ગાતાં ઝરણાં/હૈયું
Jump to navigation
Jump to search
હૈયું-
હૈયું ઠાલવવું છે મારે!
અવળું રે આ આભ–શકોરું,
સવળું થાશે ક્યારે?
હૈયું ઠાલવવું છે મારે!
આ દુનિયા કે તે દુનિયામાં,
વ્યોમ, ધરા, સૂરજ-ચંદામાં,
જ્યારે, જ્યાં, જે કોઈ સમય પર,
તારે એક ઈશારે,
હૈયું ઠાલવવું છે મારે!
કેમ ફરે છે તું સંતાતો!
કરવી છે મારે બે વાતો,
છોડી જગના ઝંઝાવાતો,
કોઈ નિર્જન આરે,
હૈયું ઠાલવવું છે મારે!
નીકળ્યો છું સંકલ્પ કરીને,
એક મિલનની આશ ધરીને,
યત્ન છતાંયે તું ન મળે તો
આવી તારે દ્વારે,
હૈયું ઠાલવવું છે મારે!
૬-૬-૧૯૪૯