ગુજરાતી નારીસંપદા : કવિતા/જનની

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જનની

ગીતા નાયક

મને નદી ન કહો.
ધસમસતું વહેવું,
શીતલ જલ છલકાવતાં જવું,
બેય કાંઠે
એવું, મારાથી નથી બનતું.
આ કાંઠે વનવેલી ઘેઘૂર
પેલે તીર હવેલી ઊંચી
હેતથી ઝીલે છાયા
રમતી રાખે હૈયાસરસી
એવું, મારાથી નથી ઝીલાતું.
નદી જલે
તરતી નૈયા, જોડતી બેય કિનારા
મારાં નાભિજલે
ઊગ્યાં બે કમળ ફૂલ
એક પૂર્વમાં બીજું પશ્ચિમે ખીલે
ચાંદા-સૂરજ ઊગાડી ન શકું
એકી સાથે બેય દેશે.
એકને ધરું પાલવનો ચંદરવો
બીજો બળબળતો તાપ ખમે
ઝળૂંબતો ઓથાર હટાવવા મન અધીર
પીડા આ કાયાની
ખોળો તો એક જ!
કણ કણમાં વહેરતી
કરવત કાળની
મારામાં જન્મી ચૂકી જનની ચિરવિરહી
મને નદી ન કહો.

***