ખરા બપોર/૫. ડેડ એન્ડ
પેલી કૂબડી આયા કિચનના દરવાજા આડે લટકતા પડદાને ચીરીને અંદર જતી રહી. તે પહેલાં સીલિંગ ફેનની સ્વિચ ઑન કરતી ગઈ.
પંખાએ કશા જ બેહુદા અવાજ વિના ફરવાનું શરૂ કર્યું.
એની સાથે વિચારોએ ફરવું શરૂ કર્યું અને વિભાજિત સમયની પળો ગિરદી કરવા લાગી.
હું અને મારો મિત્ર મૅડમ નીલીના ડ્રૉઇંગ રૂમમાં બેઠા હતા, બેસી રહ્યા. એ સોફાની કિનાર પર ટિંગાઈને બેઠો હતો, હું સ્વસ્થ હોવાનો ડોળ કરતો અઢેલીને બેઠો હતો.
અમે જે ઉદ્દેશથી અહીં આવ્યા હતા તેને અનુકૂળ આ રૂમનું વાતાવરણ ન હતું.
એક હાથીદાંત જેવી સફેદ, કીમતી હોવાનો ડોળ કરતી સસ્તી કારપેટ, ચેસ્ટરફીલ્ડ સેટ, બેત્રણ ટિપૉઈ, કૉર્નર ટેબલ, મેન્ટલપીસ અને જ્યાંત્યાં પડેલી ઍશટ્રે, અમથાં-અછકલાં બે વસ્ર પહેરીને નગ્ન દેખાતી સ્રીના જેવી બે છબીઓને ધારી રહેલી નગ્ન દીવાલો!
ક્યાંય એકે પુસ્તક દેખાતું નહોતું. પુસ્તક મૂકવાની કોઈ જોગવાઈ નહોતી, રાઈટિંગ ટેબલ નહોતું. રૂમની વચ્ચોવચ રહેલી મોટી ગોળ ટિપૉઈ પર એકે દૈનિક કે સામયિક નહોતું અને અમે ફ્રેંચ ભાષાના અહીં ક્લાસિસ ચાલતા હોવાની જાહેરાત વાંચીને આવી ચડયા હતા…. અને હવે થોડીક ભોંઠપ અનુભવી રહ્યા હતા.
મૅડમ નીલી બેડરૂમમાં હતી અને હમણાં જ અમને મળશે એવું જણાવીને પેલી આયા કિચનમાં જતી રહી હતી.
પંખો હવા કાપી રહ્યો હતો – કૉર્નર ટેબલ પરનું ટાઈમપીસ ટિકટિકનું રહ્યું. થોડા કૂલ્લા મૂકેલા એક બારીના વેન્ટીલેશનમાંથિ રસ્તા પર વહેતા ટ્રાફિકનો એક જ ઢબનો – એકધારો અવાજ આવી રહ્યો હતો.
અહીં જે હોવું જોઈએ તે નહોતું. ન હોવું જોઈએ એ હકીકત બની નજર સામે ઉપસ્થિત થતું હતું.
અને અમારી બેચેની પર અતૂટ ખામોશી અને નપુંસક વિચારોની ભોઠપનો ભાર વધી રહ્યો હતો.
પસાર થતા સમયનાં ક્ષણેક્ષણનાં પગલાં નીચે અમારું ધૈર્ય ફરિયાદ કરવાની શરૂઆત કરે તે પહેલાં, બેડરૂમનો દરવાજો ખૂલતો હોવાનો અવાજ સંભળાયો. અમારી નજર ત્યાં જ હતી. બેડરૂમના દરવાજા પર અત્યાર સુધી સ્થિર લટકતા પડદામાં જીવ પ્રવેશ્યો.
મૅડમ નીલીએ ડ્રૉઇંગ રૂમમાં પ્રવેશ કર્યો હતો.
એનાં અંગો ભરાવદાર – સગોળ હતાં. અનેક તરકીબો નીચે એની આધેડ વય ક્યારેક છુપાતી, ક્યારેક ડોકિયું કરતી હતી. પારદર્શક સીક્ષોફેન જેકેટમાંથી કોઈ પુસ્તકનું સચિત્ર પૂંઠું દેખાય એમ એના પીળા બ્લાઉઝ નીછે એનું જેવું હતું તેવું સૌન્દર્ય ડોકિયું કરતું હતું. ખેચાયેલા હોઠના સ્મિતમાં અને મોટી આંખોની કીકીઓના નૃત્યમાં આકર્ષક દેખાવાની મથામણ હતી.
નીચેના ધડ પર ઉપલા ધડનું સહેજ સહેજ ડોલન બિલકુલ ધંધાદારી હતું.
એક ક્ષણ એ અમારી સામે અને અમે એની સામે જોઈ રહ્યા. બીજી ક્ષણે એ અમારી સામે આવી ઊભી અને સ્મિત ફેલાવતી, આંખો નમાવતી, કેડે હાથ મૂકી ડોલતી પૂછી રહી:
‘ડાર્લિંગ, વૉટ કેન આઈ ડું ફૉર યુ?’
મારા મિત્રે તરત જ કોટના ગજવામાંથિ એક અખબાર ખેંચી કાઢી એની સામે ધરી રહેતાં પૂછયું કે આ જાહેરત પ્રમાણે જે ફ્રેંચ ટીચર હતી તે મૅડમ નીલી એ પોતે હતી? અને પોતાના હંમેશ લબડતા નીચલા હોઠને એણે દાંત વચ્ચે પ્રશ્નર્થમાં પકડી રાખ્યો – એ મારા મિત્રની ટેવ હતી.
મૅડમ નીલીએ જણાવ્યું કે એ જાહેરાત એની જ હતી અને એમ જણાવતાં એણે પણ પોતાનો એક પગ ઊંચકીને સોફાની કિનાર પર મૂક્યો. ઢીંચણ પર કોણી ટેકવી નીચી નમી, પોતાનું થીજેલું સ્મિત મારા મિત્રની છેક જ નજીક લઈ ગઈ. એણે જાણીજોઈને સ્કર્ટને સાથળ પર ઊંચે સરવા દીધું. મેન ત્યારે વહેમ ગયો કે એણે કોઈ અન્ડરવેર પહેર્યાં નહિ હોય.
એના લાભાર્થે સરતા સ્કર્ટ અને બ્લાઉઝની કિનાર પરથી દેખાતી લથબથ છાતી મારા મિત્રે જોઈ હશે જ; કારણ કે એણે એ જ ઘડીએ બેબાકળી ઉતાવળથી કહી નાખ્યું:
‘મારે ફ્રેંચ ભાષા શીખવી છે.’
‘આઈ સી….તો તમારે ફ્રેંચ ભાષા શીખવી છે?’ મારા મિત્રે હકારમાં ડોકું ધુણાવ્યું. નીલી મારા તરફ ફરી.
‘અને તમારે પણ ફ્રેંચ શીખવી છે?’
મેં ના કહી – થોડું હસીને, અને જણાવ્યું કે હું તો અમસ્તો જ એની સાથે આવ્યો હતો.
નીલીએ મારા મિત્રની પીઠ થાબડીને પંપાળ્યો. પછિ એના બરછટ, તેલ વિનાના વાળ પર એના સુંવાળા હાથ ફેરવતાં કહ્યું:
‘તો ચાલો ત્યાં – બેડરૂમમાં.’ નીલીએ મારા મિત્રનો હાથ પકડી એને ઊભો કરવાનું કર્યું: ‘હું પલંગ પર ફ્રેંચ શીખવું છું, ખબર છે?’
મને ત્યારે થયું કે આ નાટક હવે નાહકનું લંબાઈને ઠરડાતું હતું. મેં ગળું ખંખેરી નીલીનું લક્ષ મારી તરફ દોરવ્યું.
‘જુઓ,’ મોઢું ઠાવકું અને અવાજમાં પૂરી ગંભીરતા ભરીને મેં કહ્યું:
‘અમેન સ્પષ્ટ દેખાય છે કે અહીં આવવામાં અમારી ભૂલ થઈ છે. આ મારો મિત્ર પત્રકાર છે, સ્કૉલર છે, પીએચ.ડી.નાં પુસ્તકો વાંચી શકાય એવી ખરેખરી વ્યાકરણવાળી ફ્રેંચ ભાષા અને શીખવી છે અને કારણ કે હું વરસોથી એને ઓળખું છું એટલે ખાતરીથી કહી શકું કે તમે શીખવી શકો એવી અન્ય ફ્રેંચપદ્ધતિમાં એને રસ નથી. અમે… અમે…..’
હું આગળ ન બોળી શક્યો, નહિ કે નીલીએ કે મારા મિત્રે મને બોલતો રોક્યો હતો, પણ મેં માની લીધું હતું કે મેં એક એવી મજાક કરી હતી કે જેના ફળરૂપે નીલીએ અટ્ટહાસ્ય કરવું જોઈતું હતું, પણ એણે તો ઊલટું પોતાનું બાનાવટી સ્મિત સમેટયું હતું. અંગો શિથિલ બન્યાં, કીકીઓ સ્થિર થઈ, એ એકધારી મારી સામે જોઈ રહી હતી.
‘તમે સાચું કહો છો – ઓનેસ્ટલી?’
મેં માત્ર ડોકું ધુણાવ્યું.
‘ઓહ પુઅર ડાર્લિંગ.’
એણે મારા મિત્ર તરફ ખરેખરા સહાનુભૂત ભાવથી જોયું. એની આંખો ભીની દેખાઈ એ કદાચ મારી કલ્પના હશે, પણ અચાનક નીલીની મોહક દેખાવાની કૃત્રિમ અદા ખરી પડી. જાણે સૌન્દર્યને અંતરાયરૂપ વસ્રો સરી ગયાં અને વર્તનની સાહજિકતા મને કૂણી જગાએ અડી ગઈ.
‘ઓહ પુઅર ડાર્લિંગ, હી ઈઝ ડીસએપૉન્ટેડ. આઈ એમ સૉરી ફૉર હીમ!’
એના અવાજમાં ખરેખરી કંપારી હતી. અને એ ભાવમાં ઊભરાઈ જવા જેટલો ઉમળકો હતો.
હું અને નીલી, એક દૂબળું કૂતરું અને હૃષ્ટપુષ્ટ બિલાડી અને ઘવાયેલા ઉંદર તરફ – મારા મિત્ર તરફ જોઈ રહ્યાં.
કિચનમાં નળ ખૂલતાં બેસિનમાં પાણી પછડાતું હોવાનો અવાજ અહીં ધસી આવ્યો.
લાગણીઓ એની ટોચ પરથી નીચે ઊતરી હતી ત્યારે મને લાગ્યું કે આ નાટકના છેલ્લા અંકના છેલ્લા પ્રવેશ પર પડદો પાડવો હવે જરૂરી હતો.
‘મૅડમ નીલી,’ હાથ લાંબો કરતાં મેં કહ્યું, ‘તમારા સમયનો અલબત્ત અમે વ્યય કર્યો છે, પણ ખાસ તો તમારા મિજાજને આઘાત પહોંચાડવા બદલ અમે ખરેખર દિલગીર છીએ. અમે હવે રજા લઈએ.
છેલ્લો ડયલૉગ હું બોલી રહ્યો અને પડદો પાડવા દોરી તરફ હું હાથ લંબાવતો હતો ત્યાં….’
‘ઓહ નો, જ્યારે આવ્યા છો તો આ મુલાકાત ભેલ એક સુખદ અકસ્માત બની રહે, ચા પીને જજો.’
અમને શિષ્ટાચારની તક આપ્યા વિના નીલી કિચનમાં દોડી ગઈ અણે ત્યાંથી, ‘એક મિનિટ’ કહેતી બેડરૂમમાં જતી રહી.
ફરી ચૂપકી વજનદાર બની.
શાન્ત વહેતા સમયની પળો ગણતાં મને ખ્યાલ આવ્યો કે ચૂપકીને આકાર આપતા વિશિષ્ટ અવાજની પણ એક અજબગજબ દુનિયા હોય છે!
સ્ટેનલેસ સ્ટીલ ટ્રે પર કપ-રકાબી મુકાતાં હોવાનો ધીરો અવાજ સંભળાયો.
ફરી બેડરૂમનો દરવાજો ખૂલતો હોવાનો અવાજ સંભળાયો, પડદો ઝૂલતો દેખાયો.
સાચું કે જીવનમાં અનેકાનેક ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે, પણ પરિસ્થિતિ ભાગ્યે જ પુનર્જન્મ પામે છે.
આ મારી ટેવ હતી કે હું આ અને આવા વિચારોની ગૂંચમાં ગૂંચવાયેલો જ રહેતો, એટલે નીલી ક્યારે મારા મિત્રની અડોઅડ આવીને બેઠી, ક્યારે એણે ચાના પ્યાલા તૈયાર કર્યા વગેરે મને કશું યાદ ન રહ્યું.
એણે મારી સામે ધરેલા ચાના કપ તરફ હાથ લંબાવતાં મારી વિખરાયેલી નજર એની તરફ કેન્દ્રિત થઈ.
કંઈક ઓચિંતાનું મનમાં વસી ગયું અને મેં ફરી ગળું ખંખેર્યું.
‘નીલી,’ કાંઈ અતિ ગંભીર વાત કરવી હોય તેમ ચાનો કપ ટિપૉઈ પર મૂકતાં હું સોફાની કિનાર પર આગળ સરતાં એની તરફ ઝૂક્યો.
‘એક બેહૂદો પ્રશ્ન પૂછું તો ક્ષમા કરશો.’
મારું બોલતાં અધવચ્ચે થોભવું, ન ધારેલું બનવું અણે મેં આગળ કહ્યું તેમ જીવનની અનેક પ્રક્રિયાઓનું પુનરાવર્તન પામવું – મેં ધાર્યું હતું કે નીલી પૂરતી ગંભીરતાથી મારી વાત સાંભળશે, પણ ક્યારે નહિ ને અત્યારે – કસમયે – એ અટ્ટહાસ્યુ કરી ગઈ!
આ બીજી વાર પરિસ્થિતિનો ખોટો અંદાજ કાઢવા બદલ હું ભોંઠપ અનુભવી ગયો.
‘જુઓ,’ બાપ રે એણે મારી સાથળ પર હાથ મૂક્યો અને કમબખ્ત ત્યાંજ રહેવા દીધો.
‘આ પ્રશ્ન મોટે ભાગે દર રાતે મને પુછાતો રહે છે કે હું વેશ્યા કેમ બની અને હું મારા ગ્રાહકને મનગમતો ઉત્તર આપતી રહું છું. આવું રોજ બન્યા કરે છે અને રોજ જાતીય વૃત્તિને ઉશ્કેરે એવી એવી બનાવીને કહાણીઓ કહેતી રહું છું…શું કરું, ધંધો જ એવો છે! પણ તમે ઘરાક નથી, અકસ્માતે ઘડીભરના મિત્ર છો અને જાણવા ઇચ્છો છો તો સાચું કહીશ.’ એ એની પ્રસ્તાવના.
‘મારી પંદર વર્ષની વયે મારું વેચાણ થયું. વ્હાઈટ ટ્રાફિક સમજો છો ને? એ અને આટલાં વરસો બાદ હવે એનું મહત્ત્વ નથી રહ્યું એટલે એ વિગતો બાદ કરીશ. શરૂમાં મને અલેકઝાંડ્રિયા મોકલવામાં આવી. પછી કેરો, એડન, કરાંચી અને હવે અહીં સ્થાયી થઈ છું. અમારે કોઈના રક્ષણ નીચે કોઈની માલિકીને વશવર્તીને ધંધો કરવો પડે છે એ વાતની તમને કલ્પના નહિ હોય, પણ હવે હું સ્વતંત્ર છું. હવે કોઈની પંપાળ કે દેખભાળની જરૂર નથી મને, અને હવે જોઈતું બધું મળી રહે છે.
એટલે મને સુખ અને સંતોષ હોવાં જોઈએ, ખરું ને? પણ નથી. હું તમારા બધા જેવી એક શાપિત વ્યક્તિ છું. તમે પૂછો કે મારી ઉંમર કેટલી તો તે જ પળે ઉત્તર આપી શકું કે આટલાં વરસો, આટલા મહિના, આટલા દિવસ અને આટલા કલાકો પણ ધારું તો કહી શકું.
હું સમયની ગણતરી પર જીવું છું, મે એક સપનું સેવ્યું છે.
વેશ્યાના સપનાની વાત એક જબ્બર આઘાત પહોંચાડવા પૂરતી હતી. હું સંયમ ખોઈ સોફાની કિનાર પર નીલની નજીક સર્યો.
એણે રકાબી પર આંગળી ટેકવી ચાના કપને નજીક સેરવ્યો. ટોપૉઈની ધાર પર રહેવા દીધો.
‘મેં એક યોજના ઘડી છે.’ એણે ચાલુ રાખ્યું, ‘હું વરસોથી મારાં નાણાંની બચત વધારતી રહું છું. પાંચ-છ મહિના બાદ મેં ધારી છે એટલી રકમ એકઠી થતાં હું એક રેસ્ટોરાં ખોલીશ – નવી જ ઢબનું અદ્યતન! પાંચેક વર્ષમાં યોજના પ્રમાણેની રકમ એકઠી કરી જતી રહીશ. ખબર છે ક્યાં? પેરિસ! અને ત્યાં એક એવા પુરુષને પરણીશ કે જે કામને અંતે પીઠામાં ન જાય અને ઘેર પાછો ફરે…એક સુંદર બાળકીને જન્મ આપીશ…અમે શનિવારે થિયેટરમાં. રવિવારે દેવળમાં નિયમિત જઈશું!
આ બાલ સફેદ થાય – મોઢે કરચલીઓ પડે તેની પરવા નહિ કરું…. ઔહ મારા પતિ, મારી બાળકી, મારો સમાજ….ઓહ વૉટ એ ડ્રીમ!’
નીલીએ ઊંડો શ્વાસ લઈ થોડી વાર ધરી રાખ્યો, પછી ધીમેથી બહાર સરવા દીધો. એ એવી રીતે સોફાના ખૂણામાં સંકોચાઈને બેઠી કે….કે જાણે એ કદમાં નાની બની ગઈ હોય…થોડી યુવાન બની ગઈ હોય.
‘મૅડમ.’મારા મનની પરિસ્થિતિ મારા અવાજમાં થોડો કંપ મૂકી ગઈ હશે નીલીએ મારી તરફ જોયું.
‘હું કસમ ખાઉ છું કે હું તમારા રેસ્ટોરામાં દરરોજ ચા પીવા આવીશ.’
‘ઓહ થૅંક્યું…મેં રેસ્ટોરાંનું નામ પણ વિચારી રાખ્યું છે.. ડેડ એન્ડ ઈન.’
‘ડેડ એન્ડ શું કામ?’
નીલીએ પોતાના ચહેરા પર એક અતિ સુંદર સ્મિત ટિંગાડયું….અને લટકાવી રાખ્યું.
ડેડ એન્ડ સ્રીના હૃદય જેવું છે. કાં તો ત્યાં વસવાટ કરવો પડે છે અથવા નિરાશ થઈને પાછા ફરવું પડે છે. એનું સ્મિત બુદ્બુદ હાસ્યમાં વિખરાઈ ગયું.
એણે ઊભા થઈ મારી તરફ હાથ લંબવ્યો.
‘મિત્ર, અલવિદા.’
‘અલવિદા નહિ – ફરી મળશું તમારા રેસ્ટોરામાં.’
મારો મિત્ર દરવાજો ખોલી બહાર નીકળી ગયો હતો અને છેલ્લી વાર નીલીના સ્મિતમંડિત ચહેરાને નજરમાં સમવી હું પણ એના ઘરનો ઉંબરો વટાવી ગયહો.
અમારી પાછળ ‘કટ’ કરીને હળવેકથી દરવાજો બંધ થયો. બહારના ટ્રાફિકનો જરા જેટલો અવાજ સંભળાતો નહોતો – એવી અભંગ શાંતિ અહીં હતી. ઉપર જતા અને નીચે ઊતરતા દાદરા પર ઉત્સુક અંધારાં ઊભાં હતાં અને સ્થગિત થયેલી હવા કહોવાતી હતી.
‘કેવી બેહૂદી!’ ડેડ એન્ડ ઈન – વેશ્યાનું સપનું!
મારા મિત્રે મારા જીવનની એક ક્ષણ વેરવિખેર કરી નાખી.
‘પ્રાણી માત્રની ઉત્પત્તિ થઈ ત્યારથી મનુષ્યના વ્યવસ્થા લાવવાના પ્રયત્નોથી જ આ અવ્યવસ્થાભરી ભ્રષ્ટ રચના ઊભી થઈ છે.’
અને હવે આ મૂરખ સ્રી એની પંચવર્ષીય યોજના પાર પાડશે, એમ?’
અમે પગથિયાં ઊતરવાનું શરૂ કર્યું ત્યારે મારાથી સહસા બોલાઈ જવાયું.
સમવયસ્ક હોત તો હું એને પરણી જાત!
‘અહો – એક વેશ્યા સાથે આવી દિલ્લગી થઈ ગઈ – આટલી વારમાં?’
મેં ડોકું ધુણાવી હા કહી, પણ સારું થયું અંધારામાં એણે મારી હા જોઈ નહિ અને અમે બંને ચૂપ રહ્યા.
દરવાજા આગળની બત્તીનું ફિક્કું તેજ બહુ થાક વેઠીને અમારી આગળ આવી પહોચ્યું.
રસ્તા પર ગિરદી હતી, ઘોંઘાટ હતો, બફારો હતો, ઝળાંહળાં થતી અસંખ્ય બત્તીઓનાં કિરણો એકબીજા પર બેવડાતાં હતાં.
ટ્રામ, બસ, ટૅક્સી અને બળદવાળો ખટારો મોટા રસ્તા પર એકબીજાની છેક નજીક છતાં એકબીજાને અડયા વિના પસાર થઈ જતાં હતાં.
આ સંચાલનમાં પૂર્ણ સાવચેતીને જ અવકાશ હતો. એક ક્ષણની બેખબરી ખતરનાક હતી. ગતિ – ધ્વનિ – પ્રકાશની રેખાઓ એકબીજામાં જાળાં ગૂંચવતી ત્યારે ધડિંગ…ધડિંગ એક અકસ્માત – એક ચીસ – એક નિ:શ્વાસ – એક ખૂન – એક આત્મહત્યા, – એક ધરતીકંપ – એક યુદ્ધ.
મારા મિત્રની વાત ખરી હતી. સાવચેતીની અણી પર તોળાઈ રહેલી વ્યવસ્થાનાં પરિણામ ખતરનાક હતાં.
એને હજી ઑફિસનું કામ સમેટવાનું હતું, એવું જણાવી મારો મિત્ર રસ્તાની પેલી તરફ ઊભેલી એક બસ તરફ દોડી ગયો.
મને ત્યારે યાદ આવ્યું કે મારી આજની ધંધાકીય પ્રવૃત્તિનો સમય પસાર થઈ ગયો હતો.
મેં એક રેસ્ટોરામાં ચા પીધી, એક પાન મોઢામાં મૂક્યું, સિગારેટનું એક પાકીટ ખિસ્સામાં મૂક્યું….બસ,એમ થયું કે મારે ક્યાંય જવું નહોતું, છતાં પગ ગતિમાં હતા.
નીલી…
નીલી કદાચ હમણાં બાથ લેતી હશે. નગ્ન હશે. એના અવસ્થા પામતા અવયવોને સચિંત તપાસતી હશે. પછી ચહેરા પર મેકપ લપેડશે – હોઠો પર સ્મિત ગોઠવશે, આંખમાં બીભત્સતા આંજશે અને ડ્રોઇંગ રૂમમાં ઈન્તેજારમાં બેસી રહેશે.
….અને છેવટ મોડી રાતે નાણાં ગણી, સમયની ગણતરીમાં એક દિવસનો ઉમેરો કરશે અને કોઈ પાસે પોતાના સપનાની વાત કરી હોવાની ખુશીમાં વહેલી પરોઢે બિછાનામાં પડતાં જ ઊંઘી જશે – કદાચ!
બધું કદાચ…કદાચ….જીવનમાં ખચીત કશું જ નહોતું.
એવા જ અનિશ્ચિત હવામાનમાં અકળાતા મુંબઈ પર ઓચિંતાનો વરસાદ તૂટી પડયો.
સાવચેત ન હોય તેને રક્ષણ કરવાની તક ન આવે – મુંબઈનો વરસાદ એવો છે!
હું રસ્તો ઓળંગી રહ્યો હતો. મેં દોડીને સામેના મકાનના પ્રવેશદ્વારમાં રક્ષણ શોધી લીધું. રસ્તા પર નાસભાગ થઈ રહી.
લોકો ટ્રામ તરફ, બસ તરફ, ટૅક્સી, રેસ્ટોરાંમાં, દુકાનોની છત નીચે દોડી જતા હતા–
હું ભીંતને અઢેલી વાછંટથી બચીને ઊભો હતો. નીલીના મકાન જેવું જ મકાન હતું. કોરીડોરમાં એવું જ વૃદ્ધાવસ્થા પામતું. નગ્ન ઇલેક્ટ્રિક બ્લબનું અજવાળું ખોડંગાતું હતું.
ચામડીને અડતા ભીના કપડાની ઠંડકથી શાતા અનુભવાઈ રહી હતી. અને વારે વારે ભૂખ લાગી હોવાનો ખ્યાલ આવતો હતો….
ભૂખ.
ભૂખ કોઈ પણ પ્રકારની, સર્વવ્યાપી બને ત્યારે પરાક્રમોની પરંપરા સર્જી શેક, ક્યારે પરાક્રમોની શક્યતાને હણીયે નાખે…બેમાંની એક અતિશયતા જરૂર ઉપસ્થિત થાય…..અને…
મારા વિચારોને આગળ વધતા મેં અનાયાસે રોક્યા.
મારે ક્રમે ક્રમે સજાગ બની મારા મનની ગતિ પર વારે વારે બ્રેક લગાડવી પડે છે.
રસ્તા પર ‘સ્કીડ’ થતી કોઈ ગાડીનાં પૈડાં પર ઓચિંતાનો બ્રેક બિડાઈ ગયાનો અવાજ બીજા અવાજો વચ્ચે આક્રંદ કરી ગયો.
અને એક હાકોટો સંભળાયો.
મેં ત્યાં ઊભાં વિચાર્યું: એક સેકન્ડ, એક તસુના કારણે કોઈ બચી ગયું હશે – કદાચ નહિ બચ્યું હોય. મોટી સંખ્યાના લોકો એ તરફ એક અમસ્તી જ નજર નાખી, પોતાની ગતિમાં કશો જ ફેરફાર લાવ્યા વિના ચાલતા રહ્યા હશે. આ માનવસમુદાય ક્યાંક ને ક્યાંક ઉતાવળે પહોંચવું હોય છે.
એકમ તરીકે માનવીને જંપ નથી. કોઈ એક લાગણી એને અડીને દૂર જતી રહે છે. ખેંચીને તંગ કરેલા મનનાદ દોર પર થોડી ક્ષણે એ એક મૂઢ ભાવમાં સતત સરતો રહે છે.
રસ્તા પરનો હોકાટ શમી ગયો.
વરસાદ જામી પડયો.
પુરપાટ વહેતા પાણીના વાંકાચૂકા પ્રવાહમાં અને મોટરે ઉડાડેલાં અગણિત પાણીનાં બિન્દુઓમાં હું પ્રકાશનાં કિરણ પ્રતિબિંબિત થતાં જોઈ રહ્યો.
સિગારેટ પર છેલ્લો કશ ખેંચી મેં એને આંગળીથી ઉરાડી. પ્રકાશનું એક ટપકું અર્ધવર્તુળ દોરી ઓલવાઈ ગયું.
એક નિ:શ્વાસ બહાર પડયો.
પાટલૂનમાં રહેલા હાથની આંગળીઓનાં ટેરવાં સ્પર્શનો અનુભવ ગુમાવી બેઠાં હોય એવું કેમ વરતાતું હતું?
હું જાણતો હતો કે ધોધમાર વર્ષા હવે અટકશે નહિ. મારે જ્યાં જવું હોય ત્યાં ભીંજાતા અને ભીંજાયેલા જવું પડશે. બસમાં મારી પડખેનો પ્રવાસી મારી તરફ ઘૃણાની નજર ફેંકી મારાથી દૂર ખસશે, એ પણ હું જાણતો હતો.
પગે કળતર થતી હતી. થાક જણાવો શરૂ થયો હતો, ભૂખ લાગી હતી, તોય પ્રકાશને બુંદ બુંદ બની વીખરાતા જોવાની એવી તો મજા આવતી હતી કે અહીંથી ખસવાનું મન થયું નહિ.
પણ ત્યાં, કોરિડોરમાં કશુંક બની ગયું અને મારી નજર ત્યાં દોડી ગઈ. નજીકના એક ફ્લૅટનું બારણું ખૂલ્યું અને પ્રકાશની એક ચીપાટ લાદીઓવાળી પરથાળ પર લંબાઈ ગઈ. અડધા ખૂલેલા બારણાના એક ઝૂલતા કમાડની ધાર પર સ્વયં ઝૂલતી એક સ્રી મારી સામે ટીકીને જોઈ રહી હતી એવા ખ્યાલથી મારા આખા દેહ પર ઝણઝણાટી ફરી વળી.
સ્રી જુવાન દેખાતી હતી – જુવાન હતી અને સુંદર એટલે ખરે જ સુંદર હતી.
ડ્રૉઇંગ રૂમના મર્ક્યુરી લૅમ્પનો પ્રકાશ એના ગોળ અવયવો પર રૂપેરી તેજ અને આસમાની છાયાની મોહિની પાથરી રહ્યો હતો.
સોનેરી વાળનું ગૂંચળું એની ડાબી આંખને ઢાંકી ગયું હતું. એના બહાર ખૂલતા બન્ને હોઠ વચ્ચે પડું પડું થતી એક સિગારેટ
ટિંગાઈ રહી હતી.
જાંઘની ખાલી લંબાઈ અને વક્ષ લગભગ ખુલ્લાં દેખાય એવું એણે સ્કર્ટ પહેર્યું હતું અને હવે અંગો ડોલાવતી એ મારી તરફ આવી લાગી. મારાં અંગોને સહેજ અડતી પરથાળની કિનાર પર ઊભી રહી એણે એક વાર રસ્તા તરફ તાકીને જોયું. પછી માથું ઊંચું કરી બે આંગળી વચ્ચે સિગારેટને પકડીને મોઢામાંથી ઊંચકી અને એક છાકટું આલ્કોહોલની ગંધવાળું સ્મિત મારા તરફ મોકલ્યું અને કહ્યું:
‘બહુ વરસાદ છે, નહિ?’
‘હં…હં….’
‘જલદી રહે એમ લાગતું નથી.’
‘એવું જ જણાય છે.’
‘તમે વરસાદ રહે એની રાહ જોઈ ઊભા છો?’
મેં ડોકું ધુણાવી હા કહી.
‘તો આવો, વરસાદ રહી જાય ત્યાં સુધી મારી સાથે મારા બેડરૂમમાં થોભજો.’
હું કશું બોલ્યો નહિ. ચુપચાપ એની સામે જોઈ રહ્યો.
‘નહિ?’
‘નહિ.’
એણે ખબા ઊંચા કર્યા અને બંને હાથ થોડા ઊંચા કરી ઢીલા મૂકી દીધા. એ ક્રિયા સાથે એના બંને સ્તન થોડા છૂટા થઈ ફરી એકમેક પર બિડાઈ જતા મેં જોયા અને મેં જોયું એ એણે જોઈ લીધું હતું એટલે એ ન દેખાય એટલું જ માત્ર હોઠને ખૂણે હસી ગઈ.
‘ખરેખર નહિ? ચાલો કન્સેશન આપીશ. તમને અડધો ચાર્જ – ત્રીસ રૂપિયા. ડ્રિંકનો ચાર્જ અલગ અને ચા જોઈતી હશે તો મફત.’
અને હું પણ એના જેવું જ અમસ્તું જ થોડું એની સામે હસી ગયો.
મેં એની સામે સિગારેટ ધરી, એણે લાઇટરથિ મારી સિગારેટ પેટવી ત્યારે મેં કહ્યું:
‘હું પીતો નથી.’
‘તો દુર્ભાગ્ય તમારાં.’
એ સમોની ભીંતને અઢેલીને ઊભી અને રસ્તા પર ધોધમાર વહેતા પાણીના તેજોમય પ્રવાહને નીરખી રહેતાં બોલી:
‘આ વરસાદમાં કોઈ આવી ચડે એવું લાગતું નથી. રાત બેકાર જશે…ઊંઘની ગોળીઓ ખાઈ સૂઈ રહું, શું કહો છો તમે?’
હું ફિક્કું અમસ્તું હસવાને ખાતર હસ્યો.
થોડી ક્ષણો ચુપકીની વીતી. એ દરમ્યાન કેટલું પાણી ક્યાં વહી ગયું હશે…એણે ડાબી આંખ પર ઝૂકી આવેલી લટ સમારી અને સિગારેટ પર માત્ર બે કસ ખેંચ્યા અને એક નિ:શ્વાસને બહાર વહેવા દીધો. દરમ્યાન દુનિયામાં કેટલા મહત્ત્વના – કેટલા ખોફનાક બનાવો બની ગયા હશે!
હું ભીંતનો આશરો છોડી ટટ્ટાર થયો.
‘તમારો ડ્રિંકનો ચાર્જ શો છે?’
‘પંદર રૂપિયા એક પૅગના.’
‘બહુ કહેવાય.’
‘આ પીઠું નથી… આ અમારો સ્ટેન્ડર્ડ ચાર્જ છે.’
‘એમ કરો – હું પંદર રૂપિયા આપીશ, પણ ડ્રિંક નહિ લઉં. ચા પીશ. વરસાદ રહી જાય એની રાહ જોતો થોભીશ, પોણા કલાકથી વધારે નહિ થોભું…અથવા તમારો કોઈ ઘરાક આવી ચડશે તો જતો રહીશ.’
એણે મારો હાથ પક્ડયો, દાબ્યો અને મને ફ્લૅટ તરફ ખેંચ્યો: ‘ચાલો.’
ડ્રૉઇંગ રૂમનું ફર્નિચર કીમતી – છેલ્લી ઢબનું પણ કઢંગી રીતે ગોઠવાઈને મૂકેલું હતું. ટિપૉઇ પર એક મેલો નૅપ્કિન, ઊંધો વળેલો એક ગ્લાસ, પ્રવાહીનો રેલો અને કારપેટ પર એક મોટું ભીનું ધાબું હતું.
એણે હજી મારો હાથ છોડયો નહોતો. એ મને બેડરૂમમાં દોરવી ગઈ. બેડરૂમ પ્રમાણમાં સુઘડ સ્વચ્છ હતો. ‘બેસો નિરાંતે.
મેં ‘રૅક’ પરથી એક ટૉવેલ ઉપાડી ખુરસી પર મૂક્યો અને તેના પર બેઠો.
‘બહુ દરકાર સેવો છો?’
એણે કૉચ પર આડાં પડતાં કહ્યું.
‘આવી બાબતો વિશે હું બિલકુલ બેદરકાર છું. તમે ભીને કપડે ખુરસી પર બેઠા હોત તો એ વાત મારા ધ્યાનમાંયે ન આવત, ધ્યાન ગયું હોત તોય હું ઠપકો તો ન જ દેત – મારો સ્વાભાવ નથી.’
મેં ખિસ્સામાંથી દસ અને પાંચની નોટ કાઢી એની સામે ધરી.
‘આપજો પછી, શી ઉતાવળ છે?’
‘લઈ લો હવે – ખિસ્સામાંથી કાઢયા છે ત્યારે!’
અને ડ્રેસિંગ ટેબલ પર નોટો મૂકતાં પૂછયું:
‘શું નામ છે તમારું?’
‘ફીફી!’ અને એ મારી સામે એકધ્યાન જોઈ રહી. પછી હસી, શરૂમાં હળવું, પછી મુક્ત અને બેફામ, એ હાસ્યમાં કશી કૃત્રિમતા ન હતી, મોહક હતું એ હાસ્ય.
હું ખુરસી પર અઢેલીને બેઠો અને પગ લાંબા કર્યા.
‘તમને વિચિત્ર લાગતું હશે આ નામ, ખરું? પણ કેટલાય મૂરખાઓને આ નામ જ પાડી દે છે!’
એણે પડખું ફેરવી કૉચ પાછળની રસ્તા પર પડતી બારી સાધારણ ખોલી. વાછંટ લઈ આવતો પવનનો એક જોરદાર ઝાપટો હુંકાર અંદર ધસી આવ્યો.
એણે ઉતાવળે બારી બંધ કરી અને સ્ફૂર્તિથી કૂદકો મારી કૉચ પરથી હેઠી ઊતરી.
‘હજી એવું જ વરસે છે, મને લાગે છે તમે આજની રાત ઘેર નહિ જઈ શકો.’
‘ઘેર જવું જ પડશે.’
‘સારું, સારું, હું પરાણે નહિ રોકું. તમે….અને અહીં રોકાવાના દામ ચુકવવા પડે છે. આ ધર્મશાળા નથી એટલું તો તમે સમજતા હશો… વારુ, હું ચા બનાવું ત્યાં સુધી –’ એણે ટિપૉઈ તરફ આંગળી ચીંધી, ‘આ મેગેઝીનનાં પાનાં ઉથલાવજો.’
એ ગઈ. એની પાછળ સ્પ્રિંગવાળો બેડરૂમનો દરવાજો આપમેળે કશા જ અવાજ વિના બંધ થયો.
એક કપ ચાની કિંમત રૂપિયા પંદર. જિંદગીમાં યાદ રહી જાશે આ પ્રસંગ. કેટલાક પ્રસંગો આમ તો અર્થહીન, એમનાં નાણાંકીય મૂલ્યોને કારણે જ માત્ર સ્મૃતિ પર બોજો બનીને પડી રહેતા હોય છે.
ખૂન, બળાત્કાર, બ્લૅકમેલની સત્ય ડિટેકિટવ કથા, ફૅશન, મુખ્યત્વે અર્ધનગ્ન સ્રીઓના ફોટોગ્રાફવાળાં મેગેઝીન ટિપૉઈ પર પડયાં હતાં….મેં એમને રહેવા દીધા.
ભીંત પર, ઈલેક્ટ્રિક ઘડિયાળનો સેકન્ડ કાંટો ગણી શકાય એવી રીતે સમય કાપતો હતો…એ ઝટકો ખાઈને આગળ વધતો હતો. જાણે કોઈ એને ચાલતો રહેવા મજબૂર કરી રહ્યું હોય.
ફીફી ચાની ટ્રે, કેક, સેન્ડવીચીસ લઈ બેડરૂમમાં પ્રવેશી અને કશા જ ઔપચારિક શિષ્ટાચાર વિના એણે ટ્રે મારી તરફ હડસેલી.
‘બનાવી લો તમારી ચા. હં મારું ડ્રિંક લઈશ.’
હજી તો હું ટ્રે મારી સામે ગોઠવું અને કિટલી ઉપાડું તે પહેલાં એ ગ્લાસમાંની વ્હીસ્કીનું અડધું પ્રવાહી ગટગટાવી ગઈ.
એની એક આંખ પર હજીયે વાળનું ઝૂમખું ઝૂલી રહ્યું હતું અને બીજી આંખમાં તે જ ક્ષણે રંગત ચડી હતી. એ મારી કલ્પના હતી – કદાચ.
હું ચાના કપમાં ચમચી હલાવી રહ્યો હતો. એ દરમ્યાન એણે નીચા નમી મારા કોટના ગજવામાંથી સિગારેટનું પાકીટ ખેંચી કાઢયું. એણે ન મારી સામે જોયું, ન હસી, ન એણે ક્ષમા માગી. એક સાહજિક વર્તન તરીકે આ બની ગયું – જાણે અમારી વચ્ચે કોઈ વરસો જૂની મૈત્રી હોય!
ઉપરાંત એણે મારા માટે એક સિગારેટ પાકીટ બહાર ખેંચીને રહેવા દીધી, પડખે પોતાનું લાઈટર મૂક્યું અને પછી કૉચ પર બેત્રણ તકિયા એકઠા કરી એના પર આડી થઈને પડી. સિગારેટ પર લાંબો કસ ખેંચતાં જાણીજોઈને છાતી ફુલાવી. એણે એમ કરતાં બન્ને સ્તનને સ્કર્ટની કિનાર પર ઉપર ધકેલ્યાં. પછી માથું થોડું મારી તરફ કર્યું, નજર તીરછી થઈ, અને હોઠને ખૂણેથી એક અદનું સ્મિત વહી ગયું.
બિચારી! મને એની દયા આવી એ આદતથી મજબૂર હતી. એ ઓચિંતાની તકિયા પર સતેજ થઈને બેઠી.
‘મેં તમને જે જાતનું આમંત્રણ આપ્યું એવું આમંત્રણ હું કોઈ પુરુષને આપતી નથી. હું એવી સસ્તી નથી. મારે ધંધા માટે ભટકવાની જરૂર પડતી નથી. ધંધો મારી પાસે આવે છે.’
સિગારેટને હોઠ નજીક ધરી રાખી હું ઉત્સુક નજરે એની સામે જોઈ રહ્યો. એણે પગ લાંબા કર્યા અને બે આંગળી વચ્ચે તોળાઈ રહેલી એની સિગારેટની ધુમ્રસેર પર એક ક્ષણ માટે એની નજર ખોવાઈ ગઈ.
‘તમે ભીંતને અઢેલીને ઊભા હતા – એવી જ મારા ભાઈની અઢેલીને ઊભા રહેવાની અદા હતી. એ અલ્જિરિયામાં ટ્રક ઍક્સિડન્ટમાં માર્યો ગયો.’
મારી આંગળીઓ વચ્ચે ડોલ ડોલ થતી સિગારેટને મેં હોઠ વચ્ચે પકડી સ્થિર કરી.
‘એ ક્યારે બન્યું?’
‘આઠ વર્ષ પર. મારો ભાઈ, મોટો ભાઈ ટ્રક ડ્રાઇવર હતો. છસાત દિવસ સતત ટ્રક ચલાવ્યે રાખતો – ધંધો કરતો અને વીક એન્ડ પર ઘેર આરામ કરતો, ત્યારે દર રાતે ખૂબ દારૂ પી કોઈ લૅમ્પ પોસ્ટને અઢેલી સિગારેટને ફૂક્યે રાખતો. એકાદ કલાકમાં વીસ-પચીસ સિગારેટ પી – સ્વસ્થ થઈ ઘેર પાછો ફરતો.’
ફીફીએ ઍશટ્રેમાં ઘસીને સિગારેટ હોલવી.
‘એક દહાડો એક ટ્રક સ્કીડ થઈ લૅમ્પ પોસ્ટ પર ધસી આવી અને એ બની ગયું… ન બનવું જોઈતું હતું.’ એનો અવાજ થોડો ઠરડાયો, ‘તે બની ગયું. પછી તરતના દિવસોમાં હું રસ્તે ચાલતી થઈ – સ્ટ્રીટ વૉકર.’
‘ફીફી, ત્યારે તારી ઉંમર?’
‘ઓહ, જવા દો, મને સંખ્યા તરફ નફરત છે. એ વખતે હું આ ધંધા માટે નાની હતી તોય…’ અણગમતી કડવી દવાનો એક ડોઝ ગ્લાસમાં રેડી બાકીની બાટલીમાંની દવા પર બૂચ દેતી હોય એમ ફીફીએ આ વાત અચાનક બંધ કરી કૉચ પરથી ઊતરી એ મારી સામે ખુરસી પર બેઠી.
‘તમારી ચા ઠંડી થાય છે.’
મે ચાનો ઘૂંટ ભર્યો. એ મને જોઈ રહેતી હતી. એણે કેક ને સેન્ડવીચ ખાવાનો આગ્રહ ન કર્યો. એણે માત્ર કેકવાળી પ્લેટને ધક્કો મારી ચાના કપ નજીક લાવી અને એક પગ પર બીજો પગ ટીંચકાવતી આંખને ખૂણેથી એકધારું મારી સામે જોઈ રહી.
આ મૂક આગ્રહને વશ થયા વિના ચાલે તેમ નહોતું. મે એક કેક ઉપાડી કે તરત જ એની નજર આંખનો ખૂણો ત્યજી કારપેટ પર મંડાઈ ગઈ.
‘ફીફી, એક બેહૂદો પ્રશ્ન પૂછું?’
એણે માથું ઊંચું કરી મારી સામે જોઈ રહેતાં આંખથી સંમતિ આપી.
‘તેં જીવનમાં કોઈ પ્લાનિંગ કર્યું છે – તેં કોઈ સપનું સેવ્યું છે?’
‘શાનું પ્લાનિંગ?’
‘કે આ ધંધો કરતાં અમુક રકમ એકઠી થાય ત્યારે ક્યાંક જતા રહેવું. આ ધંધો છોડી કોઈને પરણી જવું બાળકોને જન્મ આપવો….’
‘લગ્ન એ ઠગાઈ છે અને હું પુરુષજાતને ધિક્કારું છું તમે પુરુષ છો એટલા પૂરતા તમને પણ!’
‘તેં કેટલી બધી કડવાશ ભરી રાખી છે, ફીફી, તારા જીવનમાં?’
‘મારા જીવનમાં આળસ અને કંટાળા સિવાય કશું જ નથી. એ પોકળ છે. તમારું જીવન પણ એવું પોકળ હશે. જરા ઊંડી તપાસ કરી જોજો.’
‘પણ ફીફી, તું મોટી થઈશ – આ વાળ સફેદ થશે – ગાલ પર કરચલીઓ મઢાશે અને તારી આ મોહિની –’
‘બસ, બસ કરો. આ ચિત્ર કસમયે રજૂ કરવાની નિર્દયતા ન કરી હોત તો ન ચાલત?’
‘કસમયે એટલે?’
‘એટલે કશું જ નહિ, હું કોઈ સાથે ચર્ચામાં ઊતરતી નથી. બાકી….બાકી…એમ કે મેં તમને આશરો આપવા આમંત્રણ આપ્યું…
એ આગળ બોલતી અટકી અને ઉતાવળે નીચું જોઈ ગઈ.
‘કારણ મે તારા ભાઈની યાદ તાજી કરી.’
‘એ ન ભૂલતા કે એ પણ પુુુરુષ હતો.’
‘ખરું, પણ, ફીફી મેં પ્લાનિંગની બાબતમાં ખોટું શું કહ્યું કે તું….’
‘શટ અપ. હું મારી રીતે જીવ્યે જાઉં છું એ સંબંધે વાંધો હોય તમને તો હું તમારી પત્ની, પ્રેયસી કે બહેન નથી કે તમે મારા પર બળજબરી કરી જાઓ. સમજ્યા! નાઉ, ગેટ આઉટ! નીકળો બહાર – તરત જ બહાર પડો!’
હું ચાનો અડધો પીધેલો કપ ટ્રે પર મૂકી ઊભો થયો. ટૉવેલ ખુરશી પરથી ઉપાડી રૅક ફેંક્યો અને મારાં ભીનાં કપડાં સહિત હું બેડરૂમના દરવાજા તરફ ફર્યો.
‘બેસો, દામ ચૂકવ્યા છે તો ચા પીને જજો.’ એ ફરી કૉચ પર આડી થઈને પડી હતી. ઝૂલતી લટને એણે કાન પર લઈ લીધી હતી અને એકીટશે વિસ્ફારિત નયને મારી તરફ જોઈ રહી હતી.
ચાનો કપ ઉપાડવાનો બહેને હું નીચે નમ્યો…છેક જ નીચા નમી ટિપૉઈ પર હાથ લંબાવી હાથ પર માથું ટેકવી બેહૂદગીથી હું એની આંખોમાં જોઈ રહેતાં એની આંખોમાં સમાવા સ્મિત કરી ગયો.
‘ફીફી, હું ખરેખર દિલગીર છું.’
એ હસી. મુક્ત અને મોહક.
‘તને અણગમતી વાત સાંભળવી ગમતી નથી, ખરું?’
‘ન જેવી વાતમાં ઉશ્કેરાઈ જાઉં એવું છું હું, અણઘડ.’
‘ફીફી, તું ખરેખર મોહક છે!’
‘આવું તો રોજ સાંભળવા મળે છે અમને.’
‘તોય, હું ઘરાક નથી તારો.’
‘કદાચ ઘરાક બનવાનાં પાંગરતાં હશે તમારામાં….આખર પુરુષ એ પુરુષ…પશુ જ.’
હું ચા પી ઊભો થયો.
એણે બેડરૂમનો દરવાજો ખોલીને પકડી રાખ્યો. એવી જ રીતે ડ્રૉઇંગ રૂમનો દરવાજો ખોલી એણે મારા માટે પકડી રાખ્યો. હું બહાર આવ્યો, એ મારી પાછળ આવી.
આ વખતે કોરીડોરમાં બિલકુલ અંધારું હતુ. ફીફીએ મારો હાથ પકડી મને ઊભો રાખ્યો અને મારી અડોઅડ ઊભી.
‘જુઓ,’ એ દેખાતી નહોતી. એનો ધ્રૂજતો અવાજ હું સાંભળી રહ્યો. ‘એક વાત મનમાં આવી તે મનમાં જ રહી ન જાય માટે કહું છું કે અગણિત વેશ્યાઓ વૃદ્ધાવસ્થા પામતી હોય છે અને જીવતી પણ હોય છે, એ વાતની ખબર નહિ હોય તમને કે છે?’
‘હું હવે ચર્ચામાં નહિ ઊતરું, ફીફી.’
‘એટલું એ સારું…મારે આ કહેવું હતું તે કહી નાખ્યું બસ.’
એ મારો હાથ પકડી દરવાજા તરફ દોરી ગઈ.
‘મેં કહ્યું હતું ને તમને કે વરસાદ નહિ અટકે?’
‘હું જાણું છું, ફીફી, ઘણા ઘણા બનાવો અટકવાના સમયે નથી અટકતા–કસમયે ચાલુ રહે છે – કસમયે અટકે છે….ખેર, તું આવી વાતો નહિ સમજે.’
રસ્તા પર લોકોની અવરજવર ઘટી હતી – ટ્રાફિકનો શોર શમ્યો હતો. રસ્તો નિર્જન નહોતો તોય સૂમસામ જણાતોહતો.
એકધાર્યા વરસાદની કંટાળાભરી હેલી – અનેક સ્મૃતિઓથી ભરેલા મનના વિસ્તાર પર બેકાબૂ વિચારોના જેવું તેજકણો નું અશિસ્ત નૃત્ય…બધું એનું એ જ. પુનરાવર્તનનું પુનરાવર્તન!
બે પગથિયાં ઊતરી વરસાદથી ભીંજાતાં મેં ફીફી તરફ હાથ લંબાવ્યો.
‘ફીફી – ગુડનાઈટ – ગુડ બાય.’
એ પણ એક પગથિયું ઊતરી મારી નજીક થઈ. બહારના પ્રતિબિંબિત પ્રકાશમાં મેં એને નીરખીને જોઈ. એના ચહેરા પર સ્મિત નહોતું તોય હોય એવો આભાસ થતો હતો – એવી આ મોનાલીસાએ મારો લંબાવેલો હાથ પકડી દબાવતા કહ્યું:
‘એક વાર વિચાર આવ્યો કે તમારા પંદર રૂપિયા તમને પરત કરું.’
‘પછી?’
‘પરત નહિ કરું. કરીશ તો તમને ગમશે નહિ.’
એણે મારા હાથને એક હૂંફાળી ભીંસ દીધી. પછી એ ધ્રૂજતી સુંવાળી મુલાયમ આંગળીઓ મારી હથેળી પરથી સરી ગઈ.
‘ગુડનાઈટ ઍન્ડ ગુડ બાય.’
ફરી એક સ્રી હવાનું બાચકું બની ગઈ – એક વધારાની યાદ – એક વધારાનો બોજ! હું ફરી એક ડેડ એન્ડમાંથી પાછો ફર્યો.
[‘વિશ્વમાનવ’ ડિસેમ્બર ૧૯૬૭]