ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/દિનકર જોષી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
દિનકર જોષીની વાર્તાસૃષ્ટિ

ડૉ. વિનોદ જે. જાડા

GTVI Image 91 Dinkar Joshi.jpg

બેઠી દડીના ભીનેવાન, શરીરધારી, ધીમું ધીમું પણ દૃઢતાપૂર્વક બોલતા અતિ સ્નેહાળ સંબંધરખું શ્રી દિનકર જોષીનો જન્મ ભાવનગર જિલ્લાના ભડી-ભંડારિયા ગામે ૩૦મી જૂન, ૧૯૩૭ના રોજ પિતા મગનલાલ અને માતા લીલાવતીના ઘરે થયો હતો. તેમનું મૂળ વતન તો ભાવનગર જિલ્લાનું નાનકડું ગામ નાગધણીબા પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાવનગરને જ વતન માન્યું છે. જો કે કર્મભૂમિ તો વર્ષોથી મુંબઈ છે. મેટ્રિકમાં ૭૮ ટકા સાથે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી પાસ થયેલા. પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે ભણવાનું પડતું મૂકીને કલેક્ટર ઑફિસમાં ૭૦ રૂપિયાની નોકરી કરવી પડી. વચ્ચે ટ્યૂશનો પણ ચલાવ્યાં. બાદમાં આ કિશોરે વેસ્ટર્ન રેલવેમાં સ્ટેશન માસ્તર તરીકે અને સ્ટેટ બૅઁક ઑફ સૌરાષ્ટ્રમાં પણ નોકરી કરી. ત્યારબાદ પૂરાં સાડત્રીસ વર્ષ સુધી દેના બૅંકમાં નોકરી કરીને નિવૃત્તિ લીધી. એમાં રિજિયોનલ ઑફિસમાં એડવાન્સીસ ડિપાર્ટમેન્ટના ઑફિસર તરીકે તેમજ છેલ્લે વ્યાવસાયિક કારર્કિદી તરીકે દેના બૅંકની મુંબઈ સ્થિત સ્ટાફ ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ પદેથી નિવૃત્તિ લીધી. પરંતુ આ જીવ બૅંક અધિકારી તરીકે નહીં, બલકે વાર્તાકાર, નવલકથાકાર અને સાહિત્યકાર તરીકે પ્રખ્યાત થયા. નિવૃત્તિ બાદ પૂરો સમય સાહિત્યને એટલે કે વાચન-લેખનને જ આપવો એવો નિર્ધાર કરીને તેઓ આજે મુંબઈમાં ‘સાહિત્યપ્રદાન પ્રતિષ્ઠાન’ નામની અનુવાદ સંસ્થા ચલાવે છે. સાહિત્યક્ષેત્રે તે શી રીતે આવ્યા તેનો પણ એક અનોખો ઇતિહાસ છે. માનવીય જીવનના વિવિધ અનુભવો માણસનું ઘડતર અને ચણતર કરવામાં નિમિત્ત બનતા હોય છે તેથી જ કદાચ દિનકર જોષીને સાહિત્યકાર તરીકે ઘડવામાં માંદગીએ સૌથી સ-વિશેષ ભાગ ભજવ્યો છે. તેથી જ દિનકરભાઈ કહે છે કે, દશેક વર્ષની ઉંમરે પડી કે વાગી જવાથી મણકાના દુખાવાની વિચિત્ર બીમારી થતાં તદ્દન નિર્વસ્ત્ર અવસ્થામાં ખાટલા પર બાંધીને સૂવડાવી રખાતો હતો. લોકો મૂઆ થાય ત્યારે લાકડે બંધાતા હોય છે, જ્યારે મારે જીવતેજીવ મૃત્યુશૈયાનો અનુભવ કુમળીવયે કરવો પડેલો. માબાપ, ભાઈભાંડું કેટલો વખત પાસે બેસીને સાથ આપે? એટલે નવરા પડ્યાં મેં કશુંક વાંચવાનું શરૂ કરવા વિચાર્યું. ઘરમાં ત્યારે બીજાં તો કોઈ પુસ્તક ન્હોતાં. એક જૂનું ગિરધર કૃત ‘રામાયણ’ મળી આવ્યું. મને તેમનાં જટાયુવધ વગેરે પ્રસંગનાં ચિત્રો વધારે ગમ્યાં. બાદમાં નાનાભાઈ ભટ્ટના ‘મહાભારતનાં પાત્રો’, ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’નું પણ વાચન કર્યું. ત્યારબાદ ધીરે ધીરે વાચનરુચિ વધી. રામાયણથી આરંભાયેલી વાચનયાત્રા વાયા મહાભારત અને ગાંધીજીની આત્મકથાથી લઈને ગુણવંત આચાર્ય, ક. મા. મુનશી, ૨. વ. દેસાઈ વગેરેની ગ્રંથસૃષ્ટિમાંથી પસાર થવાનું બન્યું. એટલું જ નહીં જાણે સવાર-બપોર-સાંજ એમ ત્રણેય ટંક તેમની સાથે ‘ભૈબંધી’ કરતા હતા. આ વાચનશોખ અને માંદગીએ તેમને લખવા પ્રેર્યા છે.

GTVI Image 92 Sarwala Badbaki.png

બાર-તેર વરસની ઉંમરે કાગળ ઉપર અવતરેલો સથવારો તેમને પહેલીવાર સાંપડ્યો. કશુંય સમજ્યા વિના તેમણે આત્મકથા લખી કાઢી. ત્યારબાદ સોળ વર્ષની ઉંમરે લખેલી ‘જગત આ અકસ્માતનું’ વાર્તા ચાંદની વાર્તામાસિકમાં છાપવા મોકલેલી. છપાઈ તો નહીં, પણ પરત પણ ન મળી. દિનકરભાઈને કચોરી ખાવાનો શોખ. એકવાર કચોરી બાંધેલી તે છાપાનું કાગળિયું જોયું તો તેમાં પેલી વાર્તા! તે ‘જનસત્તા’ પેપરનું હતું. એક જ ગ્રૂપનાં પ્રકાશન હોવાથી વાર્તા મોકલી તે સામયિકમાં નહીં ને છપાઈ છાપામાં! પણ પછી જ્યારે ‘નવચેતન’માં ચાંપશી ઉદ્દેશીએે ‘સંભવામિ યુગે યુગે’ વાર્તા છાપી ત્યારે દિનકર જોષીને શેર લોહી ચઢેલું. ત્યારે ઉંમર હતી એકવીસ વર્ષ. તેથી દિનકર જોષી કહે છે; ‘આમ, ૧૯૪૯ કે ૧૯૫૦માં શબ્દે મારી આંગળી પકડી અથવા તો મેં શબ્દની આંગળી પકડી. પકડાયેલી આંગળીઓ પછી તો અંકોડા બનીને ભિડાઈ ગઈ.’ આમ, ૧૯૫૦માં લખવાનું શરૂ કર્યું છે, એ ગણીએ તો આજે ૮૫ વર્ષના થયેલા દિનકર જોષી બોંતેર વર્ષથી લખે છે. પ્રકાશમાન સૂર્યની સમાન ઝળહળતા શબ્દોની ઉપાસના નહીં તો બીજું શું? નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, આધ્યાત્મિક ચિંતનના સર્જક, મહાભારત અને રામાયણ આદિ પુરાણગ્રંથો અંગેના અભ્યાસગ્રંથોના લેખક–સંપાદક તરીકે જેમનું નામ દેશભરમાં ખ્યાતિ પામ્યું છે એવા દિનકર જોષીનું ગુજરાતી નવલકથાક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓનું આલેખન એ એમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. પરંતુ સાથોસાથ ટૂંકી વાર્તાનું સર્જન પણ તેઓ કરતા રહ્યા છે. તેમની પાસેથી ૧૨ જેટલા વાર્તાસંગ્રહો આપણને પ્રાપ્ત થાય છે. તેમાં ‘અનરાધાર’ (૧૯૬૪), ‘વનપ્રવેશ’ (૧૯૬૫), ‘તરફડાટ’ (૧૯૬૯), ‘એક લાવારિસ શબ’ (૧૯૭૪), ‘એક વહેલી સવારનું સપનું’ (૧૯૮૦), ‘નામ બદલવાની રમત’ (૧૯૮૬), ‘દિનકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૮૮), ‘બાંધી મુઠ્ઠીનો ખાલીપો’ (૧૯૯૦), ‘નવા વરસનું પંચાંગ’ (૧૯૯૫), ‘એક હતો માણસ’ (૧૯૯૭), ‘સરવાળાની બાદબાકી’ (૨૦૦૩), ‘વગડાઉં ફૂલ’ (૨૦૧૨). આમ ૧૨ વાર્તાસંગ્રહોમાંથી કુલ અઢીસોથી પણ વધારે વાર્તાઓ પ્રાપ્ત થાય છે. તેમાંથી ‘સરવાળાની બાદબાકી’ સંગ્રહની વાર્તાઓ વિશે વાત કરવાનો ઉપક્રમ અહીં છે. તેમની વાર્તાઓમાંથી પસાર થઈએ ત્યારે સ્પષ્ટપણે આપણે વાર્તાઓને જુદા જુદા વિભાગમાં વિભાજિત કરી શકીએ છીએ.

(૧) નિરૂપણરીતિની વાર્તાઓ
(૨) ગ્રામ્યપરિવેશની વાર્તાઓ
(૩) સામાજિક–સાંસારિક વાર્તાઓ
(૪) વાતાવરણપ્રધાન વાર્તાઓ

દિનકર જોષીની વાર્તાસૃષ્ટિમાંથી પસાર થઈએ છીએ ત્યારે વાર્તાસૃષ્ટિનો વિહાર ભાવકને સંસારની વિવિધ વાસ્તવિકતાનું દર્શન કરાવે છે. ‘સરવાળાની બાદબાકી’ વાર્તાસંગ્રહમાં કુલ ૨૪ વાર્તાઓ સંગ્રહિત થઈ છે. તેમની પ્રસ્તાવનામાં જ તેઓ કહે છે ‘મારી વાર્તાઓને પારંપરિક માનવાનું એક વલણ વાચકો અને વિવેચકોમાં પણ રહ્યું છે એ હું જાણું છું. હું વાર્તા લખું છું ત્યારે મારી નજર સામે પરંપરા કે પ્રયોગ, બે પૈકી કશું નથી હોતું – માત્ર વાર્તા હોય છે’ (પૃ. ૪) ચોક્કસ ખાનાં વિનાની વાર્તાઓ હોવા છતાં વાર્તાઓનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘પાકુ વેવાઈની ઉંમર’ નોંધપાત્ર છે. જેમાં આધુનિક સમયની માણસની વેદના કેન્દ્રમાં છે. માણસ પહેલાં મૃત્યુનોંધ વાંચવા ટેવાઈ જાય છે પછી ધીરે ધીરે મૃત્યુનોંધની અસર માણસના મન પર કેવી થાય છે, તેમજ મરણનોંધની ઉંમરના આંકડા જોઈને પોતાનાં પણ હવે કેટલાં વર્ષો બચ્યાં હશે તેવો મનોભાવ કેન્દ્રસ્થ કરીને માણસની અસહાય મનોવેદનાની નોંધ લીધી છે. તેમજ ‘અંતિમ ઇચ્છા’ વાર્તાના કેન્દ્રમાં પણ મૃત્યુની વેદના અને મૃત્યુની અંતિમ ઇચ્છા કેન્દ્રમાં છે. ‘બ્રધરહૂડ કો–ઓપરેટિવ સોસાયટી’ અને ‘શાંત કોલાહલ’ જેવી વાર્તાના કેન્દ્રમાં શહેર અને શહેરી સંસ્કૃતિના પરિમાણો કેન્દ્રસ્થ કર્યાં છે. તેમજ નિવૃત્તિ જીવન પછી માણસની કિંમત કેવી અને કેટલી? એ પ્રશ્ન નિવૃત્તિ જીવન પછી ડગલને પગલે માણસને અનુભવાય છે તેથી જ ‘ઉછીનો પ્રકાશ’ અને ‘થાક’ વગેરે વાર્તામાં નિવૃત્તિમય જીવનની અનુભૂતિ જોવા મળે છે. દામ્પત્યજીવનના અનુભવો માણસને જુદી રીતે જીવવા પ્રેરે છે. તેથી જ દામ્પત્યજીવનના વિવિધ સામાજિક અનુભવો પણ લેખકે વાર્તામાં ખપમાં લીધા છે. માણસનું ઘર સમજણથી ચાલે છે એ દામ્પત્યજીવનની વાર્તાઓનો કેન્દ્રિય સૂર રહ્યો છે જેમાં ‘છત્રીસમી લગ્નતિથિ’, ‘ધરતી-આભનાં છેટાં’, ‘ભવોભવનાં વેરી’, વાંચતાં એ આપણે અનુભવી શકીએ છીએ. ‘જેન્તી શેઠનો મા’સુખ’, ‘ગોરંભો’ અને ‘સ્ત્રી’ ત્રણ વાર્તાના કેન્દ્રમાં સ્ત્રી છે. સ્ત્રીના પ્રશ્નો છે. સ્ત્રી માત્ર પુત્રપ્રાપ્તિનું સાધન નથી પણ સ્ત્રીનું એક અલગ ચારિત્ર્ય છે જે બતાવવા માટે ત્રણે વાર્તાઓમાં સ્ત્રીના પ્રશ્નો જુદી જુદી રીતે રજૂ થયા છે ‘જેન્તી શેઠનો મા’સુખ’ વાર્તા જેન્તી શેઠના બાપ બનવાના અભરખા અને પોતાનું નપુંસક હોવુંમાંથી જ આ વાર્તા જન્મી છે. લોકકથા શૈલીમાં આલેખાયેલી વાર્તા સ્ત્રી માત્ર પુત્રપ્રાપ્તિનું સાધન નથી તે બતાવવા મનસુખની વાર્તા સરસ રીતે વ્યક્ત કરી છે. ‘ગોરંભો’ વાર્તામાં વિજ્ઞાન અને ટેક્‌નોલોજીએ હરણફાળ ભરી હોવા છતાં પુરુષપ્રધાન સમાજની માનસિકતામાં બદલાવ આવ્યો નથી તેમજ પુત્રપ્રાપ્તિની ઘેલછામાં જીવતા પુરુષોની વાત કેન્દ્રમાં છે. તેમજ શીલ એ સ્ત્રીનું આભૂષણ છે. કહેવાતા ભદ્રસમાજને માત્ર ટોળામાં રસ છે. એક સ્ત્રીના દૈહલાલિત્યને નીરખવો ગમે છે. પરંતુ એક ભિખારણ સ્ત્રી પોતાનું ચારિત્ર્ય સાચવીને પણ બીજાના ચારિત્ર્યની ખેવના કરે છે. તેથી સ્ત્રી જ સ્ત્રીનો સાચો પ્રશ્ન સમજી શકે એ વાત અહીં ત્રણે વાર્તાઓના કેન્દ્રમાં છે. વૃદ્ધાવસ્થામાં જ માણસને ખરો જીવનનો અનુભવ થાય છે. પોતાનાં લાગતાં વ્યક્તિઓ પણ ધીરે ધીરે પારકાં બનતાં જાય છે તેની વાત ‘હજાર હાથવાળાની કૃપા’ વાર્તાના કેન્દ્રમાં છે. વૃદ્ધ જ વૃદ્ધાવસ્થામાં જ એકબીજાનો સહારો બની શકે છે પરંતુ જો આ હજાર હાથવાળા ઈશ્વરની કૃપા કેન્દ્રમાં હોય. ‘મમ્મી! હું મોટો થઈ ગયો છું!’ અને ‘ચાવીવાળું રમકડું’ વાર્તાના કેન્દ્રમાં બાળસહજ મનોવૃત્તિ છે. ઘરમાં અચાનક વડીલના અવસાનથી બાળક પણ ઝડપથી મોટું થતું જાય છે. ઘરની જવાબદારીને પરિસ્થિતિને કારણે બાળકને બાળક હોવા છતાં અન્ય વડીલોની દૃષ્ટિએ બાળક આપણને મોટું લાગવા માંડે છે. તેમજ સ્ત્રીહઠ, બાળહઠ અને રાજહઠ આગળ દરેક વ્યક્તિએ નમતું જોખવું પડે છે. ત્યારે ‘ચાવીવાળું રમકડું’ વાર્તામાં બાળકની જિદ અને તે કોઈપણ વસ્તુ મેળવવા માટે જિદ કરે છે ત્યારે તરત જ આવી જિદની માંગણી સંતોષવી કે નહીં? એ વાત બાળસહજ સમજણ દ્વારા આલેખિત થઈ છે. ‘એનું નામ’ વાર્તામાં માણસ કેન્દ્રમાં છે. આધુનિક માણસ સતત ભાગદોડભરી જિંદગી જીવે છે. તેથી માણસને જુદી જુદી વસ્તુઓ – વ્યક્તિઓ–સ્થળ તેમજ આસપાસની વસ્તુઓ સહિત ભૂલવાનો જાણે રોગ લાગુ પડે છે. એ રોગ ધીરે ધીરે કેવો વિકરાળ બને છે તે પરિસ્થિતિને કેન્દ્રિત કરીએ પ્રસ્તુત વાર્તા આલેખિત થઈ છે. સર્જકને ખુદ બૅંક કર્મચારી તરીકેની નોકરી દરમ્યાન જુદા જુદા પ્રકારના અનુભવો થયા છે. કચેરીમાં કોઈપણ પ્રકારનું કામ ‘વજન વગર’ આગળ ધપતું નથી. જેને આપણે વર્તમાન સમયમાં લાંચ કે લાંચરુશ્વત કહીએ છે. લાંચરુશ્વત જેવા ગહન વિષયને કેન્દ્રિત કરીને ‘નીરણ’ નામની વાર્તા આપણને પ્રાપ્ત થાય છે. બૅંકજીવનના અનુભવના નિચોડરૂપે આપણને આ વાર્તા પ્રાપ્ત થાય છે, તેથી વાર્તામાં સવિશેષ પાત્રો બૅંકના કર્મચારીઓ આવે છે. કર્મચારીની બદલીઓ વારંવાર થતી રહેતી હોય છે પરંતુ બદલીના નામે થતી તોડ તેમજ જે લાંચરુશ્વતથી દૂર ભાગે છે તેવા કર્મચારીઓ પણ બદલીના બદલામાં કોઈ વ્યક્તિનું કામ સરળતાથી કરી આપતા હોય છે. તેથી લાંચના પ્રકારો જુદા જુદા હોય છે. તેની વાત કટાક્ષમય રીતે ‘નીરણ’ શબ્દ દ્વારા આપણી પશુવૃત્તિ તરફ ધ્યાન દોરે છે. ‘સરવાળાની બાદબાકી’ જેના આધારે વાર્તાસંગ્રહનું નામ મળ્યું છે તે વાર્તા આજના માણસની સ્વાર્થવૃત્તિ તરફ આપણને અંગુલિનિર્દેશ કરી આપે છે. થોડા પૈસાની સ્વાર્થવૃત્તિના પરિણામ સ્વરૂપે કે થોડી સખાવતના ફળસ્વરૂપે ઘણી ઘણી મોટી સ્કૂલોનાં નામ બદલાતાં આપણે જોઈએ છીએ. અહીં વાર્તામાં પણ વર્તમાન સમયમાં શિક્ષણ સાથે જેને પનાર નથી તેવા વ્યક્તિઓ શિક્ષણનું ધામ એવી સ્કૂલ (નિશાળ)ના જૂના નામને થોડા પૈસા, પદ, લાલચ આપીને પોતાના અંગત વ્યક્તિઓ સાથે જૂની સ્કૂલનું નામ ત્યજીને નવું નામ ધારણ કરે છે તે ભાવપરિસ્થિતિ અને શિક્ષણનું કથળતું જતું સ્તર અને તેને કારણે ઊભી થતી વિકટ પરિસ્થિતિઓ આપણને કેન્દ્રિત પ્રસ્તુત વાર્તામાં આલેખિત કરી છે. આમ, ‘સરવાળાની બાદબાકી’ સંગ્રહની ચોવીસ વાર્તામાંથી પસાર થતાં આપણને જુદા જુદા અભિગમથી લખાયેલી વાર્તાઓ પ્રાપ્ત થાય છે. પ્રસ્તાવનામાં દર્શાવ્યા મુજબ તેમની વાર્તાઓ અનુભવના નિચોડરૂપે આવી હોવાથી સાંપ્રત સમયની જુદી જુદી સમસ્યાઓમાં દામ્પત્યજીવનના પ્રશ્નો, શહેરી સંસ્કૃતિના પરિણામ સ્વરૂપે માનવની એકલતા, મૃત્યુની અનુભૂતિ, સ્ત્રીના વિવિધ પ્રશ્નો, નિવૃત્તિ પછી થતી દયનીય સ્થિતિ, લાંચરુશ્વત, વૃદ્ધાવસ્થા, સમય સાથે બદલાતા સંબંધોનું સ્વરૂપ, શહેરીકરણને કારણે વધતો ક્રાઈમ, બાળસહજ સમસ્યાઓ અને તેના ઉકેલો વગેરે જુદી જુદી રચનારીતિના પ્રયોગ થકી વાર્તાઓ આલેખિત થઈ હોવા છતાં પરંપરાગત વાર્તાઓ હોવા છતાં આપણને જુદા પ્રકારની વાર્તાઓનો અનુભવ કરાવે છે.

સંદર્ભગ્રંથ :

(૧) ‘સરવાળાની બાદબાકી’, લે. દિનકર જોષી, પ્રવીણ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ-૨૦૦૩, પૃષ્ઠ : ૧૮૪, કિંમત : રૂા. ૯૦

ડૉ. વિનોદ જે. જાડા
મદદનીશ અધ્યાપક,
ગુજરાતી વિભાગ,
ડી. કે. વી. આટ્‌ર્સ ઍન્ડ સાયન્સ કૉલેજ, જામનગર
મો. ૯૭૩૭૧ ૨૫૬૯૮