમન, પૃ. ૧૪)