ગાતાં ઝરણાં/અમાસ આજે!


અમાસ આજે!


જોવા મને ચહે છે તેઓ ઉદાસ આજે,
હે, પૂર્ણિમા! જીવનની, થઈજા અમાસ આજે!

છે પ્રેમના પ્રતાપે દૃષ્ટિ-વિકાસ આજે,
દુખ માત્રને ગણું છું વૈભવ-વિલાસ આજે.

મુખ ફેરવી જનારા પાછું ફરી જરા જો,
અટકી પડ્યો કોઈનો જીવન પ્રવાસ આજે.

હે ચંદ્ર! વિરહ-રાતે મારાં છે દૂર મુજથી,
તારા ફરી વળ્યા છે તુજ આસપાસ આજે.

મુજ સ્થાન તમ હૃદયમાં હોવું ઘટે, પરંતુ
દુનિયા કરી રહી છે મારો સમાસ આજે.

છે કોઈની લટોમાં હે, પુષ્પ! વાસ તારો,
એથી જ દઈ રહ્યું છે મીઠી સુવાસ આજે.

આ રાતમાં ‘ગની’, શું નિર્માણ છે પ્રલયનું?
કાં સાંજથી દિસે છે દુનિયા ઉદાસ આજે!

૧૯-૧૧-૧૯૪૭