કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૦. ઘેરૈયાનો ઘેરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦. ઘેરૈયાનો ઘેરો


ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ!
હોળીનો પૈસો આલો, નવાઈલાલ!

આજે છે રંગ રંગ હોળી, નવાઈલાલ!
આવી ઘેરૈયાની ટોળી, નવાઈલાલ!

ખાવાં છે સેવ ને ધાણી, નવાઈલાલ!
દાણ માગે છે દાણી, નવાઈલાલ!

આવ્યા નિશાળિયા દોડી, નવાઈલાલ!
શાહીની શીશીઓ ઢોળી, નવાઈલાલ!

ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ!
સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ!

જૂની તે પોતડી પ્હેરી, નવાઈલાલ!
લાગો છો રસિયા લ્હેરી, નવાઈલાલ!

ભારે હિમ્મત તમે કીધી, નવાઈલાલ!
ભાભીએ કિમ્મત કીધી, નવાઈલાલ!

ઊંધી તે પ્હેરી ટોપી, નવાઈલાલ!
હસશે ગામની ગોપી, નવાઈલાલ!

ચશ્માંની દાંડી વાંકી, નવાઈલાલ!
આંખોની આબરૂ ઢાંકી, નવાઈલાલ!

ચાલોને ઘેરમાં ફરશું, નવાઈલાલ!
નદીએ નાવણિયાં કરશું, નવાઈલાલ!

કોરા રહેવાની વાત મૂકો, નવાઈલાલ!
આજે દિવસ નથી સૂકો, નવાઈલાલ!

મૂછોમાં બાલ એક ધોળો, નવાઈલાલ!
કાળા કલપમાં બોળો, નવાઈલાલ!

કૂવાકાંઠે તે ના જાશો, નવાઈલાલ!
જાશો તો ડાગલા થાશો, નવાઈલાલ!

આજે સપરમો દા’ડો, નવાઈલાલ!
લાવો ફાગણનો ફાળો, નવાઈલાલ!

ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ!
હોળીનો પૈસો આલો, નવાઈલાલ!
(સિંજારવ, પૃ. ૭૩-૭૪)