કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/બીજો આંચકો
આ બીજા આંચકાએ
પગ નીચેની ધરતી ખેંચી લીધી,
એક અપારદર્શી તિરાડમાં
મગરના દાંત ઊપસી આવ્યા.
આકાશના ઓળખીતા તારા હોલવાઈ ગયા
ને દીપડાની આંખો વરસવા લાગી.
હું ધારતો હતો કે
મને કશાની બીક નથી પણ આ શું?
ઝાડ, ડાળ, માળા ધ્રૂજતા ફંગોળાતા ગયા.
એક એક તણખલે સળગી ટેકરીઓ,
ધૂણીથી ઘેરાઈ ગયાં ચાંદો સૂરજ.
હજી મારે જેમને ઓળખવા બાકી છે
એ લોકો શહેરની બહાર દોડી રહ્યા છે.
જેને કાયમી સરનામું માનેલું
એ શહેર પીછો કરી રહ્યું છે...
શું કરે બિચારું મારું શહેર!
કાનમાં વારંવાર સીસું રેડાય પછી પણ
એણે સાંભળતા રહેવાનાં મેણાંટોણાં
આખી દુનિયાનાં.
અહીં ગાંધી રહ્યા એ જ જાણે એનો ગુનો.
મર્યા પછીય જાણે એણે
આપણું મેલું ઉપાડ્યા કરવાનું ન હોય!
કોઠે પડી ગયા છે કજિયા કાળમુખા,
હોઠ ધ્રૂજી રહ્યા છે
ધિક્કારના તિખારાથી–
સંપનો વરખ ઊખડી જાય છે એક સવારે.
વીતેલી કાલરાત્રિનાં પેલાં પાપ છે,
બળાત્કારનો ભોગ બની
એ જ એનો અપરાધ!
કાયમી હારની ભુલાયેલી યાદ
તાજી થઈ આ બીજા આંચકા સાથે.
બદલો લેવાનું મન થાય
એ પણ એક શાપ છે.
ઉદ્ધત યાદવ કુમારો
ભૂલી ગયા કે આ દ્વારકા એમનો અહં
સંકોરવા સોનાની નહોતી બની.
પણ સોનું સત્યને ઢાંકે છે એ સાચું પડ્યું.
પેટ પર તાંસળું બાંધીને
તપસ્વીની કસોટી કરવાની?
ઋષિએ જોયું કે સમતુલા તૂટવાની,
આ અવિવેક એક દિવસ ઘાસને
ધારદાર બનાવશે.
એક ઘટના નામે યાદવાસ્થળી
સાંગ રૂપક બની ગઈ આ દેશના ઇતિહાસની.
ભૂતકાળ શીખવતો નથી, દંડે છે.
વ્યર્થ અનુભવ ચેતવતો નથી, સંડોવે છે.
પોષકને મારક બનાવી દેવાની આ જીદ
ધર્મક્ષેત્રને કુરુક્ષેત્ર બનાવી દે છે.
હે રામ!
ટિટોડીનાં બચ્ચાં પર ઘંટ મૂકનાર
કૃષ્ણમોહન ક્યાં છે?
જ્યાં એને વસવાનું સદે
એ હૃદય ઘાયલ છે.
૨૭-૩-૦૨
(પાદરનાં પંખી, ૪૬-૪૮)