કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૩૬. હે ચકવા!
Jump to navigation
Jump to search
૩૬. હે ચકવા!
સુન્દરમ્
હે ચકવા, મત રોય, તુંથી હું દુખિયો ઘણો,
પણ આંસુ આંખ ન જોય, મર ફાટે આખું હૃદય.
રાત પ્રહરની ચાર, કેવળ આડી તાહરે,
જુગ જુગની લંગાર હું ને પિય બિચ, બંધવા!
રુવે ન વ્હાલાં વાય, ચકવા, સાદી વાત એ,
સૂર ઊગે નિશ જાય, એ કળ હાથ કશે બને?
એ કળ આવે હાથ, તે તટ આ તટ જો મટે,
કે જો આવે બાથ સૂરજ, રેણ નહીં પડે.
સૂરજ સહે ન રેણ, હોય ન તટ આકાશને,
ચકવા, ઉરનાં વ્હેમ મળતાં દધિ, વ્હેવું મટે.
વ્હેણ નહીં, નહીં પૂર, ઓસરવું વધવું નહીં,
જલસાગર ચકચૂર, કેવલ લ્હેર છલી રહી.
માર્ચ, ૧૯૪૩
(યાત્રા, પૃ. ૧૦૨)