ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/એક નવી ઓલાદ


એક નવી ઓલાદ
ભૂપેશ અધ્વર્યુ

જો બૂટ ગાય-ભેંસના આંચળમાંથી નીકળે
તો બૂટને પગ ફૂટે
પગને આંગળાં, આંગળાંને નખ ફૂટે. નખના પોલાણમાં સદ્યસ્નાતા
ધરતી મેલ બનીને પ્રસરે.
નખથી માણસ પર હુમલો કરે, પગથી પર્વતોના આરોહણ
ને દરિયાના અવરોહણ કરે
ધરતીથી કણસલાં પગ વતી ખળામાં અનાજ બને
પગ હોય તો અનાજ બને, પગ હોય તો કાંટો વાગે,
પગ હોય તો આંગળાં શિયાળામાં ઠૂંઠવાય ગરમ બૂટમાં પેસે
ગરમ બૂટનાં ચામડાં કઈ ઓલાદનાં ?