ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સુમન શાહ
સુમન શાહ
નરેશ શુક્લ
સુમન શાહનો પરિચય
ગુજરાતી સાહિત્યક્ષેત્રે વાર્તાકાર, નવલકથાકાર, નિબન્ધકાર, સમીક્ષક, અનુવાદક અને તન્ત્રી/સમ્પાદક તરીકે જાણીતા પ્રો. ડૉ. સુમન શાહનો જન્મ પહેલી નવેમ્બર ૧૯૩૯ના રોજ વડોદરા પાસેના ડભોઈમાં થયો હતો. આખું નામ, સુમનચન્દ્ર ગોવિન્દલાલ શાહ. એમનાં ૭૨થી વધુ પ્રકાશનો છે. પીએચ.ડી. પદવી માટેનો એમનો શોધનિબન્ધ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ગ્રન્થ સ્વરૂપે પ્રકાશિત છે. વૈશ્વિકીકરણ અને પ્રાદેશિક સાહિત્ય, ઉપરાન્ત, સાહિત્ય-અધ્યયન-અધ્યાપનના પ્રશ્નો એમના વર્તમાન ધ્યાનવિષયો છે. વિશ્વ-સાહિત્ય, આધુનિક અને અનુ-આધુનિક સાહિત્ય એમનાં પ્રમુખ રસક્ષેત્રો છતાં એમની સઘળી નિસબત ગુજરાતી સાહિત્યના સુધાર અને વિકાસ માટે રહી છે. એ ખેવનાને એઓ પોતાનો કાયમી ધ્યાનમન્ત્ર ગણે છે. એ ખેવનાભાવથી પ્રેરાઈને એમણે ૨૨વર્ષ લગી ‘ખેવના’ સામયિક ચલાવ્યું, ઉપરાન્ત, ‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’, ‘સન્નિધાન’ તેમજ ‘પુનરપિ’ જેવાં અનૌપચારિક સંગઠનો રચીને ઉપકારક કાર્યશિબિરો કર્યા. ૨૦૦૮માં એમના ‘ફટફટિયું’ વાર્તાસંગ્રહ સંદર્ભે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એમને ઍવૉર્ડ અપાયો છે. એમના ૬ વાર્તાસંગ્રહો પ્રકાશિત છે. એમનો દાવો રહ્યો છે કે એમની પ્રત્યેક વાર્તારચના ચોખ્ખા અર્થમાં ‘સર્જન’ છે. જોકે, ૫૦-થી વધુ વર્ષથી વાર્તાસર્જન કરતા આ વાર્તાકાર ઇચ્છે છે કે પોતે ૨૦૦-થી વધુ વાર્તાઓ લખી શકે, જેથી, વિશ્વ-સાહિત્યમાં બેસે એવી કદાચ બે-એક બની આવે. ૨૦૧૩-માં પ્રેમાનંદ સુવર્ણચન્દ્રક અને ૨૦૧૪-માં એમને સાહિત્યકાર ગૌરવપુરસ્કાર અપાયા છે. કાલિદાસ, બાણ, રવીન્દ્રનાથ ટાગોર, શેક્સપિયર, ચેખવ, દોસ્તોએવ્સ્કી, સાર્ત્ર, કાફ્કા, કામૂ, હૅમિન્ગ્વે, કાલ્વિનો, નિત્શે, બૅકેટ, માર્ક્વેઝ, બોર્હેસ, પિન્ટર વગેરે એમને સદા ગમતા સાહિત્યકારો છે. ભરત મુનિ, કુન્તક, ઍરિસ્ટોટલ, એલિયટ, દેરિદા વગેરેનાં સાહિત્ય-દર્શન એમનાં ગમતીલાં વિચાર-મનનક્ષેત્રો છે. શૈશવથી એમને ભક્ત-કવિ દયારામ ઘણા પ્રિય, કેમકે પોતે દયારામના ગામના છે. અઠવાડિયે ઓછામાં ઓછી એક વિદેશી ફિલ્મ જોવી કે સાથી જડી આવે તો એની જોડે ચેસ રમવી એ એમના કાયમના શોખ છે. પ્રાધ્યાપક તરીકેની ૪૨ વર્ષની કારકિર્દીમાં એમણે ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય-સિદ્ધાન્તનું અધ્યાપન સવિશેષે કર્યું. ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર-ઇમૅરિટસ પદે હતા. અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં વિઝિટિન્ગ ફૅલો અને યુનિવર્સિટી ઓવ પૅન્સિલ્વેનિયામાં રાઇટર-ઇન-રેસિડેન્ટ રૂપે પણ એમણે સેવાઓ આપી છે. ૨૦૦૨-થી ઔપચારિક રીતે નિવૃત્ત આ સાહિત્યકાર નિરન્તરની શબ્દોપાસનાને કારણે વર્તમાનમાં ય એટલા જ સક્રિય રહ્યા છે.
સુમન શાહનાં પુસ્તકો
(૧૯૬૫-થી ૨૦૧૩, અને આગળ : ૭૪ પુસ્તકો પ્રકાશિત : કેટલાંક હવે પછી) સર્જન : કથાસાહિત્ય અવરશુંકેલુબ (ટૂંકીવાર્તા-સંગ્રહ) (૧૯૭૬, ૨૦૦૨ – પુનર્મુદ્રણ) જૅન્તી-હંસા સિમ્ફની (ટૂંકીવાર્તા-સંગ્રહ) (૧૯૯૨, ૨૦૧૦ – પુનર્મુદ્રણ) ફટફટિયું (ટૂંકીવાર્તા-સંગ્રહ) (કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ ૨૦૦૮) (૨૦૦૬) કાગારોળ અન્લિમિટેડ (ટૂંકીવાર્તા-સંગ્રહ) (૨૦૧૦) નો આઇડીઆ? ગેટ આઇડીઆ (ટૂંકીવાર્તા-સંગ્રહ) (૨૦૧૩) ઢીસૂમ્ ઢીસૂમ (ટૂંકીવાર્તા-સંગ્રહ) (૨૦૧૪) ખડકી (નવલકથા) (૧૯૮૭) બાજબાજી (નવલકથા) (૧૯૮૯) સલામ અમેરિકા ઉર્ફે મારી વિદ્યાયાત્રા (૧૯૯૬) (પ્રવાસકથા) સર્જન : નિબન્ધ-સંગ્રહ વેઇટ્-એ-બિટ્ (૧૯૮૭) બાયલાઇન (૧૯૯૦) મીડિયા-મૅસેજ (૧૯૯૩, ૨૦૧૦ – પુનર્મુદ્રણ) વસ્તુસંસાર (૨૦૦૫) સાહિત્યસાહિત્ય (૨૦૧૫) વિવેચન : સિદ્ધાન્ત ** વિવેચન : ચાર મુદ્દા (સાથે, અન્ય લેખકો) (૧૯૭૫) ** ‘નવ્ય વિવેચન’ પછી— (૧૯૭૭) સાર્ત્રનો સાહિત્યવિચાર (**૧૯૮૦, ૨૦૦૭–બીજી સંવર્ધિત આવૃત્તિ) ખેવના (૧૯૮૪) સંરચના ને સંરચન (૧૯૮૬) સાહિત્યિક સંશોધન વિશે (૧૯૮૦, ૧૯૮૭ અને ૧૯૯૦ –પુનર્મુદ્રણ) સાહિત્યમાં આધુનિકતા (**૧૯૮૮, ૨૦૦૬–બીજી સંવર્ધિત આવૃત્તિ, ૨૦૧૪ – પુનર્મુદ્રણ) આધુનિક ગુજરાતી કવિતા અને સર્જકચેતના (૧૯૮૮) સંજ્ઞાન (૧૯૯૧) સાહિત્યિક અર્થનો કોયડો (૨૦૦૦) કથા-સિદ્ધાન્ત (૨૦૦૨) અનુ-આધુનિકતાવાદ અને આપણે (૨૦૦૮) સિદ્ધાન્તેકિમ્? (૨૦૦૮) : વિવેચન : પ્રત્યક્ષ ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો (**૧૯૭૩, ૧૯૮૪–પુનર્મુદ્રણ ) સુરેશ જોષીથી સુરેશ જોષી (‘વિદ્યાવાચસ્પતિ’ અથવા પીએચ.ડી. ડીગ્રી માટેનો શોધનિબન્ધ) (**૧૯૭૮, ૨૦૦૨–પુનર્મુદ્રણ) ** નિરંજન ભગત (૧૯૮૧) ** ઉમાશંકર :સમગ્ર કવિતાના કવિ : એક પ્રોફાઇલ (૧૯૮૨) કવિ-વિવેચક એલિયટ (૧૯૮૭) કથાપદ (૧૯૮૯) કાવ્યપદ (૨૦૦૨) વિશ્વ નવલકથા (વિશ્વભરની નવલકથા વિશે વ્યાખ્યાન) (૨૦૦૭) નિસબતપૂર્વક (૨૦૧૧) ખેવનાપૂર્વક (૨૦૧૧) ** ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ (૨૦૧૨) : સમ્પાદન : તન્ત્રીકાર્ય (ઍડિટિન્ગ) : ટૂંકીવાર્તા-સંચય ** સુરેશ જોષીથી સત્યજિત શર્મા (૧૯૭૫) કેટલીક વાર્તાઓ (૧૯૯૨) ** કેટલીક ગુજરાતી ટૂંકીવાર્તાઓ (સાથે, ગુલાબદાસબ્રોકર) (૧૯૯૩) ૧૯૯૫ : કેટલીક વાર્તાઓ (૧૯૯૫) ઉજાણી (‘સુરેશ જોષી સાહિત્ય વિચાર ફૉરમ’ના વાર્તાકારોની રચનાઓ) (૨૦૦૪) વાર્તા રે વાર્તા (૪૭ વાર્તાઓનું સમ્પાદન, દરેકની સમ્પાદકીય નોંધ સાથે) (૨૦૧૫) સમ્પાદન : તન્ત્રીકાર્ય (ઍડિટિન્ગ) : સાહિત્ય સ્વરૂપ પરિચય શ્રેણી (૭ પુસ્તકો) : આત્મકથા, જીવનકથા, નવલકથા, ટૂંકીવાર્તા, સૉનેટ, લલિતનિબન્ધ, ખણ્ડકાવ્ય : વિવિધ લેખકો (૧૯૮૩-૧૯૮૭) : સમ્પાદન : તન્ત્રીકાર્ય (ઍડિટિન્ગ) : કાવ્યતત્ત્વ વિચારશ્રેણી (૩ પુસ્તકો) પ્લેટો-ઍરિસ્ટોટલ, કવિ-વિવેચક એલિયટ, ધ્વનિ : વિવિધ લેખકો (૧૯૮૩-૧૯૮૯) : : સમ્પાદન : તન્ત્રીકાર્ય (ઍડિટિન્ગ) : સાહિત્ય અને સમૂહ-માધ્યમોની વાર્ષિક-સમીક્ષા (૪ પુસ્તકો) સન્ધાન ૧થી ૪ (૧૯૮૫-૧૯૮૮) : સમ્પાદન : તન્ત્રીકાર્ય (ઍડિટિન્ગ) : સન્નિધાન : અધ્યયન-અધ્યાપનશ્રેણી (૫ પુસ્તકો ) સન્નિધાન ૧થી ૫ (૧૯૯૨-૧૯૯૪) સ્વરૂપ-સન્નિધાન (૧૯૯૪) કલામીમાંસા-સન્નિધાન (૨૦૦૨) : સમ્પાદન : તન્ત્રીકાર્ય (ઍડિટિન્ગ) : પ્રકીર્ણ ** આઠમા દાયકાની કવિતા (કાવ્યસંચય) (૧૯૮૨) આત્મનેપદી (સુરેશ જોષીએ વિવિધ વ્યક્તિઓને આપેલી મુલાકાતોનો સંચય) (૧૯૮૭) વાંસલડી (દયારામની રચનાઓના આસ્વાદ-લેખો : વિવિધ લેખકો) (૧૯૯૦, ૧૯૯૫ અને ૨૦૦૨ –પુનર્મુદ્રણ ) ** રમણલાલ જોશી (એમનાં ચિન્તન, નિબન્ધ અને વિવેચનવિષયક લેખો) (૨૦૧૨) : સમ્પાદન : તન્ત્રીકાર્ય (ઍડિટિન્ગ) : સામયિકો ** વિશ્વમાનવ (વિવેચન-વિભાગ) (૧૯૭૦-૧૯૭૧) ** શબ્દસૃષ્ટિ (૧૯૮૩-૧૯૮૬) ખેવના (૧૯૮૭—૨૦૦૮ : ૨૨ વર્ષ : ૧૦૦ અંક ) : અનુવાદ : નાટક ત્રણ બહેનો (થ્રીસિસ્ટર્સ : ચૅખવ) (૧૯૬૫, ૧૯૮૬–બીજી આવૃત્તિ) ગોદોની રાહમાં (વેઇટિન્ગ ફૉર ગોદો : બૅકેટ) (૧૯૯૦, ૨૦૦૪--પુનર્મુદ્રણ) ભમરી (અસ્લાઇટ એક : હૅરોલ્ડ પિન્ટર ) (૨૦૦૭) : અનુવાદ : કથાસાહિત્ય વિનીતા (ધ મીક વન : દોસ્તોએવ્સ્કી) (લઘુનવલ) (૧૯૮૫) ** નિસર્ગ (નિસર્ગ : મિર્ગી અન્નારાય : કન્નડ : તેના હિન્દી અનુવાદ પરથી) (નવલકથા) (૧૯૯૬) : અનુવાદ : ઇતિહાસ ** ભારતીય અંગ્રેજી સાહિત્યનો ઇતિહાસ ( હિસ્ટરી ઑવ ઇન્ડિયન ઇન્ગ્લિશ લિટરેચર : એમ. કે. નાઇક) (૧૯૯૯ ) ** આ નિશાનવાળાં શીર્ષકો સિવાયનાં તમામ પુસ્તકોના પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, ઝવેરીવાડ, રીલીફ રોડ, અમદાવાદ -૩૮૦ ૦૧૫
સુમન શાહને સાહિત્ય સાથે સંકળાયેલ સૌ કોઈ બહુ મોટા વિવેચક અને વિદ્વાન પ્રોફેસર તરીકે તો જાણે જ છે સાથોસાથ એમને વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર અને સંપાદક તરીકે પણ ઓળખે છે. છ-છ દાયકાથી એકધારા ગુજરાતી સાહિત્યની અનેકરૂપે સેવા કરનારા સુમનભાઈ એમની સક્રિય સાહિત્યસાધના માટે જાણીતા છે. વિદ્યાર્થીઓમાં ખાલી સાહિત્યરસ કેળવવામાં સંતોષ માનવાને બદલે એનામાં ઊંડી નિસબત સાથેની સમજ વિકસે એ માટે વિવિધ પ્રકારના પ્રકલ્પો રચીને સતત મથામણ કરતા રહે છે. સાહિત્યપદાર્થની શુદ્ધતા માટે મથનારા સુમન શાહ સમયે સમયે કોમ્યુનિકેશનના નવાં નવાં માધ્યમોનો સફળ ઉપયોગ કરવા સાથે ખંત-તંતથી દુનિયાભરના સાહિત્યની ખેવના કરતા રહ્યા છે. આધુનિકગાળે સુરેશ જોષીના અનેક અર્થમાં અંતેવાસી સુમન શાહે પ્રત્યક્ષ કૃતિવિવેચનથી માંડી સિદ્ધાંત વિવેચનમાં જે પ્રદાન કર્યું છે એનું મૂલ્યાંકન ભવિષ્યમાં જરૂર થતું રહે એવું મહત્ત્વનું છે. એમણે આપેલ સર્જનાત્મક કૃતિઓમાં નિબંધો અને વાર્તાઓના ક્ષેત્રમાં જે આગવી સમજ સાથેની સજ્જતા-સર્જકતા દાખવી છે એનું એક આગવું પ્રકરણ બની રહે તેમ છે. ‘અવરશુંકેલુબ’ નામનો પહેલો જ વાર્તાસંગ્રહ નોંધપાત્ર નીવડેલો. ભારતીયકથા પરંપરાના નિતારને આધુનિક પ્રયુક્તિઓના સંયોગ સાથે આલેખતી એ રચનાઓથી આરંભીને અત્યાર સુધીમાં સાત સંગ્રહો એમના તરફથી મળ્યા છે. ‘ફટફટિયું’ નામના વાર્તાસંગ્રહને દિલ્હી સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયેલો. ‘જૅન્તી હંસા-સિમ્ફની’, ‘કાગારોળ અન્લિમિટેડ’, ‘નો આઈડીઆ? ગેટ આઈડીઆ’ અને ‘ઢીસૂમ ઢીસૂમ’ પછી આ નવો વાર્તાસંગ્રહ એટલે ‘ટાઇમપાસ’. આગળનાં વર્ષોમાં સન્નિધાનના શિબિરો, ‘ખેવના’ જેવાં સામયિકો, ‘પુનરપિ’ હોય કે ‘સુ.જો.સા.ફો’ના શિબિરો કે ર.સુ.શાહ વાર્તાવર્તુળ જેવા વાર્તાકારોનો વર્કશૉપ યોજતા રહ્યા. જેમાં આગળ સમય બદલાવા સાથે અત્યાધુનિક માધ્યમોમાં બ્લોગિંગ, યૂટ્યુબ અને ફેસબૂક જેવાં માધ્યમોથી વિશ્વસાહિત્યના વર્તમાન પ્રવાહો પરનાં એમના નિરીક્ષણો, મંતવ્યો અને નૂકતેચીની આપણા સૌ માટે ગૌરવરૂપ ઘટના છે. આજે આંગળીના વેઢા પણ વધી પડે એટલા ઓછા સાહિત્યક્ષેત્રના વિદ્વાનો છે જે આટલી સજ્જતા સાથે સક્રિય હોય. એવા સર્જક સુમન શાહની આ વાર્તાઓ વિશે વિગતે જોઈએ. ૦૦૦ એમનો પહેલો વાર્તાસંગ્રહ ‘અવરશુંકેલુબ’ (૧૯૭૬) નામે પ્રકાશિત થયેલો. એનું પુનઃ મુદ્રણ ૨૦૦૦માં થયું ત્યારે સુમન શાહે લખ્યું છે, ‘આટલાં વર્ષે, પચીસ વર્ષે, ફરી વાંચતાં લાગ્યું કે આ રચનાઓમાંનું પ્રયોગતત્ત્વ સમાપ્ત નથી થઈ ગયું. એ દરેકનો હવે પછીની મારી વાર્તાઓમાં વિનિયોગ કરી શકું તો સારું એમ ઇચ્છા થઈ છે... મારી ભાષા પર આ રચનાઓએ કશોકેય સંકેત ચિહ્નિત કર્યો છે એમ પણ ફરી વાંચતાં લાગ્યું છે. એને શોધી શકાય, શોધી શકાય, તો સંઘરી શકાય...’ (૨૨ ફેબ્રુઆરી ૨૦૦૦નું બી. આ.નું નિવેદન) સુમન શાહ એ વર્ષોમાં પ્રધાનપણે વિવેચક તરીકે જાણીતા રહ્યા છે. ખાસ કરીને પાશ્ચાત્ય વિવેચનના દૃષ્ટિકોણથી વિવેચન કરનારા સુમનભાઈ ભારતીય સાહિત્ય મીમાંસાના પણ એવા જ અભ્યાસી રહ્યા છે. વિશ્વસાહિત્યનાં સ્પન્દનો એમની વિવેચનામાં જ નહીં, એમની રચનાઓમાં પણ જોવા મળે. એ જ્યારે વચ્ચેના દોઢ બે દાયકા વીતી ગયા પછી પોતાની જ વાર્તાને પુનઃ તપાસીને આ વિધાન કરે છે ત્યારે એને ગંભીરતાથી લઈને એમની વાર્તાઓને તપાસવા માટેની ભૂમિકારૂપ લેખવું જોઈએ. જોઈએ એમની વાર્તાઓનો વિસ્તાર કઈ દિશામાં થયો છે. પણ એ પહેલાં પ્રથમ આવૃત્તિ વખતે આ જ સંગ્રહની વાર્તા વિશે એમણે નિવેદન કરેલું કે ‘કદાચ, પ્રેમના એક જ વિષયની આ મોટાભાગની રચનાઓ’ મારા માટે તો સમાપ્ત થઈ ચૂકી છે – ‘છતાં મારી ભાષા પર એણે કશોએક સંકેત ચિહ્નિત કર્યો હોય, તો એને સંઘરી શકાય. બાકી, આપણા સૌ માટે એને સમાપ્ત થઈ ગયેલી ચીજ ગણીને જ ચલાવી લેવાય.’ (પ્ર. આ.નું નિવેદન-૧૦ ડિસેમ્બર, ૧૯૭૬) આ બંને નિવેદન નોંધીને મારે એમની વાર્તાઓને તપાસવી છે. એક સર્જક એવો જે, પોતાની જ વાર્તાઓને સમાપ્ત થઈ ચૂકેલી માની બેઠા પછી, દાયકા પછી જ્યારે વાર્તાલેખન તરફ વળે છે ત્યારે સ્વાભાવિક જ કશીક માનસિક ભૂમિકા બદલાઈ છે. આ બદલાયેલી ભૂમિકાએ કહ્યું કે—‘આ રચનાઓમાંનું પ્રયોગ-તત્ત્વ સમાપ્ત નથી થઈ ગયું. એને તપાસવા જેવું છે.’ એમણે વાર્તાના વિષય વિશે નહીં પણ પ્રયોગતત્ત્વ વિશે શ્રદ્ધા દાખવી છે. આમ, પોતે જ પોતાના ભવિષ્યના વાર્તાલેખન માટેની જગ્યા ઊભી કરતા સંકેત આપે છે કે, ‘હવે પછીની મારી વાર્તામાં વિનિયોગ કરી શકું તો સારું એમ ઇચ્છા થઈ છે.’ આ બાબતને આપણે ખાસ ધ્યાને લેવા જેવી છે. બીજું એક નિવેદન જે એમણે સાહિત્યમાં ‘આધુનિકતા’ નામના ગ્રંથમાં કરેલું એ પણ સાથોસાથ જોઈ લઈએ, ‘યંત્ર-વૈજ્ઞાનિક પ્રગતિની અણી છેક આપણાં અંતરતમને ભોંકી રહી છે ત્યારે જીવનની રંગરંગીલી-રોમેન્ટિક અને ભાગેડુ વારતાઓ લખ્યે રાખવી એ એક જાતનો સાહિત્યિક ભ્રષ્ટાચાર છે. આધુનિક સભ્યતાએ જીવનમાં આજે એક મોટી તિરાડ સર્જી છે, એમાંથી જે દેખાય છે તે વિશે સર્જકો તો શી રીતે આંખમીંચામણાં કરી શકે?’ (‘સાહિત્યમાં આધુનિકતા’, પૃ. ૨૦૧) આ ત્રણેય નિવેદનને કેન્દ્રમાં રાખીને સુમન શાહની વાર્તાઓને તપાસવાથી એમની વાર્તા પાસેની અપેક્ષા અને એમણે કરેલા પ્રયત્નોની દિશાને સમજી શકાય. મોટી મોટી રીતે જો એમની વાર્તાઓ વિશે કહેવું હોય તો ‘પ્રેમ તત્ત્વનું આલેખન’ જેવો વિષય એમના છેલ્લા વાર્તાસંગ્રહમાં પણ એનો એ જ રહ્યો છે. એમને દાંપત્યનાં વિવિધ પરિમાણોને, સ્થળ-કાળ-અને ચિત્તસ્થિતિઓને આધારે જરૂર બદલી બદલીને આલેખ્યો છે પણ વધારે ફોકસ રહ્યું છે એ આલેખનની રીતિ તરફ. હવે એ પ્રયોગો જરૂર કરે છે પણ કહેવાની રીતિમાં, માનસસ્તરે વિસ્તરતી બાબતોમાં, આલેખનમાં બારીક ગૂંથણી કરીને રમણાઓને અભિવ્યક્ત કરવા તરફની દિશામાં તેઓ આગળ વધ્યા છે. એટલે કે વૈવિધ્યસભર સ્થળો, વૈવિધ્યસભર ઘટનાઓ કરતાં એમનું વિસ્તરણ માનસપટ પર ઉપસતાં ભાતીગળ જીવનને આલેખવા તરફની ગતિ વધારે રહી છે. હા, પરિવેશ, પ્રસંગો, નાની નાની અંગત ઘટનાઓ, મનમાં ઊઠતાં અવનવાં વમળોને વધારે સઘન રીતે આલેખવાની ગતિ દેખાય છે. ગુજરાતી વાર્તાને સો વર્ષ ઉપરનો સમય પસાર થઈ ગયો છે, એ આખાય પટને તપાસીએ ત્યારે સુમન શાહની વાર્તાકાર તરીકેની એક આગવી મુદ્રા છે, એ છે એકમાત્ર પ્રેમ તત્ત્વને, ખાસ કરીને દાંપત્યને કેન્દ્રમાં રાખીને જે નોંખી અનોખી મુદ્રાઓને આલેખવાનો પ્રયોગ બીજા કોઈને વાર્તામાં ન મળે. આ તત્ત્વનાં કેટલાં બધાં રૂપો આ રચનાઓમાં વૈયક્તિકથી માંડીને વૈશ્વિક સંવેદનાઓ, વિષયોમાં વિસ્તરણ પામતાં જોઈ શકાય છે. એ રીતે જોવાથી આ વાર્તાકારની સૂક્ષ્મ નકશીકામ કરતી પ્રતિભાને સમજવાની દિશા પ્રાપ્ત થતી અનુભવાય છે. ૦૦૦
‘અવરશુંકેલુબ’૧
આ સંગ્રહમાં કુલ ૨૦ વાર્તાઓ સમાવી છે. આધુનિકતાનું ઘોડાપૂર જ્યારે ધસમસતું હતું એવા સમયે આવેલ આ વાર્તાસંગ્રહની બધી જ વાર્તાઓ આધુનિકતાની મુદ્રા ધરીને પ્રકાશિત થઈ હતી. લેખકે પોતે જ નિવેદનમાં જણાવ્યું છે તેમ મોટાભાગની રચનાઓ એમના માટે તો સમાપ્ત થઈ ચૂકી છે. એ બહુ સૂચક છે. વાર્તારસની રીતે પામી શકાય એવી વાર્તાઓમાં જોઈએ તો કેટલીક રચનાઓનાં નામ ગણાવવાં પડે એમાં ‘કાકાજીની બોધકથા’, ‘અબુબકરની બોધકથા’-૧ અને ૨, ‘દાદરા’, ‘હર્ષદલાલ હ. અને બીજાં’, ‘દેવચકલીની બોધકથા’, અને ‘ઘોડાગાડી’. આ વાર્તાઓમાં આલેખનરીતિ અને પ્રયુક્તિઓ તો હાવિ થયેલી છે જ પણ તે પછીએ કશુંક આકારિત થતો સંવેદનપિંડ અનુભવાય છે. બાકીની વાર્તાઓમાં ભાષાની લીલા, વિચારો અને સંવેદનાઓના ટુકડાઓ હાથ લાગે. કશોય નક્કર પીડ અનુભવવામાં મુશ્કેલીનો અનુભવ થાય. એમાં ય બોધકથાઓ વધારે અસર કરનારી નીવડે. લેખકે જ કહ્યું છે એમ ‘પ્રેમના જ વિષયો’ આલેખાયા છે. એમાં ય એકબીજા તરફના આકર્ષણ કરતા સંબંધોમાં આવતા સંઘર્ષો, તિરાડ, અવિશ્વાસ, અસૂયાનું આલેખન વધારે અનુભવાય છે. જીવનને કશીક શુષ્ક નજરે જોવાયું હોવાની અનુભૂતિ ‘પીળા વેન્ટિલેટર્સ’થી માંડી ‘અવરશુંકેલુબ’ સુધી અનુભવાય. ‘દાદરા’ સૌથી વધારે સુરેખ અનુભૂતિ જન્માવે છે. એમાં બાળવિધવા ફોઈબાનું અપમૃત્યુની કથા છે, એના શુષ્ક જીવનમાં કોઈ પળે જન્મેલ લીલપનો સંકેત આપીને છોડી દેવાયો છે – પણ જો થોડાય અસાવધ થાવ તો વાર્તા હાથમાં ન આવે. ‘અબુબકરની બોધકથા’-૧માં તે કાળે લખાતી કવિતાઓની પ્રયુક્તિએ સમયબોધ પ્રગટાવાયો છે તો બીજી ‘અબુબકરની બોધકથા-૨’ પ્રમાણમાં વધારે મુખર બનીને એ સમયે ચાલતા એબ્સર્ડના પ્રયોગો અને સાહિત્યજગતમાં ચાલતી હોડને પ્રદર્શિત કરી આપે છે. ‘હર્ષદલાલ હ. અને બીજાં’ વાર્તા જાણે કે ‘જેન્તિ હંસા સિમ્ફની’ની વાર્તાઓ રચાઈ તેની પીઠિકા સર્જનારી વાર્તા તરીકે અનુભવાઈ. બીજી વાર્તાઓમાં એકંદરે બધું પાંખું રહીને ભાષાકર્મની મથામણ, પ્રતીકો સર્જવાની મથામણ વધારે દેખાય છે. જો કે, એ મથામણ જ છે, એનાં ફળ પછીના બેએક વાર્તાસંગ્રહો આવ્યા પછી જન્મી આવ્યાં છે. આ ભાષાકર્મની રીતે ખાસ તપાસવા જેવી રચનાઓ બની છે. સુમન શાહની અત્યારની જે ભાષા છે એનાં મૂળ અને કુળ તારવવા આ વાર્તાઓ બહુ ખપમાં આવે એમ છે. ‘ટોમેન’, ‘ઘોડાગાડી’ અને ‘પબ્લિક પાર્ક ઉર્ફે એક બનાવટી વાર્તા’માં સુમન શાહની પછીની વાર્તાઓની દિશાને શોધી શકીએ. આ સંગ્રહનો સૌથી મોટો વિશેષ ઊભરી આવે છે તે છે પ્રયોગશીલ વલણ. સુમન શાહે સંવેદનાઓની બારીકીને ભાષા સાથેની અલગ જ મથામણથી વ્યક્ત કરી, આ સાથોસાથ વિષયોનું વૈવિધ્ય, દરેક બાબતને જોવાનો અલગ પડતો દૃષ્ટિકોણ, પરંપરાગત વાર્તાથી સાવ જુદી પડી ગયેલી રચનારીતિ અહીં જોઈ શકાય છે.
‘જૅન્તી-હંસા સિમ્ફની’૨
આ સંગ્રહની વાર્તાઓનાં નાયક-નાયિકાનાં નામો એક જ છે. બધી જ વાર્તામાં જૅન્તી અને હંસાની વાત કરવામાં આવી છે. આ જાતે સ્વીકારેલી સીમાઓમાં રહીને સુમન શાહે સાવ નોંખી જ દિશામાં વાર્તા રચવાનું સાહસ કર્યું છે ને ખાસ્સા સફળ પણ રહ્યા છે. આ વાર્તાઓની દેખાતી સીધી લાક્ષણિકતાઓ જોઈએ તો સૌ પ્રથમ તો એ કે દરેક વાર્તાનું વિસ્તરણ કેન્દ્રત્યાગી નહીં, કેન્દ્રગામી છે. દાંપત્યનાં વિવિધ રૂપો, વિવિધ મુદ્રાઓ અહીં આલેખાઈ છે. સ્વાભાવિક જ રોજિંદી ક્રિયાઓ, રોજિંદી ગપસપમાંથી બંનેનાં વ્યક્તિત્વો સાવ નોંખા રૂપે પ્રગટ થાય છે. બંનેએ પ્રેમલગ્ન કરેલાં છે, લગ્ન પડછે પ્રેમ છે. પણ સાથે બંને બહુ તાર્કિક રીતે અને સ્પષ્ટરૂપે જીવનારાં બૌદ્ધિક પાત્રો છે એટલે સરેરાશ દંપતીથી સાવ અલગ પડતાં વાણીવર્તન દાખવે છે. લગભગ બધી જ વાર્તાઓમાં કોઈ એક ત્રીજું પાત્ર શેડોરૂપે હાજર છે. આ પાત્રની હાજરી નવા નવા વલયો જન્માવ્યા કરે છે જે વૈચારિક સ્તરે અને સંવેદનાનાં સ્તરે ઝીલાય છે, એમાંથી જેન્તીની એક ભીરુબુદ્ધિ અને જાતમાં જ રમમાણ રહેનાર વ્યક્તિની મુદ્રા પ્રગટે છે. હંસા પ્રમાણમાં વધારે સ્વસ્થ, વધારે ચાલાક-ચબરાક, હાજરજવાબી અને જેને વ્યવહારુ કહીએ તો ચાલે એવી નારી છે. ચિનુ મોદીએ આ વાર્તાઓની પ્રસ્તાવના લખી છે. એમની અરૂઢ શૈલીએ લખાયેલી એ પ્રસ્તાવના આ વાર્તાઓની વિગતે વિવેચના કરે છે. લખે છે – ‘આ વાર્તાઓ દ્વારા તું શું તાગે છે? શું તાકે છે? ભૂપેન ખખ્ખરે હાસ્ય દ્વારા દાંપત્યજીવનના કૉન્સેપ્ટના લીરેલીરા ઉડાડ્યા છે – એની વાર્તાઓમાં. તારું એ લક્ષ્ય નથી જ નથી. તું એક ખતરનાક હથિયાર સાથે સર્જકત્વના મેદાનમાં ઊતર્યો છે – આ હથિયાર ભાગ્યે જ ગુજ્જુ સાહિત્યકારને ફાવ્યું છે. જાતીય આવેગોને નિર્બન્ધ પ્રસ્તુત કરવાનું મહાભારતકાર વ્યાસ જેવું કોઈનેય ફાવ્યું, આપણે ત્યાં જાણ્યું નથી... પણ, આ વાર્તાઓ લખતી વખતે તારામાં ખબરદાર વિવેચકને કેમ તેં ઊંઘાડી દીધો છે? કામાવેગનાં ચિત્રણમાં તું કેમ વારંવાર સંયમ ખોઈ દીધેલો જણાય છે? જેન્તીની રુગ્ણતા આ ચિત્રમાં શા સારુ વણઢાંકી રહે છે? પ્રત્યેક વાર્તાના અંતભાગમાં એમ્બીગ્યુઈટી સર્જવા શા સારુ તારે કાકાસાહેબની ગદ્યરીતિ અપનાવવી પડે છે? ‘ટોયેટો’ કે ‘છોટુ’ જેવી કળાક્ષમ વાર્તાઓ સંગ્રહમાં ઓછી કેમ? તેં આ પિરિમિત વર્તુળમાં જ પરિભ્રમવાનું કેમ પસંદ કર્યું?’ એમ કહીને સુમન શાહના આ જેન્તી હંસાની સિમ્ફનીમાં તૂટતા સૂર વિશે વિગતે વાત કર્યા પછી એમણે વાર્તાવિશેષો પણ તારવી આપ્યા છે જેની સાથે પૂર્ણતઃ સહમત થવાય એવું છે. એ લખે છે, ‘ફેલફિતુર’ આવી જ સુંદર વાર્તા. અપરાધ-કર્યા વગરનો અપરાધભાવ તેં બહુ કુશળતાથી જેન્તી દ્વારા પ્રગટ કર્યો છે. વાત તો સાદી છે. હંસાને મામા ગુજરી જવાથી, એક દિવસ માટે પિયર જવું પડે છે. સાંજે તો એ પાછી આવી રહેવાની હતી. પરંતુ, આ મળેલું સ્વાતંત્ર્ય જૅન્તીના મનનાં અને છેવટે તનનાં આવરણ પણ દૂર કરાવે છે. પરંતુ હંસા તરફની ગાઢ પ્રીતિ એને મધુમિતાથી સ્વાભાવિક રીતે જ દૂર રાખે છે. પરંતુ, મધુમિતાનું ચિત્તમાં આવવું – એ અનિવાર્ય હતું. એ માટે જૅન્તીનું પ્રવૃત્ત થવું – અને ગભરાતાં ગભરાતાં પ્રવૃત્ત થવું ય અ-નિવાર્ય હતું. આ ત્રણેય અનિવાર્યતા જ, સાંજ પડે હંસા આવે ત્યારે, જૅન્તીની અડાબીડ હંસા સંનિધિને સિદ્ધ કરે છે.’ (પૃ. ૧૩૩) તો ‘મજાનો ડખો’ વિશે પણ ઊલટભેર લખ્યા પછી એમણે આ સંગ્રહની છેલ્લી વાર્તા ‘ચાહવું એટલે ચાહવું’ એના વિશે વિગતે વાત કર્યા પછી તાર્કિર્ક રીતે સિદ્ધ કરતા લખે છે કે, ‘પદ્યાભાસી ગદ્ય કર્યા વગર, વાર્તામાં ગદ્યને સુમન, તેં આબાદ સાચવ્યું છે. આ આખીએ વાર્તા તારી વાર્તાકળાની વિજયપતાકા છે.’ (પૃ. ૧૩૪)
‘ફટફટિયું’૩
આ વાર્તાના અનુવાચનમાં સુમન શાહે પોતાના આ વિચારોમાં વાર્તાકળાને, ખાસ તો આ વાર્તાઓ વિશે લખ્યું છે, ‘એ કશી બાહ્ય ઘટનાનો અનુવાદ નથી – ઘટના એમાં પ્રગટતી આવે છે, વાર્તા અને વાર્તાનો અનુભવ એમાં ઘડાતો ચાલે છે. મને ઘટનાઓ મળતી નથી કે હું તેમને ખોળવાય નથી જતો. મનુષ્ય સ્વાભિમુખ જીવ છે, આત્મ-પ્રતિબદ્ધ વધારે છે. આપણાં નર્યાં મર્યાદિત વિશ્વોમાંથી આપણે આપણાં જી-વ-ન વિશ્વોને ગોત્યા કરનારાં પ્રાણીઓ છીએ. સર્જક-કલાકાર તો તેમ જ છે. ને તેથી, એવી સ્વકીય ભૂમિમાં એને બીજાઓનાં – જેમ કે મને મારાં પાત્રોનાં – જી-વ-ન વિશ્વો પમાય છે. બાકી આપણાથી કશાકને અભિમુખ હોવાની કે કશાકથી પ્રતિબદ્ધ હોવાની ડંફાસ મારી શકાય એવું છે જ ક્યાં... આપણે કેટલા સીમિત હોઈ શકીએ છીએ તે હકીકત ભૂલવા જેવી નથી... પરકાયાપ્રવેશ બનાવટ છે અને સ્વ-માં પ્રવેશ્યા વિનાનો કોઈપણ પ્રવેશ, નરી બનાવટ છે. કલાએ બનાવટથી બચીને એવી તો બનાવટ પ્રગટાવવાની છે જ્યાં જીવન અને કલા બંને એકમેકમાં ઓગાળીને એક થઈ ગયાં હોય, સ્વ અને પર એક થઈ ગયાં હોય. મારી આવી આત્મશ્રદ્ધા છે. હું આજે પણ એથી ચલિત નથી થયો, નથી થઈ શક્યો.’ (પૃ. ૨૧૯) સુમન શાહ દરેક વાર્તાસંગ્રહવેળાએ વિકસતા અનુભવાય છે. પહેલા વાર્તાસંગ્રહમાં એ વાર્તા આલેખવા પાછળની પોતાની દૃષ્ટિ સ્પષ્ટ નથી કરતા. એ વખતે એમનો ઉદ્દેશ વાર્તાઓમાંથી પ્રગટે છે, એ છે પ્રયોગશીલતા દાખવવી. પરંપરા સાથેનો અનુસંધાન રાખ્યા પછીયે એનાથી વિરોધનું જ વલણ પ્રગટ્યું છે એ બોધકથા દ્વારા જોઈ શકાય. વાર્તામાં આવતા કેટલાક પરંપરાગત સંદર્ભોથી પણ એ સમજાય એવું છે. જો કે, એ બધાનો વિરોધ પણ એમની વાર્તામાં પ્રગટે છે. જ્યારે બીજા વાર્તાસંગ્રહમાં સ્પષ્ટ દિશામાં વિસ્તરણ જોઈ શકાય છે. એમાં બધી જ વાર્તાઓ દાંપત્યજીવનની બારીકીઓ પર ફૉક્સ થઈ છે. એમાં દિશા નિર્ધારિત થઈ. ત્રીજો વાર્તાસંગ્રહ આવતા સુધીમાં સુમન શાહે પોતાના અનુભવોના વિસ્તારને, સર્જનલીલાના વિસ્તરણ સાથે પનારો પાડ્યો હોવાનું સ્પષ્ટ અનુભવાય છે. કુલ ૧૫ વાર્તાઓ, પંદરમી વાર્તા પાંચ બોધકથારૂપે વિસ્તરી છે. ‘ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી લગી’માં ટેક્નોલોજી સાથે કદમતાલ મિલાવતા થયેલા સર્જકનું વિસ્મય, એમની કલ્પના અને થોડી હકીકતનું મિશ્રણ નવા જ પરિમાણ સાથે ઊભરી આવે છે. બૌદ્ધિકતાનું પ્રમાણ માપી શકતી નવી વ્યવસ્થાએ જન્માવેલ વલયો અહીં આલેખાયાં છે. કેટલીક મહત્ત્વની વાર્તાઓ આ સંગ્રહને નોંધપાત્ર ઠેરવે એવી છે. જેમ કે, ભૂકંપની અસરો બતાવતી તિરાડો આ સર્જકના ચિત્તમાં કેવાં વલયો સર્જી આપનારી નીવડી તે જોવા જેવું છે સિમેન્ટ વાર્તામાં. તો ‘ખંજર’ વાર્તા એક મોટી સામાજિક સમસ્યા- બળાત્કારોની ઘટનાઓના પ્રત્યાઘાતના રૂપ આલેખાયા પણ કલાનું કલેવર ધરીને. ‘ઈ–ઈ.ડબલ્યુ યાને સંકટસમયની બારી’માં ટ્રેનની યાત્રા કરતા મુસાફરના ચિત્તમાં થોડા સમય પહેલાં ગોધરા ખાતે ઘટેલી ઘટનાની અસરો આલેખાઈ છે. સીધું કશું જ નથી કહેવાયું છતાં એ ખોફનાક ઘટનાની અસરો દૂર દૂર સુધી માનવચિત્તને કઈ કઈ રીતે ખલેલ પહોંચાડનારી બની છે તે વાર્તારૂપ ધરીને આવ્યું છે. કહેવું જોઈએ કે ઘટના હોવા છતાં ઘટનાને દૂર જઈને કરાયેલું આ આલેખન બધાં અંગોથી પરિપૂર્ણ રચનારૂપે સામે આવે છે. ‘વર્ચ્યુઅલી રીયલ સૂટકેશ’ એક બાજુ વર્ચ્યુઅલી છે ને વિરાધાય છે રીયલની સાથે. સૂટકેશમાં સામાન ભરવાનો હોય છે, થોડા સમય માટેનો, મુસાફરી દરમિયાનનો – ‘સૂટકેશ’ પ્રતીકરૂપે વિસ્તરણ પામીને વાર્તા બની આવી છે. તો ‘જામફળિયામાં છોકરી’ વાર્તામાં થોડું રિયલ, થોડું ભળતું રિયલ, થોડું કલ્પેલું – બધું જ જે રૂપે આવે છે તે આખરે તો સંવેદનપિંડ એક આકાર ધરીને આવે છે. બોલીનો પ્રયોગ, દીર્ઘસૂત્રી લાગતું વિસ્તરણ, નવાં નવાં આવર્તનોથી જન્મતી ઘેરી બનતી રચના અંતે જતાં સંકુલ એવા વિશ્વને સિદ્ધ કરનારી નીવડે છે. ‘બોધકથાઓ અને સુમન શાહ’ એવો મુદ્દો કરીને સ્વતંત્ર રીતે તપાસવા જેટલી સમૃદ્ધિ અને સંખ્યા એમની વાર્તાઓની છે. એમને રસ છે નવા નવા રૂપે ભાષાને કથ્યરૂપ આપીને નવતર પિંડ સર્જવો. જુઓ, ભાષા સાથેની એમની ભીડંત – (એક હરાયું ઢોર – પાંચમી બોધકથા) ‘શબ્દને કશા જોડે બાંધો નહીં તો સમજો એને કો હરાયું ઢોર. એવું એક હરાયું ને ઢોરમાં ઢોર તે પ્રેમ.... એને બાંધવાને દોરી જોઈએ દોરી... ના,’ (કહીને એના વિકલ્પોથી વળ ચડાવે નકારનો. પછી લયાત્મક બનતી ભાષા જુઓ કેવો કમાલ કરે છે.) ‘ન બંધાય તેથી તો છે આ ઢોર. ઢણકતું, નગરમાં. રસ્તો છે, ટ્રાફિક છે, સીમ કે ખેતર કે કશી સૂની આંબા ડાળ. આંબા-ડાળે ઝૂલે વાનર-બાળ તે પૂંછડી એની પ્રેમ.’ (આમ, ભાષાનો લય વહેતો વહેતો ય પોતાના એક વિશિષ્ટ અર્થને સુઝાડતો ચાલે છે. આગળ ને આગળ... આ પ્રયોગો ખાસ જોવા જેવા છે. નોંધવા જેવા છે.) ‘પ્રેમ એટલે હૂંફ-હાંફ, સૂંઘ-ઊંઘ, મંજૂ-સંજૂઃ પ્રાસ, પ્રાસ, પ્રાસ-પ્રાસ. એ ત્રાસનો એક ઉકેલ તે રૂમાલ, બીજો તે વીંટી, ત્રીજો તે પિસ્તોલ. એને એકે ય નથી લપાવા-છુપાવાને ખૂણો કે કોણ. એ હંમેશાં છે ત્રિકોણ. પારિજાતની દાંડીમાં સબડે કીડી રાતી. સળળવાય પણ નીકળાય કે જવાય નહીં અંદર કે બહાર. માતેલા સાંઢની આંખમાં સોનાની ટાંકણી કે હીરો કોહીનૂર.’ (‘ફટફટિયું’, પૃ. ૨૧૭) આ સંગ્રહમાં એમણે કળાકારની સામાજિક નિસબતને આલેખવાની રીતો પરત્વે પ્રયોગશીલતા દાખવીને ઉત્તમ પરિણામો પ્રાપ્ત કર્યાં છે. આ સંગ્રહને સાહિત્ય અકાદમી, દિલ્હીના ઍવૉર્ડથી નવાજવામાં આવેલ એ કારણે ય સમીક્ષકોનું એ તરફ સવિશેષ ધ્યાન ગયું છે.
‘કાગારોળ અન્લિમિટેડ’૪
આ સંગ્રહ સાથે સુમન શાહે નવો પ્રયોગ ઉમેર્યો તે પોતાના અવાજમાં આ વાર્તાઓનું પઠન કરીને ડીવીડીમાં ધ્વનિરૂપ, પુસ્તક સાથે આપવાનો આરંભ કર્યો. સાથે અનુવચનમાં એમણે વિગતે વાત કરી કે – ‘દીર્ઘત્વ મારી જરૂરિયાત છે.’ એ પહેલા જોઈએ ને પછી આ સંગ્રહની વાર્તાઓને તપાસીએ. તેઓ લખે છે, ‘સરેરાશ વાચકો બહુ લાંબી છે એમ બોલતા હોય છે. એમ જે લાગે છે તે ટૂંકી વાર્તાને વિશેનું એક જાતનું કન્ડિશનિન્ગ છે, બંધ મનોવલણ છે. દીર્ઘત્વ મારી કશી અણઆવડતનું પરિણામ નથી. એવું પરિમાણ સાભિપ્રાય હોય છે કેમ કે એ મારી પસંદગી હોય છે... અમુક લેખક વાચકને એકાદ વિચાર, વિભાવ કે સંદેશ આપવા ચાહે, મારે વાચકને એક નાનો સરખો પણ અનુભવ આપવો હોય. વળી જોવું હોય કે ટૂંકી વાર્તાના ફલક પર એ અનુભવ શક્ય તેટલો સુવાંગ બની આવે. એમ કરવા જતાં, રચનામાં ઝોલ પડી ગયા હોય, એ લબડી પડી હોય, તો ત્યારે જરૂર કહેવાય કે લંબાણે ટૂંકી વાર્તાની કલાને હાણ પહોંચાડી. મારો સતત પ્રયાસ એમ ચાલતો હોય છે કે એ હાણ જરા જેટલીયે ન થાય. ને તેથી રચનાબંધને હું આજુબાજુથી, ઉપરનીચેથી, અંદરબહારથી – બધેથી ટાઈટ રાખવા મથતો હોઉં છું.’ (અનુવાચન-૧, ‘કાગારોળ અન્લિમિટેડ’, પૃ. ૨૦૪) આ સંગ્રહની વાર્તામાં એમણે જ જે મુદ્દો હાઇલાઇટ કર્યો એ દીર્ઘતા પ્રમુખ લક્ષણ બની રહે છે. એનો ઉત્તર સ્વાભાવિક જ આપણી નજરે તપાસવાનો રહે. અગાઉ પણ ‘જામફળિયામાં છોકરી’ અને ‘વર્ચ્યુઅલ સૂટકેશ’ને આ દૃષ્ટિએ તપાસી પણ છે. આ દીર્ઘતા વાક્યોની લાગે, પાનાંઓ ગણીએ તો જરૂર લાગે, એમાં મને સિન્ગલ ઇફેક્ટ અનુભવાય છે, સાથે મેં એને દીર્ઘ નવલિકા કહી એની પાછળનાં કારણો પણ આ જ રચનાઓમાં જોઈએ તો સ્પષ્ટ એવાં જણાઈ આવે. સુમન શાહ વાર્તાના નકશીકામને વધારે મહત્ત્વ આપે છે, અનુભવને સુવાંગરૂપે આલેખવાની મથામણ એમના પટને વિસ્તારે છે. ‘ભાંગલાં હાંલ્લા’ આ શબ્દ એમણે બાળપણમાં વારંવાર સાંભળેલો એ સ્મરણને અનુવચનમાં કહ્યું છે. એમણે પોતે જ જે અર્થ કર્યો એ જોઈએ ‘ભાંગલા હાંલ્લા’ એમ મારી બા બોલતી. એ એનો પ્રયોગ છે. એકમેકનાં ચરિતરને કારણે સ્ત્રી-પુરુષ-સંબંધમાં તૂટફૂટ થઈ હોય તે એને બચારા-બાપડાં લાગે, ભાંગલાં હાંલ્લા લાગે. હાંલ્લા માટીનાં હોય તેથી એ પ્રયોગમાં માટીના માનવો માટે કરુણા તો ખરી, પણ નાકનું ટૅંચકું ચડેલું હોય એવી લગી ઘૃણા પણ ખરી, ભણેલાં-ગણેલાંના સમાજમાં આ ભાંગફોડ વધતી ચાલી છે ને વાર્તામાં છે તેવા પાર્ટી કલ્ચર રૂપે જ્યાં-ત્યાં દેખાઈ રહી છે.’ (અનુવાચન-૧, પૃ. ૨૦૬) આ વાર્તામાં એવી એક નાનકડી પાર્ટી છે, એમાં જે ખાવા-પીવા, અડપલાં અને ખટપટ ચાલતી હોય છે એનું સરસ મજાનું વાતાવરણ આ વાર્તામાં ય સર્જાયું છે. સુમન શાહની વાર્તામાં આવતી પાર્ટીઓ નાનકડી પણ અર્થપૂર્ણ હોય છે, ઘણી વાર્તાઓમાં આવી ઘરેલુ ગોઠડીઓનો ઉપયોગ એમણે કર્યો છે ને સાર્થક તથા ભિન્નભિન્ન રૂપોને જન્માવવા કરેલો છે. લઘુશોધ નિબંધ થઈ શકે એટલી વાર્તાઓનો વિષય આ પણ હોઈ શકે. રમુશા અને જે. કે. જે મૂળે એકબીજાના મિત્રો, પણ ક્રમશઃ જન્મેલ સ્પર્ધાભાવ અને એકબીજાનાં લફરાઓને જાણતા હોવાની વાત આ વાર્તાને નવા જ રંગો આપવા સાથે માનવચિત્તની આ પ્રકારની આંતરિક લડાઈને વ્યંજિત કરી છે. રમુશાને ઓવરટેક કરીને બૉસ બની ગયેલ જે. કે. તરફનો તિરસ્કાર પ્રગટાવવા માટે આ પાર્ટીનું આયોજન સહજ લાગે એવું છે, એમાં ખૂબ પીધા પછી મગજ પરનો કન્ટ્રોલ ગુમાવી દીધેલા રમુશા જે. કે.ના ચારિત્ર્યને પ્રગટાવે તો જે. કે.નું ય એવું જ છે, એને રસ છે રમુશાની લીલાઓને જાહેરમાં ઉઘાડી પાડવાની ઇચ્છા – આ ઇચ્છાને કલાત્મક રૂપ આપવામાં લેખક સફળ રહ્યા છે. વાર્તારસ ધસમસતો વહે છે ને વાચક સતત ઉત્સુક રહીને અંતભાગે પહોંચે છે – પણ અંતે બધું જ પ્રગટ કરી દેવા પછીએ પ્રત્યક્ષ સંઘર્ષને ચાતરી જાય છે – એ આ વાર્તાને વધારે આસ્વાદ્ય બનાવી દેનાર નીવડે છે. ‘લવરી’ વાર્તાના નાયક શિવકુમાર અગ્નિહોત્રીને કૅન્સર હોવાની આશંકા છે. રિપોર્ટ આવવાના બાકી છે. એના મનમાં જે કૅન્સર એટલે કે કૅન્સલ-નો ભય જન્મે છે તે અહીં વાર્તારૂપ ધારણ કરીને આવે છે. એ નિમિત્તે શિવકુમાર જન્મથી માંડીને જીવનભરને લવરીરૂપે પ્રગટાવી આપે છે. બાહ્ય રીતે બહુ ઓછી ઘટના બની છે, પણ આંતરચિત્તમાં જે વમળો જન્મ્યાં તે નાયકના ચિત્તમાં અપરાધભાવરૂપે જે જે મૂલ્યભંગ ગણાય એવી બાબતોને લઈને પ્રગટ્યાં છે. જનેતા, દૂધ પાનારી, ઉછેરનારી મા-થી આરંભી પહેલાં ચુંબનની ઘટના હોય કે સાવ નગણ્ય બાબતે સહજ થઈ ગયેલ પાપ લાગતું હોય એ બધું આ તબક્કે ચિત્તમાં ઊભરી આવે છે તેનું આલેખન આ વાર્તાને અત્યંત મૂલ્યવાન બનાવી દે છે. મૃત્યુનો ડર આ વાર્તાનું મોટું ચાલકબળ બને છે. મનુષ્યના ચિત્તમાં કેવી કેવી ગડભાંજ ચાલતી હોય છે એનું માનસશાસ્ત્રીય અભ્યાસ કરવા માટેની મોટી સામગ્રી આ વાર્તા બની રહે એમ છે. નાયકની અંદર ચાલતો સંવાદ અને સામે પત્ની તથા ફેમિલી ડૉક્ટરની હાજરી આછા રૂપે આલેખીને વર્તમાનને ચીંધે છે. ‘ધજા’ વાર્તા પ્રતીકાત્મક આલેખન કરતી વાર્તા છે. માણસની જીતવાની ઇચ્છા ને સામે પ્રેમનું તત્ત્વ એને કેવા કેવા રૂપે ચેલેન્જ આપીને મથાવે છે એનું પ્રતીકાત્મક આલેખન મજબૂત રીતે ઊભરી આવતી વાર્તા બનાવે છે. તો ‘ઇલાઇચીવાળી કૉફી’ વાર્તામાં વિદેશ વસતાં બાળકો પાસે જવાની ઇચ્છાવાળી મા અને સાથોસાથ અહીં જ સદ્ગત થયેલા પતિની યાદમાં ઝૂરતી પત્નીનો બેવડો રોલ – આલેખતી આ વાર્તામાં સંવેદનાઓની ગૂંથાતી નકશી મળે, એમાં સ્મરણો છે, એમાં ઝુરાપો ય છે ને સાથોસાથ નાયિકાની અંદર ચાલતા વલોપાતનું આલેખન આ વાર્તાને અનોખી બનાવે છે. ‘બનાવ’ વાર્તામાં બનાવ તો સાવ આકસ્મિક છે. અજાણી યુવતી સાથેની એ સાવ નજીવી લાગે એવી બસસ્ટેન્ડ પર થયેલ મુલાકાત વિદેશમાં ગયેલ વાર્તાનાયકના ચિત્તમાં જે વલયો જન્માવે છે ને એ ફરી આવશે-ની. જો કે, યુવતીએ એવું કંઈ જ કહ્યું નથી – છતાં જે રાહ છે એ હળવી છતાં અસરકારક રૂપ ધરીને અહીં આલેખાઈ છે. અનુવચનમાં લેખકે આ વાર્તા વિશે સરસ નોંધ કરી છે. એ આ વાર્તાને પામ્યા પછીએ કેટલાક નવા પરિમાણ સાથે ઉમેરો બની રહે છે. વાર્તામાં શહેરનું આલેખન, લૉજમાં બેઠાં બેઠાં જે જોયું એનું આલેખન આ વાર્તાને વધારે આસ્વાદ્ય બનાવનારું છે. ‘નેચરલ સુગરની સ્વીટ’ વાર્તામાં વાપરવામાં આવેલ ગુમ થવાની ઇચ્છાને પછી જોવું શું છે? એનું રહસ્ય આ વાર્તાને વધારે મજેદાર અને વધારે વાસ્તવિક બનાવે છે. પોતે થોડી વાર માટે ય પત્નીની નજરમાંથી દૂર થાય ત્યારે એનું વર્તન કેવું હોય છે ને સામે પત્ની નજરથી થોડી વાર માટે ય દૂર થાય એટલે કેવો હાંફળ-ફાંફળનો અનુભવ થાય છે. ઉંમરના એક તબક્કે એકબીજામાં ગૂંથાઈને જીવતા દંપતીનું આ ચિત્ર આપણી વાર્તાઓમાં આ રૂપે ભાગ્યે જ આવ્યું હશે. એ માટે નાયકની મથામણ, નાયકની ધધક અને સામે સહજ-સરળ રહીને ય પ્રગટી આવતાં નાયિકાનાં વ્યક્તિત્વો સ્વાભાવિક જ જેન્તી-હંસાકુળને વધારે ઘૂંટનારી વાર્તારૂપે અનુભવાય છે. ‘કાગારોળ અન્લિમિટેડ’ નામની વાર્તા પરથી આ સંગ્રહને શીર્ષક અપાયું છે, સ્વાભાવિક જ એ મહત્ત્વની વાર્તા છે. પ્રતીકાત્મક આલેખનની વાર્તાઓ એ આરંભથી જ લખતા રહ્યા છે. પશુ-પંખીઓને બોલતાં બનાવીને, વાર્તાના પાત્ર બનાવીને સામાજિક સમસ્યાને આલેખતી વાર્તાઓ લખવાનું તેઓ પસંદ કરે છે. આ રચના પ્રયુક્તિઓના અનેક પ્રયોગો એમણે કર્યા છે ને મોટાભાગના પ્રયોગોમાં એ ખાસ્સા સફળ થતા જણાયા છે. છે તો રાજકીય તડબાજીઓનું આલેખન – બિલ્ડરો, ભાયાતો, નેતાઓ અને એમના ખાંધિયાઓ ભેગા થઈને જે હાલત સર્જી રહ્યા છે એ બહુ સરસ રીતે વ્યંજિત થયું છે. આનન્દી અને નાનન્દી કાગડાઓને પાત્રરૂપે કલ્પીને સામાન્યજનથી આરંભીને ઉપલા વર્ગ સુધીના લોકો પોતપોતાના સ્વાર્થ માટે કેવી કેવી રમતોમાં વ્યસ્ત રહેતા હોય છે – એનું કલાત્મક રૂપાન્તરણ અહીં આલેખાયું છે. આનન્દી કાગડાઓ જેવા મલાઈ ખાનારાં લોકોથી માંડી નાનન્દી જેવા કારણ વિનાનાં એકેય પક્ષે ન રહીને ય પાંજરે પુરાયેલાં રહે એવા – બધી જ જાતના માણસોને અહીં પ્રતીકાત્મકરૂપે આલેખવામાં આવ્યા હોવાથી વ્યંજનાર્થોનાં અનેક આવર્તનો આ વાર્તામાં સહજ સાધ્ય બને છે. આ સંગ્રહના સ્પષ્ટ બે ભાગ છે. આરંભની વાર્તાઓ પછી જે ‘દોરડું લઈને કૂવામાં’, ‘સૉલિડ સેતુ’, ‘કલમખુશ’, ‘એક લાંબા ગાળાની વારતા’, ‘ડોક્યુમેન્ટરી’, અને ‘બગાડ’ નામની વાર્તાઓને એમણે સબલાઇનથી આમ કહી છે – ‘જૅન્તી-હંસા સિમ્ફનીઃ સિનિયર’. એટલે એક અર્થમાં આગળનો વાર્તાસંગ્રહ ‘જૅન્તી-હંસા સિમ્ફની’ – હતો એને સાથે હવેની વાર્તાઓનું અનુસંધાન છે. એમાં ‘દોરડું લઈને કૂવામાં’, ‘સૉલિડ સેતુ’ અને ‘કલમખુશ’ એ ત્રણ વાર્તાઓ એકબીજા સાથે સીધી જ જોડાયેલી છે. એક રીતે સિક્વલરૂપે આલેખાઈ છે. વીઆરએસ લઈને વાર્તા લખવાએ ચડેલ જેન્તીની વાર્તાઓની પહેલી ભાવક અને સાથોસાથ સમીક્ષક પણ હંસા છે. હંસા આ વાર્તાઓમાં વધારે હાવિ થઈને પ્રગટપણે જૅન્તીને સર્જનકાર્યમાં અડે નડે છે, ક્યારેક દિશા ચીંધીને અટકે નહીં, સમાન્તરે સર્જનસહભાગી પણ બને – આ પ્રકારની રચનાપ્રયુક્તિ અપનાવીને સુમન શાહે પોતાની વાર્તાઓની કડક તાવણી, વિરોધીઓનો મત પ્રગટ કરવાની સ્પેસ લઈ લીધી છે. સાથોસાથ સાવ નમ્ર રહીનેય પોતાનું સર્જકીય સ્ટેન્ડ મજબૂતાઈથી વાર્તારૂપમાં જ પ્રગટ કરી આપ્યું છે. એ બંનેના કેટલાય સંવાદો, ખાસ કરીને ‘સૉલિડ સેતુ’માં તો સખીમંડળની એક બેઠકનું જ આલેખન કર્યું છે. એમાં પહેલી અને આ આખીએ વાર્તા કહેવાય, એના વિશે ચર્ચા થાય, એનાં પાત્રોના માનસ, એમની આંટીઘૂંટી અને એમાંથી પ્રગટતા ફાંટા-ફણગાઓની ચર્ચા જામે – આ આખુંય કમઠાણ એક રીતે સ્વયં વાર્તા જ છે, સાથોસાથ વાર્તા રચવાની પ્રક્રિયા, હંસા નિમિત્તે સામાજિક પ્રતિબદ્ધતાની માગણી કરતાં વિવેચકો, વાચકો ને એની સામે સર્જકીય ધર્મ નિભાવવામાં તાટસ્થ્ય જાળવીને પાત્રોને, ઘટનાઓને જ બોલવા દેવાના મતનો જૅન્તી – એક વાર્તા વિભાવના પણ ઘડતો જાય છે. આ આખીએ પ્રક્રિયા સુમન શાહની સિદ્ધહસ્ત સર્જકીય સમજને પાકટ રીતે પ્રગટાવવા સાથે વાર્તારસને પણ એટલો જ અસરકારક રીતે ઘૂંટી આપે છે. અંતને જે રીતે ચૅરી નાંખવામાં આવ્યો છે ને સસલું અને ઉંદરના આરોપણથી વાતનો અંત લાવવામાં આવ્યો તે ખરેખર તો કલાનું આવું નિર્મમ તાટસ્થ્યભર્યું સ્થાન સૂચવે છે. ‘એક લાંબા ગાળાની વારતા’ બહુ વ્યાપક એવા બદલાવોભર્યા જીવનને, ઇતિહાસને, સામાજિક વિકાસ અને એ વિશેની અનેક જાતની માન્યતાઓ, ધારણાઓ અને હકીકતને આલેખવાનો મજાનો પ્રયાસ છે. આ પ્રક્રિયા અંતહીન છે. આમ તો છેક પહેલા સંગ્રહથી જ સુમન શાહની વાર્તાઓમાં આવતી નારી અલગ પડે છે, એ વધારે વાચાળ, સ્વતંત્ર અને મિજાજી છે – એના વિશે પણ એક આગવો શોધનિબંધ થઈ શકે એવું મજબૂત આલેખન ધરાવે છે. એ અનુસંધાને કહીશ કે આ છેલ્લી ચાર-પાંચ વાર્તાઓમાં નારીમંડળ, નારીવિદ્રોહ અને નારીના પુરુષો વિશેનાં નિરીક્ષણો વધારે બોલકા બનીને, પ્રગટરૂપે અને ધારદાર પ્રયાસરૂપે આલેખવામાં આવ્યા છે. ‘લાંબાગાળાની વાર્તા’નો મોટો ભાગ ગિરિબાળા અને રાજીમતીને અભિવ્યક્ત કરવામાં ખરચાયો – એ બંને ક્યાંક મળી જાય, ક્યાંક અલગ પડે, ક્યાંક કશાક મિશન માટે મથતી અને ક્યાંક આ બધાનો ભોગ બનેલી કળાય. સંવાદોમાં પુરુષોનાં ભદ્દાં ચારિત્ર્યો પ્રગટે ભિન્ન ભિન્ન રૂપે. આ વાર્તા એક અર્થમાં ભૌતિક સુખવડો ઝંખતા માણસો અને સામે જે છે એમાં જ ખુશ રહીને જીવન જીવતા માણસો વચ્ચેના સંઘર્ષને – એટલે કે આખી માનવજાતનાં આ જાતનાં મનોમંથનને આલેખે છે. સુમન શાહની વાર્તાઓનો આ વિશેષ પણ ખાસ નોંધવા જેવો છે. એ છે, વનલાઇનર પંચ. જેમ કે, ગિરિબાળા જૅન્તીને સીધા જ નામ પૂછ્યા વિના જ ભોગીલાલ કહીને સંબંધો છે ને પેલો પોતાનું નામ જૅન્તીલાલ હોવાનું કહે છે ત્યારે ગિરિબાળા કહે છે એમ – ‘પુરુષમાત્ર ભોગીલાલ હોય છે. પરણેલા-પસ્તાયેલા હશો, નહીં?’ – કહીને જે સ્ટેટમેન્ટ આપ્યું છે એવા સ્ટેટમેન્ટનો ય સ્વતંત્ર અભ્યાસ થઈ શકે એમ છે. આ વાર્તાઓ વિશે સુમન શાહે જે વિધાન કર્યું છે તે આ વાર્તાને સમજવામાં, એમની વાર્તાસમજને સ્પષ્ટ કર્યું છે, જુઓ, ‘રેડીમેડ બનાવો મને લલચાવી શકતા નથી અને તેમને શબ્દોમાં અનુવાદી આપવાની મારી કશી રેડીનેસ પણ નથી. હું જીવનની પાશવી હકીકતોથી બીધેલો એક અ-શાન્ત માણસ છું. એટલે પછી લેખક તરીકેની મારી ભૂમિકા એટલી જ બાકી રહે છે કે મારે એક આભાસી સત્-ભર્યું-વર્ચ્યુઅલ-સંતુલન સરજી આપવું : એક એવી નૅરેટિવ ફ્રેમ, એક નાનુંશું કમઠાણ, જેમાં આશ્વાસક સાહિત્યકલા ઉદ્ભવી હોય છે.’ (‘કાગારોળ અન્લિમિટેડ’, પૃ. ૨૦૯) આ સંગ્રહની છેલ્લી બે વાર્તા ‘ડોક્યુમેન્ટરી’ અને ‘બગાડ’ પછીના સંગ્રહમાં પણ સમાવી હોવાથી એની ચર્ચા ત્યાં કરવામાં આવી છે.
‘નો આઇડીયા? ગેટ આઇડીયા’૫
સંગ્રહને સુમન શાહની પ્રયોગશીલતાના સુફળ તરીકે ખાસ જોવા જેવો સંગ્રહ છે. કુલ ૧૨ વાર્તાઓ છે આ સંગ્રહમાં. સુમન શાહની મજા એ છે કે એ વર્તમાનને માણવા સાથે સૂક્ષ્મ નજરે નિરીક્ષણો કરીને એવું જ બારીક આલેખન કરવાની મજા લે છે. જેમ કે, આ સંગ્રહના નિવેદનમાં જ એ લખે છે, પોતે હવે કમ્પ્યૂટર પર જાતે ટાઇપ કરતા થયા છે, મેઇલ, ફેસબૂક, બ્લોગ, વેબસાઈટ ઇત્યાદિ માધ્યમો સાથે ઘનિષ્ઠ રીતે જોડાઈને જાતે જ એના ઉપર પ્રભુત્વ મેળવવાની મથામણ કરે છે. એનો રોમાંચ – જાતે જ પુસ્તકની ટૅક્સ્ટની એન્ટ્રી, જાતે જ ડિઝાઇનિંગ અને આવરણ ડિઝાઇનિંગ સુધીનું કામ કરતા થયા છે – એ રોમાંચ માત્ર નિવેદનમાં જ નથી, એમની વાર્તાઓમાં પણ રસાઈને આવ્યો છે. આ ટાઇપિંગ અને લેખનની પ્રક્રિયા દરમિયાન કમ્પ્યૂટર, એ રચનાના કુલ શબ્દો, લાઇનિંગ, વપરાયેલ સમય ઇત્યાદિની નોંધી લે છે. એમાં જે રસ પડ્યો છે એ દરેક વાર્તાને અંતે અપાયેલ અનુવાચનમાં પ્રગટતો જોઈ શકાય છે. આ સંગ્રહમાં જે કેન્દ્રસ્થાને છે, એમણે કહ્યું છે એમ – ‘વાર્તા કહેવા-સાંભળવાની વસ છે, એ વિચારે ઘણા વખતથી મારો કબજો લીધો છે. એટલે, એ આગ્રહ વધતો ચાલ્યો છે કે લેખન નથી કરવું પણ કથન કરવું છે. વાર્તા લિખિત ભાષામાં ગોંધાયેલી રહે એ ન ચાલે. હા, લખવું તો પડે, પણ એવું કે શબ્દ પોતાનું કામ કરીને સીધો જ ઓલવાઈ જાય. રચનાનાં ફટપટ દેખાય, તેના સ્વાદ ગન્ધ સ્પર્શ અનુભવાય એ તો ખરું જ, પણ એ તમામેતમામ વસ્તુઓ કથકથી એવી રીતે કહેવાવી જોઈએ કે એના સ્વ રૂપમાં આખેઆખી સંભળાય. વિના વિલમ્બે જી-વ-ન દેખાતું થઈ જાય. એ માટે ઇચ્છું કે મારા કથકનાં કથન વિવિધ હોય.—એટલે કે પ્રશ્ન આશ્ચર્ય હકાર-નકાર કાકુ સૂર સ્વરભાર હ્રસ્વત્વ દીર્ઘત્વ વિરામ ફુસફુસાટ યતિ મૌન વગેરે વાણી સાથે જોડાયલાં તત્ત્વોનો નિભાવ કરનારા હોય. આ સંગ્રહમાં હું મને એ પ્રકારે યત્ન કરતો જણાયો છું. મેં મારા કથક પાસે કરાવેલા જુદા જુદા કથન-તરીકા, નુસ્ખા, એવો એક નોંધપાત્ર યત્ન છે. આ સંગ્રહની એ વિશેષતા છે. આ સંગ્રહમાં દરેક વાર્તાનું અલગ અનુવચન લખ્યું છે. એમાં એ વિશેષતાનાં દર્શન થાય છે... અનુવચનમાં-ખુલ્લા દિલે બીજી વધારાની અંગત વાતો પણ કરી છે. એ વાતો વાર્તા અને વાર્તાકારને જોડનારી છે પણ એનો સાહિત્યિક તોલમોલ કરનારે વિવેક રાખવો પડે...’ (નિવેદન) ‘બગાડ’ નામની વાર્તામાં એમણે ઑડિયો રેકોર્ડર ખરીદ્યું તે વાતને વણી લઈને જે નવી જ સૃષ્ટિ સર્જી છે તે એમની અન્ય વાર્તાઓથી સાવ ભિન્ન અનુભૂતિ કરાવે. જેન્તી અહીં હાજર છે – એનાં ક્લોન સાથે. ક્લોન જેવા બે પાત્રો સરજીને નાયકના વતનનાં ગામડામાં થતી બ્રાહ્મણ સમાજની ચૂંટણી પૂર્વેનો માહોલ આલેખ્યો છે. એક રીતે જોઈએ તો આખાય દેશની ચૂંટણીનું નિદાન જાણે કે આ વાર્તામાં સેમ્પલરૂપે થયું છે! વાર્તાનાયક ખિસ્સામાં રેકોર્ડર રાખીને, પોતે વાર્તાકાર છે ને વાર્તા લખવા ઇચ્છે છે—એવી સાચી વાત કરીને વર્ષો પછી મળેલાં ને ગામમાં જ રહી ગયેલાં એના ગામવાસીઓની સાથે વાતચીત કરતો રહે છે. આ રીતે વાર્તા લખવાનો ખ્યાલ હંસાએ આપ્યો છે. આ આખીએ પ્રયુક્તિ મજા કરાવે એવી છે. હજી રેકોર્ડરના બધાં જ ફંક્શનને જૅન્તી જાણતો નથી. બધું જ અદ્ધરતાલ લાગે એ રીતે પણ ક્રમશઃ ચૂંટણીમાં સક્રિય હરીફો, ગામના વડીલો, પોતાની સાથે અભ્યાસ કરતાં હતાં એવાં પાત્રો, એક પાનવાળો, જેને ગામ પાગલમાં ગણે છે એ જગો – જેવાં પાત્રોની તૂટક તૂટક થયેલી વાતો બે સ્તરે આગળ વધે છે. આ બધું જ આરંભે વેરવિખેર લાગે પણ ક્રમશઃ વાર્તાપિંડ આકાર ધરતો જાય છે. કશાય અંત તરફ જવું નથી, આ આલેખન પોતે જ ઉદ્દેશ છે. એમાંથી ગામડાંમાં વ્યાપેલ બગાડને એના કેટલાબધા રૂપે આલેખે છે. દીર્ઘ પટ પર વિસ્તરેલી આ વાર્તા વિશે પોતે જ લખે છે, ‘બદલાતા સમયની તાસીર છે, તો માણસની માણસ તરીકેની નબળાઈઓ પણ મળે. મને નબળાઈઓને વિશે જિજ્ઞાસા હોય છે કેમ કે, પહેલાં કે પછી, હું માણસને ચાહું છું. મને એની પ્રત્યે અનુકમ્પા વધારે છે... કોઈ મિત્રને વાર્તા લઘુનવલની દિશાની લાગેલી. કોઈ કોઈએ કહેલું, વાર્તા ઘણો સમય લે છે પણ છેલ્લે લગી પકડી રાખે છે. એક રાતની આગળપાછળના થોડા કલાકોમાં, એક જ સ્થળવિશેષે, એક જ ઘટના, અને તેથી, એકમેવ અસર... એટલે, મારે મન એ ટૂંકીવાર્તા છે.’ (પૃ. ૨૮) આમ, સર્જકને મન આ ટૂંકી વાર્તા છે. જો કે, હું એને દીર્ઘ નવલિકા તરીકે જોવાનું વધારે પસંદ કરું. જેમાં છાપ એક છે, કેન્દ્રવર્તી ઘટના એક છે પણ એનાં વલયો, એનાં પરિમાણો એક નથી, એમાં પેટા વલયો વધારે હોવાથી એને દીર્ઘ નવલિકા કહીશ. બીજી વાર્તા એટલે ‘નો આઇડીયા, ગેટ આઇડીયા’ એમાં સુમન શાહ સાવ અનોખી રીતે ઊપસી આવ્યા છે, એના કથાનકના વૈચિત્ર્યને કારણે. સામાન્ય રીતે પ્રેમ, બેવફાઈ, દાંપત્યની ભાતીગળ ક્ષણો, ક્યારેક સામાજિક ચિત્રણનું પાતળું રૂપ, જાતીય પ્રશ્ન પણ એમની વાર્તામાં આવતા રહ્યા છે પણ આ વાર્તામાં પેજથ્રી કલ્ચર, સમાજના હાઈ-ફાઈ ક્લાસમાં પ્રવર્તેલ સડો ગજબની રીતે આલેખાયો છે. એમ.એમ.એસ.ની ભદ્દી દુનિયા, જેમાં સૅક્સ-ક્લીપોનો વેપલો, સૅક્સ માટેની વિકૃતિઓનું આલેખન આ વાર્તાને સાવ જુદી પાડી દે છે. એમાં ટેક્નોલોજીના દુરુપયોગ, અથવા તો માણસની વિકૃતિને ફેલાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ આ વાર્તામાં સરસ રીતે ઊપસી આવ્યો છે. અનુવચનમાં સર્જક સ્પષ્ટતા કરતા હોય એમ કહે છે, ‘એની આ વાર્તા મારાથી શી રીતે લખી શકાઈ તેનું મને આશ્ચર્ય છે. કેમ કે, મને ઍસેમૅસ જેવી સામાન્ય બાબતનો ય કશો જ મહાવરો નથી. ઍમેમૅસનો તો સવાલ જ કેવો... મારો મોબાઈલ પણ સ્માર્ટ ફોન નથી...’ જો કે, મને નથી લાગતું કે આવા ખુલાસાની કોઈ જરૂર હોય. બહુ જ બોલ્ડ એવી વાર્તાઓનું જો સંપાદન કોઈ કરે તો આ વાર્તા જરૂર સમાવવી પડે એવી મજબૂત રચના છે. ‘ભૂખ-હડતાળ’ આ વાર્તા પ્રમાણમાં મુખર લાગતી હોવા છતાં એમ નથી. ભારત લોકશાહી દેશ છે એ તો ખરું જ પણ લોકશાહી કેવી છે ને એમાં રાજ કરનારાઓ કેવા કીમિયાગર હોય છે એનું બયાન જે વ્યંજનાના સ્તરે ઊપસે છે એ આ રચનાને અનોખી અને મહત્ત્વપૂર્ણ બનાવે છે. એક નેતા ભૂખહડતાળ પર ઊતરી જાય છે ગાંધીચીંધ્યા માર્ગે – કહીને. એક જાગૃત નાગરિક તરીકે કથકને રસ પડે છે નેતાની આ હડતાળમાં. એને છેક સુધી કારણ જાણવું છે કે આખરે માગણી શું છે આ હડતાળ પાછળની. એની જેમ આપણે પણ છેલ્લે સુધી એ ઇચ્છામાં જ વાર્તારસમાં તણાઈએ. એ દરમિયાન જે તાટસ્થ્યથી કથક હડતાળ અને હડતાળવાદનો તાલ જુએ છે, એમાં ઉમેરાય – મંગલપ્રસાદે સર્જેલો ચમત્કાર, આખોય ચમત્કારી બાબાઓનો તાલ—ની આખી યોજના આપણને આપણી આસપાસ ચાલતાં રિયલ વિશ્વના અનેક નેતાઓ, સ્વામીઓ અને ઉદ્યોગપતિઓની મિલીભગતનું જે ચિત્ર ઊપસે છે તે આ વાર્તાને મહત્ત્વપૂર્ણ બનાવે છે. ટોળાની માનસિકતા, નેતાઓની દાંડ એવી નિર્ભિર્કતા, સાવ નગણ્ય જેવા કારણોથી દોરવાઈને અનુચર થઈ જવાની વૃત્તિઓ, નરી આંખે આ બધાનો દંભ ન જોઈ શકનારી પ્રજાથી માંડી કેટકેટલા સંકેતો આ વાર્તામાં ઊપસી આવે છે ને એમ છતાંય આ વાર્તા ક્યાંય બોધ આપવા નથી રચાઈ, એનું કલેવર આપણી સામાજિક સમસ્યાઓની કે રાજકીય ગતિવિધિઓને આલેખનારી વાર્તાઓને જરા પણ મળતું ન આવે એવું છે. કશાય અર્થને કે સંદેશને તારવવાનો યત્ન ન કરીએ તો પણ માત્ર મજા મજાનો અનુભવ કરાવતી જાય ને ક્યારે ચિત્તમાં એનો આલોક છવાઈ જાય તે સરત પણ ન રહે એવી મજાની રચના. ‘કંચન થોડો ગીલી ગીલી છે’ આ વાર્તા એક સાહસ છે. જો કે, સુમન શાહ આવાં સાહસ કરતા રહ્યા છે અને તે પણ કલાત્મક રૂપ આપીને કરતા રહ્યા છે. ચંદ્રકાન્ત બક્ષીએ ‘કુત્તી’ વાર્તા લખીને જે બખેડો સર્જાયેલો તેનાથી પણ વધારે બોલ્ડ વાર્તાઓ સુમન શાહની લખેલી ‘નો આઇડીયા, ગેટ આઇડીયા’, કે ‘કંચન ગીલી ગીલી છે’, ‘યાત્રા-૨’ એ ઉપરાન્ત પણ એમની બીજી કેટલીક રચનાઓ જુઓ તો ખ્યાલ આવે કે આ રચનાઓમાં રહેલું આલેખન વધારે બોલ્ડ, વધારે અસરકારક છે. જો કે, બક્ષીની વાર્તાઓમાં રહેલ અભિધાસ્તરનું આલેખન અહીં નથી, અહીં વાર્તારૂપ ધરીને, કળાપિંડરૂપે આકારબદ્ધ થઈને આવેલું હોવાથી આ વાર્તાઓ કદાચ એવા કોઈ વિવાદમાં નથી સરી પડી. જો કે, આપણે ત્યાં સજ્જ અને પૂર્વગ્રહ વિના વાંચનારાં ભાવકો પણ બહુ ઓછાં હોવાથી આવી મજબૂત વાર્તાઓ તરફ ધ્યાન ઓછું ગયું છે. વાર્તામાં વિધુર નાયક ભરચક હાઇરાઇઝ્ડ બિલ્ડિંગો વચ્ચે સમૃદ્ધિમાં જીવે છે. જોસેફને રાખ્યો છે – બહારના જગત સાથે જોડાવા. જોસેફની કેટલીક વિશેષતાઓ તરત ઊડીને આંખે વળગે. નાયક ભાગ્યે જ ઘરની બહાર નીકળે, પણ એને બહાર સાથેનું જોડાણ તો જોઈએ જ છે. એટલે કે આસપાસમાં ઘનિષ્ઠ રસ છે ને એ પોષવા માટે જ આ માણસને રાખ્યો છે, જાસૂસી કરે, કે એના માટે નાનાંમોટાં કામ કરે, શહેરની માહિતી આપ્યા કરે. નાયકના ઘરે વિવિધ કામો માટે વિવિધ નોકર – એ બધાનો આવવા-જવાનો સમય જુદો જુદો છે – એમના વિશેની ખાનગી માહિતી પણ જોસેફ પાસેથી મળ્યા કરે. એવી વાર્તાની પ્રમુખ યોજના એટલી તો મજા કરાવે એવી છે કે એમાંથી બીજાં પાત્રોનાં વ્યક્તિત્વોની સાથોસાથ વાર્તાનાયકનું આંતર-મન, એનું વ્યક્તિત્વ, એની ઇચ્છાઓ, એની અપેક્ષાઓ અને મર્યાદાઓ આપણી સામે ક્રમશઃ આકારિત થતી જાય છે. દાઢી કરવા આવતો એક કિશોર જેનું નામ કંચન છે. એના વિશે જોસેફ બહુ ફોડ પાડતો નથી પણ એ જો બોલે છે એ વાક્ય આ વાર્તાનું શીર્ષક બની રહે છે ‘કંચન થોડો ગીલી ગીલી છે’ આ આખીએ સાંકેતિક વાત આપણા સૌ સુધી સહજ રીતે પહોંચી જાય છે. નાયકના બાળપણ વખતે એમની સામેના ઘરે રહેતા એક આવા – ‘ગીલી ગીલી’ ટાઇપનાં વ્યક્તિની સ્મૃતિઓ આ વાર્તાને વળ આપનારી નીવડે છે. કશુંય ન બનતું હોવા છતાં આ વાર્તામાં ઘણુંબધું બની આવ્યું છે. એ આ વાર્તાનો સૌથી મોટો વિશેષ. ચોરી વાર્તામાં જેની પત્ની આપઘાત કરીને મરી છે એવો એક વિધુર આછો અપરાધબોધ અને એકલાપણું લઈને સોસાયટીને નાકે બેસતા ડોસા-ડગરાઓની ગોઠડીમાં જઈને ભળવાનો પ્રયાસ કરે છે એની કથા છે. એનો ભૂતકાળ અને વર્તમાન સમાન્તરે આલેખાતો જાય ને એમાં એ મંડળની નિયમો, લોકોને આવા પ્રકારની ઘટનાઓમાંથી મજા લેવાની વૃત્તિઓ, વડીલો જે હવે મોટાભાગે ઘરમાંથી, સમાજમાંથી ફારેગ થઈ ચૂક્યા છે એમની માનસિકતા અને પોતાનું એક અલગ જ તંત્ર સર્જવાની મથામણ ઉપરાંત સ્વભાવગત લાક્ષણિકતાઓ છોડી ન શકવાની એમની મજબૂરી આ વાર્તામાં આલેખાઈ છે. વડેરાભા જેવા ગોઠવણબાજો, વિચારમાં ય સત્ય કહેવાને બદલે બીજું રજૂ કરવું ‘એ ચોરી જ કહેવાયને..?’- એ જ્યારે વાર્તા વાંચીએ ત્યારે આપણી સામે આવે, નાયક ચમ્પકનો આંતરસંઘર્ષ. વિષયવસ્તુ સાવ નોંખું, એમાંથી પ્રગટતો નાયકમાં જન્મેલ વિચિત્ર ભાવ, એની નોર્મલ થવાની મથામણ અને સામે આવતાં સ્મરણો વચ્ચેની ખેંચતાણી આ વાર્તાને મજબૂત બનાવે છે. ‘ઉખાણું’ વાર્તામાં ટેક્નોલોજીએ સર્જેલ અંતરની એક નવી જ વિભાવના અભિવ્યક્ત થઈ છે. પ્રોફેસર એવા રમણ અને એના મિત્ર સિતુ મહેતા – જેનું પૂરું નામ સત્યજિત છે. એ બંને વચ્ચે એક સમયે ગાઢ મૈત્રી પણ એક કમનસીબ ઘટનાવેળાએ બંને વચ્ચે ખટરાગ થયો ને અંતર ઊભું થયું. રમણે એ સાંધવા પોસ્ટકાર્ડ લખીને પ્રયત્નો કર્યા. વાર્તામાં પછીથી ખબર પણ પડે છે કે સિતુએ પોસ્ટકાર્ડ બહુ ધ્યાનથી વાંચ્યા છે ને ઉત્તરો મનોમન આપ્યા પણ છે. ખેર, બાહ્ય રીતે એ પુનઃ સંપર્ક નથી કરતો. એ બાબતે રમણ અને એના પત્ની વચ્ચેના સંવાદોમાંથી બંનેની મૈત્રીનું ગાઢ રૂપ પ્રગટવા સાથે વિયોગ જન્મવાનો ખાલીપો સરસ રીતે પ્રગટી આવ્યો છે. રમણ લેપટોપ અને સોશિયલ મીડિયામાં સક્રિય થતો જાય છે, એમાં વધારે ને વધારે વર્ચ્યુઅલ મૈત્રીમાં ખૂંપતો જાય છે. સોશિયલ મીડિયામાં એણે મૂકેલા પ્રશ્નોનો અનનોન છતાં ફ્રેન્ડલિસ્ટમાં ઉમેરાયેલા મિત્રો જવાબ કે પ્રતિભાવ આપ્યા કરે છે. પત્ની સાથેનો સમય પણ આ ક્રિયામાં ખરચાવા લાગે છે. આ એક અણધારી પરિસ્થિતિ છે, પૂર્વ નહીં અનુભવેલી સ્થિતિ એની પત્ની પણ અનુભવે છે. આ નવી સ્થિતિને જાતભાતની રીતથી સર્જકે પ્રગટ કરી છે. જાણે કે આપણા સૌની આ વાત છે! આમ બધું છે પણ આમ જુઓ તો, એના જ શબ્દોમાં ‘સાથોસાથ એને એમ પણ થાય છે કે પોતે તો વધારે ને વધારે વીલો પડતો ચાલ્યો છે. એકલવાયો. બેડરૂમનો એ ખૂણો ને કમ્પ્યૂટરનો એ લંબચોરસ સ્ક્રીન – હરખાવાય, બધું મધુર લાગે પણ એ-નું-એ જ... કે બીજું કંઈ.. .એ-નાં.એ લાઇક...ઓકે...ફાઇન... નવું શું... ને ખાસ વાત તો એ કે એકેય ફ્રેન્ડ જોડે રૂ-બ-રૂ તો થવાય તો થવાય... હવાતિયાં મારતો હોઉં... એવું કેમ લાગે છે...’ (પૃ. ૧૧૩) આખીયે વાર્તાનાં હાર્દને સૂચવનારા આ શબ્દો વાર્તાને અંતે વળી નવા જ પરિમાણોમાં લઈ જાય છે. – આ વાર્તાને બહેતર બનાવનારું બળ બની રહે. આ વાર્તા ભલે નામ ફેરે પણ જૅન્તીકુળની જ વાર્તા અનુભવાય. સુમન શાહે પોતે નોંધ્યું છે સૌથી વધારે સમય જેને લખવામાં ખરચાયો એ વાર્તા એટલે – ‘એક ભીંતચિત્ર માટે થોડા સ્કૅચિઝ’ આ વાર્તા એક બાજુ ક્રાઇમસ્ટોરીની ફીલ આપે પણ એના કેન્દ્રમાં છે પ્રેમની પ્યાસ. અંગ્રેજોના સમયે જાગીરદારોની જીવનશૈલી હતી એ આ વાર્તામાંથી વાર્તાવરણરૂપે આકારાઈ છે. સુમન શાહની વાર્તામાં એ રીતે સાવ નોંખી જ તરી આવે એવી આ વાર્તામાં એક જ છોકરીને પ્રેમ કરીને પરણતા બે કઝિન્સની વાત તો માત્ર વાર્તારસને ટકાવનારું બળ બની રહે, જ્યારે એની પડછે આલેખવું કંઈક જુદું જ છે. અને એ બ-ખૂબી આલેખાયું છે. હત્યાની ઘટનાથી શરૂ થતી વાર્તાનો અંત પણ બીજી એવી જ ઘટનાથી આવે – પણ એ બેની વચ્ચે જે પાત્રોનું મંથન ઘૂંટાયું છે એ આ વાર્તાને કલાકૃતિ બનાવનારી નીવડે છે. કથા કહેવાનું કોઈ કારણ નથી પણ પ્રેમ જેવું અમૃત તત્ત્વ ન ઝિરવાય કે સામાજિક સંદર્ભોમાં અફળાયા કરે ત્યારે કેવાં ભયાનક પરિમાણો સર્જનારું નીવડે તેનું બયાન આ વાર્તામાં બહુ અસરકારક બની રહે છે. આ વાર્તાને ક્રાઇમ સ્ટોરીને બદલે પ્રેમકથા તરીકે રાખવાની લેખકની મથામણ મજાની બની રહે છે. જોકે, આ જિદ એમની જાત સાથેની જિદ છે એ અનેક વાર્તાઓમાં અનુભવાય છે. વર્તમાન પેઢીના માનસના ભીતરી સંઘર્ષને આલેખતી વાર્તા ‘રેવતી’ કૉલેજિયન યુવતી રેવતીને કેન્દ્રમાં રાખે છે. મિત્રોનું ઝુંડ – હોય તે કૉલેજમાં સ્વાભાવિક છે. એમાં ય ઘરથી દૂર હોસ્ટેલમાં રહેવાનું આવે ત્યારે જે મુક્ત વાતાવરણ સર્જાવાની સંભાવનાઓ હોય છે એ બધું જ અહીં સર્જાયું છે. સુકુમાર સાથેનો રેવતીનો પ્રેમ બધી જ સીમાઓ વટાવીને સગર્ભા થવા સુધીનો વિસ્તરી ચૂક્યો છે, એમાં એક પરિમાણ ઉમેરાયું તે અન્તરા સાથેનો ઘનિષ્ઠ સંબંધ. એક જ રૂમમાં રહેતી એની મિત્ર અંતરા જો કે, વિદેશ જતી રહી ને ત્યાં જ સેટલ થવાની છે. સુકુમાર-નું બદલાયેલું માનસ, કારણ- ‘અન્તરા મારી ફર્સ્ટ યરથી દોસ્ત, ખાલી દોસ્ત. સખી, સખી કહેવાય સખી... લેડીઝ હોસ્ટેલમાં એક જ રૂમમાં, અફકોર્સ ઑ ધ યર્સ, ભેગા રહેવાનો મીનિન્ગ એવો થોડો...?’ – બસ, આ દેખીતું કારણ. સુકુમાર અચાનક જ છેલ્લી ફ્રેન્ડ્સ મીટમાં મળ્યા વિના જ વતન રાજસ્થાન જતો રહે-ને પછી જે સ્ટેપ રેવતી લે છે એનું આ વાર્તામાં આલેખન છે. એમાં વિમાન મુસાફરીનો અનુભવ – એના મગજની રમણાઓને પ્રગટાવવા માટે છે કે કેમ? એ જરૂર આપણને પ્રશ્ન થાય પણ એ મુસાફરી વેળાએ પાસેની સીટમાં આવતું પ્રૌઢ કપલ – એમનું વાણી-વર્તન આખરે તો રેવતીની પેઢીને અલગ પાડનારું જરૂર નીવડે. સંકેત મળે કે સુકુમારે જે કારણ ધરેલું એ જ કારણરૂપ અન્તરા સાથે હવે વિદેશમાં સેટલ થશે, બાળક સાથે પણ અંત કંઈક બીજી જ દિશામાં વળી જાય છે. એ આ વાર્તાનો વિશેષ. સુમન શાહની વાર્તાઓના અંત આ રીતે અભ્યાસીઓને સંશોધન માટે ધક્કો આપનારા નીવડે એમ છે. ‘લોકમાપન વ્યવસાય’ વાર્તા એ સમગ્ર વાર્તા જ મોટા રૂપકરૂપે વિસ્તરણ પામી છે. ઘણું બધું વ્યંજનાથી વ્યક્ત કરતી આ વાર્તા કોઈપણ સમાજ, ખાસ કરીને ભારતીય માનસને તો તંતોતંત પ્રગટ કરનારું છે. –‘મારા ગામમાં ત્રણ વ્હેંતિયા તો હતા, એમાં ચોથો ઉમેરાયો છે.’ કહીને આરંભાતી પરંપરાત કથ્ય વાર્તાની અદાથી ચાલે છે. આપણા સમાજમાં જે નિરૂત્પાદક પ્રવૃત્તિઓનો જમેલો જામેલો છે એને પ્રગટાવતી આ વાર્તા ખરેખર વારંવાર વાંચવી ગમે એવી છે. એમાં એક વિદેશમાં ભણવામાં નિષ્ફળ થઈને આવેલ ગામ શેઠનો છોકરો – જે ચોથા વ્હેંતિયારૂપે ઉમેરાયો છે, પછી જે રીતની નવા જ વ્યવસાયને જન્માવવામાં આવે ને વ્હેંતિયાઓ મળીને આખાય ગામને માપવાનો ધંધો શરૂ કરે, એમાં એકાદ બડકમદાર એ બધાને સીધા કરે, એ આખીએ વાત આપણા સમાજને, આપણી રાજ્ય વ્યવસ્થાને, આપણી બદીઓને, આપણી પોકળતા અને વામણાંપણાને આબાદ રીતે ચીંધનારી જ નહીં, ખરા અર્થમાં ઝંઝેડનારી નીવડે એમ છે. સુમન શાહની સામાજિક પ્રતિબદ્ધતાને આવી વાર્તાઓને આધારે તપાસીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે અનુઆધુનિક જેવી સંજ્ઞાથી આપણે જે સૂચવવા માગીએ છીએ તે કેવી વાર્તાઓના આધારે સૂચવી શકાય. ‘સેવન્તિલાલના સડસઠમા જનમદિવસ’માં કેન્દ્રવર્તી ઘટના તો સાવ નાનકડી છે, સડસઠમા જન્મદિવસની ઉજવણી કરવાનો પ્લાન કરતા સેવન્તિલાલ અને એમની પત્ની વસુમતિ એ વાતે સહમત થાય છે કે આ વખતે મિત્રોને બાદ કરી નાંખીએ અને સગાંવહાલાંને બોલાવીએ. પછી જે સર્જાયું તે ભૂત-વર્તમાન અને ભવિષ્ય-ની દિશા ચીંધનારું અદ્ભુત મિશ્રણ. સેવન્તિલાલે પોતાનાથી ઊતરતી જ્ઞાતિમાં લગ્ન કરેલા. બસ, આ ગાંઠ કેટલે સુધી વિસ્તરેલી છે, છેક સડસઠમા વર્ષે ય એ કેવી સજ્જડ છે એનું આલેખન- એટલે કે સામાજિક સમસ્યાને આલેખતી આ વાર્તા આકારની રીતે ય ચુસ્તીનો અનુભવ કરાવે છે. સેવન્તિલાલ સવારથી જ પોતાના પિતા-દાદા ને પરદાદાને યાદ કરે છે, એમનાં નામો યાદ આવે છે, પછી આગળનું બધું યાદ નથી પણ આવતું – એ જે મથામણ છે પોતાના વંશ-વેલામાં દિલચશ્પી લેવાની એ સહેતુક અને સાંકેતિક બની રહે. બાળપણનાં સંસ્મરણો, પોતાનાં રીત-રિવાજોની આછીપાતળી યાદો, પોતાની બહેનો, ભાઈ-ભાંડરડાં સાથેનાં સંસ્મરણો – જેમાં ખટાશ વ્યાપેલી છે એ પાર્ટી કરતી વેળાએ બેનની હોશિયારીભરી ચાલથી કેવો જો વ્યંજક રીતે પ્રગટી આવે છે – તે આ વાર્તાનું સૌથી મોટું દેખાતું પાસું બને તો એની સામે સાંજ પછી ધસી આવતા મિત્રો – એમનું ખુલ્લાપણું આ વાર્તાને અને પ્રત્યક્ષ જીવાતા જીવનને અભિવ્યક્ત કરનારું નીવડે છે. અનુવાચનમાં આપેલ સંકેતો વાર્તાને વધારે લગાવ સાથે ચિત્તમાં પુનઃ પુનઃ પ્રતીતિજનક કરનાર છે. આ સંગ્રહમાં એ અને ‘ટૅરિટોરિયલ બડ્ર્ઝ..’ વાર્તા આવી છે પણ એ પછીના સંગ્રહમાં સિક્વલરૂપે વિસ્તરણ પામી હોવાથી એની ચર્ચા પછીના સંગ્રહ વખતે કરી છે. એવું જ આ યાત્રા વાર્તા વિશે પણ કહી શકું. લેખકે નોંધ પણ લખી છે કે આ યાત્રા વાર્તાથી મારી સર્જનયાત્રા પડખું બદલે છે. આ બદલાયેલા પડખા પછીની વાર્તાઓ એમનાં ‘ઢીસૂમ ઢીસૂમ’ નામના વાર્તાસંગ્રહમાં જોઈ શકાય છે. યાત્રા-૧, યાત્રા-૨ અને યાત્રા-૩ની સિક્વલરૂપે પણ તપાસ થઈ શકે એમ છે. જોઈએ... આ વાર્તાસંગ્રહની રચનાઓ સુમન શાહની પરિપક્વ એવી વાર્તારીતિઓને, એમના સર્જન વિશેષને, એમની વાર્તાની આગવી વિભાવના અને પ્રતિભાને ઉપસાવનારી વાર્તાઓ તરીકે જોવા જેવી છે. બધી જ રચનાઓ મજબૂતાઈથી, આગવા વ્યક્તિત્વ, આગવા પ્રશ્નો અને આગવી રચનારીતિના પ્રયોગો સાથે અનુઆધુનિક મિજાજને પ્રગટાવનારી વાર્તાઓ છે.
‘ઢીસૂમ ઢીસૂમ’૬
લેખકે આગળના વાર્તાસંગ્રહ વેળાએ નોંધ મૂકેલી કે ‘હવેની મારી વાર્તાયાત્રા પડખું બદલે છે’. એ આખી વાત સમજી લઈએ પછી એમના આ સંગ્રહની વાર્તાઓ તપાસીએ. એ નિવેદનમાં લખે છે, ‘વાસ્તવ ઉપરાન્તનાં ઍબ્સર્ડ, કપોળકલ્પિત અને અતિવાસ્તવ સંવેદનોનો મને નિરન્તર થયા કરતો જલદ અહેસાસ. મારાં પાત્રોને પણ એવો કે એની નજીકનો અહેસાસ હોય. અને એટલે એનું મારે સર્જન કરવું એ મારી સર્જક તરીકેની જવાબદારી કહેવાય. આ સંગ્રહની ૯ રચનાઓમાં કિંચિત્ એ થઈ શક્યું છે એવો મારો નમ્ર પ્રસ્તાવ છે...’ એમ કહીને એમની આરંભથી જ ચાલી આવતી કથક વિશેની મથામણને પણ વધારે સ્પષ્ટ કરતા લખે છે, ‘આ સ્થાને મારે કથકને વિશેના મારા મૂંઝારાને વાચા આપવી છે : કથાસાહિત્યમાં કથક, નૅરેટર વાર્તા કહે પણ ખરો આલેખે પણ ખરો. – નૅરેટ પણ કરેે ડિસ્ક્રાઈબ પણ કરે. એ એનો જાતિધર્મ કહેવાય. પણ જુઓ, કથકનું સર્જન લેખકે કર્યું હોય છે તેથી લેખક પોતાના એ સન્તાન પાસે પોતાનું કામ પણ કરાવે છે. આઈ મીન, કથકે લેખકના એજન્ટ, માધ્યમ અને પૉઈન્ટ ઑફ વ્યૂના વાહક તરીકે સેવાઓ બજાવવાની હોય છે.’ (નિવેદન, પૃ. ૪-૫) એમ કહીને સર્જકકર્મ, કથક એના પ્રકારોની ચર્ચાને નવેસરથી માંડી આપી છે. વિવેચકો માટે આ વિચારણીય મુદ્દો બની રહે, બનવો જોઈએ. અહીં વાર્તાઓ પર મારું ધ્યાન હોવાથી એ મુદ્દે અહીં રોકાઈને આ સંગ્રહની વાર્તાઓની થોડી સમીક્ષા એમના આ દૃષ્ટિકોણને ધ્યાને રાખીને કરીએ. આગળ નોંધ્યું તેમ આ સંગ્રહમાં કુલ ૯ રચનાઓ છે. એમાંથી ત્રણ તો યાત્રા-૧, ૨, ૩ છે. એમણે અતિવાસ્તવ, કલ્પના અને એબ્સર્ડની ફીલિંગ્સને આલેખવાની મથામણ કરી છે એ તો સ્પષ્ટ છે. એ કયાં કારણોમાંથી જન્મી છે એ મારે મન મહત્ત્વનો મુદ્દો છે. અગેઇન એ જ કહીશ કે પ્રેમની પોકળતા, સમ્બન્ધની વિફળતા અને એકધારાપણાનો પ્રવેશ એ આ વાર્તાના કેન્દ્રમાં રહેલો વિષય છે. ‘યાત્રા-૧’ વાર્તા ફરી પાછી એમની આરંભની વાર્તાની પ્રયુક્તિઓમાં લઈ જનાર કપોળ-કલ્પના લોકનો આધાર લેતી લાગે પણ આ વખતે આંતરવિશ્વ બદલાયેલું છે. બસમાં, ટ્રેનમાં, વિમાનમાં મુસાફરી કરતો નાયક આપણને સ્વપ્નસ્થ અનુભવમાં હોય એવું પહેલી નજરે ફીલ થાય. સ્થળ, કાળ, વાહનો, કેટલાંક પાત્રોની નનામી હાજરી, એમની ટીખળ, ઠઠ્ઠા ને વચ્ચે આવતા અસંબદ્ધ લાગતા સંવાદો – આ બધાની વચ્ચે સાંકેતિક રીતે તો પત્નીની બેવફાઈ, બીજા સાથેના સંબંધો અને એ ઘા વાગવાથી જન્મેલી વેદનાની કરચો વેરાયેલી અનુભવાય કરે છે. કેલિડોસ્કોપની જેમ ઘડીએ ઘડીએ બદલાતું દૃશ્ય જ આખીએ સંવેદનાને, આલેખ્ય વિચારને કે પરિસ્થિતિને વ્યંજિત કરતું રહે છે. ‘યાત્રા-૨’માં કહેનાર નારી છે, સહેનાર અને ભોગવનાર કે ભોગાવા ઉત્સુક નારીની કથા એવા જ કેલિડોસ્કોપિક કથન, દૃશ્યો, સંવાદો અને સઘળાં વાનાંઓથી ઊપસી આવે છે. વાર્તાનો આરંભ એને છોડી ગયેલ પતિના સંદર્ભથી છે. ક્રમશઃ ક્યાંક ક્યાંક મળતા સંકેતો, સંવાદોથી આપણને નાયિકાનું એમ.સી.માં બેસવાથી આરંભાતું જાતીય જીવન ક્રમશઃ કેવી રીતે વધુ ને વધુ ભોગવાતું ગયું ને એમાં પતિ મળવો, છૂટવો, શોધવો ને શોધ દરમિયાન જાતભાતના રૂપે આવતા પુરુષો, એમની પ્રપોઝ કરવાની જાણીતી-અજાણી રીતો, નાયિકાનો ભટકાવ ક્રમશઃ શરીરી બાબતોથી ઉપર ઊઠીને ધર્મયાત્રા, ભજનાદિ પ્રવૃત્તિઓ તરફ વળે પણ સમાન્તરે ચિત્તનો ભટકાવ રૂપ બદલતો રહે, કશુંક શોધવું છે – યાત્રા એ માટેની છે, જે મળે છે એ છૂટી પણ જાય છે, ધરવ થાય ન થાય ને નવી તરસ, નવાં રૂપો – જીવન બસ વહેતું જ રહે છે, ચિત્ત ઉપર એની જે છબીઓ ઉપસતી જાય છે, એ બધું બાયફોકલરૂપેય આલેખાતું જાય ને આપણા ચિત્તમાં છેવટે જે સંવેદનજડતા જન્મે એવો કશોક અનુભવ થયા વિના નથી રહેતો. અત્યંત આકરા લાગતાં સંભોગનાં વર્ણનો આ વાર્તામાં વધારે વાચાળ બનીને વ્યાપેલા છે. એ માટે સુમન શાહે દાખવેલ સર્જકતા, ભાષાનો જે વિનિયોગ કર્યો છે તે ખાસ જોવા જેવો છે. (સાયકલના) ‘ડંડા પર બેસાડેલી, પ્હૅલીવાર બેઠેલી, એવું તો હસતી’તી. પૈડાં નવાં, વચ્ચે ભૂરાં-પીળાં ફૂમતાં ને તાર ચળકે તે અંદર મને અશુંકશું થાય, ઘંટડી ટ્રિન ટ્રિન ટ્રિન ને રસ્તો સપાટ નહીં.... નાગ માથે ડુંગરા ડોલેલા. હા, લીમડા નીચે મને થોડી શરમ થયેલી ખરી, પણ એની આંખોમાં તો મારકણી વીજળી ચમકે. પછી મને મૅના કહી અને પોપટની જેમ ચાંચોળું માથું મારા શરીરે અહીંતહીં ઘસતો ગૅલ કરવા લાગ્યો. ક્યારે મારી પર સૂઈ ગયો. પાંખો બીડાયેલી, દબાવ્યા દાબ, દબાવ્યા દબે નહીં, ઊંચે થયેલો તે લીમડાનાં પાનમાં ચ્હૅરો એનો ગૂંચવૈ ગયલો. ઘણો વરસેલો વરસાદ. બન્ને ઝાંઘોની વચ્ચે થૈને હું વ્હૈ ગયલી. માછલીઓ અંદર સતપત સતપત કરતી સરકી ગયેલી. હરખથી ગાલ મારા તસ તસ થયેલા. મેં પૂછેલું એને – હવે ...? તો ક્હૅ, મૅનાડી યાર, શું કરું, મારાં લગન તો નાનપણાથી થયેલાં છે : હરામડાએ ઝટ પેડલ માર્યું ને ફ્લાંગ લગાવી સાઈકલ પર ચડતો એકદમની દોડાવી દેતો, એકાદ વાર પાછું જોતો, બસ ભાગી ગ્યો...’ (પૃ. ૨૮) પછી તો એની લત લાગી ગઈ. એ પોતે જ વદે છે – ‘અને એમ ને એમ, મારી ઓળખ વડી ગયલી—ચાલતી છે. અને ‘એમ ને એમ, સોળા સોમવારનાં વરસ મારાં, કોણ જાણે કેટલાં, વપરૈ ગયલાં.’ ‘યાત્રા-૩’ ને ય સ્વતંત્ર જોઈ શકાય પણ ત્રણેય રચનાઓ વચ્ચે ચોક્કસ આંતરસંબંધ છે, એ ખાસ જોવા જેવો છે. ત્રીજી યાત્રા એવા નાયકની છે જે જન્મથી જ ત્રીજો છે. એટલે કે, એને જન્મ આપનારી માએ એને તરત જ ત્યજી દીધેલો. કોઈ બાઈએ ઉછેર્યો માત્ર એ મરી ન જાય એ માટે. શાળામાં માસ્તરો અને થોડાક બનેલ મિત્રોમાં ય એ પહેલો કે બીજો નહીં ત્રીજો જ છે, લગ્ન કર્યાં પછી પણ ખબર પડી કે એ બે-માં એ પોતે ત્રીજો છે. – બધેથી ઉવેખાતો નાયક પરણે છે, છૂટે છે, છોડી જાય છે, બીજાની વાઇફ મળે છે – નોકરીની જગ્યાએ બૉસ પછી બે ચમચાઓ છે એમાં ય એ ત્રીજો જ છે, એટલે બધે વ્હેંત છેટું રહી જતું ફીલ થાય – એની વાત કપોળકલ્પનની પદ્ધતિએ, કેટલાંક વાસ્તવદૃશ્યો અને ખાસ કરીને નર-નારીના એકબીજાને ભોગવવા પૂરતા જ સંબંધોની આખી જાળ જે રીતે ગૂંથાતી આવી છે. તે વાર્તાઓને અંદરથી જોડવા સાથે અસંગતતાની લાગણી ઘૂંટવામાં સમાનરૂપે પ્રયાસ કરતી અનુભવાય છે. એ પછીની ‘જાળ’ વાર્તામાં ય આગળ વધતી અનુભવાય છે. લેખકને માલિક તરીકે જાહેર કરીને કથક એના વતી જે કથન કરે છે એની પ્રયુક્તિ ધ્યાન ખેંચવા સાથે આ વાર્તાનો વિષય પણ સાવ જુદો નથી, એમાં પણ સ્ત્રી-પુરુષોમાં રહેલ એકબીજામાં રસ લેવાનું કારણ ચર્ચાયું છે. ત્રિકોણ રચાય, ક્યાંક ચોથી કોર પણ ઊપસી આવે. પેનડ્રાઈવથી મોકલાવેલ વીડિયો મેસેજ અને આ જ સંગ્રહની છેલ્લી વાર્તામાં આવતી ડીવીડીમાં આકારાતી જીવનની સેલ્ફી – આ બંને વાર્તાઘડતરમાં ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો ઉપયોગ કરીને ય માણસની આદિમ વૃત્તિઓના ઉછાળા, એનાં પરિરૂપો અને વાસ્તવનો સુમેળ ક્યાંક કલ્પના, ક્યાંક ધારણામાં ગૂંથાતું ગૂંથાતું જાય ને એમાંથી આકાર સિદ્ધ કરતા જાય છે. આ રચનાપ્રયુક્તિઓની રીતે ધ્યાન ખેંચે એવી વાર્તાઓ બની છે. ‘જાળ’ અને ‘વ્હોટા, સેલ્ફી ડીવીડી’ પ્રમાણમાં સમાનતા ધરાવતી બની રહે. ‘ઢીસૂમ ઢીસૂમ’ અને ‘રમણીક ઘોડાના કહ્યા મુજબ’ – વાર્તા પ્રમાણમાં વાસ્તવની નજીક રહીને આલેખાઈ હોવાથી વધારે સુરેખ અનુભવાય છે. બાળપણથી જ નાની-નાની બાબતોએ લોકોનો પ્રકારભેદે માર ખાવાનો અનુભવ પ્રગટ્યો છે આ વાર્તામાં. વાર્તાનાયકનું નામ તો બીજું હતું પણ ક્રમશઃ એ સૂમસામ-નામ સ્વીકારી લે છે. વાર્તાનો આરંભ મજા કરાવે. ગણિતની શૈલીએ પલાખા માંડીને આરંભ કર્યો છે જુઓ, ‘સૂમસામને સવાલ થયો. વિચારમાંથી વિચારને બાદ કરું તો શું બચે? ફર્શ પર ધ્યાન ચોંટી ગયું. કંઈ થયું નહીં. ઉખેડીને છત સાથે જોડ્યું. થોડીવાર પછી જવાબ ટપક્યો, ઝીલી લીધો. હથેળીમાં વંચાયું – વિચારમાંથી વિચારને બાદ કરીશ સૂમસામ, તો વિચાર જ બચશે. કરી જો...’ (પૃ. ૭૮) જુઓ, આ વાર્તાનો આરંભ છે. નાયક કયા પ્રકારનો હશે, એની વ્યક્તિતા આરંભથી જ આકારિત થવા સાથે દૃશ્યાત્મક રૂપ પણ નજર સામે આવતું જાય છે. એ વાર્તાઓને કલાત્મક બનાવે છે. કથનની ફ્રેશનેસ આ વાર્તાઓને અનોખી બનાવે છે. તો એમાં આવતું વાસ્તવ આપણને જી-વ-ન-નો નજીકથી અનુભવ કરાવે એવો છે. ‘ફૉક્સવેગન છોકરી તેમજ રેનૉ ડસ્ટર છોકરો’ હાઇરાઇઝ બિલ્ડીંગમાં રહેતાં નાયક-નાયિકા પ્રૌઢ છે, બંનેનાં આ બીજાં લગ્ન છે. કેટલાક એને પૂર્વગોઠવણ ગણે છે. બંનેએ અકસ્માતમાં પોતપોતાના પહેલા પાર્ટનરને ગુમાવ્યા પછી સહજીવન જીવે છે. આવું જ બીજું જોડું ‘રમણીક ઘોડાના કહ્યા મુજબ’ વાર્તામાં પણ છે. એ પણ બીજાં લગ્ન કરેલું આવા જ હાઇરાઇઝ ફ્લેટમાં નિવાસ કરતું જોડું છે. બંને વાર્તાની માવજત જે રીતે કરાઈ છે એ આ વાર્તાનો વિશેષ છે. વિષય ખાસ નવા નથી. બંને વાર્તામાં જૅન્તી-હંસાનું જોડું આછાપાતળા રૂપે કળાયા કરે છે. બંનેની જીવનશૈલી, વાત કરવાની રીત, ઘોડા-વાળી વાર્તામાં જે રીતે વાત કહેવા માટે અને કોઈકની અંગત વાત કહેવા માટેની રસભરી હોડ ચાલે છે એ પ્રયુક્તિ આ વાર્તાને રસવાન બનાવે છે. તો – છોકરા છોકરીની વાર્તામાં આઠમા માળે રહેતા આ બીજવર દંપતી જે રીતે પોતપોતાના રૂમની બાલ્કનીમાંથી જે જુએ છે – એમાંથી જે વાર્તા સર્જાઈ આવી તે આખીએ વાત જ મજાની બની રહે છે. આમ, બાહ્ય કશુંય બનતું નથી. પણ એ બંનેનાં આ નિરીક્ષણો, એમાંથી પ્રગટતું એમનું આંતરમન અને અપેક્ષાઓ આ વાર્તાને મજબૂત પરિમાણ આપે છે. આ જોડાઓ એક જાતની વ્યવસ્થા છે, એમાં સંધાન નથી, તિરાડો જ તિરાડો છે – એ વાત વ્યંજિત કરવા માટેનું કમઠાણ સુમન શાહની પ્રયોગશીલ વૃત્તિને પ્રગટાવનારું છે. ‘લિસોટો’ વાર્તાનું આલેખન સ્વપ્નની પ્રયુક્તિને લઈને આવે છે. એમાં પહેલી નજરે સ્વપ્ન જ લાગે, છે પણ સ્વપ્ન. પણ એમાંથી નાયકના ચિત્તમાં ચાલતું કશુંક સ્મરણ છે, કશુંક એવું છે જે એના ચિત્તમાં લિસોટારૂપે આકારાઈ ગયું છે, એ છોડે એમ નથી. ચિત્ત ઉપર અંકિત થઈ ગયેલી ઘટના, બાળકને અનાથ છોડીને ભાગી ગયેલી સ્ત્રી – બસ, હાથ આવે આટલું જ પણ એનાં આવર્તનો, એ બાળકનું મોટું થતું રૂપ, એનાં નખરાં – ચિત્ત ઉપર આપણને ફિલ્મની કૉલાજરૂપ ક્લિપ્સનો અનુભવ કરાવે છે. આરંભથી અંત સુધીની આખીએ વાર્તા દૃશ્યાત્મક અનુભૂતિ કરાવવામાં સફળ રહે છે. ઓવરઑલ આ સંગ્રહની ચારેક વાર્તાઓ ચુસ્ત અનુભવ કરાવનારી બની રહે છે. યાત્રાઓ, ‘ઢીસૂમ ઢીસૂમ,’ ‘રમણીક ઘોડાના કહ્યા મુજબ’ – આ વાર્તાઓ વધારે અસરકારક બની રહે છે જ્યારે બાકીની વાર્તાઓ એમની રચનાપ્રયુક્તિઓને તપાસવા, ખાસ કરીને કથનને લગતા એમણે કરેલ પ્રયોગોની રીતે ખાસ નોંધપાત્ર બને એવી વાર્તાઓ અહીં મળે છે.
‘ટાઇમપાસ’૭
આ સંગ્રહમાં કુલ દસ વાર્તાઓ સમાવાઈ છે. એમાંથી ત્રણ – ‘એ અને ટેરિયોરિયલ બડ્ર્ઝ’, ‘મનીષ ફરીથી નૉર્થટ્રેઈલ પાર્કમાં’ અને ‘ટાઇમપાસ’ – વાર્તાઓ સિક્વલરૂપે લખાઈ છે. ત્રણેય સ્વતંત્ર વાંચવામાં ય કશો વાંધો આવે એમ ન હોવા છતાં ત્રણેય સાથે વાંચવાથી એના મુખ્ય પાત્ર એવા ભાઈ-બહેન (મનીષ અને બેના)નાં વ્યક્તિત્વો, એમનું જોડાણ અને જુદાપણું તો પ્રગટે જ છે સાથોસાથ એમનું મૂળ એવું ગુજરાતી માનસ અને હાલ જ્યાં એ વસ્યા છે કે ઉભડક જીવે છે એ વિદેશી ધરતીનું કલ્ચર, લાંબા સમયની એકલતાથી વ્યક્તિત્વોમાં આવી રહેલા બદલાવ, સતત વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓનું સેળભેળ થવું- જે રીતે આલેખાયું છે તે આ વાર્તાઓને સાવ અનોખી બનાવનારું છે. આપણે ત્યાં અનુઆધુનિકતા વિશે એટલી બધી ગેરસમજો પ્રસરી ગઈ છે કે એને કેટલાક આધુનિકતાની વિરોધી બાબત પણ સમજી લેવાની ભૂલ કરી બેસે છે. આધુનિકતા સાથે જે આગ્રહ તારસ્વરે જોડાયેલો છે એ સંરચના અને શુદ્ધ કલાપદાર્થ રચવાની મથામણ. અહીં એ તો છે જ, એમાં જે મલ્ટિકલ્ચર જિંદગી, સાવ નાનાં નાનાં વર્તુળોમાં વહેંચાઈ ગયેલું લિપ્ત છતાં અલિપ્ત બની ગયેલું વૈયક્તિક જીવન, સ્થાનિક ઓળખને ડ્હોળી નાંખનારાં સાંપ્રત જીવનવહેણો અને તળની ઓળખ ટકાવવાની મથામણ પાછળની ય નિરર્થકતા – જેવી કેટલીયે બાબતો આ વાર્તાઓમાં કહેવાઈ નથી, એ પાત્રોની સાથે મહેસૂસ કરતા થઈ જાઓ એ રીતે આલેખાઈ છે. સુમન શાહે વાર્તાનાં કથકના પૉઇન્ટ ઑફ વ્યૂને, એના તટસ્થ સ્ટેન્ડને, નેરેશનની ભાષા બાબતે જે સભાન એવા પ્રયોગો કર્યા છે તે ખાસ જોવા જેવા છે. વર્ણન, સંવાદો, પ્રસંગોના પલટા અને એમાં આલેખાતું ભજવણી સમયનું જે રીતનું સંયોજન કર્યું છે તે બહુ ઓછા વાર્તાકારોમાં જોઈ શકાય. નિર્મમ એવું લેખકનું તાટસ્થ્ય, કટાક્ષને જરા પણ બોલકો બનાવ્યા વિનાનું આલેખન, જીવનને બારીકાઈથી જોયા-પામ્યા અને ભોગવ્યાની વિશિષ્ટ લાગતી સમજ આ વાર્તાઓને સાવ નોંખી, ઠરેલ અને ગમતીલી બનાવે છે. આજના વાર્તાકારોએ જે ધડો લેવા જેવો લાગે છે તે એ કે સામાજિક વાસ્તવનો સ્વીકાર એ તો કલાપદાર્થનો અનિવાર્ય એવો હિસ્સો છે, પણ પછી, એના એ જ રૂપે શબ્દબદ્ધ કરી દેવાથી કે એના સામા છેડે આધુનિકગાળામાં જે વધારે આગ્રહશીલ થઈ જવાયું હતું એવી પ્રયોગખોરી કરવા જેવા બેય અન્તિમોની વચ્ચે વાર્તાકારે જગ્યા શોધવાની હોય છે. સુમન શાહની આ વાર્તાઓમાં તમે એ પામી શકો. અહીં ટેરિટોરિયલ બડ્ર્સ-શ્રેણીની વાર્તાઓમાં કોમી રમખાણ અને વિદેશમાં વધી રહેલ ઇસ્લામોફોબિયાને આલેખાયો હોવા છતાં એ સામાજિક સમસ્યાનું આલેખન માત્ર નથી બની રહેતું. એ કલાત્મક એટલે બનીને આવ્યું છે કે એ કળાપદાર્થ લેખે રૂપાન્તરણની પ્રક્રિયા પામ્યું છે. સાચો કલાકાર એ છે જે માટીમાંથી મૂર્તિ બનાવે ને એ પછી એમાં માટી દેખાય જ નહીં એવું રૂપાન્તર કરી નાંખે, તે જ એની ચેલેન્જ હોય છે. ‘ડોક્યુમેન્ટરી’ વાર્તામાં આપણી સંવેદનબધિર વ્યવસ્થાને ચીંધવી છે, કોઈનું મરણ – બહુ મોટા માણસનું મરણ – પણ અહીં પાછળ રહી ગયેલાઓ માટે કેવું સપાટ-સહજ અને પોતાના ખેલ પતાવટનાં સાધનો હોય છે તેનું ઘેરું આલેખન આ યુગની ઘાતક એવી સંવેદનજડતાને કલાત્મક રીતે આલેખે છે. જાણીતા માણસના મરણ સાથે જોડાયેલી વાર્તાઓની – ખાસ કરીને બેસણાંઓ વખતની વર્તણૂકને નોંધતી હોય એવી વાર્તાઓની પણ ગુજરાતીમાં એક પરંપરા ઊભી થઈ છે. એ બધીને સાથે રાખીને આ વાર્તાને મૂલવીએ ત્યારે ખ્યાલ આવે કે સુમન શાહ કેવા મર્મને વીંધી શક્યા છે. ‘ઊગીને જાતે ફેલાયેલી ઘટનાને મેં જાણી’ જેવું લાંબું શીર્ષક ધરાવતી વાર્તા સાવ અનોખી લાગી. સાવ અજાણ્યાઓ ઘરમાં ઘૂસી આવે, જમાવી દે પોતાનો હક્ક, પાછા ઘડીક અલિપ્ત, ઘડીક પૂરેપૂરે લિપ્ત થાય એવા સંવાદો, ક્યારેક ઢંગધડા અને અસંબદ્ધ લાગતા વાર્તાલાપોમાંથી જે વ્યંજિત થતું જાય છે તે આજનું જીવન, આપણે બધા જે રીતે જીવીએ છીએ, જે રીતે એકબીજા સાથે પરિસ્થિતિવશ કે આકસ્મિક મુકાઈએ છીએ ને વિખૂટા પડીએ છીએ તેનું ભાતીગળરૂપ હળવાશભરી પરત સાથે આલેખાયું છે. આ સંવેદના આધુનિકગાળાની રચનાઓમાં જોવા મળતી એનાથી સાવ ભિન્ન અને આગવી છે. જુઓ સુમન શાહનું નિવેદન, ‘મારે બસ વાર્તા ‘કહેવી’ છે. વાર્તાતન્તુ ‘સાધી રાખવો’ છે ને એથી જે વાચનસેતુ ઊભો થાય તેને ‘ટકાવી રાખવો’ છે. આખું કમઠાણ એવું સરજાય કે વાચકને વાર્તારસ તો મળે જ મળે... અભિગમની ત્રીજી વાત છે. મનુષ્યના વર્તમાન જીવનમાં જે પ્રશ્નો છે તેનો મારે દિલી સ્વીકાર કરવો. હું કપોળકલ્પનનો સર્જનમાં આશ્રય જરૂર કરું છું પણ મનુષ્યજીવનને કદી પણ કલ્પનાથી નહીં, બલકે હંમેશાં ઉઘાડી આંખે જોઉં છું. એટલે વાર્તામાં હું કોઈ ને કોઈ સામાજિક પ્રશ્નને જરૂર સ્પર્શું જ છું! કેમ કે હું તે પ્રશ્નની વાર્તા નથી કાંતી કાઢતો પણ એ પ્રશ્નએ વ્યક્તિઓના જીવનમાં ઊભા કરેલાં પરિણામોનું નિરૂપણ કરું છું. સમાજને બૅકગ્રાઉન્ડમાં રાખું છું અને વ્યક્તિઓનાં એ પરિણામોને ફોરગ્રાઉન્ડ કરું છું. એટલે કે, પાત્રો એ પરિણામોને કઈ રીતે જીરવે છે, ઝીલે છે, વગેરે દર્શાવું છું.’ (નિવેદન, પૃ. ૯) સ્ત્રી-પુરુષોની જાતીયતા વિશેની મથામણો, સામાજિક સંસ્થાઓ – જ્યાં વનિતાઓની સુરક્ષા જ મહત્ત્વની છે એવી સંસ્થાઓ ને એની સામે ઘરમાં યુગલો વચ્ચેના ય સંબંધો – આ બંનેને ગૂંથતી વાર્તા ‘ખાઈ’ તમને જકડી રાખે. ‘ઘાસલેટિયાની અને ઘીયાની વાર્તા’માં જે બોલીનો ઉપયોગ કરીને આખોય પરિવેશ જીવન્ત કર્યો છે તે તો ધ્યાન આકર્ષે જ, પણ બે ઘટનાઓની સેળભેળ – ચંદુ ડોહાનું મૃત્યુ – જે જિંદગીભર દેવાં કર્યાં ને કોઈનાય ચૂકવ્યાં નહીં – તેનું મૃત્યુ અને સમાન્તરે કથાનાયક શરદ અને સુશીની નંદવાયેલી પ્રેમકથા – કહો કે દેહાકર્ષણની કથા જે રીતે અંકોડા ભીડીભીડીને ગૂંથાઈ છે તે જોઈને નવી જ દિશામાં ડગ માંડતા સુમન શાહને જોઈ શકાય. ‘ચેટરબૉક્સ’ વાર્તા પ્રમાણમાં સપાટ એવા એક પરિમાણમાં પ્રસરણ પામી હોવા છતાં એમાં જે વિમાનમુસાફરીમાં જોડાઈ જતાં સાવ ભિન્ન ધરાતલવાળા સહયાત્રી સાથેનું વિચિત્ર જોડાણ વાર્તાને રસપ્રદ પરિમાણ આપે છે. તો ‘ઍનિથિન્ગ એવરીથિન્ગ’ વાર્તામાં કપોળકલ્પનનો આશ્રય લઈને ય વાર્તાકારે જે આશા સેવી છે એ ગજબની છે. પ્રેમ-વાસનાનાં રૂપો આ વાર્તામાં એના સૂક્ષ્મસ્તરો સાથે ઊભરી આવ્યાં છે. જો કે, વાર્તાત્રયી – એવી ભાઈ-બેનાની વાર્તાઓમાં જે રૂપે પ્રેમ અને વાસનાનાં રૂપો ઝીલાયાં છે તે અનન્ય છે. એક તો આ બંનેનો સંબંધ જ ભારતીય પરિપ્રેક્ષ્યમાં સાવ નોંખો છે, એ બંને જે પ્રકારના ક્રૂર વાસ્તવમાં મુકાયેલી એકલતા ભોગવી રહ્યા છે તે ય સાવ આજના જમાનાની દેણ છે, એમાં ઉમેરાય છે સાંસ્કૃતિક ભેદભર્યા મુલકમાં વસવાટ અને વતનની આવ-જા. એનાથી જે ‘ટાઇમપાસ’ નિમિત્તે કહેવાયું છે તે એમની વાર્તાઓને દેશ-વિદેશના સીમાડાઓથી પર કરી દેનારી નીવડે છે. સુમન શાહે ક્યાંક કહેલું કે ‘હું ઇચ્છું કે મારી છેવટે બે-ત્રણ વાર્તાઓ પણ જો વૈશ્વિકકક્ષાએ ટકે એવી રચાઈ આવે’ તેવા પ્રયત્ન કરતો રહેવાનો છું. ૦૦૦ સુમન શાહની અત્યાર સુધીની પ્રકાશિત થયેલ બધી જ વાર્તાઓમાંથી પસાર થયા પછી કેટલીક વિશેષતાઓ આ રીતે અંકે કરી શકાય.
છેલ્લે એટલું જરૂર કહીશ કે સુમન શાહ સુકુમારમાર્ગના સર્જક નથી, એ વિચિત્રમાર્ગના અને સજ્જ ભાવકની અપેક્ષાએ રાહ જોનારા સર્જકોની જમાતના વાર્તાકાર જરૂર છે.
વાર્તાસિદ્ધિ માટેની આવી ખેવના કરનારા વાર્તાકાર સુમન શાહની વાર્તાઓને જાણ્યા-સમજ્યા વિના ગુજરાતી વાર્તા વિશેની વાર્તાસમજ અધૂરી રહે એવું વિધાન કરવામાં મને જરા જેટલો પણ સંકોચ થાય એમ નથી.પાદનોંધ :
નરેશ શુક્લ
પ્રોફેસર અને અધ્યક્ષ,
ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,
ઉધના-મગદલ્લા રોડ, સુરત-૭
મો. ૯૪૨૮૦૪૯૨૩૫
Email : shuklanrs@yahoo.co.in