ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મનુ પાંધી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મનુભાઈ પાંધીના
‘ફીણોટા’ વાર્તાસંગ્રહ વિશે.

ચાર્વી ભટ્ટ

Manubhai Pandhi.jpg

નામ : મનુભાઈ ભીમરાવ પાંધી
જન્મ : ૩-૭-૧૯૧૫ (કરાંચી)
મૃત્યુ : ૧૭-૧૦-૧૯૮૪
અભ્યાસ : L.D.S.C
વ્યવસાય : દાંતના ડૉક્ટર

પ્રકાશિત વાર્તાસંગ્રહ : ‘ફીણોટા’, લે. ડૉ. મનુભાઈ પાંધી, પ્ર. આ. ઑગસ્ટ ૧૯૬૮, પ્રકાશક, નવભારત સાહિત્ય મંદિર. મૂલ્ય ૭.૫૦ રૂ. મનુભાઈનો જન્મ કરાંચીમાં પરંતુ પિતાની નિમણૂક કચ્છ રાજ્યના અધિકારી તરીકે થતાં તેઓ ભુજ આવ્યા અને મનુભાઈનું પ્રાથમિક શિક્ષણ આલ્ફ્રેડ હાઈસ્કૂલ તથા માંડવીની જી.ટી હાઈસ્કૂલમાં થયું હતું. મેટ્રિક બાદ અમદાવાદ ગયા ત્યાં રવિશંકર રાવળ પાસે તેમને ચિત્રકળાની ધૂન ખેંચી ગઈ અને ‘કુમાર’ કાર્યાલયના કાતરીયામાં તેઓએ ચિત્રકામ શીખ્યું. ૧૯૩૬માં કરાંચીની કૉલેજ ઓફ ડેન્ટીસ્ટ્રીમાંથી ‘એલ.ડી.એસ.સી’ની ઉપાધિ પ્રાપ્ત કરી તેઓ માંડવીમાં દંત તબીબ તરીકે સ્થાયી થયા. આ સમયગાળા દરમ્યાન તેઓએ ગુજરાતના પરંપરાગત વહાણવટા અંગે સંશોધન આરંભ્યું તેમની વાર્તા ‘ફીણોટા’માં એ ક્ષેત્રકાર્યની સૂઝનો પરિચય પણ જોઈ શકાય છે. માંડવીમાં મનુભાઈને તેમના પુરોગામી બકુલેશ, જયંત ખત્રી, સ્વપ્નસ્થ જેવા મિત્રો સાથેની મૈત્રીએ તેમની વાર્તાકળાને ઘડવામાં મદદ કરી હતી. ‘ફીણોટા’ પણ તેમણે જયંત ખત્રીને અર્પણ કરેલ તેમનો એકમાત્ર વાર્તાસંગ્રહ છે.

FiNoTa by Manubhai Pandhi.jpg

‘ફીણોટા’ વાર્તાસંગ્રહની કુલ અઢાર વાર્તાઓમાં માનવજીવનના અભાવ, જાતીયતા, નિરાશા, હાસ્ય, જીવનની તટસ્થતા કેળવવા મથતાં પાત્રો અને સંબંધવિચ્છેદની વાર્તાઓ આલેખી છે. આધુનિકયુગમાં પ્રકાશિત થયેલ આ સંગ્રહની વાર્તા તેની સમકાલીન વાર્તાઓ કરતાં નોખી તરી આવે છે, કારણ કે મનુભાઈએ ‘ફીણોટા’માં ટૂંકીવાર્તા વિષે નોંધ્યું છે કે, ‘કચ્છનો સાહિત્યકાર જુદો તરી આવતો નજરે ચઢે છે. તેના મૂળમાં રૂપેરંગે રૂડી એવી તરંગકથાઓ કે ઊંચા બૌદ્ધિક સ્તરની વાર્તાઓ તરફ આ લેખકોની પસંદગી રહી નથી. પોચટતા આ પ્રદેશની ખાસિયત નથી.’ (પૃ. ૧૮) તેથી જ તેની વાર્તાઓ સામાન્ય કહી શકાય તેવી છે, તેમાં પરિસ્થિતિથી ઊભી થતી લાચારી હશે પરંતુ ટકી શકવા જેટલું મનોબળ પણ જોવા મળે છે. ‘બેકાબૂ’ વાર્તામાં પાત્ર છે કમાલ નામના ઘોડા તથા હુસેનની જેને આજદિન સુધી રમજુએ સાચવ્યાં સંભાળ્યાં છે પરંતુ યૌવનના જોરે કમાલ અને હુસેન કેવાં મન અને શરીરથી બેકાબૂ બને છે તેની વાત અહીં સર્જકે કરી છે. ચુનીલાલ મડિયાની ‘કમાઉ દીકરો’નું પાત્ર પાડો છે, તો અહીં ઘોડો અને હુસેન છે. માનવી અને પશુની જાતીયતા પ્રત્યેની આક્રમકતા અને ત્યારપછી બેકાબૂ બનતી પરિસ્થિતિ અને હુસેનની વૃત્તિને ‘પડતર જમીન પર ઊગી નીકળેલાં ઘાસની જેમ વધ્યે જતો હતો.’ આ રીતે સર્જકે આલેખી છે, તો બીજી વાર્તા ‘વેદના અને અશ્રુમાં’ ભૂતકાળ અને વર્તમાનનું અનુસંધાન સાધીને સર્જક ફ્લેશબૅક ટેક્‌નિકનો ઉપયોગ કરે છે, એક તરફ અન્જિન પોતાના હાથમાં છે અને લાખો લોકોના જીવને સાચવવા મથતા અબ્દુલના અંતિમ શ્વાસ ચાલે છે ત્યારે મૃત્યુની છેલ્લી ક્ષણને ગણતા અબ્દુલને પુત્રી અને પત્નીને પણ મળી નહીં શકે ત્યારે અબ્દુલ માટે પરિસ્થિતિ ભીંસાતી જાય છે. જ્યોતીન્દ્ર દવે કહે છે કે, ‘અહીં બે રથો એક સાથે ગતિ કરે છે, એક અગ્નિરથ અને બીજો મનોરથ.’ (પૃ. ૭) બંનેની ગતિ વિરુદ્ધ દિશામાં છે. એક તરફ પત્ની અને માંદગીમાંથી હમણાં જ બેઠી થયેલી દીકરીને મળવાની તલપ છે. ત્યારે છાતીમાં અચાનક થયેલા દુખાવાના લીધે ટ્રેન ચલાવતાં ઘરના અંતર અને જાતની પરિસ્થિતિ નિયંત્રિત કરવા મથતો નાયક છે. ભીંસાતી પરિસ્થિતિ વચ્ચે જ સર્જક આગળની પરિસ્થિતિ ભાવક પર છોડી દે છે. ‘પાર્ટીશનની પેલી બાજુ’માં બેકારીનો ભોગ બનેલા નાયકને સાચવતી નાયિકા અને તેના સંવાદો બાજુના ઘરમાં રહેતા પત્રકાર પુરુષના મોઢે કહેવાયેલી વાત છે. ‘પ્રાધ્યાપક’ વાર્તામાં સંશોધનનું મૂલ્ય દર્શાવતા નાયકની પરિસ્થિતિને લીધે વાર્તા હાસ્યાસ્પદ બનીને રહી જાય છે. ‘અર્ધાંગ’ વાર્તામાં કથક નાયક જ છે આ નાયક તે શ્યામલાલ જે વાસ્તવમાં વ્યભિચારી છે તો બીજી બાજુ સુઘડ સંસ્કારી રીતે રહેવું જીવવું પસંદ કરતો શ્યામ છે, શ્યામલાલ દારૂ પીધા પછી થાંભલામાં ભટકાતાં અલગ થતી બે આત્માઓ શ્યામલાલ અને શ્યામ બને છે. બંનેની પત્ની એક જ છે. સ્વપ્નમાં ચાલતી આ વાર્તામાં પોતે જ તેના અન્ય રૂપ સાથે ચર્ચા કરે છે, ઝઘડે છે વ્યભિચાર નહીં કરે એવું ભાન થતા ફરી થાંભલે ભટકાતાં બંને એક થઈ જાય છે. અહીં મનોવૃત્તિ દ્વારા સર્જકે માનવીય વૃત્તિઓનું દમન અને પોષણ દ્વારા સદ્‌ અને અસદ્‌ વૃતિને વ્યકિતના નિરીક્ષણ દ્વારા આલેખી છે. ‘બિરાદરી’ એ સામાજિક અસમાનતા, હુલ્લડને લીધે વ્યકિત કેવી આફતમાં મૂકાય છે તેની વાત છે. જેમાં બદરીનાથનું કુટુંબ આ પીડાનો ભોગ બન્યું છે, વાર્તાના અંતને આટોપી દેતા સર્જક અહી ઘટનાનું બયાન કરતા હોય તેવું જણાય છે. આ સંગ્રહની મહત્ત્વની વાર્તા તે ‘ફીણોટા’. આ વાર્તામાં માંડવીનો દરિયાકિનારો છે જે વહાણ મોમ્બાસા તરફ જાય છે એ સમયે કચ્છ સૌરાષ્ટ્રથી જતા વહાણનો રસ્તો ‘SOCOઘ્O’ દ્વીપ થઈને જતો, જેને વહાણવટીઓ ‘સિખોતર’ કહેતા. દરિયો પૂજી આ લોકો મુસાફરીએ નીકળે છે. આ વાર્તાનો નાયક તેજુ પ્રથમ વખત દરિયાપાર જાય છે. અહીં તેની સાથે જાકબ ભટ્ટી, રતનશી જેવા ખલાસી પણ છે. આ ખારવાઓ પોતાના નામથી નથી ઓળખાતા પણ સુલેમાન ‘દીવાન’થી રતુ માલમ ‘મામા તલપ’ નામે ઓળખાય છે. મધદરિયા પર આવતા તોફાન અને રાશનના અભાવથી ચલાવતા ખલાસીની હાલત આલેખતા સર્જકે ‘દરિયાની ખારી હવામાં ખાધેલું કયાં ખોવાઈ જતું તે સમજાતું નહીં’ એ સમયે ભજન કરી ઢોલક વગાડી આનંદ કરતાં અને દિવસ પસાર કરતાં લોકોને માથે અચાનક આફત આવે છે. મોમ્બાસાથી ભારત આવતા સુખોતરા ટાપુ પર છને બદલે વીસ દિવસ પસાર કરે છે અને ‘વાવડો’(તોફાન)નો સામનો કરે છે. નાખુદા, જાકબ જેવા કુશળ ખલાસીઓએ પરિસ્થિતિને તો સાચવી લીધી, તોફાન પણ શાંત થઈ ગયું પરતું ખાવા માટે કશું ન રહ્યું અને થોડું પાણી હતું તે પણ બચાવવાનું હતું. ત્યારે માથાની તેલની શીશીમાં પાણી ભરી એ થોડું થોડું પી ગળું સૂકવતા હતા. અંતે હેમખેમ ઘરે પહોંચતા આ ખલાસીનું જીવનનું ઝંઝાવાત સર્જકે કુશળ હાથે આલેખ્યું છે, દરિયાનું રમ્ય અને રૌદ્ર સ્વરૂપ આલેખતા સર્જક જ્યારે કિનારે આવતાં મોજાં ફીણોટાં બનીને આવે છે ત્યારે પગને વાગતી છાલક જેટલી આનંદ આપનારી હોય છે તેટલી જ તે મધદરિયે મોજાંની સાથે આવે ત્યારે ખલાસીને કેવો ખોખલો કરી બધી હિંમત ઝૂંટવીને લઈ જાય છે, તેનું સૂક્ષ્મ આલેખન મનુભાઈએ કર્યું છે. વાર્તાના વર્ણનમાં દરિયો અને સંવાદમાં કચ્છી બોલીનો વિનિયોગ કૈંક આ રીતે કર્યો છે – ‘સમુદ્રનાં મોજાનો પછડાટ અને પાણી કાપતા વહાણની સિસકારી મને કાશીના હૈયાના વલોપાતની યાદ આપતા.’ (પૃ. ૨૧૩) ‘તું કોરી છીપ્પર ઐયે, જુવાન’ (પૃ. ૨૧૪) ‘તેજૂ, ચડને મું ભેડો?’ (પૃ. ૨૧૨) ‘વહાણ સ્થિર બની દરિયાની છાતી પર માદળિયાની જેમ ઊછળતું હતું.’ (પૃ. ૨૨૨) સાગરખેડૂ દરિયાપાર જાય છે ત્યારે ટાંચા સાધનો અને ટેક્‌નોલોજીના અભાવે કેવા ઝંઝાવાતનો સામનો કરવો પડે તેની તીવ્ર સંવેદનાનું વર્ણન આ વાર્તામાં થયું છે. ડૉ. મનુભાઈએ જે સમાજને જોયો છે તેમાં એકલતાથી પીડાતો સમાજ છે તો જૂથથી કંટાળેલ વ્યક્તિ પણ છે તેથી ‘ફીણોટા’ના મુખ્ય પુરુષપાત્રોની વ્યથા વેદના કરુણ ગંભીર લાગે જેમાં ‘મુંબઈની ચાલ’માં સુધારાવાદી પ્રવૃતિની ટૂંકી કથાવસ્તુમાં પાત્રોની ભરમાર છે ‘વેદના અને અશ્રુ’નો અબ્દુલ અને ‘હીનાની મહેક’નો શિવો, ‘ગોધૂલિ’નો ગોરધન, ‘સુલેમાન’નો સુલેમાન અન્ય માટે જીવતાં પાત્રો બનીને ઊપસી આવે છે. ‘તાડ અને શરુ’ નોખી પડતી દેશપ્રીતિની વાર્તા છે જ્યાં પાકિસ્તાનીઓ સામે બાથ ભીડતા વીર શહીદ મા-બાપ માટે બદલો લેવા જતા ગુલશન અને મહમદ નામના ભાઈ બહેનની વાત છે. મનુભાઈની વાર્તાઓમાં ‘બેકાબૂ’, ‘વેદના અને અશ્રુ’, ‘અમારી ચાલ’, ‘ફીણોટા’માં વાર્તાકથનની ઉત્તમ ગૂંથણી થયેલી જોવા મળે છે. ‘બેકાબૂ’ એ મનુભાઈનો પ્રિય શબ્દ, તેની અનેક વાર્તામાં તે પરિસ્થિતિને બેકાબૂ બનાવી નાયકને કાબૂમાં રાખે છે. પ્રાણીમાં પણ બિલાડી, કૂતરું, ઘોડો વગેરેને પાત્ર તરીકે આલેખી તેની ચેષ્ટા દ્વારા પાત્રને ગતિ આપી છે. ‘બિરાદરી’, ‘ગોધૂલિ’ વાર્તા અર્થપ્રધાન બનવાને બદલે બોધપ્રધાન બની રહે છે. સંગ્રહની દરેક વાર્તામાં સ્ત્રીપાત્ર અછડતાં જ આવે છે જ્યાં આવે ત્યાં તેનો અવાજ દબાયેલો જોવા મળે છે.

ચાર્વી ભટ્ટ
શોધાર્થી, ગુજરાતી વિભાગ.
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર
મો. ૯૪૨૭૦૧૩૩૭૨
Email: bhattcharvi૨@gmail.com