ગામવટો/૧૮. વઢાઈ ગયેલાં ખેતરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮. વઢાઈ ગયેલાં ખેતરો

આ શરદના દિવસો પારિજાતની પામરી લઈ આવ્યા છે. ધરતીને ખોળે એની બિછાત અને હવામાં સુગંધની લહેરો છે. થોડાં પારિજાતને હું ખોબામાં ભરી લઉં છું. મારું મોઢું એમાં ઝબોળું છું – શ્વાસ એની સૌરભથી છલકાઈ ઊઠે છે. આખો ચહેરો પારિજાતનાં ફૂલોના સ્પર્શથી, – સંનિકટ અને સઘન સ્પર્શથી ખીલી ઊઠે છે. પાંપણે–પોપચે પુષ્પાનુભૂતિ રોમાંચ થઈને વળગી રહે છે. નાક– ગાલ–ઓષ્ઠ–કપોલને થતો આખેઆખો પુષ્પાનુભવ મારા આખા દિવસને જરાક જુદો બનાવી દે છે. પારિજાતનો જનક હું હોઉં એમ મનમાં એક તોર રચાય છે. આખો દિવસ એનાથી થોડોક ઉન્માદી લાગ્યા કરે છે. મારી કૂણી કૂણી હથેળીઓ પારિજાતના સહવાસથી થોડી વધુ કેસરી રતાશ ધારણ કરે છે. મને પણ મારો સ્પર્શ કૈંક સુંવાળો લાગે છે. પારિજાતના દિવસો મારા પરિમાણોમાં પરિવર્તન લાવી દે છે. જીવનના કઠોર–કડવા અનુભવોથી દગ્ધ થયેલું હૃદય અને વિદગ્ધતાને માર્ગે વળેલું મન પણ પાછું મુગ્ધ થઈ જાય છે ને વિસ્મયને વહાલ કરતાં હૃદય–મન બેઉ અદ્ભુતની સૃષ્ટિમાં પાછાં રમમાણ થઈ જાય છે. મારામાંનો સર્જક આવી ક્ષણોમાં બહાર આવે છે, મારી ભીતરમાં છુપાયેલો આરણ્યક જીવ પણ બારણાં ખોલીને દોડી આવે છે બહાર... ફરીથી હું ‘બારી બહાર'ની સૌંદર્યસૃષ્ટિ માટે લાલાયિત થઈ ઊઠું છું. સુગંધના આ દિવસો મારી દુઃખદ પરિસ્થિતિઓને વીંટળાઈ વળે છે ખરા, પણ એથી મારી પીડાઓ મટી જતી નથી, કદાચ એમાંય ભરતી આવે છે. ઋતુઓના રાગ મને પીડા–મુક્તિ અપાવતા નથી. બલકે પ્રત્યેક ઋતુ મારા કોઈ ને કોઈ નાનામોટા જખમને ફરીથી જીવતો કરી દે છે. આ ઋતુનો સુગંધી વૈભવ પણ એ જ કરે છે. આ શરદના દિવસો પણ મારી મનોવેદનાના વિશાળ ચંદરવાની ઝૂલ થઈને આવ્યા છે. જાણે દરેક મોસમ મારી વેદનાની રૂપેરી કોર કે સોનેરી શણગાર બનવા તાકે છે. પ્રકૃતિ મારી યાતનાને આ રીતે સતત અલંકૃત કરતી રહે છે – એટલે હું ઋતુ વિચ્છેદ પામતો નથી. પ્રકૃતિ હજીય મારી નાભિનાળ રહી છે; ત્યાંથી હું જીવનનાં સત્યો પામું છું અને એના બળે કરીને વ્યવહા૨ જીવનનાં કારમાં તથ્યોને સહેવાનું સામર્થ્ય પામું છું. રોજ સવારે કુદરત મારે ખભે હાથ મૂકે છે અને ઋતુનો ચહેરો મને દેખાય છે. શરદના સુગંધી દિવસોમાં મારો વતન વિચ્છેદ વધારે તાજો થઈ ઊઠે છે. ઘર–સીમ–નદીકાંઠો અને કોથળિયો ડુંગર–વગડો છૂટી ગયાનું શલ્ય મારી ભીતરમાં ભોંકાયા કરે છે. ભરપૂર કાર્યો કે ‘આઉટ સાઇડર’ વિશેની વ્યાખ્યાન વેળાએ પણ એ શલ્યની તીણી અણી ઊંડે ને ઊંડે ઘણું ચૂભતી રહે છે... વિવશ મન બહુ ઝાવાં મારે છે, અંદરનો રંજાડ છેક મોડી રાતે સમજણનું રૂપ પામીને શમી જાય છે ખરો, પણ બીજા દિવસેય વ્યતીત એનાં અસલ રૂપો સાથે માલીપા ફરવા માંડે છે... જીરવાતા નથી આ દિવસો ! ઘર પર શરદના તડકા–છાંયા વચ્ચે ગોદડીઓ–ગાદલાં સુકાતાં હશે – આભલે પણ એવાં જ મેલાંઘેલાં થોડાં ધોળાંકાળાં છુટ્ટાં વાદળો જતાં વળતાં હશે કે પછી સુસ્ત પડ્યાં હશે આંગણાનાં ઢોર જેવાં. ખળામાં ડાંગરનાં ગાડાં ઠલવાતાં હશે. મોટાભાઈ ઢૂલું જોડીને ડાંગર મસળતા હશે. એની માદક સુગંધ માટે એમના નાકને નવરાશ ના જ હોય ને! પડસાળે મકાઈ ડોડા હસતા હશે ને બચ્ચાંકચ્ચાં એમાં રમતાં પડતાં–આખડતાં હશે. દાદાજી એમને ધમકાવતા હશે. વાડાની ગિલોડીને ફૂલો આવ્યાં હશે, રીંગણી ફૂટી હશે, કરામાં કોળાના વેલાએ બેઠેલાં કોળાં માએ માટલી મૂકીને એમાં ઉછેર્યા હશે, નાના મોઢાવાળા માટલામાં મસમોટું કોળું કેવી રીતે પુરાયું હશે એનું, મારી જેમ નવી પેઢીને અચરજ થતું હશે. કળિયા ઉપર ચઢેલા દૂધીના વેલા ૫૨ મોટાં મોટાં નૈયાં લબડી પડ્યાં હશે... ને સફેદ કંટાળાં પણ આ દિવસોમાં વયમાં આવી વાટ જોતાં હશે વધેરાવાની. વાઢેલાં ખેતરોમાં ચીભડાંની ઉજાણી હશે. કોઠમડાંય ડુભ્ભર થઈને ઘરવાળીના ખોળામાં સચવાઈને ઘેર પહોંચી ગયાં હશે! મારું બાળકમન આ સઘળા સ્વાદ માટે ઝૂર્યા કરે છે. ઘણા અઘરા છે આ શરદના દિવસો. રૂપે ગુણે પ્રસન્ન કરી દેતી આ ઋતુ મારી આકરી કસોટી કરે છે. ઢળતી રાતે શરદનો ચન્દ્ર ખંડેર ઘરના નિર્જન આંગણે ડાળીતૂટ્યા લીમડા માથે આવીને અટકી ગયો હશે; એય કદાચ મને શોધતો હશે? હું કોઈનેય યાદ આવતો નહીં હોઉં ને મને બધાં જ યાદ આવ્યા કરે છે... મારી શેરી મારા વિના ખરેખર સૂનીસૂની હશે. છેલ્લે ઘેરથી ગંવન પહેરીને એક કિશોરી ગામ છોડીને ચાલી ગઈ હશે... રસ્તાઓ એનાથી થોડા ઉદાસ હશે; પણ મહીસાગરનાં લીલાં પાણી ખળખળ વહેતાં જ હશે... હું નહીં હોઉં ત્યારેય આ બધું તો હશે જ એવો વિચાર આવે છે ને થાય છે કે મારા વિના ઘર વતનને કશુંય થતું હશે ખરું? કદાચ ના... તારાભર્યું આકાશ એમ જ ઝૂકી આવતું હશે, ટેકરીઓને માથે ! બધાં ખાઈપીને મારા સિવાયની કેટલીય વાતો કરીને જંપી જતાં હશે! મારી ગેરહાજરીમાંય મારાં વઢાઈ ગયેલાં ખેતરો પાછાં ફૂટતાં હશે. હું ત્યાં નથી એ વાતે અહીં મારી આંખોમાં આંસુ બંધાય છે ને ત્યાં મારી સીમમાં ઝાકળ પડતું હશે... મારી જેમ એય હશે ભીનીભીની એકાકી...

તા ૨૪–૯–૯૬ / તા. ૨૫–૯–૯૬