કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૨૬. ‘થાક્યા આવડું બૈરીથી’? –

૨૬. ‘થાક્યા આવડું બૈરીથી’? –
(શાર્દૂલવિક્રીડિત)

‘શાને ના સમજે હજી, કહી કહી કૂચો થયો જીભનો!
બુઢ્ઢો હું બનતાં તને ક્યમ થયો આ શોખ સ્વચ્છન્દનો?
શોધું ત્યાં ન મળે રહે ભટકતી, પત્તો કશો ના મળે,
મૂંઝાઉ ફરિ-યાદી ક્યાં કરવી જૈ તે યે ન સૂઝે હવે! ૪
ને કો રાત્રિ જરા હું સ્વસ્થ થઈને ધ્યાને બનું લીન ત્યાં,
કે કૈં પુસ્તક લૈ વિચાર કરવા, કે પેન લૈ હાથમાં
બેસું જ્યાં લખવા, તહીં તું વણબોલાવી જ આવી રહે,
ને નક્કામી ચીજોની ટકટક કરી માથું ભમાવી મૂકે,
અસ્તવ્યસ્ત વિચાર સૌ કરી મૂકે, સીધી ન ર્‌હે સાથમાં! ૯
મૈત્રી આ કંઈ આજકાલની નથી, છે જીવ સાથે જડી,
જુદાઈ નથી જાણી તુંથી, સઘળી સંપત્તિ સોંપી તને!
તારાથી કંઈ લોકમાંય કીરતિ પામ્યો, પ્રસિદ્ધિ મળી,
ને તારા પર માત્ર નિર્ભર છું હું, એવા પરાધીનને
કાં તું હાલ ફજેત છેક કરતી લોકોમહીં જાહરી? ૧૪
તે દા’ડે નવું મિત્રમંડળ મળ્યું, હોંશેથી મેં સંઘરી
રાખેલી નવી ચીજ ના જ ધરી ત્યાં, વર્ષોજૂની પાથરી,
ને જૂની નવી સેળભેળ કરીને, એવી કરી આપદા –
હાવાં માફ, સખી! મુરબ્બી! તુજથી આવ્યો ખરે વાજ હું,
ચાહે તે કર, જા ન આવતી ભલે પાછી, ભલે વંઠી જા–’
‘થાક્યા આવડું બૈરીથી?’ ‘નહિ, નહીં, મારી સ્મૃતિને કહું.’ ૨૦

(શેષનાં કાવ્યો, પૃ. ૭૬)