કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/અનુભૂતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૬. અનુભૂતિ

લીલ લપાઈ બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળિયે!

કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ!

હળવે ઊતરે આખું વ્યોમ;
નૅણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીના તૃણ તણી આંગળીએ!

૧૯૬૫ (કાવ્યસૃષ્ટિ, પૃ. ૭૦)