કુંવરબાઈનું મામેરું/કડવું ૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૫

[નાગરોની જીભની કડવાશ, ને પરિવારનો અપમાન ભરેલો અવિવેક કવિએ તીવ્ર રીતે ઉપસાવ્યાં છે; કુંવરબાઈના ધૂંધવાટમાં એની વેદના ઉપસાવી છે, પણ મહેતાજી કેવા સ્વસ્થ છે ! કહે છે : પહેરામણી કરવી જેટલી, આસામી લખાવો એટલી...]

(રાગ વેરાડી)
સુણી શ્રીરંગ મહેતો આવ્યા ધાઈ, ભાવે ભેટ્યા બેઉ વેવાઈ;
મળ્યો જમાઈ, જમાઈનો ભ્રાત, મળ્યો સર્વ નાગરનો સાથ.          ૧

કપટે ભેટી આઘા ખસે, સામગ્રી જોઈજોઈને હસે.
ઊતરવા ઘર આપ્યું એક, મચ્છર-જૂઆ[1] માંહે અનેક.          ૨

વેવાઈ ગયા ઉતારો કરી, છે હસણી નાત ઘણી નાગરીઃ
‘છે કુંવરબાઈનો વૈષ્ણવ બાપ, દર્શન કરીને ખોઈએ પાપ.’          ૩

મહેતાને જોવા હરખે ભરી ઘેરઘેરથી ચાલી સુંદરી;
મન વિના મહેતાને નમે, ‘સારું થયું જે આવ્યા તમે.’          ૪

માંહોમાંહે કહે નાગરી :‘મહેતો દીઠે દીઠા હરિ;
સાથ એહનો કેવો છે ફૂટડો![2] બાઈ, પરમેશ્વર એને ત્રૂઠડો!          ૫

કુંવરબાઈનું ભાંગ્યું દુઃખ,’ એમ કહીને મરડે મુખ.
‘આ બળદ જુઓ મહેતા તણા, બગાઈ શબ્દ કરે છે ઘણા.          ૬

વજાડશે મંડપમાં ચંગ, નાગરી નાતમાં રહેેશે રંગ;
ઓ ગાંઠડી વળગણીએ લટકે, જોડી તાલની બાંધી પટકે,          ૭

જુઓ તુલસીકાષ્ઠનો ભારો, – મોસાળામાં શો છે ઉધારો?
આ શંખ મહેતોજી ફૂંકશે, છાબમાં તુલસીપત્ર મૂકશે,          ૮

વેરાગી હરિના ગુણ ગાશે, એટલે મોસાળું પૂરું થાશે!’
એમ નાગરી કૌતુક કરે, ઠીઠોલી[3] કરીને પાછી ફરે.          ૯

કુંવરબાઈએ તે જાણી વાત : મોસાળું લઈ આવ્યા તાત;
ઉતાવળી મળવાને ધસી, તવ નણદી બોલી મર્મે હસી :          ૧૦

‘આ શું પિતાપુત્રીનું હેત! સગાંને આવ્યો કરવા ફજેત;
લજાવ્યું સાત પેઢીનું નામ, સાથે વેરાગીનું શું છે કામ?          ૧૧

શું મળવા ચાલ્યાં એકલાં? એવા બાપથી નબાપાં ભલાં.’
કઠણ વચન એવાં સાંભળી, કુંવરબાઈ તવ પાછી વળી :          ૧૨

‘નણદી! મચ્છર[4] શો આવડો? પૂંઠેથી, બાઈ! શું બડબડો?
સુખી પિતા હશે જે તણો, તેની દીકરીને લાભ જ ઘણો.          ૧૩

કોનો પિતા લખેશરી કહાવે, તે માહારે કામ શું આવે?
રંક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાનો મેર.[5]          ૧૪

તમો મન માને તે કહો, એવો પિતા મારો જીવતો રહો.’
મર્મવચન નણદીને કહી મહેતા પાસે પુત્રી ગઈ.          ૧૫

દૂર થકી દીઠી દીકરી, મહેતે સમર્યા શ્રી નરહરિ;
અન્યોઅન્ય નયણાં ભરી, ભેટ્યાં બેઉ આદર કરી.          ૧૬

મસ્તક ઉપર મૂક્યો હાથ, પાસે બેસાડીને પૂછી વાત :
‘કહો, કુંવરબાઈ! કુશલીક્ષેમ? સાસરિયાં રાખે છે ને પ્રેમ?          ૧૭

જો રૂડો દિવસ આવ્યો, દીકરી! તો મોસાળું કરશે શ્રીહરિ.’
કુંવરબાઈ બોલ્યાં વીનતી : ‘સામગ્રી કાંઈ પાસે નથી;           ૧૮

કેમ નાગરી નાતમાં રહેશે લાજ? ધન વિના આવ્યા શેં કાજ?
નિર્માલ્ય નિર્ધનનો અવતાર, નિર્ધનનું જીવ્યું ધિક્કાર.          ૧૯

નિર્ધનનું કહ્યું કો નવ કરે, નિર્ધનનું સહુ કૌતુક કરે;
નિર્ધનને સહુ ઘેલો ગણે, કો નવ રાખે ઊભો આંગણે.          ૨૦

લોકો બોલાવે દુર્બળ કહી, એથી માઠું કાંઈ બીજું નહીં;
પિતાજી! કાંઈ ન કરો ઉદ્યમ, તો આ અવસર સચવાશે ક્યમ?          ૨૧

નથી લાવ્યા તમે નાડાછડી[6], નથી મોડ ને કુંકુમની પડી,
નથી માટલી, ચોળી, ઘાટ[7], – એમ દરિદ્ર આવ્યું શા માટ?          ૨૨

કેમ કરી લજ્જા રહેશે, તાત? હું શેં ન મૂઈ મરતે માત?
માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર?          ૨૩

જે બાળકની માતા ગઈ મરી, બાપ-સગાઈ સાથે ઊતરી;
જેમ આથમતા રવિનું તેજ, મા વિના તેવું પિતાનું હેજ.          ૨૪

સુરભિ મરતાં જેવું વચ્છ, જળ વિના જેમ તરફડે મચ્છ,
ટોળા-વછોહી જેમ મૃગલી, મા વિના તેમ પુત્રી એકલી.          ૨૫

લવણ વિના જેમ ફીકું અન્ન, ભાવ વિના જેહેવું ભોજંન,
કીકી વિના જેહેવું લોચંન, મા વિના તાતનું તેવું મંન.          ૨૬

શું કરવા આવ્યા ઉપહાસ? સાથે વેરાગી લાવ્યા પચાસ;
શંખ, તાળ, માળા ને ચંગ : એ મોસાળું કરવાના ઢંગ?          ૨૭

ન હોય તો પિતાજી! જાઓ ફરી,’ એવું કહીને રોઈ દીકરી.
મહેતે મસ્તક મૂક્યો હાથ : ‘મોસાળું કરશે વૈકુંઠનાથ.          ૨૮

પહેરામણી કરવી જેટલી, આસામી[8] લખી લાવો તેટલી;
લખજો સાસરિયાં સમસ્ત, વીસરજો મા એકે વસ્ત.’          ૨૯

વચન મહેતાજીનાં સુણી, કુંવરબાઈ ગઈ સાસુ ભણી :
‘માહરે પિતાએ મોકલી હુંય, લખજો કાગળમાં જોઈએ શુંય.’          ૩૦

તવ મુખ મરડીને બોલ્યાં સાસુ : ‘શો કાગળ ચીતરવો ફાંસુ?[9]
છાબમાં તુલસીદલ મૂકશે, ઊભો રહીને શંખ ફૂંંકશે!          ૩૧
વલણ
ફૂંકશે શંખ ઊભો રહી, એ મોસાળું શું કરે?’
વચન વહુઅરનાં સાંભળી, વળતી વડસાસુ ઊચરે :          ૩૨



  1. જૂઆ-બગાઈઓ = ઢોર (પ્રાણી)ના શરીર પરનાં જીવડાં
  2. ફૂટડો = સુંદર
  3. ઠીઠોલી = ઠઠ્ઠા મશ્કરી
  4. મચ્છર = મત્સર, અભિમાન
  5. મેર = મેરુ પર્વત
  6. નાડાછડી, મોડ વગેરે મંગલ પ્રસંગે જરૂરી સામગ્રી
  7. ઘાટ = રેશમી સાડી
  8. આસામી = વ્યક્તિ, મનુષ્યf
  9. ફાંસુ = ફોગટ, વ્યર્થ