કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૧.કોણ ઘડે છે કીડીઓનાં નેપુર?
લાભશંકર ઠાકર
૧
સાહેબની પ્રતીક્ષામાં
કીડીઓ
કણ ભૂલીને
નીકળી છે –
સોનારની શોધમાં
લયભેર
નેપુર
ઘડાવવા.
૨
કોણ ઘડે છે
કીડીઓનાં નેપુર ?
પૂછતી પૂછતી રે
કીડીઓ
તનમન ફિરત ઉદાસી.
દાસ કબીર
જતનસે બોલે
તો
ક્યા બોલે ?
૩
સાદૃશ્યમૂલકના સમાધાનમાં રે
જીભ
સંતની
સજડબમ્બ આ –
ઝલાઈ ગઈ છે રે
મુંહ ખોલે તો ખોલે
લેકિન
કહો કબીરજી
કૈસે બોલે રે ?
૪
સાહેબ અને દાસ વચ્ચેની
સરિયામ સડક પર
કીડીઓ
અર્થભેર
કચડાઈ રહી છે રે.
૫
છે
દોહા-સાખીની સાક્ષીમાં
સપ્તપદ્વીપ નવખંડ મહીં
આતંક યુદ્ધનાં ખેદાનો મેદાનોમાં
સાહિબ વગરના સાહેબોની
શતકોટિ ખંડોમાં
ચૂપ બહેરાશો રે
એમ
ભાષાની ઊભી બજારે
કહત
કબીરા રોયા રે.
૬
રે કીડીઓએ કીડીઓએ, દયામણી
તનમનવનમાં
વચનકર્મમાં
નેપુરની લયામણી
પ્રતીક્ષામાં
છે
જન્મારા ખોયા રે
કહત કબીરા, રોયા રે.
૭
ભક્તિકા મારગ ઝીના રે
નદીઓના કાંઠે
છલકાતી છાલકથી ભીનાા ભીના રે
પલળેલી કીડીઓનાં
નમન
જાય તણાતાં જોયાં રે
દેખત દેખત
ચૂપ
કબીરા રોયા રે.
૮
લિખાલિખીકી હૈ નહિ
છે
દેખાદેખીતી વાત
દેવળ મંદિર મસ્જિદ
છે
ઘટ ઘટમાં અંદર
છે
તેથી તે બહાર.
અંદર કચ્ચરઘાણ છે ઘટમાં
છે
તેથી
તેવો
તે બહાર.
કબીરા ક્યા બોલે ?
રો લે પલભર, રો લે.
૯
મનઘટમાં તનઘટમાં
છે
જળ થંભ થયેલાં
જોયાં રે.
જેમાં
કાગળની હોડીમાં
સાહિબ
પલકારામાં
ડબ ડબ
ડૂબતાં જોયા રે.
ઐસા સાહિબ કિસને બોયા રે ?
પૂછત પૂછત
નિર્બીજ વૃક્ષ સાહિબકા
છૂ
દેખત
હસતા હસતા
કબીરજીએ
છે
લોચનિયાં બે લોયાં રે.
(આઇ ડોન્ટ નો, સર, ૨૦૦૨, પૃ. ૩૨-૪૦)