કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૪૮. સુગંધી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૮. સુગંધી


લાગે રે લાગે
સાજન નામ સુગંધીઃ

વેણીમાધવ ડોલર ગજરો
ગ્વાલન ગજરાગંધી
સોયના ચટકા ચલ ચોઘડિયું
પ્રીતનો દોર સંબંધીઃ
લાગે રે લાગે સાજન નામ સુગંધી.

જુગ જુગ પીધું હતું હલાહલ,
ખુશીઓ થઈ’તી ખંધીઃ
ગઢ ઠેકી ગલિયનમાં ગઈ છું
નિર્જન નાકાબંધીઃ
લાગે રે લાગે સાજન નામ સુગંધી.

દિલ જે દર્શન કરે નિરંતર,
આંખ ન દેખે અંધીઃ
ખટરાગીએ ખટરસ પાયા,
સબરસની થઈ સંધિઃ
લાગે રે લાગે સાજન નામ સુગંધી.
(આચમન, પૃ. ૧૦૬)