ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/વૃક્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વૃક્ષ
રમેશ આચાર્ય

વાહનો આવતાં જોઈ
વૃક્ષોએ વનમાં
રસ્તો કરી આપ્યો
પણ હવે એ
આઘાં ખસી શકશે નહિ,
સડકની બંને બાજુએ
ખાઈ ખોદેલી છે.


વૃક્ષને છેદો તો
એમાંથી નીકળે વૃક્ષ,
વૃક્ષને કાપો ને
રોપાઈ જાય વૃક્ષ;
વૃક્ષને બાળો ત્યાં
ઊગી જાય વૃક્ષ.


વૃક્ષ,
હું અહીં ઊભો છું.
તું કંટાળી ગયું હોય તો
પેલી ખિસકોલીને
મારા શરીર પર
સંતાકૂકડી રમવાનું કહે.


હું બેઠો છું
વૃક્ષનું ખેાડીબારું પલાણીને,
ને વૃક્ષ તો
ઊંચે વધતું જાય છે.