ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/પ્રકીર્ણ (પીએચ.ડી.)

૯. પ્રકીર્ણ
૧. શીર્ષક : ગુજરાતી બાળસાહિત્યમાં વાર્તા-એક સૈદ્ધાંતિક ગવેષણા
સંશોધક : ભારતીબહેન ભૂપતરાય ઝવેરી
માર્ગદર્શક : પ્રો. મોહનભાઈ પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૭૧

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધમાં જીવન તથા સાહિત્યમાં બાળસાહિત્યનું મહત્ત્વ તેમ જ બાળસાહિત્યના બાળવાર્તા વિશે ઊંડાણથી ચર્ચા રજૂ કરવામાં આવી છે. સંશોધનકર્તાનો મુખ્ય હેતુ અન્ય સાહિત્યસ્વરૂપોની જેમ બાળસાહિત્ય પણ લલિત સાહિત્યનો જ એક ભાગ છે, અન્ય પ્રકારોની જેમ તેનો પણ આસ્વાદ કરી શકાય છે તે દર્શાવવાનો રહ્યો છે. આરંભે બાળવાર્તાના વિવિધ પ્રકાર, તેનું સ્વરૂપ, લક્ષણો વગેરેની સૈદ્ધાંતિક ચર્ચા કરી છે. પરંપરાથી લોકસાહિત્યમાં રહેલી બાળવાર્તાઓ અને આધુનિક દૃષ્ટિબિંદુથી રચાતી બાળવાર્તાઓ – એમ બે પ્રકારો દર્શાવ્યા છે. પ્રથમ વિભાગમાં સંકલિત કથાઓ, વિનોદકથાઓ, વાસ્તવદર્શી કથાઓ, પરીકથા, પ્રાણીકથા, હિતોપદેશની કથાઓ, પુરાકલ્પનનો સમાવેશ કરી જે તે ઉદાહરણો આપ્યાં છે. બીજા વિભાગમાં આધુનિક બાળવાર્તાનું સ્વરૂપ તથા તેમાં રહેલ વાસ્તવતત્ત્વની ચર્ચા રજૂ કરી છે. કલ્પના અને વાસ્તવનો ભેદ દર્શાવી બાળકના ચિત્ત માટે તેનું મહત્ત્વ દર્શાવ્યું છે. આધુનિક વાર્તાઓમાં બાળજગતની વાર્તાઓ, સાહસકથાઓ, દેશપરદેશની વાર્તાઓ, ઐતિહાસિક વાર્તાઓ, ચરિત્રવાર્તાઓ, વગેરેનો સમાવેશ કર્યો છે બાળવાર્તાના વિવિધ પ્રકારો, બાળકો માટે તેનું મહત્ત્વ, તેનાં સ્વરૂપ વિશે ઉદ્ભવતા પ્રશ્નો, વગેરેની ઝીણવટભરી ચર્ચા રજૂ કરી છે. કેટલીક વાર્તાઓના આસ્વાદ આપી તેની સાહિત્યિક મૂલ્યવત્તા દર્શાવી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૨. શીર્ષક : ગાંધીયુગનું ગદ્ય
સંશોધક : દલપત પઢિયાર
માર્ગદર્શક : પ્રો. મોહનભાઈ પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૭૮
પ્રકાશન વર્ષ : ઈ.સ. ૧૯૯૧

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ બે ખંડમાં વિભાજિત છે. સંશોધનકર્તાએ ગુજરાતી સાહિત્યના ગાંધીયુગના સમયગાળામાં ખેડાયેલા ગદ્યને કેન્દ્રમાં રાખી સઘન અભ્યાસ રજૂ કર્યો છે. પ્રથમ ખંડમાં સંસ્કૃત વિવેચનશાસ્ત્રમાં જુદા જુદા સંસ્કૃત આચાર્યો દ્વારા રજૂ થયેલી ગદ્યવિચારણાનો ખ્યાલ આપ્યો છે. પાશ્ચાત્ય વિવેચકો દ્વારા આ દિશામાં થયેલી વિચારણાનો ખ્યાલ પણ રજૂ કર્યો છે. ત્યાર બાદ ગુજરાતી ભાષાના મુખ્ય તથા ગૌણ વિવેચકોએ ગદ્યવિષયક જે ચર્ચા-વિચારણા કરી છે તેનો પરિચય અહીં આપ્યો છે. ખંડ-૨માં ગુજરાતી ભાષા-સાહિત્યમાં ગાંધીયુગ પૂર્વે ખેડાયેલાં ગદ્યની લાક્ષણિકતાઓની ચર્ચા રજૂ કરી છે. ગાંધીયુગનું ગદ્ય પૂર્વગદ્યથી કેવી રીતે જુદું પડે છે તેની ચર્ચા અહીં કરી છે. ગાંધીયુગની ભૂમિકા રજૂ કરી તે યુગના ગદ્યકારો અને તેમની સાહિત્યકૃતિઓનો પરિચય લાક્ષણિકતાઓ સહિત રજૂ કર્યો છે. ગાંધીયુગના ગૌણ ગદ્યકારો વિશે પણ વાત કરી છે. અંતે ઉપસંહાર રજૂ કરી સંદર્ભસૂચિ આપી છે.

૩. શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં અનુવાદવિચાર
સંશોધક : જયંતીભાઈ ચૌધરી
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૦
પ્રકાશન વર્ષ : ઈ.સ. ૨૦૧૩

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. સંશોધનકર્તાએ મધ્યકાળથી માંડીને ઈ.સ. ૧૯૯૯ સુધી ગુજરાતી ભાષા-સાહિત્યમાં જે અનુવાદ પ્રવૃત્તિ થઈ છે તેને કેન્દ્રમાં રાખી પોતાનો અભ્યાસ રજૂ કર્યો છે. પ્રકરણ-૧માં અનુવાદની વ્યાખ્યા, પ્રકારો, અનુવાદકની સજ્જતા, અનુવાદનું સ્વરૂપ તથા તેનું મહત્ત્વ વગેરે મુદ્દાઓ વિશે ઝીણવટપૂર્વક ચર્ચા રજૂ કરી છે. પ્રકરણ-૨માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે કંઈ અનુવાદ પ્રવૃત્તિ તથા તેના વિશે વિચારણા થઈ હોય તેની વિગતો રજૂ કરી છે. પ્રકરણ-૩માં અર્વાચીનયુગમાં ૧૯મી સદીમાં થયેલ અનુવાદ પ્રવૃત્તિનો ખ્યાલ આપ્યો છે. અનુવાદ પ્રવૃત્તિને વેગવંતી બનાવનાર પરિબળો વિશે વાત કરી છે. પ્રકરણ-૪માં ૨૦મી સદી દરમિયાન ગુજરાતી સાહિત્યમાં થયેલ અનુવાદ પ્રવૃત્તિનો ચિતાર રજૂ કર્યો છે. તેનાં પ્રેરકબળો વિશે ચર્ચા કરી છે, જેમાં સામયિકો, સાહિત્યિક સંસ્થાઓનો ફાળો વગેરે વિશે વિચારણા થઈ છે. પ્રકરણ-૫માં સંશોધનકર્તાએ પોતાનો નિષ્કર્ષ રજૂ કર્યો છે, જેમાં ગુજરાતી ભાષા-સાહિત્યમાં થયેલ અનુવાદ પ્રવૃત્તિની ઉપલબ્ધિ તથા મર્યાદાઓ વિશે પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં છે. અંતે સંદર્ભેસૂચિ આપી છે.